વેવિશાળ - 28 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વેવિશાળ - 28

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૨૮. દુ:ખનું સમૂહભોજન

સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચકર થઈ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઈ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઈ ભાઈની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. એક કલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઈ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હૃદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે ‘જો, હોજરીબાઈ, તું મને રોજ ખીજવતી, કેમ કે તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે’ણાં-ટોણાં દેતી. પણ જો! આજે તો હુંય તરબતર છું, છલોછલ છું—ને ખબર છે તને હોજરીબાઈ, હવે તો હું ઘણું કરીને હમેશાં છલોછલ રહીશ—જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું. ખબર છે તને હોજરીબાઈ, આ મોટાભાઈની ધાક-બીક નીચે ઊછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઈ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા, એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે—ને પહેલી વાર વાતો કરનારા શિશુની વાણી કેટલી અર્થહીન ને ધડા વગરની હોય છે! આ પણ ચિરશૈશવમાં જ ખૂંચી રહેલો પુરુષ છે ને! એને શું એક પુત્ર ન જોઈએ? પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઈ પણ ન મળે કે? પુત્રી એના પોતાની, એ તો પોતાની રહી નથી—તો શું જમાઈ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે? જગત શું આટલું બધું સ્વાર્થી ને કૃપણ છે, હોજરીબાઈ? સૌ શું પારકાં સ્નેહ-પાત્રો પડાવી લઈને જ પોતાની જાતને સમૃદ્ધ બનાવતાં રહેશે?’

આવા બબડાટ કરતું નાના શેઠનું હૃદય આરામખુરશી પર પડ્યું હતું ત્યાં તો ટેલિફોન આવ્યો: “કોણ નાનુ શેઠ? એ તો હું ખુશાલચંદ. શોકના સમાચાર છે: સુખલાલની બા ગુજરી ગયાં. અમે એનું સનાન કાઢીએ છીએ.”

“હું-હું-હુંય આવું?”

“તો પધારો.”

ટેલિફોન ઉપર નાના શેઠની જીભ થોથરાઈ ગઈ ને એણે કોઈ ગંભીર કસૂર કરી નાખી હોય તેવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું.

ત્યાં તો ફરી વાર ઘંટડી વાગી ને ખુશાલભાઈના શબ્દો સંભળાયા: “નાનુ શેઠ, અમે આંહીં સનાન કરવામાં તમારી વાટ જોઈએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડશું.”

એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો. પછી તો ના પાડવાની બારી ન રહી. પેઢી પર એણે પોતે જે કામે જતા હતા તે કોઈને બતાવ્યું નહીં, છતાં એક માણસને ખુશાલભાઈની ઓરડી બતાવવા સાથે લેવો પડ્યો. તેને પણ નાના શેઠે સૂચના આપી: “કોઈને કહેવાની જરૂર નથી.”

લગ્નમાં કે મિજબાની-ઉજાણીમાં નોતરાં વિનાના રહી જનાર જે સંબંધીઓ ને સ્નેહીઓ, તેઓ મૃત્યુના કે માંદગીના અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં એવું મધ્યમવર્ગનું અણલખ્યું બંધારણ છે. ઓચિંતી ફૂટી પડેલી શ્રીમંતાઈના ઘન અંઘકાર વચ્ચે ઝળહળી ઊઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાનાં છતાં પોતાથી અદૃશ્ય બનેલાં સગાંના સમૂહનું દર્શન કરાવ્યું. ધોળાં ફૂલ કપડાંવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો, છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીંધી. ગળામાં સોનાનો છેડો ને કાંડે ઘડિયાળનો સુવર્ણપટો એને શરમાવવા લાગ્યાં, ને એને ભાન થયું કે પોતાને આવા શોકના પ્રસંગે બેસતાં, બોલતાં, મોં પર છાજતો ભાવ ધારણ કરતાં કે ખરખરો કરતાં આવડતું નથી. જ્યાં અફસોસ બતાવવો ઘટે ત્યાં એ હસતો હતો.

ખુશાલભાઈએ એને ધીરે ધીરે ફોડ પાડ્યો: “માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિંતું થઈ ગયું. કાંઈ વધુ પડતા હરખની લાગણીનું છાતી માથે દબાણ આવ્યું.”

“હરખની લાગણી?” નાના શેઠે વિચિત્ર વાત સાંભળી.

“થાય જ ને! સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું ખરું ને!”

નાના શેઠ તો આભા જ બન્યા. એને કાંઈ ખબર નહીં હોય, એવા કશા જ ખ્યાલ વિના ખુશાલભાઈએ વિશેષ તારીફ આદરી:

“ઘણાં લાંબા કાળની ઝંખના: ક્યારે લગન થાય, ક્યારે વિવા થાય: એમાં ઓચિંતાનાં જ જઈને ઊભાં રહ્યાં, ને ગયાં તે ભેગાં જ ઘરમાં એની ડાહ્યપ ને એની માયા-મમતા પથરાઈ વળી. ઈ હરખના આવેશમાં મારાં ફૈબાનું કાંકણ જેવું હૈયું તૂટી ગયું.”

ખુશાલને મૃત્યુના ખરા કારણની ખબર નહોતી. દીપા શેઠે એનો ઈશારો પણ લખ્યો નહોતો.

નાના શેઠની કલ્પનાશક્તિ ને અનુમાનશક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ વળ્યાં, ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નજીક નિહાળ્યાં. પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે? એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો મોટાભાઈ બીજે તજવીજ કરી રહ્યા છે!

“આ જુઓ ને, મારા ફુઆના કાગળમાં ઘેલીબેનનાં કેટલાં વખાણ લખ્યાં છે!”

એમ કહેતે ખુશાલે સૌ સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો; વાંચતા વાંચતાં ઘેલીબેન (ભાભુ)ના વર્ણન પાસે એનું ગળું વારંવાર થંભતું હતું. ને આભડવા આવેલાઓનો આખો સમૂહ અંદર અંદર પૂછપરછ કરતો હતો: “ઈ ઘેલી કોણ?” “ચંપક શેઠનાં વહુ.” “આપણી ઘેલી—ન ઓળખી? સુડાવડવાળી.” “લાખેણું માણસ.” “પૈસાનો મદ ન મળે.” “લ્યો, ઠેઠ આંહીંથી માંદી વેવાણની ચાકરી માટે દેશમાં પહોંચ્યાં!”

“વહુ પણ કેવી સુલક્ષણી!” “એને કેળવણી ઈ ઘેલીની, હો!” “મરનારનું તો મોત સુધરી ગયું ને, ભલા માણસ! નીકર આ કળકળતા કાળમાં કોણ કોનાં સગાં ને સાંઈ!” “દીકરાની કુંવારી વહુના હાથની ચાકરી લઈને ગયાં—ભવ જીતી ગયાં!”

“બસ બસ! મારી ફૈબાનું મોત સુધરી ગયું. ને સુખાના હાથપગ હવે જોરમાં આવ્યાં.” ખુશાલના આ શબ્દોએ સૌની આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી. પૌરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચુપચાપ બેઠો હતો. વરસી ચૂકેલા મેઘ પછીનાં નેવાં સમી એની આંખો ધીરે ટીપે ટપકતી હતી. એ ધ્રુસકાં ને ડૂસકાં ભરતો નહોતો, એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો; વેદનાનું એ જાણે અમૃતપાન કરતો હતો.

“હજી એક કલાક પહેલાં તો ટપાલ-ઓફિસમાં રજિસ્ટર કરતા’તા.” નાના શેઠ શોકભર્યું મોં ન રાખી શકવાથી સ્મિતભર્યા હોઠે બોલતા હતા: “માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા’તા! આ-હા-હા! સંસાર તો એવો છે…”

“ઊઠો હવે, સૌ નહાઈ લ્યો. કોઈએ સાદ કાઢવાનો નથી. બાયડિયુંએ પણ રોવાનું નામનુંય કરવાનું નથી, એમ મારા ફુઆએ લખાવેલ છે. માટે સૌ ભાઈઓ અને બાઈઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો.”

ખુશાલભાઈની એ સૂચના મુજબ સૌ નાહવા લાગ્યાં, ને એક મૃત્યુની વાત આડે બીજી અનેક દિલસોજીભેરી વાતોના પડદા પાડી પાડીને આ સમૂહે સુખલાલને આ પરિવર્તનને સામે પાર ઊંચકી લીધો. દુ:ખનો થાળ જાણે સગાંસ્નેહીઓનો આખો સમૂહ ભેળો બેસીને ભાગે પડતો જમી ગયો.

નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નાહવા જતા હતા, તેને ખુશાલે રોકીને કહ્યું: “તમે આંહીં ઓરડીમાં પધારો. બહાર ઉઘાડામાં નાવાની ટેવ ન હોય, એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે.”

નાના શેઠે અંદર જઈને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું. બીજા બેચાર વૃદ્ધો—અશક્તોને પણ ખુશાલભાઈએ એ જ સ્નાનની સગવડ આપી.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sejal Patel

Sejal Patel 2 માસ પહેલા

Suresh Patel

Suresh Patel 2 માસ પહેલા

arti

arti 1 વર્ષ પહેલા

r patel

r patel 2 વર્ષ પહેલા

Hetal

Hetal 3 વર્ષ પહેલા