મોક્ષ શિખાનું માથું પોતાના ખભા પર ઢાળેલું રાખી એના જ વિચારોમાં ખોવાયો. શિખા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. તે પ્રથમ દિવસથી જ યાદો એને તાજી થવાલાગી. શિખા ખૂબ જ શોખીન જીવ, પહેલેથી જ થોડીક જિદ્દી, જે એને જોઇએ એ મેળવીને જ જંપે એવો સ્વભાવ. ભૌતિકવાદી પરિભાષામાં આવે એવી જ. એને ગાડી-બંગલો-નોકરચાકર-હોટલ સિનેમા બધા જ શોખ બધી જ ઇચ્છાઓ. મોક્ષ સાથે પરણ્યા બાદ મોક્ષને કાયમ કહે, “તમે શેખરની જેમ ધંધામાં ઝુકાવો. એ લોકો કેટુંલ બધું સુખ ભોગવે છે. આ પંતુજીની લાઈનમાં શું લેવાનું છે ? તમે હોંશિયાર છો, સ્માર્ટ છો તમે પણ બિઝનેસ કરી શકો.”
શિખા અવારનવાર મોક્ષ અને શેખરની સરખામણી કરતી. શેખર ખૂબ કમાય છે. વારેવારે પરદેશની ટૂર કરે છે, બાળકોને મોંઘી મોંઘી ગિફ્ટ-કપડાં વગેરે અપાવી શકે છે. સુલેખાબેન મોંઘી સાડીઓ-કપડાં લાવે છે. એમને જોઈને પણ તમને મન નથી થતું એમના બંગલામાં પણ કેટલો ખર્ચો કરે છે બધા શોખ પૂરા કરે છે.
મોક્ષે શિખાને એકવાર શાંતિથી ખૂબ પ્રેમથી સમજાવી, “મને મારા પ્રોફેશન પર ગર્વ છે. હું સંતુષ્ટ છું. તને ખૂબ સારી રીતે રાખું છું. આપણાં ઘરમાં પણ કોઈ ખોટ નથી. જીવનનું સુખ ફક્ત પૈસામાં કે ભોગ ભોગવવામાં નથી જ. મારા વિચારો જરા અલગ છે. મને મારા જીવનથી, મારા વિચારોથી સંતોષ છે. મને પ્રકૃતિ-કુદરત આર્ટ-સાયન્સમાં રસ છે. જૂના ગ્રંથ-ધર્મ-વેદ-પુરાણ-ઉપનિષદ્ ભણવામાં અને ભણાવવામાં સુખ મળે છે. એ મારી પસંદગી છે. મારી સરખામણી બીજા સાથે કરી તું દુઃખી ના થા. હું આમ જ રહેવાનો. મારા અને તારા માટે સુખની વ્યાખ્યા કે પરિકલ્પના અલગ અલગ છે છતાંય તને કદાપિ પૈસામાં ખોટ નહીં વર્તાવા દઉં.”
શિખાને મોક્ષનાં સ્વભાવથી વાંધો નહોતો, એ એને ખૂબ જ પ્રેમ કરતો – અવનવી વાતો કરતો, પરંતુ શિખાને એમાં રસ નહોતો, એ કાયમ સુલેખા સાથે પોતાની સરખામણી કરીને દુઃખી થતી. અધૂરામાં પૂરું બે-બે વાર કસુવાવડ થયા બાદ સંતાન માટેની આશા પણ અધૂરી રહી. આમ, એને ગમતું કોઈ સુખ એને ના મળ્યું. મોક્ષ એની નાની-નાની ઈચ્છાઓ અને સગવડો સાચવવા પ્રયત્ન કરતો પરંતુ બધું જ વ્યર્થ....
સુલેખાનાં ત્રીજા સંતાનથી એનું ઘર ભરાશે, એને માતૃત્વ માણવા મળશે એ જ આશાભર્યા વિચારોમાં તે સ્વર્ગમાં વિહરવા લાગી હતી. બસ એ ઝંખના પૂરી થાય અને એનાં જીવનમાં અનુભવાતી બધી જ ખોટ સરભર થઈ જાય.મોક્ષે પણ શેખર સાથે વાત કરી હતી. સુલેખાબેન અને એનું ત્રીજું સંતાન શિખાને મળશે તો એમનો ઘણો ઉપકાર થશે. શેખરે મોક્ષને કહ્યું હતું, “અમારું સંતાન મારા કે તમારા ઘરમાં ઉછરશે તો કોઇ ફરક નથી. એ આપણા બધાનો પ્રેમ અને કેળવણી – પામશે અમને પણ ખૂબ જ આનંદ છે. શિખાનાં જીવનમાં નવો પ્રાણ પુરાશે, એને સુખ મળશે એનાં સુખમાં આપણાં બધાનું સુખ સમાયેલું જ છેને.” મોક્ષને સંતોષ થયો હતો સાથે સાથે તે જ દિવસથી શિખામાં આશ્ચર્યજનક પરિવર્તન આવેલું. તે ખૂબ આનંદમાં રહેવા લાગી હતી. ગીતો ગણગણતી. મોક્ષ સાથે વાતો કરી બાળક માટેની વાતો એનો ઉછેર, એના અંગેનાં પુસ્તકો લાવવાનું કહેતી. મોક્ષને પણ વાંચવાનું કહેતી જાણે સાવ જ બદલાવ આવી ગયો હતો. મોક્ષ પણ આ કારણે ખૂબ ખુશ હતો.
મોક્ષ અને શિખાનાં વિચાર અને મહેચ્છાઓમાં ખૂબ જ અંતર હતું છતાં લાગણી અને પ્રેમ એકબીજાની સાચવણીથી સંબંધ ખૂબ જ સરસ હતો. કોઈ ત્રુટિને ક્યારેય હાવી નથી થવા દીધી. જેવો જીવન-સંબંધ મળ્યો તેને નિભાવી રહ્યા હતા ખુશ હતા. મોક્ષને ઘણીવાર થતું, શિખા મને સમજી નથી રહી. એ મારા વિચાર-કલ્પનાઓમાં સાથ નથી આપતી. અગમ-નિગમને માનવા જ તૈયાર નથી. આ સૃષ્ટિથી ઉપર કોઈ સૃષ્ટિ છે, તત્વ છે, ઘણું બધું મોક્ષને કહેવું હોય છે પરંતુ... એનો કોઈ ઉપાય જ નથી. વિધિનાં લેખ છે. કાંઇ પણ થવા પાછળ ચોક્કસ કોઈ કારણ છે જ. એ ફિલોસોફી મોક્ષ ખૂબ માને છે. એ ઘણી વાર શિખાને સાંત્વન આપતો. ઘણી વાતો કરતો. પોતે વાંચેલા ગ્રંથોમાંથી ઉદાહરણ આપી સમજાવતો કે આ જીવનથી ઉપર પણ કોઈ જીવન છે. ફક્ત આમાં રચ્યાપચ્યા રહેવા કરતાં બીજી પણ કોઈ વાતો છે. વિજ્ઞાન છે. શિખાને રસ નહોતો. એ તો મોક્ષને ન કહેવાનું પણ સંભળાવી દેતી. બધામાં બસ મોક્ષ જ જવાબદાર.
મુખ્ય તપાસખંડની બહાર ચહલપહલ થઈ. શેખર અને ડૉ. સુમન બહાર આવ્યા. મોક્ષ પણ ઉઠીને તેઓની પાસે ગયો. ડૉ. સુમને સોનોગ્રાફીનાં રિપોર્ટ બરાબર જોઈ તપાસીને નિર્ણય કર્યો. સુલેખાનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બાળક ઊંધુ છે અને બીજા પણ કોમ્પલિકેશન છે. શેખરે ઓપરેશન કરવાની સંમતિ આપી દીધી. બીજા જરૂરી કાગળ પર સહીઓ કરી આપી. ડૉ. સુમનને જણાવ્યું કે બાળક કે સુલેખા ? એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો સુલેખાને બચાવવી. ઈશ્વર કરે બન્ને સલામત રહે. છતાં ડૉ. સુમનને વિશ્વાસમાં લીધા. ડૉ. સુમને સાંત્વન આપતા કહ્યું બધું જ સારું થશે. તમે બહાર પ્રતિક્ષા કરો, કહી ઓપરેશન થિયેટરમાં ચાલ્યા ગયા. શેખરે મોક્ષને બાજુમાં લઈ જઈને બધી જ વિગતવાર વાત કરી. રિપોર્ટ કહ્યો – થોડી ચિંતાજનક પરિસ્થિતિ છે. તું શિખાને સંભાળી લેજે.
શિખા તરત જ મોક્ષ અને શેખર પાસે દોડી આવી કહ્યું, “તમારું મોં કેમ પડી ગયું છે ? સુલેખાની તબિયત સારી છે ને ? બાળક સુરક્ષિત છે ને ? શું કોઈ ચિંતા છે ? કેમ બાજુમાં જઈને વાત કરો છો ? શેખર, મને સાચુ કહોને...” એમ કહેતાં તે રડી પડી. મોક્ષ તરત જ શિખાને સાંત્વન આપવા લાગ્યો. થોડીક તબિયતમાં કોમ્પલિકેશન છે પરંતુ ડૉ. સુમન એ ઓપરેશન સફળતાપૂર્વક કરશે. આજ સુધી એમનાં હાથે કોઈ કેસ બગડ્યો નથી. બાળક ઊંધું છે તેથી તાત્કાલિક ઓપરેશન કરી બાળકનો જન્મ કરાવશે તું ચિંતાના કર. ઈશ્વરને પ્રાર્થના કર.”
શિખા ધીરજ નથી રાખી રહી, એ ડૉ. સુમનની કેબિન તરફ જવા લાગી ત્યાં નર્સે કહ્યું, “સર તો ઓપરેશન થિયેટરમાં છે. તમે ચિંતા ના કરો. તમારાથી અંદર નહીં જઈ શકાય.”મોક્ષ દોડીને શિખાને પાછી વાળવા મનાવવા ગયો. શિખાનું હદય જોર જોરથી ધડકી રહ્યું છે. એને વહેમ પડ્યો છે ચોક્કસ કંઈક ગરબડ છે. આ લોકો મારાથી કંઈક છૂપાવી રહ્યા છે. એ ખૂબ જ રડી રહી...
ઓપરેશન થિયેટરમાં ચહલપહલ વધી ગઈ. મદદનીશ ડોક્ટર મુકુલ – બે નર્સ – બહાર-અંદર અવરજવર કરતા હતા. પછી શેખરને અંદર બોલાવ્યો. શેખર અંદર ગયો. મોક્ષ શિખાને સાચવીને બેઠો. શિખા અંદર જવા જિદ કરતી હતી. એ બેબાકળી બની ગઈ હતી. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યું છે. કંઇક અજુગતું બની ગયું છે એવો ડર પેસી ગયો. એટલામાં જ શેખર અંદરથી બહાર આવ્યો. મોક્ષને કહ્યું, “સુલેખા સ્વસ્થ છે. ચિંતા કરવા જેવું નથી. હવે થોડાક સમયમાં ડૉક્ટર બહાર આવીને જણાવશે. એક જ ખોટું થયું છે – સુલેખાનાં બાળકને બચાવી નથી શકાયું.” શેખરનાં મોઢેથી મોટું ડૂસકું નીકળી ગયું.
આ સાંભળતા જ શિખાને ચક્કર આવવા લાગ્યા. મોક્ષ હવે શેખરને સાંત્વન આપે કે શિખાને સાચવે. શિખાએ ભાન ગુમાવ્યું – શરીર સમતોલ ના રાખી શકી અને મોક્ષનાં હાથમાં જ ઢળી પડી. મોક્ષે એને ઊંચકી લીધી – શેખર પણ સ્વસ્થ થઈને નર્સ અને ડૉક્ટરને બોલાવવા દોડ્યો. એટલામાં જ ડૉ. સુમન બહાર આવ્યા. શિખાની સ્થિતિ જોઈને તાત્કાલિક બાજુના રૂમમાં બેડ પર સૂવાડવા સૂચના આપી. શિખાની સારવાર કરવા લાગ્યા. થોડાક જ કલાકમાં બધી જ પરિસ્થિતિ બદલાઈ ગઇ.