સ્ત્રી ગઈકાલે, આજે અને આવતીકાલે Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી ગઈકાલે, આજે અને આવતીકાલે

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સ્ત્રી - ગઈકાલે, આજે અને આવતીકાલે

શબ્દો : 1501
સજેસ્ટેડ શ્રેણી : સામાજિક / જનરલ

સ્ત્રી - ગઈકાલે, આજે અને આવતીકાલે

કોઈ પણ દેશ કે પ્રજા એવી નહીં જ હોય જે સ્ત્રી વગર સંભવી શકે. અનાદિકાળથી સ્ત્રીઓ કોઈ ને કોઈ દેવી સ્વરૂપમાં પૂજાતી આવી છે. ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં સ્ત્રીઓ માત્ર પુરુષ સમોવડી જ નહીં પરંતુ કંઈ કેટલીય સિધ્ધી પ્રસિધ્ધિઓ હાંસલ કરીને તેથીય વિશેષ સ્થાન મેળવતી રહી છે

ભારતવર્ષમાં આપણી સંસ્કૃતિ જેટલો મહાન વારસો ધરાવે છે તેટલું જ તેમાં નારીનું પણ મહત્વ આંકવામાં આવે છે. ભારતીય સમાજમાં નારી ત્યાગ અને તપસ્યાની જાજલ્યમાન વિભૂતિ છે. ભારતીય સંસ્કૃતિમાં નારી પહેલેથી જ ગૌરવવંતી રહી છે. સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રી પાત્રોનું નિરૂપણ ખૂબજ ઉદાત્ત રીતે થયું છે. ભારતીય

સંસ્કૃતિમાં નારીને નરની અર્ધાંગિની કહી છે. શતપથ બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે- સ્ત્રી પુરુષનું અડધું અંગ છે. જ્યાં સુધી પુરુષ સ્ત્રીને મેળવી શકતો નથી ત્યાં સુધી અધુરો છે.

ભવિષ્યપુરાણના સાતમા અધ્યાયમાં કહ્યું છે-

पुमानर्द्धपुमांस्तावद्यावद्भार्या न विन्दति ।

અર્થાત્ પુરુષનું શરીર ત્યાં સુધી પૂર્ણતા ધારણ નથી કરતું, જ્યાં સુધી તેનું અડધું અંગ નારી આવીને ભરતી નથી. ધર્મશાસ્ત્રોએ તો સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા આપી છે કે- જે ઘરમાં સ્ત્રીઓનો સત્કાર થાય છે, પૂજા થાય છે ત્યાં જ સ્વર્ગ રહેલું છે.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: ।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया ||२||

સામાન્ય રીતે સમાજમાં નારી મુખ્યત્વે ત્રણ સ્વરૂપમાં રહેલી છે, અને એ આપણે જાણીએ પણ છીએ જ,

(૧) કન્યા સ્વરૂપે

(૨) પત્ની સ્વરૂપે

(૩) માતા સ્વરૂપે.

આ ત્રણેય અવસ્થાઓમાં તેની રક્ષા, માન-મર્યાદા તથા પ્રતિષ્ઠાનું અને રક્ષણનું પવિત્ર કાર્ય ‘પુરુષ’ પર રહેલું છે. જો પુરુષ તેનું માન મહત્વ મરતબો નહીં જાળવે તો દુનિયામાં કોઈ પણ તેનું મહત્વ નહીં જ જાળવે એટલે શરૂઆત આપણાં ઘરથી જ થાય છે. હવે આ ત્રણે ત્રણ સ્વરૂપમાં નારી ભારતીય ઈતિહાસમાં અને જુદા જુદા સાહિત્યમાં કઈ કઈ રીતે અઅંકાયું છે તેનાં ઉદાહરણો તપાસીએ.

(૧) કન્યા સ્વરૂપમાં નારી :-

કન્યાસ્વરૂપા નારીનું ચિત્રણ સંસ્કૃત સાહિત્યના કવિઓ એ પોતાની કૃતિઓમાં સુંદર રીતે કર્યુ છે. કાલિદાસે આર્યકન્યાના આદર્શને ‘પાર્વતી’ના રૂપમાં અભિવ્યક્ત કર્યો છે. કાલિદાસે ‘કુમારસંભવ’માં પાર્વતીના કન્યા સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે - |वसन्तपुष्पाभरणं वहन्ती| તથા પ્રાત:કાળના સૂર્યના જેવા રંગનું લાલ વસ્ત્ર ધારણ કરતી, પુષ્કળ પુષ્પોના ગુચ્છોથી નમેલી, કોમળ પલ્લવોવાળી હાલતી લતા જેવી દેખાતી હતી.

‘અભિજ્ઞાનશાકુંતલ’ના પ્રથમ અંકમાં કન્યાસ્વરૂપા શકુંતલા અને સખીઓને જોતાં જ દુષ્યંત કહે છે- अहो, मधुरमासां दर्शनम् । શકુંતલાનું વર્ણન કરતાં કહે છે –‘અધર કુંપળ જેવો લાલ છે, બે હાથ કોમળ ડાળખી જેવા છે,અને ફુલ જેવું આકર્ષક યૌવન અંગે અંગમાં ખીલ્યું છે.૪ કાલિદાસ કન્યાને પરાયું ધન માને છે. अर्थो हि कन्या परकीय एव । ભવભૂતિ પણ કાલિદાસની જેમ નારીને કન્યા તરીકે વર્ણવતાં તેને પારકું ધન માને છે. જેમ કે,

कन्यारत्नमयोनिजन्मा भवतामास्ते वयं चार्थिनो

रत्नं चेत्क्वचिदस्ति तत्परिणमत्यस्मासु शक्रादपि ।

कन्यायाच्च परार्थतैव हि मता तस्या: प्रदानादहं

बन्धुर्वो भविता पुलस्त्यपुलहप्रसष्ठाच्च संबन्धिन: ॥૬॥

ભવભૂતિની કન્યા માલતી અત્યંત સુશીલ છે. તે સઘળા દુ:ખોને સહન કરવા સમર્થ છે; પરંતુ માતા-પિતાનું દુ:ખ તે સહન કરી શકતી નથી. ‘માલતીમાધવ’ના બીજા અંકમાં ‘गुणा: पूजास्थानं गुणिषु न च लिङग़ं न च वय:। વગેરે પંક્તિ દ્વારા ભવભૂતિની સ્ત્રી સન્માનની ભાવના પ્રગટ થાય છે.

હવે આ કન્યાસ્વરૂપા નારીધનની વાત જરા આજનાં યુગમાં જોઈએ તો અત્યારે સમાજમાં દિકરીઓની જાણે કે અછત વર્તાઈ રહી છે. ગામડાં તો ઠીક શહેરીજનો પણ સ્ત્રીભ્રૂણ હત્યા કરતાં અચકાતા નથી. છતાં બેટી બચાવો એવું સરકારી અભિયાન દિકરીઓને ગર્ભમાંજ મૃત્યુ પામતાં અમુક અંશે અટકાવી શક્યું છે તેમ છતાં હજુ ધારી સફળતા મળી નથી. જો આપણને આપણી મા માટે ગૌરવ અને લાગણી હોય, એક પુરુષ તરીકે આપણી પત્નીની અગત્યતા જો આપણે સમજતા હોઈએ તો પછી સ્ત્રીને જન્મ લેતાં શાથી અટકાવવાનું શા માટે ? શા માટે દિકરીનાં પિતા કે માતા હોવાનું આપણે ગૌરવ ન લઈએ ?

હવે વાત આવે છે પત્ની ની, પત્ની તરીકે સ્ત્રીનું પ્રાચીન સાહિત્યમાં અતિ મહત્વનું સ્થાન હતું જે આજે કદાચ પુરુષો માટે વધુ ધ્યાન આપવું પડે એવું થઈ રહ્યું છે. સ્ત્રીઓ નો વિકાસ ઘણો ઉત્તમ થયો છે પુરુષની સરખામણીએ છતાં હજુયે તે પોતાનાં પ્રાચીન માળખાની બહાર નથી આવી શકી એ એક મોટી વિડંબણા છે.

(૨) પત્ની સ્વરૂપમાં નારી:-

સંસ્કૃત કવિઓએ પત્નીરૂપમાં નારીનું સુંદર ચિત્રણ કર્યું છે. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ અને ભવભૂતિ આ મહાન કવિઓએ પત્નીસ્વરૂપા નારીની રૂપછટાનું વર્ણન સુંદર ભાષામાં કર્યું છે. ભગવતી જનકનંદિનીના શીલ સૌંદર્યની જ્યોત્સના કઇ વ્યક્તિને શાંતિ પ્રદાન નથી કરતી. જાનકીનું ચરિત્ર ભારતીય પત્નીઓના મહાન આદર્શનું પ્રતીક છે.

‘ ઉત્તરરામચરિત ’ માં રાજા જનક પણ કૌશલ્યાને દશરથ રાજાના ઘરની લક્ષ્મી બતાવે છે. ભવભૂતિએ નારીના પત્ની સ્વરૂપને ખૂબજ ઉમદા રીતે વર્ણવ્યું છે. તે प्रियगृहिणीं गृहस्य च शोभा । છે. તેનું આ સ્વરૂપ મનોરમ તથા ઉજ્જ્વલ છે. વળી પતિને માટે આનંદદાયિની છે. જેમ કે,’ઉત્તરરામચરિત’માં કહ્યું છે કે- આ મારા ઘરમાં લક્ષ્મી છે, આંખની અમૃત શલાકા છે શરીર પર તેનો આ સ્પર્શ ચંદનના ગાઢ લેપ જેવો છે, ગળા ઉપર વિંટળાયેલો આ હાથ શીતળ અને કોમળ મોતીની માળા છે. એનું શું ગમી જાય તેવું નથી સિવાય કે અત્યંત અસહ્ય વિરહ.

ભવભૂતિ નારીનું મહત્વ બતાવતાં કહે છે કે ‘પત્નીવગર સમગ્ર સંસાર જીર્ણ અરણ્ય જેવો બની જાય છે. તે નિરસ અને સાર વગરનો બની જાય છે. જેમ કે, ‘ઉત્તરરામચરિત’ માં રામ કહે છે - હવે જગત પલટાઇ ગયું. રામનું જીવવાનું પ્રયોજન હવે આજે પુરુ થયું –शून्यमधुना जीर्णारण्यं जगत् । असार: संसार:। कष्टप्रायं शरीरम्। अशरणोऽस्मि । હું શું કરું ? શો ઉપાય ? ‘ઉત્તરરામચરિત’ માં કવિ કહે છે. ‘પત્ની મૃત્યુ પામતાં જગત વેરાન-વગડા જેવું બની જાય છે અને પછી હ્રદય જાણે કે બળતા કુશકના ઢગલામાં રંધાય છે.’ જેમ કે,

जगज्जीर्णारण्यं भवति हि कलत्रे ह्युपरमे ।

कुकूलानां राशौ तदनु ह्रदयं पच्यत इव ॥૯

આમ પત્ની વગર સંસાર અધૂરો છે, જીવન શૂન્ય છે તેમ કહી ગૃહસ્થાશ્રમ પર કવિએ ભાર મૂક્યો છે. કવિ કહે છે ‘ખરેખર તો પત્ની પતિનું જીવન છે, તેનું બીજું હ્રદય છે. તે પતિના નેત્રોની ચાંદની છે અને શરીર માટે અમૃત છે’.૧૦ ‘માલતીમાધવ’માં કવિના કહેવા પ્રમાણે પતિ અને પત્ની પરસ્પર મિત્ર, બંધુ અને સંપત્તિ છે. જેમ કે,

प्रेयो मित्रं, बन्धुता वा समग्रा सर्वे कामा: शेवधिर्जीवितं वा।

स्त्रीणांभर्ता, धर्मदाराच्च पुंसामित्यन्योन्यं वत्सयोर्ज्ञातमस्तु ॥૧૧

અહીં દામ્પત્ય જીવનના ઊંચા આદર્શની સાથેસાથે જીવનની ઉદાત્ત કલ્પના રજુ થયેલી જોવા મળે છે. ગૃહસ્થ જીવનમાં પ્રેમતત્ત્વની સાધના દર્શાવવામાં આવી છે. ભવભૂતિ પત્નીસ્વરૂપા પ્રેમતત્ત્વનું વર્ણન કરતાં કહે છે- ‘જે સુખમાં અને દુ:ખમાં અદ્વૈત છે, બધી જ અવસ્થાઓમાં સાથે રહે છે જ્યાં હ્રદયનો વિસામો છે. જેનો રસ વૃધ્ધાવસ્થાને પણ હરી શકતો નથી. સમય જતાં આવરણો દૂર થતાં જે પરિપકવ થઇ સ્નેહના અર્ક રૂપે સ્થિર થાય છે તે વિરલ કલ્યાણ કોઇ સદ્ભાગીને જ મહામુશ્કેલીએ પ્રાપ્ત થાય છે.

“રધુવંશ’માં કાલિદાસે નારીને ઘરમાં પત્ની તરીકેનું સઘળું સન્માન આપ્યું છે.

गृहिणी सचिव: सखी मिथ: प्रियशिष्या ललिते कलाविधौ ॥

હવે અત્યારનાં સમાજની મીમાંસા કરીએ, પત્ની દરેક પુરુષને જોઈએ છે પરંતુ તેનું માન સાચવવું દરેકને નથી ગમતું. આજની પત્નીઓ પોતાનાં પતિને આર્થિક સહાયતા અર્થે નોકરી કે ધ્યવસાય કરતાં શીખી પરંતુ પતિ તરીકે એને ઘરનાં કાર્યોમાં મદદ કરતા પતિ નથી શીખ્યો, આ બાબતે સ્ત્રીઓનું હજુ પણ શોષણ થયાં જ કરે છે. આજની પત્ની એક માતા, એક આદર્શ ગૃહિણી તેમજ બિઝનેસ વુમન બની શકે છે પરંતુ આજનો પુરુષ હજુ

પણ પતિ કે બિઝનેસમેન જ છે તે નથી તો પૂર્ણ પિતા ની ફરજો અદા કરી શકતો ન તો પતિ તરીકે પોતાની પત્નીને મદદરૂપ થવાની. પ્રશ્ન ખરેખર વિચાર માંગી લે તેવો છે દોસ્તો, કંઈક તો કરવું જ રહ્યું ?

હવે અંતમાં વાત કરીએ એક સ્ત્રીની કે જે માતા છે. માતા તરીકે તેનું મહત્વ પ્રાચીન કાળમાં અને અત્યારે જ્યારે પણ ગણો અતિ અગત્યનું અને જાજરમાન રહ્યું છે અને કાયમ રહેશે જ

(3) માતા સ્વરૂપમાં નારી :-

માતૃ સ્વરૂપ વિશે શ્રુતી, સ્મૃતિ અને પુરાણ વગરેમાં ખૂબ જ લખાયેલું છે. તૈતિરીય ઉપનિષદમાં તો मातृदेवो भव:। (તૈતિરીય ઉપ.-૧/૧૧) કહી દેવની કોટીમાં માતાનું સ્થાન મુકેલું છે. ભારતીય સંસ્કૃતિમાં માતાને સ્વર્ગથી પણ મહાન કહેતાં કહ્યું છે.

जननी जन्मभूमिच्च स्गर्गादपि गरीयसी।

માતા અરુન્ધતી જગતની સ્ત્રીઓ માટે પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપી અમર થઇ ગઇ. માતા કુંતી પાંડવોને ક્ષત્રિય ધર્મ અને પ્રજાપાલન કરવાનો ઉપદેશ અને આશીર્વાદ આપી અમર થયા. માતા કૌશલ્યાનો મર્યાદા પુરુષોત્તમ પ્રત્યેનો પ્રેમ જોઇ શકાય છે. માતાના સ્વરૂપમાં રહેલી નારી પોતાના સંતાનો પ્રત્યે કરુણામયી છે. વળી,તે ડગલે ને પગલે પોતાના સંતાનોની ચિંતા કરે છે. ઉત્તરરામચરિત’ માં ભગવતી પૃથિવી સીતાના સુખ અને કલ્યાણ મા સદા ચિંતિત છે. કૌશલ્યા અને અરુન્ધતી બાળકોના કલ્યાણ માટે હમેશા પરોવાયેલી રહે છે.

‘રઘુવંશ’માં માતા પૃથિવી સીતાના ત્યાગ વિશે શંકાશીલ છે. જેમ કે, -

ઇક્ષ્વાકુવંશમાં જન્મેલ આર્ય (જેવા સદાચારી) આચરણવાળો (તારો) પતિ તને એકદમ કેવી રીતે છોડી દે? એ પ્રમાણે શંકિત બનેલી માતા પૃથિવીએ તેને (સિતાને) ત્યારે પ્રવેશ ન આપ્યો.

ભારતીય સંસ્કૃતિમાં માનવીય માતાની જેમ દેવમાતા પણ પૂજનીય છે. પરબ્રહ્મ રૂપિણી જગત જનની શ્રી દુર્ગા દેવી જ વિશ્વની પરમારાધ્યા અમ્બા છે. આ જગદમ્બા સમસ્ત પ્રાણીઓના માતૃસ્વરૂપે રહેલા છે. માનવ તો શું દેવતા પણ વારંવાર તેમને નમસ્કાર કરે છે. જેમ કે,

या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता ।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

માતા કાયમ પૂજનીય હતી છે અને રહેશે જ એમાં કોઈ બે મત નથી, માતાની અવગણના ન થાય તે માટે આજનો યુવાવર્ગ થોડો ઘણો સજાગ થયો છે પરંતુ હજુ આજની માતાનાં સામાજિક દરજ્જા માટે આપણે સૌએ ખૂબ લાંબી મજલ કાપવાની બાકી છે. માતાની ઉંમર ઘરમાં દિકરાની વહુ આવી જાય છતાં જાણેકે નાની જ હોય તેમ આજની વહુ પણ પોતાનાં ધ્યવસાયિક કે નોકરીનાં કામ અર્થે બહાર નીકળે ત્યારે પોતાની મા સમાન સાસુ પર આખા ઘરનો દરેક બોજો નાંખી જ દેતી હોય છે. એવે વખતે એ ભૂલી જાય છે કે ભવિષ્યમાં તેની પણ એ જ ઉંમર આવવાની છે જે આજે એની સાસુની છે. ખરેખર જ્યાં સુધી એક સ્ત્રી સ્ત્રીનું મહત્વ નહીં સમજે ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ જ સુધાર નહીં જ આવે.

સાહિત્યનો વારસો સ્ત્રીઓ માટે જેટલો ભવ્ય છે તેટલો જ સામાજિક દ્ષ્ટિએ વધારવા માટે આપણે સૌએ ઘણી મોટી મજલ કાપવાની હજુ બાકી છે.

અસ્તુ,

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888