સંત તુલસીદાસજી ની કવિતાવલી નો રસાસ્વાદ Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંત તુલસીદાસજી ની કવિતાવલી નો રસાસ્વાદ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સંત તુલસીદાસજી ની કવિતાવલી નો રસાસ્વાદ
શબ્દો : 12952

સજેસ્ટેડ શ્રેણી : ધાર્મિક

સંત તુલસીદાસજી ની કવિતાવલી નો રસાસ્વાદ

- અર્ચના ભટ્ટ, પટેલ

અર્પણ :


દરેક જિજ્ઞાસાને જેને કંઈક પામી લેવું છે
અને દરેક શ્રધ્ધાને જેને બધે જ પહોંચી વળવું છે
દરેક એ હૃદયને જેને વહી જતાં આવડે છે

તુલસી દાસજી વિશે થોડુંક

જ્યારે જ્યારે આપણાં આઘ્યાત્મિક અને સાંસ્કતિક મૂલ્યોનો નાશ થાય છે ત્યારે તે મૂલ્યોના રક્ષણાર્થે, પુન:પ્રતિષ્ઠાર્થે બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, નાનક, કબીર, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધી જેવા મહાપુરુષો સમય સમયના અંતરે અવતરણ કરે છે, તે આપણી મોટામાં મોટી સંપત્તિ છે.

આવી જ કંઇ પરિસ્થિતિમાં તુલસીદાસજીએ ‘રામચરિત માનસ’ નામના મહાન ગ્રંથની રચના કરી. તુલસીદાસનો જન્મ વિક્રમ સંવત ૧૫૫૪ શ્રાવણ સુદ સાતમ સંઘ્યાકાળે પ્રયાગ પાસેના રાજાપુર ગામમાં થયો.

સરયૂપારી બ્રાહ્મણ પિતાશ્રી આત્મારામ દુબે અને માતા હુલસીની કૂખે આ બાળકનો મૂળ નક્ષત્રમાં જન્મ અને બાળકના મુખમાં બત્રીસે બત્રીસ દાંત જોઇને તેમના પ્રત્યે અનિષ્ટ આશંકાઓ સેવાઇ. માતાએ તેમના મૃત્યુ પહેલાં અગિયારસની રાત્રે આ બાળકને દાસી ચુનિયાને તેનું પાલન સોંપ્યું. પાંચેક વર્ષની ઉમર થઇ ત્યાં ચુનિયાનું ‘સર્પદંશ’થી મૃત્યુ થયું.

પછી આ અપશુકનિયાળ બાળકને લોકોએ ત્યજી દીધો, જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ ન્યાયે સ્વામી નરહર્યાનંદજી તેને પોતાના આશ્રમમાં લઇ ગયા, ત્યાં તેને યજ્ઞોપવીત સંસ્કાર આપી ગાયત્રી મંત્રની દીક્ષા આપી, શ્રી રામભગવાનની કથા સંભળાવી ‘તુલસીદાસ’ નામ આપ્યું. ત્યાર પછી કાશી જઇ શેષ સનાતનજી પાસે ૧૫ વર્ષ સુધી વેદશાસ્ત્રોનું અઘ્યયન- અભ્યાસ કર્યો. પછી ગામમાં પરત થયા.

દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી સાથે સંવત.૧૫૮૩ના જેઠ સુદ ૧૩ને ગુરુવારે લગ્ન થયાં. પત્ની પિયરમાં ગઇ કે તરત તેની પાછળ રત્નાવલીને મળવા ગયા. પત્ની ખૂબ ગુસ્સે થઇ અને ટોણો માર્યોકે જેટલી ચાહના આ હાડમાંસના ચામડામાં રાખો છો તેટલી પ્રીત રામમાં રાખશો તો ભવસાગર તરી જશો. આ કઠોર વાણીએ તેમના અંતરના સંસ્કારને જગાડયા. તુલસીદાસ બધું છોડી કાશી આવી રામભક્તિમાં મગ્ન થઈ ગયા. ત્યારબાદ હનુમાનજીનો સાક્ષાત્કાર થયો અને તેમની સમક્ષ શ્રી રામજીનાં દર્શનની ઇરછા પ્રગટ કરી.

ચિત્રકૂટમાં તેમની ઇચ્છા પૂરી થશે તેવા હનુમાનજીએ આશીર્વાદ આપ્યા એટલે તેઓ ચિત્રકૂટ ગયા. તેમના માર્ગમાં બે સુંદર રાજકુમારો મારતે ઘોડે જઇ રહ્યા હતા પણ તેઓ ઓળખી ન શકયા. બીજા દિવસે હનુમાનજીએ સ્વપ્નમાં આવી તેમને દર્શન કરાવવાનું વચન આપ્યું.

તુલસીદાસ રામઘાટ પર બેસી બધા યાત્રીઓને કપાળમાં ચંદનનું તિલક કરવા લાગ્યા ત્યાં શ્રી રામજીએ બાળ સ્વરૂપે આવી કહ્યું બાબા, અમને પણ ચંદનતિલક કરો. તે વખતે હનુમાનજી પોપટ બનીને બોલ્યા કે :

‘ચિત્રકૂટ કે ઘાટ પર, ભઇ સન્તન કી ભીડ
તુલસીદાસ ચંદન ધિસે, તિલક કરત રઘુવીર.’

તુલસીદાસ સમજી ગયા. દર્શન કરી ગળગળા થઇ ધન્યતા અનુભવી જીવનનો ઘ્યેય પત્નીએ કહ્યા મુજબ સાર્થક કર્યો.

ત્યાંથી પાછા કાશી આવ્યા અને પ્રહલાદ ઘાટ પર સંસ્કૃતમાં રામકથા લખવા બેઠા પણ વિચિત્રતા એ બની કે તેઓ દિવસે લખે અને રાત્રે ભુસાઇ જાય. આમ સતત સાત દિવસ સુધી ચાલ્યું. આઠમા દિવસે ભગવાન શંકર સ્વપ્નમાં આવી તેમને લોકભાષામાં લખવાનો આદેશ આપ્યો. એકદમ સ્વપ્નમાંથી જાગી જતાં શિવ-પાર્વતીનાં દર્શન થયાં અને તેમની આજ્ઞાથી સંવત ૧૬૩૧માં રામનવમીના દિને ‘રામચરિત માનસ’ લખવાનો પ્રારંભ કર્યોઅને સંવત ૧૬૩૩ માગશર સુદ પાંચમે રામવિવાહના દિવસે પૂર્ણ કર્યું.

ભગવાન મહાદેવ શ્રી કાશીવિશ્વનાથે આ ગ્રંથની ઉત્તમતા દર્શાવતાં ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ શબ્દોથી તેના પર હસ્તાક્ષર કર્યા. તુલસીદાસજીએ ભક્તિ-પ્રબંધ મહાકાવ્ય ‘રામચરિત માનસ’ ઉપરાંત મુકતક કાવ્ય-કવિતાવલી, નીતિ ભક્તિ વિષયક-દોહાવલી, ગીતિ કાવ્ય-વિનય પત્રિકા, ખંડકાવ્ય-પાર્વતી મંગલ અને જાનકી મંગલ. રામલલા નહછું, હનુમાન-બાહુંક તેમની જાણીતી રચનાઓ છે. ‘રામચરિત માનસ’ નામના મહાન ગ્રંથની રચના પાછળનો હેતુ પોતાના આત્મસુખ તથા અંતરની શોધનો હતો, પણ તેણે સમાજમાં ઘણી મોટી ક્રાંતિ સર્જી છે.

સંત તુલસીદાસજીએ ૯૧ વર્ષનું આયુષ્ય ભોગવી કાશીમાં અસીઘાટ પર ‘રામ’ મંત્રના જાપ કરતાં-કરતાં દેહત્યાગ કર્યો. એક એવી લોકવાયકા પણ છે કે તુલસીદાસજીએ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું.

મહાત્મા ગાંધીજી હંમેશાં કહેતાં ‘હું તુલસીદાસનો ભક્ત છું, જેમણે આ દુ:ખી જગતને રામાયણનો સંજીવની મંત્ર આપ્યો છે. તેઓ મારે માટે ખૂબ જ પૂજનીય છે.’

પ્રસ્તાવના :

મારી શોધ એક ભક્ત તરીકે હંમેશા ઈશ્વરપ્રાપ્તિની રહી જ છે, સાથે સાથે ઈશ્વર છે જ એનું હામી ભરે એવું તથ્ય જાણવા અવારનવાર કોઈ પુસ્તકો લાવી અને અભ્યાસ કરું, મનમાં ઘણાં તર્ક ચાલ્યાં જ કરે, પરંતુ હા - જ્યારથી સમજણી થઈ ત્યારથી મારી માતાનાં મુખે 'શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન...' સાંભળીને જ મોટી થઈ છું, ગુરુ બનાવ્યાં તો એ પણ કાયમ 'જય સીયારામ' જ બોલે આમ શ્રી રામશરણ માતા તેમજ ગુરુઆજ્ઞા બંનેમાં મળ્યું અને અધુરામાં પૂરું દિકરી પણ હનુમાન દાદાની પરમ ભક્ત, ટૂંકમાં શ્રી રામ શરણનો અનુગ્રહ હૃદયમાં ખરો...ક્યારથી એવું ક્યારેય ગણ્યું નથી અને ગણવા બેસું તે ઉચિત પણ નહીં જ. આમ જુઓ તો મહાદેવજી હંમેશા મારાં પ્રિય ભગવાન રહ્યાં છે, એક 'હી-મેન' ની ઈમેજવાળા ભગવાનને હું હૃદયથી... ખૂબ જ પ્રેમ કરું છું, એટલી હદે કે કોઈપણ મંદિરમાં જાઉં 'ॐ નમઃ શિવાય' થી આગળ મારા મુખ પર ક્યારેય કંઈ જ લાવી નથી શકી, પણ જેમ જેમ મોટાં થતાં જઈએ તેમ તેમ આપણું વાંચન વધે, સમજણ વિસ્તરતી જાય, એનો અર્થ એવો ક્યારેય નથી થતો કે એક ભગવાન પ્રિય હોય તેને છોડીને બીજાને પ્રિય કરવો, પ્રેમ હૃદયમાં વિકસી શકે પરંતુ પ્રથમ અનુગ્રહ એની જગ્યા કોઈ ક્યારેય ન લઈ શકે, પરંતુ હા બીજા ઈશ્વર પ્રત્યે આદર પણ ચોક્કસથી થઈ શકે, મહાદેવજી પહેલેથી જ ઈષ્ટ રહ્યાં છે અને કાયમ રહેશે પરંતુ જેમ જેમ રામાયણ અને રામ માટેનું તેમજ અન્ય ભગવાન માટેનું વાંચન વધતું રહ્યું છે તેમ તેમ એક અનુગ્રહ રામ માટેનો પણ સતત વધતો રહ્યો છે કે જીવન હોય તો ખરેખર રામ જેવું જ હોય.

બધાં દેવી દેવતાઓ વિશે આપણી સંસ્કૃતિમાં અને પ્રાપ્ત પુસ્તકોમાં અનેકો માન્યતાઓ રહી છે, સૌનો જાણીતો એવો દાખલો ટાંકુ તો વિષ્ણુ ભગવાન પણ દેવોને અમૃત અપાવવા છળ આદરે છે, કારણ ભલે ગમે તે હોય, અને એ જ રીતે કૃષ્ણાવતારમાં પણ કૃષ્ણભગવાને અનેકો રસ્તા અપનાવ્યા, એક દાખલો એવો આપી દીધો સમગ્ર મનુષ્યજાતને કે સત્યને જીતાડવા કોઈપણ રસ્તો લેવો પણ સત્યને વિજય અપાવવો, અને એટલે જ કદાચ તેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા, કારણ સામ, દામ, દંડ, ભેદ સઘળું તેઓને જ્ઞાત હતું, એક બસ મારાં રામનો જ દાખલો એવો છે કે શરૂઆત શૂન્યથી અને અંત પણ શૂન્યમાં, પિતાનાં ગૃહનો ત્યાગ સાધુપુરુષોની રક્ષા માટે, રાજપદનો ત્યાગ માતાનું વચન અને પિતાનાં વરદાનની રક્ષા માટે, પત્ની નો ત્યાગ પ્રજાનાં તર્કની રક્ષા માટે અને જ્યારે સઘળું પાછું ભેળવવાનો વખત હતો ત્યારે પત્ની ચાલી ગઈ ભલેને બધું જ આ અવતારને ન્યાય આપવા પૂર્વનિર્ધારિત હતું તેમ છતાંય પણ અંતે શું ? હાથમાં દેખીતું કંઈ જ નહીં બસ માત્ર પોતાની ફરજ પોતાની જ મર્યાદામાં રહીને નિભાવ્યોનો સંતોષ અને એટલે જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, મનુષ્યજીવનને લગતી તમામ દુષ્કર પરિસ્થિતિઓમાંથી પસાર પસાર થયાં અને હરફ માત્ર નહીં, ભલા ભગવાન તેં કંઈ એમનેમ બનાતું હશે ?


રામને મારે ઓળખવાની યાત્રામાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી એમાં ઘણાં વ્યક્તિઓનો ફાળો છે, એક મારા ગુરુ કે જેઓએ પ્રસિધ્ધિ અને બદનામી બંને જ પોતાનાં જીવનનાં ભાગરૂપે ભોગવી ચૂક્યાં છે, તેઓ કહેતાં કે વાંચવું હોય તો રામાયણ વાંચવું, આ સિવાયની અન્ય કોઈ વાત મને સ્મરણ છે ત્યાં સુધી એમણે મને સતત ટકોર કરીને કહી જ નહીં હોય, ત્યાંથી જ શરૂ થાય છે કે રામાયણ... ઓ બાપરે કેટલું મોટું પુસ્તક કેમનું વંચાશે ? એક ભીષ્મ પ્રશ્ન, એકવાર ટીવો ચેનલ ફેરવતાં ફેરવતાં મોરારીબાપુની કથા સાંભળેલી, બસ ત્યારથી શ્રી રામને ઓળખવાની મારી સફર શરુ થઈ અને હજુ ઈશ્વરકૃપાથી જેટલું વધુ ચાલી શકાય આ સફરમાં બસ ચાલવું જ છે.


શ્રી રામ ને ઓળખવાની આ સફર શરુ થઈ છૈ ત્યારથી રામને લગતું સાહિત્ય જ્યાં પણ નજરે ચડે બસ ખરીદવું અભ્યાસ કરવો અને હા તર્ક પણ કરવો દરેક સાહિત્ય પર એ જ રૂટિન જ છે, મોરાલીબાપુનાં રામ સાહિત્યનાં પુસ્તકોથી શરૂ કરીને વાલ્મિકી રામાયણ સુધી અને સંત શ્રી તુલસીદાસજી કૃત રામચરિત માનસનાં સંક્ષિપ્ત અનુવાદથી લઈને તેની બૃહદ ટીકા સુધીનાં પુસ્તકો વાંચી નાંખ્યા અને તોય હજુ જાણે કંઈ કેટલુંય જાણી લેવાનું બાકી જ છે. શ્રી રામને ઓળખવાની આ યાત્રામાં તુલસીદાસજીને પણ પોતાની રગ સુધી પહોંચાડી શક્યાનો હરખ કંઈ જેવો તેવો તો નથી જ હોં.જૂના પુસ્તકો ખરીદવાના શોખમાં એક પુસ્તક હાથ લાગ્યું 'શ્રી સુધાકર પાંડેયજી' નાં હાથે સંપાદન થયેલું 'લોકભારતી પ્રકાશનનું' 'તુલસીદાસજી કૃત કવિતાવલી' પછી તો કવિતાવલી નાં ટાઈટલ વાળું ગીતાપ્રેસ ગોરખપુરનું પુષ્તક પણ બહુ આસાનીથી શોધી શકાયું, બંને પુસ્તકોમાં લગભગ સરખી જ માહિતી છે, સરળ ભાવાર્થ કરેલાં કવિતવલીનાં લગભગ પ્રાપ્ય એવાં દરેક પદોને આવરી લેવાયા છે. ત્યારબાદ શરુ થઈ તુલસીદાસજીનાં અન્ય સાહિત્ય કે જે સામાન્ય રીતે ઈન્ટરનેટ પર પણ વિગતો પ્રાપ્ય છે જ એમાં દોહાવલી, કવિતા રામાયણ, કવિતાવલી, રામચરિત માનસ, રામલલાનહછૂ, પાર્વતીમંગલ, જાનકીમંગલ, બરવૈ રામાયણ, રામાજ્ઞા, વિનય - પત્રિકા, વૈરાગ્ય સંદીપની, કૃષ્ણ ગીતાવલી, રામસતસઈ, સંકટમોચન, હનુમાનબાહુક, રામનામ મણિ, કોષમંજૂષા, રામશલાકા, હનુમાન ચાલીસા વગેરે ગ્રંથોની વિગતો પણ મળી જ આવી છે પરંતુ તેમ છતાંય હૃદયને જે સ્પર્શ્યું તે જ ખરું એ ન્યાયે જ આ પુસ્તક આજે તૈયાર થઈ શક્યું છે, આજે આપ સૌનાં હાથમાં જે અત્યારે પુસ્તક સ્વરૂપે આવી રહ્યું છે તે પણ મારાં હૃદયે શ્રી રામ માટે અનુભવેલી અને ક્યાંક ટાંકેલાં દ્રષ્ટાંતો માં ભારી વિચારધારા પણ વ્યક્ત થઈ છે, તુલસીદાસજીનાં કવિતાવલીનાં પદો ને આધીન મને એમાં જીવનનાં સર્વ રસ મારી નજરે દેખાયાં છે, અને જે મારી નજરમાં આવ્યું તે જ આજે આપ સૌ સમક્ષ મૂકવાનો મારો પ્રયાસ છે.

હવે વાત આવે છે રસ ની, રસનો સર્વ સામાન્ય એવો અર્થ જોઈએ તો રસ એટલે સાર, જે તે પદાર્થમાં રહેલ તરલ અને દ્વ એટલે કે રેલાઈ શકે તેવું તત્વ એટલે સાર, કે જેને આપણે સૌ રસ તરીકે ઓળખીએ છીએ. કટુ, અમ્લ, મધુર, લવણ, તિક્ત, અને કષાય એમ આ છ રસો સ્વાદેન્દ્રિયનાં પોષક છે, આ છ એ છ રસ રસનાં ભૌતિક સ્વરૂપને પ્રગટ કરે છે, પરંતુ અહીં આપણે વાત કરીશું એ રસની કે જેને મન સાથે સીધો સંબંધ છે, જેનો અનુભવ માત્ર અને માત્ર મન દ્વારા જ થઈ શકે, એવા રસની અહીં આપણે વાત કરીશું.રસ અંગે કાવ્યશાસ્ત્રમાં કહ્યું છે કે:


" શ્રૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનકાઃ
બીભત્સાદ્દભૂત્ત સંજ્ઞો ચેતવ્યૈ રસાસ્મૃતાઃ||"

અર્થાત્
શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્દભૂત્ત એમ આઠ પ્રકારનાં જ રસ છે અને આ આઠ રસમાં નવમા રસ તરીકે શાંત રસને પણ સાહિત્યિક દ્રષ્ટિએ સ્થાન આપવામાં આવ્યું છે અને સાથે સાથે દસમા રસ તરીકે વાત્સલ્યનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે, કોઈપણ કાવ્ય કે અન્ય કોઈપણ સાહિત્યપ્રકાર હોય તેનો આત્મા તેનાં રસમાં રહેલો હોય છે, "વાક્યમ્ રસાત્માકમ્ કાવ્યમ્". ભર્તુહરિએ નીતિશતકનાં 21મા શ્લોકમાં 'રસ' નાં સંદર્ભે ખૂબ માર્મિક વાત કરી છે, અને કહે છે કે

'નવરસરુચિરાં નિર્મિતિમાધ્ધતી ભારતી કર્વેજયતિ:'


અર્થાત્ જે કવિ અને સાહિત્ય નવરસ પર પ્રભુત્વ ધરાવે છે તે હંમેશા અમરત્વને પ્રાપ્ત કરે છે. શ્રી તુલસીદાસજીએ નવે નવ રસોને છે રીતે કવિતાવલીમાં આવરી લીધાં છે આપણને એમ થાય કે ખરેખર અત્યારે સાહિત્યનાં અગાધ સીમાડાઓ છે જ છતાં આને આંબી શકે એવું સાહિત્ય જવલ્લે જ જોવા મળે. તુલસીદાસજીની કવિતાવલીમાં પાશ્વાત્ય કે પ્રાચીન સાહિત્યનાં છંદોનું વૈવિધ્ય પણ અનોખું જ છે અને પ્રશંસનીય પણ છે જ પરંતુ સ્વમુખે પ્રશંસનીય કહીશ તો ઘણું ઓછું કહેવાશે, કારણ એના માટે સારી ભાષામાં કહું તો મારો પનો ખૂબ ટૂંકો પડે, પરંતુ હા હૃદયને જે અનુભવાયું તે સર્વ અહીં નવે નવ રસનાં રસાસ્વાદ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે, કવિતાવલીનાં પ્રત્યેક પદમાં કોઈને કોઈ રસ નિરૂપાયેલો જ છે અને અહીં દરેક રસ પોતપોતાનો નોખો જ વૈભવ ધરાવે છે, આ રસનો આસ્વાદ મારાં આવડતાં શબ્દોમાં અને સાહિત્યિક ની સાથે સાથે વ્યવહારિક મનોજગતનો સમન્વય સાધીને કરવાનો પ્રયત્ન કર્યો છે, આપણાં મતે કદાચ આદરેક જુદા જુદા રસ હોઈ શકે પરંતુ તુલસીદાસજીએકવિતાવલીનાં સર્જન વખતે એક અલગ જ ભાવ રસ વિશ્વ સર્જ્યુ છે જેને ક્યાંય ક્ષતિ ન પહોંચે તેની કાળજી સંપૂર્ણપણેલઈને આ પદોને આત્મસાત કરવાનો મારો પ્રયત્ન છે, ખૂબ ચાવી ચાવીને હૃદયથી વાગોળીને આજે આ પુષ્તકનો ઘાટ ઘડાયો છે, આશા છે કે સૌ વાચકગણનાં હૃદયને પણ એ શાતા આપશે જ, અને હા આ માત્ર શરુઆત જ છે,


અસ્તુ,


- અર્ચના ભટ્ટ, પટેલ

ૠણ સ્વીકાર


પુસ્તક આજે જ્યારે આપ સૌનાં હાથ સુધી પહોંચવાની મારી યાત્રા સફળ ઊતરી જ છે એમાં કોઈ એક નહીં પરંતુ ઘણાં લોકોની પ્રેરણા, પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર અને અનેકો આશિર્વાદ નો ફાળો કંઈ જેવોતેવો તો નથી જ હોં એ સૌ કોઈનો મારે અહીં આભાર માનવો ઘટે.


સૌ પ્રથમ મારી મા કે જેના થકી આ દુનિયાને જોવાનો, જાણવાનો અધિકાર પ્રાપ્ત થયો, માતા - પિતા અને ભાઈ સાથેનાં લાડ પ્રેમમાં મારું પોતાનું શાળાજીવન અને કૉલેજજીવન ખૂબ જ પ્રેમભર્યુ અને સાહિત્યિક રહ્યું, મમ્મીનો લખવાનો ગુણ ઘણી જગ્યાએ કામમાં આવ્યો તો પપ્પાનો અભિનયનો ગુણ જે તે બાબતને પોતાની રીતે પોતાની નજરથી મૂલવી જોવામાં કામ લાગ્યો, જ્યાં પણ હતાશ થઈ જાઉં ત્યાં ભાઈનો પ્રેમ મને ફરી ઊભી કરી દેતો આમ જીવનમાં આગળ વધવાની ખરી પ્રેરણા અને હૂંફ સૌ પ્રથમ મારાં પોતાનાં ઘરથી જ મને મળી છે એ બદલ એ લોકોનું ૠણ માનું એટલું ઓછું છે.

કૉલેજમાં ઘણુંખરું જીવતા શીખી, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મો તે મારો મુખ્ય વિષય હતો પરંતુ સંજોગવશાત ગ્રેજ્યુએશનથી વધુ એ જ દિશામાં આગળ ન વધી શકાયું પરંતુ જીવ મૂળે ધર્મ પ્રત્યે કોઈક ને કોઈક રીતે બંધાયેલો જ રહ્યો એ બદલ મારામાં જે કંઈ ધાર્મિક સંસ્કારોનું સિંચન હજુ સુધી યથાવત રહ્યું તેવાં સ્વ. ડૉ. ચીનુભાઈ નાયક અમે સૌ એમને ચીનુકાકા કહીએ કે જેઓએ મને કોલેજમાં ભણાવી, અને મારામાં હજુ સુધી સતત સાથે છે એવાં સંસ્કારોનું યોગ્ય સિંચન કર્યું તે બદલ તેમનો પણ ખૂબ ઘણો આભાર માનવો પણ મારાં હૃદય માટે અત્યંત આવશ્યક છે.

રામાયણ કે રામનાં જીવન ચરિત્ર પ્રત્યે અનુકંપા કરાવનાર મારાં ગુરૂમિત્રનો શ્રી દેવદત્ત બાપુનો પણ લાખ કોટિ આભાર કારણ તેમનાં જય સીયારામ અને એકવાર જીવનમાં રામાયણ વાંચજો એવું વિધાન કોઈક ૠણાનુબંધને લીધે હું આત્મસાત કરી શકી, તેઓ અત્યારે ભલે અહીં સાથે નથી પરંતુ રામચરિત માનસથી શરૂ કરેલી મારી યાત્રા કવિતાવલી સુધી પહોંચી શકી તેમાં ક્યાંક ને ક્યાંક એમનું કહેલું રામાયણ એકવાર વાંચજો નું સૂચન પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ ખૂબ અગત્યતા રાખે છે એ બદલ એમનો પણ લાખકોટિ આભાર.

પરણ્યાં પછી સાસરે આવીને સાસરિયામાં યોગ્ય વાતાવરણ કે જે આપણને અનુસરે અને આપણો શોખ સંતોષાય એવું સારું ઘર અને માહોલ બદલ મારાં સ્વર્ગસ્થ સાસુસસરા નો પણ વંદન સહ આભાર માનવો ઘટે. શૈલેન પણ સતત મને અનુકૂળ રહ્યા છે આ સાથે મારાં ઘરની દરેક વ્યક્તિ મને ઘણી અનુકૂળ થઈ છે ખાસ કરીને મારી દિકરી, હું જે કંઈ લખું તે બધું જ તેનાં વાંચવામાંથી જ પસાર થાય અને એનો રાજીપો એની કાલીઘેલી લાડકી ભાષામાં 'મમ્મા બહુ ફાઈન લખ્યું' નો ઉત્સાહ તે બદલ મારી દિકરી ઉપરાંત ઘરની દરેક વ્યક્તિનો પણ હૃદયથી આભાર.

મારા મામા કે જેઓએ આ પુસ્તકમાં મારો સર્જક પરિચય આપ્યો છે, તેમનો પણ હૃદયથી ખૂબ ઘણો આભાર કારણ મારું કામ કેટલે પહોંચ્યું ની સવિશેષ કાળજી મારી મા પછી છો કોઈએ રાખી હોય તો તેઓ જ છે અને મારું બાળપણ મારાં કુટુંબ કરતાં પણ તેમનાં હાથમાં વધુ વીત્યુ છે એ દ્રષ્ટિએ પણ મારાં અડધા ઉપરનાં સ્વભાવનું અને મારી સફળતાનું શ્રેય એમને પણ જાય.

દરેક જણની મા આવી જ હોય, પણ તોય મારી મા થોડીક વધુ ચડિયાતી એમ હું માનું જ છું અને માનતી રસીશ એમાં કોઈ મીનમેખ નથી, મારા દરેક સાહિત્યિક પ્રવાસનાં ખરેખરા દોડા એણે જ પૂરા કર્યા છે, મા નાં દોડા હું તો નથી કરી શકી પરંતુ હજુ સુધીનાં દરેક દોડા એણે જ પૂરાં કર્યા છે એ બદલ એનો પણ લાખ કોટિ વંદન સહ આભાર.

દિનેશદેસાઈ, હું ખૂબ નાની હતી ત્યારથી એમને ઓળખું, મારો મોટો ભાઈ જ જાણે, આજે મારા પુસ્તકમાં આવકાર લખી આપે છે એ સમયે એનો પણ ખૂબ જ અંતરથી આભાર માનું છું.

સાકેતદવે, હું નાની નાની કવિતાઓ શીખી ત્યારથી એમને સૌપ્રથમ પૂછેલું કે કવિતાઓની ડિજીટલ સ્લાઈડ્સ કેવી રીતે બનાવાય, અને એમણે શીખવેલું પણ ખરું, કોઈ પંક્તિઓ અમારી એક સરખી બની જાય ત્યારે એમ કહું કે નક્કી કોઈ ૠણાનુબંધ, એ ૠણાનુબંધ જ્યારે મારાં મમ્મી પપ્પા એમને મળવા ગયા ત્યારે આંખ સામે આવ્યો, ગુરુશિષ્યનો સંબંધ, હા વાત કરું છું અમિત દવે અંકલની કે જેઓ મારા પપ્પાનાં કૉલેજનાં પ્રોફેસર થાય અને સાકેતભાઈનાં પપ્પા, અને એમણે મારા ત્રણે ત્રણ પુસ્તકનું પ્રુફરીડીંગ કરી આપ્યું, મારી અને મુદ્રણની બધી ભૂલોને સુધારવી એય એક મોટું જ કામ છે હોં,એ વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર.

આ ઉપરાંત ગુર્જર સાહિત્ય પ્રકાશનનાં સર્વ સ્ટાફ અને ખાસકરીને પ્રકાશભાઈ શાહ કે જેમણે અંગત રસ લઈને મારા પુસ્તકને આટલું સરસ રૂપ આપ્યું, કવરપેજ પણ ઊડીને આંખે વળગે તેવું અને તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર.

સૌ વાચકોનો પણ એટલોજ આભાર માનવો ઘટે કે જેઓએ મારી નાની નાની કૉલમ કે નાનકડા લેખ ને બિરદાવ્યા હોય અને પરિણામ સ્વરૂપ અહીં હું પુસ્તકનું સાહસ કરી શકી.

અને ખરેખર જો કોઈ અત્યારે ચૂકી જવાયું હોય તો તેમનો પણ ક્ષમા સાથે ખરા હૃદયથી આભાર.

અસ્તુ,

પ્રકરણ : 1

કવિતાવલી

મધ્યકાલ નાં મનુષ્યોની ધર્મ પરની આસ્થા ખૂબ પ્રગાઢ હતી, ધર્મ ને જ જીવનની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવતો હતો. કવિતાવલીનાં ઘણાં જૂની એવી હસ્તપ્રતોમાં કવિત - રામાયણ અને કવિતાવલી રામાયણ એવી સંજ્ઞા પણ આપવામાં આવે છે, કવિતાવલીમાં ઘણાં એવાં છંદ પણ છે જેને રામચરિત માનસનાં કથાપ્રવાહમાં પણ જોડી દઈ શકાય એવાં છે, એટલે કવિતાવલીની સ્વતંત્ર રચના બાબતે પણ એવું અનુમાન છે કે રામચરિત માનસનાં અંશ રૂપે જ આને પ્રગટ કરવામાં આવી હોય, અને પછી એનાં પદોની શૈલીને લઈને પાછી રામચરિત માનસથી અલગ તારવવામાં આવી હોય. સત્ય તો એ છે કે કે તુલસીદાસજીને રામચરિત્રનાં એવાં રૂપો પ્રિય હતાંજે શીલ અને સૌંદર્યની સાથે સાથે એમની લોકરક્ષક અનંત શક્તિ નાં પ્રમાણરૂપ હતાં, અને કવિતાવલીનાં પદો છે તે ભગવાન શ્રી રામની ચરિત્રની સમય સમય પરની ઘટનાઓ પર સ્વંયમ સ્ફુરણાથી લખાયેલાં સ્વતંત્ર મુક્તકો જ છે.


કવિતાવલીની એક પણ પ્રત સંત શ્રી તુલસીદાસજીનાં હાથે લખાયેલ હસ્તપ્રતનાં સ્વરૂપમાં નથી જ મળી પરંતુ તેમ છતાં દરેક પદો રામચરિત માનસના સપ્ત સોપાન પર જ આધારિત છે, અને એમાં રામકથાનો ક્રમ વ્યવસ્થિત રીતે જળવાયો છે. કવિતાવલીમાં કુલ 425 પદો છે જેમાં રામચરિત માનસનાં સાતે સાત કાંડ અને એ ઉપરાંત ભગવાન નાં જુદા જુદા અવતારોમાં નૃસિંહ અવતારની પણ વાત આવે છે હિરણ્યકશ્યપ જ્યારે ભક્ત પ્રહલાદને પૂછે છે કેબતાવ આ થાંભલામાં તારો રામ ક્યાં છે અને નૃસિંહ અવતારનું અવતરણ તેમજ કૃષ્ણાવતારની વાતમાં કંસનો પ્રકોપ, ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પણ એમાં વર્ણવાયો છે, આ ઉપરાંત ગંગા મહાત્મ્ય, અન્નપૂર્ણા મહાત્મ્ય, શંકર સ્તવનના પદો પણ કવિતાવલીમાં આવરી લેવાયા છે.
કવિતાવલીમાં સંતતુલસીદાસજીએ એક નોખું જ ભાવવિશ્વ ઊભું કર્યું છે જેમાં એમની શ્રી રામ પ્રત્યેની અનન્ય પ્રીતિ સ્પષ્ટ દેખાઈ આવે છે, અત્યારે જોવા પણ ન મળે એટલું છંદ વૈવિધ્ય પણ એમાં છે જ, અને દરેક પદમાંથી એક નવો જ રસ પ્રગટ થાય છે અહીં એનું યથાયોગ્ય વર્ગીકરણ કરીને તેનો આસ્વાદ કરવા પ્રયત્ન કર્યો છે, સાહિત્યની દ્રષ્ટિએ જે આઠ રસ બતાવવામાં આવ્યા છે તેમાં

1.
શૃંગાર રસ2.
હાસ્ય રસ
3. કરુણ રસ4.
વીર રસ5.
અદ્દભૂત્ત રસ6.
રૌદ્ર રસ7.
ભયાનક રસ8.
બીભત્સ રસ
આ ઉપરાંત 9.
શાંત અને 10.
વાત્સલ્યનાં ભાવોને પણ દસમા રસ તરીકે સ્થાન આપીને કવિતાવલીનાં અમુક અમુક છતાં યથાયોગ્ય એટલાં પદોને લઈને રસાસ્વાદ કરવાનો પ્રયત્ન અહીં થયો છે.

પ્રકરણ : 2

શૃંગાર રસ

સાહિત્યની દ્રષ્ટિએ દરેક રસમાં શૃંગાર રસને સૌથી પ્રધાન રસ ગણવામાં આવે છે, કારણ કોઈ પણ ભાવ રસની સાથે જ્યારે શૃંગાર ભળે છે તેનો વૈભવ વધી જાય છે, જેભ ભગવાન શ્રીકૃષ્ણનાં મુગટની શોભા મોરપિચ્છથી અને ભગવાન શ્રીરામનાં બાહુની શોભા દિવ્યાયુધ થી છે તેમ જ સાહિત્યજગતમાં દરેક ભાવની શોભા તેમાં રહેલાં ભાષા શૃંગારથી જ છે.

અહીં કવિતાવલીમાં લગભગ બધાજ પદોમાં શૃંગાર રસ છે એમ કહીએ તો ચાલે કારણ દરેક પદ મનમોહક રીતે વર્ણવાયું છે, પરંતુ અહીં આપણે વાત કરીશું શૃંગાર માં પણ વિવિધતાની, કેવી વિવિધતા કે શૃંગાર રસને તમે જે રસ કે જે ભાવના સાથે ઢાળો તે પોતે એક નવો જ શૃંગાર બનીને ઉપસી આવે છે. અહીં દરેક પદોને ચકાસતા સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અહીં શૃંગાર રસ ત્રણ રીતે ધ્યક્ત થયો છે. જેને હું ત્રણ ભાવશૃંગાર જ કહીશ.

1.
વાત્સલ્ય શૃંગાર 2.
સંયોગ શૃંગાર3.
વિયોગ શૃંગાર

હવે એનાં ઉદાહરણો તપાસીએ.

1. વાત્સલ્ય શૃંગાર :

આપણાં સાહિત્યપ્રકારોમાં કે વાત્સલ્યને એક અલગ રસ તરીકે સ્થાન મળ્યું છે, પરંતુ અહીં તુલસીદાસજીએ શૃંગારનાં માધ્યમથી વાત્સલ્યને એક નોખી જ વાચા આપી છે.

" અવધેશ કે દ્વારે સકારે ગઈ સુત ગોદ કે ભૂપતિ લૈ નિકસૈ,
અવલૌકિ હૌં સોચ વિમોચનકો ઠગી - સી રહી, જે ન ઠગે ધિક - સે.
તુલસી મન - રંજન રંજિત - અંજન નૈન સુખંજન - જાતક - સે,
સજની સસિ મેં સમસીલ ઉભૈ નવનીલ સરોરુહ - સે બિકસે."(
કવિતાવલી બાલકાન્ડ , પદ 1)


અનુવાદ :


એક સખી પોતાની બીજી સખીને કહે છે, : "હે સખી, જ્યારે મારાં કોઈ કાર્ય અર્થે મહારાજ દશરથનાં દ્વારે હું ગઈ, એ સમયે મહારાજ દશરથ જે બાળકને એનાં હાથમાં લઈને આવ્યાં તે બાળકને જોઈને હું તો ઠગાઈ જ ગઈ, જાણે મારું સર્વ એ બાળકે હરી લીધું, એનાં રૂપને જોઈને જો કોઈ મોહિત ન થાય તો તે ખરેખર ધૃણાને પાત્ર છે, આ બાળક એ એવું બાળક છે જેણે આંખો આંજી છે પરંતુ એ આંજણ નહીં ખંજન પક્ષીની આંખ હોય એવું લાગે, અને એ આંખો જાણે ચંદ્રમાની અંદર બે નીલકમળ ઉગ્યાં હોય તેવી લાગે."


આસ્વાદ :

કોઈપણ બાળકને આપણે પણ જોઈએ તો તેડીને રમાડવાનું મન થાય, એનાથીય આગળ વધીએ તો કદાચ બથમાં લઈને એનાં પર થોડાં ચુંબનો ઢોળી દઈએ, પરંતુ અહીં કેવી સુંદર કલ્પના! તમે પણ પોતાની જાતને અત્યારે પ્રશ્ન કર્યા વગર નહીં જ રહો, ખરેખર આપણાં પોતાનાં બાળકને પણ આપણે મારો દિકરો કે મારો વ્હાલો કે મારો બચુડો કહી ઊંચકી લીધું હશે કારણ આપણાં બાળક માટે આપણો વાત્સલ્યભાવ હોય તે કુદરતી મનોદશા છે પરંતુ ક્યારેય એનાં રૂપને શૃંગારિક રીતે વિચારી શક્યાં છીએ ખરા ? જવાબ ચોક્કસ થી 'ના' માં જ આવશે.
અહીં તો આ સખી કહે છે કે એનું મુખ કેવું છે ? તો કહે છે કે ચંદ્રમાની અંદર જાણે બે નીલકમળ ઊગ્યાં હોય; આંખોનું અંજન કર્યા પછી તે આંખો કેવી દેખાય તો કહે કે ખંજન પક્ષીની આંખ, ઊંડી અને વિશાળ, એ આંખોમાં કવિને એવી તે કેવી ગહેરાઈનાં દર્શન થયાં હશે કે જે રૂપ કદાચ માતા કૌશલ્યાની આંખો પણ નથી જોઈ શકી તે મુખાકૃતિ અહીં તુલસીદાસજીને દર્શન થઈ રહી છે, કેટલો બધો પ્રેમ અને આ પ્રેમને તુલસીદાસજીનો ગોપીભાવ નહીં તો બીજું શું કહેવું ? પાછાં કહે છે કે જોતાવેંત જ ઠગાઈ જવાય, જેનું ચિત્ત આ બાળકને જોઈને હરાય નહીં તે ખરેખર ધિક્કારને પાત્ર છે, આવું બોલતી આ સખીનું હૃદય આ બાળકપર કેટલું ઓળઘોળ થઈ રહ્યું હશે એ વાત સ્પષ્ટ થવાની સાથે સાથે અહીં કવિની વાત્સલ્ય પ્રત્યેનો સર્જનશીલતા પણ સ્પષ્ટ નિખરી આવે છે.
આવું કદાચ ઈશ્વરોમાં જ શક્ય હશે, યશોદાને પણ બાળકૃષ્ણનાં મુખમાં ચૌદ ભુવન અને ત્રણેય લોક દેખાઈ ગયા હતા, હા એક વાત નકારી તો ન જ શકાય કે બાળકને જોતાવેંત જ આપણાં સર્વ દુખને આપણે બે પળ પૂરતાં ભૂલી જ જતાં હોઈએ છીએ તો પછી આ તો ઈશ્વરની બાળલીલા નાં દર્શન, સઘળું શક્ય છે, અને એવાં દર્શન તુલસીદાસજી આપણને પણ આ પદમાં કરાવવામાં સંપૂર્ણ પણે સફળ જ નીવડ્યા છે, આ પદ વાંચતા કે સાંભળતા આપણાં મનોજગત ઉપર પણ બાળરામની છબિ ઉપસ્યા વગર રહેતી નથી જ.

2. સંયોગ શૃંગાર :

ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ અજાણી વ્યક્તિ આપણાં હૃદયમાં ઘર કરી જાય, તેની સાથેનાં સંયોગનાં મીઠાં સ્વપ્ન આપણને પણ આવવા લાગે, અહીં વાત છે રામચંદ્રજી જ્યારે જનકપુરી આવે છે અને સીતાજીનો તેમની સાથેનો વિવાહ સંપન્ન થાય છે એ વખતની સીતાજીની મનઃસ્થિતિને કવિએ કંઇક આ રીતે આલેખી છે.

" દૂલહ શ્રી રઘુનાથુ બને દૂલહી સિય સુંદર મંદિર માહીં,
ગાવતી ગીત સબૈ મિલિ સંદરિ બેદ જુવાજુરિ બિપ્ર પઢાહીં.
રામ કો રૂપુ નિહારતિ જાનકી કંકન કે નગ કી પરછાહીં,
યાતેં સબૈ સુધિ ભૂલિ ગઈ કરિ ટેક રહી પલ ટારત નાહીં."
( કવિતાવલી બાલકાન્ડ પદ 17 )

અનુવાદ :

વિવાહ સંપન્ન થયાં પછી જ્યારે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાન શ્રી રામને તથા શ્રી જાનકીજીને સજાવીને સુંદર મંદિર સમા ભવનમાં લાવ્યાં, ત્યારે સ્ત્રીઓ મંગલાચરણ ગાય છે, બ્રાહ્મણો દ્વારા વેદગાન થઈ રહ્યું છે, અને એ સમયે શીષ નમાવીને બેઠેલાં શ્રી સીતાજીને એમનાં કંકણનાં નંગમાં શ્રી રામચંદ્રજીની છબિ દેખાય છે અને તેમાં તેઓ ખોવાઈ જાય છે.

આસ્વાદ :

કેવી અદ્દભૂત્ત કલ્પના ! અને છતાં કેટલી સાત્વિક રજૂઆત, આપણને આ વર્ણન હૃદયને એટલું અડે કે વાચ્યમાંથી દ્રશ્યશ્રાવ્યનાં ભ્રમ માંહી લઈ જાય. બ્રાહ્મણો દ્વારા થતું વેદગાન અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ગવાઈ રહેલું મંગલાચરણ.... અહીં માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ સૌભાગ્યવતી સ્ત્રીઓ એમ સુંદર શબ્દો દ્વારા તેઓનાં સૌભાગ્યવંતા રૂપની વાત આલેખી છે, ઉપરાંત આ મંગલાચરણ અને વેદગાન શબ્દો દ્વારા આપણાં કાનમાં પણ શરણાઈનાં સૂર અને મંત્રોચ્ચારનો ધ્વનિ પડઘાવા માટે પૂરતાં પ્રતિકાત્મક છે. સાથે સાથે સીતાજીને નવોઢાનાં વેશમાં શીશ નમાવેલાં બેસેલાં બતાવીને કવિ એક નવોઢાનાં હૃદયનું ચિત્ર પણ આપણાં મનોમસ્તિષ્ક ઉપર ઉપસાવે છે. મનમાં ને મનમાં ઉત્તમ પુરુષને પોતાનાં પતિ તરીકે મેળવવાનું ગૌરવ, પતિ મિલનની ઉત્કંઠા અને નવા સંસારનાં ડગ ભરતા ઉઠેલ મીઠી અસમંજસમાં શ્રી સીતાજી પોતાનું શીશ નમાવીને બેઠાં હશે તેવી કલ્પના તરત જ થઈ આવે, સાથે સાથે સ્ત્રી સહજ શરમનાં પ્રતિકરૂપે પોતાની બંગડીમાં જોવું અને કંકણમાં જે રત્નો જડેલાં હોય તેમાં પોતાનાં પતિની છબી નીરખવી, અહીં સીતાજીનાં હૃદયમાં છાની છાની ઉઠતી સંયોગની ઊર્મિઓને કવિએ ખૂબ ઝીણવટથી અને સાત્વિક રીતે રજૂ કરી છે. ક્યાંય આછકલાઈ નહીં અને ખૂબ જ સાત્વિક ભાષામાં શૃંગારિક રીતે સંયોગની અનુભૂતિ.

અત્યારની નવોઢાને પણ આ બધાં જ સ્વપ્ન - વિચારો, આ જ મનોભાવોની દશા આવતી જ હશે, પરંતુ એ સમયની મર્યાદામાં રહીને લગ્નપછીની ઘડીઓમાં એક સ્ત્રીની મનોદશા મીઠી મૂંઝવણનું નિરૂપણ કવિએ ખૂબ સચોટ અને છતાં મનોહર રીતે કર્યું છે.

3. વિયોગ શૃંગાર :

તમને પ્રશ્ન થશે કે વિયોગ અને એ પણ શૃંગાર ? વિયોગ એટલો ભવ્ય કેવી રીતે હોઈ શકે ? પણ હા વિયોગની ભવ્યતા પણ અહીં ખૂબ સરસ રીતે વર્ણવાઈ છે, તુલસીદાસજીએ માત્ર રામને અનુલક્ષીને જ નહીં પરંતુ કૃષ્ણને અનુલક્ષીને પણ કેટલાંક પદોની રચના કરી છે જેમાં એક પ્રસંગ કે જેમાં ઓધવજીનો ગોપીઓ સાથેનો સંવાદ એક પદમાં તુલસીદાસજીએ છંદબધ્ધ કર્યો છેજેમાં વિયોગની શૃંગારિતા પણ ખૂબ સહજ રીતે વ્યક્ત થઈ છે.

" જોગ કથા પઠઈ બ્રજ કો, સબ સો સઠ ચેરી કી ચાલ ચાલાકી,
ઉધૌજૂ ક્યોં ન કહે કુબરી, જો બરી નરનાગર હેરી હલાકી.
જાહિ લગૈ પરિ જાને સોઈ, તુલસી સો સોહાગિની નંદલાલકી,
જાની હૈ જાનપની હરિ કી, અબ બાંધયેગી કછુ મોટિ કલા કી."
( કવિતાવલી, ઉત્તરકાંડ પદ - 134 )

અનુવાદ :


ઉધ્ધવજી ગોપીઓ પાસે કાનાનો સંદેશ લઈને આવ્યા છે તેનાં પ્રત્યુત્તરમાં ગોપીઓ પોતાનો રોષ ઠાલવતાં કહે છે : 'હે ઉધ્ધવજી ! તમને વ્રજમાંજે યોગ શીખવવાનો સંદેશ આપીને કાનાએ મોકલ્યાં છે, એમાં નક્કી ઓલી ધૃષ્ટ દાસી કુબ્જાની જ ધૂર્તતા છે, એણે અમારાં ઘાતક એવાં કૃષ્ણને પોતાનાં વશમાં કરી લીધાં છે, એનું તો આજે મિલન થયું છે કાના સાથે, એ શું જાણે અમારા વિરહની વાત ? એ આજે કૃષ્ણની સોહાગણ બની છે એ અમારી પીડા શું સમજશે ? હવે અમને પણ કાનાની ચતુરાઈ સમજમાં આવે છે, એને ખૂંધ નીકળેલી જ ગમતી હતી તો અમે પણ પીઠ પર પોટલાં બાંધીને ફરત એમાં અમને છોડીને જવાની શું જરૂર હતી ?'

આસ્વાદ :


"ઘાતક" શબ્દ અહીં મનને હરનાર એવાં સંદર્ભમાં હોવો જોઈએ એવું માની શકાય, અહીં રોષ પ્રગટ કરતી વખતે પણ કવિ શૃંગારરસ થી સ્હેજ પણ અળગા નથી થયાં, વિરહની વેદના જરૂર છે પણ એમાંય નરી શૃંગારિતા, એટલી હદ સુધી કે કૂરૂપતાનું વર્ણન પણ ખૂબ જ સુંદરતાથી થયું છે.


ગોપીઓ કાનાનું વ્રજ છોડીને મથુરા જવું અને જઈને ત્યાં જ રોકાઈ જવું સ્હેજ સહન કરી જ નથી શકી, કાના વિનાના જીવનની એ લોકોને કોઈ કલ્પના જ નથી થઈ શકતી, એમનાં વિરહની વેદના અત્યંત છે, પરંતુ તેમ છતાં પોતાનો કાનો પોતાનો જ છે તેમ માનીને રોષ પણ આકરા વેણમાં પ્રગટ નથી કરી શકતી, ઉધ્ધવજીને તેઓ કહે છે કે કાનાને જો કુબ્જા જ ગમતી હતી તો અમને કહેત, અમેય પોટલાં બાંધીને પીઠ પર લઈ લઈને ફરત, આવો હળવો વ્યંગ એ વખતે સ્હેજ હાસ્ય અને રમૂજ પણ ઊભી કરે છે પરંતુ તેમાંય કુરૂપતા ક્યાંય નથી દેખાતી અને એ જ એની ખરી શૃંગારિતા. પોતાનાં વિરહની વેદના અને કુબ્જાને પીઠમાંથી વળી ગયેલામાંથી સુંદર બનાવવાની શ્રીકૃષ્ણની વાતને પણ ગોપીઓએ સાંભળેલી જ છે, એટલે કુબ્જા કૃષ્ણને મળી તે માટેનો રોષ તેઓ કુબ્જાને કૃષ્ણની સોહાગણ કહીને વ્યક્ત કરે છે,અને છતાં શ્રીકૃષ્ણ પ્રત્યેનો અપાર પ્રેમ એવો તો વ્યક્ત છે કે રોષ પણ સાચો વ્યક્ત થતો નથી તેને પણ એક શૃંગારિતાની જ સમીક્ષા કહી શકાય. એક સ્ત્રીને ફીજી સ્ત્રીની વેદના થાય તે અત્યંત સાહજીક વાત છે પરંતુ પીઠે પોટલાં બાંધીને લઈને ફરવાની વાત અને કુબ્જાને કૃષ્ણની સોહાગણ કહેવાની વાતમાં જ અહીં આ પદની સાચી શૃંગારિતાનો પરિચય થાય છે.

પ્રકરણ 3

હાસ્યરસ

જ્યારે નવરસ ની વાત કરીએ ત્યારે સૌથી વધુ રોચક લાગે તેવો કોઈ રસ જો હોય તો તે છે હાસ્ય રસ. હાસ્યરસ હંમેશા માત્ર રમૂજ પૂરતાં જ મર્યાદિત ન હોઈ ઘણીવાર કોઈ સારો સૂચક સંદેશ કે પછી કોઈ ભયાનક એવી કરુણાની ની હળવાશથી એ કરુણતાને વાચા આપતી છતાં રમૂજ પ્રેરતી એવી કોઈ ઘટનાઓ પણ હોઈ શકે છે, અપને હસતા હસતા કહેવાઈ ગયાની જેમ ઘણાં સત્યો પણ હાસ્યરસ દ્વારા બહાર આવતા હોય છે. હવે અહી કવિતાવલીનાં હાસ્યરસ પ્રેરતાં કેટલાંક પદો જોઈએ.


" બિંધિ કે બાસી ઉદાસી તપી બ્રતધારીમહા બિનુ નારી દુખારે,
ગૌતમતીય તરી 'તુલસી' સો કથા સુનિ ભે મુનિબૃંદ સુખારે.
હૃઐહૈં સિલા સબ ચંદમુખી પરસેં પદ મંજુલ કંજ તિહારે,
કીન્હીં ભલી રઘુનાયકજૂ ! કરુના કરી કાનન કો પગુ ધારે."
( કવિતાવલી, અયોધ્યાકાંડ પદ - 28 )

અનુવાદ :

વિન્ધ્ય પર્વતપર રહેવાવાળા મહાવ્રતધારી મુનીઓ અને તપસ્વીઓ સ્ત્રી વગરનાં જીવનમાં જેમકે દુખી હતા, મુનિગણ બધાં એ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ જાય છે કે, ભગવાન શ્રી રામને કારણે જેમ અહલ્યા તરી ગઈ એમ જ હવે દરેક પત્થરો આપની ચરણસ્પર્શથી ચંદ્રમુખી સ્ત્રીઓ બની જશે એવું સૌ મુનિગણ બોલ્યાં અને કહ્યું કે રઘુનંદન સારું કર્યું કે આપ અહીં પધાર્યાં."

આસ્વાદ :

કેટલી રમૂજભરી વાત લાગે આ, જે લોકો તપસ્વીઓ છે કે જેમનાં જીવનમાં સ્ત્રીઓને કોઈ સ્થાન જ નથી એ ભલા સ્ત્રીઓ વગર દુખી કેવી રીતે હોઈ શકે ? ભગવાન શ્રી રામનું વિંન્ધ્ય પર્વત પર આગમન એ જ સૌ કોઈ મુનિગણ અને તપસ્વીઓ માટે અતિ હરખની વાત છે અને સૌ કોઈની શ્રી રામ પ્રત્યેની સ્વામિ ભક્તિ અહીં તેઓની નિર્દોષ મજાકમાં દેખાઈ આવે છે, ભગવાન રામ કદાચ અહલ્યાને તારવાનું પૂર્વનિર્ધારિત ન હોત તો વિન્ધ્યનાં પર્વતો વાળા રસ્તે નિકળ્યા પણ ન જ હોત તે વાત સર્વ મુનિગણ ખૂબ સારી રીતે જાણે છે અને એટલે જ કવિ અહીં એ ઘટનાને લઈને જે બનાવ બન્યો જ નથી, ન તો વિન્ધ્યની કોઈ પર્વતમાળા સ્ત્રીઓ બની ગઈ એવી વાતનો વ્યંગાત્મક રમૂજ કરીને કવિ અહીં હાસ્યરસ નિષ્પન્ન કરે છે. અહીં માત્ર કવિની હાસ્ય રસ પ્રયોજનની ક્ષમતા જ નહીં પરંતુ તેમની કલ્પના શક્તિનો પણ આપણને પરિચય થઈ આવે છે, કે જો એ પર્વતમાળામાંથી સુંદર ચંદ્રમુખી સ્ત્રીઓ બની જાય તો સર્વ મુનિગણ ગેલમાં આવી જાય, અને આવું સુંદર કાલ્પનિક કથાચિત્ર આપણાં મનોજગત પર પણ ખૂબ સરળતાથી છવાઈ શકે છે, આપણે ફરી એકવાર દ્રશ્યનાં ભ્રમમાં જઈને ચંદ્રમુખી સ્ત્રીઓ ને જોઈ શકીએ છીએ, કે પર્વતો ગાયબ છે જેની જગ્યાએ સ્ત્રીઓ ઊભી છે અને હરખઘેલાં મુનિગણો નાચ નાચી રહ્યાં છે. હકીકત તો એ છે કે સાધુગણ માટે સ્ત્રીઓ વર્જ્ય છે તેઓ સૌથી વધુ ઉદાસીન સ્ત્રીઓ બાબતે જ હોય છે એ વાતને લઈને જ રામનાં ચરણરજથી પર્વતોની સ્ત્રીઓમાં ફેરવાઈ જવાની ઘટના એક સુંદર રૂપકચિત્ર ઉભું કરે છે અહીં, જૉક સાંભળીને હસવાનાં આ યુગમાં પણ એક જ કલ્પના કે રામ પસાર થયા અને એમની ચરણરજથી બધાં પર્વતો સ્ત્રીઓમાં ફેરવાઈ ગયા એવો જાદુ આપણને પણ હસાવી જ મૂકે, હકીકત તો એ છે કે રામનાં આગમનથી સર્વ મુનિગણો અને તપસ્વીઓ ખૂબ ધન્યતા અનુભવે છે બસ આટલી અમથી વાત, વાત પોતાની આપમાં ખૂબ મોટી છે જેની આટલી રમૂજભરી રજૂઆત હાસ્યરસનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.

"રાવરે દોષુ ન પાયનકો, પગધૂરિકો ભૂરિ પ્રભાઉ મહા હૈ,
પાહન તે બન-બાહનુ કાઠકો કોમલ હૈ, જલુ ખાઈ રહા હૈ.
પાવન પાય પખારિ કૈ નાવ ચઢાઈહૌં, આયસુ હોત કહા હૈ,
તુલસી સુનિ કૈવટકે બર બૈન હંસે પ્રભુ જાનકી ઓર હહા હૈ."(
કવિતાવલી, અયોધ્યા કાંડ પદ - 7)

અનુવાદ :

આમાં આપનાં ચરણોનો કોઈ દોષ છે જ નહીં, તમારી ચરણરજનો જ આ પ્રભાવ છે, કે જેમાં અહલ્યા પણ પત્થરમાંથી સુંદર સ્ત્રી બની ગઈ, તો પછી જો એ જ રીતે મારી નૌકાનો પણ તમારી ચરણરજથી જો ઉધ્ધાર થઈ જાય તો એમાં ક્યાં મોટી વાત છે ? કારણ પત્થરની સરખામણીમાં તો મારું જલયાન એટલેકે નૌકા અત્યંત કોમળ છે અને નદીનાં પાણી પી પી ને તે વધુ ને વધુ કોમળ બનતું જ જાય છે, એટલે હું તો આપનાં આવા પવિત્ર ચરણકમળોને પગ ધોઈને જ નાવ પર ચડવા દઈશ, બોલો શું આજ્ઞા છે ? અને કૈવટનાં આવા ચતુરાઈ ભર્યા શબ્દો સાંભળીને રામ સીતાજીની સામે ઠહુકો મારીને હસે છે.

આસ્વાદ :આ
વાત પણ અહીં ઘણી પ્રતિકાત્મક રીતે અહીં વ્યક્ત થઈ છે, સાંભળતા તરત જ રમૂજ પ્રેરે એવી આ વાતમાં કૈવટની ચતુરાઈનાં દર્શન પણ થઈ જાય છે. આ પારથી પેલે પાર જવા સ્વયમ્ ભગવાન રામ આવ્યા છે, તે જાણી ગયેલ કૈવટ પોતાનાં હાથમાં આવેલો મોકો હાથથી નથી જવા દેવા માંગતો, અને એટલે જ પોતે રામની ચરણરજનાં સ્પર્શ માત્રથી શલ્યા માંથી અહલ્યા બની જવાની પત્થરને નારી બનાવી દેવાની વાતને આડશમાં લઈ નિર્દોષ વ્યંગ કરે છે, અને રમૂજ ઉત્પન્ન થાય છે. કૈવટ કહે છે કે હે રામ, તમારી ચરણરજ ખરેખર અપ્રતિમ છે, તેનો સ્પર્શ માત્ર જો પ્તથરમાંથી પત્થરને નારી બનાવી દેતો હોયતો મારી નાવ તો પત્થરનાં પ્રમાણમાં ઘણી જ કોમળ છે, અને નદીમાં રહીને નદીનું પાણી પી પી ને તે વધુ કોમળ બની ગઈ છે, એટલે તમારી ચરણરજનાં સ્પર્શની અસર તેને વધુ જલદી થશે, અને જો મારી નાવ સ્ત્રીમાં ફેરવાઈ જાય તો મારી આજીવિકાનું શું ? અને એ સ્ત્રીને જો મારે ઘરે લઈ જવી પડે તો એને પાલવીશ કેવી રીતે, અરે પાલવવાની વાત છોડો ઘરે પત્નીને આ સ્ત્રી કોણ છે એમ પૂછશે તો શું જવાબ આપીશ ? એનાં કરતાં તમારા ચરણને ધોઈને રજ વિહિન કરી દેવા દો જેથી મારી નાવને ન તમારા ચરણની રજ સ્પર્શે જ નહીં એટલે તેનો નારી બની જવાનો કોઈ પ્રશ્ન જ ન રહે. અને આમ કરીને રામનાં ચરણસ્પર્શનો તેમજ ચરણ પખાલવાનો લ્હાવો તે લેવા માંગે છે અને વાત મનાવીને તે લ્હાવો લઈ પણ લે છે, રામ કૈવટની આ નિર્દોષતા અને ચતુરાઈ પર વારી જાય છે અને સીતાજીની સામે ઠહકો મારીને હસે છે જાણે એ કહેતા ન હોય કે જોયું મારાં ચરણરજથી પણ જે તે વસ્તુ નારીઓ જ બની જાય છે અહીં ભગવાન રામનો અને સીતાજીનો અંગત હસી મજાકનો નાતો પણ રૂપકાત્મક રીતે વ્યક્ત થયો છે. આમ અહીં આ પદમાં પણ સાંકેતિક ભાષામાં રામ સીતાજી વચ્ચેનો પ્રેમ અને કૈવટની ચતુરાઈ સંકેતની સાથે સાથે રમૂજ પણ ઊભી કરે છે.

પ્રકરણ - 4
કરુણ રસ

કરુણાનું સીધું સાદું નામ દયા, કોઈને પણ મદદરૂપ થવાની ભાવના એટલે દયા, આ દુનિયા નો કોઈ પણ ધર્મ કરુણા અને સત્ય નો સંદેશ આપે છે, પણ એ કરુણા અને સત્યને એના અનુયાયીઓ પોતપોતાની રીતે મુલવે છે અને એક સુંદર ભાવનો હ્રાસ થાય છે , કોઈ પણ રિશ્તા વગર જન્મતી એક લાગણી માનવીય લાગણી એટલે કરુણા


કરુણ એક વણચાહ્યા અંતનું પ્રતિબિંબ છે, એમાં હોઈ ખુશીનો એહસાસ નથી હોતો, પણ એવો કોઈ જીવ પણ નથી હોતો જેના જીવનમાં કારુણ્ય ના હોય,તમે છુપાવો તો પણ એ હોવાનું તો ખરું જ.


" સિથિલ સનેહઁ કહૈં કૌસિલા સુમિત્રાજૂ સોં,
મૈં ન લખી સૌતિ, સખી ! ભગિની જ્યોં સેઈ હૈ.
કહૈ મોહિ મૈયા, કહૌં મૈં ન મૈયા, ભરતકી,
બલૈયા લેહૌં ભૈયા તેરી મૈયા કૈકેયી હૈ.
તુલસી સરલ ભાયઁ રઘુરાયઁ માય માની,
કાય - મન - બાનીહૂઁ ન જાની કૈ મતૈઈ હૈ.
બામ બિધી મેરો સુખુ સિરિસ-સુમન-સમ,
તાકો છલ - છુરી કોહ - કુલિસ લૈ ટેઈ હૈ."(
કવિતાવલી, અયોધ્યા કાંડ પદ -3 )

અનુવાદ : કૌશલ્યાજી
પ્રેમથી વિહવળ થઈને સુમિત્રાજીને કહે છે કે હે સખી! મેં કૈકેયીને ક્યારેય પણ સોતન નથી સમજી, સદા પોતાની બહેનની જેમ જ એનું પાલન કર્યું છે, જ્યારે રામચંદ્ર મને મા કહેતા ત્યારે હું તેને કહેતી કે ના હું તો ભરતની માતા છું, તારી માતા તો કૈકેયી છે,અને રામચંદ્ર એ પણ સરળભાવથી મન, વચન, અને કર્મથી કૈકેયીને જ પોતાની માતા જ માની છે, ક્યારેય સાવકી માતા નથી માની, પરંતુ વામ વિધાતાએ અમારા સરસ, સદ્રશ એવાં સુકુમારનાં સુખને કાપવા માટે છળ રૂપી છૂરી તરીકે કૈકેયીનો ઉપયોગ કર્યો ?
આસ્વાદ: :
હૈયું કોરાઈ જાય એવી વાત અહીં કરવામાં આવી છે આ પદમાં માતા કૌશલ્યા અને સુમિત્રાનાં સંવાદ દ્વારા આખા પ્રસંગની કરૂણતા રજૂ કરવામાં આવી છે, કૈકેયીએ ભરતને રાજગાદી અપાવવા માટે રામને વનવાસ આપીને ખરેખર અન્યાય જ કર્યો છે, રાજા દશરથ પાસે રાણી કૈકેયી જે વરદાન જમા છે તે આવા સમયે વટાવે છે ત્યારે એક મા તરીકે માતા કૌશલ્યાનાં હૃદયપર શું શું વીતી હશે તે આ પદ દ્વારા કવિએ આપણી સમક્ષ લાવવા પ્રયત્ન કર્યો છે, જ્યારે રાજા દશરથને ત્યાં એકપણ સંતાન ન હતું ત્યારે તેમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ આદરેલ અને તેનાં અંતે પ્રાપ્ત થતાં પ્રસાદમાંથી પણ માત્ર રાણી કૌશલ્યાએ નહીં ખાતાં સુમિત્રા અને કૈકેયીનો પણ સમાન ભાગ રાખેલ, માતા બનવાની ખુશી પણ માત્ર પોતે ન ભોગવતાં પોતાની નાની બહેન જેવી બંને રાણીઓને પણ મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા દીધેલ, આ બધું જ અત્યારે રાણી કૌશલ્યાને યાદ આવી રહ્યું છે કે કેવી રીતે પોતાની સોતન ને સોતન ન ગણતા નાની બહેનની જેમ પાલન કર્યું છે, સુમિત્રાને પણ કૌશલ્યા પોતાનાં હૃદયમાં ઊઠેલા શૂળની એ જ વાત કરે છે કે જે કૈકેયીને નાની બહેનની જેમ સાચવી તેણે જ આજે આમ કર્યું અને એ પણ કોનો સાથે ? કયા પુત્ર સાથે ? રામ કે જે રામને માતા કૌશલ્યા પોતે માતા હોવા છતાં કાયમ એમ જ કહેતા આવ્યાં કે ના હું તો ભરતની માતા છું તારી માતા તો કૈકેયી છે, અને રામ પણ મન, કર્મ અને વચનથી કૈકેયીને પોતાની સગી માતા જ માનતા તેવાં પુત્રને આજે એ જ કૈકેયી એ વનવાસ આપ્યો ? આમ કરતાં શું એનો જીવ નહીં કચવાયો હોય ?


કૌશલ્યાને મન ખરેખર એ કેટલો કારમો આઘાત હશે કે જેને એણે બહેન માની તેણે પોતાની સાથે આવું છળ કર્યું ? સોતન પણ આવું કરતાં સો વાર વિચાર કરે જ્યારે કૈકેયી તો કૌશલ્યાને મન પોતાની નાની બહેન સમાન જ હતી, કૌશલ્યાનું રૂદન અને સુમિત્રા સાથેના વાર્તાલાપની આ દલીલ એકવાર ફરી આપણને દ્રશ્ય શ્રાવ્યનાં ભ્રમમાં લઈ જઈને રામલીલાનાં જ વનવાસ પહેલાંનાં દ્રશ્યની કરુણતા આપણાં સૌની આંખો ભીની કર્યાવગર અહીં નથી જ રહેતી. કરુણતાની ભાવાત્મકતા અહીં સ્પષ્ટ વ્યક્ત થાય છે.

"પુર તેં નિકસીં રઘુબીર - બધૂ, ધરી ધીર દએ મગ મેં ડગ દ્વૈ,
ઝલકીં ભરી ભાલકનો જલ કી, પુટિ સૂખ ગએ મધુરાધર વૈ.
ફિરિ બૂજતિ હૈં - 'ચલનો અબ કેતિક' પર્નકુટિ કરિહો કિત હૈં ,
તિય કી લખી આતુરતા પિય કી અખિંયા અતિ ચારુ ચલીં ચલ ચ્વૈં. "(
કવિતાવલી, અયોધ્યા કાંડ પદ - 11)

અનુવાદ :


રામચંદ્રજીની પત્ની સીતા નગરની બહાર નીકળીને ધૈર્ય સાથે રસ્તાપર હજુ તો બે જ ડગલા ચાલી હશે અર્થાત થોડો જ રસ્તો પસાર કર્યૉ હશે ત્યાં જ એનાં માથા પર પરસેવો બાઝવા લાગ્યો છે અને એનાં બંને હોઠ સૂકાવા લાગ્યા. આદત ન હોવાને કારણે એ રામ તરફ ફરીને વ્યાકુળતાથી પૂછી બેસે છે કે હવે આપણે કેટલું દૂર જવાનું છે ? પર્ણકુટિ ક્યાં બનાવીશું ? સીતાની આવી થકાવટ અને વ્યાકુળતાનો અનુભવ અને તેમું રૂદન રામની મનોહર આંખમાંથી પણ અશ્રુ વહાવ કરાવે છે.

આસ્વાદ :

કરુણરસ નાં પરિપાકની દ્રષ્ટિએ આ પદ અતિ મહત્વનું સાબિત થાય છે, આમાં કવિએ રામને ભગવાન ન રાખી તેમનાં મનુષ્ય અવતારની સઘળી વિડંબનાઓ અને તેમનાં પર આવતી મુશ્કેલીઓ બતાવીને મનુષ્યનાં જીવનમાં મુશ્કેલીઓ પર એનો પોતાનો કોઈ જ અંકુશ હોતો નથી એમ દર્શાવી 'નિરાકુંશા: કવય:' શબ્દને ચરિતાર્થ કર્યો છે. સીતાજી કે જેમણે મહેલ ની રોનક અને પિતાગૃહે એક રાજકુંવરી અને શ્વસુર ગૃહે પણ મોટા કુંવરની પત્નીનો રાજસી વૈભવ જ જોયો છે, જે સીતાજીનાં પગ પોતાનાં મહેલોનાં બગીચા સિવાયની ભૂમિ પર ક્યારેય પડ્યાં જ નથી એવાં રાજસી ધિલાસમાંથી એકદમ જ સહધર્મ સ્વરૂપે રામની સાથે વનવાસ અર્થે નિકળી પડ્યાં છે, જેમનાં રથમાં પણ કાયમ છત્ર રહેતું હોય એવાં સીતાજી અત્યારે ઉઘાડે માથે રામની સાથે વનવાસ અર્થે પગપાળા ચાલી રહ્યાં છે ત્યારે એમને થાક અને તડકાને લીધે પરસેવો બાઝી જવો તે અત્યંત વ્યાજબી વાત છે અને તેઓ આ સહન ન કરી શકે તે આપણે પણ સમજી જ શકીએ, ત્યારે એમનું મન કેટલું તો વ્યાકુળ થઈ ગયું હશે કે સ્હેજ જ ચાલતામાં તેઓ રામને પૂછી બેસે છે કે આપણે પર્ણકુટિ અહીં જ બનાવીશું ને? સીતાજીની વ્યાકુળતા રામ પોતે સમજી જ ગયા છે પરંતુ અત્યારે એમને પોતાનાં ઈશ્વરીય અવતાર હોવા છતાંનું મનુષ્યાવતારનું નિ:સહાય પણું ખૂબ પરેશાન કરે છે અને તેઓ પોતે પોતાની જાતને સીતાને કેમ કરીશે શાંતિ આપી શકે તે બાબતે લાચારીનો અનુભવ કરી ને સ્વયમ્ પણ રડી પડે છે, આ દ્શ્ય પણ ખરેખર ખૂબ હૃદયદ્રાવક છે, મનુષ્ય જીવનનું સૌથી કરુણ પાસું જો કોઈ હોય તો તે તેનું સંજોગવશાત્ નિ:સહાય પણુ અને લાચારી જ છે તે અહીં સ્પષ્ટ વર્તાઈ આવે છે અને એક કરુણ માહોલ ઉભો કરે છે. અહીં એક વાચક કે એક દર્શક તરીકે હું એ ચોક્કસ પણે કહીશ કે ખરેખર ઈશાવર હોઈને માનવ થવું તે મનુષ્યજીવન કરતાંય વધુ મોટી કરૂણતા છે, કારણ કેટલું સહન કર્યુ અને હજુ કેટલું કરવાનું બાકી છે તે સઘળું ઈશ્વર હોવાને લીધે તેમને જ્ઞાત છે અને તેમાંથી રસ્તો નથી કરી શકવાના તે જાણવા છતાં પણ એ ભોગવવાની પીડા વધુ કષ્ટદાયી જ હોય છે.

પ્રકરણ - 5
વીર રસ

પોતાની જાત ની પોતાના જીવનની સુરક્ષાને બદલે તેના પર આવી પાડનારા શક્ય જોખમને અવગણીને કોઈ કાર્ય કરવા માટે જરૂર હોય તો એ ગુણ ને કહે છે વીર રસ. હવે એને જરા સાદી ભાષામાં જો કહેવા પ્રયત્ન કરીએ તો કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં લડી લેવાની તાકાતને વીરતા કહેવામાં આવે છે. અને આવી ખુમારીભર્યો કોઈપણ પ્રસંગ હોય તે વીરરસ થી ભરપૂર જ હોવાનો, કવિતાવલીનાં અભ્યાસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, તુલસીદાસજીનાં મતે વીરતા એ એવી નૈતિક હિંમત છે જે મનુષ્યમાં સ્વભાવગત પડેલી હોય. માત્ર લડવું અને જીતવું એ જ વીરતા નથી પરંતુ પોતાનાં જીવનનાં દરેક પાસાને સાહજીકતાથી અને સરળતાથી જીવનવામાં અને પોતાનાં કર્તવ્યનું પાલન કરવામાં જ ખરી વીરતા છુપાયેલી છે અને આવી વીરતા મનુષ્ય જીવનશજીવીગયેલાં રામની છે, અત્યંત ધર્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ એવાં ભગવાન શ્રી રામ પોતાની મર્યાદામાં રહીને વીરતાપૂર્વક પોતાનાં જીવનનાં હરેક પાસાંનો સહર્ષ સ્વીકાર કરે છે, અને પોતાની વીરતાનો પરિચય કરાવે છે, તુલસીદાસજીનાં કવિતાવલીનાઃ પદોમાં આવા રામનાં જીવનને લગતા અને રામ ચરિત્રમાં જ આવી જતાં એવાં ચાર પદ કે જે અલગ અલગ વીરતાનાં દર્શન કરાવે છે જે આ પ્રમાણે છે.

1.
ધર્મ વીર2.
દાન વીર3.
દયા વીર4.
યુધ્ધ વીર

1. ધર્મ વીર :


અયોધ્યાકાંડ ને લગતાં પદોનાં સમૂહમાં જ સૌથી પહેલાં પદમાં આ રસ જોવા મળે છે, અહીં આ પદમાં રામની નિસ્પૃહતા, મર્યાદા બધ્ધતા તેમજ કર્મણ્યતાને આધીન એવાં તેમનાં સ્વભાવમાં પણ વીરતા છુપાયેલી જોવા મળે છે.

"કીર કે કાગર જ્યોં નૃપચીર, વિભૂષન ઉપ્પમ અંગનિ પાઈ,
ઔંધ તજી મગબાસ કે રૂખ જ્યોઁ, પંથ કે સાથી જ્યોં લોગ લુગાઈ.
સંગ સુબંધુ, પુનિત પ્રિયા મનો ધર્મ ક્રિયા ધરિ દેહ સુહાઈ,
રાજીવલોચન રામ ચલે તજી બાપ કો રાજ બટાઉ કી નાઈ."

અનુવાદ :

ભગવાન શ્રી રામચંદ્રજીએ વનમાં જતી વખતે વલ્કલ ધારણ કર્યા અને રાજસી વસ્ત્ર અને આભૂષણોને તદ્દન નિસ્પૃહતાથી ત્યાગી દીધા, જેમ વસંત ૠતુમાં સુગ્ગા નામનું પક્ષી પોતાની પાંખોનાં પીંછા ત્યજી દે છે , રસ્તામાં જેમ વૃક્ષો આવે અને જતા રહે તેજ રીતે રામે અયોધ્યા ત્યાગી દીધી, અયોધ્યાનાં સ્ત્રી પુરુષોને રસ્તામાં મળી જતા સાથીઓ મળે તેમ ત્યાગી દીધા, તેમની સાથે ચાલનાર લક્ષ્મણ અને સીતા પણ રામની બંને બાજુએ ધર્મ અને ક્રિયા સુંદર શરીર ધારણ કરીને ચાલી રહ્યા હોય તેવું લાગે છે. આમ રામચંદ્રજી પિતાનાં જ રાજ્યને પોતાનું છે જ નહીં એમ માનીને ત્યાગી દે છે.

આસ્વાદ :

વનમાં જતી વખતે કંઈ કેટલીય વસ્તુનો ત્યાગ રામ કેટલી સરળતાથી કરી શકે છે તેનું ખૂબ સુંદર અને આલેખન અહીં આ પદમાં થયું છે. આપણે આપણી જ વાત કરીએ તો એક નાનો સરખો રૂમાલ પણ આપણે છોડી શકતાં નથી, કોઈને જરૂર પડ્યે જો રૂમાલ જેવી નાની વસ્તુ પણ આપવાની થાય તો શોધવાનું બહાનું કરીને પણ સામેવાળાને તે આપીશું તો નહીં જ અને આપીશું તોય કદાચ કચવાતા મનથી જ, જ્યારે અહીં તો રાજસી પોષાક અને વસ્ત્રાલંકારો ત્યાગવાની વાત છે, થોડીકવાર સાહિત્યિક ભાષાને એક બાજુ મૂકીને તળપદીમાં જો કહું તો કંઈક ત્યાગવા માટે પણ છપ્પન ની છાતી જોઈએ, બાકી હૃદયને જરા પણ સ્પર્શે સુધ્ધાં નહીં અને ત્યાગ થઈ શકે તેવી નિસ્પૃહતા કેવળ શ્રી રામ પાસે જ સંભવી શકે, અહીં રામે જે કંઈ પણ વસ્તુઓ કે વૈભવનો ત્યાગ કર્યો તેપે પણ કેટલી સરસ ઉપમાઓ આપીને રજૂ કરવામાં આવ્યું છે. સુગ્ગા પક્ષીનાં ઉદાહરણ દ્વારા એકબાજુ તેનાં પીંછા ખેરવવાની વાત અને બીજી બાજુ ભગવાન રામની રાજસી પોષાક અને અલંકારોને ત્યાગવાની વાતજાણે એ એમનાં હતાં જ નહીં ક્યારેય, હાંમત છોઈએ હોં ભાઈ,સૌથી મોટી માયા જ રાજસી ઠાઆં રહેલી છે તેને ત્યાગમાં ક્ષણભરની પણ રાહ નહીં મનમાં કોઈ કચાશ નહીં, બીજી ઉપમા પણ કેટલી સુંદર આપણે મુસાફરી કરતા હોઈએ અને રસ્તામાં કંઈ કેટલાંય વટેમાર્ગુઓ આવે, વૃક્ષો આવે આ બધાની સાથે અયોધ્યાનાં નગરજનોને સરખાવીને કવિ કહે છે કે જેમ રસ્તામાં દરેક વૃક્ષ કે વટેમાગ્રુને આપણે આપણાં નથી ગણતાં તેમજ અયોધ્યાનાં નગરજનોને પણ રામે પળવારમાં જ ત્યાગી દીધા પુત્ર ધર્મનું પાલન અને પિતાનાં વચનની આજ્ઞાનું પાલન કરવા ધર્મનિષ્ઠ એવા રામ, એમનાં સહ ધર્મચારિણી સીતા, રામ જે કંઈ કર્મ કરે તેમાં અડધો ભાગ સીતાજીનો એમ સીતાજીને કર્મની ઉપમા આપી, તેઓ પણ રામની સાથે નીકળી પડ્યાં છે, અને લક્ષ્મણ કે જેને રામવિના પળવાર પણ ન ચાલે તે પોતાનો ભાંડુધર્મ નિભાવવા શ્રી રામની સાથે એમની બીજી બાજુ પર ચાલી નીકળ્યા છે, આમ તેમને કવિએ ધર્મની ઉપમા આપી. રામનું આવું પોતાનાં ધર્મનાં આચરણ માટે આસક્તિ રહિતનું જીવન અને એમની ત્યાગભાવના જ એમને ધર્મવીર બનાવે છે.

2. દાન વીર :

દાનવીર નામ આવે ત્યાં સૌથી પહેલાં આપણને કર્ણનું નામ યાદ આવે પરંતુ અહીં દાનનો અર્થ જરા જુદી રીતે રજૂ થયો છે. દાનમાં પણ વીરતા રહેલી છે તેનું ઉદાહરણ અહીં આ રીતે વ્યક્ત થયું છે.


" નગરુ કુબેર કો સુમેરુ કી બરાબરીં,
બિરંચી - બુધ્ધિ કો બિલાસુ લંક નિરમાન ભો.
ઈસહિં ચઢાઇ સીસ બીસબાહૂ બીર તહાં,
રાવનુ સો રાજા રજ - તેજ કો નિધાનુ ભો.
તુલસી તિંલોક કી સમૃધ્ધિ, સૌંજ , સંપદા,
સકેલ ચાકિ રાખી રાસિ જાંગરૂ જહાનુ ભો.
તીસરેં ઉપાસ બનબાસ સિંધુ પાસ સો,
સમાજુ મહારાજજુ કો એક દિન દાનુ ભો."
( કવિતાવલી, સુંદરકાંડ પદ - 32)

અનુવાદ:

બ્રહ્માજીનાં બુધ્ધિકૌશલનાં પ્રમાણરૂપ કુબેરની નગરી સોનાથી બનેલ હોવાથી તે સુમેરુ સમાન છે, આ જ લંકામાં ભગવાન મહાદેવને પોતાનાં દસેય મસ્તકો અને વીસેય હાથ આપીને પાછા મેળવેલ રાવણ એ રાજસી તેજનાં રાજા હતા, રાવણે લંકામાં ત્રણેય લોકની સંપત્તિ અને સામગ્રીને ભેગી કરીને સીમાબંધમાં બાંધી રાખી હતી, આ સંસારમાં જે કંઈ સંપત્તિ છે તે તો આ બધાનાં મેલ જેટલી પણ નથી, આ દરેક સંપત્તિ રાજા રામે ત્રઢ દિવસ ઉપવાસ કરીને પારણાં સમયે વિભીષણને દાનમાં આપી દીધી.

આસ્વાદ :


દાનની જ્યાં વાત આવે મનુષ્યનાં પગ કાંપવા લાગે છે, કોઈને પણ પોતાનાં હકમાં આવતી વસ્તુ જો બીજા કોઈને આપી દેવાની આવે તો એ માણસનો જીવ એક એક પળમાં હજારો વાર કપાઈ જતો હોય છે. તુલસીદાસજી સુંદરકાંડનાં આ પદમાં દાન આપવું તે કોઈ વીરલા નું જ કામ છે તે વાત ખૂબ સરળતાથી અહીં રજૂ કરે છે. જેનાં પર ભગવાન મહાદેવની પરમ કૃપા હતી તેવા રાવણની લંકા નગરી કે જે કુબેરનાં ભંડાર સમી હતી, આ લંકા નગરીને રામ પોતે યુધ્ધમાં જીતી જ ચૂક્યાં છે, અને રામ તો પાછું વનવાસ અર્થે અયોધ્યાને પણ ત્યાગી ચૂક્યા હતા, અને વનવાસનાં એ ચૌદ વર્ષ પણ પૂરાં થઈ ચૂક્યાં છે, રામનાં કબજા માંથી રાવણનો સંહાર કરીને તેઓ પોતાની સીતા પણ પાછી મેળવી ચૂક્યા છે ધારે તો લંકા પર પોતે જ રાજા બની જાય પરંતુ તેઓ એવું કરતાં નથી, પતિ તરીકે પ્ત્ની ને રાવણની કેદમાંથી છોડાવવાનું પોતાનું લક્ષ્ય સિધ્ધ થઈ ગયું તેથી વિશેષ રામને બીજું કંઈ જ ખપે નહીં એટલી એમની ધર્મનિષ્ઠા, રાવણનું રાજ્ય રાવણ પછી તેનાં ભાઈ વિભીષણ ને મળે એ જ ન્યાય, અને ઉપરાંત યુધ્ધમાં જે કંઈ પણ માનવસંહાર થયો તે બદલ તેઓ ત્રણ દિવસનો ઉપવાસ રાખીને પારણાં કરવાનાં સમયે વિભીષણને પોતાને ય્ધ્ધની જીતમાં મળેલું રાવણરાજ લંકા નગરી પળવારમાં જ ધાનમાં આપી દે છે.


દાનવીરની વાત કરીએ તો કર્ણ સૌ પ્રથમ યાદ આવે પરંતુ તેનાં કરતાં પણ રામ અહીં મુઠ્ઠી ઉંચેરા સાબિત થાય છે, કારણ કર્ણ નો તો નિયમ હતો રોજ કોઈકને દાન કરવું અને એણે પોતે જાણતો હોવા છતાં કે ચવચ કુંડળ આપી દેશે તો તેનું મૃત્યુ નિશ્વિત જ છે પરંતુ અહીં પોતાનો નિયમ છાળવવા એ દાન એપીને વીર સાબિત થાય છે, જાયારે અહીં તો રામને ન કોઈ નિયમ છે બીજું કંઈ, બસ પિતાની આજ્ઞા વનવાસ માટેની હતી તે પૂરો થયો અને પતિ તરીકે પત્ની ને કેદમાંથી મુક્ત ઈરાવવી તે એમનું કર્તવ્ય હતું તે પણ પૂરું થયું પછી રામને બીજું કંઈ પોતાનાં હકનું હોવા છતાં ન જ ખપે તે ન્યાયે તે રાજ વિભીષણને આપે છે અને ત્યાંથી પાછા અયોધ્યા તરફ પ્રયાણ કરે છે એમાં જ એમની ખરી દાનવીરતા પ્રગટ થાય છે.

3. દયા વીર :

" માતુ પિતાઁ જગ જાઈ ત્યજ્યો બિધિહૂં ન લખી કછુ ભાલ ભલાઈ,
નીચ નિરાદરભાજન, કાદર, કૂકર - ટૂકન લાગી લલાઈ.
રામુ - સુભાઉ સુન્યો તુલસીં પ્રભુ સોં કહ્યો બારક પેટુ ખલાઈ,
સ્વારથ કો પરમારથકો રઘુનાથુ સો સાહેબુ, ખોરિ ન લાઈ."
( કવિતાવલી, ઉત્તરકાંડ પદ - 47)

અનુવાદ :


જન્મ લેતાની સાથે જ જેને માતાપિતાએ ત્યજી દીધો છે, બ્રહ્માજીએ પણ જેનાં ભાગ્યમાં કોઈ સામર્થ્ય લખ્યું જ નથી, જેનાં પરિણામ સ્વરૂપ હું નીચ, નિરાદરને પાત્ર, ડરપોક અને ખાવાનાં ટુકડાં ટુકડાં માટે કૂતરાંની જેમ લલચાવા વાળો બની ગયો છું, એવામાં શ્રી રામચંદ્રજીની અકારણ જ કૃપાલુતા અને દીનદયાળ સ્વભાવ માટે મેં સંતો પાસેથી જ્યારે સાંભળ્યું ત્યારે એક વાર મેં એમની ક્ષેમકુશળતા માટે પૂછ્યું ત્યારે રામચંદ્રજીની સમાન લૌકિક અને પારલૌકિક એવાં બંને પ્રકારના સુખની મને ઝાંખી કરાવવામાં શ્રી રામચંદ્રજીએ કોઈ કસર ન છોડી.

આસ્વાદ :

અત્યારે સોશિય નેટવર્કીંગ સાઈટ્સ અને ચેટીંગ ફેસિલીટી નાં સમાજમાં થોડી ઘણી ફિલસૂફની ધાતો વહેતી થઈ છે જે એક સારી નિશાની છે, એવી જ કોક સાઈટ પર એક મેસેજ વાંચેલો યાદ આવે છે, કે કોઈની પર દયા કરો કે દાન કરો પરંતુ ક્યારેય સામેનાં પાત્રને પોતાની નિમ્ન કક્ષા માટે ક્યારેય ક્ષોભ થાય તેવું વર્તન જરા પણ ન કરશો, મારા રામનું પણ એવું જ કંઈક છે, તુલસીદાસજી ભગવાન શ્રી રામ પ્રત્યેની અપાર ભક્તિ અને થામનાં સાક્ષાત્કારનો દાખલો આપતાં રામની ઉદારતા બતાવતા કહે છે કે તુલસીદાસજીનું જીવન પણ બાળપણથી જ નિમ્ન કક્ષાનું હતું તેમનાં જન્મ સમયે જ એમનાં માતાપિતાએ એમને ત્યાગી દીધા હતાં, ત્યાર પછીની હાડમારીની એમની જિંદગી એમને ખવાનાં એક એક ટંકનાં રોટલા માટે પણ એમને ટટળાવતી અહીં તુલસીદાસજી પોતાની સરખામણી રોટલાનાં ટુકડા ટુકડા માટે લલચાતા કૂતરાં સાથે કરે છે અને કહે છે કે મારી એટલી નીચ પરિસ્થિમાં પણ જેવું રામ માટે સાંભળ્યું હતું એવાં જ વીર એ નીકળ્યાં જ્યાં રામ કેવાં છે એવું એમનું ક્ષેમકુશળ જાણવાની તુલસીદાસજીએ ઝંખના કરી ત્યાં તો રામે એમને પોતાનો સાક્ષાત્કાર કરાવી દીધો અને લૌકિક તેમજ પારલૌકિક સુખની ઝાંખી પણ કરાવી દીધી, દયાની પણ ચરમસીમા કહેવાય એટલી બધી કૃપા દ્રષ્ટિ એમણે તુલસીદાસજી પર ઉતારી દીધી એવાં દયાવીર રામ છે એવું અહીં તુલસીદાસજીનું કહેવવું યથાર્થ જ છે.


4. યુધ્ધ વીર :


વીરતાનું ખરું ક્ષેત્ર આમ જોવા જાઓ તો યુધ્ધબૂમિ જ છે, અહીં જ વ્યક્તિએ પોતાની ખરી વીરતા સાબિત કરવાની હોય છે.ગમે તેવી કોઠાસૂઝ હોય છતાં ભલભલાં વીરલાં પણ યુધ્ધ ભૂમિ પર પાછાં પડતાં હોય છે. અહીં હનુમાનની વીરતાનો દાખલો કવિ લંકાકાંડનાં આ પદમાં કંઈક આવી રીતે આપે છે


" હાથિન સોં હાથી મારે, ઘોડે ઘોડે સોં સહાંરે,
રથનિ સોં રથ બિદરની, બલવાન કી.
ચંચલ ચપેટ ચોટ ચરન ચકોટ ચાહૈં,
હહરાની ફૌજૈં ભહરાની જાતુધાન કી.
બાર બાર સેવક સરાહના કરત રામ,
તુલસી સરાહૈં રીતિ સાહેબ સુજાન કી.
લાંબી લૂમ લસત લપેટિ પટકત ભટ,
દેખૌ દેખૌ લખન ! લરનિ હનુમાનકી."


અનુવાદ :


હાથિઓએ હાથિને મારી નાંખ્યા છે, ઘોડાઓથી ઘોડાઓનો સંહાર કર્યો છે, અને મજબૂત રથો ને પણ રથ વતે તોડી નાંખ્યા છે. હનુમાનજીની ચંચળ અને ચપટ એવી લાતોનાં માર અને તેમનું ચૂંટલી ખણવું જોઈને નિશાચરોની સેના ગભરાઈ ગઈ છે, અને ચક્કર ખાઈને પડવા લાગી છે. શ્રી રામ પોતાનાં સેવકની વારંવાર પ્રશંસા કરતાં કહે છે કે લક્ષ્મણ, આ હનુમાનજીનું યુધ્ધ કૌશલ તો જુઓ, એમની લાંબી પૂંછ કેટલી શોભાયમાન છે, છેમાં એ રાક્ષસવીરોને પકડી પકડીને પટકી રહ્યાં છે, ગોસાઈજી પણ આમ કહી પોતાનાં સુજ્ઞ સ્વામીની આમ કહી પદમાં પ્રશંસા કરે છે.

આસ્વાદ :
જ્યારે વીરતાની જ વાત કરીએ છીએ તો જીવનનાં દરેક ક્ષેત્રે વીરતાની જરૂર પડે છે, પરંતુ ખરી વીરતાનાં દર્શન આપણને રામ રાવણની સત્ય અસત્યની લડાઈમાં સત્યનાં પક્ષે લડી રહેવાં રામદાસ હનુમાનજીની યુધ્ધનિતીમાં થાય છે. યુધ્ધ કોઈપણ હોય પરંતુ એનાં સૈનિક બની તે લડવા ખાતર લડવું કે પછી ભલે મારું જે થવું હોય તે થાય પરંતુ એકવાર અસત્યને હરાવ્યે છૂટકો એમ મનમાં ગાંઠ વાળીને લડવું ખૂબ જ ફરક છે આ બંનેમાં અહીં હનુમાનજીની લડાઈ પણ કંઈક આવી જ છે, ભરપૂર શૂરાતન અને સંપૂર્ણ વફાદારીની સાથે હનુમાનજી જે રીતે યુધ્ધનાં મેદાનમાં ચપળતાથી લડી રહ્યાં છે એનું વર્ણન પણ કવિએ અહીં ખૂબ સુંદર રીતે કર્યું છે. હનુમાનજી તેમનાં દરેક અંગમાં સ્ફુર્તિ અને ચપળતાની સાથે દરેકે દરેક અંગ વડે અહીં યુધ્ધ લડી રહ્યાં છે ત્યાં સુધી કે હાથ માં ગદા અને એનાં વડે તો પ્રહારો કરી જ રહ્યાં છે સાથે સાથે પગ વડે પણ ખૂબ જ ચપળતાથી અને જોશમાં લાતોનો પણ પ્રહાર કરી રહ્યાં છે એટલી હદ સુધી કે એમનું પૂંછડું પણ નિશાચરોને પકડી પકડીને પટકી રહ્યું છે, હનુમાનની આટલી બધી ચપળતા જોઈને સ્વયમ્ ભગવાન રામ પણ એમની પ્રશંસા કરવા દાગે ચે આનાથી વિશેષ તે વળી યુધ્ધ વીરતાનો બીજો કયો દાખલો હોઈ શકે ?

પ્રકરણ - 6


અદ્દભૂત્ત રસ

કુતુહલ ,કૌતુક , જીજ્ઞાસા આ બધા કારણો છે આપણને વિસ્ફારિત થવાના, જુઓ આ આકાશની છત્રી ,પળે પળે રંગ બદલ્યા કરે, સવારે સૂરજનો દડો ઉછાળે તો સીધો સામેની ગોલપોસ્ટમાં સાંજે પંહોચી રહે , વચ્ચે કોઈ રોકી ના શકે, હા વૈશાખના ધોમધખતા તડકા થી તરસ્યું થાય આકાશ ત્યારે સાગર વધારાનું પાણી આકાશને પીવા આપે આકાશ એના વાદળો રચે અને સૂરજ એમાં સાત રંગોનું મેઘધનુષ બનાવે અને પછી એમાં જોડે પવનનામના તોફાની છોકરાને એ વાદળોને પોતાની પૂંછડીએ બાંધે અને પછી તો બસ ચોમાસાની રેલમછેલ છેને અદ્દભૂત્ત ! અરે સદીયો થીસંતાકુકડી રમતા ચાંદ અને સૂરજની માયા જોઈ ? એક આવે ને એક જાય અને ચાંદો તો પાછો એકલો ના હોય એને જુદા જુદા સ્થાને જુદા અંતરથી ઉગતા નાના મોટા તારાઓ અને એવી અનેક અકાશગંગાઓ ની સંગત હોય મેહફીલ હોય તો જ ગમે પાછો એ રિસાય પણ જાય ધીરે ધીરે મોટો થાય અને અમાસે આળસુ નો પીર સંતાઈ જાય. એક સીધીસાદી ઘટનાને આપણી વિચારશૈલી કેટલી વૈવિધ્ય પૂર્ણ બનાવી દે છે નહીં ? બસ આને જ કહેવાય અદ્દભૂત્ત રસ. ટૂંકમાં કહીએ તો જ્યારે પણ આપણને ઓહ માય ગૉડ! ની અનુભૂતિ કરાવે તે સઘળું, આપણને અચંબિત કરી જાય તે સઘળું જ અદ્દભૂત છે. અહીં કવિતાવલીમાં પણ એવાં કેટલાંક પદો છે જે અદ્દભૂત્ત રસને બખૂબી વર્ણવે છે.


" લીન્હો ઉખારિ પહાર બિસાલ, ચલ્યો તેહિ કાલ બિલંબ ન લાયો,
મારુતનંદન મારૂત કો, મન કો, ખગરાજ કો બેગ લજાયો.
તીખી તુરા તુલસી કહતો, પૈ હિયે ઉપમા કો સમાઉ ન આયો,
માની પ્રતચ્છ પરબ્બત કી નભ લીક લસી કપિ યોં ધુકિધાયો."(
કવિતાવલી, લંકાકાંડ પદ - 54 )

અનુવાદ :


હનુમાનજી લક્ષ્મણ શક્તિની દવા માટે સંજીવની બૂટી લેવા ગયા પરંતુ બૂટીને ઓળખી ન શકવાથી એમણે મોટો દ્રોણ પર્વત ઉખાડી લીધો અને એને ઊંચકીને એવા તો વેગથી દોડ્યા કે એમણે વાયુનાં વેગને અને ગરુડનાં ઉડવાનાં વેગને પણ લજ્જીત કરી દીધા, અત્યંત વેગનું વર્ણન કરવા માટે તુલસીનાં મનમાં કોઈ ઉપમા યાદ નથી આવી રહી પરંતુ એમની ગતિને જોઈને એવું લાગે છે કે જાણે આકાશમાં દિવ્ય ઔષધીઓથી પ્રકાશમાન પર્વતની સુંદર રેખા સ્પષ્ટ બની ગઈ હોય.

આસ્વાદ

:
કેવી અચંબામાં નાંખી દે એવી વાત, ખરેખર કોઈનાંય માન્યામાં ન જ આવે, ભલા પર્વત તે કોઈ ઊંચકી શકતું હશે, અહીં હનુમાનજીની તાકાતનો પરચો પણ સાથે સાથે આપણને મળે છે, લક્ષ્મણ યુધ્ધમેદાનમાં જ્યારે મૂર્છિત પડેલાં છે ત્યારે એમને જો સંજીવની બુટી આપવામાં ન આવે તો તેમનું ભાનમાં આવવું શક્ય જ નથી અને એવા વખતે હનુમાનજીને જાંબુવન દ્વારા ભાળ મળે છે કે દ્રોણ પર્વત પર સંજીવની બુટી મળી શકશે, હનુમાનજીને પોતાની શક્તિનો ખુદને પણ અંદાજો નથી જ, તેમને બસ એક જ ધ્યેય છે કે પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરીને પણ સંજીવની બુટી લાવવી, રામાયણનો આ પ્રસંજ ખરેખર રોચક તો છે જ પરંતુ હનુમાનજીની સ્વામી ભક્તિ આગળ તો ભલભલી તાકાત પણ પાછી પડે તેનો ઉદ્દાત્ત પરિચય અહીં આપણને થાય છે. હનુમાનજી સંજીવની બૂટી લેવા જાય છે પણ ઘણી બધી ઔષધીઓમાં એ પોતે સંજીવની બુટી ઓળખી શકતા નથી અને એટલેજ આખો દ્રોણ પર્વત જ મૂળસોતો ઉખાડી નાંખે છે, ઓ બાપરે ! આ તો કેવી તાકાત, ખરેખર ભલભલાને આંજી દે એવી, પાછા વીજવેગે એવો શબ્દ નહીં વાપરતા કવિએ તેમનાં વેગની સરખામણી સ્વયમ્ વાયુદેવ સાથે અને પક્ષીઓનાં રાજા ગરૂડ સાથે કરી છે અને ક્હ્યું છે કે તેઓ પણ હનુમાનજીનાં ઉડવાના વેગથી લજ્જીત થઈ ગયા છે, ખરેખર અહા... કેવું ગજબ ! નો ઉદ્દગાર આપણાં મુખમાંથી વાંચતી વખતે પણ જો નિકળી જાય તો એ દ્રશ્ય તો કેટલું ગજબનું હશે, અને તોય પાછા કવિ કહે છે કે એમને કોઈ ઉપમા મળતી જ નથી પરંતુ એવું દ્રશ્ય લાગે છે જાને દિવ્ય ઔષધીઓનો અવકાશમાં તેજ લિસોટો થયો હોય એટલામાં તો અનુમાનજી આ પારથી પેલે પાર, ખરેખર કવિએ અહીં એવું સરસ વર્ણન કર્યું છે જે અદ્દભૂત રસનું ચિત્રાકંન કરવામાં સાર્થક નિવડે છે.

" ડિગતી ઉર્વિ અતિ ગુર્વિ સર્વ પબ્બૈ સમુદ્ર સર,
બ્યાલ બધિર તેહિ કાલ, બિકલ દિગપાલ ચરાચર.
દિગ્યયંત લરખરત, પરત દસકંઠ મુખભર,
સુરવિમાન હિમભાનુ ભાનુ સંઘટિત પરસ્પર.
ચૌકે બિરંચિ સંકર સહિત, કોલ કમઠ અહિ કલમલ્યૌ,
બ્રહ્માંડ ખંડ કિયો ચંડ ધુનિ જબહિં રામ સિવધનુ દલ્યૌ."(
કવિતાવલી, બાલકાંડ પદ - 11 )

અનુવાદ :


જે વખતે ભગવાન શ્રી રામે શિવજીનું ધનુષ તોડ્યું એ સમયે એનો પ્રચંડ શબ્દ બ્રહ્માંડને પણ પાર કરી ગયો એટલો બધો સર્વત્ર વ્યાપી ગયો, એ અવાજનાં પ્રભાવથી બધાં જ પર્વત, સમુદ્ર અને તળાવો સહિત ભારેખમ પૃથ્વી ડગમગવા લાગી,બધ્ધાં દિગ્ગજો લડખડાવા લાગ્યા, રાવણ મુખભેર પૃથ્વી પર પડી ગયો, દેવતાઓનાં વિમાન અને સૂર્ય તેમજ ચંદ્ર અરસપરસ ભટકાવા લાગ્યાં, બ્રહ્મા પણ શિવજી સહિત ચોંકી ગયા અને પાતાળમાં પૃથ્વીને સ્થિર કરવાવાળા વારાહ, કચ્છ્યપ અને શેષનાગ પણ હલબલી ગયા.

આસ્વાદ :


સીતાજીનાં સ્વયંવરનાં પ્રસંગની આ વાત છે, રામ અને લક્ષ્મણ પોતાનાં ગુરૂ વિશ્વામિત્રનો સાથે રાજા જનકને ત્યાં સીતાનો સ્વયંવર જોવા આવેલાં છે, મોટા મોટાં યોધ્ધા રાજાઓ, ત્યાં સુધી કે રાજા રાવણ કે જે પૃથ્વીપરનો સૌથી વધુ શક્તિશાળી રાજા હતો તે પણ પરશુરામજી વાળું ધનુષ ઉઠાવવામાં નિષ્ફળ જાય છે અને એ વખતે રામ આગળ આવે છે અને એ ધનુષને એક તણખલાંની જેમ એક ક્ષણમાં ઉઠાવી લે છે, પરશુરામનું આ ધનુષ્ય ખૂબ જ દિવ્ય ધનુષ હતું અને રામ જ્યાં એની પણછ ચડાવવા જાય છે ત્યારે જ જાણે ધરતી કંપ આવ્યો હોય તેમ પ્રચંડ ધ્વની થાય છે એટલો પ્રચંડ કે જેનાથી પૃથ્વી અને પાતાળ બંને જ પોતાનું સંતુલન ખોઈ બેસે છે, અહીં આ પદમાં એક વિશેષ પ્રકારની ગતિ અને ત્વરાનું વર્ણન થયું છે જેને કારણે તેની અનુભૂતિ એ જ તેને અદ્દભૂત્ત રસ નું પદ બનાવે છે.

" જબ અંગદાદિન કી મતિ ગતિ મંદ ભઈ,
પવન કે પૂત કો ન કૂદિબે કો પુલ ગો.
સાહસી હૈં સૈલ પર સહસા સકેલિ આઈ,
ચિત્તવત્ત ચહું ઔર, ઔરન કો કલુ ગો.
તુલસી રસાતલ કો નિકસિ સલિલ આયો,
કોલ કલમલ્યો, અહી કોમઠ કો બલુ ગો.
ચારહૂ ચરન કે ચપેટ ચાંપે ચિપટિ ગો,
ઉચકે ઉચકી ચારિ અંગુલ અચલુ ગો."(
કવિતાવલી, કિષ્કીંધા કાંડ પદ - 1)

અનુવાદ :


જ્યારે અંગદ અને અન્ય વાનરોની બુધ્ધિ અને ગતિ મંદ પડી ગઈ અર્થાત એ લોકોએ જ્યારે એમ સ્વીકારી જ લીધું કે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જ નથી મળતો એવામાં વાયુપુત્ર હનુમાનને કૂદવામાં એક ક્ષણનો પણ વિલંબ થતો નથી, તેઓ રમત રમત માં જ સાહસપૂર્વક પર્વતપર આવીને ચારેબાજુ જોવા દાગે છે, જે ભેગું તે ચારેકોર જોવા લાગે છે તે ભેગી શત્રુઓનું સર્વ સુખ નષ્ટ થઈ જાય છે,તુલસીદાસજી કહે છે કે હનુમાનજી પર્વત પર ચારેય પગ વડે જોરથી કૂદ્યા એટલે પર્વત ચાર આંગળ અંદર જતો રહે છે અને પર્વતપર જોરથી દબાણ આવવાને કારણે એ પાતાળમાં જવાથી પાતાળનું જળ બહાર નીકળી આવે છે, એનાથી પાતાળની અંદર વારાહ ભગવાન ગભરાઈ જાય છે અને શેષનાગ તથા કચ્છ્યપ પણ બળહીન થઈ જાય છે.


આસ્વાદ :

સીતાજીની
ભાળ મેળવવા લંકા જવું હોય તો રસ્તામાં આવતો આખો સમુદ્ર લાંઘીને જવુંજ પડે, એ વાત ધ્યાનમાં આવતા વિશાળ એવા સમુદ્રને જોઈને અતિ બળવાન એવે અંગદ તેમજ અન્ય વાનરોને હાંજા ગગડી જાય છે તેઓને કોઈપણ રીતે આ સમુદ્ર ની પેલે પાર જઈ શકાશે તેવું લાગતું જ નથી એવામાં હનુમાનજી ત્વરાપૂર્ણ આવીને જે સાહસિકતાથી પર્વતપર કૂદકો મારે છે ત્યાં જ એમની તાકાતને લીધે પર્વત આખો પાતાળમાં ચાર આંગળ જેટલો ઉતરી જાયવછે જેનાં લીધે પાતાળનું પાણી પણ બહાર નીકળી જાય છે, અને પાતાળનાં વારાહ ભગવાન ડરી જાય છે તેમજ શેષનાગ અને કચ્છ્યપ જાણેકે એમનું સર્વ બળ હણાઈ ગયું હોય તેવા બની જાય છે. અહીં પણ હનુમાનજીની ત્વરા તેમજ સાહસિકતાનો પરિચય તો થાય છે જ સાથે સાથે પદમાં રહેલ અદ્દભુત્ત રસની અનુભૂતિ પણ તે વખતનાં ત્વરિત આવતાં પરિણામોથી થયા વિના રહેતી નથી.
આમ અહીં અદ્દભુત રસનાં પદોમાં કવિની હનુમાન પ્રત્યેની આસ્થા પણ આપણાંથી છૂપી રહી શકતી નથી.

પ્રકરણ – 7


રોદ્ર રસ


રૌદ્ર એમાં સમાયેલો શબ્દ છે રુદ્ર, ભગવાન શિવનું એક નામ, એમની ત્રીજી આંખ જે કપાળમાં છે એની જ્વાળા દેખાઈ જયારે ખુલે છે ત્યારે ? કહે છે આપણું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે, એમાંનું એક તત્વ અગ્નિ. આપણા દ્વારા ખવાયેલા ખોરાકને આ આગ પચાવે છે એસીડ રૂપે,જેમ જળની જરૂર તેમ અગ્નિની પણ, શાંત રસ રૌદ્ર રૂપ વગર અધૂરો અને રૌદ્ર રૂપ શાંત રસનું સૌન્દર્ય સમજાવી શકે
આપણી અંદર ક્રોધ હોય છે જેને આપણે નકારી શકીએ નહીં. આ ક્રોધ ક્યારે કેમ કોની સામે શા માટે પ્રગટ કરવો એ કળા બહુ દુર્લભ છે, એ ક્રોધની યથાર્થતા સાબિત કરવી એનાથી વધુ મુશ્કેલ. અહીં કવિતાવલીનો અભ્યાસ કરતાં રૌદ્ર રસને લગતા અમુક પદો મળી આવે છે જે એનાં વર્ણનને લઈને પણ કાબિલે તારીફ છે.


"ભૂપ મંડલી પ્રચંડ ચંડીસ - કો દંડ ખંડ્યૌ,
ચંડ બાહુદંડ જાકો તાહી સોં કહતુ હૌં.
કઠિન કુઠાર ધાર ધારિબે કી ધીરતાહિ,
બીરતા બીદિત તાકી દેખિએ ચહતુ હૌં.
તુલસી સમાજ રાજ તજિ સો બિરાજૈ આજુ,
ગાજ્યો મૃગરાજ ગજરાજ જ્યોં ગહતુ હૌં.
છોની મેં ન છાંડ્યૌ - છપ્યૌ છોનિપ કો છોના છોટો,
છોનિપ - છપ્પન બાંકો બિરુદ બહતુ હૌં."
( કવિતાવલી, બાલકાંડ પદ - 18 )


અનુવાદ :

ધનુષભંગનાં
સમાચાર સાંભળી પરશુરામજી આવી પહોંચ્યા અને બોલ્યાં કે રાજાઓની મંડળીમાંથી જેણે પણ શિવજીનું પ્રચંડ ધનુષ તોડ્યું છે અને જેની બંન્ને બુજાઓ ખૂબ પ્રચંડ છે તેઓને હું કહું છું કેધનુષ તોડવાથી પ્રાપ્ત થયેલી વીરતાને પોતાની ફરસીની તીક્ષ્ણ ધારને સહન કરવાની ધીરતા હું જોવા માંગુ છું. તે મારી સમક્ષ આવીને પોતાની વીરતા અને ધીરતાનો પરિચય મને આપે, અને એ રાજ સમાજને છોડીને અહીં અલગ આવીને ઊભો રહે. જે પ્રકારે સિંહ હાથીને પણ દબોચી લે છે તે જ રીતે હું પણ એને દબોચી લઈશ એટલેકે મારી નાંખીશ. મેં પૃથ્વીપર છુપાયેલાં રાજાનાં રાજપુત્રોને પણ છોડ્યા નથી અને એટલે જ હું ક્ષત્રિયનાં સંહારક તરીકે પણ પ્રસિધ્ધ છું.

આસ્વાદ :


પરશુરામ ભગવાન પોતાનાં ક્રોધને લઈને ખૂબ જાણીતા છે, એવું કહેવાય છે કે એમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી. સીતા સ્વયંવર વખતે જે ધનુષ રામ દ્વારા તૂટી ગયું હતું તે પરશુરામ ભગવાનને શિવજીએ આપેલ ધનુષ હતું, એવું કહેવાય છે કે સીતાજી નાના હતા ત્યારે પરશુરામ ભગવાનનું આ ધનુષ સીતાજીએ રમતાં રમતાં ઊંચકી લીધુ હતું અને એવે વખતે પરશુરામે રાજા જનકને એ ધનુષ ભેટ આપતા કહેલ કે જે વ્યક્તિ આ ધનુષ ઊંચકી શકે તે કોઈ દિવ્યવ્યક્તિ જ હશે અને એની સાથે જ સીતાનો વિવાહ કરાવજો, અને આજે સ્વયંવરમાં ભગવાન શ્રી રામે ન કેવળ ધનુષ ઊંચક્યુ હતું પણ પણછ ચડાવતાં તે ધનુષનાં બે ટુકડા થઈ ગયેલાં. આ દિવ્ય ધનુષનાં તૂટી જવાથી ભગવાન પરશુરામને ખૂબ જ ક્રોધ ચડેલ છે જેનાં કારણે તેઓ આટલા આવેગવાળા વચનો ઉચ્ચારે છે અને જે પણ હોય ધનુષ તોડનાર તે વ્યક્તિને શિક્ષા મળવી જ જોઈએ એમ માનીને આવાં આવેગપૂર્ણ ક્રોધી વચનો ઉવાચે છે. અહીં પરશુરામનો ધનુષ સાથેનો સ્નેહ પણ એમનાં ક્રોધ દ્વારા જાણી શકાય છે અને આ પદમાં પરશુરામનાં ક્રોધને લઈને એમનું જે બિહામણું સ્વરૂપ રજૂ થાય ચે તે અહીં રૌદ્ર રસને ખૂબ સુંદર રીતે છતું કરે છે.

"ગર્ભ કે અર્ભક કાટન કો પદુ - ધાર કુઠાર કરાલ હૈ જાકો,
સોઈ હૌં બુજત રાજસભા 'ધનુ કો દલ્યો' હૌં દલિહૌં બલ તાકો.
લઘુ આનન ઉત્તર દેત બડૌ, લરિહૈ, મરિહૈ કરિહૈ કછુ સાકો,
ગોરો ગરૂર ગુમાનભરો કહાઁ કૌસિક છોટો સો ઢોયો હૈ કાકો."
( કવિતાવલી, બાલકાંડ પદ - 20)


અનુવાદ :

લક્ષ્મણની વ્યંગાત્મક વાતોને સાંભળીને પરશુરામજી બોલ્યાં કે જેની ભયંકર ફરસીની ધાર ગર્ભનાં બાળકોનો પણ વધ કરવામાં કુશળ છે એવો હું આ રાજસભાને પૂછું છું કે આ ધનુષ કોણે તોડ્યું છે? હું એનું બળ ચૂર ચૂર કરી દઈશ. અને વિશ્વામિત્ર ની તરફ ઈશારો કરીને કહે છે કે હે વિશ્વામિત્ર! આ નાના મોઢે મોટી વાત કરનાર બાળક મારા હાથે મરી જશે કે પછી મારી સામે જીતીને પોતાની કીર્તિ ફેલાવશે ? એટલે હવે તમે જ જણાવો કે આ ગૌરવશાળી અને છતા ઘમંડથી ભરેલો એવો ગોરી ચામડીનો આ નાનો બાળક કોનો છોકરો છે ?

આસ્વાદ :


હજુ અહીં પરશુરામનો ક્રોધ શાંત થયો જ નથી અને લક્ષ્મણ આવીને જે કંઈ બે ધાક્યો બોલે છે તેનાથી પરશુરામ વધુ ક્રોધિત થઈ ઊઠે છે પરંતુ તે બાળક વિશ્વામિત્રની સાથે છે એમ જાણીને વિશ્વામિત્ર તરફ પોતાનાં ક્રોધી અવેશમાં પૂછે છે કે આ બાળક કોનો છોકરો છે ? જેને આટલો બધો ઘમંડ છે ? અને એ શું મને જીતી શકવાનો છે કે પછી મારા હાથે જ આજે તેનું મૃત્યુ નિશ્વિત છે ? સભામાં ઉપસ્થિત સૌ કોઈ પર પરશુરામનો ક્રોધ છાણીતો જ છે પરંતુ અહીં આ પદમાં ક્રોધનો સાથે સાથે વાર્તાલાપ એટલે કે સંવાદ રચના પણ ભેગી મળી છે એટલે પદમાંનો રોદ્ર રસ જરી હળવો થયેલો લાગે છે.

" લાઈ લાઈ આગિ, ભાગે બાલ - જાલ, જહાઁ - તહાઁ,

લઘુ હ્વૈં નિબુકી ગિરિમેરુ તેં બિસાલ ભો.
કૌતુકી કપીસ કૂદિ કનક કંગૂરા ચઢિ,
રાવન ભવન જાઈ ઠાઢો તેહિ કાલ ભો.
તુલસી બિરાજ્યૌ બ્યોમ બાલધી પસારી ભારી,
દેખે હહરાત ભટકાલ તેં કરાલ ભો.
તેજ કો નિધાન માનો કોટિક કૃસાનુ ભાનુ,
નખ બિકરાલ, મુખ તૈસો રિસ - લાલ ભો."(
કવિતાવલી, સુંદરકાંડ પદ - 4)


અનુવાદ :

બાળકોનો
સમૂહ આગ લગાડીને છ્યાં -ત્યાં આમ - તેમ ભાગી ગયા. હનુમાનજી સૂક્ષ્મ રૂપ લઈને બ્રહ્મફાંસ માંથી નિકળી જાય છે, નિકળ્યા પછી તેઓ સુમેરુ પર્વત જેટલો મોટો આકાર ધારણ કરી લે છે અને ત્યારબાદ ખેલાડી એવા હનુમાન કૂદીને મહેલની કોટનાં સોનાનાં કાંગરા પર ચડીને પછી ત્યાંથી એ જ વખતે રાવણનાં સોનાના રાજમહેલ પર ચડીને ઊભા થઈ જાય છે. તુલસીદાસજી કહે છે કે હનુમાન આકાશમાં પોતાની પૂંછ ફેલાવીને સુશોભિત થયા છે. એમણે કાળ કરતાં પણ વિકરાળ આકાર ધારણ કર્યો છે અને એ જોઈને મોટા મોટા યોધ્ધા પણ કાંપવા લાગ્યા છે, તેઓ એવા તો તેજનાં સમૂહ લાગે છે કે જાણે સેંકડો કરોડ સૂર્ય અને અગ્નિ એમનામાં જ સમાયેલાં હોય. એમનાં નખ મોટાં વિકરાળ થઈ ગયા છે અને મુખ પણ ક્રોધથી લાલ થઈ ગયું છે.

આસ્વાદ :


અહીં પ્રસ્તુત પદમાં હનુમાનજી સીતાની શોધમાં લંકા જાય છે ત્યારપછીનાં પ્રસંગની વાત આવે છે. સીતાજીને મળી તો લીધું છે એટલે હવે જતા જતાં રાવણને પોતાની હિંમતનો પરચો આપીને જાય તો જ તેઓ રામદૂત્ત કહેવાય ને આવા પ્રયોજનથી જ તે સૌની આંખે ચડે છે અને પોતે બ્રહ્મપાશમાં બંધાઈ પણ જાય છે પછી એમનું પૂંછડું બાંધીને બાળકો દ્વાર સળગાવવામાં આવે છે, આનાં પછી જ હનુમાનજી પોતાની શક્તિનો પરચો આપે છે, પોતે સાવ નાનું એવું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને પહેલાં બ્રહ્મપાશમાંથી નિકળી જાય છે અને પછી તેઓ અત્યંત વિકરાળ એવું સુમેરૂ પર્વત કરતાં પણ મોટું એવું શરીર નું રૂપ ધારણ કરે છે ત્યાર બાદ ક્રોધથી ગર્જના કરતા પહેલાં મહેલની કોટની દિવાલો અને પછી રાજા રાવણનો સોનાનો મહેલ સઘળું બાળી મૂકે છે. તે સમયનું એમનું રૂપ ખરેખર શિવજીનાં રૌદ્ર સ્વરૂપ સમાન જ દેખાતું હશે, બધા યોધ્ધાઓ એમને જોઈને ભયભીત થઈ જાય છે, અને તેઓનું વિકરાળ સ્વરૂપનું વર્ણન જ આખા પદને રોદ્ર રસમાં તરબોળ કરે છે.

પ્રકરણ - 8
ભયાનક રસ

જ્યારે કોઈપણ બાબત આપણને અતિ ડરામણી લાગે, કે પછી કોઈ એવી વાત કે જે આપણને ભયભીત કરી જાય કે વાતાવરણને પણ ભયભીત બનાવી દે, કોઈ પ્રકારના આતંકની વાત હોય ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય તે ભયાનક રસમાં ઢળેલા સંજોગો કહી શકાય. સાહિત્યની દ્રષ્ટિએ ભયાનક રસ અને બીભત્સ રસ વચ્ચે લોકો કાયમ ઘણી ભૂલ કરતા હોય છે પરંતુ ટૂંકમાં કહીએ ભયાનકતા કે ભયંકરતા દર્શાવતા દ્રશ્યોનું વર્ણન હોય એને ભયંકર રસનાં દાખલારૂપ ગણી શકાય.


કવિતાવલીમાં પણ એવાં અમુક પ્રસંગો છે જેમાં જે - તે પદનાં વર્ણન પરથી તેનાં ભયંકર રસનાં પદો હોવાનું ચોક્કસ પણે કહી જ શકાય.

"જહાઁ - તહાઁ બુબુક બિલોકી બુબુકારી દેત
જરત નિકેત ધાઓ ધાઓ લાગી આગિ રે,
કહાઁ તાત, માત, ભ્રાત, ભગિની, ભામિનો, ભાભી,
ઢોટે છોટે છોહરા અભાગે ભોરે ભાગિ રે.
હાથી છોરો, ઘોરા છોરો, મહિષ વૃષભ છોરો,
છેરી છોરો, સૌવે સૌ જગાવો જાગિ જાગિ રે.
તુલસી બિલોકી અકુલાની જાતુધાની કહૈં,
બાર બાર કહ્યો પિય કપિ સોં ન લાગિ રે."
( કવિતાવલી, સુંદરકાંડ પદ - 6)

અનુવાદ:

જ્યાં ત્યાં આગના ભડકાઓ જોઈને બધા ચિત્કારી ઊઠે છે, 'અરે ભાગો, ભાગો! આગ લાગી ગઈ છે, ઘરો બળી રહ્યાં છે. અરે અભાગિયા માતા-પિતાઓ, ભાઈ - બહેનો, ભાભીઓ, છોકરાંઓ ક્યાં છે ? અરે ગમાર, ભાગ ભાગ. હાથીઓને ખોલો, ઘોડાઓને પણ ખોલો, ભેંસ, બળદો અને બકરીઓને પણ ખોલો, જે સૂતેલાં છે એમને જગાડો, અરે જાગો જાગો.' ગોસાઈજી કહે છે કે આ દિશાની તરફ જોઈને વ્યાકુળ થયેલ રાક્ષસણિઓ પોતપોતાનાં પતિઓને કહે છે કે હે પ્રિયતમ! અમે તમને વારંવાર કહ્યું હતું કે આ વાનરને છંછેડશો નહીં આ કોઈ સાધારણ વાનર નથી.

આસ્વાદ :

અહીં
આ પદની ભયંકરતા તેનાં અનુવાદમાં જ સ્પષ્ટ વર્તાઈ આવે છે. આ પ્રસંગ રેમાયણનાં સુંદરકાંડનો હનુમાનજી સોનાની લંકા બાળે છે ત્યારનો છે, હનુમાનજી એ રૌદ્ર સ્વરુપ ધારણ કરેલ છે અને મોટાં મોટાં કૂદકાં લગાવી તેમણે ઠેર ઠેર આગ લગાડી છે, આગની જ્વાળાઓ પ્રચંડ રૂપ ધારણ કરી રહી છે અને એવા વખતે રાક્ષસોનાં ઘરોમાંથી રાક્ષસણિઓ પણ ભયભીત થઈને તેમનાં પતિઓને ઠપકો આપે છે કે આવું ન્હોતું કરવું જોઈતું, તેઓ સૌ પોકારી પોકારીને કહી રહ્યાં છે કે બધાં જાનવરોને ખોલી નાંખો અગર કોઈ ઊંઘમાં હોય તો એમને જગાડો, દરેક ઘરોમાંથી સૌ કોઈ પોતપોતાનાં કુટુંબ કબીલાને પોકાર કરી રહ્યાં છે કોઈ પોતાનાં બાળકોને બૂમ પાડી રહ્યું છે તો કોઈ પોતાનાં માતાપિતાને. પદની આવી ભયંકર વરાણનાત્મકતા તેને ભયાનક રસનું ઉત્તમ ઉદાહરણ બનાવે છે. આ પદ તે પ્રસંગની ચિત્રાત્મકતા અને ગતિની દ્રષ્ટિએ ભયાનક રસનું કવિતાવલીમાંથી સર્વોત્તમ ઉદાહરણ છે.

"દેખી જ્વાલજાલ, હાહાકાર દસકંધ સુનિ,
કહ્યો 'ધરો ધરો' ધાએ બીર બલવાન હૈ.
લિયે સૂલ, સેલ, પાસ, પરિઘ, પ્રચંડ દંડ,
ભાજન સનીર, ધીર ધરે ધનુબાન હૈ.
તુલસી સમિધ સૌંજ લંક - જગ્નકુંડ લખિ,
જાતુધન પુંગીફલ, જબ, તિલ, ધાન હૈ.
સ્ત્રુ વા સો લંગૂલ, બલમૂલ, પ્રતિકૂલ હવિ,
સ્વાહા મહા હાઁકિ - હાઁકિ હુનૈ હનુમાન હૈં."
( કવિતાવલી, સુંદરકાંડ પદ - 7)

અનુવાદ:


એ ધધકતા એવા અગ્નિસમૂહ ને જોઈને તેમજ હાહાકાર કરતાં લોકોનો અવાજ સાંભળીને રાવણે કહ્યું, 'અરે! આને પકડો, પકડો'. આ સાંભળીને ઘણાં બળવાન યોધ્ધાઓ ત્રિશુળ, બરછી, પાશ, પરિઘ, મજબૂત દંડા અને પાણી ભરઃલાં વાસણો લઈને દોડ્યાં અને કેટલાંક ધીર પ્રકૃતિનાં માણસોએ ધનુષ પણ ધારણ કરી રાખ્યાં હતાં. તુલસીદાસજી કહે છે કે, આ આખોય કાંડ એક યજ્ઞ છે જેમાં લંકા છે તે યજ્ઞકુંડ છે, સામગ્રી છે તે છોકરીઓ છે,રાક્ષસો સોપારી, જવ, તલ, ધાન વિગેરે છે. હનુમાનની પૂંછડી છે તે સર્વો છે અને બળવાન શત્રુઓ છે તે તેનું હવિષ્ય છે, મોટી મોટી હાંક રૂપી સ્વાહા મંત્ર દ્વારા હનુમાનજી હવન કરી રહ્યાં છે એટલે કે હનુમાનજી જ મુખ્ય હોતા છે.

આસ્વાદ:

આ આખુંય પદ છે તેમાં સાંગ રૂપકનો ભારોભાર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રૂપકનાં શબ્દો દ્વારા આખા પ્રસંગને ખૂબ જ ભયાનકતા પ્રાપ્ત છે, અહીં લોકોની ભાગદોડ અને ચીસાચીસ સાંભળી ને રાવણ પોતે પણ ભયભીત થઈ જાય છે, અને હનુમાન ને પકડવાનો આદેશ આપે છે, અહીં આ આદેશમાં રાવણ ભયભીત થઈ ગયો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે, આખા પ્રસંગનું ચિત્રાંકન એવી રીતે કરવામાં આવ્યુ છે જાણે લંકા નગરી છે તે પોતે જ યજ્ઞકુંડ હોય અને હનુમાનજી પોતે જ એનાં હોતા છે તેમની પૂંછને અહીં સર્વોની ઉપમા આપીને જાણે એના દ્વારા જ યજ્ઞ આગળ ચાલથો હોય તેમ બતાવાયું છે, તદ ઉપરાંત અહીં રાક્ષસગણને હવનની દ્રવ્ય સામગ્રી બતાવ્યાં છે. એક આખું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું થાય છે એને વિચારીને ભલભલાનાં રૂંવાંડા ઊભા થઈ જાય આમ આ પદ પણ ભયાનક રસનું ઉત્તમ ઉદાહરણ છે.

" ગાજ્યો કપિ ગાજ જ્યોં, બિરાજ્યો જ્વાલજાલ - જુત,
ભાજે બીર ધીર, અકુલાઈ ઉઠ્યો રાવનો.'
ધાઓ ધાઓ ધરો' સુનિ ધાએ જાતુધાન ધારી,
બારિધારા ઉલદૈં જલદ જ્યોં ન સાવનો.
લપટ-જપટ જહરને, હહરાને બાત,
ભહરાને ભટ, પરયો પ્રબલ પરાવનો.
ઢકનિ ઢકેલિ પેલિ સચિવ ચલૈ લૈ ઠેલિ,"
નાથ ન ચલૈગો બલ અનલ ભયાવનો".(
કવિતાવલી, સુંદરકાંડ પદ - 8)


અનુવાદ :


હનુમાનજી ધધકતી અગ્નિની જ્વાળાઓની વચ્ચે બિરાજમાન વજ્રની જેમ ગર્જે છે, એમની ગર્જના સાંભળીને ઘણાં મોટાં મોટાં ધૈર્યવાન વીરો પણ ભાગી ગયાં. પરિણામ સ્વરૂપ રાવણ પણ ગભરાઈને કહેવા લાગ્યો કે "દોડો દોડો આ વાનરને પકડો". આ આજ્ઞા સાંભળીને રાક્ષસોનો સમૂહ હનુમાનજીની પૂંછ પરની આગને બુઝાવવા છાય છે અને એટલું તો પાણી રેડે છે જેટલું પાણી શ્રાવણની વર્ષામાં પણ નથી વરસતું. અગ્નિજ્વાળાઓ નાં ભડકાઓથી બચીને નીકળેલાં વ્યાકુળ એવાં રાક્ષસોમાં ભયાનક ભાગદોડ મચી જાય છે. રાવણનાં મંત્રી રાવણને પણ બળ પૂર્વક ધકેલીનેલઈ જાય છે અને સમજાવે છે કે આ આગ ઘણી જ ભયંકર છે અહીં આપ કંઈ જ વશમાં કરી શકો એમ નથી.

આસ્વાદ :

અહીં ભયાનકતાનો ભાવ છે જ એટલે સાહિત્યિક દ્રષ્ટિએ આ પદને પણ ભયાનક રસનું ઉદાહરણ ચોક્કસપણે કહી જ શકાય. અહીં પણ આગ લાગેલી પરિસ્થિતિ પર કોઈ પણ રીતે કાબુ મેળવી નથી શકાતો, શ્રાવણ માસનાં વરસાદ કરતાં પણ વધુ પાણી છંટાઈ ગયું છે છતાં આગ કાબુમાં આવતી નથી, રાવણ પોતે પણ આવી પરિસ્થિતિથી ખૂબ જ ભયભીત થઈ ગયો છે છતાં તે કંઈ જ કરી નથી શકતો, પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ છે અને જે રાક્ષસો આ જ્વાળાથી બચી શક્યા છે તે સૌ કોઈ રાવણને પણ બળ પૂર્વક ત્યાંથી દૂર લઈ જાય છે અને પરિસ્થિતિ કાબુભાં નથી અને કાબુમાં લાવવી હવે સૌકોઈનાં વશની બહારની વાત છે તેમ સમજાવે છે. આમ આ પદનું ચિત્રાંકન પણ ખૂબ જ ભયાવહ રીતે ભયાનક રસથી છલોછલ કરવામાં આવેલ છે.

પ્રકરણ – 9


બીભત્સ રસ.

બીભત્સરસને મોટાભાગે જાતીયતા સાથે સાંકળવામાં આવે છે, જયારે કોઈ કુદરતી વસ્તુને પરાણે દબાવી રાખવામાં આવે ત્યારે તે અંદર રહીને વિકૃત રંગરૂપ ધારણ કરીને બહાર આવે છે અને તે બીભત્સ રસ તરીકે ઓળખાય છે. અહીં કવિતાવલીનાં બીભત્સ રસ દર્શાવતાં પદો ખાસકરીને લંકાકાંડમાં જોવા મળે છે.

"લોથિન સોં લોહૂ કે પ્રવાહ ચલે જહાઁ-તહાઁ,
માનહુઁ ગિરિન ગેરુ - ઝરના જરત હૈ.
સોનિત સરિત ઘોર, કુંજર કરારે ભારે,
કૂલ તેં સમૂલ બાજિ - બિટપ પરત હૈં.
સુભટ - સરીર નીરચારી ભારી ભારી તહાઁ,
સંરનિ ઉછાહ, કૂર કાદર ડરત હૈ.
ફૈંકરિ ફૈંકરિ ફેરુ ફારી ફારી પેટ ખાત,
કાક કંક - બાલક કોલાહલ કરત હૈં."(
કવિતાવલી, લંકાકાંડ પદ - 49)

અનુવાદ :

અહીં તહીં જે માંસના લોચાઓ પડેલાં છે તેમાંથી લોહી નો જે પ્રવાહ વહી રહ્યો છે જાણે પહાડોથી ગેરૂનાં ઝરણાંઓ વહી રહ્યાં હોય, રક્તરૂપી નદી વહી રહી છે ત્યાં મરેલાં પડેલાં હાથીઓ કોતર સમાન દેખાય છે અને એમાં ઘોડારૂપી વૃક્ષો પણ મૂળસોતાં ઉખડી ઉખડીને તેમાં પડી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. નદીમાં રહેવાવાળા ભયંકર જંતુઓ, જેવાંકે મગર તેવાં મરેલાં યોધ્ધાઓનાં શરીર લાગી રહ્યાં છે, આવી ભયંકર નદીને જોઈને શૂરવીરોને તો ઉત્સાહ ચડે છે પરંતુ કાયરો હોય તે ડરી જાય છે. કાગડાં અને ગીધો હર્ષની ચિચિયારીઓ પાડી રહ્યાં છે અને શિયાળો પણ બૂમો પાડી પાડીને પેટ ફાડીને આ સર્વનું ભક્ષણ કરી રહ્યાં છે.

આસ્વાદ :

અહીં આ પદમાં સાંગરૂપકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલી બધી વિચિત્રતા ? ક્યારેય પણ લોહીમાં લથબથ પડેલાં રાક્ષસો તેમજ જાનવરોનાં મૃત શરીરોને લોહીની નદી... નદીનાં કોતરો વગેરે સાથે સરખાવવામાં આવ્યાં છે, ખરેખર આવી કલ્પના કોઈ મોટી વિકૃતિ જ દરાશાવે છે, આવી કલ્પના માત્ર પણ કોઈ વ્યક્તિને હલબલાવી નાંખે આટલી નરી વિકૃતિ ? નરી વિકૃતિ, પડેલી લાશોની ફરતે ગીધ અને કાગડા પણ ચીચીયારીઓ પાડીને ફરી રહ્યાં છે અને, શિયાળવાં પણ હર્ષથી ચીચીયારી પાડીને ભક્ષણ કરી રહ્યાં છે, કંપારી છૂટી જાય તેવી રીતે જુદા જુદા રૂપકોનો ઉપયોગ થયો છે તે સર્વ તેનાં ચિત્રાંકનને લઈને આખા પ્રસંગને બીભત્સ રસમાં ફેરવવા માટે પૂરતાં છે.

" ઓઝરી કી ઝોરી કાંધે, આંતનિ કી સેલ્હી બાંધે,
મૂંડ કે કમંડલુ, ખપર કિયે કોરી કૈ.
જોગિની ઝુટુંગ ઝુંડ ઝુંડ બની તાપસી સી,
તીર તીર બૈઠીં સો સમરિસરિ ખોરિ કૈ.
સોનિત સોં સાનિ સાનિ ગૂદા ખાત સતૂઆ સે,
પ્રેત એક પિયત બહોરિ ઘોરિ ઘોરિ કૈ.
તુલસી બૈતાલ ભૂત સાથ લિયે ભૂતનાથ,
હેરિ હેરિ હઁસત હૈં હાથ હાથ જોરિ કૈ."
(કવિતાવલી, લંકા કાંડ પદ - 50 )

અનુવાદ :


જેઠ મહિનામાં ગંગા દશેરાનાં દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરીને એ પાણીને પોતાની સાથે બાંધીને લઈ જાય છે અને એ જ પાણીને શરબત સાથે મેળવીને અથવા તો રસોઈ માં વાપરીને પીવે કે ખાય છે, કંઈક એવી જ રીતે ઉપરનાં છંદબધ્ધ પદમાં રક્તનદીનાં કિનારે જાણે કે ભેળો લાગ્યો છે, ખભા પર પેટની પેચોટીનો છોળો લટકાવ્યો હોય અને આંતરડાઓનો જાણે ઘડો બાંધ્યોહોય અને હાથમાં મસ્તકનું કમંડળ બનાવ્યું હોય તેમજ એને ખોતરી ખોતરીને ખપ્પર બનાવીને જટાધારી જોગણીઓ નાં ઝુંડેઝુંડ યુધ્ધની રક્તનદીમાં સ્નાન કરીને કિનારે બેઠાં છે. કોઈ લોહી અને માંસને છૂટા પાડીને ખાઈ રહ્યું છે તો પ્રેતગણ તેને લોહીમાં ભેળવીને પી રહ્યાં છે. તુલસીદાસજી કહે છે કે ભૂતનાથ શિવજી, વેતાળ અને પ્રેતોની સાથે ફરતાં ફરતાં આ તમાશો જોઈને એકબીજાનો હાથ પકડીને હસે છે.

આસ્વાદ :

સંપૂર્ણ પણે અમાનવીય કહેવાય તેવું વર્ણન અહીં આ પદમાં થયું છે, પદ નાં અનુવાદથી જ શરૂ થઈને તે અંત સુધી નર્યા ઉબકા આવી જાય તેવી ભારોભાર વરવી ઉપમાઓ અને રૂપકોનાં દ્રષ્ટાંતોથી આખોય પ્રસંગ નરી સૂગ ચડે એટલો વિકૃત ભાસે જછે. યુધ્ધ પછીની શાંતિને બદલે યુધ્ધ પૂર્ણ થયા પછીની યુધ્ધમેદાનની દશાનું આટલું બધું વિકૃત વર્ણન બીભત્સની ચરમસીમાને ઓળંગી જાય છે. સાહિત્યિક દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો આ પદ બીભત્સ રસનો ઉત્તમ એવો નમૂનો કહી શકાય તે નકારી ન જ શકાય.

પ્રકરણ - 10
શાંત રસ

મનને જ્યારે ચીર શાંતિનો અનુભવ થાય, હવે કંઈ અઘટિત ઘટી જ નહીં શકે તેવો વિશ્વાસ પણ બેસી જાય, અને હૃદયને જે શાતા આપે તેવો સાહિત્યપ્રકાર હોય તે જ શાંતરસ ને વર્ણવતો સાહિત્યપ્રકાર કહી શકાય. કવિતાવલીનો મુખ્ય વિષય રામચરિત માનસની આસપાસ જ ભ્રમણ કરે છે મોટા ભાગે, અહીં ઉત્તરકાંડને લગતાં પદોમાં શાંતરસનાં ઉત્તમ પદો સમાવિષ્ટ છે. જે રામ રાવણનાં યુધ્ધ પછીનાં વિરામને લગતાં પદો છે જે ખરેખર વાચકનાં મનને પણ રૌદ્ર રસ, ભયાનક રસ અને બીભત્સ રસ નાં પ્વાસ પછી ખરેખર શાતા આપશે જ.

" સિયરામ - સરૂપ અગાધ અનૂપ, બિલોચન મનન કો જલુ હૈ.
સ્ત્રુતિ રામકથા, મુખ રામ કો નામ, હિયે પુનિ રામહી કો થલુ હૈ.
મતિ રામહિં સોં, ગતિ રામસિં સોં, રતિ રામહિં સોં રામહિં કો બલુ હૈ.
સબકી ન કહૈં તુલસી કે મતે ઈતનો જગ જીવન ફલુ હૈ.(
કવિતાવલી, ઉત્તરકાંડ પદ - 37 )

અનુવાદ :


શ્રી રામનું અને જાનકીજીનું અનુપમ સૌંદર્ય નેત્રરૂપી માછલીઓ માટેનું અગાધ જળ છે. કાનોમાં રામની કથા, મુખપર રામનું જ નામ, અને હૃદયમાં રજીનું જ સ્થાન છે. બુધ્ધિ પણ રામમાં જ લાગેલી છે અને રામ જ તર્કની ગતિ પણ છે, પ્રીતી અને બળ બંને રામને કારણે અને રામથી જ છે, બીજા કોઈની આ વાત નથી કરતાં પરંતુ તુલસીદાસજીનાં મતે તો જગત જીવવાનું ફળ પણ રામ જ છે.

આસ્વાદ :


યુધ્ધ હવે શમી ગયું છે, રામ અને સીતા બંને ફરી એકબીજા ને મળી ગયા છે, સર્વત્ર શાંતિનું જ વાતાવરણ છે, તુલસીદાસજીની આંખોમાંથી જે અગાધ જળ નીકળે છે તે રામ અને જાનકીજીની આંખો રૂપી માછલીઓને વિહરવા માટે જ છે જાણે. અહીં તુલસીદાસજીને રામનો જાણેકે સાક્ષાત્કાર થયો છે અને સઘળું બસ રામ થી જ છે એવો એક વિશ્વાસ એક હૈયાધારણ આવી ગઈ છે જીવન જીવવા માટે તેમાં જ તેમને અખંડ શાંતિનો અનુભવ થાય છે જાણે, આહા.. કેવી સુંદર રજૂઆત ! જીવવું પણ રામ અને સગળું બસ રામ જ, તુલસીદાસજીને સમગ્ર વાતાવરણ બસ રામમય ભાસે છે અને એમાં જ એમને અનુપમ શાંતિનો અનુભવ થાય છે.

" સોચ સંકટનિ સોચ સંકટ પરત, જર,
જરત, પ્રભાવ નામ લલિત લલામ કો.
બૂડિયો તરતિ, બિગરિયો સુધરતી બાત,
હોત દેખિ દાહિનો સુભાવ બિધિ બામ કો.
ભાગત અભાગ, અનુરાગત બિરાગ, ભાગ
જાગત આલસિ તુલસી હૂ સે નિકામ કો.
ઘાઈ ઘારી ફિરિ કૈ ગોહારી હિતકારી હોતિ,
આઈ મીચુ મીટતી જપત રામનામ કો."(
કવિતાવલી, ઉત્તરકાંડ પદ - 75 )

અનુવાદ :


અતિ સુંદર અને શ્રેષ્ઠ એવા રામનામનો એવો પ્રભાવ છે કે એમનું સ્મરણ કરતાં જ શોક અને આપત્તિઓને પણ શોક અને સંકટ આવી પડે છે, એટલે કે એ સઘળું સમાપ્ત થઈ જાય છે. તાવ પોતે પોતાનાં તાપથી જ બળીને નાશ પામે છે. ડૂબેલી નાવ પણ તરવા લાગે છે, બગડેલ વાત પણ સુધરી જાય છે. પ્રતિકૂળ વિધાતાનો સ્વભાવ અનુકૂળ થઈ જાય છે, અભાગ્ય પણ ભાગી જાય છે અને વૈરાગ્ય પ્રેમ કરવા લાગી જાય છે. લૂંટવા આવેલી સેના પણ ખુદ જ રક્ષક બની જાય છે, અને આપણાં હિતની બની જાય છે. એટલે સુધી કે રામનામનાં જપથી આવેલ મોત પણ ટળી જાય છે.


આસ્વાદ :


અહીં તુલસીદાસજીની રામશરણ ભક્તિનાં દર્શન થાય છે. ઈશાવર પર જ્યારે આપણને અખંડ વિશ્વાસ બેસી છાય પછી એક અલૌકિક શાંતિનો અહેસાસ થવા દાગે છે, બગડેલાં કામ આપોઆપ જ સુધલવા લાગે છે, સંસારમાં કોઈપણ ચીજ એવી નથી બચતી જે આપણને પ્રતિકૂળ રહે, સ્વયંમ વિધાતા પણ આપણને અનુકૂળ થઈ જાય છે. રામનાં નામની એ જ તો શાંતિ ચે કે એનું નામ લેવાથી તો આવેલ મોત પણ આપણાંથી દૂર ભાગી જાય છે. અહીં તુલસીદાસજીનો રામ પ્રત્યેનો અનન્ય અનુરાગ વ્યક્ત થયો છે અને કવિ પોતે પોતાનાં હૃદયને રામનામ સ્મરણથી થતી શાંતિનો પરિચય આપણને કરાવે છે જે એક શાંતરસનું ઉત્તમ ઉદાહરણ છે.

" બારિ તિહારો નિહારિ મુરારિ ભયે પરસે પદ પાપ લહૌંગો,
ઈસ હ્વીં સીસ ધરૌં પૈ ડરૌં, પ્રભુ કી સમતા બડ દોષ દહૌંગો.
બરુ બારહિ બાર સરિર ધરૌં, રઘુબીર કો હ્વૈં તબ તીર રહૌંગો,
ભાગીરથી ! બિનવૌં કરજોરિ, બહોરિ ન ખોરિ લગૈ સો કહૌંગો."(
કવિતાવલી , ઉત્તરકાંડ પદ - 147)

અનુવાદ :

હે ગંગે, તમારા જળનાં દર્શનનાં પ્રભાવથી અગર હું વિષ્ણુ બની જઈશ તો મારા ચરણોથી આપનો સ્પર્શ થવાને કારણ મને પાપ લાગશે. અને જો હું મહાદેવ બની ગયો તો આપને મારા શિર પર ધારણ કરી ભગવાન શંકરની સરખામણી કર્યાનો ભારી દોષ લાગશે જેનું મને કષ્ટ પડશે. એટલે મારે ચાહે કેટલા પણ જનમ લેવા પડે હું હર એક જન્મમાં શ્રી રામનો દાસ બનીને તારા તીર પર જ રહીશ. હે ભાગીરથિ ! તને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હું જે કંઈ પણ વાત કરું છું તેનો દોષ મને ન લાગે. જો હું તુજમાં સ્નાન કરું છું તો એ પણ એનું કારણ મારી રામભક્તિ જ છે જેનાથી મારા મનને શાંતિ મળે છે અને એવું જ શાસ્ત્રોમાં પણ વિધાન છે.


આસ્વાદ :


તુલસીદાસજીએ આ બધાં જ પદોની રચના ગંગાનદીના તટ પર રહીને કરી હોવાનું જ માનવામાં આવે છે. તુલસીદાસજી રોજ ખંગા સ્નાન કરતાં અને ત્યાં ગંગાતટે ભગવાન શ્રી રામનાં સ્મરણ શરણમાં જ એમનો જીવન નિર્વાહ થતો હતો, તેઓ ગંગાનદી પ્રત્યે અનન્ય ભકાતિભાવથી કહે છે કે ગંગાનદીનાં સ્પર્શમાત્રથી ઈશ્વરીય સુખની પ્રાપ્તિ થાય છે, ગંગા નદીનું પવિત્ર સાંનિધ્ય તુલસીદાસજી ને વિષ્ણુ કે મહાદેવનું પદ પણ જો આપી દે તેમ છતાંય તે દરેક જન્મમાં રામદાસ બનીને ગંગાનદીને કિનારે રહેવાનું જ પસંદ કરશે. કારણ એમ કરવાથી એમને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે અને શ્રી રામ ભક્તિમાં જ તેમનું આખુંય જીવન સમર્પિત છે. તેઓ ગંગા નદી ઑએ એ પણ કહે છે કે તેઓ ગંગા નદીમાં સ્નાન કરે છે તેવું પણ શાસ્ત્રમાં વિધાન છે અને એમ કરવાથી તેમને પોતાનાં જીવનમાં અનન્ય શાંતિનો અનુભવ થાય છે.
આમ ઉત્તરકાંડનાં લગભગ બધાં જ પદો માં કોઈ ઑએ કોઈ રીતે શાંતરસ ની છાલક વાગેલિ સ્પષ્ટ દેખાય છે.

પ્રકરણ – 11


વાત્સલ્ય રસ

વાત્સલ્ય
એટલે મમતા, માયા, સ્નેહ કે પછી અનન્ય ભક્તિભાવ આવાં પ્રકારની લાગણીઓ બતાવતાં સર્વ સાહિત્યપ્રકારો વાત્સલ્ય રસથી ભરપૂર છે તેમ કહી શકાય. અહીં કવિતાવલીમાં વાત્સલ્ય રસ ને વ્યક્ત કરતું હોય તેવું એક પણ સ્વતંત્ર પદ નથી રચાયું અને જો કદાચ રચાયું હોય તો તે પ્રાપ્ત નથી. સર્વ પ્રથમ રસ શૃંગાર રસમાં વાત્સલ્યનાં ભાવો બતાવતું એક પદ પણ શૃંગાર રસનું હોઈ તેનો આસ્વાદ પ્રકરણ -2 માં જ દઈ ગયો છે. જેથી અત્રે કવિતાવલીમાંથી વાત્સરલ્યસનું એકપણ પદ બાકી રહેતું નથી.

તુલસીદાસજીની કવિતાવલીની એક ધિશેષતા એ છે કે તેઓ પોતાનાં દરેક પદમાં પોતાની જાતને સતત તેમનાં ઈષ્ટ શ્રી રામની અરસપરસ જ રાખે છે અને આને લીધે તેમનાં દરેક પદો માત્ર એક સાહિત્યિક કૃતિ નહીં રહેતાં જીવંત ચિત્ર વધારે લાગે છે.

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888