Darvajo books and stories free download online pdf in Gujarati

દરવાજો

દરવાજો

દિલ્હીથી મુંબઈ. ઓફિસનાં કામકાજ અર્થે. ટ્રેનીંગ માટે. ના કોઈ ઓળખ છે, ના કોઈ સગાવહાલા. બે મહિના કેમ જાશે એ વિચારે બેચેની, અનિદ્રા, માં બે દિવસ પસાર થઈ ગયાં. હજી માંડ હું થાળે પડું છું ત્યાં નવી ઉપાધિ આવી પડી! આ ઉપાધિનું નામ એટલે દરવાજો! સવારે આંખ ખૂલતાં જ આંખ સામે દરવાજો દેખાય. દરવાજો અદ્રશ્ય થઈ જાય અને એક સ્રી ઊભી હોય. મને ટગરટગર જોયા કરે. એની ખૂબસૂરતીનું પૂછવું જ શું! એ મને જોતી હોય ત્યારે એને કદાચ મારો ચહેરો નહીં પણ પીઠ જ દેખાતી હશે. અને આ સમય દરમ્યાન હું દરવાજાને તાળું મારતો હોઉં. જેવો હું ટટ્ટાર થઈ પીઠ ફેરવું ત્યારે મારી નજર તેનાં પર પડે. તેનાં ચહેરા પર હોય કરમાઈ ગયેલું હાસ્ય. જે જોવું ગમે! ગુલાબની ખરી પડેલી પત્તી જેવુ મોહક, આર્કષક!..

મારી કલીગ. એનું નામ મોહિની. સતત મને પૂછે છે, ‘ મી. શર્મા એનીથીંગ રોંગ … ? તમે કાંઈ ગભરાઈ ગયેલા લાગો છો.. ’

‘ ના’ રે.. હું બિલકુલ ઠીક છું. ’ ચા પીતા પીતા મેં કહ્યું. તે હસતાં હસતાં બોલી, ‘ આને કહેવાય છાસ લેવા જવું ને દોણી સંતાડવી. આમેય પુરુષનો ઈગો જબરો હોય ભઈસા’બ! તમે ઠીક છો તો કોઈ સવાલ નથી. ’ કહી કોફી નો મગ મૂક્યો.

‘ મીસ, તમને એવો વિચાર કેમ આવ્યો કે હું ઠીક નથી. ’ ‘ આ તો ,તમે કાલે બેઠાં બેઠાં વિચારોમાં ખોવાઈ ગયાં હતાં. તમારા ચહેરા પર ડરનાં હાવભાવ ઉપસી રહ્યાં હતાં. એમ આઈ રાઈટ?’

મેં કોઈ જવાબ ના આપ્યો.

‘ હું જાણતી હતી. તમે ચૂપ રહેશો. તમે ઊઠીને વોશરૂમ ગયાં. ફ્રેશ થઈને તમે આવ્યાં છતાં બેચેનીથી તમે મુક્ત ન હતાં. જોકે આ મારું ઓબ્ઝર્વેશન છે. કદાચ હું ખોટી પણ હોઇ શકું. ’ કહી તે હસતી હસતી તેની બેઠક તરફ ગઈ. ‘ ચલો, કોક તો મળ્યું વાત શેર કરવાને!’ એમ મન મનાવતો હું મારા કામમાં ખૂંપી ગયો.

રાત્રિનાબાર વાગ્યા હતાં. શરીર થાકી ગયું હતું. ચા પીવાથી બગાસાં ગાયબ થાય એમ ન હતું. કાલે શનિવાર એટલે રજા. બાકીનું કામ ઘરેથી પતાવી નાખીશ. કાલે આરામ છે. ખરીદી, ઘરકામ એમ થશે દિવસ પૂરો. આવા વિચારો વચ્ચે મારી દુકાન બંધ કરી. દુકાન એટલે મારી ઓફિસ બેગ. મારી મમ્મી ખાસ કરીને શનિવારે ઘરે બેસી ઓફિસનું કામ કરતો હોઉં ત્યારે બપોરે જમવાનાં સમયે આમ જ બોલે, ‘ કામ પત્યું હોય તો તમારી દુકાન બંધ કરી જમવા પધારો. મારે પાછળ ધણાં કામ હજી બાકી છે. ’

સુમસામ શાંતિ વચ્ચે ટેક્ષીમાંથી ઊતર્યો. સોસાયટીમાં પ્રવેશતાં વોચમેને સલામ મારી. મેં હાથ ઊંચો કર્યો એક હળવા સ્મિત સાથે. લીફ્ટમાં પ્રવેશી અગિયાર નંબર દબાવ્યો. અને પેલું કરમાઈ ગયેલું હાસ્ય લીફ્ટનાં દરવાજે દેખાયું. હુંધ્રૂજી ઊઠ્યો. હોઠ પર ગુલાબી લાલી, ઉડતાં વાંકળીયા વાળ, શેરડીના સાંઠા જેવું ગોરું શરીર મને અત્યારે ભયાનક લાગતું હતું. પરસેવે રેબઝેબ મારુ મોં લૂછવા ખિસ્સામાંથી રુમાલ કાઢી લૂછવા લાગ્યો. આ આખી પ્રક્રિયા મારા ડરને દૂર કરવા માટેની હતી. લીફ્ટ ધીમેથી ઊભી રહી. દરવાજો લીફ્ટનો ખૂલ્યો. મારા હ્રદયનાં ધબકારા ઉછળવા લાગ્યાં દરિયાઈ મોજાંની જેમ. બીલ્લી પગે મારા ફ્લેટના દરવાજા પાસે આવ્યો. સામેનો દરવાજો બંધ હતો. દરેક ફ્લોરે બે ફ્લેટ્સ હતાં. પેસેજની ડીમ લાઈટ ઝબકી રહી હતી. ધીમેથી હાથમાં તાળું લઈ ખોલ્યું. વળી પાછી નજર બંધ દરવાજા તરફ ગઈ. દરવાજો ધીમેથી ખોલ્યો. ચહેરો લૂછ્યો. મનમાં વિચાર સાપોલિયાની જેમ સળવળી ઊઠ્યો, ‘ ક્યાં ગઈ હશે.. ઓહ.. સૂઈ ગઈ હશે. આટલી મોડી રાત કોઈ થોડું જાગે!’ તરંગી વિચારો સમાધાનના પટારામાં સમાઈ ગયાં. દરવાજો બંધ કરવા ગયો કે સામેનો દરવાજો ધીમેથી ખૂલી રહ્યો છે એવો અહેસાસ થયો. મેં આંખો ચોળી. પાંપણો પટપટાવ્યાં. હા તે તે જ હતી. મને જોઈ રહી હતી. એ જ સ્થિતિમાં જેમ રોજ મને જુએ છે. મેં પણ હિંમત કરી . તેને એકીટશે જોઈ રહ્યો. મારી આંખો ઝબકી. અરે આ તો મોહિની લાગે છે! ના.. ના.. એના જેવી લાગે છે. સુંદર, નયનરમ્ય, નાજુક પરી સમાન. તે મને એકીટશે જોઈ રહી હતી. મૌનની દિવાલ કેમ તોડવી એ સમજાતું ન હતું. એક વિચાર આવ્યો ભયાનક. કદાચ આ ભૂત તો નહીં હોય.. અને જોરથી મારા ફ્લેટનો દરવાજો બંધ કર્યા. દરવાજા પાસે ઊભો રહ્યો. અને ફરી દરવાજો ખોલ્યો. તે ત્યાં જ ઊભી હતી. ધડામ કરતો દરવાજો બંધ કર્યા મેં. અને કપડાં બદલ્યા વગર પથારીમાં આળોટવા લાગ્યો એક કલ્પિત ડરથી...

આ મુંબઈ શહેર મને અજીબોગરીબ લાગ્યું. જાણે સદાબહાર. રાત હોય કે દિવસ સતત હ્રદયની જેમ ધબકતું. રાત્રિના બે થયાં હતા. નીંદર આવતી નહીં. ચા પીવાની ઈચ્છા થઈ. તૈયાર થઈ ધીમેથી દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો કે મારી નજર આદત મુજબ સામેનાં દરવાજા તરફ ગઈ. ટગર ટગર એ મને જોઈ રહી હતી. ધડામ કરતો મારો દરવાજો બંધ કર્યો અને લીફ્ટ છોડી બબ્બે પગથિયાં કુદાવતો નીચે ઊતર્યો. વોચમેન પૂછયું પણ ખરું આશ્ચર્યથી કે ક્યાં જાઉં છું. ચા પી પીનેકો કહી ઝડપી ચાલી નીકળ્યો. આ જ મુંબઈની નવાઈ છે. અરધી રાતે પણ ખૂણેખાંચરે નાની રેકડી પર ચા પાણી મળી જાય. ચાની લિજ્જત સાથે હું સ્વસ્થતા કેળવી. સિગારેટની ધ્રૂમસેરમાં દેખાવા લાગી મંદ મંદ ચાની રેકડી પર વાગી રહેલા ગીતમાં, ‘ મેરે સામનેલાલી ખીડકી મેં એક ચાંદ શા ટુકડા રહતા હૈ... ’

ઘર ચાર દીવાલોથી નથી બનતું,પણ એ દીવાલોને સીંચવું પડે છે લાગણી,ઉર્મિઓનાં ભેજ વડે. અન્યથા ઘર રણ જેવું ભેંકાર, નિર્જીવ લાગે છે એ અનુભવ થયો. વિચારોમાં કલાક પસાર થઈ ગયો. વિચારો પણ નદી જેવાં , આગળ દોડ્યે જ થાય. એક પ્રમોશન સાથે ઘરે પહોંચીશ સૌની આશાનો દિપક લઈ. અને મારી રુમ તરફ ચાલવા લાગ્યો. સોસાયટીમાં પ્રવેશ્યો. વોચમેન ઝોકાં ખાઈ રહ્યો હતો. “ ક્યા સાહબ ચા પી કે આયે?”

“ જી. તેરે લિયે ભી લાયા હું”. કહી ચાની થેલી આપી.

“ શુક્રિયા”. કહી મને જોઈ રહ્યો.

લીફ્ટ ખોલી બહાર નીકળ્યો. પણ આ શું? દરવાજો બંધ હતો. મારા ફ્લેટનો દરવાજો સમય પસાર થાય એ રીતે ખોલ્યો. પણ સોમેનો દરવાજો બંધ હતો. પેલો ખુબસુરત ચહેરો જોવા હું તરસી રહ્યો હતો. સૂઈ ગઈ હશે એ વિચારી મારા ફ્લેટમાં પ્રવેશી દરવાજો બંધ કરી પથારીમાં પડ્યો. આપણું વિચિત્ર મન પણ કેવું છે.. જે ચહેરો જોઈ હું ઝબકી જતો, ગુસ્સો આવતો તે ચહેરો ના જોતા એ જોવાની તલપ લાગી છે. સિગારેટ સળગાવી વિચારોમાં ખોવાઈ ગયો . ક્યાં હશે તે...

આજે સોમવાર! આવતા સોમવારે મારા ઘરે હોઈશ. ચહેરા પર ખુશી પથરાઈ ગઈ. અને આ ખુશી મોહિનીએ પકડી પાડી. મુસ્કુરાતા મેં કહ્યું કદાચ આવતા સોમવારે મારી ફેમીલી સાથે હોઈશ એ વિચારે. મોહિની એ કહ્યું, “ વાહ! દિવસો ક્યાં પસાર થઇ ગયા ખબર ન પડી. આઈ મીસ યું એન્ડ તારા આ પરફ્યુમને!” “કેમ?” મેં પૂછ્યું ઉત્સાહમાં આવી જઈને. એકઉદાસ ભરી નજરે મને જોઈ રહી. મારી સામે જોઈને હસી એ, એ રીતે કે હસવામાં પણ એને થાક પડતો હોય. આજે ખબર પડી કે માણસનાં હાસ્યમાં પણ વેદનાં સમાઈ છે. સદા ઝરણાં જેવી રમતિયાળ મોહિનીની ઉદાસી મને અકળાવી ગઈ. મારે આજે પૂછવું પડ્યું એ પણ એની જેમ હસતાં હસતાં, “ એની થિંગ રોંગ?” અને તે હસી પડી. “ ચલ, એક કપ ચા થઈ જાય કહેતાં કહ્યું કે આ પરફ્યુમ એને પ્રિય હતું જેને હું ચાહતી હતી... ”

“ ઑહ! વન વે ટ્રાફિક?”

“ ના રે ના.. એકબીજાને ચાહતા હતાં. પણ.. પણ હું તો એને ચાહતી જ હતી. એનું એ જાણે.. એક દિવસ મારે ઘરે આવ્યો . મારી નાની બહેનને જોઈ... અને એક દિવસ મને કહ્યું

,” હું અને તારી બહેન .. અમે એક બીજાના પ્રેમમાં છીએ... ના તો હું રડી, ના હું હસી, જાણે પથ્થરની મૂર્તિ!”

“ ઑહ.. વેરી સેડ. ”

“ ભગવાનની મરજી . જે કરે છે તે સારા માટે. બોલ તારો શો ખ્યાલ છે?” પૂછી મને જોઈ રહી.

“ પછી?”

“ પછી... મારાં કામમાં પરોવાઈ ગઈ. પણ તને જોયા પછી લાગ્યું કે હું પણ પ્રેમમાં પડી શકું છું. ”

“ પ્રેમ.. આ પ્રેમ શું છે? એ જ સમજાતું નથી?”

“ પ્રેમ જ્યારે થાય છે ત્યારે ત્યારે આ જગ સમજાતું નથી”

“વાહ.. તારો અનુભવ બોલે છે. ”

“ હા. પ્રેમ સિવાય પણ ધણુંબધું છે એ મન માનવા તૈયાર હોતું નથી. અને..

“ અને શું?”

“ અને પ્રેમ તૂટ્યાં પછી પ્રેમ કેમ થઈ જાય છે તે સમજાતું નથી. ”

“ કદાચ, શારીરીક આકર્ષણ?” મેં કહ્યું.

“ ના.. આ બધી વાતો પ્રેમ થયા પછી ની”

“ એટલે?”

“ જેમ જન્મ અને મૃત્યુ બે અંતિમ છેડા છે અને આ બે વચ્ચે જગ છે તેમ.. ”

“ તું બહુ અધરું અધરું બોલે છે.. મોહિની.. ”

“ એટલે જ પ્રેમમાં નિષ્ફળતા જનાર ડાહ્યો એટલે કે ફિલોસોફર બને છે.. ” કહી મોહિની મને જોઈ રહી.

“ અને તને ગમતા પરફ્યુમની સુવાસે તને તારા અતીતમાં લઈ ગઈ. ”

“ કદાચ. આપણાથી કશું જ ભૂલાતું નથી. એક બાજુ પડ્યું રહે છે. જેનાથી ઉઝરડા પણ નથી પડતાં. ”

“ તેઓ ક્યાં રહે છે એટલે કે તારી બહેન.. ”

“ ખબર નથી. કોશિશ પણ નથી કરી, કરવા માંગતી પણ નથી . એટલે તો અમદાવાદ છોડી મુંબઈ સ્થિર થઈ છું. “

“ તેના તરફથી... ”

“ તેમનાં રિસેપ્શનમાં ગયેલી. પરફ્યુમની બોટલ આપી હતી અને તે ખાલી!” કહી તે ઊભી થઈ....

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. મારી ટ્રેઈનીંગ પૂરી થઈ. અને સામેના દરવાજા તરફની જાણવાની ઉત્કંઠા સાપોલિયાની જેમ સળવળી ઊઠી. કારણ છેલ્લા અઠવાડીયાથી આ દરવાજો બંધ રહેતો હતો. કાલે નીકળતાં પહેલાં એને મળીશ કોઈ પણ બહાને.. આજનો આખો દિવસ ખરીદી કરવામાં ગયો. રાત્રિના દસ થયાં હતાં. સામાન પેક કરી રહ્યો હતો. ફોન રણક્યો.

“ શું કરે છે?” મોહિનીએ એની મોહક અંદાજમાં પૂછ્યું.

“ કાલની તૈયારીઓ. બેગ પેક કરું છું. ”

“ કાલે નક્કી જવાનું છે?”

“ અફકોર્સ. ઓગસ્ટક્રાંતિમાં. કેમ ફોન કર્યો. ”

“ તારી યાદ આવી ગઈ. રોજ તો કોઈને કોઈ બહાને તું મારી પાસે વાત કરવા આવતો હતો. આજે આખો દિવસ તારા ઈંતેજારમાં પરેશાન થતી રહી. તારી કંપનીની આદત મને ભારે પડશે. ”

“ ઓહ! કશું કોઈને કશું ભારે નથી પડતું. આદત પડે પછી એ જ યુજવલ.. ક્યાં કોઈને સમય છે કોઈ માટે આ શહેરમાં.. ”

“ કાલે સમય હોય તો લંચ માટે મળીએ”

“ જરૂર. સમ્રાટ હોટલ ફાવશે?”

“ જરૂર. ગૂડ નાઈટ. ” કહેતાં ફોન મૂકાયો. ત્યાં જ ડોરબેલ રણકી. અત્યારે કોણ હશે એ વિચારે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામેની વ્યક્તિને જોતાં જ શબ્દો સરી પડ્યાં “ યસ પ્લીઝ”

“ તમે મી. શર્મા”

“ જી. ” હજી પણ કોઈ વિચિત્ર ભયથી હું ધ્રૂજી રહ્યો હતો.

“ હું અંદર આવી શકું છું” હસતાં હસતાં પૂછ્યું.

“ ઓહ.. સ્યોર, સ્યોર.. જરૂર જરૂર . ” થોથવાતી જીભે મેં કહ્યું. મારી મૂંઝવણ દૂર કરતાં તેઓ પ્રવેશ્યાં મારી રૂમમાં. પણ મેં દરવાજો ખૂલ્લો રાખ્યો.

“ ડરો નહીં મી. શર્મા. હું સામેના ફ્લેટમાં રહું છું. મારું નામ પરેશ કાપડીયા. મૂળ વાત પર આવીએ.. ”

“ મૂળ વાત પર!” આશ્ચર્યથી પૂછ્યું.

“ હા. વાત એમ છે કે તમે જ્યારે જ્યારે તમારો દરવાજો ખોલતાં ત્યારે સામેના દરવાજો ખૂલે અને એક સ્રી ઊભી હોય... ” હું કશું બોલ્યો નહીં. મારો પસીનો લૂછવા લાગ્યો.

“ એ સ્રી મારી પત્ની છે. જોઈ શકતી નથી. નામ એનું મોહિની છે. અને આ સમય દરમ્યાન હું બહારગામ હતો. એનાં કેસની સ્ટડી માટે. ”

“ મોહીની?” હું આશ્ચર્યથી પૂછી બેઠો.

“ હા. તમે ઓળખો છો. ”

“ ના. પણ ખરેખર નામ પ્રમાણે મોહક છે. અને ભગવાનને અંધ બનાવ્યાં. ” દુ:ખ મારાથી વ્યક્ત થઈ ગયું. હું સ્વસ્થ થયો. બાજુની ટીપોય પર પાણીનો ગ્લાસ હતો. તે ગ્લાસ લઈ પરેશને કહ્યું, “ પાણી પીશો?”

“ ના. તમે પી લો. તમને પાણીની જરૂર છે. ” કહી હસવા લાગ્યાં. પાણી પીને પૂછ્યું, “ કોઈ એક્સીડન્ટ?”

“ હા એવું જ . તમે જે પરફ્યુમ વાપરો છો એ જ પરફ્યુમ હું વાપરું છું. તમે જ્યારે આવતાં કે જતાં ત્યારે મારી પત્ની એની સુવાસ દ્રારા એમ સમજતી કે હું આવ્યો છું અને દરવાજો ખોલતી હતી... ”

“ ઓહ! અને હું”

“ એ માટે માફી માગું છું. હું જાણું છું આવી પરિસ્થિતિમાં ભલભલાને અકળામણ થાય. પણ તમારી ધીરજને દાદ આપું છું. ” પળભરમાં મારા ઘરનો માહોલ બદલાઈ ગયો. ડરનાં બદલે મિત્રતા રચાઈ ગઈ. એકબીજાની પૂછપરછ થઈ. અને પરેશે જણાવ્યું કે તેઓનાં લગ્ન પ્રેમ લગ્ન હતાં. પરેશ આંખનો ડોક્ટર છે. લગ્નને એકાદ વર્ષ બાદ તેને ઓચિંતું દેખાતું બંધ થઈ ગયું. મેં તેને હિંમત આપી. આત્મવિશ્વાસનાં ક્લાસ દ્રારા તેનામાં આત્મવિશ્વાસ જગાડી સામાન્ય માણસની જેમ રહેતાં તથા જીવતાં શીખવાડ્યું. પણ ઊંડે ઊંડે તેને ડર હતો કે વખત જતાં હું મોહિનીને છોડી જતો રહીશ. મોહિની પોતાના અંધત્વ માટે પોતાને જવાબદાર માનતી હતી. કારણ મોહિની માનતી કે .. અને પરેશ વિચારોમાં ખોવાઈ ગયો. મેં પૂછ્યું વારંવાર પરેશને કે મોહિની કેમ પોતેને જવાબદાર માનતી હતી? પરેશ બોલ્યો, “ હવે એ વાત છોડો. પણ ખુશખબર કે મોહિની નું ઓપરેશન સફળ થઈ ગયું છે. સતત દોડાદોડ, રેફરન્સ અને હું પણ આજ ફિલ્ડમાં અને ભગવાનની કૃપા હવે અમે હેપી. ”

“ તમે ડોક્ટર થઈ ભગવાનમાં માનો છો?”

“ ધણીવાર પરિસ્થિતિ એવી આવે છે કે ભગવાન યાદ આવી જાય છે!”

“ મોહિની ક્યાં છે?”

“ કાલે ઘરે આવી જશે. મોહિનીએ મારી ગેરહાજરીમાં જે તકલીફ તમને પહોચાડી છે તે બદલ માફી માગવા મને મોકલ્યો છે મી. શર્મા. ”

“ મને તકલીફ પહોંચી કે નથી પહોંચી તે તે કેવી રીતે જાણી શકે?”

“ સીક્સ સેન્સ. ”

“ અને હું પણ માફી માગું છું તમારી આ ગડબડ માટે?”

“ શેની ગડબડ?” આશ્ચર્યથી મેં પૂછ્યું.

“ આ પરફ્યુમ” હસતાં હસતાં તેણે કહ્યું, “ અમે લવ કર્યો. એકબીજાને પ્રપોઝ કર્યું પરફ્યુમ દ્રારા. ચલો ત્યારે ગૂડ નાઈટ. કાલે મળશું. રોકાવાનું હશે?”

“ ના. જે કામ માટે આવ્યો હતો તે પૂરું થયું. કાલે દિલ્હી જવા રવાના. ઓગસ્ટ ક્રાંતિ દ્રારા... ”

“ લવબવ કર્યો છે કે નહીં.. ”

હું હસ્યો. પરેશે કહ્યું “ દોસ્ત શરમથી જેનો ચહેરો ગુલાબની જેમ ખીલી ઊઠે એનો અર્થ એ જ થાય કે એક પગ પડી ચૂક્યો છે.. ” કહી મારી પીઠ થાબડી. અને કાગળમાં કશું લખી ઘડી વાળી મને કહ્યું, “ સ્ટોરમાં જઈ લખેલું પરફયુમ લઈને આપજે. મેં પણ આ જ આપેલું. ”

અને મેં દરવાજો બંધ કર્યો. એક અજનબી ભાર માથા પરથી ઊતરી ગયો.

એક સરસ મજાની નીંદર આવી ગઈ. સાવ હળવો લાગતો હતો. વોચમેન સહિત ચાવાળા, રેકડીઓવાળા, બેમહિના દરમ્યાન જેઓની સાથે ઓળખાણ થયેલી એ સૌનો આભાર માની મને ગમતો થયેલા ચોપાટીનાં દરિયાને નમ્રતાથી સલામ ભરી. ખારો ખારો કહી બદનામ કરનાર મનુષ્ય જાત પર ગુસ્સો આવ્યો. આ દરિયો ના હોત તો માનવ જાતનું અસ્તિત્વ હોત કે એ પ્રશ્ન ભીતર ભીતર સતાવી ગયો. અને ઉછળતાં સાગરને વંદન કરી નીકળી પડ્યો રાહ જોતી મોહિનીને મળવા.

ખરેખર મોહિની મારી રાહ જોતી હતી. મને જોતાં જ બોલી ઊઠી, “ હાય હેન્ડસમ આજે ચહેરા પર એક અનોખા પ્રકારની ખુશી દેખાય છે. ઘર જવાની વાપસી કે ... ”

“ ના, એવું કશું નથી. પણ એક અજનબી શો ડર મારા મનમાં હતો તે નીકળી ગયો કાલે રાતે”.

“ કહ્યો ડર?”

“ અરે પેલી લેડીની વાત તને કહી હતી ને? દરવાજો ખોલી મને જોયા કરતી હતી.. અને તે કહ્યું હતું કે મારો એ ભ્રમ છે.. ”

“ હા તો એનું શું?”

“ એ લેડી અંધ હતી. એનો પતિ મારા જેવું જ પરફ્યુમ વાપરતો હતો. મારા પરફ્યુમનાં સુવાસથી .. ”

“વાહ આ નવી વાત. સુવાસથી પતિનાં આગમનનો ખ્યાલ અને દરવાજો ખોલવો ખરેખર ઈન્ટરેસ્ટિંગ વાર્તા.. ”

“અને મજાની વાત એ કે તે દેખતી થઈ ગઇ છે. કાલે રાત્રે એનાં પતિએ કહ્યું અને માફી માંગી પણ અને મારા માથા પરથી બોજો ઊતરી ગયો. એક સરસ મજાની નીંદર આવી ગઈ. પરિણામે ખુશ છું”. કહી વાતોએ વળગ્યા. લંચ કરતાં અમારી નિકટતાએ ખુશીનો માહોલ એવો સરજ્યો કે અમારી વચ્ચે મોનનું પારર્દશક આવરણ રચાઈ ગયું. ઊભાં થતાં મેં કહ્યું, “ આભાર માની તારું અપમાન તો નહીં કરું. અજાણ્યા શહેરમાં તારો જે સાથ મળ્યો તે કદી નહીં ભૂલું. ” કહી પરફ્યુમની બોટલ આપી. તે મને જોઈ રહી. અને મારી ચિઠ્ઠી વાંચી રહી, “ મારા પ્રેમનો જરૂર સ્વીકાર કરજે તને હરઘડીએ ચાહતો સૂરજ શર્મા.. ”

તે મારા સામે જોઈ રહી. સામે ઊભેલી ટેક્ષી જોઈને હસી ને કહે , “ આભાર. ચલ જઈશું હવે”

“ ક્યાં?” મેં હસતાં હસતાં પૂછ્યું.

મારો હાથ પકડતાં બોલી,“ ટેક્ષીનો દરવાજો તો ખોલ... તું જ્યાં લઈ જાય ત્યાં... ”

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED