Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

પ્રશ્ન: કોઈએ ક્યારેય ઈશ્વરને જોયો નથી. તો પછી ઈશ્વરના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણિત કરી શકીએ?

કોઈએ કદી વીજળી, ઉષ્મા, અણુ કે પરમાણુ જોયા નથી. કોઈએ કદી ફોટોનને જોયા નથી. કોઈએ કદી પ્રકાશ કે ઉષ્માના વિકિરણોને પણ જોયા નથી. આમ છતાં આપણે આવી નરી આંખે ન દેખાતી વસ્તુઓના અસ્તિત્વને કેમ સ્વીકારીએ છીએ?

આપણે ફોટોનને જોઈ નથી શકતા. પણ તેના અસ્તિત્વને કારણે ઉત્પન્ન થતી અસરને જોઈ શકીએ છીએ. આમ ફોટોનની દેખીતી અસર ફોટોનના અસ્તિત્વનું પ્રમાણ આપે છે. આવી જ રીતે વીજળી, અણુ કે પરમાણુ, પ્રકાશ કે ઉષ્માના તરંગો દેખાતા ન હોવા છતાં, તેમના દ્વારા ઉત્પન્ન થતી અસરોથી તેમના અસ્તિત્વનું પ્રમાણ મળે છે. આવાં પ્રમાણને “પરોક્ષ” પ્રમાણ કહે છે.

આમ વસ્તુઓની આવી દેખીતી અસરને કારણે આપણે માની લઈએ છીએ કે આ વસ્તુનું અસ્તિત્વ છે. આંખ તો વસ્તુઓના અસ્તિત્વની અનુભૂતિ કરવાનું એક સીમિત સાધન માત્ર જ છે. આપણે જે આંખો (સાધન) દ્વારા નથી જોઈએ શકતા તે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ શકીએ છીએ. પણ અતિ સૂક્ષ્મ અણુ કે પરમાણુઓ તો સૌથી શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. પણ એનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી. આંખ જેવી બીજી જ્ઞાન ઇન્દ્રીયોની (ગંધ, સ્પર્શ વગેરે) બાબતમાં પણ આમ જ છે.

આખું આધુનિક વિજ્ઞાન વસ્તુની અસરને પકડી તેના અસ્તિત્વનું અનુમાન લગાવવા પર જ આધારિત છે. આધુનિક વિજ્ઞાન ઘટનાઓની અસરોને વિવિધ પ્રકારના યંત્રો દ્વારા પકડી તેને સમજાવવા જુંદા-જુંદા માળખાઓ રચે છે.

પણ આવાં માળખાઓની પરે, બીજી એવી વાસ્તવિકતા છે જેને આધુનિક વિજ્ઞાનનો કોઈપણ સિદ્ધાંત સમજાવી શકતો નથી. આવી વાસ્તવિકતાઓ અને વાસ્તવિકતાઓના કારણને સમજવા કે સમજાવવા માટે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી.

પ્રશ્ન: યંત્રો દ્વારા જે પકડી અને માપી શકાય છે તેના જ અસ્તિત્વનો સ્વીકાર આધુનિક વિજ્ઞાન કરે છે. પણ ઈશ્વર તો પકડી કે માપી શકતો નથી. તો પછી આપણે તેના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરી લઈએ?

આ એક બહુ મોટો ભ્રમ છે. ઈશ્વરને માપવાની વાત તો બહુ દુરની છે. પહેલાં તો આપણે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું જોઈએ. ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષ અવલોકનથી મળે છે.

હવે કોઈપણ વસ્તુનું પ્રત્યક્ષ અવલોકન અને તેના માપનો આધાર તે વસ્તુનું અવલોકન કરવા માટે વાપરવામાં આવતા યંત્રો કે સાધનોની કાર્યક્ષમતા પર રહેલો છે. ઉદાહરણ તરીકે, આપણે એમ ન કહી શકીએ કે ન્યુટને ટેલીસ્કોપનો આવિષ્કાર કર્યો તે પહેલાં જયુપીટરના ચંદ્રોનું અસ્તિત્વ ન હતું! અને જો કોઈ આમ કહે તો તે મૂર્ખ જ ગણાય!

જ્ઞાન ઇન્દ્રિયો અને અતિ આધુનિક યંત્રોની મર્યાદિત ક્ષમતાને કારણે વૈજ્ઞાનિકો માત્ર આકાર અને કદ ધરાવતી સુક્ષ્મ વસ્તુઓનું જ અવલોકન કરી તેને માપી શકે છે. પણ ઇશ્વર તો તરંગો કે અતિ સુક્ષ્મ અણુઓથી પણ સુક્ષ્મ છે. ઈશ્વર નિરાકાર છે. આથી જ્ઞાન ઇન્દ્રિયો કે અતિ આધુનિક યંત્રો ઈશ્વરનું અવલોકન કરી શકતા નથી. આમ જેમ ટેલિફોન મારફતે ભારતમાં બેઠા બેઠા અમેરિકામાં રહેલા ગુલાબના ફૂલને સુંઘવાનો પ્રયાસ મૂર્ખતા છે, તેમ કોઈ ભૌતિક યંત્રો દ્વારા ઈશ્વરનું અવલોકન કરવાનો કે તેને માપવાનો પ્રયાસ પણ મૂર્ખતા અને સમયની બરબાદી જ છે.

પણ સત્ય તો એ છે કે આ શ્રુષ્ટિમાં અને આપણાં જીવનમાં ઈશ્વરની સત્તાને કારણે ઉત્પન્ન થતી અસરોનું અવલોકન કરી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું ખુબ જ સરળ છે.

પ્રશ્ન: પણ જો આમ જ હોય તો પછી આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને કેમ નકારે છે?

આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને નકારતું નથી. પણ આ વિષય આધુનિક ભૌતિક વિજ્ઞાનની પકડની બહાર છે. જો તમે ન્યુટન, આઈનસ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોના જીવન વિષે વાંચશો તો ખ્યાલ આવશે કે તેઓએ ઈશ્વરની સત્તાને ક્યારેય નકારી ન હતી. ઉલટાનું, તેઓને ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ હતો. આધુનિક વિજ્ઞાન ઈશ્વરની એવા ગુણોને નકારે છે કે જે ગુણો હોવાનું કારણ તેઓ બીજાને સમજાવી શકતા નથી, અથવા તો જેનું અવલોકન કરી શકતા નથી, અથવા તો જેના પર પ્રયોગશાળામાં શોધખોળ કરી શકતા નથી.

આગળ વધતા પહેલાં આપણે આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિનો જે ઇતિહાસ છે તેના વિષે થોડું જાણી લઈએ. આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિ યુરોપમાં બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતની વિરુદ્ધ પ્રતિક્રિયા રૂપે થઇ હતી. જેમ જેમ આના પર વધારે અને વધારે શોધખોળ થતી ગઈ, તેમ તેમ સદીઓ જૂની બાઈબલની અવૈજ્ઞાનિક અને રૂઢીવાદી માન્યતાઓ ખોટી પુરવાર થતી ગઈ. આમ થવાથી ઈશ્વર-શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે ભારે લડાઈ ચાલી. આધુનિક વિજ્ઞાને તેની નિરંતર ચાલતી શોધખોળોના પરિણામોને આધારે બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતને નકાર્યો. અને આમ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર આધુનિક વિજ્ઞાનમાં પ્રચલિત બન્યો. આજે આધુનિક વિજ્ઞાન સૌથી વધુ પ્રતિરોધ રૂઢિચુસ્ત ઈસાઈ અને ઇસ્લામ ધર્મ તરફથી મેળવે છે. અને આથી જ ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એ આધુનિક વિજ્ઞાનની ખાસિયત બની ચુકી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, જે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં તે ઈશ્વરને આધુનિક વિજ્ઞાન નકારે છે. પણ આધુનિક વિજ્ઞાન સર્વવ્યાપી ઈશ્વરના અસ્તિત્વને નકારતું નથી, અને નકારી પણ ન શકે.

પ્રશ્ન: “જે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં તે ઈશ્વરને આધુનિક વિજ્ઞાન નકારે છે” તેનો શો અર્થ છે?

આધુનિક વિજ્ઞાન એ ઈશ્વરને નકારે છે કે જે:

૧. ઈશ્વરમાં મનુષ્ય જેવાં દોષો - ઈચ્છા, ક્રોધ વગેરે – હોય.

૨. સર્વવ્યાપી નથી.

૩. મનુષ્યજાતિની રોજીંદા જીવનની સામાન્ય બાબતોમાં દખલ કરે છે.

૪. સમયાંતરે ચમત્કારો કરતો રહે છે.

૫. તેના અનુયાયીઓના પાપ માફ કરતો ફરે છે.

૬. આપણને સ્વર્ગ કે નર્કમાં મોકલે છે.

૭. અવતાર લે છે અથવા તો તેના કોઈ દેવદૂતને મોકલે છે.

૮. પોતે જ ઘડેલા નિયમો બદલાતો રહે છે.

૯. ચોથા કે સાતમાં આકાશમાં રહે છે.

૧૦. પોતે લખેલા ધાર્મિક ગ્રંથને ન માનનારને સજા કરે છે.

૧૧. શ્રુષ્ટિના વિનાશ પછી નિર્ણાયક દિવસની રાહ જુવે છે.

૧૨. આ શ્રુષ્ટિનું સર્જન થોડા દિવસો કે કલાકોમાં જ કરે છે.

૧૩. દેવદુત કે પરીઓનું સર્જન કરે છે.

૧૪. શેતાનની સામે લડે છે. વગેરે....

આવાં અપરિપૂર્ણ અને દોષયુક્ત ઈશ્વરનું અસ્તિત્વ નથી. આવાં ઈશ્વરનું અસ્તિત્વ હોવા પાછળ કોઈ તર્ક કે કારણ ન હોવાથી વેદ અને આધુનિક વિજ્ઞાન બંને આવાં ઈશ્વરને નકારે છે.

પ્રશ્ન: આપણે ઈશ્વરના દિવ્ય ગુણોને કેવી રીતે સમજી શકીએ?

ચાર અલગ-અલગ પાસાઓના ગહન “અવલોકન અને વિશ્લેષણ” થી ઈશ્વરના દિવ્ય ગુણોને સમજી શકાય છે.

પ્રશ્ન: તો આમાંનું પહેલું પાસું શું છે?

શ્રુષ્ટીના અપરિવર્તનશીલ નિયમો: જરા વિચાર કરો. નિયમ કોને કહેવાય? નિયમ એટલે એવી ઘટના કે જેનું પુનરાવર્તન કોઈપણ પ્રકારની ખામી વગર અવિરતપણે થતું રહેતું હોય. જેમાં સમયાંતરે કોઈપણ પ્રકારનો ફેરફાર કે બદલાવ ન આવતો હોય.

હવે પ્રશ્ન એ થાય છે કે આ નિયમો ઘડી તેને કાર્યરત બનાવનાર કોણ છે? જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત-ચુંબકીય બળ, શક્તિ અને નબળા અણુકેન્દ્રીય બળો, જેવા શ્રુષ્ટિને નિયંત્રણમાં રાખતા ચાર મૂળભૂત બળોની ઉત્પત્તિનું કારણ શું છે? ભૌતિકશાસ્ત્રીઓ આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે. તેઓ એવો દાવો કરતાં ફરે છે કે એક દિવસ તો તેઓ આ પ્રશ્નનો જવાબ મેળવીને જ રહેશે.

સરળતા ખાતર આપણે આ બળોને “એકીકૃત બળો” એવું નામ પણ આપ્યું છે. પણ તેમ છતાં મારો પ્રશ્ન એ છે કે “આ એકીકૃત બળોની ઉત્પત્તિનું કારણ શું છે?” વાસ્તવિકતા તો એ છે કે આ બળોની હાજરી જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપે છે. ઈશ્વર અણુઓને એવી સુનિશ્ચિત રીતે ગતિ આપે છે કે જેથી કરીને આપણે તેને માપી શકીએ અને નિયમ તરીકે ઓળખી શકીએ છીએ. આમ ઈશ્વર જ આ શ્રુષ્ટિનું સંચાલન કરે છે.

પ્રશ્ન: તો આમાંનું બીજું પાસું શું છે?

ચેતના: ઈશ્વરના ગુણોનો ખ્યાલ ચેતનાના રહસ્ય પરથી આવે છે. આધુનિક વિજ્ઞાન ચેતાનાના સ્ત્રોતને શોધવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ જાણે છે કે મનુષ્ય/પ્રાણી શરીર એક અદભૂત સ્વયમ સંચાલિત પ્રણાલી છે. પણ “આ પ્રણાલી અસ્તિત્વમાં કેવી રીતે આવી અને આ પ્રણાલીનું સંચાલન કોણ કરે છે?”, એ પ્રશ્ન તેમને મુંઝવતો રહે છે.

મોટે ભાગે બધી જ દૈહિક ક્રિયા-કલાપો થવા પાછળનું મૂળ કારણ સુખ અને દુ:ખની ઉત્પત્તિ છે. પણ સુખ અને દુ:ખની ઉત્પત્તિના સ્ત્રોતને પકડવામાં કે તેને માપવામાં આધુનિક વિજ્ઞાન નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે વૈજ્ઞાનિક ઉપકરણો અતિ સુક્ષ્મ અણુથી સુક્ષ્મ નથી. અને આથી ચેતના વૈજ્ઞાનિક ઉપકરણોના પકડની બહારની વાત છે.

“ચેતનાને કોઈ રસાયણિક પ્રક્રિયાથી સમજાવી ન શકાય.” તમે ચેતનાના વિષય પર કોઈ પણ પુસ્તક વાંચશો તો ખ્યાલ આવી જશે કે ચેતના આધુનિક વિજ્ઞાનના વિષય બહારની વસ્તુ છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે ચેતના મગજમાં કોઈ ખાસ સ્થાને ન હોતા મનુષ્ય શરીર પ્રણાલીમાં પ્રસરેલી છે. પણ આમ છતાં મનુષ્યો/પ્રાણીઓમાં મજ્જાતંતુઓની પ્રતિક્રિયા અને સુખ અને દુ:ખની અનુભૂતિ કોણ કરે છે તે આધુનિક વિજ્ઞાન સમજી શકતું નથી. આપણું મગજ કેવી રીતે કામ કરે છે? વિદ્યુત સંકેતોનું કાર્યમાં કેવી રીતે પરિવર્તન થાય છે? આપણે લાગણીઓ કેમ અનુભવીએ છીએ? કોણ લાગણી અનુભવે છે? આ બધાં પ્રશ્નોનો જવાબ આધુનિક વિજ્ઞાન પાસે નથી. “બી.બી.સી હ્યુમન બોડી – માઈન્ડ પાવર” નામની એક ડોક્યુંમેન્ટરીમાં ન્યૂરોસર્જન એ વાતનો સ્વીકાર કરે છે કે જેને આપણે ચેતના કહીએ છીએ એ બીજું કંઈ નહીં પણ “જીવાત્મા” જ છે.

વેદ અનુસાર જે સત્તા સુખ અને દુઃખ અનુભવે છે તે “જીવાત્મા” છે. અને બધી જ જીવાત્માઓ અને જડ વસ્તુઓનો સંચાલક અને કર્તાહર્તા ઈશ્વર છે. ઈશ્વર જીવાત્માઓ અને જડ પદાર્થોનું સંચાલન કરતો હોવાથી ઈશ્વર પણ “ચેતન” છે.

ઈશ્વર અને જીવાત્મા નિરાકાર છે. આથી તેઓ અવિનાશી છે. અને આથી જ તેઓ અજન્મા અને અમર છે. અને આ જ કારણોથી ઈશ્વર અને જીવાત્માને જોઈ શકાતા કે માપી શકાતા નથી.

પ્રશ્ન: ત્રીજું પાસું શું છે?

કારણ-અસર: આધુનિક વિજ્ઞાને ઘણાં નિયમો અને સિદ્ધાંતો વિકસાવ્યા હોવાં છતાં વિજ્ઞાન આ બધાં નિયમો અને સિદ્ધાંતોને કારણ અને અસરના રૂપમાં એક સૂત્રમાં જોડી શકતું નથી. ઉદાહરણ તરીકે, વિજ્ઞાને ચાર મૂળભૂત બળોની સમજ તો મેળવી લીધી પણ આ બળો પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા કરી અતિ જટિલ એવા મનુષ્ય શરીર અને બ્રહ્માંડનું સર્જન કરવામાં કેવો ભાગ ભજવે છે તે આધુનિક વિજ્ઞાન માટે તો એક રહસ્ય જ છે.

એક બાજુ બ્રહ્માંડના તારાઓની આયુ તેમાં થતી પ્રતિક્રિયાના બદલાવના દર પરથી માપવામાં આવી અને બીજી બાજુ રેડ-શિફ્ટ દ્વારા બ્રહ્માંડની આયુ માપવામાં આવી, તો તારાઓની આયુ બ્રહ્માંડની આયુ કરતાં વધુ છે તેમ સાબિત થયું. આમ તારાઓ બ્રહ્માંડ કરતાં જુના છે તેવો નિષ્કર્ષ નીકળ્યો. એટલે કે બાળક તેના માતા-પિતા કરતાં મોટો છે! આમ આધુનિક વિજ્ઞાન યોગ્ય રીતે બ્રહ્માંડના રહસ્યો પર પુરો પ્રકાશ પાડી શક્યું નથી.

આધુનિક વિજ્ઞાન અવલોકન પરથી વિવિધ પ્રકારના બળોના અસ્તિત્વનું પ્રમાણ તો મેળવી શક્યું, પણ તે નીચેની હકીકતો સમજવામાં નિષ્ફળ નીવડ્યું.

  • આ બળો દ્વારા શ્રુષ્ટિનું સર્જન
  • મનુષ્ય અને પ્રાણીઓમાં ચેતના
  • જીવોની સામાજિક અને સ્વાભાવિક વર્તણુંક
  • પ્રાણીઓમાં પણ આત્મરક્ષણ અને પોતાના બાળકોનું બીજા પ્રાણીઓથી રક્ષણ કરવાની જન્મજાત સહજ વૃત્તિ
  • પ્રશ્ન: અને ચોથું પાસું શું છે?

    માતાના ગર્ભમાં બાળકનું સર્જન: બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે શ્વાસ પણ લઇ શકતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન બાળક નાભી રજ્જુ દ્વારા પોષણ મેળવે છે. અને બાળક જયારે ગર્ભની બહાર આવે છે ત્યારે તેમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા, હૃદયનું ધબકવું, જેવી સ્વયમ સંચાલિત પ્રણાલીઓનો વિકાસ થઇ ચુક્યો હોય છે. કોઈ સર્વ વ્યાપી અને સર્વ શક્તિશાળી ચેતન સત્તા સિવાય આવી જટિલ પ્રણાલીઓનું સર્જન અને સંચાલન બીજું કોણ કરી શકે?

    આપણાં જીવન અને શ્રુષ્ટીના કોઈપણ પાસાનું ગહન અવલોકન કરવાથી એ વાતનો ખ્યાલ આવી જશે કે આ બધું આયોજનક્રમ વગર થતી કોઈ રસાયણિક પ્રક્રિયા ન હોય શકે. આની પાછળ સર્વશક્તિમાન ચેતન શક્તિ હોવી જ જોઈએ. એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ હોવું જ જોઈએ.

    પ્રશ્ન: ઈશ્વરનું અસ્તિત્વ છે તેનો ખ્યાલ આવી ગયો. પણ ઈશ્વરનું અસ્તિત્વ કંઈ રીતે સિદ્ધ કરી શકાય?

    પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રમાણો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય.

    પ્રશ્ન: પણ ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ મળવું શક્ય નથી. તો પછી પ્રત્યક્ષ પ્રમાણના અભાવમાં ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય?

    પ્રમાણ એટલે કે ઈન્દ્રીયો દ્વારા ગ્રહણ કરવામાં આવેલું સ્પષ્ટ અને નિર્ભ્રાંત જ્ઞાન. પણ એ વાતની નોંધ લો કે ઈન્દ્રીયો અને મનથી માત્ર “ગુણોનું જ પ્રત્યક્ષ થાય છે, ગુણીનું નહીં.”

    ઉદાહરણ તરીકે, જયારે તમે આ પુસ્તક વાંચો છો ત્યારે તમને અગ્નિવીરના હોવાનું જ્ઞાન થતું નથી. પણ આ પાના પર કેટલાંક શબ્દો અને વાક્યો દેખાય છે. આ શબ્દો અને વાક્યોને સમજી તમે તેનું અર્થઘટન કરો છો. અને પછી તમે એવા નિષ્કર્ષ પર આવો છો કે આ પુસ્તકનો કોઈ ને કોઈ લેખક હોવો જ જોઈએ. આમ તમને અગ્નિવીરના હોવાનું પ્રમાણ મળે છે. વાસ્તવમાં આ “અપ્રત્યક્ષ” પ્રમાણ છે, ભલેને તમને “પ્રત્યક્ષ” લાગતું હોય.

    આ જ પ્રમાણે આ શ્રુષ્ટિ, કે જેના ગુણોને આપણે જ્ઞાનઈન્દ્રીયો દ્વારા અનુભવીએ છીએ, તે ઈશ્વરના અસ્તિત્વ તરફ સંકેત કરે છે.

    કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક અને મન ઇન્દ્રિયોનો અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સુખ-દુ:ખ જેવા વિષયો સાથે સંબંધ સ્થાપિત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “પ્રત્યક્ષ” કહેવાય છે. આ સબંધને આપણે “પ્રત્યેક્ષ પ્રમાણ” કહીએ છીએ. ઉદાહરણ તરીકે જયારે તમે કેરી ખાઓ છો ત્યારે તમે મીઠાશનો અનુભવ કરો છો. મીઠાશને તમે કેરી સાથે જોડો છો. અહીં મહત્વની વાત એ છે કે તમે આવાં “પ્રત્યક્ષ પ્રમાણ” ને માત્ર ત્યારે જ કોઈ ચોક્કસ ઇન્દ્રી સાથે જોડી શકો છો, કે જયારે એ ખાસ ઇન્દ્રીનો એ ખાસ વિષયનો અનુભવ કરવા માટે પ્રયોગ થયો હોય.

    આમ ઉપરના ઉદાહરણમાં તમને કેરીનું “પ્રત્યક્ષ પ્રમાણ” કાન દ્વારા નહીં પણ માત્ર “જીભ”, “નાક” કે “ચક્ષુ” દ્વારા જ મળી શકે. વાસ્તવમાં આ પણ “અપ્રત્યક્ષ પ્રમાણ” જ છે. ભલે ને સમજવામાં સરળતા રહે તે માટે આપણે તેને “પ્રત્યક્ષ પ્રમાણ” કહેતા હોઈએ.

    હવે જયારે ઈશ્વર અતિ સુક્ષ્મ સત્તા હોવાથી, કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાક જેવી સ્થૂળ ઈન્દ્રીયો દ્વારા ઈશ્વરનું “પ્રત્યક્ષ પ્રમાણ” મેળવવું શક્ય નથી. ઉદાહરણ તરીકે, આપણે ખુબ જ શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ અત્યંત સુક્ષ્મ અણુઓને જોઈ શકતા નથી. આપણે અત્યંત લઘું કે ઉચ્ચ આવૃત્તિવવાળા તરંગોને સાંભળી શકતા નથી. આપણને પ્રત્યેક અણુના સ્પર્શનો અનુભવ થતો નથી.

    બીજા શબ્દોમાં કહીયે તો, જેમ કેરીનું “પ્રત્યક્ષ પ્રમાણ” કાન દ્વારા મળવું શક્ય નથી અને જેમ કોઈપણ ઇન્દ્રિ દ્વારા અત્યંત સુક્ષ્મ પરમાણુઓ અનુભવી શકાતા નથી, તેમ ઈશ્વરનું પ્રત્યક્ષ પણ કોઈ સ્થૂળ કે શુદ્ર ઇન્દ્રિય દ્વારા થવું શક્ય નથી.

    પ્રશ્ન: તો પછી ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે શક્ય છે?

    “માત્ર મન જ એક એવી ઈન્દ્રી છે કે જેના દ્વારા ઈશ્વરની અનુભૂતિ શક્ય છે.” જયારે મનની ખલેલને (અનિયંત્રિત વિચારો) શાંત કરી મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવે છે અને જ્યારે અભ્યાસ અને અધ્યયન દ્વારા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, ત્યારે આપણી બુદ્ધિ દ્વારા ઈશ્વરનું “પ્રત્યક્ષ પ્રમાણ” ઠીક એવી જ રીતે મળે છે જેવી રીતે સ્વાદથી કેરીનો અનુભવ થાય છે.

    ઈશ્વર અનુભૂતિ અને ઈશ્વર પ્રાપ્તિ એ જ આપણાં જીવનનું અંતિમ લક્ષ્ય છે. વિભિન્ન પ્રકારના ઉપાયોથી યોગી આ લક્ષ્યને પામવાનો પ્રયત્ન કરતાં રહે છે. આ ઉપાયોમાં અહિંસા, સત્યનો સ્વીકાર, અસત્યનો પરિત્યાગ, સર્વ જીવ પ્રત્યે દયા-કરુણાની ભાવના, સર્વના કલ્યાણ માટે પ્રયાસ, નૈતિકતાપૂર્ણ અને ચરિત્રસંપન્ન જીવન, અન્યાય સામે લડાઈ, જનએકતા માટે પ્રયાસ, વગેરેનો સમાવેશ થાય છે.

    જો આપણે ધ્યાન આપીએ તો આપણને આપણાં દૈનિક જીવનમાં ઈશ્વરના અસ્તિત્વનો પ્રત્યક્ષ સંકેત મળતો જ રહે છે. જયારે આપણે ચોરી, ક્રુરતા, છેતરપીંડી જેવા કોઈ પાપકર્મો કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તે જ ક્ષણે આત્માની અંદરથી ભય, લજ્જા, શંકા ઉઠે છે, અને જયારે આપણે પરોપકાર જેવા સત્કર્મો કરીએ છીએ ત્યારે આત્માની અંદરથી આનંદ, નિર્ભયતા, સંતોષ, ઉત્સાહ ઉઠે છે. “આત્માનો આ અવાજ જીવાત્મા તરફથી નહીં પણ પરમાત્મા તરફથી છે.” પણ વારંવાર આપણે આ અવાજને આપણી મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓથી દબાવી દઈએ છીએ. પણ જ્યારે આપણે શાંત હોઈએ છીએ ત્યારે આપણને જીવાત્માના અવાજની તીવ્રતા વધેલી હોવાનો અનુભવ થાય છે. જયારે જીવાત્મા માનસિક ખલેલ દૂર કરી, શુદ્ધ થઈને પરમાત્માનો વિચાર કરવામાં તત્પર રહે છે ત્યારે તે સ્વયં તથા ઈશ્વરનો પ્રત્યેક્ષ અનુભવ કરે છે.

    આમ પ્રત્યક્ષ અને અપ્રત્યેક્ષ એમ બંને પ્રમાણોથી ઈશ્વરનો એટલો જ સ્પષ્ટ અનુભવ થાય કે જેટલો સ્પષ્ટ અનુભવ આપણે આપણી સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા અન્ય પદાર્થોનો કરીએ છીએ.

    ***