Bhulvu... Vismaran Jahnvi Antani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bhulvu... Vismaran

ભૂલવું –વિસ્મરણ

જાહ્નવી અંતાણી

jahnviantani@gmail.com


ભૂલવું .. વિસ્મરણ

આ શબ્દ આમ તો સામાન્ય વાતચીતમાં વાપરતા હોઈએ છીએ તો એમ થાય કે આ શબ્દ વિશે ખાસ શું લખી શકાય!! ..પરંતુ વિચારતા તો એમાં ઘણું ઊંડું મંથન થયું.

'ભૂલવું-વિસ્મરણ'.. વૈજ્ઞાનિક રીતે આ ક્રિયા માણસ સાથે શારીરિક નહી પણ માનસિક રીતે જોડાયેલી છે....અને ગુજરાતી શબ્દની રીતે જોઈએ તો એ ક્રીયાપદ છે. એના વિશે લેખ લખવો એ થોડું મનન માંગી લે છે.

ભૂલવું ક્યારેક સહેલું છે અને ક્યારેક અઘરું... ‘અરે, આજે તો હું સાવ ભૂલી જ ગઈ કે બુધવાર છે...કે આજે ફલાણી તારીખ છે કે મિત્રની જન્મ તારીખ છે. અને જો પતિદેવ જો લગ્નની તારીખ ભૂલી જાય તો તો આવી જ બને!!! આવી બધી નાનીનાની ક્રિયાઓ ને ભૂલી જઈએ એ તો આજકાલ સામાન્ય થઇ ગયું છે. એમ કહેવાય છે કે ભૂલવાને ચિંતા સાથે સંબંધ છે.. તમારું મન કોઈ ટેન્શન અનુભવતું હશે અથવા તો તમે સતત ચિંતિત રહેતા હશો તો તમે ઘણું બધું ભૂલી જતા હશો... એક ની એક ચિંતા કે નાહકની અર્થ વગરની ચિંતા મનમાં બીજા અવરોધ પેદા કરે છે. એવી વ્યક્તિ ભુલકણી હશે ...કોઈ વખત તમે માર્ક કરજો. ભૂલવું ઘણી વખત સાહજિક હોય છે. સતત કામમાં રહેતી વ્યક્તિ ભૂલી જઈ શકે . બીજું આવી સહજ ભૂલોને વય નો કોઈ બાધ હોતો નથી. એ ગમે તે ઉમરે આવું ભૂલી જવું શક્ય છે. બાળકો પણ ‘મમ્મી, આજે લંચ-બોક્સ ભૂલી ગયો કે ગઈ.. અથવા નોટ ભૂલી ગઈ ..એવું બનતું હોય છે, ગૃહિણીઓ આજે દાળમાં મીઠું જ ભૂલી ગઈ..કે પુરુષો આજે ઓફિસે જતા પેન ભૂલી ગયા.. રૂમાલ ભૂલી ગયા.. આવું ભૂલવું સહજ છે.

પરંતુ અમુક રીતે ભૂલવું સહજ હોતું નથી જે ઈરાદાપૂર્વક ભૂલવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિએ આવી ઈરાદાપૂર્વક ની ભૂલોનો પ્રકાર પણ અલગ અલગ હોય છે, જેમ કે બાળકોનું ગૃહકાર્ય ભૂલી જવું,..આજે ટ્યુશન હતું એ તો ભૂલી જ જવાયું.... કે આજે નોટબુક ચેકિંગ હતું યાર, મને તો યાદ જ ન રહ્યું.... આવું બધું ભૂલવું બાળકો માટે સાહજિક હોય છે, વયસ્ક વ્યક્તિઓની ઈરાદાપૂર્વકની ભૂલો થોડી સમજદારી થી કરેલી હોય છે, કોઈ ને કઈ આપવાનું છે અને ન આપવું હોય ત્યારે “અરે , તમે માંગ્યું હતું ...હા હું તો ભૂલી જ ગઈ...” કોઈ જગ્યાએ જવાનું હોય અને જવું ન હોય ત્યારે ભૂલવાનું બહાનું હાથવગું રહે છે. ક્યારેક આપવાના થતા પૈસા/રૂપિયા માં પણ આવું ભૂલવું બની શકે છે. પણ ક્યારેય લેવા માં નથી થતું હો....!! :P

ભૂલવું –વિસ્મરણ સંબંધોમાં કઈ રીતે અસર કરે છે.. મારું માનવું છે કે સંબંધો એક વાર બંધાય પછી એને ભૂલવું શક્ય નથી. હા એને યાદ ન રાખી ને ભૂલી શકાય પરંતુ.. સંપૂર્ણપણે ભૂલવું શક્ય નથી. ક્યારેય કોઈ આપણને થોડું પણ મદદરૂપ થયું હોય એ ભૂલવું ન જોઈએ... માણસનો સ્વભાવ છે.. સ્વાર્થ સરી જાય પછી સંબંધોને ભૂલતા તો નથી પણ ભૂલવાનો દેખાવ કરવામાં આવે છે. લોહીના સંબંધો તો ક્યારેય ભૂલવા શક્ય નથી. કદાચ કોઈ આવો સંબંધ છુટ્યો હશે તો પણ ફરી બંધાયો જ સમજો .. બસ થોડો સમય રાહ જોવી પડે છે. કેટલાકનો સ્વભાવ હોય છે નાની પણ સારી વાત ન ભૂલે. આવી વ્યક્તિ જીવનમાં સંતોષ પામે છે. કેમ કે બધાને યાદ રાખીને એણે બધાનું મન સાચવ્યું હોય છે. કેટલીક વખત સંબધોમાં ભૂલી જવું આશીર્વાદરૂપ પણ બને છે. કેમ કે ભૂલવાથી જીવન માં એક પ્રકારની માનસિક શાંતિ જળવાઈ રહે છે. કોઈ વ્યક્તિની ભૂલ ને યાદ રાખવી સહેલી છે પરંતુ ભૂલી જવું અઘરું છે, સંબંધોમાં આવી બાંધછોડ સંબંધને ટકાવવામાં મદદરૂપ થાય છે. વ્યક્તિની ભૂલો, આપણે જાતે ભૂતકાળમાં કરેલી ભૂલોને પણ ભૂલવી જરૂરી છે. એને કારણે ભવિષ્ય બગાડવું મુર્ખામી છે. આવું યાદ રાખવાથી વ્યક્તિની પોતાની જ શારીરિક માનસિક પરિસ્થિતિ બગડે છે.

ઉમરલાયક વ્યક્તિઓને આવું વધુ થતું હોય છે પસાર થઇ ગયેલા સમયમાં કઈ ન કરી શક્યાનો વસવસો જો યાદ રાખે તો એમની માનસિક પરિસ્થિતિ ડામાડોળ થઇ જાય છે.. અને ડીપ્રેશનનો ભોગ બને છે...આવે વખતે જો આવું યાદ ન કરે તો એ વ્યક્તિ આવી સ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકે... નહિ તો એ જ ડીપ્રેશન એમને ડીમ્નેશિયા(ભૂલવાની બીમારી) સુધી લઇ જાય છે અને એ પરિસ્થિતિ બહુ દુઃખદાયક હોય છે... અને એવે વખતે જિંદગીમાં સુખ હોય તો પણ આવો વસવસો યાદ રાખવાને કારણે વ્યક્તિઓ હાથે કરીને દુખ ઉભું કરે છે. અને જીવન દુષ્કર બનાવે છે. એવા સમયે ભૂલવું ખુબ આશીર્વાદરૂપ બને જો અમુક વાતો જિંદગીમાં કેળવતાં શીખી જઈએ તો..... જીવન સુગમતાથી પસાર કરી શકીએ...અને જે તે વ્યક્તિ માનસિક શાંતિ પામી શકે.

યાદ રાખવું,ભૂલવું, આવું બધું જીવન સાથે જોડાયેલું હોય છે..કેટલીક વાતો યાદ રાખવી ગમે કેટલીક ન ગમે... જે વાતોથી મનને તકલીફ થતી હોય અને જીવન સરળતાથી પસાર કરવામાં વિક્ષેપ કરતી હોય એવી વાતોને ભૂલવામાં જ સાર છે એ જ રીતે.... કેટલીક વાતો, યાદો... જીવનને નવપલ્લવિત કરી મુકે છે તો જયારે મન અશાંત હોય, ઉદાસ હોય ત્યારે એવી વાતોને વાગોળવાથી મન થોડી ખુશી અનુભવે છે..

જીવન બહુ બધી ખાસિયતોથી ભરેલું છે... અને આપણે જો એને માણવું હોય કે..સાદા શબ્દો માં કહું તો એને ભરપુર જીવવું હોય તો એમાં ઘણી વાતો માં એડજસ્ટ થતા શીખી જવું જોઈએ....જે વસ્તુ સાહજિક હોય... એને સ્વીકારી લઈએ... તો આવી બધી પરિસ્થિતિમાંથી બચી શકીએ...એટલે ...

મનુષ્ય તરીકે જન્મ્યા છીએ તો આપણી ખૂબીઓ, ખામીઓ સ્વીકારી લઈએ.... બીજાની ખૂબીઓ,ખામીઓ સ્વીકારી લઈએ...અને જે તે સમયે શું ભૂલવું અને શું યાદ રાખવું એ આવડત શીખી લઈએ તો બેડો પાર...!!

જાહ્નવી અંતાણી