Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

પ્રસ્તાવના

હું કોણ છું?

મારા જીવનનો ઉદ્દેશ શો છે?

શું ઈશ્વરની સત્તા છે કે નહીં?

ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં?

મારે કયો ધર્મ અનુસરવો?

દરેક બાળકના મનમાં આ પ્રશ્નો ઉઠતા હોય છે. પણ ઈશ્વરનિંદાના સખત કાયદાઓએ ઘણાં બાળકોના મો બંધ કરી દીઘા છે. કારણ કે કેટલાંક ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નો પૂછવા એટલે ઈશ્વરનું અપમાન કર્યું ગણાય છે. આ ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નોનું સ્થાન રૂઢીવાદી માન્યતાઓને લઇ લીધું છે. સત્ય શોધની ઈચ્છાશક્તિનું સ્થાન ઈશ્વરનિંદાની સખત સજાના ડરે લઇ લીધું છે.

પણ જ્યારે કોઈ આવાં ભયભીત વાતાવરણમાં ફસાયેલું હોય છે, ત્યારે હિન્દુધર્મ તેની રક્ષાએ આવે છે. અન્ય ધર્મ સંપ્રદાયોમાં ઈશ્વરને પ્રશ્ન કરી શકાતો નથી. પણ હિન્દુધર્મમાં પ્રશ્ન પૂછવાથી જ ઈશ્વરની સાચી સમજ કેળવાય છે. હિન્દુધર્મમાં ઈશ્વરનિંદાની કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાની કોઈ સજા નથી. હિન્દુધર્મમાં તમે ઈશ્વરને સ્વીકારી પણ શકો છો અથવા તો તેને નકારી પણ શકો છો.

અન્ય કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમે ઈશ્વરના ‘ગુલામ’ છો. પણ હિન્દુધર્મમાં તમે ઈશ્વરના ‘સંતાન’ છો. કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમને હંમેશા નર્કનો ડર સતાવતો રહે છે. આ સંપ્રદાયોમાં તમારે નર્કની બીકે કામ કરવું પડે છે. પણ હિન્દુધર્મમાં ઈશ્વરના પ્રેમ માટે કર્મ કરવાના હોય છે.

હિન્દુધર્મનો ઈશ્વર એટલે આપણી માતા! આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂછવાના! અને જ્યારે થાકી જઈએ ત્યારે માતા આપણને ઉચકી લે. જ્યારે આપણેને મુજવણ થાય ત્યારે માતા તે મુજવણનું સમાધાન પણ કરે!

બીજા ધર્મ સંપ્રદાયો જે પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ લેખોની આ શ્રુખાલામાં આપણે મેળવીશું.

આ લેખોની શ્રુંખલા એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે.....

ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

પ્રશ્ન: ઈશ્વર શું છે?

ઈશ્વરને ઘણી બધી રીતે વ્યાખ્યાંકિત કરી શકાય છે. પણ ઈશ્વર સર્વવ્યાપી, અનંત અને પાંચ ઇન્દ્રિયોની પકડની બહાર હોવાથી માત્ર થોડા શબ્દો કે વચનોમાં ઈશ્વરનો અર્થ સમજવો ઘણો મુશ્કેલ છે.

ઈશ્વરના કેટલાંક દિવ્ય ગુણો નીચે પ્રમાણે છે:

ઈશ્વર સચ્ચિદાનંદ છે.

તે નિરાકાર છે.

તે સર્વશક્તિવાન છે.

તે સર્વજ્ઞ છે.

તે ન્યાયકારી છે.

તે દયાળુ છે.

તે અજન્મા છે.

તે અનંત છે.

તે નિર્વિકાર છે.

તે અનાદી છે.

તે અનુપમ છે.

તે સર્વાધાર છે.

તે સર્વેશ્વર છે.

તે સર્વવ્યાપક છે.

તે સર્વાંન્તરયામી છે.

તે અજર છે.

તે અમર છે.

તે અભય છે.

તે નિત્ય છે.

તે પવિત્ર છે.

તે શ્રુષ્ટિકર્તા છે.

પણ ઈશ્વરના આ દિવ્ય ગુણોની સમજ મેળવવી એ બીજો તબક્કો છે. પહેલાં તો આપણાં માટે એ સત્યને સમજી લેવું અનિવાર્ય બને છે કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનું સંચાલન કેવી રીતે કરે છે.

હવે અહીં પ્રશ્ન થાય કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનો સંચાલક છે તે સત્યનું પ્રમાણ શું? આ સત્યનું પ્રમાણ મેળવવા માટેની શ્રેષ્ઠત્તમ રીત છે “અવલોકન અને વિશ્લેષણ”! જયારે આપણે આપણાં જીવન અને શ્રુષ્ટિમાં કામ કરતા અપરિવર્તનશીલ નિયમો અને શ્રુષ્ટિની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વરના શ્રુષ્ટિ સંચાલક હોવાનું પ્રમાણ મળે છે.

પછી જેમ જેમ આપણે જીવન રચના, શ્રુષ્ટિના અપરિવર્તનશીલ નિયમો અને તેની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણની કળા શીખી તેમાં કુશળ બનતા જઈએ છીએ, તેમ તેમ ઈશ્વરના અન્ય દિવ્ય ગુણો આપમેળે જ આપણી સમજમાં આવતા જાય છે.

ઋગવેદ ૧.૧૬૪.૩૯:

જે સર્વ દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવ અને વિધ્યાયુક્ત છે, જેમાં પૃથ્વી, સુર્ય આદિ લોક સ્થિત છે, જે સર્વવ્યાપક અને સર્વ દેવોનો દેવ છે, જે એક માત્ર નિત્ય આનંદનો સ્ત્રોત છે, તેવા પરમેશ્વરને જે મનુષ્ય જાણતો નથી અને તેનું ધ્યાન કરતો નથી, તે મનુષ્ય સદા દુઃખસાગરમાં ડૂબેલો રહે છે. પણ જે મનુષ્ય પરમેશ્વરને અનુભવે છે તે સદા સુખ અને આનંદમાં રહે છે.

પ્રશ્ન: વેદોમાં કેલાં ઈશ્વર છે? અમે સાભળ્યું છે કે વેદોમાં અનેક ઈશ્વર વિષે કહેવામાં આવ્યું છે.

વેદ સ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે. વેદોમાં એકપણ એવો મંત્ર નથી કે જેનો અર્થ એ સૂચવે છે કે ઈશ્વર એક કરતાં વધારે છે.

માત્ર એટલુ જ નહીં, વેદમાં આપણી અને ઈશ્વરની વચ્ચે એજન્ટ તરીકે કામ કરતાં દેવદૂત, પેગંબર કે પછી દિવ્ય અવતારનો પણ સંપૂર્ણ નિષેધ છે.

સરળ અનુરૂપતા:

વૈદિક ઈશ્વર = ઈસાઈ ધર્મના ઈશ્વરમાંથી “ટ્રીનીટી નો સિધ્ધાંત” અને “જીજસને તાબે થવાની જરૂરીયાત” ની બાદબાકી

વૈદિક ઈશ્વર = ઇસ્લામ ધર્મના ઈશ્વરમાંથી “અંતિમ પેગંબર મોહંમદ” ની બાદબાકી

બીજા શબ્દોમાં કહીએ તો, જો ઇસ્લામમાં શહાદાનો પહેલો ભાગ, “લા ઇલાહા ઈલ્લલ્લાહ” (અલ્લાહ જ એક અને માત્ર એક ઈશ્વર છે) રાખીને બીજો ભાગ, “મુહમ્મદુર સરુલલ્લાહ” (મોહંમદ એ અલ્લાહનો પેગંબર છે) ને છોડી દેવામાં આવે તો આ વૈદિક ઈશ્વરની કલ્પના પ્રમાણે છે.

ઇસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય બીજા કોઈની પણ પૂજા કરવી એ શિર્ક (મહાપાપ) છે. પણ જો તમે આ સિધ્ધાંતને આગળ વધારી અલ્લાહ સિવાય કોઈ મોહંમદ કે ગબ્રેઈલને માનવાનો ઇનકાર કરો તો, વેદ અનુસાર તમે શિર્કથી (મહાપાપ) બચી શકો છો.

પ્રશ્ન: વેદોમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એના વિષે તમે શું કહો છો? ૩૩ કરોડ દેવતાઓ વિષે તમારું શું કહેવું છે?

જે દિવ્ય ગુણયુક્ત હોય છે તેને “દેવતા” કહેવામાં આવે છે. જે પદાર્થ – જડ કે ચેતન – આપણને ઉપયોગી બને છે તેને “દેવતા” કહી શકાય. ઈશ્વરમાં અનંત દિવ્યગુણ હોવાથી તેને પણ “દેવતા” કહેવામાં આવે છે. પણ એનો અર્થ એ નથી કે “દેવતા” કહેવાતા દરેક જડ અને ચેતન પદાર્થને “ઈશ્વર” માની તેની પૂજા-ઉપાસના કરવી જોઈએ. આમ માનવું એ મોટી ભૂલ છે. વેદોમાં એવું ક્યાંય નથી લખ્યું કે આપણે આ દેવતાઓની ઉપાસના કરવી જોઈએ.

ઈશ્વર દેવોનો દેવ હોવાથી તે “મહાદેવ” પણ કહેવાય છે. ઈશ્વર “મહાદેવ” એટલા માટે પણ કહેવાય છે કે તે જ સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલાયકર્તા, ન્યાયાધીશ અને અધિષ્ઠાતા છે. આથી માત્ર ઈશ્વર જ “ઉપાસ્ય દેવ” છે અને માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ.

વેદોમાં ૩૩ કોટી(કરોડ) દેવતાઓની નહીં પણ ૩૩ પ્રકારના દેવતાઓની વાત છે. (સંસ્કૃતમાં “કોટી” શબ્દનો અર્થ “પ્રકાર” થાય છે.) શતપથ બ્રાહ્મણમાં બહુ સ્પષ્ટપણે ૩૩ પ્રકારના દેવતાઓની જે વ્યાખ્યા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે.

  • આઠ વસુ – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય, અને નક્ષત્ર. આ આઠ સર્વ શ્રુષ્ટિના નિવાસ સ્થાન હોવાથી “વસુ” કહેવાય છે.
  • અગિયાર રુદ્ર – પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય અને જીવાત્મા. આ અગિયાર જ્યારે શરીર છોડે છે ત્યારે રડાવનારા બને છે આથી તેઓ “રુદ્ર” કહેવાય છે.
  • બાર આદિત્ય – સવત્સરના ૧૨ મહિના. આ બાર બધાંની આયુંને લેતા જાય છે આથી તેઓ “આદિત્ય” કહેવાય છે.
  • એક વિદ્યુત -વિદ્યુતચુંબકીય બળ કે જે આપણને અત્યંત ઉપયોગી છે.
  • એક યજ્ઞ – મનુષ્યો દ્વારા નિરંતર કરવામાં આવતા નિ:સ્વાર્થ સત્કર્મોને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞને “પ્રજાપતિ” પણ કહેવામાં આવે કારણ કે યજ્ઞથી વાયુ, વૃષ્ટિ, જળ, ઔષધિઓની શુદ્ધિ, વિદ્વાનોનો સત્કાર વગેરે થવાથી પ્રજાનું પાલન થાય છે.
  • આ ૩૩ પદાર્થો તેમના ઉપયુક્ત ગુણોને કારણે દેવ કહેવાય છે. પરમાત્મા આ બધાંનો સ્વામી અને સર્વથી મોટો હોવાથી “મહાદેવ” કહેવાય છે. શતપથ બ્રાહ્મણના ચૌદમાં કાંડમાં પરમાત્માને “ઉપાસ્ય દેવ” કહ્યો છે.

    ૩૩ દેવતાઓનો વિષય પોતાનામાં જ એક મોટી શોધનો વિષય છે. આ દેવતાઓની યથાયોગ્ય સમજ મેળવવા માટે ગહન અભ્યાસ અને અધ્યયનની જરૂર રહે છે. પણ વૈદિક ગ્રંથોમાં એ વાત તો સ્પષ્ટપણે કહી છે કે આ ૩૩ દેવતાઓ ઈશ્વર નથી અને આથી તેમની પૂજા ન કરવી જોઈએ.

    ઈશ્વર અનંત ગુણયુક્ત છે. પણ અજ્ઞાનતને કારણે મનુષ્ય ઈશ્વરના વિભિન્ન ગુણોને વિભિન્ન ઈશ્વર માની બેસે છે. સમાચાર પત્રોમાં ક્યારેક મોદી વિષે લખવામાં આવે છે તો ક્યારેક નરેન્દ્ર વિષે લખવામાં આવે છે. પણ એનો અર્થ એ નથી કે ભારતમાં “નરેન્દ્ર” અને “મોદી” નામના બે પ્રધાન મંત્રીઓ છે.

    પ્રશ્ન: વેદોમાં એવા કેટલા મંત્રો છે જે એક અને માત્ર એક ઈશ્વર હોવાનો દાવો કરે છે?

    વેદમાં એવા ઘણાં મંત્રો છે કે જે સ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે અને ઈશ્વરને જીવ સાથે સંપર્ક કરવા માટે કોઈ સહાયક, એજન્ટ, પૈગંબર કે અવતારની જરૂર નથી. ઉદાહરણ તરીકે:

    યજુર્વેદ ૪૦.૧

    હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કંઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આ સમગ્ર જગત ઈશ્વરમાં સમાયેલું છે અને તેનું સંચાલન એક અને માત્ર એક ઈશ્વર દ્વારા થઇ રહ્યું છે. આથી તું જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ક્યારેય અન્યાયથી કોઈના ધનની આકાંક્ષા ન કર. તું અન્યાયનો ત્યાગ કરી ન્યાયપૂર્ણ ધર્મનું આચરણ કરીને ઈશ્વરના નિત્ય આનંદને પ્રાપ્ત કર. અંતે તો ઈશ્વર જ પરમ આનંદનો સ્ત્રોત છે!

    ઋગવેદ ૧૦.૪૮.૧

    હે મનુષ્ય! ઈશ્વર સર્વથી પૂર્વ વિદ્યમાન અને સર્વ જગતનો પતિ છે. ઈશ્વર જ આ સમગ્ર સંસારનું મૂળ કારણ અને સર્વને વિજય આપનાર છે. સંતાન પોતાના પિતાને જેમ પોકારે છે તેમ સર્વ જીવોએ ઈશ્વરને પોકારાવો જોઈએ. ઈશ્વર જ સર્વ જીવોને સુખ આપનાર અને સર્વ જીવોનું પાલન પોષણ કરનાર છે.

    ઋગવેદ ૧૦.૪૮.૫

    ઈશ્વર પરમૈશ્વાર્યવાન્ સૂર્યની જેમ સર્વ જગતનો પ્રકાશક છે. ઈશ્વર ક્યારેય પણ પરાજય કે મૃત્યુને પ્રાપ્ત થતો નથી. ઈશ્વર જ જગતરૂપ ધનનો નિર્માતા છે. સર્વ જગતની ઉત્પત્તિ કરનાર ઈશ્વર જ છે. હે જીવો! ઐશ્વર્ય પ્રાપ્તિનો યત્ન કરતાં કરતાં તમે વિદ્યારૂપી ધન ઈશ્વર પાસે માંગો અને ઈશ્વરની મિત્રતાથી અલગ ન રહો.

    ઋગવેદ ૧૦.૪૯.૧

    સત્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારને ઈશ્વર જ સનાતન જ્ઞાનનું ધન આપે છે. ઈશ્વર જ બ્રહ્મજ્ઞાન એટલે કે વેદજ્ઞાનનો સ્ત્રોત અને પ્રકાશક છે. ઈશ્વર જ સર્વના જ્ઞાનને વધારનાર, સત્પુરુષોનો પ્રેરક, યજ્ઞ કરનારનો ફળદાતા, અને આ વિશ્વમાં જે કાંઈ છે, તે સર્વ કાર્યને બનાવનાર અને ધારણ કરનાર છે. આથી ઈશ્વર સિવાય અન્ય કોઈને તેના સ્થાને ન પૂજો, ન માનો કે ન જાણો.

    યજુર્વેદ ૧૩.૪

    હે મનુષ્યો! ઈશ્વર જ શ્રુષ્ટિની પૂર્વે સર્વ તેજવાળા લોકોનું ઉત્પત્તિ સ્થાન, આધાર અને જે કાંઈ ઉત્પન્ન થયું હતું, થયું છે અને થશે, તેનો સ્વામી હતો, છે અને રહેશે. તે પૃથ્વીથી લઈને સૂર્યલોક પર્યન્ત શ્રુષ્ટિને ધારણ કરનાર છે. તે સુખ સ્વરૂપ પરમાત્માની જ ભક્તિ કરવી જોઈએ.

    અથર્વવેદ ૧૩.૪.૧૬-૨૧

    એ ન તો બે છે, ન ત્રણ છે, ન ચાર છે, ન પાંચ છે, ન છ છે, ન સાત છે, ન આઠ છે, ન નવ છે, ન દસ છે. તે એક અને માત્ર એક જ છે. તેના સિવાય બીજા કોઈ ઈશ્વરની સત્તા નથી. સર્વ દેવતાઓનો ઈશ્વરમાં નિવાસ છે અને ઈશ્વર જ તેઓનું નિયંત્રણ કરે છે. આથી માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ, અન્યની નહીં

    અથર્વવેદ ૧૦.૭.૩૮

    એક માત્ર ઈશ્વર જ સર્વથી મહાન છે અને ઉપાસ્યદેવ છે. તે જ સમસ્ત જ્ઞાન અને સર્વ ક્રિયાઓનો આધાર છે.

    યજુર્વેદ ૩૨.૧૧

    ઈશ્વર શ્રુષ્ટિના કણ-કણમાં વ્યાપ્ત છે. કોઈપણ સ્થાન ઈશ્વર વિનાનું નથી. ઈશ્વર સ્વયંભૂ છે અને તેને તેનું કામ કરવા માટે કોઈ એજન્ટ, દેવદૂત કે અવતાર ધારણ કરવાની જરૂર પડતી નથી. જે જીવાત્મા ઈશ્વરનો અનુભવ કરી તેને પ્રાપ્ત કરી શકે છે, તે જીવાત્મા મોક્ષરૂપી પરમ આનંદને માણે છે.

    વેદોમાં આવાં ઘણાં મંત્રો છે જે એક અને માત્ર એક જ ઈશ્વરનું વર્ણન કરે છે અને બીજા કોઈપણ દેવતા, પયગંબર કે અવતારને પૂજ્યાં વિના માત્ર ઈશ્વરને જ પૂજવાનો નિર્દેશ કરે છે.

    પ્રશ્ન: પણ આપણે શા માટે ઈશ્વરમાં માનવું જોઈએ?

    એ જ કારણોથી કે જે કારણોથી આપણે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અણુ, પરમાણુ, ઉષ્મા, વીજળી વગેરેમાં માનીએ છીએ. આપણે અવલોકન અને વિશ્લેષણની સુનિયોજિત પ્રક્રિયા દ્વારા તત્વોના અસ્તિત્વનું પ્રમાણ મેળવી તેમનો સ્વીકાર કરવો જોઈએ. અને જે તત્વોનું અસ્તિત્વ નથી તેનો અસ્વીકાર કરવો જોઈએ.

    આમ આપણે અસત્યનો ત્યાગ કરતાં રહી નિરંતર સત્ય તરફ આગળ વધતા રહેવું જોઈએ. કારણ કે જીવનનો મૂળ સિદ્ધાંત છે, સત્ય = આનંદ = મુક્તિ. આમ સત્ય એ જ મુક્તિનો માર્ગ છે.

    પ્રશ્ન: પણ હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકું છું. તો પછી મારે ઈશ્વરમાં માનવાની શી જરૂર છે?

    હા એ વાત સાચી છે કે આપણે ઈશ્વરના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકીયે છીએ. આપણે વીજળીના અસ્તિત્વને નકારીને પણ જીવન સુખેથી જીવી શકીયે છીએ. ઉદાહરણ તરીકે જંગલમાં રહેતા આદિવાસીઓ. પણ આપણે વીજળીના અસ્તિત્વમાં માનવું જોઈએ કે જેથી કરીને આપણે વીજળીના ગુણધર્મો અને ઉપયોગીતાને સમજીને જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ અને આપણી સુખ સગવડોમાં (આનંદમાં) વધારો કરી શકીએ.

    હવે કોઈ વ્યક્તિ એ તર્ક પણ કરી શકે છે કે મનુષ્યને વીજળીના આવિષ્કારની જાણ ન થઇ હોત તો પણ તે આનંદિત તો રહી જ શકત! આમ જો કોઈ વ્યક્તિ ઈશ્વરની સત્તાને નકારે તો પણ તે આનંદ પ્રાપ્ત કરી શકે છે. આથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર એ જ આનંદ પ્રાપ્તિનો એક માત્ર માર્ગ છે તે વાત ખોટી!

    પણ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ સમજુ વ્યક્તિ વીજળીનો ઉપયોગ ન કરી, સગવડોને છોડી, અગવડો વેઠવાનું પસંદ કરશે? નહીં કરે. કારણ કે વીજળીનો ઉપયોગ કરવાથી મળતો આનંદ, વીજળીનો ઉપયોગ ન કરવાથી મળતા આનંદની સરખામણીમાં ઘણો વધારે છે. આવી જ રીતે ઈશ્વરીય જ્ઞાનયુક્ત વ્યક્તિનું જીવન ઈશ્વરની સત્તાને નકારનાર વ્યક્તિના જીવન કરતાં વધુ આનંદમય હોય છે.

    જેમ વીજળીના અસ્તિત્વનો સ્વીકાર કર્યા બાદ આપણને તેનાથી થતા લાભનું જ્ઞાન થયું અને આથી આપણું જીવન વધુ સુખમય અને આનંદી બન્યું, આવી જ રીતે ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરવાથી ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવનું જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન જીવનને વધુ આનંદમય બનાવવામાં ખુબ જ ઉપયોગી નીવડે છે.

    જીવનના મૂળભૂત નિયમ પ્રમાણે, જ્ઞાનપ્રાપ્તિથી શક્તિ અને સામર્થ્ય મળે છે. આ શક્તિ અને સામર્થ્ય વધુ આનંદ આપે છે. આથી કોઈ સમજુ અને વિવેકી માણસ માટે જ્ઞાનપ્રાપ્તિ એ જ સાર્થક જીવન જીવવા માટેનો એક માત્ર ઉત્તમ માર્ગ હોય શકે.

    આથી જો માત્ર વિદ્યુત ઉર્જાના અસ્તિત્વ અને તેના ઉપયોગનું જ્ઞાન આપણને આટલો બધો આનંદ આપી શકતું હોય તો, જરા કલ્પના કરો કે, બધી જ ઉર્જાના સ્ત્રોત એવા ઈશ્વરના અસ્તિત્વને સમજી, તેમાંથી જ્ઞાનરૂપી શક્તિ મેળવવાથી આપણેને કેટલો આનંદ પ્રાપ્ત થઇ શકે!

    ***