Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૩)

પ્રશ્ન: ઈશ્વર ક્યાં વસેલો છે?

ઈશ્વર સર્વવ્યાપી હોવાથી આ શ્રુષ્ટિના કણકણમાં વસેલો છે. ઈશ્વર જો કોઈ નિશ્ચિત સ્થાને જેમ કે આકાશમાં કે કોઈ ખાસ સિંહાસન પર રહેતો હોત, તો ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, શ્રુષ્ટિસર્જક, શ્રુષ્ટિસંચાલક કે પ્રલયકર્તા ન હોય શકે. કારણ કે આપણે જે સ્થાન પર હાજર ન હોઈએ તે સ્થાન પર કાર્ય ન કરી શકીએ!

પ્રશ્ન: પણ જેમ સૂર્ય આકાશમાં એક સ્થાન પર રહી સમસ્ત સંસારને પ્રકાશિત કરે છે અને જેમ રીમોટ-કંટ્રોલ દૂરથી ટીવી ને સંચાલિત કરે છે, તેમ ઈશ્વર પણ કોઈ દૂરના સ્થાનેથી સમગ્ર સંસારનું નિયંત્રણ કેમ ન કરી શકે?

તમારું આ તર્ક યોગ્ય નથી. કારણ કે સૂર્યથી સંસારનું પ્રકાશિત થવું અને રીમોટ-કંટ્રોલથી ટીવીનું સંચાલન થવું, આ બંને કામ અવકાશમાં પ્રવાસ કરતાં કિરણોત્સર્ગ તરંગો મારફતે જ થાય છે. અવકાશમાં પ્રવાસ કરતાં આ કિરણોત્સર્ગ તરંગોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ “સંસાર અને સૂર્ય” અને “ટીવી અને રીમોટ-કંટ્રોલ” એકબીજાથી દૂર હોવાં છતાં આ અદ્રશ્ય તરંગો દ્વારા જોડાયેલા રહે છે. આમ વાસ્તવમાં રીમોટ કંટ્રોલ (દૂરથી વસ્તુનું સંચાલન) જેવું કશું હોતું જ નથી. “ઈશ્વરનું કોઈ વસ્તુનું નિયંત્રણ કરવું સિદ્ધ કરે છે કે ઈશ્વર તે વસ્તુમાં વિદ્યમાન છે.”

વધુમાં, જો ઈશ્વર સર્વવ્યાપી હોય તો તે એક સ્થાને સીમિત કેમ રહે? ઈસાઈ સંપ્રદાય કહે છે ગોડ ચોથા આકાશમાં છે. ઇસ્લામ કહે છે અલ્લાહ સાતમાં આકાશમાં છે. અને આ બે સંપ્રદાયોના અનુયાયીઓ પોતાને સાચા પુરવાર કરવા માટે કાયમ લડતા રહે છે. તો શું ગોડ અને અલ્લાહએ અલગ અલગ આકાશમાં એટલા માટે રહેવાનું નક્કી કર્યું હશે કે જેથી તેઓ પણ પોતાના અનુયાયીઓની જેમ લડવાનું શરું ન કરી દે?

વાસ્તવમાં તો આ બધી બાળબુદ્ધિની વાતો છે. ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરતો હોવાથી, તેના માટે કોઈ એક નિશ્ચિત સ્થાનમાં સીમિત થઇ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. અને છતાં પણ જો ઈશ્વર આમ કરે તો તે સર્વશક્તિમાન ન કહેવાય.

પ્રશ્ન: શું એનો અર્થ એ છે કે ઈશ્વર મળમૂત્ર જેવી અપવિત્ર વસ્તુઓમાં પણ છે?

સમગ્ર સંસાર ઈશ્વરમાં છે. કારણ કે ઈશ્વર આ બધી વસ્તુઓની બહાર છે પણ ઈશ્વરની બહાર કાંઈ જ નથી. આથી સંસારના પ્રત્યેક કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. આ સત્યને આપણે એક ઉપમા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

આપણે ઈશ્વરની અંદર એવી જ રીતે છે કે જેમ કપડાનો ટુકડો પાણી ભરેલા ટબમાં હોય છે. આ સ્થિતિમાં પાણી કપડાના ટુકડાની બહાર, કપડાના ટુકડાની આજુબાજુ અને કપડાના ટુકડાની અંદર પ્રસરેલું હોય છે. કપડાનો ટુકડાનો કોઈપણ ભાગ પાણીથી ભીંજાયા વગરનો રહેતો નથી. પણ કપડું અને પાણી બંને અલગ જ રહે છે.

કોઈ વસ્તુ પવિત્ર છે કે અપવિત્ર તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણાં માટે તે વસ્તુ કેટલી મહત્વની છે. જેમ કે અણુઓના સંયોજનથી સ્વાદિષ્ટ કેરી બને છે. પણ કેરી ખાધા પછી તેના અણુઓનું જ્યારે વિઘટન અને અન્ય રસાયણો સાથે પ્રક્રિયા થયા બાદ મળમૂત્રમાં પરિવર્તન થાય છે ત્યારે તે આપણાં માટે અપવિત્ર બની જાય છે. પણ કેરી અને મળમૂત્ર વાસ્તવમાં પ્રકૃતિના વિવિધ અણુઓના સંયોજનથી બનતા બે પદાર્થો છે.

આપણાં સૌનું આ સંસારમાં ઉદ્દેશય છે. આ કારણે આપણે સૌ દરેક વસ્તુને આ ઉદ્દેશ્ય તરફ આગળ વધવાની દ્રષ્ટિથી જોઈએ છીએ. જે વસ્તુઓ આ ઉદેશ્યને પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોય તેને આપણે પવિત્ર અને ઉપયોગી ગણી સ્વીકારીએ છીએ અને બાકીની બિનઉપયોગી વસ્તુઓનો અપવિત્ર ગણી ત્યાગ કરીએ છીએ. પણ ઈશ્વરને આવો કોઈ ઉદ્દેશ્ય ન હોવાથી તેના માટે કોઈપણ વસ્તુ પવિત્ર કે અપવિત્ર નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેના માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી! ઈશ્વરનું કામ તો ન્યાયપૂર્ણ રીતે જીવોને કર્મફળ આપી તેઓને મુક્તિ આપવામાં સહાય કરવાનું છે. આમ આ સમગ્ર સંસારની એક પણ એવી વસ્તુ નથી કે જે ઈશ્વરથી અસ્પૃશ્ય હોય.

આ જ વાત બીજા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર કોઈ એવો સમાજસેવક નથી કે જે પોતાની વાતાનુકૂલિત ઓફીસમાં બેઠો બેઠો યોજનાઓ તો બનાવતો રહે અને જ્યાં ખરેખર સામાજિક કાર્ય કરવાની જરૂર છે તેવા ઝૂંપડપટ્ટી જેવા ગીચ અને ગંદકીવાળા સ્થાને જવાનું ટાળે. ઉલટાનું, હિન્દુધર્મનો ઈશ્વર બધી જ જીવાત્માઓના કલ્યાણ માટે સંસારની અત્યંત અપવિત્ર વસ્તુમાં રહીને પણ તેને નિયંત્રિત કરતો રહે છે.

આમ ઈશ્વર પરિપૂર્ણ હોવાથી, તે સર્વ પદાર્થોમાં વ્યાપ્ત હોવાં છતાં અને સર્વ પદાર્થ ઈશ્વરમાં હોવાં છતાં, તે સર્વ પદાર્થોથી ભિન્ન અને પૃથક છે.

પ્રશ્ન: શું ઈશ્વર દયાળુ અને ન્યાયકારી છે?

ઈશ્વર દયા અને ન્યાયનો સાક્ષાત દ્રષ્ટાંત છે.

પ્રશ્ન: ન્યાય એટલે કર્માનુસાર ન અધિક કે ન ઓછું સુખ દુઃખ પહોચાડવું. જ્યારે દયા એટલે અપરાધીને વિના દંડ કરે છોડી દેવો. આમ દયા અને ન્યાય આ બંને તો પરસ્પર વિરોધી ગુણ છે. તો આ બંને વિરોધી ગુણ ઈશ્વરમાં એક સાથે કેવી રીતે સંભવી શકે?

દયા અને ન્યાયમાં નામ માત્રનો જ ભેદ છે. કારણ કે ન્યાયથી જે પ્રયોજન સિદ્ધ થાય છે, તે જ દયાથી થાય છે.

દયાનો અર્થ એ નથી કે અપરાધીને દંડ ન ફટકારી તેને માફ કરી દેવો. જો દયાના નામે અપરાધીને માફ કરી છોડી મુકવામાં આવે તો ભવિષ્યમાં બીજા ઘણાં નિર્દોષ અને સજ્જન લોકો તેના અપરાધના ભોગ બને. બીજા શબ્દોમાં કહીએ તો, જો અપરાધીને દંડ ફટકારી ન્યાયની સ્થાપના કરવામાં ન આવે તો બીજા નિર્દોષ મનુષ્યો સાથે દયાપૂર્ણ વર્તન નહીં થાય. વધુમાં, જો અપરાધીને દંડ ન કરી તેના પર દયા કરવામાં આવે તો અપરાધી ભવિષ્યમાં વધુ ગંભીર અપરાધ કરતો અટકશે નહીં અને દુઃખને પ્રાપ્ત થશે. આમ તેની સાથે ન્યાય પણ નહીં થાય.

ઉદાહરણ તરીકે, એક અપરાધી લૂંટારાને છોડી મુકવાથી તે હજારો સજ્જન લોકોને દુઃખ પહોચાડશે. આમ જો એક લૂંટારાને છોડવાથી, હજારો લોકોને દુઃખ પ્રાપ્ત થતું હોય તો તે દયા કેવી રીતે હોય શકે? લૂંટારાને જેલમાં પૂરી તેને ભવિષ્યમાં પાપ કરવાથી બચાવી લેવો તે લૂંટારા પર દયા છે. એક લૂંટારાને મારી નાખવાથી નિર્દોષ લોકોને થતું નુકશાન અટકાવાવું એ નિર્દોષ લોકો દયા છે. આમ ઈશ્વરના ન્યાયમાં જ સર્વ માટે દયા રહેલી છે.

વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન છે “દયા” અને આ પ્રયોજનને સિદ્ધ કરવાની રીત છે “ન્યાય”. જયારે ઈશ્વર કોઈ અપરાધીને તેના દુષ્કર્મ માટે દંડ કરે છે ત્યારે વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન તે અપરાધીને ભવિષ્યમાં દુષ્કર્મ કરતાં અટકાવવાનું હોય છે. આમ કરી ઈશ્વર અપરાધીના અત્યાચારથી નિર્દોષ લોકોની રક્ષા કરી તેમના પર દયા કરે છે. આમ ન્યાય દ્વારા દયાનું પ્રયોજન સિદ્ધ થાય છે.

વેદો અનુસાર અને વ્યવહારિક અવલોકન અને નિરીક્ષણ પરથી એ જ્ઞાત થાય છે કે બધાં જ દુઃખોનું મૂળ કારણ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા જ દુષ્કર્મોને જન્મ આપે છે, કે જેને આપણે અપરાધ કહીએ છીએ. આથી જ્યારે જ્યારે જીવ દુષ્કર્મ કરે છે ત્યારે ઈશ્વર જીવની દુષ્કર્મ કરવાની સ્વતંત્રતાને બાધિત કરી નાખે છે. આમ કરી ઈશ્વર જીવને તેની અજ્ઞાનતા અને દુ:ખ દૂર કરવાની તક આપે છે.

અપરાધ માટે માત્ર માફી માંગી લેવાથી ઈશ્વર જીવને માફી નથી આપતો. પાપ અને અપરાધનું મૂળ કારણ અજ્ઞાનતા હોવાથી, જ્યાં સુધી જીવની અજ્ઞાનતાનો નાશ થતો નથી, ત્યાં સુધી જીવ અનેક જન્મો સુધી તેના સત્કામો કે દુષ્કર્મોનું ફળ નિરંતર ભોગવતો જ રહે છે. ઈશ્વરની આ ન્યાય વ્યવસ્થા પાછળનું પ્રયોજન દરેક જીવને મોક્ષ આપી તેના પર દયા કરવાનું છે.

પ્રશ્ન: તો શું આનો અર્થ એ છે કે ઈશ્વર મારા પાપકર્મો બદલ મને ક્યારેય માફ નહીં કરે? તો પછી ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વધારે સારા છે. જો હું મારા પાપોને કબુલ કરું અને માફી માંગુ તો ભૂતકાળના મારા બધાં પાપોનો રેકોર્ડ ભુંસાઈ જશે અને મને નવેસરથી જીવવાની તક આપવામાં આવશે.

ઈશ્વર તમારા પાપકર્મોને માફ કરી તમારા પર દયા કરે છે. ઈશ્વરની આ દયા તમારા પાપકર્મોના ન્યાયપૂર્ણ ફળમાં રહેલી છે અને નહીં કે ભૂતકાળના પાપોનો રેકોર્ડ ભૂંસી નાખવામાં.

જો ઈશ્વર તમારા ભૂતકાળના પાપોનો રેકોર્ડ ભુંસતો હોય તો ઈશ્વર નિર્દય અને અન્યાયકારી બને. કારણ કે આવી સ્થિતિમાં, ભલેને તમે પહેલી કક્ષામાંથી આગળ જવાની યોગ્યતા ન મેળવી હોય તો પણ ઈશ્વર તેમને બીજી કક્ષામાં બઢતી આપે છે. આ ઉપરાંત જો ક્ષમા માગી લેવાથી ઈશ્વર તમારા પાપકર્મોનો રેકોર્ડ ભુંસી નાખે તો ઈશ્વર અન્ય જીવો સાથે પણ અન્યાય કરે.

ક્ષમાનો અર્થ છે કે આનંદ પ્રાપ્તિ માટે જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક આપવી અને નહીં કે જ્યાં તમે ૦% ની જ યોગ્યતા ધરાવતા હોય ત્યાં તમને ૧૦૦% અંક આપી દેવા. વાસ્તવમાં ઈશ્વર દ્વારા આપવામાં આવતું જીવાત્માના પાપકર્મનું ફળ જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક છે. યાદ રાખો કે તમારી યોગ્યતા એક જ ક્ષણમાં અથવા તો એક શબ્દ “સોરી” કહેવાથી વધી જતી નથી. યોગ્યતા વધારવાની પ્રક્રિયા નિરંતર અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થ માંગી લે છે. માત્ર આળસું વ્યક્તિઓ જ અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થનો માર્ગ ત્યજી ૧૦૦% અંક મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં રહે છે.

ઈશ્વર પાપકર્મોને માફ કરી દેશે તેવી લાલચ આપી જે વિષાણુંઓ ધર્માંતરણમાં સક્રિય ભૂમિકા ભજવે છે તેઓ વાસ્તવમાં પોતાને અને બીજાઓને મુર્ખ બનાવે છે. કારણ કે માનીલો કે કોઈ વ્યક્તિને ડાયાબીટીસ છે. તો શું તેના આ રોગનો ઉપચાર માત્ર “સોરી” કહેવાથી થઇ જશે? જયારે શારીરિક રોગનો ઉપચાર માત્ર “સોરી” કહેવાથી થતો નથી તો મન કે જે સંસારનું અતિ જટિલ તંત્ર છે તેનો ઉપચાર માત્ર “સોરી” કહેવાથી કંઈ રીતે થઇ શકે?

વાસ્તવમાં આવી વિચારસરણી અને સિદ્ધાંતોમાં એક દેખીતો દોષ છે. તેઓ માત્ર એક જ જન્મમાં માને છે અને પુનઃજન્મમાં માનતા નથી. આથી તેઓ લોકોને આકર્ષવા માટે આ જ જન્મમાં ઈશ્વર સુધી જલ્દી પહોચવા માટેના ખોટા નુસ્ખાઓ વાપરે છે.

વૈદિક દર્શન અત્યંત સહજ, વૈજ્ઞાનિક, વાસ્તવિકાને અનુરૂપ અને તર્કસંગત છે. વૈદિક દર્શનમાં એવું કોઈ નર્ક નથી કે જ્યાં માતા સમાન પ્રેમાળ અને દયાળુ ઈશ્વર તમને હંમેશને માટે નર્કની આગમાં બળવા માટે નાંખી દે. આ ઉપરાંત, જીવોની સત્કર્મ અને પુરુષાર્થ દ્વારા યોગ્યતા વધારી આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં વૈદિક ઈશ્વર ક્યારેય અવરોધ બનતો નથી.

આનાથી વધુ સંતોષજનક બીજું શું હોય શકે? (૧) ખોટા પ્રમાણપત્ર દ્વારા મેળવેલો પહેલો નંબર? કે જ્યાં આપણને ખબર છે કે પરિશ્રમ ન કર્યો હોવાથી વાસ્તવમાં આપણને શૂન્ય જ મળ્યો છે. કે પછી (૨) સખત પરિશ્રમથી મેળવેલો પહેલો નંબર? કે જ્યાં આપણને ખબર છે કે વિષયના નિષ્ણાંત બનવા માટે આપણે બનતો બધો જ પ્રયત્ન કરી ચુક્યાં છીએ.

આમ વેદોમાં ઈશ્વર પ્રાપ્તિનો (પરમાનંદ કે મોક્ષ) કોઈ લાંબો કે ટૂંકો માર્ગ નથી. પુરુષાર્થ દ્વારા સત્યને ધારણ કરી અસત્યનો પરિત્યાગ કરતાં રહેવું એ જ એક માત્ર માર્ગ સાચો માર્ગ છે! પુરુષાર્થ કરી સત્યના માર્ગ (વૈદિક સિદ્ધાંતો) પર ચાલવાથી આપણને જે વિશુદ્ધ આનંદ મળી શકે છે તે આનંદની તો કલ્પના ભ્રમણાઓ અને વહેમો પેદા કરનારા બીજા ટૂંકા માર્ગો પર ચાલવાથી કરી શકાતી નથી.

પ્રશ્ન: ઈશ્વર સાકાર છે કે નિરાકાર?

વેદમાં ઈશ્વરને નિરાકાર કહ્યો છે. પણ તર્ક અને સામાન્ય બુદ્ધિના પ્રયોગથી પણ આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે ઈશ્વર નિરાકાર છે.

આકારવાળી કોઈપણ વસ્તુની કોઈ ને કોઈ પરિસીમા હોય છે. આથી જો ઈશ્વરને આકાર હોય તો ઈશ્વર તેના આકારની પરિસીમાની બહાર ન હોય શકે. એટલે કે ઈશ્વર સીમિત બની જાય. અને જો આકારને કારણે ઈશ્વર સીમિત બની જતો હોય તો પછી ઈશ્વર સર્વવ્યાપી ન હોય શકે!

જો ઈશ્વર શુક્ષ્મ ન રહી સ્થૂળ હોય તો જ ઈશ્વરના આકારને જોવો સંભવ બને. પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો, જે પદાર્થ પરથી પ્રકાશના તરંગો પરાવર્તિત ન થતા હોય તે પદાર્થને જોવો સંભવ નથી. વેદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઈશ્વર સૂક્ષ્મત્તમ છે અને સર્વ જગતમાં કોઈપણ અવકાશ વિના વ્યાપક છે. (યજુર્વેદ ૪૦.૮) આથી ઈશ્વર સાકાર ન હોય શકે.

જો ઈશ્વર સાકાર હોય તો એનો અર્થે એ થાય કે ઈશ્વરના આકારનું કોઈએ સર્જન કર્યું હોવું જોઈએ. પણ તે શક્ય નથી. કારણ કે ઈશ્વરે સર્વનું સર્જન કર્યું છે તો પછી ઈશ્વરનો કોઈ સર્જક કેવી રીતે હોય શકે? હવે જો એમ માની લઈએ કે ઈશ્વરે પોતે જ પોતાના આકારનું સર્જન કર્યું છે, તો એનો અર્થ એ થાય કે ઈશ્વર અગાઉ નિરાકાર હતો!

જો તમે એમ કહો કે ઈશ્વરને સાકાર અને નિરાકાર બંને છે, તો એ શક્ય નથી. કારણ કે આ બે પરસ્પર વિરોધી ગુણ કોઈ એક જ પદાર્થમાં ન હોય શકે!

જો તમે કહો કે ઈશ્વર સમયાંતરે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે, તો પહેલાં તમે સ્પષ્ટ કરો કે કોનું દિવ્ય સ્વરૂપ? માનીલો કે ઈશ્વર મનુષ્યરૂપી દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. તો પછી તમે ઈશ્વરીય પરમાણુઓની અને અનીશ્વરીય પરમાણુઓની સીમા કેવી રીતે નક્કી કરશો? હવે જયારે ઈશ્વર સર્વત્ર એક સમાન રીતે વ્યાપેલો છે તો પછી તમે મનુષ્યરૂપી ઈશ્વરને બાકીના સંસારથી કેવી રીતે અલગ પાડશો? અને જો ઈશ્વર સર્વત્ર એકરસ રીતે વ્યાપેલો હોય તો પછી આપણે સીમાઓ જોઈ જ કેવી રીતે શકીએ?

આપણું આ મનુષ્ય શરીર વાસ્તવમાં દ્રવ્ય અને ઉર્જાનું શ્રુષ્ટિ સાથે નિરંતર ચાલતું વિનિમય છે. મનુષ્યશરીરના પરમાણુઓને સંસારના પરમાણુઓથી અલગ પાડવા શક્ય નથી. આથી માનવીય-ઈશ્વર શરીરને પણ અલગ પાડવું અશક્ય છે. ઉદાહરણ તરીકે, શું માનવીય-ઈશ્વર શરીરમાનાં થૂંક, મળ-મૂત્ર અને પરસેવો પણ દિવ્ય હશે?

વેદોમાં ક્યાંય ઈશ્વરના સાકાર હોવાની વાત નથી. આ ઉપરાંત ઈશ્વર માટે એવું પણ કોઈ કાર્ય નથી કે જેના માટે ઈશ્વરે આકાર ધારણ કરવો પડે!

પ્રશ્ન: તો શું એનો અર્થ એ થાય કે શ્રીરામ અને શ્રીકૃષ્ણ ઈશ્વર નથી?

જેને આપણે ઈશ્વરના સ્વરૂપ માનીએ છીએ તે શ્રીરામ અને શ્રીકૃષ્ણ વાસ્તવમાં ઈશ્વરના સ્વરૂપ નથી. કારણ કે ઈશ્વર નિરાકાર હોવાથી તેનું સ્વરૂપ હોતું નથી. આ મહાપુરુષો ઈશ્વર ભક્તિ અને પવિત્ર મનના ઉચ્ચત્તમ ઉદાહરણ હતા. તેઓ ઈશ્વર અને ઈશ્વરીય જ્ઞાન વેદની પ્રેરણાથી પ્રેરિત થઇ, કર્મ કરી, એટલી સિદ્ધિ મેળવી લીધી હતી કે તે સમયના સામાન્ય લોકોની દ્રષ્ટિમાં તેઓ ઈશ્વર સમાન બની ચુક્યા હતા.

પણ વેદમાં ઈશ્વર સિવાય અન્ય કોઈપણની ઉપાસના કરવાનો નિષેધ છે. માત્ર ઈશ્વર જ ઉપાસ્ય દેવ છે. આથી આ મહાપુરુષોની પૂજા કરવાને બદલે, આપણે આપણાં જીવનમાં તેમના આદર્શોનું અનુકરણ કરવું જોઈએ. જેમે કે આપણે શ્રીરામની જેમ મર્યાદાપુરષોત્તમ અને શ્રીકૃષ્ણની જેમ યોગેશ્વર નબવું જોઈએ. અને જો આપણે આમ ન કરીએ તો આ સિવાયની બધી જ પૂજા પદ્ધતિઓ અને કર્મકાંડ વ્યર્થ છે.

જો ઈશ્વર વાસ્તમાં અવતાર લેતો હોત અને અને આ ઈશ્વરીય અવતારની પૂજા કરવા માત્રથી જ મુક્તિનો માર્ગ ખુલ્લો થઇ જતો હોત તો વેદમાં આ વિષય પર જરૂરથી વિસ્તૃત વર્ણન હોત. પણ વેદમાં અવતારવાદનો સંકેત પણ નથી.

પ્રશ્ન: તો શું આનો અર્થ એ થયો કે બધાં મંદિરો અને રામ, કૃષ્ણ, દુર્ગા, લક્ષ્મી વગેરેની પૂજા વ્યર્થ છે?

આને સમજવા માટે ઉદાહરણ તરીકે દૂર કોઈ ગામડામાં રહતી એક એવી માતાને જોઈએ કે જેના પુત્રને સાપ કરડી ગયો છે. તે નિસહાય માતા તેના બાળકનો જીવ બચાવવા માટે ઝાડ-ફૂંક કરતાં કોઈ તાંત્રિકની પાસે જવા દોટ મુકે છે. તો શું આ માતા સાચું કરી રહી છે કે ખોટું?

મોટાભાગના ઈશ્વરભક્તો, ભલે પછી તે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈ અન્ય ધર્મના હોય, આ જ પ્રકારના હોય છે. તેમની ભાવનાઓ સાચી છે અને સન્માનને પાત્ર છે. પણ અજ્ઞાનતાને કારણે તેઓ ઈશ્વરભક્તિનો ખોટો માર્ગ અપનાવે છે. તેઓની આ ચેષ્ટા એ વાતનું પ્રમાણ આપે છે કે ભલેને હિન્દુઓ વેદોને સર્વોત્તમ માને, પણ આજના સમયમાં ભાગ્યેજ કોઈ વેદોને જાણે છે.

પૂર્વવર્તી મહાપુરુષો પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે તેઓના દિવ્યગુણોને જીવનમાં આત્મસાત્ કરી તે પ્રમાણેના ઉત્કૃષ્ટ કર્મો કરતાં રહેવું. ઉદાહરણ તરીકે, અત્યારે રાષ્ટ્રભરમાં દરેક સ્થાને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ હાજર છે. પણ જો આપણે સંગઠિત થઈ ને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ પર વિજય મેળવીએ તો તે રામ, કૃષ્ણ, દુર્ગા, હનુમાન વગેરેને આપણી સાચી શ્રન્ધાંજલિ હશે!

હું મારા જીવનમાં હનુમાનજીનો ભક્ત રહ્યો છું. મારી પાસે હનુમાનજી પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે હું મારું ઉચ્ચ ચરિત્ર જાળવી રાખું છું અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા માટે મારા શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવા સદૈવ પ્રયત્નશીલ રહું. જો આપણું શરીર નબળું અને પેટ મોટું અને મેદવાળું થઇ ગયું હોય અને આપણે આવાં રોગી શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન ન કરતાં હોઈએ તો હનુમાન ભક્તિનું નાટક કરવાનો શો અર્થ?

જોકે ઈશ્વરભક્તિ પાછળની ભાવના સન્માનને પાત્ર છે અને કોઈપણ સંપ્રદાયના ઈશ્વરભક્તિની પવિત્ર ભાવનાઓ સામે હું નતમસ્તક છું, પણ તેમ છતાં અમારી કામના તો એ જ છે કે રામ અને કૃષ્ણએ પોતાના જીવનમાં ઈશ્વરભક્તિનો જે માર્ગ અપનાવ્યો હતો તે માર્ગ પર દરેક ઈશ્વરભક્ત ચાલે!

પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિમાન છે કે નહીં?

હા ઈશ્વર સર્વશક્તિમાન છે. પણ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો એ અર્થ નથી કે ઈશ્વર જે ઈચ્છે તે મનફાવે કરતો રહે છે. પોતાની ઈચ્છાથી કાંઈપણ કરતાં રહેવું એ તો અનુસાશનહીનતાનું સુચન છે. આથી જો ઈશ્વર અનુસાશનહીનતા આચરે તો તે પરિપૂર્ણ અને ન્યાયી ન રહે.

તેનાથી વિરુદ્ધ, ઈશ્વર સૌથી વધારે અનુસાશનપૂર્ણ છે. અહીં સર્વશક્તિમાનનો અર્થ એ થાય છે કે ઈશ્વર પોતાનું કામ એટલે કે, શ્રુષ્ટિની ઉત્પત્તિ, શ્રુષ્ટિનું પાલન, પ્રલય, વેદ જ્ઞાનનો પ્રકાશ અને સર્વ જીવોના પાપ-પુણ્યની યથાયોગ્ય વ્યવસ્થા, કરવામાં કદાપી કોઈપણની સહાયતા લેતો નથી. એટલે કે ઈશ્વર પોતાના અનંત સામર્થ્યથી જ પોતાનું બધું કામ પૂર્ણ કરી લે છે.

***