પ્રેમાગ્નિ - 20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાગ્નિ - 20

“મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનો દેહ ત્યજીને નવો દેહ ધારણ કરે છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યોને તેમાં આસક્તિ થાય છે. કામનાથી ક્રોધ થાય છે. ક્રોધથી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનાં નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. મનુષ્ય બધી તમન્નાઓને છોડીને મમતારહિત, અહંકારરહિત અને સ્પૃહારહિત થઈને શાંતિથી જીવે છે. નિત્ય નૈતિક કર્મો કર્યા વિના અંતઃકરણની શુદ્ધિ થતી નથી. અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી. જ્ઞાનના લાભ વિના મોક્ષપ્રાપ્તિ થતી નથી. કર્મ કર્યા વિના મનુષ્ય રહી નથી શકતો.”

સભાખંડમાં ઉપસ્થિત સહુ શ્રોતા સ્વામીજીની સંમોહક જ્ઞાનવાણીનું અમૃતપી રહ્યા હતા. મોક્ષ પણ સાંભળવામાં તલ્લીન હતો. એને બધું સમજાઈ રહ્યું હતું. હવે મનસાની ગ્લાનિમાંથી એ ધીમેધીમે મુક્ત થતો જતો હતો.

વ્યાખ્યાન પૂરું થયા બાદ સ્વામીજીએ મોક્ષને પાસે બોલાવ્યો અને પોતાની સાથે આશ્રમમાં બગીચા અને ફળોનાં ઝાડ, વૃક્ષ વિભાગમાં જવાનું કહ્યું. બન્ને સાથે જઈ રહ્યા છે. સ્વામીજીએ કહ્યું, “અહીં તારા જ્ઞાનનો લાભ આપ. વૃક્ષોની, બગીચાની આયુર્વેદિક ઔષધીય પાકોની કાળજી વગેરેમાં તારા માર્ગદર્શનની જરૂર છે. અહીં બીજા જે સેવકો કામ કરે છે એને માર્ગદર્શન આપીને તાલીમ આપ.” મોક્ષ કહે, “ગુરુજી મારા ધનભાગ્ય મને ખૂબ ગમશે. વૃક્ષો-આશ્રમ-ધરતીની સેવા મારા માટે અમૂલ્ય અવસર છે.” ગુરુજી સેવકો સાથે મોક્ષની ઓળખાણ કરાવી પોતાની કુટિર તરફ ચાલ્યા ગયા. મોક્ષે સમગ્ર ખેતર-વાડી-વૃક્ષોનું નિરીક્ષણ કર્યું અને સેવકોને કાળજી વિશે સમજાવીને માર્ગદર્શન આપવા માંડ્યું. મોક્ષ પાછો કામમાં ડૂબી ગયો.

***

વિનોદાબા રાત્રે મુંબઈથી પાછા આવ્યા. આખી રાત એમને ઊંઘ નથી આવી. પથારીમાં આમતેમ પડખા જ ફેરવ્યા કર્યા છે. પોતાના જિગર જેવી એકની એક દીકરીને છેક પરદેશ એકલી મોકલી છે. હૈયું હાથમાં નથી રહ્યું. ખૂબ રડ્યા છે ચિંતા કરી છે. હાય હાય ! છોકરીને મોકલી છે તો ખરી પણ એને અગવડ નહીં પડે ને ? એને ઓછું નહીં આવે ને ? એને ગમશે કે નહીં ગમે ? શાંતાકાકીને ખબર પડી ગઈ છે. વિનાદાબા રડી રહ્યા છે. એ ઊભા થઈને આવ્યા અને કહ્યું, “વિનુ કેમ ચિંતા કરે છે ? માલતીબેન સાથે છે ને માણસો સારા છે. મનસાને ઓછું નહીં આવવા દે ચિંતા ના કર. ક્યારેક ને ક્યારેક તો છોકરાઓને છૂટા મૂકવા જ પડે છે ને ?” આમ, આખી રાત વાતોમાં અને અકળામણમાં પસાર કરી છે.

સવારે ઉઠીને હસુભાઈ હિનાભાભીએ વિનોદાબાને જોયા. ખબર પડી ગઈ કે આખી રાત બહેન ઊંઘ્યા નથી. હસુભાઈ કહે, “બહેન, ચિંતા ના કરો. મનસુખભાઈ અને માલતીબેનને હું વર્ષોથી ઓળખું છું. આપણી મનસાને ખૂબ જ સાચવશે પોતાની દીકરીથી વિશેષ ગણે છે. તમે ના સાચવો એટલું સાચવશે એની ખાતરી રાખજો.” વિનોદાબા કહે, “એના બાપુ મને વઢશે કે મારી છોકરીને પરદેશ એકલી મોકલી દીધી ? તારું કાળજું ના ડંખ્યુ ? મને ચિંતા થાય છે.”હિનાભાભી કહે, “તમને ચિંતા થાય એ સ્વાભાવિક છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. તમે આનંદમાં રહો અને દીકરી ખૂબ સુખી થાય, ત્યાં જઈને વ્યોમને ઓળખે. એને ભવિષ્યમાં કાયમ ત્યાં રહેવા જવાનું છે એટલે એ દેશ – શહેર જુએ સમજે એનાં ભવિષ્ય માટે સારું છે ને તમે એના માટે એવું વિચારો કે એને આનંદ થાય. તમે અહીં દુઃખી થશો તો એ ત્યાં દુઃખી થશે. તમે નિશ્ચિંત થઈને રહો સહુ સારાવાના થશે. સાથે હેતલ એની મિત્ર છે જ. બન્ને સખીઓ સાથે જ છે એટલે એકલી પડવાની નથી અને 10-15 દિવસ ક્યાંય નીકળી જશે. ફરીને પાછી પણ આવી જશે. તમે ચિંતા ના કરો.”

***

સવારની પૂજા-પાઠ-માળા ધ્યાન યોગ પતાવીને મોક્ષ અહીં ગંગામૈયાના કિનારે આશ્રમના ઘાટ પર જ બેસી રહ્યો છે, ગંગાના વહેતા નીર જોઈ રહ્યો છે. એનું મન અત્યંત નિર્મળતા અનુભવી રહ્યું છે. ના કોઈ દાદ ના ફરિયાદ ના કોઈ ઇચ્છા. બસ, સાવ નિરપેક્ષ ભાવે જ જોઈ રહ્યો છે.

મોક્ષના ખભા પર હાથ મૂકાયો. મોક્ષે પાછળ વળીને જોયું તો ગુરુજી ઊભા હતા – મોક્ષે એમના ચરણમાં નમીને નમસ્કાર કર્યા. ગુરુજી ઘાટ પર બેઠા અને મોક્ષને પણ બેસવા સંકેત કર્યા. ગુરુજી કહે, કાલના ગીતા માહાત્મ્યની પૂર્ણાહુતિ પછી આજે આ સમય તારા માટે જ છે. મોક્ષ પગે લાગીને કહે, મારા અહોભાગ્ય. ગુરુજી કહે, “મોક્ષ તું અહીં આવ્યો ત્યાર્થી હું જોઉં છું. તું માહાત્મ્ય કે આખ્યાનમાં ઓતપ્રોત હોય છે પછી બાકીના સમયમાં તું ક્યાંક ખોવાઈ જાય છે. આમ અચાનક જ તું કોલેજમાં 2-3 માસની રજા મૂકીને આવ્યો છે. અહીંની ભૂમિ પર આવીને માનવી પવિત્ર અને શાંત થઈ જાય છે. તું શું કોઈ પીડા સાથે લઈને આવ્યો છે ?”

મોક્ષ કહે, “ગુરુજી ! આપ તો જ્ઞાતા છો, આપનાથી શું છૂપું છે ? આપના ત્રિકાળજ્ઞાન સામે મારી શું વિસાત છે ? ગુરુજી, મેં જે નિર્ણય કર્યો છે શું એ સાચો છે ? એક જીવને ખુશ કરવા જતાં બીજા ઘણાં જીવોને દુઃખ આપવાનું કાર્ય હું નથી કરી શક્યો. હું શું કરું ? મને જ્ઞાન આપો. મારા આત્માને શાંતિ થાય. હું અંદર ને અંદર ખૂબ બળી રહ્યો છું.”

ગુરુજી કહે, “મોક્ષ ! કોઈ પણ પ્રકારની ચિંતા એ ચિતા સમાન છે. પ્રથમ તો તું કંઈ કરી જ નથી રહ્યો, વિધાતાની ઇચ્છા અનુસાર બધું થાય છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા છે. નદી સાગરને જ મળે. મોક્ષ, ગંગા કેટલી પવિત્ર છે કે એના પાણીમાં ડૂબકી મારનાર પાપી પણ પુષ્યશાળી બની જાય છે. ગંગા હિમાલયમાંથી નીકળી સાગરને મળે છે. ગંગા જ્યાંથી પ્રગટ થઈ ત્યાંથી સાગરને મળે ત્યાં સુધીમાં એ કેટલા અવનવા રૂપ ધારણ કરે છે. એની સામે જે સ્થળ પરિસ્થિતિ આવે છે તે પ્રમાણે રૂપ ધારણ કરે છે, પરંતુ સતત ગતિમાં જ રહે છે, ક્યાંય અટકતી નથી. આપણે બોધ લેવાનો છે. એ પહાડ પરથી નીકળે છે ત્યારે ધોધ રૂપે પડે છે. એ ગતિમાં જ રહે છે ઉપર ઊંચાઈ પરથી નીચે પછડાય છે ત્યારે કેટલો આઘાત સહન કરે છે છતાં ધોધમાંથી શક્તિ (વીજળી) ઉત્પન્ન થાય છે. આઘાતનાં પ્રત્યાઘાતમાં શક્તિ ઉત્પન્ન થાય છે. વહેતી વહેતી નાના ડુંગરા પર રુમઝુમ ઝરણાંની જેમ વહે છે ત્યારે સુંદર કન્યાની જેમ નાજુક ચંચળ રૂપ ધારણ કરે છે. એ બે પહાડ વચ્ચેથી નીકળે તો પાણીનાં ફોર્સ શક્તિ સામે કઠણ પહાડ પણ છેદાઈ જાય છે અને રસ્તો બનાવે છે એ એની સંકલ્પશક્તિના દર્શન કરાવે છે. એ મેદાનનાં પ્રદેશમાં આવે ત્યારે ધીર ગંભીર અને શાંત થઈ જાય છે, એ પરિપક્વતાનું દર્શન કરાવે છે અને કિનારા પર ફળદ્રુપ મેદાનો તૈયાર કરીને મબલખ પાક અને વનસ્પતિનું ઉત્પાદન કરે છે. અને છેલ્લે સાગર મિલનમાં સાગરનાં અતૃપ્તિનાં ઘુઘવાટને શાંત કરીને એનામાં ભળી જાય છે, સાગરને પણ શાંત કરે છે.

“મોક્ષ, કુદરત પાસેથી ઘણું શીખવાનું છે. આપણા જીવનની ઘટનાઓ કુદરતનાં જુદા જુદા તત્વો સાથે સરખાવીને આપણે પ્રશ્નોનું નિરાકરણ અને જવાબ મેળવી શકીએ છીએ. પ્રકૃતિ ખૂબ દયાળું છે. મોક્ષ, જે પીડા તું સહન કરી રહ્યો છે તે પ્રકૃતિ સ્થિત છે. તારો જીવ નદી રૂપ છે એ જુદી જુદી સ્થિતિ-પરિસ્થિતિનાં આઘાત સહીને અંતે તો તારા-સાગર સ્વરૂપ ઓરામાં ભળી જશે. વિશ્વાસ રાખ. પીડારૂપી તારો ઘુઘવાટ શાંત કર. તને ખબર છેને સાગર નદીના મિલન માટે તરસતો રહે છે કે એ કિનારા પર દિવસરાત માથા પછાડે છે ઘુઘવાટ કરે છે પરંતુ નદીના મિલન સમયે સાવ શાંત થઈ જાય છે. પૂનમના પૂર્ણ ચંદ્રના દિવસે સાગર એટલા પ્રેમસભર ઉભરાય છે કે એનામાં ભરતી આવે છે. ચંદ્રમા અને પ્રેમભરી દષ્ટિથી જુએ છે, પ્રેમ અમીનાં અજવાળા પાથરે છે, સાગર ખૂબ ઉત્તેજિત થાય છે અને પાણીમાં ભરતી આવે છે. ચંદ્રમાના વિયોગમાં અમાસ દરમ્યાન શોકમાં ડૂબી એનામાં ઓટ આવે છે. આમ, એક ક્રમ નિયમિત ચાલે છે.”

મોક્ષ ગુરુજીના શબ્દો શાંતિથી સાંભલી રહ્યો. એનું મન શાંતિ અનુભવી રહ્યું હતું. મોક્ષે કહ્યું, “ભગવાન, હું તમારા ચરણમાં રહેવા માંગુ છું મારો સ્વીકાર કરો.”

ગુરુજી કહે, “મોક્ષ ! દીકરા આ ભૂમિ તારી જ છે. તારી ઇચ્છા પ્રમાણે અહીં રહી શકે છે. ધ્યાન-યોગ-પ્રકૃતિ સાથે તારો સમય પસાર કર. અહીંના વાડી બગીચા, વૃક્ષોને તારી સેવા આપ. તારા જીવનની ઇચ્છાપૂર્તિ અહીં જરૂર પરિપૂર્ણ થશે જ એટલે ચિંતા કર્યા વિના જીવન વીતાવ.” મોક્ષને માથે હાથ મૂકી આશીર્વાદ આપી ગુરુજી એમની કુટિર તરફ પ્રસ્થાન કરી ગયા. મોક્ષ ગુરુજીને જતા જોઈ રહ્યો.

***

મેલબોર્ન એરપોર્ટ પર વ્યોમ અને વિકાસ પ્લેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. હેતલ અને મનસાના સંયુક્ત પ્રયત્ન અને સૂચના અનુસાર વ્યોમ અને વિકાસ બન્ને એકબીજાને મળીને એકબીજાનો પરિચય કેળવી લીધો હતો. તેઓ ખાસ મિત્ર બની ગયા હતા. જ્યારથી ઓળખાણ થઈ હતી ત્યારથી રોજ સાંજે અચૂક મળતા, બારમાં સાથે ડ્રિંક લેવા જતા. આ લોકોના આગમન સુધીમાં તો ખાસ મિત્ર બની ગયા હતા.

પ્લેન લેન્ડ થઈ ગયાની સૂચના એનાઉન્સમેન્ટ થઈ. વિકાસ-વ્યોમ પાસ લઈને અંદરનાં હોલમાં પહોંચી ગયા. સામાન કલેક્ટ કરવાના પોઈન્ટ પર પહોંચી ગયા. બધા પ્લેનમાંથી આવી રહેલા ક્રાઉડમાંથી વ્યોમ અને વિકાસે મનસા-હેતલ અને મમ્મી-પપ્પાને જોઈ લીધા અને હાથ હલાવી પોતાની હાજરીની જાણ કરી. એરપોર્ટ ફોરમાલિટી પતાવીને બધા એરપોર્ટની બહાર નીકળ્યા. વ્યોમ-મમ્મી પપ્પાને ગળે વળગ્યો. મનસાને બાંહોમાં લઈને હગ કર્યું અને કિસ કરવા જતો હતો પરંતુ મનસા હસતા હસતા હાથ મિલાવીને અલગ થઈ ગઈ. હેતલ અને વિકાસ પણ ભેટી પડ્યા.

***

બધા વ્યોમની કારમાં કારનેગી સ્થિત વ્યોમના ઘરે આવ્યા. રસ્તામાં એરપોર્ટથી ઘરે આવતા હેતલ અને મનસા મેલબોર્ન શહેરની શોભા જોતાં જ રહ્યા. એકદમ સ્વચ્છ-ટ્રાફિકનાં નિયમોનું પાલન-એક શિસ્ત અને વ્યવસ્થાનું સુંદર ઉદાહરણ-સ્વચ્છતા-લીલોતરી જોઈને ખૂબ અભિભૂત થઈને હેતલ કહે “વિકાસ, તમે લોક તો સ્વર્ગમાં રહો છો” વિકાસ અને વ્યોમ હસવા લાગ્યા. કહ્યું, “એટલે તો તમે અપ્સરાઓને સ્વર્ગમાં બોલાવી લીધી.” બધા હસી પડ્યા. વાતો કરતાં કરતાં તેઓ વ્યોમનાં ઘરે આવી ગયા. વ્યોમનું ઘર કારનેગીમાં સાતમા રોડ પર હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ સુંદર બેઠા ઘાટનું મકાન હતું. બે બેડરૂમ-ડ્રોઈંગરૂમ-કિચન અને બગીચાવાળું સુંદર મકાન હતું. ઘરે પહોંચ્યા એટલે બધાને હાશ થઈ.

ચા-પાણીથી પરવારીને માલતીબહેન કહે, “પહેલાં વિનોદાબેનને અને હેતલના ઘરે ફોન કરી દો કે તમે લોકો સહીસલામત રીતે અહીં પહોંચી ગયા છો. એ લોકો ચિંતા કરતા હશે.” મનસાએ કહ્યું હા પહેલા ફોન કરી દઈએ. વ્યોમે મનસાને અને વિકાસે હેતલને પોતાનાં મોબાઈલ આપ્યા અને બન્નેએ પોતાના ઘરે ફોન લગાડ્યો.

વિનોદાબાએ જ ફોન ઉંચક્યો. મનસાનો અવાજ સાંભળી જીવમાં જીવ આવ્યો. કહ્યું, “દીકરા બધા સારી રીતે પહોંચી ગયા ને !” મનસા કહે, “હા મા કોઈ ચિંતાનું કારણ નથી, અમે સરસ રીતે પહોંચી ગયા છીએ. અહીં બધું સરસ છે કોઈ અગવડ નથી તમે ચિંતા ના કરશો હું ફોન કરતી રહીશ. મા લે, માલતી આંટી સાથે વાત કર.” માલતીબેને ફોન લેતા વિનોદાબાને કહ્યું, “બેન તમે ચિંતા ના કરશો, મારી દીકરી છે મારી જવાબદારી છે. નિશ્ચિંત રહેજો મનસા તમને ફોન કરતી રહેશે.” વિનોદાબા કહે, “મને ચિંતા નહીં થાય જો મને એવું હોત તો મારી એકની એક દીકરીને મોકલત ખરી ? મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.” હેતલે પણ ઘરે વાત કરી અને માલતીબેન સાથે પણ વાત કરાવી – વ્યોમ અને વિકાસ પણ હેતલ અને મનસાનાં ઘરે વાત કરી. બધાને શાંતિ થઈ સંતોષ થયો. બધા ફ્રેશ થયા પછી જમવાની તૈયારી કરવા લાગ્યા. વ્યોમ અને વિકાસ હેતલ અને મનસાને કહ્યું, તમારા માટે અહિના પબ્લિક ટ્રાન્સપોર્ટનાં એટલે કે ટ્રામ-ટ્રેન-બસ માટે પાસ લઈ લીધા છે એ તમારી પાસે રાખો અને આ ફોન રાખો તમારે ઇન્ડિયા અને અમારી સાથા વાત કરવા માટે ચાલશે – એમ કહી બધી વ્યવસ્થા સમજાવી. હેતલ અને મનસા ખૂબ ખુશ થઈ ગયા.

***

સવારે બધા ઉઠ્યા. વ્યોમ-વિકાસે અગાઉથી પ્રોગ્રામ નક્કી કરી રાખેલો કે આજે અમે રજા રાખેલી છે. આપણે બહાર જઈશું. પહેલાં તો વિકાસનાં ઘરે જઈશું. એનું ઘર હેતલબહેન જોઈ લે પછી મુરામ્બીનાથી જ ફલીન્ડર સ્ટ્રીટ જઈશુ. મેઇન સ્ટેશન આજે ટ્રેન-ટ્રામ-બસમાં જ ફરીશું એટલે દરેક વિસ્તાર સિસ્ટમ જોઈ શકાય. હેતલ ખુશ થઈ ગઈ. તે વિકાસનો હાથ પકડીને આગળ ચાલવા લાગી. થોડાક સમયમાં જ વિકાસ જ્યાં રહેતો હતો એ બિલ્ડિંગ પાસે આવી ગયા. મનસા કહે, આ તો તમારા બન્નેના ઘર સાવ નજીક છે. વિકાસ કહે, હા એ જ મોટો ફાયદો છે. હું રોજ રાત્રે પાછો આવીને સવારે ત્યાં આવી જઈશ. બધા હસી પડ્યા. વિકાસ પેઈંગગેસ્ટ તરીકે રહેતો હતો એ જોઈને પાછા બધા ફલીન્ડર સ્ટ્રીટ જવા નીકળી ગયા. વિકાસ જ્યાં પેઈંગગેસ્ટ તરીકે રહેતો હતો ત્યાં સાથે રહેવાય એમ નહોતું. વ્યોમનું ઘર પોતાનું હતું એટલે સારી વ્યવસ્થા થઈ ગઈ હતી. બધા મુરમ્બીનાથી ફલીન્ડર સ્ટ્રીટ જવા ટ્રેનમાં ચઢી ગયા, આજનો પ્રવાસ ચાલુ થઈ ગયો.

ફલીન્ડર સ્ટ્રીટ પહોંચી ગયા. વ્યોમે કહ્યું, “આ મોટું જંકશન છે. અહીંથી બીજી લાઈનો માટે ટ્રેન બદલી શકાય. અહીંથી સિટીમાં જવાનાં કનેક્શન મળી રહે છે.”ત્યાંથી બહાર નીકળીને બધા બજારની સ્ટ્રીટ તરફ ચાલતા ચાલતા નીકળી પડ્યા. અહીં સાંજનાં પાંચ વાગતા સુધીમાં તો અંધારું થવા લાગતું અને ઠંડી પણ ખૂબ પડતી હતી. ગમે ત્યારે વરસાદ આવી જતો. વ્યોમ કહે, અહીં અત્યારે મિશ્ર સિઝન છે. આમ તો કાયમ ઠંડી-વરસાદ ગમે ત્યારે આવી જાય છે પરંતુ અહીં સારું એ છે કે અહીં ક્લાઇમેટ કેવું રહેશે એનું ફોરકાસ્ટ પરફેક્ટ હોય છે. વરસાદનાં અવર્સ કે ઠંડીનું ફોરકાસ્ટ હોય એ પ્રમાણે જ થાય છે જેથી પ્લાનિંગ કરી શકો. તમે તમારું કામ એ પ્રમાણે સેટિંગ કરી શકો.” મનસા નવું શહેર નવો દેશ ઉત્સાહપૂર્વક જોઈ રહી હતી. રોડ ક્રોસ કરતાં વ્યોમ મનસાનો હાથ પકડી લેતો પરંતુ મનસા હળવે રહીને હાથ છોડાવી લેતી અને આગળ ચાલવા લાગતી.

બીજે દિવસે વ્યોમ-વિકાસ કામ પર ગયા. મનસુખબાઈ-માલતીબેન સ્ટ્રીટમાં ચાલવા નીકળ્યા. હેતલ મનસા એકલા પડ્યા. હેતલ કહે, “મનસા, હું જોઈ રહી છું કે તું નવું શહેર એન્જોય કરી રહી છું પરંતુ વ્યોમ સાથે તું થોડી અલિપ્ત રહે છે. શું પ્રોબ્લેમ છે ? હું વિકાસ જોડે હળીમળી ગઈ છું તું એવી નથી થઈ રહી ?” મનસા કહે, “ઠીક છે મને તારા જેવી લાગણી નથી થઈ રહી. મને અહીં જોવું ગમે છે પરંતુ પોતાનું કંઈ જ નથી લાગી રહ્યું.” હેતલ કહે, “એમ પોતાનું કંઈ થોડું થઈ જાય ? એના માટે આપણે પ્રયત્ન કરવા પડે એમનામાં સમાવવું પડે સ્વીકારવા પડે એમ થોડું થાય ?” મનસા કહે, “તારાથી એવું થઈ શકે છે તું કર. મારાથી નથી થતું હું શું કરું ?”

આમ ને આમ મેલબોર્નમાં એક વીક પૂરું થઈ ગયું. બધા સાથે સાંજે ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જતા, ઇન્ડિયન રેસ્ટોરેન્ટમાં જતા – જુદા જુદા મોલમાં ફરવા જાય બહુ જ ગમી જાય તો ખરીદી કરી લેતા. આજે મનસુખભાઈ અને માલતીબેન સાથે ઇસ્કોન મંદિર દર્શન કરવા જવાનાં છે. માલતીબેન અગાઉ જ્યારે મેલબોર્ન આવતા ત્યારે ઘણીવાર અહીં દર્શને આવી ગયા છે. એકલા જ જતા આવતા હતા. આજે મનસા અને હેતલને લઈને આવ્યા.

ખૂબ સુંદર વાતાવરણ છે. નિરવ શાંતિ છે. અંદર પ્રવેશ કર્યા પછી વિશાળ હોલમાં સુંદર મંદિર છે. લાઈવ ભજન ગવાય છે. રાધાકૃષ્ણ, બાળક્રિષ્નાની ખૂબ જ મોહક મૂર્તિઓ છે. અહીં ઘંટ વગાડાતો નથી પરંતુ સુંદર રાગમાં ભજન અને ધૂનો ગવાય છે.

મનસા રાધાક્રિષ્નાની મૂર્તિ સામે આંખો મીંચીને ઊભી રહી. એનાં મનોચક્ષુ સામે મોક્ષની જ મોહક તસવીર આવીને ઊભી. મનસાની આંખમાંથી અશ્રુધારા વહી રહી. એણે કાનાને ફરિયાદ કરી, મને આમાંથી મુક્ત કરો, મારા મોક્ષ સાથે મિલન કરાવો. અહીં મારું મન જ નથી લાગતું. હું બધાને છેતરી રહી છું મને માફ કરો. મને તમે આશિષ આપો. તમારી લીલા હું નથી સમજી શકતી પરંતુ હું બીજા કોઈની નહીં જ થઈ શકું, મને મોક્ષમય કરી દો. હેતલ મનસાને જોઈ રહી છે. મનસુખભાઈ અને માલતીબહેન મંદિરના હોલની બહાર ગયા. બહાર રાહ જુએ છે. હેતલે મનસાને હાથ પકડીને કહ્યું, “મનસા સ્વસ્થ થા. આંટી અકંલ બહાર રાહ જુએ છે.” મનસાએ આંસુ લૂછ્યા. બધા બહાર ગયા અને ત્યાં ઇસ્કોનનો પ્રસાદ લઈને ફરતાં ફરતાં ઘરે પાછા આવ્યા. વ્યોમ અને વિકાસ પણ પાછા આવી ગયા હતા. વ્યોમે કહ્યું, ચાલો બહાર જવાનું છે. મનસા કહે, પ્લીઝ વ્યોમ, આજે નહીં કાલે જઈશું. આજે મને ખૂબ થાક લાગ્યો છે.

મનસાએ ઘણાં સયમથી કાબૂમાં રાખેલો બંધ આજે તૂટી ગયો. પોતાના બેડ પર સૂઈ ગઈ. એનું રુદન માતું નહોતું પણ ધ્યાન રાખી રહી હતી કે કોઈ જુએ નહીં. એણે વ્યોમને આપેલો ફોન લીધો. મોક્ષનો નંબર લગાડી મોક્ષને મેસેજ લખવાનો ચાલુ કર્યો –

***