અહીં નું અહીં જ (વાર્તા)
જાહ્નવી અંતાણી
વાણી ઘરનું બધું જ કામ પતાવીને ફ્રી થઇ .. અને હાશ કરી ને કોમ્પ્યુટર પાસે આવીને બેઠી થયું લાવ ને જરા આજે મુકેલી પોસ્ટ, મારા વિચારોને શું શું કોમેન્ટ આપી છે મિત્રોએ જોઈ લઉં? આમ તો એ પોતાના વિચારો વ્યક્ત કરતી..., પોસ્ટને કોઈ સમર્થન આપે એની મોહતાજ નહોતી. એ એમ.એડ થયેલી એક સુશિક્ષિત અને સંસ્કારી નારી હતી. ડેસ્કટોપ ખોલ્યું ત્યાંજ મોબાઈલમાં રીંગ વાગી..એણે સ્ક્રીન પર જોયું,'અરે, આ તો મિતાલી મને ગયા વખતે રાજકોટ માં લેકચર આપવા ગઈ ત્યારે મળી હતી ..અને અમે એમ.એડ સુધી સાથે ભણ્યાં હતાં એ? શું કામ પડ્યું એને વળી? આમ તો ખાસ કહી શકાય એવી મિત્રતા નહિ.. પણ સાથે ભણ્યાં હતા એટલું જ...હશે ફોન લઉં તો ખબર પડે ને કે શું કામ છે એને હું ય કેવી છું!' આમ કહી મનમાં મરકીને ફોન ઉપાડ્યો.
"હેલો,મિતાલી, કેમ છે?"એમ કહી એ શું બોલે છે એની રાહ જોઈ રહી. સામેથી મિતાલીનો શાંત અવાજ આવ્યો,"હાઈ, વાણી, હું મજામાં, કેમ છે તું?" "હું પણ મજામાં." મિતાલી આગળ શું બોલવું એવી અવઢવ થઇ અને વાણી મિતાલીએ શેના માટે ફોન કર્યો હશે એવું કહે એની રાહ જોઈ રહી. .. કદાચ મિતાલી વિચારતી હશે કે કેમ કહેવું..એટલે થોડીવાર રહીને બોલી,"વાણી,આપણી શાળામાં તારું લેકચર ગોઠવવાનું છે.. અને મેનેજમેન્ટ અને ટ્રસ્ટી મંડળએ તને ફોન કરવાનું મારા હસબંડને સોપ્યું છે. તું તો જાણે જ છે કે તેઓ આપણી શાળામાં કલેરીકલ ડીપાર્ટમેન્ટમાં છે તો એમને તને આમંત્રણ આપવાનું કામ સોપવામાં આવ્યું હતું .. તો તેઓ મને કહેકે તારી સહાધ્યાયી છે તો તું જ ફોન કર.એટલે તને આપણી શાળા તરફથી હું લેકચર આપવા માટે આમંત્રિત કરું છું." આમ કહી એ વાણીનો પ્રત્યુતર સાંભળવા રાહ જોઈ રહી, વાણી તો સાનંદાઆશ્ચર્યમાં ડૂબી ગઈ...પણ પછી તરત જ જવાબ આપ્યો કે,'આપણી શાળાની વાત છે તો હું ના કેમ કહી શકું? મારા માટે એ ગર્વની વાત છે.. એટલે હું ચોક્કસ આવીશ અને મને તારીખ અને સમય જણાવશો. હું હાજર થઇ જઈશ." અને પછી થોડી આમતેમ વાત થઇ અને ફોન પૂરો થયો.
હવે વાણીને ખુશ થવું કે શું કરવું એજ સમજાતું નહોતું. એતો પ્રાથમિકમાં મિતાલીને એ સાથે ભણતા એ દિવસોમાં પહોંચી ગઈ. બંને વચ્ચે કોઈ ખાસ સખીપણાં નહિ પરંતુ શાળાના એ દિવસોમાં તો એક જ વર્ગમાં સાથે ભણતા મિત્રો જ હોય એવી નિર્દોષતા અને માસુમિયત બાળકોમાં હતી.. ક્યાં કોઈકોઈ ને અલગ સમજતું.. એ નાદાનીમાં નહોતી કોઈ હરીફાઈ કે નહોતી કોઈ સ્પર્ધા.. વર્ગ નો દરેક વિદ્યાર્થી જાણે પોતાનો એવી સહજ લાગણી. ત્યારે મિતાલી વર્ગની હોશિયાર વિધાર્થી ગણાતી અને વાણી હોશિયાર ન ગણાતી એટલું જ.. બાકી ઈત્તર પ્રવૃતિઓ જેવી કે સંગીત, વકતૃત્વ સ્પર્ધા અને નાટક જેવી પ્રવૃતિઓમાં એ આગળ પડતી.. પણ તેથી ભણવામાં ક્યારેય એને કોઈ તકલીફ નહોતી પડી... એ એનું પરિણામ જાળવી લેતી. એટલે નબળી તો નહોતી જ. બંને છેક પ્રાથમિકથી એક જ વર્ગમાં અને ત્યારબાદ માધ્યમિક , હાઇસ્કૂલ અને હાયર સેકન્ડરી પણ સાથે જ પાસ કર્યા. અને બંને કોલેજમાં પણ સાથે જ રહ્યા.. કોલેજ માં બીજી બે સખી સેજલ અને પ્રિયા પણ સાથે ભળ્યા....
કોલેજ લાઈફ તો વાણીની ખુબ ધીંગા મસ્તી અને ઇતરપ્રવૃત્તિઓથી ભરપુર રહી હતી. કોલેજનો વાર્ષિક પ્રોગ્રામ હોય કે કોઈ સેલીબ્રેશન હોય નાટક,સુગમ સંગીત, વગરે માં વાણી હમેશા અગળ પડતી રહેતી.
જીવનનો યુવાકાળ હમેશા સુવર્ણકાળ હોય છે જિંદગીનો... એ સમય પસાર થતા વાર નથી લાગતી..એ રાહે વાણી,મિતાલી,સેજલ અને પ્રિયા ગ્રેજ્યુએટ પણ થઇ ગયા. એ સમય શિક્ષકની નોકરી એ છોકરીઓ માટે બહુ સહજ હતી... અને એ નોકરીમાં સ્ત્રીઓના જોડાવાથી ઘર પણ સચવાતું અને અને ઘરને જરૂરી એવો આર્થિક ટેકો પણ મળી રહેતો.એ કારણથી ચારેય સખીઓએ .. બી.એડ.કરવાનું નક્કી કર્યું. અને અંગ્રેજીને મુખ્ય વિષય નક્કી કર્યો.
ચારેય સખીઓમાં બાળસહજ નિર્દોષતા ને સ્થાને હવે યુવાનીના થોડા રંગ દેખાવા લાગ્યા હતા..છોકરીઓમાંથી પુખ્ત સ્ત્રી થવાને ઉંબરે ઉભેલી આ ચારેય સખીઓમાં થોડી વિચારોમાં ભિન્નતા દેખાવા લાગી હતી. પરંતુ ભણતરનું મહત્વ સમજતી હોવાને લીધે એકબીજાને સંભાળતી પણ. અંગ્રેજી વિષયમાં સ્નાતક થવું એ કોઈ ખાવાના ખેલ નહોતા..હવે ભણવાની સાથે સાથે ચારેય સખીઓમાં થોડી સ્ત્રીસહજ ઈર્ષા ઉગવાની શરુ થઇ હતી. આમ તો દેખીતી રીતે ચારેય ને કોઈ મુશ્કેલી કે અણબનાવ નહોતા એટલે જ તો બી.એડ.ના વર્ગમાં ચાર જ વિધાર્થીની હોવાને નાતે.. એ લોકોએ નક્કી કર્યું હતું કે... કોઈ હાજર ન હોય એ દિવસે પ્રોફેસરને આગળ લેકચર ન વધારવા કહેવું..જેથી ચારમાંથી કોઈનું ભણવાનું બગડે નહિ. આવું નક્કી કર્યા પછી... થોડા દિવસ તો બરોબર ચાલ્યું. સેજલ અને મિતાલી ..પ્રિયા અને વાણી કરતા ભણવામાં થોડા આગળ પડતા.. એટલે એ બંનેના બહેનપણાં થોડા પાકા થયા અને આ બાજુ સ્વભાવથી અને ભણવામાં પણ પ્રિયા અને વાણી ને સારું બનતું. આમ નક્કી કર્યા મુજબ બધું બરોબર ચાલતું હતું ત્યાં જ એક વખત એવું બન્યું કે વાણી એ દિવસે કોલેજ નહોતી આવવાની એવું ત્રણેય બહેનપણીઓને ખબર હતી ... પણ સંજોગો બદલાયા એટલે વાણીને થયું કે લેકચર ભરી આવવાદે...અમે નક્કી કર્યું છે એ મુજબ જો હું કોલેજ નહિ જાઉં તો બધાનું ભણવાનું બગડશે... એટલે એ કોલેજ ગઈ....૧૦એક મિનીટ મોડું થયું હતું એટલે એને એમ કે સર જતા ન રહે, હું નહિ પહોંચું તો મિતાલી, સેજલ પ્રિયા બધાનું ભણવાનું બગડશે.. પણ એ ક્લાસમાં પહોંચી તો શું જુએ છે સરનું લેક્ચર તો ચાલુ છે. અને નવો ટોપિક પણ ચાલુ કરી દીધો..હતો..વાણી તો સ્તબ્ધ જ થઇ ગઈ.. આવું કેમ?
વાણી સમજુ છોકરી હતી સાથે સાથે નિખાલસ અને ભોળી છતાં પણ ન્યાયી... એ હાજર હોય અને બીજી એક બહેનપણી ગેરહાજર હોય તો એ હમેશા ખ્યાલ રાખતી .. કે બીજી બહેનપણીનું ભણવાનું ન બગડે. એને પછી ખબર પણ પડીકે મિતાલી હોશિયાર હોવાને લીધે એણે જ સર ને કહ્યું હતું કે.. આગળ ચાલુ કરી દઈએ લેકચર. એટલે દુખ તો થાય જ સ્વાભાવિક છે માત્ર ભણવામાં થોડી હોશિયાર વધુ હોવાને કારણે મિતાલીએ એને એવોઈડ કરી હતી. પણ તો ય એને સમજ પડી કે કદાચ દુનિયાદારી આનું જ નામ હશે ...ભણતા ભણતા આ રીતેજ જીવન ના પાઠ શીખાતા હશે..!
એ પછી તો વાણીએ એમ.એડ. પણ કર્યું.. અને જાણવા મળ્યું કે મિતાલીએ જે સ્કુલમાં બધા સાથે ભણ્યા હતા એ જ સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી લીધી હતી. અને ત્યાં જ કારકુન તરીકે નોકરી કરતા યુવક સાથે લગ્ન પણ કરી લીધા હતા... આ બધું તો ઠીક છે ... પણ આજે અચાનક જ મિતાલીનો ફોન આવતા...જે વ્યક્તિએ એક વખત અવગણી હોય એ જ વ્યક્તિ એ સામેથી સાથે ભણેલી સ્કુલ માટે.. લેકચર આપવા આમંત્રણ આપવું પડે..એ વાત બહુ મોટી ન હોવા છતાં વાણીને જાણે..... બચપણ માં ભણેલી એક ઉક્તિ ‘અહી નું અહી’ની યથાર્થતા સમજાઈ ગઈ.....
જાહ્નવી અંતાણી