મારું ઘર Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

મારું ઘર

ઘર વાર્તા 2018 મે

એક ધીમાં આંચકા સાથે ટ્રેન ઊભી રહી પૂના સ્ટેશન પર. પૂનિતાનાં ચહેરાં પર ઊગતા સૂરજની ગુલાબી આભા પથરાઈ ગઈ. પાકીટમાંથી પેન્સિલ મિરર કાઢી પોતાનો ચહેરો જોઈ લીધો. લગ્ન પછી પહેલીવાર પોતાના ઘરે જઈ રહી હતી. એટલે ઉત્સુકતાથી બારી બહાર નજર ઝોલાં ખાઈ રહી હતી. ગળા સુધી ખાતરી હતી કે એનો ભાઈ પૂરવ સ્ટેશન પર એને લેવા આવ્યો હશે, રાહ જોતો ઊભો હશે અને એનાં ભાણિયાને જોતાં જ રાજીનોરેડ થઈ જશે. વહાલી વહાલી કરશે, એને ઊંચકીને ઉછાળશે અને પોતાનો જીવ અધ્ધર થઈ જશે. અને વાતોએ એવો વળગશે કે કહેવું પડશે ‘ ભઈલા, પહેલાં ઘરે તો ચાલ.. મહિનો રોકાવાની છું.. પેટભરીને વાતો કરશું... ’પણ.. આખાં કંપાર્ટમેન્ટમાં એનાં સિવાય કોઈ ન હતું. પ્લેટફોર્મ પર ઊભેલા હમાલને ઈશારો કરીને બોલાવી, રીક્ષા સ્ટેંડ પર ગઈ. કદાચ આવશે એ આશાએ ત્યાં ઊભી રહી. મોબાઈલ કર્યો પણ સ્વીચ ઓફ આવતો હતો. આડાઅવળા વિચાર કરતી આખરે કંટાળી રીક્ષામાં બેસી કહ્યું, ‘નટરાજ ટોકિઝ લે લો. ’

લગ્ન કરીને છોકરી હનીમૂન કરીને આવે એટલે દસપંદર દિવસ પિયરે જાય એવો સમાજમાં રીત રિવાજ ખરો. પણ પૂનિતાનાં નસીબમાં આ સુખ ન હતું. લગ્ન પછી હરીફરીને તેઓ આવ્યાં કે એનાં સસરાને પેરાલાઈસનો એટેક આવ્યો. ઘરમાં વળી એ મોટી. ઘરનો ભાર પોતાને માથે ઉપાડી લીધેલો. એની સાસુમાનાં કહેવા છતાં તે પોતાના પિયર પૂના ના ગઈ. પતિ પરાગે પણ કહ્યું કે પિયર જઈને માબાપ ભાઈઓને મળી આવે. પણ પૂનિતા હસીને કહેતી, ‘ પપ્પાજીને (સસરાને) હરતાફરતા થઈ જવા દે પછી જઈશ. મમ્મીજીને ( સાસુને) પણ થોડી રાહત થાય. અત્યારે હું જાઉં તો મારું સારું પણ ના દેખાય. અને મમ્મી પણ પપ્પાજીનું બરાબર ધ્યાન રાખી નહીં શકે. અને તને પણ ટેન્શન. વળી પંકજભાઈને (દિયરને) ભણવામાં અડચણ પડે.. છેલ્લું વર્ષ છે. સારા માર્કે પાસ થાય તો સારી કોલેજમાં એડમીશન પણ મળી જાય. બળેવ આવશે ત્યારે સંજોગો હશે તો જતી આવીશ. ઘરવાળાં ખુશ અને ભાઈ પણ. ’ અને પરાગ હસતાં હસતાં કહેતો, ‘ પન્નુ, યુ આર ગ્રેટ. તે અમને સૌને એવા સ્નેહ બંધનમાં બાંધી દીધાં છે કે તારા વગર અમારું શું થશે’ કહી એને ઉષ્માભરી નજરે જોયા કરતો . આ બાજુ પૂનાથી વારેઘડીએ પૂનિતાની મા કે ભાઈભાભીનો ફોન આવતો ‘ પુનિ, તું ક્યારે પૂના આવે છે?’ ભાભી કહેતી,’નણંદજી તમે તો આ ઘર ને સાવ ભૂલી ગયાં લાગો છો? વરજીએ તમને મંત્રી નાખ્યાં છે કે શું?’

આ સૌ માટે એક જ જવાબ હતો પૂનિતા પાસે, ‘ મારાં સસરા ઠીક થઈ જાય એ પછી રહેવા આવીશ અને એવા ધામા નાખીશ કે તમે ધક્કો મારી મને બહાર કાઢશો. ’ ‘તમે આવો તો ખરાં.. કોણ કંટાળે છે ... ’ અને હસતાં હસતાં તું તું મૈં મૈં થઈ જતી. વિચારોમાં અટવાયેલી પૂનિતા મોબાઈલની રીંગ રણકતાં ઝબકી ઊઠી. પરાગ હતો. પૂના પહોંચીને ફોન ન કરવાં માટે મીઠો ઠપકો આપ્યો. ઘરે જઈને ફોન કરશે એવો વાયદો આપી રીક્ષા ડ્રાયવરને રીક્ષા ઊભી રાખવાની જગા બતાવી . સામાન ઊતારી પૈસા ચૂકવી હરખભેર ચોકમાં દોડી બૂમ પાડવા જાય છે ત્યાં રાહ જોતી માનો ચહેરો જોયો. એની મા પાણીનાં લોટા સાથે નીચે ઊતરવા લાગી ‘તું ત્યાં જ ઊભી રેજે .. આવું. છુ’કહીને.

***

નાહીધોઈ તૈયાર થઈ પુત્ર પ્રકાશ સાથે હોલમાં આવી હિંચકે બેઠી. નવું ઘર, નવું વાતાવરણ, દાદાદાદીને બદલે નાનાનાનીનાં નવાં ચહેરાં જોઈ પ્રકાશ અકળાઈ રહ્યો હતો. ત્યાં ફરી મોબાઈલ રણક્યો અને કાલીધેલી ભાષામાં તે બાલ્યો “ મમાં પાપા પાપા ફોન... ’ નાનીએ મોબાઈલ પૂનિતાને આપતાં કહ્યું, ‘ લે ફોન.. ’

હસતાં હસતાં પૂનિતાએ કહ્યું, ‘ હા બેટા, પાપાનો ફોન છે. લે વાત કર.. ’ કહી પ્રકાશને કાને ફોન ધર્યો. ‘ પાપા.. પાપા... હા.. હા’ અને હસવા લાગ્યો. પૂનિતા મોબાઈલમાં વાત કરવા લાગી. એની મા આ જોઈ રસોડામાં ગઈ.

‘વાતો પતી હોય જમવા આવો. ’ પૂનિતાની મમ્મીએ રસોડામાંથી હસતાં હસતાં બૂમ પાડી કહ્યું.

પૂનિતાએ રસોડામાં જોયું તો આભી જ બની ગઈ. થાળીમાં એની મન પસંદ ચીજ પૂરણપોળી પીરસાઈ હતી. હસતાં હસતાં તે બોલી, ‘ ભાભીએ બનાવી હશે!’

‘ ભાભીએ.. રામ રામ કર.. આતો મેં બનાવી. તું આવવાની હતી એટલે. ’ કડવાશ સાથે એની મા એ કહ્યું. ‘ પણ ભાઈભાભી ક્યાં ગયાં છે? મને એમ કે ભાઈ મને સ્ટેશને લેવા આવશે. ’

‘ ભાઈ, ઓફિસની પીકનીક પર ગયો છે મિત્રો સાથે. ’

‘ ભાભી પણ ગયાં હશે’

‘ ના, તારાં ભાભી કીટી પાર્ટીમાં ગઈ છે. ”

‘ ઠીક છે’

‘ કેવી લાગી પૂરણપોળી’

‘ મા, હજી પણ તારા હાથનો જાદુ ગયો નથી! તારા જેવી પૂરણપોળી ખાઈએ એટલે અમૃતનો હોડકાર જ આવે. વાહ મજા આવી ગઈ. ’ પ્રેમ ભરી નજરે એની મા પૂનિતાને જોઈ રહી.

સાંજે ભાઈભાભી આવતાં સૂનાં ઘરમાં કલરવ પથરાઈ ગયો. પૂનિતાએ નારાજગી સાથે કહ્યું, ‘ બહેન આવવાની હતી તો સ્ટેશને આવવાને બદલે ફરવા જતો રહ્યો? અને ભાભી તમે કીટી પાર્ટીમાં... કોલકત્તાથી એકલી આવી. બેન ને તેડવા આવવાની વાત તો બાજુએ રહી પણ સ્ટેશને આવવાનું ચૂકૂયો.. ભાભી, લગ્ન કરી પહેલીવાર આવી રહી છું પિયરે અને તમે કીટી પાર્ટીમાં જતાં રહ્યાં.. કેટકેટલી હોંશ હતી મનમાં કે ભાઈ મને સ્ટેશને લેવા આવશે, મને ભેટી પડશે અને તારા ભાણીયાને વળગી પડશે.. અરે એ તો ઠીક હું આવી ગઈ છું કે નહીં તે જાણવા તમારાં બંનેમાંથી ફોન પણ નહીં? ઉંબરો ઓળંગ્યો એટલે પારકી થઈ ગઈ ખરું ને’

‘ પૂનિતા, મારી ભૂલ થઈ ગઈ છે, પહાડ જેવડી. માફી માગું છું એકવાર નહીં તું કહે એટલી વાર.. ’ કહી એનાં ભાઈએ ખિસ્સામાંથી પૂનિતાને મનગમતી ચોકલેટ કાઢીને આપી. અને કહ્યું ‘હવે તો માફ કરીશ ને. ’

અને પૂનિતા હસી પડી. નાનપણમાં જ્યારે જ્યારે પૂનિતા રીસાઈ જાય ત્યારે મનપસંદ ચોકલેટ આપી મનાવી લેતો. અને એની ભાભીએ રસોડામાંથી આવી મનપસંદ આઈસ્ક્રીમ લાવી સૌને આપ્યો. સૌ સ્મરણોની દાબડી ખોલી રાતને શણગારવામાં વ્યસ્ત થઈ ગયાં.

શનિ, રવિ આનંદથી પસાર થઈ ગયાં. ધીમે ધીમે એનું મન બેચેનીનાં વમળમાં ઘસડાવા લાગ્યું. ભાઈ ભાભી સવાર થતાં કામે ચાલ્યાં જાય. સાંજે આવે ત્યારે તેઓ થાકી ગયાં હોય. બપ્પોર ઢળતાં મા ચાલી જાય દેવદર્શને. આખો દિવસ પડ્યાં પડ્યાં કંટાળો આવે. અને આ દિવાલો પણ એક અજનબી શી લાગવા માંડી. આડોસપાડોસમાં સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત લાગ્યાં. થોડો ધણો સમય દીકરા સાથે પસાર થઇ જતો એ અલગ વાત હતી.

***

અચાનક રાતે બે વાગે દીકરો રડવા ચડ્યો. મા ઊઠીને આવી. ઘરગથ્થુ ઉપાય અજમાવ્યાં. ડૂટીમાં છીકણી દબાવી. નજર ઊતારી. પણ શાંત ના રહ્યો. પૂનિતાએ માને કહ્યું, ‘ ચલ, જરા નીચે લઈ જઈએ.. ’

‘ અત્યારે? અડધી રાતે?” મોં બગાડતાં મા બોલી.

‘ ઠીક છે.. હું જરા નીચે જઈને આવું છું.. ”

“ ભાઈભાભીને ઊઠાડી જો... ”

“ અવાજ સાંભળીને તેમને દોડી આવવું જોઈએ... ’

કોઈની પણ રાહ જોયા વગર પૂનિતા દરવાજો ખોલી નીચે ઊતરી, ચોક ની આસપાસ ચક્કર લગાવવા લાગી, દીકરાની પીઠ થાબડતી જાય, દીકરા સાથે વાત કરતી જાય. ધીમે ધીમે દીકરો રડતો બંધ થયો. ઠંડીમીઠી પવનની લહેરમાં ચોકના ઓટલા પર બેઠી. અને યાદ આવી ગઈ એ રાત... ત્યારે પણ દીકરો અચાનક રડવા ચડેલો. ઘરનાં બધાં સભ્યો સાસુ સસરા, દિયર અને પતિ એની આસપાસ ફરી વળ્યાં હતાં ઉચક જીવે અને અડધી રાતે ડોક્ટરને ફોન કરી દવા પરાગ લાવ્યો હતો. અને અહીં તો કોઈ જાતની પ્રતિક્રિયા જ નહીં.

સવાર પડી. રાતનું જાગરણ. પૂનિતા ભરઊંઘમાં હતી. અચાનક જાગી ગઇ. આંખ ખોલેલી જોઈને ભાઈએ પૂછયું, ‘ શું ભાણાભાઈ કજીએ ચડ્યાં હતાં?”

‘ હા. ’ ટૂંકો જવાબ આપી ભાઈને જોઈ રહી. ઘણું કહેવું હતું, પણ કજીયાનું મોં કાળું એમ વિચારી ચૂપ રહી. એક મીઠું વહાલ ભાણીયાને કરી એનાં ભાઈ ભાભી પૂનિતાને બાય બાય કરતાં ઓફિસે જવા નીકળી પડ્યાં.

અઠવાડિયું પસાર થઈ ગયું. ઘણી આકાંક્ષા સાથે આવી હતી. પિક્ચર જોઈશું, હોટલમાં જમશું, દીકરાને લઈને ખરીદી કરશું, બહાર ફરવા જઈશું... પણ આમાંની એકેય ઈચ્છા પૂરી ના થઈ. વાતવાતમાં સાંજે સૌની સાથે જમતી વખતે કહ્યું પણ ખરું કે તે આવતાં અઠવાડિયે કોલકત્તા જાય છે.

‘ કેમ?’ સૌ એક સાથે બોલી ઊઠ્યાં.

‘ પરાગની યાદ આવતી હશે’. ભાભીએ હસતાં હસતાં કહ્યું. પૂનિતાએ કોઈ જવાબ ના આપ્યો. ‘ આવી છે તો રોકાઇ જા. વારેઘડીએ થોડી આવવાની છે. ’ આવા શબ્દો સાંભળવાની ઈચ્છા હતી. પણ ભાઈએ પૂછ્યું, ‘ ક્યારે જવાનું છે? ટિકિટનું બુકિંગ કરાવી લઉં. છેલ્લી ઘડીએ ટિકિટો ફુલ થઈ જાય છે. ’

‘ અરે, રોકાશે હજી હમણાં તો આવ્યાં છે. ” એનાં ભાભીએ કહ્યું.

‘ કોણ જાણે આવી છે ત્યારથી અતડી અતડી રહે છે. મન ગોઠતું નથી લાગતું. ’ એની મા ધીમેથી બબડી.

પૂનિતા સૌનાં ચહેરાં વાંચી રહી હતી. કોઈ કરતાં કોઈ ન તો એની પાસે બે મિનિટ બેઠાં છે કે પ્રેમથી કશું પૂછયું છે. માથું દુખતું હતું. માને કહ્યું કે જરા આદુઅદ્રક વાળી ચા તો બનાવી દે . માએ કહ્યું કે મંદિરનો સમય થયો છે. મંદિરથી આવીને મૂકી દઈશ કહી મંદિરે ગયાં. બુધવાર હોવાથી તેઓ જ્યાં રહેતાં હતાં તે વિસ્તાર બંધ રહેતો હતો. પંનિતાએ ભાઈને ફોન કરી જણાવ્યું કે સાંજે ઘરે પાછાં આવતાં માથું ન દુખે તે માટેની દવા લઈ આવે. માથે કસકસાવી રૂમાલ બાંધીને પૂનિતા પથારીમાં પડી રહી. રોજનાં સમયે મા આવી. ભાઈ આવ્યો. પણ ના ચા મુકાઈ કે ભાઈ દવા લાવ્યો. અને ન તો પૂનિતાએ પૂછ્યું કે શું થયું ચા કે દવાનું. એને એ દિવસો યાદ આવ્યાં. પૂનિતાની પ્રેગ્નન્સીનાં છેલ્લાં દિવસો જતાં હતાં. સવારથી એનું માથું દુખતું હતું. જ્યારે એની સાસુમાને આ વાતની ખબર પડી કે તરત બામ લઈ માથે ઘસ્યો. અદ્રક નાખી ચા બનાવીને પીવડાવી. અને પોતે નીચે ઊતરીને દુકાનેથી જઈને એનાસીનની દવા લઈ આવ્યાં અને પૂનિતાને ખવડાવી. આ દ્રશ્ય ખંડિત થઈ ગયું મોબાઇલ રણકતાં. વાતવાતમાં પૂનિતાએ જણાવ્યું કે એનું માથું દુખે છે. આ સાંભળી પરાગ હસી પડ્યો.

‘ કેમ હસ્યો?’ ગુસ્સાથી પૂનિતાએ પૂછ્યું.

‘ અરે, તારા પાઉચમાં તો દવા મૂકી છે. તાવ,વોમિટ, ડાયેરિયા, માથું દુખવાની. ”

“ ઓહ.. હું પહેલાં દવા લઈ લઉં, પછી નિરાંતે વાત કરીએ ડીયર.. લવ યુ. ’ કહેતાં ફોન કટ કરી દવા લેવા ગઇ.

રાતે મા અને ભાઈ આવીને કહી ગયાં, ‘ અરે હું ભૂલી ગઈ ચા મૂકવાનું. ’ ‘ કેમ છે . દુખાવો આછો થયો કે? તારી દવા લાવવાનું વિસરાઈ ગયું. દુખાવો ના મટ્યો હોય તો લઈ આવું. ’ ભાઈએ કહ્યું.

‘ સારું છે. ’

‘ વાહ.. શેનાથી?’

‘ એમણે દવા મોકલી આપી. ’

‘ ક્યાંથી? કોલકત્તાથી?’

‘ હા’ કહી પૂનિતાએ દવાઓ બતાવી. સૌએ જોઈ લીધો પોતપોતાનો ચહેરો બેપરવાઈના દર્પણમાં. આ બાજુ ક્ષણે ક્ષણની ચિંતા કરતાં એનાં સાસરિયાનો પ્રેમ દેખાઈ આવ્યો. એનાં સાસરિયાનાં પ્રેમને ઘણીવાર એ નજર અંદાજ કરતી એનું ભાન આજે થયું. એનાં આડોશી પાડોશી એનાં સાસરિયાંનાં વખાણ કરતા કહેતાં, ‘ તું ખરેખર નશીબદાર છે કે આવું સ્નેહાળું સાસરિયું મળ્યું છે. આખા ઘરનો કારોબાર તને સોંપી દીધો છે. ” ત્યારે તે દાઢમાં કહેતી, ‘ હું પણ મારી જાત ભૂલી મારાં ઘરને એક માળી બાગને ખીલવે એમ ખીલવું જ છું ને?’

‘ વહુ બેટા, તારા કામનો જશ તારા સાસુ સસરા તને આપે છે એ માટે તું નશીબદાર છે. બાકી બીજે બધે વહુ ઘરનું ગમે તેટલું કામ કરે પણ ભૂંડી જ કહેવાય. તારી સાસુ તારાં વખાણ કરતા થાકતા જ નથી. ’

ક્યારેક બહાર જવાનું નક્કી કર્યું હોય અને પરાગ ઓફિસના કામને લીધે મોડો પડે તો પૂનિતા બે શબ્દો આડાઅવળા પરાગને સંભળાવતી, અને પરાગ હસતે મોઢે સહી લેતો. પણ આજે પૂનિતાને ખ્યાલ આવ્યો પરાગ અને પોતાના ભાઈની તુલના કરતાં કે પરાગ એક મુઠ્ઠી ઊંચેરો માનવી છે. અને મનોમન ક્ષોભ અનુભવા લાગી.. કારણ વગર તે પરાગને કહેતી મારો ભાઈ આવો... મારો ભાઈ તેવો કહી પરાગને નીચો દેખાડતી.

‘ કાલે હું કોલકત્તા જાઉં છું’ પૂનિતાએ બેગ પેક કરતાં કહ્યું. સૌ સ્તબ્ધ થઈ ગયાં. જાતજાતના સવાલ પૂછાયાં. સૌને સમજાવતાં પૂનિતાને નાકે દમ આવ્યો.

“ ના કશું થયું નથી. સાસુસસરા જાત્રાએ જાય છે. ”

“ પરાગકુમારનો ફોન આવ્યો હશે?”

“ એ ફોન કરે એવાં નથી. મને બહારથી ખબર પડી છે. એમનો ફોન આવે એ પહેલાં વેળાસર પહોંચી જવું સારું. ” કહી પૂનિતા શમણું જોવા લાગી. ઘરે એને જોતાં જ પરાગ બોલી ઊઠશે, ‘ અરે પૂનિતા તું ? હું સ્વપ્ન તો નથી જોતોને?’ આવું બોલવાનું કારણ ‘ હું મહિનો રોકાઈને આવીશ. કોઈ કારણ બનાવી બોલાવતો નહીં. હા અને તું તેડવા આવીશ તો જ આવીશ. ’ અને એક અનોખું સ્મિત એનાં ચહેરા પર જે છલકાઈ રહ્યું હતું તે જોઈ ભાભીએ ધીમેથી કહ્યું ‘ વરજી વગર સૂનાં પડી ગયા લાગો છો કેમ?’

‘ એ તો જેનું જે.. ’ કહી પૂનિતાએ બંધ બારી ખોલી તેની ભાભીને ઈશારાથી કહ્યું, ‘ ભાભી, જરા અહીં આવ . તમને કંઈક બતાવું.. ”

“ શું?”

‘ ભાભી ચાંદ શા મારાં મુખડામાં ડાધ ?”

“ મને તો નથી દેખાતો”

‘ એ તો મને જ દેખાશે’ કહી ભાભીને વળગી પડી ...

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.