પાલક પિતા Mayur Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાલક પિતા

પાલક પિતા

-મયુર કોરડિયા

mayurkoradiya72@gmail.com


પાલક પિતા

વાળુ પતી ગયું પછી હું વાસણો ધોય રહી હતી. મારાં બાપુ ફળિયામાં ખાટલે બેસીને બીડીના દમ ખેંચી રહીયાં હતાં. મારી 'માં' જીવિત નો'તી એટલે ઘરનું કામ હું સંભાળતી, ઘરમાં આખાં બે જણ હતાં. હું અને મારાં બાપુજી. મારી મોટી બેનને સાસરે વળાવ્યાને ત્રણેક વર્ષ થવા જતાં હતાં.

મારાં બાપુજી જમીનદારોનાં ખેતરમાં પગીપણુ કરતાં જમીન માલિકો બે જણને બાર મહિના ચાલે એટલું ધાન અને બીજી ખાધાં ખર્ચીની થોડી રોકડ આપતાં. એમાં માંડ માંડ ઘર ચાલતું મે મારી યુવાનીનાં બધાં અરમાનો રોળી નાંખ્યાં હતાં કેમ કે બાપુથી મારૂ પેટ ભરવા ખાતર જ આટલી મહેનત થઇ શકતી હતી. લગભગ એકાદ વર્ષ પહેલાં મારી મોટી બેન સાસરેથી જિયાણાનું આણું વળવા માટે આવેલી હતી. એ સમયે તો ઘરની તાવડી ટેકો જ લઇ ગયેલી પણ ગામમાં એક સાવ એકલો માણસ, નામે ભીખાભાઈ. બધાં તેને ભીખાકાકા નામથી ઓળખાતા. તેનાં ઘરમાં બૈરી કે છોકરું-છૈયુંય નહિ. એ ત્રણ-ચાર બકરાં રાખે અને તેનાં પર ભીખાકાકાની જીવાદોરી નભે! મોટીબેન આણું વળવા આવી એ વાંકમાં ભીખાકાકાએ અમને એક દૂજણું બકરૂં રાખવા આપેલું. અમારા ઘર પર અને મોટીબેન પર ભીખાકાકાની બકરીનાં દૂધનું ૠણ રહી ગયેલું.

બાપુએ બીડી હજુ ઓલવી જ હશે એટલી વારમાં કોઇએ ફળીમાં પગ મુક્યો. જોકે અંધારામાં ઓળખાય તેમ ન હતું. દીવાનું અજવાળું ઠેઠ ઝાંપા સુધી પહોંચતું ન હતું કેમ કે તેલ ઓછું બળે એટલાં માટે દીવાની વાટ નાની રાખી હતી. આવેલો માણસ દીવાનાં અજવાળામાં આવે એટલી વારમાં બાપુએ રઘુને ઓળખી લીધો હતો. બાપુ રઘુનાં બાપનાં ખેતરમાં જ કામ કરતાં હતાં એટલે રઘુનું અમારાં ઘરે આવવાં-જવાનું રહેતું પણ રઘુને આટલો મોડો આવેલો જોઇને મને આંચકી લાગી. વળી પાછું થયું કે ખેતરનાં કામ બાબતે કંઈક વાત કરવાની હશે. બાપુ ખાટલામાં થોડાં પાંગત બાજુ ખસ્યા અને રઘુને બેસવાની જગ્યા કરી આપતાં આપતાં જ પૂછી લીધું,

"કેમ રઘુભાઈ અટાણે આવવાનું થયું? સૌ સારા વાનાં છે ને?"

"હું આજે શે'રમાં ગયો હતો. ત્યાં તમારાં દીકરીનો ભેટો થઇ ગ્યો, ખબર આપ્યાં છે કે તમારાં જમાઈને કમળો થઇ ગયો છે અને દવાખાનામાં છે. સમય મળતાં તમને ખબર પૂછવા બોલાવ્યાં છે અને આ ટીકીટ-ભાડાનાં પૈસા પણ આપ્યાં છે." એમ કહેતાં રઘુએ બાપુનાં હાથમાં પૈસા મૂક્યાં.(સાસરિયામાંથી પણ બેન બાપુની સ્થિતિની કેટલી ચિંતા કરતી હશે!!) રઘુ આગળ આગળ બોલ્યે જતો હતો ત્યારે બાપુનો ચહેરો ચિંતાથી ઝંખવાય ગયો હતો.

"હે? તો તો વધું બીમાર હશે કાં?" બાપુની અધીરાય વધતી જતી હતી.

"હું થોડો ઉતાવળમાં હતો એટલે વધું ઉભો રહીને વાત કરાય તેમ ન હતું." રઘુએ જવાબ આપ્યો.

મે વાસણ ધોતાં ધોતાં રઘુનો આવો જવાબ સાંભળ્યો. બેન મળી હતી! દવાખાનામાં દાખલ છે! ઉતાવળમાં હતો! ઉભા રહીને વાત કરાય તેમ ન હતું!! મારામાં એક વિચાર-વંટોળ આવી ગયો. હાથપગ ઠંડા પડી ગયાં. હવે બાપુને મનમાં થયું હશે કે રઘુને વધારે એકપણ સવાલ કરવો નથી. એમ મને લાગ્યું.

"જાવ છું કાકા" કહીને રઘુ ઉભો થયો.

"હા રઘુભાઈ" બાપુ આટલું જ બોલ્યાં

દીવામાં તેલ ઓછું થઇ ગયું હોય એમ મને લાગ્યું કેમ કે પ્રકાશ થોડો ઓછો થયો હતો. હજુ સુધી હું કે બાપુ કશું બોલ્યા ન હતાં. માણસ સ્વત: પોતાની જાતને નાકામ સ્વીકારી લે ત્યારે તેનો અવાજ અંદર જ શમી જતો હોય છે. અમારા ઘરમાં સંવાદ બહુ જ ઓછો થતો કારણ કે હું પ્રયત્ન કરું તો પણ બાપુનાં મોં માંથી ખાસ શબ્દો નીકળતાં જ નહિ. આમને આમ ઘરમાં વાત કરવાનો સિલસિલો લગભગ મૃતપ્રાય થઇ ગયો હતો. મને આગળ ઘણાં વિચારો આવતાં જતાં હતાં. ત્યાં બાપુનાં મોઢામાંથી શબ્દો વેરાયા...

"હે દીકરી..." વિચારીને કંઈક બોલવાનું હોય એમ બાપુ મને સંબોધીને અટકી ગયાં. હું ધોયેલા વાસણો ઉંધા વાળતી વાળતી કંઈ બોલ્યાં વિના બાપુની સામે જોઈ રહી. બાપુ આગળ કંઈક બોલે તેની રાહમાં મેં કામ થોડીવાર અટકાવ્યું.

"હું કાલે વે'લી સવારે બકાલાની સાંઢિયા ગાડીમાં શે'ર જઇ આવું" બાપુનો જીવ ઉચાટમાં હતો કેમ કે દવાખાને દાખલ કરે એટલે બીમારી લગભગ અસાધ્ય ગણાતી!

"હા બાપુજી" હું એટલું જ બોલી.

  • આ ઘટનાને બે વર્ષ થયાં હશે. મોટી બેન વિધવા થઈને ઘરે આવેલી હતી. બાપુને આ વાતનો ઉંડો આઘાત લાગ્યો હતો. ડુકી ગયેલા માણસ પર વધારે બોજ પડ્યો હતો. જિંદગીનાં દુ:ખને રાત્રે અંધારામાં આંસુથી વહાવતા બાપુને મે ઘણીવાર જોયેલાં! હું સાવ બેબસ હતી. બાપુ પહેલા ક્યારેય ઘરે બેસવા આવેલા માણસને મારા સગપણની વાત કરતાં પણ બેનનાં આવ્યા પછી તો એ બધું બંધ થઇ ગયેલું!

    આજે રાત્રે બાપુ મોડા ઘરે આવ્યા હતાં એટલે મારે ઘરકામમાં આટોપવામાં મોડું થયેલું. શિયાળાની પૂરજોશ ઠંડીની રાતો ચાલતી હતી. સમીસાંજથી જ કોઇ માણસનું જણ્યુ રસ્તે પડતું ન હતું. બાયું-છોકરાં સૌ સાંજ પડતાં જ પથારીમાં ભરાઇને બેસી જતાં. ઠંડીનો ભરડો એટલો અક્કડ હતો કે માણસને જાણે હમણાં જ ઉભે ઉભો થીજવી નાખે અને એમાં ઉપરથી પાછો ટાઢોબોળ સુસવાટા કરતો વાયરો. ઢોર-ઢાંખર પણ ગમાણમાં અને કોઢમાં ગોટો વળીને ભરાય જતાં હતાં. ક્યાંક તાપણાં સળગવાનો પીળો ઉજાસ નજરે પડતો અને ક્યાંક તાપણે તાપી રહેલાં લોકોનો આછોઆછો ગણગણાટ કાને પડતો હતો.

    શિતાગાર પાણીમાં વાસણ ધોય લીધાં પછી હું ધ્રૂજતી ધ્રૂજતી હાથ કોરાં કરી રહી હતી. ત્યાં ભીખાકાકા આવ્યાં. બેવડો સોફાળ ઓઢેલો, માથાં ઉપર માથાબંધણું અને આખાં ડીલને સંકોચીને સોફાળમાં સમાવતા આવી અને બાપુ પાસે ખાટલે બેઠાં. પગ ખાટલે ચડાવીને સોફાળમાં સંકોરી લીધાં.

    થોડાં સમય પહેલા એક વાત અધૂરી રહી ગયેલી. બેનનું બીજું માંડવાનું તો નક્કી કર્યું હતું પણ સામેનાં માણસે આંગળિયાતને રાખવાની ના પાડી હતી એટલે વાત આગળ ચાલી નહિ અને પડતી મૂકાય હતી.

    અત્યારે ભીખાકાકા એ આવીને એ વાત ઉખેળી. ભીખાકાકા સાવ એકલા માણસ અને ઉંમર પણ વધતી જતી હતી. જિંદગીની નમતી સાંજે તેનો આધાર બની શકે તેમ કોઇ ન હતું. ભીખાકાકાએ ભીના અવાજે બેનનાં ભાણાને ઉછેરવાની અને પાલન કરવાની તૈયારી બતાવી.

    તુટી ગયેલાં મોતીની માળા ફરી પરોવતા હોય તેમ બાપુ અને બેને ભીખાકાકાની વાતમાં સંમતિ ભરી કેમ કે મોતી વેડફી દેવાના ન હતાં, પછી તો બેનનો "વાસુ" ભીખાકાકાનાં ત્રણ બકરાં અને એક ઝૂંપડાનો વારસદાર બન્યો! બેનનું બીજું ઘર મંડાય ગયું. હવે મારા બોજ સિવાય બાપુ હળવા થઇ ગયાં હતાં.

    થોડાં જ વર્ષોમાં બાળગોપાળ વાસુ ભીખાકાકાની જગ્યાએ બકરાં લઇને નીકળવા લાગ્યો. થોડી સમજદારી આવી ત્યાં ત્રણમાંથી પાંચ-સાત બકરા કર્યા. થોડાં સમયમાં એક ગાય પણ લીધી. ધીમે ધીમે ઢોરનો ઘેરો મોટો કરવા લાગ્યો. વાસુને એક પછી એક પગથિયાં ચડતાં મે જોયો હતો.

  • રઘુ સાથે મારાં લગ્ન થયાં એને ઘણાં વર્ષો વીતી ચૂક્યાં હતાં. રઘુનાં ખેતરમાં કામ કરવાનું છોડીને મારાં બાપુ, રઘુનાં બાપુ અને બન્ને શે'રમાં રહેવા આવી ગયાં હતાં. અમારો પરિવાર ખૂબ હર્યોભર્યો થઇ ગયો હતો

    વાસુ શે'રમાં દૂધ વેચવા આવવાં લાગ્યો ત્યારે ખબર પડી હતી કે તેણે ધંધો ખૂબ વધાર્યો છે. હવે તો તેણે શે'રમાં દૂધડેરી પણ ચાલું કરી દીધી હતી અને વાસુનાં માણસો જ અમારાં ઘરે દૂધ આપવા આવતાં હતાં.

    આજે થોડાં વર્ષે અમે ફરી ગામડે આવ્યાં હતાં. ગામથી એક ગાઉ દૂર મુખ્ય રસ્તો નીકળતો હતો. ત્યાં ગામની અંદર પ્રવેશ કરતાં જ વિશાળકાય પ્રવેશદ્વાર જોયું. જે પહેલા ન હતું. ગામનાં કીર્તિસ્તંભ સમી એની ચણાવટ હતી. રાજાધિકારી જેવાં કોઇ અતિશ્રીમંત માણસે તે ચણાવ્યાનો ભાસ થતો હતો. ત્યાં દ્વાર પર ભીખાકાકા અને બાપુનું નામ વાંચીને હું દંગ થઇ ગઇ. આટલી શ્રીમંતાઈની વાત વાસુ ઘણીવાર મળતો તોય કરી નહોતી. હું તો દિગ્મૂઢ જ હતી ત્યાં આગળ જતાં રોડની એક બાજુ પાણીનાં પરબ પર ભીખાકાકા અને બાપુનું નામ!! ગામમાં પહોંચતાં પાદરમાં જ સ્ટેશન! ગ્રામકુવો અને પાણી ભરતી પનિહારીઓ! નાવાનો ઘાટ! વિશાળ, વૃક્ષાચ્છાદિત અને શિતળ વિશ્રામસ્થળ! ગામમાં મહેમાન ગૃહ! અહા, ઠેરઠેર દરેક જનકલ્યાણનાં કામોમાં ભીખાકાકા અને બાપુનું નામ!! વાસુની આટલી પ્રગતિ જોઇ આંખોમાં પાણી આવી ગયાં. એણે શ્રીમંતાઈ પણ ક્યાં બતાવી ભીખાકાકા અને બાપુનું કરજ ચૂકવવા.

    મને યાદ આવી ગયું કે બેન વાસુનાં જન્મ વખતે ઘરે આવી હતી ત્યારે ભીખાકાકાએ એક બકરી દૂધ ખાવા માટે આપી હતી! મારાથી આંસુઓ રોકી ના શકાયાં. વાસુએ તેનાં સમગ્ર અસ્તિત્વ અને સફળતાનો શ્રેય તેનાં પાલક પિતાનાં નામે કરી દીધો હતો.

    -મયુર કોરડિયા