ઝરુખેથી
પ્રફુલ્લ આર શાહ
ગઝલ
ઈશારો કાફી છે સૌની વચ્ચે.
ફૂંફાડો બાકી છે સૌની વચ્ચે.
ટૂંકી છે કેડી પણ ફરવું પડતું.
દીવાલો લાંબી છે સૌની વચ્ચે.
જાણીતા ચ્હેરા,પણ ના ઓળખ છે
દ્રષ્ટિ હવે ઝાંખી છે સૌની વચ્ચે.
પણ એને સૌ હસવામાં કાઢે છે
વય એની કાચી છે સૌની વચ્ચે.
જોઈએ શું થાશે ? ધીરજ ધરજો
ગલ તો મેં નાખી છે સૌની વચ્ચે.
ગા×10
***
ચાંદની રાત છે....
રીમઝીમ, વરસાદ છે
બસ તમારા ખયાલો છે
ક્યારે આવો છો, ક્યારે આવો છો .
ખીલ્યો છે ચાંદ એ પણ ઢળી જશે
ફૂલો જે ખીલ્યા છે તે કરમાઈ જશે
મારી મ્હેંદીનો રંગ.. ઊડી જશે
ક્યારે આવો છો, ક્યારેઆવો છો.
આ શમા પણ ડગમગી રહી છે
એકલતા મને ડરાવી રહી છે
પાંપણો ફફડે છે તારા ખયાલોમાં
ક્યારે આવો છો.. ક્યારે આવો છો...
***
જિંદગી આખરે ધૂળ છે ચપટી
પીગળે એમ ના કાંઈ એ જલદી.
શ્વાસ છેલ્લો હશે,રાખશે જીવંત
આંખ સામે જશે જીવ આ સરકી.
વાત ના ઊતરે દિલદિમાગ મહીં
ભલભલાને સમાવે મુંબઈ નગરી
ના બતાવે જખમ કોઈ પોતાનાં
છે અહીં માનવી જીવનો સફરી.
ગાલગા×3ગાગા
***
પુરુષ આખરે પુરુષ
હથોડા જેવા હાથ
છીણી જેવી નજર
છેદાઈ જાય સ્રી...
જો કે અરસપરસ જેવું છે!
છેદાય જ્યાં જ્યાં
ત્યાં ત્યાં વેદના
પણ એ વેદનાં ઢંકાઈ જાય
શૃંગાર દ્રારા..
જે સ્રીનાં સૌંદર્યને તાવી દે..
પુરુષ ઓગળતો જાય
એ સૌંદર્ય પાછળ
એટલો બધો કે
જોવો ના ગમે
અને સ્રી છેદાવાની
કિંમત વસૂલ કર્યાં
વગર ના છોડે
કારણ
વેદનાં શું છે તે ,તે
સારી રીતે જાણે છે..
***
સંધ્યાકાળે હોય છે
એકબીજાની ફિકર
ભલે બોલીએ ના કાંઈ
પણ ફરતી હોય છે નજર
એકબીજા પર.
***
મારી જિંદગી
એક નવલકથા છે.
ઉગતો સૂરજ હું છું
પ્રત્યેક દિવસ નવું પ્રકરણ છે
આથમતો સૂરજ એટલે
એક પ્રકરણ સમાપ્ત..
ક્યારે થશે પ્રકરણો પૂરાં
એ હું ન જાણું!
***
આપણે તો આપણાં જેવાં.
ના વખાણવા જેવાં
ના ખોડ કાઢવા જેવાં
આપણે તો આપણાં જેવાં.
ક્યાં ઠરીઠામ થઈ રહેવું છે .
નદીની જેમ બસ વહેવું છે.
ક્યાં કશું સંઘરવું છે
પવન થઈ બસ લહેરવું છે.
આપણે તો આપણાં જેવાં...
આપણે તો ખંખેરીને ચાલતાં ભલાં
ના કોઇ બોજમાં વીંટળાતાં
બોલાવશો તો આવશું અથવા
ગાઈશું ગીત અમે અમારા..
આપણે તો આપણાં જેવાં...
ના જાતને છેતરવામાં રસ છે
ના કાજી થવામાં રસ છે
જાતને ઓળખી, ભીતરને ઢંઢોળી
હરિ ભજન ગાવામાં મસ્ત છીએ.
આપણે તો આપણાં જેવા ..
***
આંખોને પણ મન થાય છે
સુખનાં વરસાદમાં પલળવાનું.
કાનને પણ મન થાય છે
બે મીઠાં બોલમાં આળોટવાનું.
રતુમડાં મારાં હોઠ પણ તરસ્યાં
મળી જાય સ્મિતનો જામ તો ગટગટાવાનું.
આ થાકી ગયેલાં હાથપગને
મન થાય ક્યાંક બેસી રજ ચોળવાનું.
જોઈ આથમતો આ સૂરજ
મુજ જીવને મન થાય વાગોળવાનું..
***
જ્યારથી આપણી વચ્ચે
હાય.. હલ્લો.. કેમ છો..
નો વ્યહવાર થયો છે,
હું જોયા કરું છું
મારા આંગણામાંનાં ગુલાબનાં છોડને
ક્યારે ફૂલ ગુલાબનું ખીલે
અને તને આપુ....
***
આક્રોશ
ના પર્ણો છે
ના શોરબકોર
ના ડાળીઓમાં રસકસ
ઊભું છે વૃક્ષ
સાવ એકલું
ઉદાસી ઓઢી..
જોઈ રહી છે
ચાંદલા વગરના કપાળે
તે વિધવા બાઈ
વૃક્ષને
સૂરજના દાહમાં...
નીરુત્તરે!
ઉછળી રહ્યો છે આક્રોશ
દાવાનળ થઈને
કદાચ થશે નવપલ્લવિત
આ વૃક્ષ
પણ હું
મૃત્યુ પર્યંચ
શ્રાપિત રહીશ
આ દશાએ..?!
***
છૂટાં પડતાં પહેલાં
મળી લઈએ
ગુલાબમાં ગુલાલ
ઉડાડી...
પાલવ ભીંજાય એ પહેલાં .
***
દીકરી આવે વસંત થઈને
અને જાય
સુવાસ પાથરીને ..
***
સંબંધોમાં પણ પીળાશ પડે છે.
પણ ના પીળા પાન થઈને ખરે છે .
***
પ્રભુ તો જ્યોત મળે ના સ્હેજે.
એને ગોત મળે ના સ્હેજે.
તપમાં તાપે જે એ પામે
જ્ઞાન કે બોધ મળે ના સ્હેજે.
બેઠો હોય હશે ભીતર એ
દ્રારો ખોલ મળે ના સ્હેજે.
શબરી શી રાખીએ ધીરજ
મોટા લોગ મળે ના સ્હેજે.
આતો યાત્રા એક અનોખી
અવિરત શોધ મળે ના સ્હેજે.
***
મારી અનુભૂતિ
મને વિવાદે ચડાવે છે.
આખરે મળે શું?
પાણીમાં પરપોટા
જે મને ચકરાવે
ચઢાવે છે.
***
મારા શયન ખંડમાં
રાતરાણીનાં ફૂલો નથી
જેમ તું નથી.
પણ એ ફૂલોની સુવાસ
ફરી વળે છે
મારા શયન ખંડમાં
જેમ તારી યાદ....
***
બે આંસુ નીકળ્યાં આંખમાંથી
દુ:ખનો દરિયો તણાઈ ગયો.
આંસુઓ લૂછ્યાં મેં હળવેકથી
સુખનો ગાગર છલકાઈ ગયો.
થપથપાવ્યો ખભો મારો પ્રેમેથી
ખરી પડ્યાં પીળા પાન હૈયેથી.
બે શબ્દો સુણાવ્યાં મીઠાં મધુરા
વસંત ટહુકે ટહુકે ટહુકી ઊઠી.
કોઈનો સહારો, કોઈની હુંફ
જીવન જીવાઈ જાય કિલ્લોલથી
જીવન પથ પર હોય હરિ સ્મરણ
જીવન જીવાઈ જાય સુખેથી.
***
આ શહેરમાં
ફક્ત રઘવાટ જોવા મળે છે.
હાથમાં ચાંદ જોવા મળે છે.
હોય ખારાશ તો પણ અહીં તો
ખીલતો પ્યાર જોવા મળે છે.
હાય હલ્લો લઈ સૌ ફરે છે
એક વિશ્વાસ જોવા મળે છે.
ઝુંપડાની નજીકે મકાનો
હોય,ના ખાર જોવા મળે છે.
જિંદગી સૌનીછે એક સરખી
સૌ પરેશાન જોવા મળે છે.
ગાલ ગાગાલ ગાગાલ ગાગા
***
પત્તું ખરે વૃક્ષેથી
પીળું કે લીલું
થઈ જાય ખળભળાટ..
અને ઘટના ફેરવાતી જાય
રોજિંદા વ્યવહારમાં
આપણી જાણ વગર…
***
સ્રી ને પામવી હોય તો
મા તરીકે સ્વીકારો..
તમારી આસપાસ
સુખ સ્વર્ગનું પાથરશે...
પણ જો પ્રેયસી કે પરી
તરીકે સ્વીકારી તો
પળ પળ દઝાડશે
કારણ તેની અપેક્ષા..
***
તૂટેલી દીવાલો સાંધી શક્યો.
પણ નાની શી તડ ના કાઢી શક્યો.
***
પથ્થરને કોતરતાં કોતરતાં
પથ્થરમાં જીવ આવી ગયો
અને મારા મા પ્રવેશી ગઈ
બરછટતા જાણે હું પથ્થર .
***
એકલતાની ઝૂલતી ડાળી
જોઈ, શમણું દોડીને
વળગ્યું મને એવું
જાણે પતંગિયું વળગે ફૂલને.
***
સૂર્યાસ્તનો તડકો
બારીએથી પ્રવેશી ઘરમાં
રાતરાણીનાં ફૂલો વેરતો ગયો
અને મારા ચહેરા પર લાલી ખીલતી ગઈ.
***
તું ગુલાબનાં ફૂલો આપી જાય છે.
પણ મારી આંગળીને ટેરવે
રક્તની ગાંઠ જામી જાય છે.
જે પળે પળે દર્દ આપી જાય છે
જાણે તારી યાદ!
***
બાળપણ ગળ્યું ગળ્યું મધ જેવું લાગે છે.
જાણે બરફનો રંગબેરંગી ગોળો,
બસ ચૂસ્યા કરીએ, ચૂસ્યા કરીએ!
બાળપણ ગળ્યું ગળ્યું મધ જેવુંલાગે છે.
એકાંતના ઝરુખે કે વસંતની પાળે
કોયલનાં ટહુકાની જેમ ટહુકી જાય છે
હોય પ્રસંગ ખુશીનો કે હું તું નો
બાળપણ ચહેરા પર પ્રગટી જાય છે.
બાળપણ ગળ્યું ગળ્યુંમધ જેવું લાગે છે.
ઘડપણ તો જાણે બાળપણનો નવો અવતાર
એને મળી જાય પૌત્ર પૌત્રીનો અનોખો સાથ
અળસિયાની જેમ ફૂટી નીકળે નિત નવા સ્વાદ
બાળપણ ગળ્યું ગળ્યું મધ જેવું લાગે છે.
***
સત્યની વાટને
સળગાવી
મશાલ લઈ
ઊભા રહો
પારખાં થઈ જશે સબંધોનાં.
***
ગઝલ
માણસ મળવા જેવા હોય છે.
અવગુણ ખોવા જેવા હોય છે.
ચશ્મા પે’રી લીધાં ત્યારથી
દ્રશ્યો જોવા જેવા હોય છે.
કડવી લાગે વાણી માની
વચનો પીવા જેવા હોય છે.
પીડા દે છે નાહક નાં એ
જખમો ધોવા જેવા હોય છે.
કોરો કાગળ ને એકલતા
સ્મરણ લખવા જેવા હોય છે.
***
ઈચ્છાઓને હણી શું મળશે?
ફૂલ વગરનું ચમન શું ગમશે?
આ તો બાવળ અક્કડ ઊભું!
નાજુકતા વિના ક્યાંથી નમશે?
હોય સમયની ચાલો જબરી
સાંજનો સૂરજ હળવે ઢળશે!
આ તો સૌની દુઆનું કારણ
આજે પંગુ પરવત પણ ચઢશે.
શ્રધ્ધાનો પકડ્યો છે પાલવ
મીઠા બોર મને પણ મળશે.
***
આંસુઓ
1)
જોયાં કરું છું
તારી આંખોમાંથી
નીકળતાં આંસુઓને
હોય છે ખુશ્બુ એમાં ગુલાબની.
2)
વર્ષો પછી મળ્યાં
તું નહીં તારાં આંસુ બોલ્યાં.
3)
પાપ ધોવા કે પુણ્ય કમાવવા
જરૂર પડે છે આંસુઓની.
4)
સુખ કે દુઃખનો
ભાર હળવો થઈ જાય
હોય જો બે બુંદ આંસુઓ.
5)
સરવરની પાળે
લખાઈ ગયું તારું નામ
આંસુઓનાં વહેણ વડે..
પ્રફુલ્લ આર શાહ