વૃંદા Mayur Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૃંદા

વૃંદા

મયુર કોરડિયા

Email: mayurkoradiya72@gmail.com


વૃંદા

ગામમાં નવાં માસ્તર આવી રહ્યા છે એવાં વાવડ ગામલોકોને મળ્યા હતાં. નાનકડા ગામની વસ્તી ઓછી એટલે એક શિક્ષક જ શાળા ચલાવતાં. માંડ ગણ્યા-ગાંઠ્યા છોકરાઓ શાળાએ આવતાં. જૂના માસ્તરની બદલી થઈ એના બે દિવસમાં જ નવા માસ્તર નિશાળની દોર સંભાળવાના હતા.

બે દિવસ બહાર ફરવા જઈએ એટલો સામાન લઈને માસ્તર શાળામાં પહોચેલા. લગભગ ૪૦-૪૫ વર્ષની વય. નવા માસ્તરને જોવા માટે બાળકોને બે દિવસની રાહ જોવી પડી હતી. નિશાળમાં નવા માસ્તર આવી ગયાનાં સમાચાર સાંભળી ગામ આખાનાં બાળકોમાં એક અનેરો ઉત્સાહ હતો. જાણે એને મન ઉત્સવ હતો. બાળકો બારણામાંથી ડોકાઈને નવા માસ્તરને જોઈને જતાં રહેતાં હતાં. નિશાળ આવતી કાલથી શરુ થવાની હતી.

શાળાનાં એક ખૂણામાં જૂના ઓરડામાં જ માસ્તર રોકાયા. ગામમાં કોઈ પરિચય નહીં. ગામનાં આગળ પડતાં લોકો માસ્તરને મળી ગયાં હતાં. સરપંચે પોતાનાં જ ખાલી મકાનમાં રહેવાની ભલામણ કરી પણ માસ્તરે હમણા અહીં જ ખાલી ઓરડામાં રોકાવાનો આગ્રહ રાખ્યો. આજે પહેલો જ દિવસ હોવાથી એક આગેવાનને ત્યાં સાંજનું જમવાનું ગોઠવાયું હતું.

બીજા દિવસે સવારે શાળા વિધિવત્ ખૂલી. બાળકો વહેલી સવારથી જ મેદાનમાં રમતાં હતાં. બાળકોનાં ગેલ અને ખેલથી આજે મેદાન જીવંત લાગતું હતું. શાળા સમય થતા માસ્તરે બધાં બાળકોને બોલાવ્યાં અને કતારબંધ બોસાડ્યા. પોતાનો નવાં માસ્તર તરીકેનો પરિચય કરાવ્યો.

બધાં બાળકો થોડાં છૂટા છવાયા બેઠાં હતાં પણ એક બાળકી આગળ થોડું ભીડ જેવુ લાગતુ હતુ. એ બાળકી બધાથી અલગ તરી આવતી હતી. એનો માસુમ ચહેરો, તંદુરસ્ત શરીર, બીજા સામે થોડું હસે ત્યાં તેનાં હૃષ્ટપૃષ્ટ ગાલોમાં ઉંડે સુધી ખાડા પડી જતા હતા. વાળ કતારમાં ગોઠવેલા હોય એમ વ્યવસ્થિત બાંધેલા અને કપડાં એકદમ ચોખ્ખા હતાં.

માસ્તરની એકલતા બાળકીનાં ગાલ પરનાં ખાડામાં ઉંડે સુધી ઉતરી ગઈ. તે અનિમેષ થઈ બાળકીનાં ખંજનમાં જ પોતાની એકલતા ખાળી રહ્યા. પુત્રનો જન્મ આપતી વખતે જ પત્નીને ખોઈ બેઠેલા માસ્તર નાની ઉંમરમાં જ વિધૂર થયેલા. નવજાત પુત્રનો ઉછેર માસ્તર કરી શકે તેમ ન હતા. જન્મતાની સાથે જ પુત્રને પત્નીનાં પિયરમાં મોકલી દેવાયેલો. માસ્તર ત્યારથી એકલા જીવન ગુજારે! માત્ર બે-અઢી વર્ષનું

દાંપત્યજીવન સાંપડેલું! માસ્તરનાં એકલવાયા જીવનમાં આ સમયગાળો મરુસ્થલમાં લીલોતરીનાં નાનાં ટૂંકડા સમાન હતો. પત્ની વિરહનું દુઃખ ખાળવા માસ્તરે નિશાળને જ પોતાનો સહારો બનાવેલી.

બાળકીનાં ખંજન પરથી અચાનક જ માસ્તરનું ધ્યાન વિચલિત થયું. બાળકી હજુ પણ બાજુમાં બેઠેલા બીજા બાળક સાથે બાળચેષ્ટાઓ કરી રહી હતી. માસ્તરે બાળકીને પોતાની પાસે બોલાવી.

"બેટા, અહીં આવ તો નન્હી પરી!"

(બેઠેલા બીજા બાળકોમાથી પણ ગણગણાટ થયો. તેના તરથી માસ્તરને ખબર પડી કે બાળકો તેને 'પરી' નામે જ બોલાવતાં)

"દીકરી! શું નામ છે તારું?"

"વૃંદા" છએક વર્ષની બાળકીએ જવાબ આપ્યો.

એવુ લાગ્યુ જાણે કે આ નાનકડા સંવાદમાં માસ્તરે પોતાની એકલતાની બધી લાગણીઓ ઠાલવી દીધી.

એક દિવસ વૃંદા તેનાં માતા-પિતા સાથે ટ્રેનમાં મામાનાં ઘરેથી ગામડે આવી રહી હતી ત્યારે બદનસીબે ટ્રેન અકસ્માતનો ભોગ બનેલી અને વૃંદાએ અચાનક જ માતાપિતાની છાયા ગુમાવેલી!! ત્રણ વર્ષની વૃંદા ત્યારથી જ આખા ગામની હમદર્દી મેળવી ચૂકેલી. બધાની વ્હાલસોયી બની ગયેલી. ત્યાર પછીથી વૃંદાનો તેનાં દાદા-દાદી ઉછેરતાં હતાં.

વૃંદા માસ્તરની લાડકી થવાં લાગી હતી. માસ્તરે વૃંદાને પોતાની વ્હાલી દીકરી માફક રાખવા માંડ્યું હતું. શાળા સમય સિવાય પણ વૃંદા પોતાની બે ત્રણ બહેનપણીઓ સાથે માસ્તરને ત્યાં જ રમ્યાં કરતી. વૃંદાનો ઉછેર દાદા-દાદી કરતાં માસ્તર પાસે વધારે થવા લાગ્યો. સમયને જતા શુ વાર લાગે? જોતજોતામાં વૃંદાએ સાતમું ધોરણ પાસ કરી લીધું. સાત વર્ષ સુધી વૃંદાએ માસ્તર પાસેથી પિતૃપ્રેમ મળ્યો.

દાદા-દાદીની એકલતાને વૃંદાએ જ હરીભરી રાખી હતી. 'વ્યાજનું વ્યાજ વધું વ્હાલું લાગે' એમ વૃંદા પણ દાદા-દાદીનાં પ્રાણ સમાન હતી. ગામમાં સાત ધોરણથી આગળ અભ્યાસની સગવડ ન હોવાથી વૃંદાને ભણાવવા માટે દાદા-દાદીએ તેને શહેરમાં મોકલવાનો નિર્ણય કર્યો. માસ્તરે પોતાનાં શહેરમાં જ મોકલવા ભલામણ કરી આપી પણ વૃંદાનું બધાને છોડીને જવું એ માસ્તર અને દાદા-દાદીની છાતી પર પથ્થર રાખવા સમાન કઠોર હતું.

સમય પણ કેવો કરવટ બદલે છે! આ બાજુ વૃંદા શહેરમાં ભણવા આવી અને પેલી બાજુ માસ્તરની પણ શાળામાંથી બદલી થઈ! ફરી માસ્તર એકલા થયાં! દાદા-દાદી માટે હવે કોઈ કલબલાટ કરનારું રહ્યું. શહેરમાં વૃંદા વધારે ભણવાની સાથે વધુને વધુ મોટી પણ થવાં લાગી!

* * *

વૃંદા શહેરની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર બની ગઈ. શહેરના આગળ પડતાં શિક્ષણવિદ્દોમાં વૃંદાનું નામ ગુંજતું હતું. શિક્ષણજગતમાં તે મોટી સિદ્ધિ સમાન હતું.

લાગણી પણ કેવી વહી પડે છે! વૃંદાની નજર તેની જ કોલેજમાં હમણાં જ નવાનવા નેકરી પર લાગેલા એક દેખાવડા યુવાન સાથે મળી. બંને પ્રોફેસર હતાં. સાથે કામ કારવામાં વધુને વધુ નજીક આવતાં ગયાં. બંને મનોમન એકબીજાને પ્રેમ કરવાં લાગ્યાં હતાં અને પ્રેમ ધીરજ પણ કેટલી ધરી શકે!?? યુવાન પ્રોફેસરે અચાનક વૃંદાનો હાથ પકડી લીધો. કોઈથી કશું બોલી શકાયું નહિ. બંને એકબીજાની લાગણી સમજતાં હતાં પણ પ્રેમનો એકરાર બાકી રહી ગયો.

યુવાન પ્રોફેસર તેનાં પિતાની તબિયત બગડવાથી હમણા રજા પર હતો. વૃંદા કોલેજમાં બે દિવસથી તેના વગર વ્યથિત લાગતી હતી. આજે કોલેજનો સમય પૂરો થાય પછી વૃંદા યુવાનનાં પિતાનાં ખબરઅંતર પૂછવા જવાની હતી.

ફોન પર વાત કરીને સરનામાનાં આધારે વૃંદા તેના ઘરે પહોંચી પણ પિતાજી આરામમાં હતા. દરવાજો ખોલવાથી તેની આંખ ઉઘડી ગઈ અને બહું મહેનતથી પથારીમાં બેઠા થયા. યુવાનનાં પિતાને જોઈને વૃંદા સ્તબ્ધ થઈ ગઈ! એ માસ્તર!! જેણે મને બાળપણમાં પિતૃપ્રેમ આપ્યો! આ યુવાન પ્રોફેસરનાં પિતા! માસ્તરનાં માથાનાં બધા વાળ સાવ સફેદ થઈ ગયા હતા, જે સમય બહું વીતી જવાના સાક્ષી હતા. વૃદ્ધાવસ્થા ભરડો લઈ ચૂકી હતી. યુવાનનાં પિતાએ જીણી આંખ કરીને જોયું...

"આવ બેટા વૃંદા!! મારી નન્હી પરી!!"

વૃંદાની આંખોમાંથી દડ-દડ આંસુ ટપકવાં લાગ્યાં.

"દીકરા કપીલ, આ વૃંદા મારી પાસે ભણી છે હો! મે ઉછેરી છે!"

(માસ્તરે બંનેનાં માથા પર હાથ મૂક્યો.)

-મયુર કોરડિયા