વેવિશાળ - 25 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેવિશાળ - 25

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૨૫. મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી

હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઈની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાળિયા વહાવી રહી. એને સૂઝ ન પડી, કે આ બધું શું થઈ રહ્યું છે! આ પારકી બનેલી દીકરા-વહુને લઈને કયું વેર વાળવા મુંબઈના ધનવાનની વહુ આવી છે! મારા ચકલ્યાંના પીંખાયેલા માળાનો લાજમલાજો આ કોના હાથે લૂંટાઈ રહેલ છે? એવો મારો કયો અપરાધ થયો છે, એવાં તે મેં કયા ગરીબની લાજનાં લૂગડાં ખેંચ્યાં હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે! આજ તો ક્યારની આ મારી જ દીકરા-વહુ હોત. આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત, એને બદલે આજ એ બેઠી છે ચૂલે બીજા જ કોઈ રંગઢંગમાં! આ ચૂલા પરનું દૃશ્ય સાચું છે, છતાંય કેવી ઈંદ્રજાળ છે! વાસ્તવિક છે, છતાંય કેવી વિકરાળ માયા છે! કેવું ભયંકર તરકટ છે! ગાલ પર વિધાતાનો કેવો આકરો તમાચો છે! આ દિવસ દેખાડવા જ શું મારી સ્ત્રીને જીવતી રાખી ભગવાને? આવી ખબર હોત તો હું ઉતાવળ કરીને એનો ભરમ શીદ ભાંગી નાખત? ફારગતીની વાત ન ફૂંકી દીધી હોત તો અત્યારે આ સ્ત્રીના અંતકાળનો બેડો પાર થઈ જાત. પણ હવે તો એનું મોત બગડી ચૂક્યું.”

વાછડી પોતાનું આંગળું માના આંચળના જેવું ગણી ચૂસી રહી છે તેની દીપચંદ શેઠને સરત જ પછી તો નહોતી રહી. પંથભૂલ્યા વટેમાર્ગુ જેવો એ વિચારોમાં અટવાયો હતો, ત્યાં તો ભાભુનો સાદ પડ્યો:

“કાં કાકા, ચાલો લ્યો, રોટલો ખાવા બેસો. થાળી કરી છે તમારી.”

વણિક સામે જોઈ રહ્યો. હસતી ઘેલીબાઈનું હાસ્ય એને હૈયે ખૂંચ્યું, તો પણ વાણિયો ખંજર સંઘરીને સામે હસ્યો; જવાબ દીધો: “હાલો, બેન! આવીને ઊભાં રિયાં ત્યાં તમનેય ઠીક લાણ મળી!”

“તમારી દીકરીના કોડ પૂરા થયા ને, કાકા!”

“ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. એના હાથનો રોટલો પામું, એ કાંઈ નાની વાત છે?”

એવું બોલતા બોલતા દીપા શેઠ પગ નીચે ઢીંચણિયું દબાવીને ખુલ્લે શરીરે, લલાટે હાથ ફેરવતા, કરચલીઓના વિધિ-લેખ વાંચતા, અંદરના ખદખદાટને પીવા મથતા, રસોડાની બહારની પરસાળમાં બેઠા. એને કાંસાની થાળીમાં બાજરાના નાના નાના બે રોટલા પીરસાયા. ઘેલીબેને (ભાભુએ) કહ્યું: “જોયું ને, કાકા, આજકાલનાં છોકરાંએ હવે તો આમ પાટલા ઉપર થાબડી થાબડીને બાજરાના રોટલાની શોભા જ મારી નાખી! બે હથેળિયું વચ્ચે લોટ ટિપાતો ટિપાતો કંઈક નકશીઓ કાઢતો, તે ટાણાં તો હવે ગયાં, હો કાકા!”

“બોલો મા, બાપા! આમાં શું વાંકઘોંક છે? આયે કોઈ ભાત્યનો રોટલો છે!”

“તમે તો વખાણ જ કરો ને? એમ કાંઈ તમારી દીકરી રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય!”

“એક વારનું રોટલાનું બટકું તો કૂતરુંય નથી ભૂલતું, બેન! તો હું જીવતો માનવી કેમ ભૂલું!”

પૂરું પીરસીને ભાભુ જરા છેટે બેઠાં બેઠાં દીપા શેઠનું ભાણું સાચવવા લાગ્યાં, અને સુશીલા બીજે બારણેથી ફરીને ફળીમાં નીકળી. એના હાથમાં એક થાળી ને તાંસળી હતાં. લાજ એણે નહોતી કાઢી, પણ સાડીની કિનારને ફક્ત વિનયસૂચક અંતરપટરૂપે ગાલ આડે ઝુલાવી હતી.

“જો બેન, સામેના ઓરડામાં.” ભાભુએ બેઠાં બેઠાં એને ઓરડો ચીંધ્યો.

“કોને માટે?… શું?” દીપા શેઠે પૂછ્યું.

“એ તો લઈ જાય છે દીકરી માટે સાબુચોખાની કાંજી.”

ડોસાને ફાળ પડી: અણસમજણાં છોકરાં ક્યાંઈક દાટ વાળશે!

ધાણીફૂટ તાવમાં ભૂંજાતી સૂરજ તો એના બાપા સમાચાર આપી ગયા ત્યારથી જ તાવના ઘેનમાં ઢળતાં પોપચાંને જોરાવરીથી ઉઘાડી જોવા મથતી હતી. મનમાં ‘સુશીલા’ ‘ભાભી’ ‘આવેલ છે’ના અસ્પષ્ટ ભણકારા ગાજતા હતા. એને કપાળે મીઠાનાં પાણીનાં પોતાં મૂકનાર છ વર્ષનો ગભરુ ભાઈ ‘છુછીલા ભાભી’ના નામથી પરિચિત હતો. તેની ધીરજ રહી ન શકવાથી એ બેનને પોતાં મૂકવાનું પાણી લાવવાને બહાને પણ સામે રસોડામાં જઈ આવ્યો હતો. ડોકિયું કરીને એ બાપની આજ્ઞાને આધીન રહેવા પાછો આવી ગયો હતો. પરંતુ તેની સાથે તેની નાની નાની બે આંખોમાં, તેના નાના હૃદયમાં, તેના શ્રીફળના ગોટા સરીખા માથામાં એક મધુરા મોંનું ચિત્ર પણ આવ્યું હતું. ‘છુછીલા ભાભી’ આજ સુધી શબ્દરૂપિણી હતાં, તે દેહધારિણી બની દેખાઈ ગયાં. છોકરાએ આવીને સૂરજને ઢંઢોળી: “બેન ઊઠ તો ઝટ! હમણાં આંહી છુછીલા ભાભી આવે છે. બેન, મને લછોલામાં છુગંધ આવી’તી. બેન, એણે માલી છામે જોયું! એણે દાંત કાઢયા! મને એકલાને…! પોટી, તુંને નૈ… તુંને નૈ બોલાવે…”

ભાઈના એ લહેકાદાર શબ્દો સાંભળતી ચાર વર્ષની બહેનનું મોઢું પહોળું થયું ને એણે ધીરે રુદનસ્વર કાઢયો, એટલે છોકરાએ કહ્યું:

“લે તને બોલાવછે, બોલાવછે હો! હું એને કૈછ, હો કે!”

પા કલાકમાં બેનના લલાટે ઝપાટાભેર મીઠાના પાણીનાં પોતાં મૂકીને એ નાનકડા છોકરાએ સૂરજનું તાવ-ઘેન ઉતાર્યું. પોપચાં ઊઘડતાંની વારે જ સૂરજે ચોપાસ જોયું. એણે ત્યાં બાજુમાં જ પડેલી પોતાની પેટી ઉપર પિતાના હાટમાં આવતા કાપડના તાકા પરથી ઉખેડીને પોતે ચોડેલી સુંદર સ્ત્રીઓની ને દેવીઓની તસવીરો નિહાળી. એણે મહેનત કરીને પોતાનું ઓઢણું ઓઢી લીધું, ને એ પગ ઢાંકીને મહેમાનની રાહ જોતી બેઠી. એ તાવમાં ભૂંજાતી, છતાં મહેમાનની હાજરીમાં હસતાં જ રહેવાય તે માટે મોંને મલકાટભરી સ્થિતિમાં લાવવા મથતી હતી. એને કોયડો બન્યો હતો એક જ વાતનો: બાપા શા માટે ‘ભાભી’ કહીને ન બોલાવવાની શિખામણ આપી ગયા? શું મુંબઈનાં માણસોમાં ભાઈની વણપરણેલી વહુને ‘ભાભી’ કહેવી એ અવિવેક ગણાતો હશે? ને મેં તો આજ સુધી સુશીલાભાભી, સુશીલાભાભી જ ગોખ્યા કરેલ છે એટલે મારી જીભને ટેરવે એ જ બોલ ચડી જશે તો? ભાભી ઊઠીને ચાલ્યાં જશે તો? ભાભીને આંહીં મારા તાવનો પરસેવો ગંધાશે તો? ભાભીના શરીરને હું અડીશ કેમ કરીને? હું એને શું કહીને બોલાવીશ તો રાજી થશે?

આ વિચારો કરતી એ મહાકષ્ટે તૈયાર થઈ બેઠી હતી, ત્યાં તો કાંજી લઈને સુશીલા આવી. એને દેખતાં જ સૂરજ ભાન ગુમાવી બેઠી. પગે લાગવા માટે તૈયાર રાખેલા હાથ ઊપડ્યા નહીં. ‘આવો! ક્યાંથી આવ્યાં?’ એવો કશો જ હરફ મોંમાંથી ફાટ્યો નહીં, માત્ર જોઈ જ રહી. હસતી હસતી જોઈ રહી—ને પછી હસતી આંખે પાણી ઊભરાયાં.

“તમારો કાગળ મને મળ્યો હતો,” સુશીલાએ નીચે બેસીને કાંજી ઠારતાં ઠારતાં કહ્યું, “એવો સરસ કાગળ મને લખતાં ન આવડ્યો, એટલે હું શરમથી ન લખી શકી.”

સૂરજ સુશીલાને ઉત્કટતાથી જોતી હતી તે કરતાં તો કેટલીય વધુ ઉત્કટતા સૂરજના મોં પર ભમતાં સુશીલાનાં નેત્રોમાં ભરી હતી. બરાબર એ જ આંખો ને એ જ સબૂરીભર્યું મોં: એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ: એ ઘાટીલો આદમી અત્યારે મુંબઈના કયા ફૂટપાથ પર ભમતો હશે? મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નંખાવ્યો હોય?

“તમે ચોપડીઓ મોકલેલી…” સૂરજ માંડ માંડ એક વાક્ય બોલી શકી. બોલતાં પહેલાં તો એણે કોણ જાણે કેટલીય ગળણીઓમાં એ વાક્યને ગાળ્યું હતું.

“હું મોકલવાનું ભૂલી ગયેલી.” સુશીલાએ સૂરજના વાક્યમાં કટાક્ષ માન્યો.

“ના, બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું બંધાવેલું પોટકું ભૂલી આવ્યા.”

સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો. એણે કહ્યું:

“બીજી મંગાવી દઈશ. હું તો હજુ રોકાવાની છું.”

“આંહીં?”

“આંહીંથી સાવ પાસે—થોરવાડમાં.”

“મેં દીઠું છે.”

“ક્યાંથી?”

જવાબ દેતાં સૂરજને ભારી શરમ સતાવી રહી. પણ આખરે એણે કહી દીધું: “છાણાં વીણવા એક વાર નીકળેલ તે ત્યાં પહોંચી ગયેલાં.”

“ક્યારે?”

“બે’ક મહિના થયા હશે. પાછાં આવતાં રાત પડી ગયેલી.”

“તમને મોકલે છે?”

આ પ્રશ્ન પૂછતી પૂછતી સુશીલા સૂરજની બારેક વર્ષની વયનો વિચાર કરતી હતી.

“શું કરે?” સૂરજે છાણાં વીણવાની આર્થિક ફરજ સૂચિત કરી.

“બીવો નહીં?”

“એકલા જરા બીયેં, પણ ભેગું નાનું છોકરું હોય તો પછી કોઈની બીક નહીં. કોઈ નામ ન લઈ શકે.”

“આંહીં બેનપણીઓ મળે છે?”

“ના રે, ના.”

“ભેગું કોણ આવે?”

“આ નાનો ભાઈ છે ને!”

સુશીલાએ એ છોકરાને નિહાળ્યો. નિહાળતાં નિહાળતાં એના પર સહાનુભૂતિ જન્મી. મનમાં મનમાં એ ગોખતો હતો: ‘છુછીલા ભા—ભી—’. ગોખતો ગોખતો એ એકાએક શરમાઈ ગયો. સુશીલાએ પૂછ્યું: “તમે શું કરો છો, ભાઈ?”

“બેનને કપાલે પોતાં મૂકું થું.”

સહાનુભૂતિનાં નીર, બળબળતા ચૈત્ર માસે પૃથ્વીમાંથી ફૂટતી નવી સરવાણીઓ પેઠે, સુશીલાના અંતરમાં ફૂટતાં ગયાં. આટલાં નાનાં છોકરાં શું શું વેઠી રહેલ છે, તેનો વિચાર મનને ભીંજવતો હતો.

સુશીલાનો હાથ આપોઆપ એ હેતભરપૂર, હસતાં, છતાં ઓશિયાળા મોં વાળા નાના બાળકના માથા પર ગયો.

પશુને જરા ખજવાળ કરીએ એટલે એ પોતાની મેળે જ પાસે આવે છે. પશુની એ વિશ્વાસુ લાગણી બાળકોમાં પણ હોય છે. વિશ્વાસુ બાળક નાના વાછરુની જેમ સુશીલાની નજીક ખસ્યો, પણ સુશીલાના સ્વચ્છ સુગંધી શરીરને જોઈ વધુ નજીક જઈ ભરાવાની હિંમત ન કરી શક્યો. સુશીલાના પંજા નીચે પોતાનું માથું એણે નમેલું રાખ્યું.

“આ છાપોની વાત જ તમે કાગળમાં લખી’તી ને?” સુશીલાએ બાજુની પેટી પર ચોટાડેલી કોરા કાપડ પરથી ઉખાડેલી સુંદર છાપો જોતાં જોતાં સૂરજને પૂછ્યું.

સૂરજ શરમથી નીચું જોઈ ગઈ.

“હવે તમે નિરાશ થયાં ને?”

“કેમ?”

“હું ક્યાં આવડી બધી રૂપાળી છું!”

સૂરજે ફરી વાર નીચે જોઈને ફક્ત આટલું જ કહ્યું: “છો.”

ઘુંટણ પર માથું રાખ્યે રાખ્યે સૂરજે એ છાપો સામેથી સુશીલા સામે, ને સુશીલા સામેથી છાપો સામે આંખોને દોડાવ્યા કરી. એની પાંપણનો પ્રત્યેક પટપટાટ જો બોલી શકતો હોય તો ઉપરાછાપરી બોલત કે ‘એવાં જ રૂપાળાં છો, છો, છો…’

સૂરજ બેસી બેસીને બહુ થાકી ગઈ. એનું મોં તાવ ચડવાથી વધુ ને વધુ રાતું બન્યું. એની આંખો ધુમાડા કાઢતી હતી. એણે સુશીલાને પૂછ્યું: “હું સૂઉં?”

“લ્યો તમને સુવાડું.”

“તમારો હાથ બળશે.”

“લો!” એટલું કહી સુશીલાએ સૂરજને પથારીએ પડવામાં મદદ કરી. સૂરજે બની શક્યા તેટલા ઓછા સમયમાં સૂવાની ક્રિયા પતાવી, કેમ કે નાનેરા ભાઈની પેઠે એને પણ આ સ્વચ્છ સુગંધિત શરીરવાળી ‘ભાભી’ને પોતાના તાવલા, પસીને ભીના, ગંધાતા શરીરની નજીક ન આવવું પડે એવી લાગણી હતી. આવી લાગણી સૂરજને માટે સ્વાભાવિક હતી, કેમ કે સાફ વસ્ત્રો પહેરતી વખતે પોતાને પણ એમ થતું હતું કે પોતે કશુંક બગાડી રહી છે.

પછી સુશીલાનું ધ્યાન બે વર્ષની નાની છોકરી, જેને છ વર્ષના નાના ભાઈએ ‘પોટી’ કહી બોલાવેલી, તેના તરફ ગયું. ‘પોટી’ના નાકે શેડાની લીંટ આવી રહેલી હતી, ‘પોટી’ના મોં પર માખીઓનો મધપૂડો રચાતો હતો; છતાં પોટી રડ્યા વગરની ચુપચાપ બેઠી બેઠી, પોતાના મોંને રૂંવે રૂંવે ઠોલતી એ માખીઓનો ખેલ જોઈ રહી હતી.

જોયા પછી એકાદ મિનિટ તો સુશીલાને ચીતરી ચડી. એણે નાના છોકરાને પૂછ્યું:

“બેનને કોઈ લૂછતું નથી?”

“બાપા લુએ થે!”

“કોઈ નવરાવે છે?”

“ઈ ટો લોજ નવલાવે થે. આજ નઠી નવલાવી. ઈ ટો બાને નવલાવટા’ટા બાપા.”

એમ બોલતો છોકરો કપડાનો ટુકડો લાવ્યો, નાની બેનને લૂછવા ચાલ્યો; ત્યાર પછી સુશીલાને પોતાના માટે શરમ આવી. એને મુંબઈની ઈસ્પિતાલ યાદ આવી. સુખલાલના ગંદા શરીરનું સ્પંજિંગ કરતી—અરે, પેલા પડોશી દરદી કચ્છી ડોસાનાં કમકમાં આવે તેવા અવયવો લૂછતી-નર્સ લીના યાદ આવી. નાટકના તખ્તા પર બીમાર-સેવાના પાઠ ભજવતી કોલેજની કન્યાઓ સાંભરી આવી.

એણે એકદમ ઊઠીને ‘પોટી’નું મોં લૂછ્યું. ‘પોટી’ પોતાને સારું થયું કે ખરાબ તેનો કશો ફેરફાર દેખાડ્યા વગરનું મોં લઈને એમની એમ બેસી રહી. કદાચ માખીઓના ખેલમાં ભંગ પડવાને કારણે જ એ હસતી બંધ પડી.

“બા પાસે નથી જતી, બેન?” સુશીલાએ પૂછ્યું.

“બાએ નાં પાલી થે,” નાના છોકરાએ કહ્યું.

સુશીલાએ સૂરજ સામે જોયું.

સૂરજે જોર કરીને અરધીપરધી આંખો ઉઘાડી; નાનેરા ભાઈના બોલ એણે તંદ્રાના તળિયામાંથી સાંભળ્યા હતા. પોતાની બા વિશે ભાભીના મન પર રખે કશું ઊંધુંચતું ભરાઈ જાય, એ બીકે એણે ખુલાસો કર્યો: “બે વર્ષથી બા માંદાં છે—પોટી છ મહિનાની હતી ત્યારથી બાએ ધાવણ છોડાવી દીધું છે. અમને કોઈને પાસે આવવા દેતાં નથી. કહે છે કે છોકરાને રોગની જીવાત લાગે.” એટલી વાત કરીને સૂરજ પોપચાં ઢાળી ગઈ.

એ વખતે જ સામા ઓરડામાંથી એક આર્તસ્વર સંભળાયો. ચમકેલી સુશીલા ઊઠીને જોવા જાય છે, ત્યાં ભાભુ એની પાસે આવી પહોંચ્યાં. એના મોં પર ઉત્પાત હતો.

“શું કર છ, બેન?”

“આ છોકરાંને રમાડતી’તી.”

સુશીલાના એ જવાબે ભાભુના કંઠમાં વધુ કહેવાની હિંમત મૂકી. એમણે ખબર દીધા: “તારી સાસુની સ્થિતિ સારી નથી.”

“શું થયું એકાએક?”

“વેવિશાળ તૂટ્યાની ખબર એને હજી અત્યારે પડી. આઘાત લાગ્યો. નહીં બચે. ઈશ્વર, ઈશ્વર!”

સુશીલાનું મોં લાલ થયું. એણે પૂછ્યું. “કોણે કહી દીધું?”

“તારા સસરાએ.”

“ખોટેખોટું! ચાલો હું આવું.”

“આવીશ, બાપુ?”

ભાભુની પાછળ એ ઊપડતે પગલે મરતી સાસુના ઓરડામાં પહોંચી.

ત્યાં એણે દીઠો એક અણકલ્પેલો ને અણસુણેલો દેખાવ. ગામડિયો પતિ પત્નીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. તેના હાથ જોડાયેલા છે.

એના શરીર પર ફક્ત ફાળિયું છે. એ સાધુ સમો લાગે છે. એના મોં પર મલકાટ છે. એના હોઠ પર ફોસલામણીના શબ્દો છે: “શાંતિથી છૂટી જાવ, શાંતિથી.”

સામે પડેલી પત્નીએ હાથ જોડ્યા છે, એના શ્વાસ પૂરપાટ જતા ઘોડાની પેઠ ઊપડ્યા છે. એના મોંમાં શબ્દો ફક્ત આટલા—ને તે પણ ભાંગ્યાત્રુટ્યા નીકળે છે:

“શાંતિ…થી… પ…ણ… એક…વાર… એક…જ…વાર… મ…મ…મ…ને… સુ… શી…શી…લાનાં… દ…ર…શ…ન… ક…રા…વો… એક…જ…વ… વા…ર…”

“પણ એટલીયે વળગણ શા માટે?” પતિ હસીને કહે છે: “હે આતમા! મુક્ત થા! મુક્ત થઈ જા! વળગીશ મા, ક્યાંયે ઊભો રહીશ મા, હે મુસાફર આતમા!”

“એક…વા…ર… એ…ક…જ…વ… વા…ર… પછી…ચા…લી… ની…ક…ળું…”

“આ લાવી તમારી સુશીલાને,” ભાભુએ ભત્રીજીને અંદર લીધી.

“અરે અરે! બેન!” વણિક બોલી ઊઠ્યો: “આંહીં, આ ટાણે ઈ ફૂલને ન લવાય!”

“ફિકર નહીં, કાકા!…સુશીલા, વંદના કર ને વિદાય દે. આ લે, આ પાણીનો ચમચો; મોંમાં દે, ને કહી દે તારે જે કહેવું હોય તે.”

સુશીલાએ પાણીનો ચમચો ભરીને મરતી સ્ત્રીના મોં તરફ લંબાવ્યો. મરનારે હાથ જોડ્યા, ટગર ટગર આંખોએ તાકીને જોયું: “મારી વહુ! મારી વહુ! મારાં છોકરાંની મા-મા-મા—”

“બોલાય નહીં,” સસરાએ પોતે બાળકને સમજાવતા હોય તેવા પ્રકારે સમજાવ્યું.

“બો…લા…ઈ… ગિ…યું… હ…વે… નૈ… બો…લું… રજા… દિયો.”

સુશીલાની ઊર્મિઓનાં ઊંડાણો ભેદીને એ મરતી સ્ત્રીનો સૂર અંદર ઊતરી ગયો. એ હમણાં જ ત્રણ માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી. હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા, હમણાં જ એને કાને પડ્યો ‘મારી વહુ’નો પોકાર.

ઘરની ધરતી પોકારતી હતી, પૃથ્વી ગાય બની બની ભાંભરતી હતી. એણે હિંમત કરી ચમચો સાસુના હોઠ વચ્ચે પહોંચાડીને કહ્યું: “બધું ખોટું છે. કોઈની મગદૂર નથી. હું આ ઘરની જ છું.” વધુ એનાથી બોલી શકાયું નહીં.

“શાબાશ, મારી દીકરી,” ભાભુએ એટલું કહી મોં નીચે ઢાળી દીધું; એની આંખોમાં છલછલાટ થઈ રહ્યો.

સાસુ ને સસરો બંને સામસામાં આંખો મીચી ગયાં હતા. સસરાની આંખો ઊંડા ધ્યાનમાં વિલીન હતી. સાસુની આંખોની બહાર ખાડામાં અક્કેક અશ્રુકણ હતું.

સુશીલા પણ રડતી હતી.

સસરાના કંઠમાંથી ધીરે ધીરે ઘનગંભીર ઉચ્ચાર ઊઠ્યો: “નમો અરિહં…તાણં…નમો…”

હતો તો ગામડાનો વણિક, પણ કંઠમાં ગાંભીર્ય હતું. સાધુઓ, મુનિરાજો ગામડામાં ઝાઝું નહોતા આવતા, તેથી આ વણિકની ધર્મભાવના વધુ વિશુદ્ધ અને સ્વયંસ્ફુરિત રહી હતી.

મૃત્યુ સમયની પ્રત્યેક પળને ધર્મની અમૂલખ પળ માનનાર આ માનવી ધર્મસ્તોત્રને ગુંજવામાં પૃથ્વી પરનું સર્વસ્વ ભૂલી ગયો.

ફક્ત એક અવાજ એના આત્માના એકલ પરિભ્રમણમાં એની પાછળ પાછળ આવતો હતો: ‘હું આ ઘરની છું.’

કાળ-સરિતાના સામા પારથી આવતો હતો શું એ અવાજ?

ધર્મસ્તોત્રોના જાપ પરથી એનો કંઠ પાછો પૃથ્વી પર ઊતર્યો. એણે થોડીક આંખો ઉઘાડીને પત્નીને દીઠી. ખોળિયું હજુય પ્રાણના ધબકારા મારતું હતું; આંખોના દેવતા હજુય અણબુઝાયા હતા. એક બાજુ સુશીલા હાથ જોડીને ઊભી હતી; બીજી બાજુ, ભાભુ મોંએ હાથ માંડીને કંઈક મનમાં મનમાં ગુંજતાં હતાં. પતિએ પત્નીને સંબોધીને કહ્યું:

“આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે. તમે મને કદી ઊંચે સાદે બોલ્યાં નથી. તમે મારી આબરૂ ઢાંકીને બેઠાં હતાં. હું માગું છું માત્ર એટલું જ, આવતે ભવ તમારે જ પેટ અવતાર મળજો…”

સુશીલા સાંભળતી હતી, સાંભળી સાંભળીને વિસ્મય પામતી હતી. આજનો ધણી જે પત્નીને ઉદરે આવતા જન્મનો બાળક બનવા પ્રાર્થે છે, તેનાં અંતરનાં કેવાં વહાલ હશે! બેઉ વચ્ચે કેટકેટલી લેણાદેણી હશે!

પતિએ તૂટેલો વાણી-તાર ફરી સાંધ્યો:

“છોકરાંની ફિકર કરશો મા. છોકરાં તો આંહીં તમારી થાપણ છે. જ્યાં જાવ ત્યાં બેઠાં બેઠાં મારી આટલી આંટ નભાવજો. છોકરાંને હું નહીં કોચવું.

“તમારી વાંસે ધરમાદો તો શું સંભળાવું? ત્રેવડ રહી નથી. આટલું જ ભાતું બાંધતાં જાવ: કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય તેવાં માંદાંની હું પથારી વેઠીશ, ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે તેની હું ચાકરી કરીશ. તમારા જીવને ગત કરો.”

તે વખતે બીમારના દેહે છેલ્લાં ત્રણ ડચકાં ખાધાં. વૃધ્ધે કહ્યું: “સુશીલા, બેટા, હવે તમે જાવ.”

ધ્રુસકાં ખાતી સુશીલાને ભાભુએ બહાર લઈ જઈ કહ્યું: “મોં લૂછી નાખ, બેન; ને હિંમતથી સામે ઓરડે જઈ છોકરાંને સાચવ.”

***