Premagni - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમાગ્નિ-11

સવારે પંખીઓના કલશોરથી મનસાની આંખ ખૂલી ગઈ. બારીમાંથી મંદ મંદ શીતળ પવન આવી રહ્યો છે. નવરાત્રી નજીક આવી રહી છે. આસો મહિનાનો પવન કંઇક જુદી જ લાગણીઓ જન્માવે છે. મનસાને મોક્ષ યાદ આવી ગયો. મન આનંદથી ભરાવા લાગ્યું. એનું મન ડોલી ઊઠ્યું. મોક્ષ મારો મોરલો. બીજી જ પળે વિનોદાબા અને હસુમામાની વાતો યાદ આવી ગઈ. મન પાછું ઉદાસ થઈ ગયું. પછી વિચાર કર્યો – હમણાં કોઈ જ સંબંધ નક્કી ન કરવા અંગે બા માની ગયા છે તો શા માટે એ વાત જ ઉખેળવી ? મોક્ષને પણ હમણાં કંઈ વાત નથી જ કરવી. મારે શા માટે કારણ વિના એમને દુઃખી કરવા અને અમારા પ્રેમમાં વિધ્ન નાખવું. મોક્ષને જ યોગ્ય સમયે મારો હાથ બા પાસે માંગવા કહી દઈશ એટલે બધી વાતો બંધ થઈ જશે. પછી એ કોલેજ જવા અને મોક્ષને મળવા ઉતાવળી થઈ ગઈ.

કોલેજ પહોંચીને ક્લાસરૂમમાં મોક્ષના આવવાની રાહ જોવા લાગી. લેક્ચરના સમયે મોક્ષ ક્લાસરૂમમાં આવ્યો ત્યારે મનસાની આંખોને સંતોષ થયો. મોક્ષ સાથે આંખો મળતા જ મનસાની આંખો ભીની થઈ ગઈ. એ લાગણીનું પૂર રોકી ના શકી. મોક્ષે પણ નોંધ લીધી. મનસાને કંઇક થયું છે પરંતુ લેક્ટર પૂરું થાય બાદ પૂછવાનું મન મનાવ્યું. લેક્ટર પતાવી મોક્ષ સ્ટાફરૂમમાં પુસ્તક વગેરે મૂકી બહાર નીકળતો હતો અને સામે મનસા આવી. મોક્ષે કોલેજ બહાર આવવા કહ્યું. મનસા અને મોક્ષ – પોતપોતાનાં વાહન લઈને કોલેજ બહાર આવ્યા. મોક્ષે એને એક્ટિવા ઘરે મૂકવા જણાવ્યું. મનસા કહે, ઘરે નહીં પ્રેમિલાબેન બહુ ધ્યાન રાખે છે. પ્રશ્નો કરી પંચાત કરે છે. મોક્ષે કહ્યું, ઠીક છે, અહીં બહાર રોડ પર ગલીમાં પાર્ક કરી દે. આપણે સાથે બહાર જઈએ. મનસા એક્ટિવા પાર્ક કરીને મોક્ષ સાથે ગાડીમાંઆવી ગઈ. મોક્ષે ગાડી હાઈવે તરફ હંકારી. મોક્ષે મૌન તોડતા કહ્યું શું વાત છે ? કેમ મૂડ નથી ?કંઇક વિચારમાં છો ? કોઈએ કંઈ કહ્યું ? કંઈ થયું છે ? તબિયત ઠીક નથી ? મનસા કંઇ બોલી નહીં. એ મનમાં વિચારવા લાગી પોતાના માંગાવાળી વાત મોક્ષને કરું કે નહીં ?

મનસાએ મનમાં વિચાર્યું, મારે મોક્ષને માંગાની વાત નથી જ કરવી પરંતુ મારા હાવભાવ અને મોં ચાડી ખાઈ ગયા. હું કેવી રીતે છૂપાવું ? મોક્ષને અંધારામાં રાખવાનો શું અર્થ. મોક્ષે ગાડી સાઈડમાં ઊભી રાખી. મનસાને પૂછ્યુ, સારું કહે કંઈક તો છે જ જે તું છુપાવી રહી છે કહી નથી રહી. હવે મનસાનો કાબૂ ના રહ્યો. એ રડી પડી અને હસુમામાનાં માંગાવાળી આખી વાત કહી સંભળાવી પછી કહ્યું, “”મોક્ષ ! હમણાં તો મેં અભ્યાસનાં બહાને વાત ટાળી છે, મા પણ માની ગયા છે પરંતુ વરસ પૂરું થાય ત્યારે તરત તમે આવીને મા પાસે મારો હાથ માંગી લેજો. હું તમારા સિવાય નહીં જીવી શકું. મારાથી બીજા પુરુષનો વિચારમાત્ર પાપ છે. હું હવે મોક્ષની છું, હવે ‘મોક્ષ’ થાય ત્યાં સુધી આ મનસા મોક્ષની જ ચૂંદડી ઓઢશે. નહીંતર જીવ આપી દેશે.”

મોક્ષે મનસાને સાંત્વન આપતા કહ્યું કે ફાઈનલ એકઝામ પૂરી થાય પછી તરત હું આવીને મા પાસે તારો હાથ માંગી લઈશ. મોક્ષ કહે, એ તો સમય આવે એટલે કુટુંબમાં આવી ચહલપહલ થાય, ચર્ચાઓ થાય. અને તું છે જ એટલી સુંદર કે કોણ તને પોતાની વહુ ના બનાવે ? મનસા ! તું મને મળી મારા શ્વાસમાં સમાઈ છું. હવે કોઈ જુદા જ ના કરે તું નિશ્ચિંત થઈ જા. હું જ તને માંગી લઈશ. આમ મનસાનું મન શાંત થયું. મોક્ષ કહે, “મનુ હવે નવરાત્રી આવે છે. હું આવ વખતે અનુષ્ઠાન લઈશ. મા આપણને આશીર્વાદ આપશે જ. નવરાત્રી મારો પ્રિય તહેવાર છે. મને ગરબે રમવું ખૂબ ગમે છે. ગરબા જોવાનું પણ ગમે છે. પેલો ગરબો છે ને એમાં તો મારી કલ્પના જાણે આકાશ ઓળંગે છે.” મનસા કહે, કયો ગરબો ? મોક્ષ કહે, એ ગરબો સાંભળતા જ હું કલ્પનાનાં સાગરમાં ડૂબી જઉં છું. મારી પ્રિયતમા-પ્રેયસી જ મને કહી રહી છે એવો ભાવ આવે છે. છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા.... બસ એમ જ થાય હું અને તું બન્ને રાસ રમી રહ્યા છીએ, એક અગોચર નિર્મળ આનંદ લૂટી રહ્યા છીએ. મોક્ષનો પ્રેમ જોઈને મનસા ફરી આનંદથી રડી રહી. મોક્ષ કહે, “તારી વિશાળ આંખોમાં મારે પ્રેમનો દરિયો જોવો છે. એમાં ડૂબકી મારવી છે.” મોક્ષે મનસાને હળવા સ્પર્શે પ્રેમ કર્યો અને મનસા આનંદથી ઝૂમી ઊઠી. મનસા કહે, “મને મારા મનનો માણિગર મળી ગયો છે બાકી બધા મારા માટે પારકા જીવ છે.”

મોક્ષ અને મનસા વાતો કરતા કરતા જ્યાં એક્ટિવા પાર્ક કરેલું ત્યાં આવી પહોંચ્યા. ત્યાં મનસાનાં સ્કૂટર પાસે હેતલ રાહ જોતી ઊભી હતી. એણે મોક્ષ અને મનસાને આવતા જોયા, થોડો સંકોચ થયો પણ ચુપચાપ ઊભી રહી. મોક્ષે ગાડી પાર્ક કરી પછી મોક્ષ મનસા હેતલ પાસે આવ્યા. હેતલ અને મનસાની આંખો મળી તો હેતલે શરારત કરતા કહ્યું, “હું તો તારું સ્કુટર જોઈને અહીં તારી રાહ જોઉં છું. મને થયું મારી સખીને કોણ ઉપાડીને જતું રહ્યું.” મોક્ષને હસવું આવી ગયું. એ હેતલ અને મનસાને બાય કરીને જતો રહ્યો. મનસા કહે, “ચાંપલી જ છું એવું બધું બોલવાની શું જરૂર હતી ?” હેતલ કહે, “મને ચાંપલી કહે છે અને હું તને પૂછું છું તો જવાબ નથી આપતી એટલે નક્કી કરેલું કે આજે તને રંગેહાથ પકડું. મનસા તું ખૂબ આગળ વધી રહી છે. વિનોદાબાને ખબર પડશે તો ?” મનસા કહે, “મેં મોક્ષને કહ્યું છે આપણી એક્ઝામ પૂરી થયા પછી બાને મળવા આવે અને મારા હાથ માંગે. હેતલ, હું આજે મોક્ષને વાત કરવા જ આવી હતી એટલે અમે એમ જ ડ્રાઈવ પર ગયા હતા. હેતલ, મારા માટે માંગુ આવેલ છે એટલે મેં મોક્ષને બધી વાત કરી.” હેતલ કહે, “હું તને મારા સમાચાર કહેવા જ તારી રાહ જોતી હતી. મેં તને વાત કરેલી અમદાવાદવાળા મુરતિયાની. વિકાસને જોવા-મળવા હું મમ્મી-પપ્પા-ભાઈ બધા કાલે અમદાવાદ જવાનાં છીએ. કાલથી નવરાત્રી ચાલુ થાય છે એટલે સારા દિવસોમાં શુભકાર્ય થાય એમ કહી પપ્પાએ ત્યાં જવાની તૈયારી કરી છે. ત્યાંથી આવીને તને જાણ કરીશ.” મનસા ખુશ થઈ ગઈ અને કહ્યું, “હેતલ મારી સખી બેસ્ટ ઑફ લક...”

આજથી નવલી નવરાત્રી ચાલુ થવાની છે.આજે સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને મોક્ષ મા અંબાનું, પોતાની કુળદેવીનું અનુષ્ઠાન-ધ્યાન-પાઠમાળા કરવા બેઠો. આજથી એક જ વખત ફળાહાર બાકી ઉપવાસ કરવાનું નક્કી કરેલ છે. માનાં ચરણોમાં પ્રાર્થના કરી રહ્યો છે. માને કહ્યું, તારા પ્રકૃતિ સ્વરૂપની હું સદાય પૂજા કરતો આવ્યો છું. તારો જ બનાવેલો જીવ છું. મારી જીવનયાત્રામાં તેં જે કરાવ્યું મેં કહ્યું છે. આટલી પીડા પછી તેં મને મારા જીવને એક જીવ સાથે મેળાપ કરાવ્યો છે. મેં આટલી આત્મીયતા ક્યારેય નથી અનુભવી. તારી જ બનાવેલી દુનિયામાં હું શ્વાસ લઈ રહ્યો છું. હું કંઇ પણ માંગ્યા વિના અનુષ્ઠાન કરીશ. બસ, તારા આશિષની જ અપેક્ષા. મા, તે જે કંઇ મને આપ્યું છે એનાથી હું સંપૂર્ણ તૃપ્ત છું ખૂબ જ આભારી છું. સદાય અમને તારા ચરણમાં રાખજે, સદાય અમારી રક્ષા કરજે. મોક્ષ યોગ-ધ્યાનની જુદીજુદી મુદ્રાઓ કરીને માને પ્રાર્થના કરીને કોલેજ જવાની તૈયારી કરવા લાગ્યો.

ક્લાસરૂમમાં પહોંચી મોક્ષે મનસા અને હેતલને એકસાથે સૌથી પ્રથમ હરોળમાં બેઠેલા જોયા. આજે મનસાના રૂપમાં કંઈક અલગ જ નિખાર હતો. એ એટલી સુંદર અને મોહક લાગી રહી હતી કે ભણાવતા, સમજાવતા, નોટ્સ લખાવતા લખાવતા મોક્ષનું ધ્યાન વારેવારે મનસા તરફ ખેંચાઈ રહ્યું હતું. મોક્ષે પોતાનું લેક્ચર ટૂંકાવ્યું. એણે પોતાની બુકમાંથી એક કાગળ કાઢીને ક્લાસમાં નોટિસ વાંચી સંભળાવી. મોક્ષે કહ્યું, “એક સરસ મજાની જાહેરાત કરું છું. મેનેજમેન્ટે નવરાત્રી નિમિત્તે કોલેજનાં પટાંગણમાં છેલ્લા ત્રણ દિવસ ગરબાનો મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. એમાં કોલેજનો સ્ટાફ, અધ્યાપક સ્ટાફ તથા બધા સ્ટુડન્ટે ઉમંગભેર ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. બીજી ખાસ વાત, ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત છે. બીજું, જે ડ્રેસિંગ ગરબા સ્ટાઈલ બધામાં શ્રેષ્ઠ હશે એને વ્યક્તિગત અને જોડીમાં ઈનામ આપવામાં આવશે.” બધા વિદ્યાર્થીઓએ એકસાથે વધાવી લીધા આ સમાચાર.

મોક્ષ લેક્ચરમાંથી પરવારી ક્લાસરૂમની બહાર નીકળતા જ સામે સુરેશ મળ્યો. એણે મોક્ષ સરને આચાર્યશ્રીની ચિઠ્ઠી આપી અને કહ્યું, “આપને તરત જ આચાર્યશ્રીએ ઓફિસમાં બોલાવ્યા છે.” મોક્ષ તરત જ આચાર્યશ્રી સુકુમાર સરને મળવા એમની ઓફિસમાં ગયો. ઓફિસમાં પ્રવેશવા પરવાનગી માંગી. સુકુમાર સરે કહ્યું, “આવ આવ મોક્ષ, હું તમારી જ રાહ જોતો હતો. મેં તને ખાસ એટલા માટે બોલાવ્યા છે કે આ નવરાત્રીમાં આપણી કોલેજમાં બે સરસ ઇવેન્ટ ગોઠવવાના છે. છેલ્લા 3 દિવસની નવરાત્રીનો મહોત્સવ અને 2 દિવસ પછી 3 દિવસની ધ્યાન અને યોગ પર સ્વામી મુક્તાનંદજીનો કેમ્પ.” મોક્ષ એકદમ ઉછળી જ પડ્યો. કહે, “સરસ. પણ મુક્તાનંદજી ક્યારે પધારે છે ?” આચાર્યએ કહ્યું, “મારે એમની સાથે વાર્તાલાપ થયો છે. મેં એમને વિનંતી કરી હતી કે તમે હરિદ્વાર પાછા જાવ તે પહેલાં અમારી કોલેજમાં ધ્યાન અને યોગનો કેમ્પ કરી અમારા સર્વ સ્ટાફ અને વિદ્યાર્થીઓને અમૂલ્ય લાભ આપો.” એમણે મારી વિનંતી સ્વીકાર્યાનો આજે જ સંદેશ આવ્યો છે.“ એટલે જ તમને ખાસ બોલાવ્યા છે. તમે સ્વામીજીની ખૂબ નજીક છો અને યોગ-ધ્યાન વિશે જાણો છો. બે દિવસની અંદર તૈયારી કરવાની છે અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને જાણ કરવાની છે.”

મોક્ષે કહ્યું, “સર ! એ તો આપણું અહોભાગ્ય છે કે સ્વામીજી આપણી કોલેજમાં પધારશે અને બધાને એમનો ખૂબ લાભ મળશે. નવરાત્રીનું તો એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. હું બધી તૈયારી કરીશ. કોલેજના પટાંગણમાં જ યોગ શિબિર રાખીશું પછી ત્યાં પાછળનાં દિવસોમાં નવરાત્રી મહોત્સવ કરીશું. એટલે વિશાળ જગ્યાને કારણે સંખ્યા પણ મર્યાદિત કરવાનો પ્રશ્ન નહીં રહે.”

આચાર્યશ્રી કહે, “મને તમારી નિપુણતા અને વ્યવસ્થાપક તરીકેની કાર્યશૈલી પર સપૂર્ણ વિશ્વાસ છે તમે સ્વાતંત્ર્યદિવસે નાટ્યસ્પર્ધા વગેરેનું પણ વ્યવસ્થાપન ખૂબ સચોટ અને સરસ કર્યું હતું. તમે સફળતાપૂર્વક આયોજન કરી શકશો.”

મોક્ષ સ્ટાફરૂમમાં આવીને તરત જ મનસાને ફોન કરીને રોકાવાની સૂચના આપી કહ્યું કે પાર્કિંગમાં એ હમણાં જ આવે છે. મનસા પાર્કિંગમાં રાહ જોવા લાગી. મોક્ષે આવીને કહ્યું, મનુ હમણાં જ મને આચાર્યશ્રીએ જણાવ્યું છે કે આપણી કોલેજમાં નવરાત્રીમાં જ બે દિવસ પછી સ્વામીજી મારા ગુરુ મુક્તાનંદજીની ધ્યાન યોગ શિબિર યોજાવાની છે. એની વ્યવસ્થાનો બધો કાર્યભાર મારા માથે છે. એમણે બધી જવાબદારી મને સોંપી છે. સ્વામીજી આચાર્યશ્રીનાં યોગ શિબિર કરી બધાને યોગ શીખવશે જાગૃત કરશે. આજે મારે કોલેજમાં રોકાવું પડશે, બધી વ્યવસ્થા ગોઠવીને મારાથી ઘરે પાછા જવાશે. મનસા, તું પણ શિબિરમાં આવશેને ? આમ નવ દિવસ કોલેજમાં અભ્યાસ તો ખાસ ચાલશે જ નહીં, આવી ઇત્તર પ્રવૃત્તિઓ જ છે. મનસાએ મોક્ષનો હાથ પકડીને પ્રેમથી કહ્યું, “મારા મહાદેવ ! તમે ચોક્કસ ગુરુજીની સેવામાં રહો પણ હું ચાર-પાંચ દિવસ ઘરે જ રહીશ. મારે વાડીમાં ઘણું કામ છે કેશુબાપાને મદદ કરવાની છે. સમયનો ઉપયોગ થઈ જાય. હું આમ તો તમારામાં જ છું પળપળ તારામાં જ.” મોક્ષને મનસાનો તુંકારો ગમ્યો. કહ્યું, “મનસા મારા જીવ ! હું તને ખૂબ જ ચાહું છુ. નવરાત્રીનાં ત્રણે દિવસ તારે ફક્ત મારી સાથે જ રહેવાનું છે. સાથે જ ગરબામાં ભાગ લેવાનો છે.” મનસા કહે, “હું પણ એ દિવસોની જ રાહ જોઉં છું. બસ, તારી સાથે રાસગરબા કરવા મારું મન થનગની રહ્યું છે મારા કાનુડા, તારી ગોપી તારા પ્રેમમાં જ રસબોળ છે.”

મોક્ષ કહે, “ભલે તું વાડીમાં કામ નિપટાવી લે. હું અહીં શિબિરનું સફળતાપૂર્વક સંચાલન કરીને બધાને ગુરુજીનો લાભ અપાવું. મનુ, તને તો યોગ અને આસનો હું જ શીખવીશ.” મનસા એકદમ શરમાઈ ગઈ અને લુચ્ચું હસતાં કહ્યું, “મારા યોગી મારા જોગી ! આ મનસા પણ તમારી જોગણ તમારા ધ્યાનમાં જ મગ્ન છે. હું બધું જ શીખીશ તારી પાસેથી. મારા મોક્ષ, તમને ખૂબ ચાહું છું. બસ તારા શ્વાસે શ્વાસ લઈશ મનસા લવ યુ.” કહી મનસા ઘર તરફ જવા નીકળી.

યોગ શિબિરનો પ્રથમ દિવસ – મોક્ષ – મુક્તાનંદ સ્વામીજી સાથે જ રહ્યો છે. સ્વામીજીએ શિબિરની વ્યવસ્થા જોઈ મોક્ષને શાબાશી આપતા કહ્યું, “સરસ આયોજન કર્યું છે. બધા જ સહભાગીઓ શિસ્તબદ્ધ રીતે બેસી શકે, યોગ શાંતિથી કરી શકે એવું સરસ આયોજન છે. વિશાળ સંખ્યા હોવા છતાં ક્યાંય અશિસ્ત કે અગવડ નથી. સરસ.” મોક્ષે કહ્યું, “ગુરુજી, તમારા જ આશીર્વાદ છે.”

સ્વામી મુક્તાનંદજીએ સર્વપ્રથમ ધર્મ અને યોગ બંનેનું મહત્વ સમજાવ્યું. બંનેનો સુમેળ કેવી રીતે થાય છે એની સમજી આપી. વિશાળ સ્ટેજ પર એક પાટ મૂકવામાં આવી હતી ત્યાં સ્વામીજી બિરાજેલ અને એની બાજુમાં નીચે મોટી કારપેટ પાથરવામાં આવી હતી. સ્વામીજી અમુક યોગ મુદ્રાઓ જાતે કરીને બતાવતા. મોક્ષ ત્યાં જ કારપેટ પર ફરીને નિદર્શન કરતો હતો. સ્વામીજીએ કહ્યું, યોગ શ્વાસની એક નિયમિતતા અને એના પર કાબૂ રાખવાની ક્રિયા છે. એના દ્વારા મેડિટેશન-ધ્યાન કરવાથી શરીરનાં મોટા-નાના રોગ ધીમે ધીમે જડમૂળથી દૂર થાય છે તેમ સમજાવ્યું. સ્વામીજીએ યોગ માટે શ્વસનક્રિયા – શ્વાસની ગતિ અને પ્રકાર સમજાવ્યા – પૂરક... કુંભક... રેચક એમ ત્રણ પ્રકારે ઈંડા અને પિંગળા નાડી દ્વારા શ્વાસ લેવા અને છોડવા એવી પદ્ધતિ સમજાવી. પૂરક એટલે ઓમ બ્રહ્મ – કુંભક ટલે ઓમ વિષ્ણુ... રેચક એટલે ઓમ શિવા – આમ, દરેક યોગ-પદ્ધતિનાં ફાયદા સમજાવ્યા. શિબિરનાં છેલ્લા દિવસે સ્વામીજીએ ટૂંકું પ્રવચન કર્યું. સફેદ વસ્ત્રમાં સ્વામીજી એક તેજસ્વી ઋષિરાજ જણાતા હતા. એમનામાં પ્રકાશપૂંજનો એટલો ઓજસ હતો કે મસ્તક આપોઆપ નમી જતું હતું. મોક્ષ સ્વામીજીના પગમાં પડી ગયો અને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. સ્વામીજીએ એને ઉભો કરીને ગળે લગાડી કહ્યું, “મોક્ષ ! તેં મારું દિલ જીતી લીધું છે. સમય મળ્યે તું મારા આશ્રમે જરૂર આવ. ભગવાન કલ્યાણ કરે !”

આજે સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી – નવરાત્રીની અનુષ્ઠાન પાઠ-માળા – માની પૂજા – પ્રાર્થના પતાવી મોક્ષ – પોતાની નોટ્સ જોઈને ફાઈલિંગ કરવા લાગ્યો. નવરાત્રીને કારણે યશોદાબેનને રસોઈ બનાવવા આવવાની ના પાડી હતી એટલે સવારે આવી ઘરનું બાકીનું કામ પરવારી જતા– માણસ સાથે ઘરની સાફસૂફીનું કામ કરાવીને મોક્ષ ઝડપથી કોલેજ જવા નીકળતો. મોક્ષે આજે મનસાને સવારથી ફોન કરેલ પણ સ્વિચ ઓફ આવતો. હમણાં જ મનસાનો ફોન આવ્યો. મોક્ષે વિના વિલંબે ફોન ઉપાડીને કહ્યું, “કેમ જાના તારો ફોન નહોતો લાગતો ?” મનસા કહે, “અરે Sorry મારા ફોનની બેટરી ઉતરી ગઈ હતી અને લાઈટ પણ ચાલી ગઈ હતી. હમણાં જ લાઈટ આવી ફોન ચાર્જ કર્યો તમારા Misscalls જોયા હતા તરત જ મોક્ષ તમને ફોન કર્યો.” મોક્ષ કહે, “આજથી કોલેજમાં નવરાત્રી મહોત્સવ શરૂ થાય છે. તું મારા ઘરે આવી જા. અહીંથી સાથે જ જઈશું. ત્રણેય દિવસ બાજુવાળા પ્રેમિલાબેનની ચિંતા વિના આવ. દુનિયા જખ મારે છે.” મનસા કહે, “તમારા કીધા વિના મેં મારી માને કહ્યું છે નવરાત્રીનાં છેલ્લા 3 દિવસ હું હેતલનાં ઘરે રહીશ – રાત્રે કોલેજનાં ગરબામાં ભાગ લઈશ છેલ્લા દિવસે પાછી આવી જઈશ એટલે મોડી રાત્રે ઘરે આવવાની અગવડ નહીં. માએ પરવાનગી આપી છે. મોક્ષ, મેં હેતલને કહીં દીધું છે આખો દિવસ તમારી સાથે. રાત્રે હેતલનાં ઘરે જતી રહીશ.” મોક્ષ કહે, “વાહ સરસ પ્લાન ગોઠવ્યો છે.” મનસા કહે, “બસ હમણાં જ તારી બાંહોમાં આવી જઉં છું લવ યુ.” કહીને ફોન બંધ કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED