પ્રેમાગ્નિ - 19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાગ્નિ - 19

વિનોદાબાના રૂમમાં શાંતાકાકી - હસુમામા - હિનામામી વાતો કરી રહ્યા હતા. આખો પ્રસંગ સારી રીતે પાર ઊતર્યો હતો. છોકરો - ઘર - માણસો સુખી - સંપન્ન સંસ્કારી હતા. વિનોદાબાને ખૂબ જ સંતોષ થયો હતો. એક અગત્યનું કામ પૂરું થયું હતું એનો સંતોષ હતો. હસુમામાએ કહ્યું, “બહેન મેલબોર્ન માટે શું જવાબ આપીશું ?” વિનોદાબા કહે, “એમને બધાને મળ્યા પછી મને કોઈ ચિંતા નથી. મને વ્યોમ પર વિશ્વાસ જાગ્યો છે. મને વાંધો નથી. પરંતુ હસુ સવારે મનસાને તમે જ પૂછી લેજો પછી વ્યોમને જણાવજો.”

મનસા હેતલ-બેડ પર આડા પડ્યા છે. મનસાની આંખમાં ઊંઘ નથી. એને વારેવારે મોક્ષના જ વિચાર આવે છે. આ બધું શું થઈ રહ્યું છે. પોતે શેમાં ઘસડાઈ રહી છે. બધા સાથે ચીટિંગ કરી રહી છે. છેતરી રહી છે. પણ શું કરું ઘરની ખુશી માટે જે થશે એ ખરું. એણે મોબાઈલ ઉપાડ્યો અને હેતલની નજર પડી કહ્યું, “કેમ મનસા વ્યોમને ફોન કરે છે ? વ્યોમ કેવો લાગ્યો ? તને ગમ્યો હોય તો હા જ પાડી હોયને. મનસા ! સાચે જ તું નસીબદાર છે. તને જે મળે છે શ્રેષ્ઠ જ મળે છે.” મનસા કહે, “ચાલ હવે સૂઈ જઈએ.” હેતલ કહે, “યાર, તું મેલબોર્ન જાય તો મને સાથે લઈ જજે. એ બહાને મારાથી વિકાસ સાથે હરાય ફરાય રહેવાય.” અને માર્મિક સ્મિત કર્યું. મનસા કહે, “તું વિનોદાકાકીને કહેજેને મારા ઘરે વાત કરે તો મારાથી પણ અવાય. જો જવાનું નક્કી થાય તો મારું ધ્યાન રાખજે. હું સાથે આવીશ હું વિકાસ સાથે વાત કરી લઈશ વિકાસ પણ મારા મમ્મી-પપ્પાને વાત કરશે.” મનસા કહે, “હવે હમણાં સૂઈ જા નહીંતર વિકાસને હીંચકીઓ આવશે.”

મનસાએ ફોન ઓન કરી ગેલેરીમાં જઈને મોક્ષનાં ફોટા જોવા માંડી. એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. એ મનોમન મોક્ષ સાથે વાત કરવા લાગી. મનસાએ ફરીથી મોક્ષને મેસેજ લખવાની શરૂઆત કરી –

“મોક્ષ, મારા મહાદેવ મારે એંજલ ! હું તમને ખૂબ પ્રેમ કરું છું. અહીં બધી જ પરિસ્થિતિ બદલાતી જાય છે. સમય પાણીની જેમ વહી રહ્યો છે. હું ઘરમાં બધા સાથે ચીટીંગ કરી રહી છું છલાવો કરી રહી છું. ગઈકાલે અમે મુંબઈ ગયા હતા વ્યોમનાં ઘરે. મેં સંબંધ માટે હા પાડી છે. અહીં બધા ખુશ છે. મારા સિવાય બધાને આનંદ છે. તમે જેમ કરાવો છો એમ કરી રહી છું. વ્યોમ સારો માણસ છે પરંતુ મારા માટે તમારા સિવાય દુનિયાનો દરેક પુરુષ પરપુરુષ છે, હું એને જીવનમાં કંઈ જ નહીં આપી શકું. હું એને છેતરી રહી છું એના માટે જવાબદાર તું અને ઈશ્વર બન્ને છો. મને આ પરિસ્થિતિમાં મૂકવા, મને છલાવો કરવા મજબૂર કરનાર તમે જ છો. મોક્ષ, હું એક આખરી વાત કહી દઉં છું હું જીવું છું પણ મારું શરીર એક લાશ જ છે. હું જીવી રહું છું એક જ આશાએ કે ક્યારેક તો તમે મને સ્વીકારશો. હસુમામા અને બા મને મેલબોર્ન મોકલવાની પણ તૈયારી કરી રહ્યા છે. મારી સાથે મારી ફ્રેન્ડ હેતલ પણ આવશે એનો ફીઆન્સ વિકાસ પણ મેલબોર્નમાં રહે છે. વ્યોમ અને વિકાસ નજીક જ રહે છે. હું બધું જ કરી રહી છું એક યંત્રની જેમ વર્તી રહી છું પણ મારા પર વિશ્વાસ રાખજો હું ક્યારેય મારો જીવ, આપણો ઓરા, શરીર ક્યારેય અભડાવવા નહીં જ દઉં. નહીંતર જીવ છોડી દઈશ પણ આપેલું વચન નિભાવીશ જ. મેં તમને મારું બધું જ સમર્પિત કર્યું છે એનું માન રાખીશ, હું તમને ‘મોક્ષ’ સુધી સાથ આપીશ. આ મનસા તમારી છે અને તમારી જ રહેશે. તમારા શ્વાસનાં આશમાં જ પ્રાણ ટકાવીને બેઠી છું. નહીંતર મારું કંઇ નહીં ચાલે. મને મજબૂર કરવામાં આવશે, કોઈ જ આશરો નહીં રહે તો પ્રાણનો ત્યાગ કરીશ. મનસા તમારી છે અને તમારી રહેશે. મોક્ષ લવ યુ. મિસ યુ મોક્ષ.”

***

સવારે ધ્યાન-યોગ-બધું પરવારીને મોક્ષ આજે વિચારમાં પડી ગયો. સવારથી અસુખ લાગી રહ્યું હતું દિલ ચોળાતું હતું. એને કશામાં રસ નથી પડી રહ્યો. યોગ ધ્યાન પણ આજે એકાગ્રતાથી ના કરી શક્યો. એને સમજાતું નહોતું કે આજે શું થઈ રહ્યું છે. ગુરુજી સભાખંડ તરફ ગયા. અત્યારે ગીતાજ્ઞાન માહાત્મ્ય ચાલી રહ્યું છે પરંતુ એનું ચિત્ત ચોંટતું જ નહોતું. એ કુટિર પર આવ્યો. એને થયું, લાવ ફોન ઓન કરીને જોઉ, મનસાનો કોઈ મેસેજ છે. કદાચ મનસા ખૂબ વ્યથામાં, પીડામાં છે એટલે એ ખૂબ ડિસ્ટર્બ છે. મોક્ષે આતુરતાપૂર્વક મનસાનો ખૂબ જ વ્યથિત અને પ્રેમાશ્રુવાળો મેસેજ વાંચ્યો. બીજો મેસેજ પણ વાંચ્યો. મનસાની સગાઈ વ્યોમ સાથે થઈ ગઈ છે એ જાણ્યું. મનસાના દિલ-મનના ઉકળાટનો એહસાસ થયો. કદાચ મેલબોર્ન જવાનું થશે. હેતલ સાથે જશે વગેરે વાંચીને એને ખબર નહીં શું થયું ? મોક્ષ ખૂબ વ્યથિત થયો. એનો લાગણીનો બંધ જે બાંધી રાખેલો, અંકુશમાં રાખેલો એ બંધ તૂટી ગયો. એ ખૂબ રડ્યો. વિધાતાના ખેલને સમજી ના શક્યો. ત્યાં મનસા પીડાય છે અહીં હું. આ પીડા કુદરત કેમ જોતી નથી ? કેમ અમને આટલું પીડે છે ? અમારી કેટલી અગ્નિપરીક્ષાઓ લેશે ? મનસા વગર એક પળ નહોતી જતી, આજે એ જ મનસા પરાઈ થઈ રહી છે, પોતાનાથી કોસો દૂર જતી રહેશે ? કેમ કરીને જીવાશે ? પોતાની જાત ઉપર તિરસ્કાર થવા લાગ્યો. પોતે નપુંસકની જેમ આ બધું થતું જોઈ રહ્યો છે, કંઈ જ કરી શકતો નથી. મોક્ષને થયું કે એ આત્મહત્યા જ કરી લેશે – હવે આ જીરવાશે નહીં. મનસાને કોઈ અજાણ્યા પુરુષને હવાલે કરી પોતે અહીં હરિદ્વારમાં બેઠો છે. એનાથી સહન નથી થઈ રહ્યું. એણે મનોમન નક્કી કરી લીધું કે એ આત્મહત્યા કરીને કુદરતને પોતાનો ભોગ આપશે. થોડો સ્વસ્થ થયા પછી મોક્ષે સુરેશને ફોન લગાડ્યો અને ઘણા સમાચાર પૂછ્યા, “ઘરે જાય છે ? સાફસૂફી રાખે છે ? ઘરે કોઈ આવેલું ?” સુરેશ કહે “બધું જ બરાબર છે એ ઘર એકદમ ચોખ્ખું જ રાખે છે. થોડીક પોસ્ટ આવી છે અને મનસાબેન – બે – ત્રણ વાર ઘરે તપાસ કરવા આવી ગયા. તમારા સમાચાર પૂછે છે. કોલેજ પર પણ આવેલા સર ! તમે કેમ છો ? તમારી તબિયત સારી છે ને, સર ? તમે મનસાબેન સાથે વાત કરજો, તેઓ ખૂબ દુઃખી અને વ્યથિત જણાતા હતા. તેઓએ તમારો ફોન આવે તો એમને ફોન કરવા કહેવા જણાવ્યું છે.” મોક્ષ કહે, “તું બધું બરાબર ધ્યાન રાખજે, ઘર સાફ કરાવજે હું ફોન કરીને વાત કરી લઈશ.”

મોક્ષે મિસ પંડ્યાને ફોન કર્યો. મિસ પંડ્યાએ આશ્ચર્ય સાથે કહ્યું, “મોક્ષ તમે ક્યાં ખોવાયા છો ? અહીં બધા તમારી રાહ જુએ છે. તમારું કામ પુરું થયું કે નહીં ?” મોક્ષ કહે, “ના હજી મને થોડો સમય લાગશે. તમારા બધાની ખબર પૂછવા ફોન કર્યો છે.” મિસ પંડ્યા કહે, “અમારા બધાની કે....?” મોક્ષ કહે, “હા, બધાની જ. કેમ છો તમે ? મનસા કેમ છે ? એનું રિઝલ્ટ શું આવ્યું મારા વિષયમાં કેવું છે ?” મિસ પંડ્યા કહે, “એ કોલેજમાં ત્રીજા નંબરે આવી છે. પ્રથમ તન્મય આવ્યો છે. તમારા વિષયમાં મનસા સર્વપ્રથમ આવી છે. 100/100 માર્ક છે. તમે ખૂબ સરસ ભણાવી છે.” મોક્ષને ખબર પડી કે તેઓ કટાક્ષ કરે છે. મોક્ષે પછી બધાની ખબર પૂછી અને ફોન બંધ કર્યો.

બધા સાથે ફોન પર વાત કરીને મનસાને રિઝલ્ટ માટે અભિનંદન આપવા અને વાત કરવા મેસેજ લખવાની શરૂઆત કરી –

“મનસા,

તારા શ્રેષ્ઠ રિઝલ્ટ માટે અભિનંદન. હું ખૂબ ખુશ થયો છું. હમણાં મિસ પંડ્યા સાથે વાત થઈ એટલે મને જાણ થઈ. તારા વિવાહ થયા એ તારા મેસેજથી જાણ થઈ છે. પ્રભુ તને ખૂબ સુખી કરે. હું તારો ગુનેગાર જરૂર છું પરંતુ તારા કુટુંબનો ગુનેગાર બનવા નહોતો માંગતો. તું સમજી શકીશ કે મેં આમ શા માટે કર્યું છે. મનસા, મારી જાના મારા મીઠા જીવ ! હું તને ક્યારેય નહીં ભૂલી શકું. મેં તને ક્યારેય તરછોડી નથી, તરછોડી શકું જ નહીં. તારા કુટુંબની ખુશી માટે જ મારે ત્યાગ કરવો પડ્યો છે. મેં તારો ત્યાગ નથી કર્યો મેં મારા જ સુખ-ખુશી-આનંદનો ત્યાગ કર્યો છે. તારો ત્યાગ તો હું ક્યારેય ના કરી શકું. આપણે બે શરીરમાં જીવતા એક જ જીવ છીએ. તારા મા કહે ત્યાં તું લગ્ન કરી લે, નિભાવી લે. હું આવતા જન્મમાં તારી રાહ જોઈશ. મેં તને પ્રેમ કર્યો તને મારી કરીશ તારી રોજ પૂજા કરું છું. જ્યાં સુધી જીવીશ તારી જ યાદોમાં જીવીશ. હું જીવ છોડી દઈશ તારી રાહ જોઈશ આપણા ઓરામાં, અવકાશમાં આપણો ઓરા તરતો જ હશે, એકદમ પ્રકાશિત હશે પછી એમાં કોઈ પીડા, વિરહ કે સમાજ વચમાં નહીં આવે. ફક્ત આપણે બે જ હોઈશું. મનસા, તારા મોક્ષને માફ કરજે.”

મોક્ષે મનસાને મેસેજ SEND કર્યો અને પાછો સ્વિચ ઓફ કરી બેગમાં મૂકીને પથારીમાં જ આડો પડ્યો.

મનસા આંખો મીંચીને પોતાના બેડ પર પડી રહી હતી. મોક્ષનાં વિચારો અને એની સાથેનાં સંસ્મરણો વાગોળી રહી હતી. અચાનક જ ફોનમાં મેસેજ નો નોટિફિકેશનનો અવાજ આવ્યો. મોક્ષનો મેસેજ છે જાણી ઉછળી પડી. મેસેજ ઝડપથી વાંચવાની ઉતાવળમાં ફોન એના હાથમાંથી સરકી ગયો. પાછો ફોન લીધો મેસેજ વાંચ્યો. વાંચતાં વાંચતાં આંખો રડી રહી હતી. હદય ધ્રુસકે ધ્રુસકે ચઢેલું. શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયો હોય એમ જડવત્ જ પડી રહી. મારા મોક્ષ, મને કેમ તમારાથી જુદી કરો છો. તમારા વિના મારું જીવન છે જ નહીં. તમારા વિના મનસા મુરઝાઈ જશે. મારા મોક્ષ, તમારા વિના મારું કોઈ સગું નથી હું તમારી જ પૂજા કરું છું. તમે પાછા આવો મોક્ષ, મને છોડીને ના જાવ મોક્ષ ! મનસા ખૂબ રડી રહી હતી. રડીને હવે આંખો પણ સૂકાઈ ગઈ. એ ક્યારે એમાં ને એમાં ઊંડી ઉતરી ગઈ કંઈ ખબર જ ના રહી.

***

સવારે હસુમામા આવ્યા. વિનોદાબા – શાંતાકાકી બધા સાથે બેઠા છે. હિનામામી મનસાને બોલવવા ગયા. મનસા હજી હમણાં જ ઉઠી છે એની આંખો ભારે છે. છતાં મામીએ કહ્યું, “હું બહાર આવું છું.” હિનામામી બહાર આવ્યા. મનસા ફ્રેશ થઈને બહાર આવી. હસુમામા અને બધાને સાથે બેઠેલા જોઈ સમજી ગઈ, આજે પાછું નવું કાંઈ ચાલુ થશે. મનસા મનમાં નક્કી કરીને જ આવી હતી. હસુમામા કંઈ પૂછે તે પહેલાં જ કહ્યું, “મામા, વ્યોમને કહેવરાવી દો. હું માલતી આન્ટી સાથે મેલબોર્ન આવવાની છું પણ મા તમે હેતલનાં મમ્મી પપ્પા સાથે વાત કરી લો. એને પણ આવવું છે. વિકાસભાઈ ત્યાં છે એટલે વિકાસભાઈએ હેતલનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી હશે.”

વિનોદાબા અને હસુભાઈ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કહ્યું, “અરે વાહ દીકરા, અમારા પૂછ્યા વિના જ તને ખબર પડી ગઈ ?” મનસાએ કટાક્ષયુક્ત હસીને કહ્યું, “પણ હવે તો મારે જ નક્કી કરવાનું હતું ને જવું કે નહીં તમારે લોકોએ હવે પરેશાની નહીં લેવી પડે.”

વિનોદાબાએ સમય ગુમાવ્યા વિના તરત હેતલના ઘરે એના મમ્મીને ફોન જોડ્યો. હેતલના મમ્મી કહે, “વિકાસકુમારનો ક્યારનોય ફોન આવી ગયો. કીધું કે મનસા આવે એની સાથે હેતલને ચોક્કસ મોકલજો. અહીં હું વ્યોમભાઈને મળી આવ્યો છું. અમે લોકો નજીક જ રહીએ છીએ. માલતી આન્ટી સાથે બન્ને રહેશે એટલે ચિંતાનું કારણ નથી.” વિનોદાબા કહે, “અરે, આ છોકરાઓ તો આપણા ય ગુરુ નીકળ્યા. એ લોકોએ બધી વાત કરીને બધું જ ગોઠવી દીધું છે તો ભલે, હું વ્યોમના મમ્મી-પપ્પાને જણાવી દઉં છું. ટિકિટ-વિઝા-પાસપોર્ટ અંગે હસુભાઈ તમારો સંપર્ક કરશે.”

હસુભાઈએ કહ્યું, “ભલે તો મનસા બેટા તું મને હેતલના પપ્પાનો નંબર આપી દેજે. હું એમની સાથે વાત કરીને બધું નક્કી કરી લઈશ. તમે લોકો હવે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી શરૂ કરી દો. હું મનસુખભાઈ અને માલતીબેન સાથે બધી વાત કરી લઉં છું, વ્યોમ સાથે પણ વાત કરી લઉં છું.”

મનસા બીજા દિવસે સવારે હેતલના ઘરે ગઈ અને રૂબરૂમાં મમ્મી-પપ્પા સાથે બધી વાત કરી અને હેતલના પપ્પા હસુમામાને મળવા વાત કરવા વાડી પર જ ગયા અને મનસા અને હેતલ કોલેજ ગયા. બન્ને મુખ્ય ઓફિસમાં જઈને માર્કશીટ બતાવીને ફાઈનલ સર્ટિફિકેટ અને બીજા જરૂરી પેપર્સ સર્ટિફિકેટ લઈ લીધા. પછી સ્ટાફરૂમમાં ગયા. ત્યાં મિસ પંડ્યા, મિસ અરુંધતી, પ્રો. શર્મા વગેરે બધા જ હતા.

મિસ પંડ્યાએ મનસાને જોઈને કહ્યું, “અરે મનસા કોન્ગ્રેચ્યુલેશન. તારું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે. એમાંય પ્રો. મોક્ષના વિષયમાં તો પ્રથમ છું 100/100 માર્ક્સ છે.” હેતલ કહે, “મેમ કોન્ગ્રેચ્યુલેશન બે વાતનાં આપો. મનસાની સગાઈ પણ થઈ ગઈ છે.” મિસ પંડ્યાએ આશ્ચર્ય સાથે કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન.” પોતાના મનમાં આવેલી વાત દબાવી દીધી ચૂપ રહ્યા. મનસા કહે, “મેમ, હેતલની પણ સગાઈ થઈ ગઈ છે.”મિસ પંડ્યાએ કહ્યું, “વાઉ ! વેરી ગુડ.” બન્ને વિશે બધી માહિતી જાણી છોકરાઓનું ભણતર વગેરે બન્ને મેલબોર્ન ઓસ્ટ્રેલિયા છે. અને હમણાં 10-15 દિવસ માટે બન્ને સાથે મેલબોર્ન જઈ રહ્યા છે. તે જાણીને મિસ પંડ્યાને આ શું થઈ ગયું ? શું થઈ રહ્યું છે કાંઈ ગડ જ ના બેઠી. મિસ અરુંધતી અને પ્રો. શર્મા વગેરેએ પણ બન્નેને રિઝલ્ટ તથા સગાઈની વધાઈ આપી. સુરેશ પણ સ્ટાફરૂમમાં હતો. એણે પણ બધી વાત સાંભળી અને એણે બહાર જઈને મનસાને કહ્યું, “બહેન મારે તો પાર્ટી જોઈએ. તમારા સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો.”

મનસાએ કહ્યું, “સુરેશ, મોક્ષ સરનો ફોન આવે તો એમને પણ સમાચાર આપજે. કહેજે બધા મજામાં છે અને હવે હું એમને મેલબોર્ન ગયા પછી ફોન કરીશ.” સુરેશ કંઈ સમજ્યો નહીં. કહે, “બહેન તમે ફોરેન જવાના ? ભલે ભલે, તમને મારા અભિનંદન.”

મનસા અને હેતલ કોલેજમાંથી બધી યાદો અને મુલાકાતોનાં સંભારણા કોલેજમાં જ મૂકીને વાડીએ આવવા નીકળ્યા. વાડીએ હેતલના મમ્મી-પપ્પા પણ હતા. ત્યાં મેલબોર્ન મોકલવાની ચર્ચા ચાલી રહી હતી.

***

હસુમામા અને હેતલના પપ્પા-મમ્મી વિનોદાબા બધા જ મનસા-હેતલને મનસુખભાઈ અને માલતીબેન સાથે શનિવારે મેલબોર્ન મોકલવાની ચર્ચા ફાઈનલ કરી હતી. હસુમામાએ મનસુખભાઈ અને વ્યોમ સાથે પણ ચર્ચા કરીને નક્કી કરી દીધું હતું. કાલે હેતલ અને મનસાની પાસપોર્ટ વગેરે મુંબઈ મોકલી આપશે અને બન્ને છોકરીઓને હસુભાઈ શુક્રવારે મુંબઈ મૂકી જસે. આમ, બધું જ નક્કી થઈ ગયું હતું.

મનસુખભાઈ અને માલતીબેન પણ ખૂબ ખુશ હતા. વ્યોમને ખૂબ સુંદર સંસ્કારી છોકરી મળી હતી ખૂબ આમન્યા રાખતી હતી. અત્યારની છોકરીઓ જેવા કોઈ કુલક્ષણ એનામાં નહોતા. ખૂબ સમજદાર હતી. બીજી તરફ વ્યોમ પણ ખૂબ ખુશ હતો. મનસુખભાઈએ વ્યોમને જણાવી દીધું હતું કે એ લોકો ચારે જણા શનિવારની ફ્લાઇટમાં મુંબઈથી બેસીને મેલબોર્ન આવી રહ્યા છે. ટિકિટની અને અન્ય વ્યવસ્થા થઈ ગઈ છે. હસુભાઈનો ફરીથી ફોન હતો તે પ્રમાણે તેઓ શુક્રવારે નહીં પરંતુ શનિવારે સીધા જ ફ્લાઇટના સમયના ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પહોંચી જશે જેથી તેઓને કોઈ અગવડ ના પડે. મનસુખભાઈએ આ વાત માની લીધી હતી.

શનિવારે વિનોદાબા હિનામામી-હસુભાઈ-મનસા હેતલ અને હેતલના પપ્પા બધા ગાડીમાં મુંબઈ જવા નીકળી ગયા હતા. હેતલના મમ્મી અને શાંતાકાકી વાડીએ જ હતા. મુંબઈ એરપોર્ટ પહોંચીને મનસુખભાઈ અને માલતીબેન રાહ જ જોતા હતા. મનસાને જોઈને વળગી જ પડ્યા. હેતલને પણ હાથ ફેરવીને આવકાર્યા. વિનોદાબાને કહ્યું, “તમે તમારી દીકરીની બિલકુલ ચિંતા ના કરશો. મારી જણેલીની જેમ સાચવીશ. જેવી લઈ જઉં છું એવી જ લાવીશ.” હેતલના પપ્પાને પણ આશ્વાસન આપ્યું ચિંતા ના કરશો. મનસાને વળગીને વિનોદાબા રડી જ પડ્યા, સૌપ્રથમવાર દીકરીને એકલી આટલે દૂર પરદેશ મોકલું છું તમારી જ પૂંજી સમજીને સાચવજો. હેતલ પણ પપ્પાને ગળે વળગી ગઈ. બન્નેની આંખમાં આંસુ આવી ગયા. અંતે બધાને આવજો કહીને ચારે જણા અંદર એરપોર્ટમાં ગયા.

***