રમખાણો ગુજરાતના Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમખાણો ગુજરાતના

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

રમખાણો ગુજરાતના

નવી પેઢીને ખબર નહિ હોય આઝાદી પહેલાથી અમદાવાદમાં એટલે કે ગુજરાતમાં કોમી તોફાનો થતા હતા. ગુજરાત આખી દુનિયામાં વગોવાઈ ગયું ગોધરાકાંડ પછીના રમખાણોને લીધે. તે વખતે આપણે કહીએ છીએ ૨૦૦૦ મુસ્લિમોની હત્યા થઈ પણ ખરેખર ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિંદુઓ માર્યા ગયેલા, ૨૫૪૮ ઈજાગ્રસ્ત, ૨૨૩ મિસિંગ હતા. એટલી જ હત્યાઓ નાગપુરમાં થયેલા તોફાનોમાં પણ થઈ હતી. માર્ચ ૨૦૦૨માં થયેલા તોફાનો તો કશું નહોતા. ૧૯૬૯ અને ૧૯૮૫માં થયેલા તોફાનો વધુ ભયંકર હતા. ૧૯૬૯માં અમદાવાદમાં કર્ફ્યુ ૬૫ દિવસ ચાલ્યો હતો. ગુજરાતમાં કૉમ્યુનલ રમખાણોનો ઇતિહાસ બહુ જુનો છે, બહુ જૂની વાતો જવા દો તો સન ૧૭૧૪ થી તો ખરો જ. સંઘ પરિવારનો જન્મ ૧૯૨૫માં, જનસંઘ ૧૯૫૧માં, વિશ્વહિંદુપરિષદ ૧૯૬૪માં, બીજેપી ૧૯૮૦માં અસ્તિત્વમાં આવ્યા. મહંમદ બિન કાસીમ સિંધ ઉપર હુમલો કરી રાજા દાહિરને ૭૧૨મા હરાવે તે પહેલાં ૬૩૬મા આરબ વેપારીઓ મુંબઈ નજીક થાણા ઉપર હુમલો કરી ચૂક્યા હતા.

ગઝનીની વાત જવાદો. છેલા ૧૨૫ વર્ષમાં કોમી તોફાનો થવા ભારત માટે કોઈ નવી વાત નથી. ૧૮૮૦ થી આખાયે હિન્દુસ્તાનમાં કોમી તોફાનો થવા કોઈ નવી વાત નહોતી, પણ ગુજરાત એમાં સૌથી વધુ સંવેદનશીલ હતું. ૧૩૯૯મા એકલાં તૈમુરે, મતલબ એના હુમલા વખતે, એક લાખ હિન્દુઓની હત્યા કરેલી એવું કહેવાય છે.

ખાલી અમદાવાદની વાત કરો તો છેલ્લા ૫૦૦ વર્ષમાં અમદાવાદ શહેર ૩૪૦ વર્ષ મુસ્લિમ અને મુઘલોના તાબા હેઠળ રહ્યું બાકીના વર્ષ મરાઠા અને બ્રિટીશનાં તાબા હેઠળ રહેલું.

*૧૭૧૪મા હરિરામ નામના કોઈ હિન્દુએ હોળી ઉપર મિત્રો ઉપર ગુલાલ છાંટતા કોઈ મુસ્લિમ મિત્ર ઉપર પણ છાંટી દીધું. ધમાલ ચાલુ. કોઈ મુસ્લિમ કાજીએ એને ઠંડુ પાડવા અપીલ કરી તો ટોળાએ કાજીનું જ ઘર સળગાવી દીધું. મૂળ અફઘાન સૈનિકો પણ એમાં જોડાયા પણ કપુરચંદ ભણસાળી નામના હથિયારધારી સૈનિકોના જૂથનાં વડાને લીધે તે તોફાનો કાબુમાં આવ્યા હતા તેવું કહેવાય છે.

*૧૭૧૫મા મુસ્લિમ સૈનિકો દ્વારા ફરી હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી પણ દાઉદખાન નામના સૈનિકોના વડા ને બદલી નાખવાથી તે કાબુમાં આવી ગયું.

*૧૭૧૬, ૧૭૫૦, ૧૯૨૭, ૧૯૪૧, ૧૯૪૬ ની રથયાત્રા વખતે, ૧૯૫૩મા ગણપતિ ઉત્સવ વખતે, ૧૯૬૫મા બે શીખ રિક્ષા ડ્રાઈવરોનું ખૂન મુસ્લિમો દ્વારા થતા કોમી રમખાણો થયેલા.

*૧૯૬૯માં ઐતિહાસિક કોમી રમખાણ થયેલા. સત્તાવાર આંકડા મુજબ ૬૬૦ મર્યા, ૧૦૭૪ ઘાયલ, ૪૮૦૦૦ લોકોએ માલમિલકત ગુમાવી, ૪૨૦ લાખ રૂપિયાની પ્રૉપર્ટી નાશ પામી. સરકાર હતી કોંગેસના હિતેન્દ્ર દેસાઈની. શરૂઆત કઈ રીતે થઈ અને નેતાઓએ એમના રોટલા શેકવા શું ભાગ ભજવ્યો તે જોવા જેવું છે. આપણું ટોલરન્સ સાવ ગુમાવી બેઠાં છીએ. ટ્રાફિકને નડતર રૂપ હશે કશું તે કોઈ પોલીસ ઓફિસરે હટાવ્યું ટોળું ભેગું થયું ને બારેક પોલીસ ઘાયલ. અકસ્માતે એ પોલીસ ઓફિસર હિંદુ હશે. ફરી આવું કશું કોઈ તહેવાર નિમિત્તે બન્યું હશે અકસ્માતે તે ઓફિસર મુસ્લિમ હશે. નેતાઓને ફાવતું જડી ગયું. હિંદુ મુસ્લિમ નેતાઓએ પોતપોતાની ઘેટાં પ્રજાને ભાષણો આપી ઉકસાવી રાખી હતી.

ક્રોધ તમારા અનકોન્શ્યસમાં ભેગો થતો હોય છે. રોજ રોજ તમે ક્રોધિત થતા નથી. પણ એ ભેગો થતો જાય છે. અને જરાક સળી કોઈ કરે બધો ભડકો જ્વાળામુખીની જેમ બહાર આવી જતો હોય છે. ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૯ ની એ ગોઝારી સાંજે બહાનું મળી ગયું. જગન્નાથ મંદિરની ગાયો ભરચક રસ્તેથી કેટલાક સાધુઓ પછી લાવતા હશે. ગાયો તોફાની હશે. એમાં કોઈને વાગી ગયું હશે. એમાં કેટલાકે સાધુઓ પર હાથ સાફ કર્યો હશે. મહંત સેવાદાસજી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર ઊતરી ગયા. તો સામે ૧૫ મુસ્લિમ સભ્યોનું ટોળું લઈ એ.એમ. પીરઝાદા મહંતને મળીને માફી માંગી ગયા તો મહંતે પણ માની લઈને ઉપવાસ છોડી દીધા. વાર્તા તો અહીં પૂરી જ થઈ ગઈ હતી. પણ અફવા બજાર કોને કહેવાય? મંદિર નજીક દરગાહને નુકશાન કરવામાં આવ્યું છે અને એના વિરોધમાં ૩૦૦૦ મુસ્લિમોએ મંદિર પર હુમલો કર્યો છે તેવી અફવાઓ જોતજોતામાં વગર વોટ્સએપ કે વગર ફેસ્બુકે વગર મોબાઈલ કે વગર ઇન્ટરનેટ ફેલાઈ ગઈ ને ધમાલ ખૂનામરકી ચાલુ. આર્મી અને કર્ફ્યુ સિવાય બીજો કોઈ ઉપાય હોય ખરો?

૧૯૫૭માં વિજાપુરમાં મારો જન્મ. બહુ નાનો હોઈશ પણ વિજાપુરમાં થયેલા કોઈ અંદોલન કે કોમી તોફાનમાં એક નિર્દોષ કડિયાને કોઈએ છરી મારીને મારી નાખેલો મારા ઘરની બરાબર પાછળ જ. એની મરણચીસ મારા મધરે સાંભળી હતી અને કાયમ તેની વાત કરતા. હું ભલે નાનો હોઈશ પણ મારા બ્રેને તે મરણચીસ ધ્યાનમાં લીધી જ હોય. મારા મધર હજુ તે પ્રસંગને યાદ કરે છે. વિજાપુરની આશ સેકન્ડરી હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અચાનક તોફાન(૧૯૬૯) શરુ થયા છે ભાગો એવી રાડ સાંભળતા અમે ઘર તરફ દોટ મૂકતાં.

પોલીસ આજની એવી નથી, વર્ષોથી આવી જ છે. કારણ વર્ષોથી આપણે એવા જ છીએ, અને પોલીસ આપણામાંથી ભરતી થયેલા આપણા ભાઈઓની જ બનેલી છે. વિજાપુરનો જૈન દોશીવાડો એકદમ પેક. એના મુખ્ય તોતિંગ દરવાજા બંધ કરો એટલે વાર્તા પૂરી. એવા તોતિંગ દરવાજામાં એક નાનો દરવાજો હોય જેમાંથી માણસ વાંકો વાળીને જઈ શકે. અંદર એક જૈન દેરાસર પણ હતું. કોમી તોફાનના વાતાવરણમાં દરવાજા બંધ કરીને જૈન બિરાદરો સલામતી અનુભવતા બેઠાં હશે અને કરફ્યુમાં ફરજ બજાવતા કોઈ વિકૃત મગજના SRP વાળાએ નાનકડું પેલું વા’બારીયું આઘુંપાછું કરીને એમાંથી રાઈફલ ખોસીને ગોળીબાર કર્યો. દેરાસરના ઓટલે બેઠેલા મૂળ વિજાપુરના નહિ કોઈના ઘેર મહેમાન પધારેલા નિર્દોષ યુવાનનો જીવ તે ગોળીએ લઈ લીધો. બીકણ વાણિયા લાશ ત્યાં પડતી મૂકીને સૌ સૌના ઘર ભેગાં થઈ ગયેલા. ત્યારે વિજાપુરના સરકારી દવાખાનાના સરકારી ડૉક્ટર એવા ડૉ. એ. કે. પટેલ સાહેબ કર્ફ્યૂની પરવા કર્યા વગર લારીમાં લાશ લઈને પોસ્ટ મોર્ટમ કરી, વિજાપુરના અગ્રણી નાગરિકો, વકીલો અને ડોકટરોને ભેગાં કરી કરફ્યુમાં તે લાશનો સંસ્કાર કરેલો. ત્યાર પછી એમને એમની તે બાહોશીના લીધે જનતા પાર્ટીની ટિકિટ મળી ધારાસભ્ય બન્યા અને આખા ભારતમાં જ્યારે ભાજપની ફક્ત બે જ સીટો લોકસભામાં આવેલી એમાંની એક ડૉ એ. કે. પટેલ સાહેબ જીતી લાવેલા તે હિસ્ટ્રી બની ગઈ. એક સીધાસાદા ડૉ’ને એક નેતા બનાવી દેવામાં એક બુદ્ધિહીન એસ.આર.પી વાળનું કરેલું અમાનુષી મર્ડર હતું. મર્ડર શબ્દ જાણી જોઇને વાપર્યો છે.

બહુ નાનપણથી મેં દુકાનો બાળવી, તોડવી, એ જમાનામાં લારીઓ સળગાવવી બધું જોએલું જ છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક નાનકડા ટાઉનમાં જ આ બધું જોએલું છે. ત્યાર પછી ભણવા વડોદરે આવ્યો એટલે આ બધું બહુ મોટા ફલક ઉપર જોવા મળ્યું. હવે રીક્ષાઓ બાળવી, સિનેમા ગૃહોને આગ લગાડવી અને બસો બાળવાનું જોવા મળવા માંડ્યું. ન્યાયમંદિર જોડે આવેલી પ્રિન્સ ટૉકીઝ તો કેટલી વાર બળી હશે તેને પોતાને જ ખ્યાલ નહિ હોય. હજારોના ટોળા સામે જીવના જોખમે ઝઝૂમતી પોલીસ પણ મેં જોઈ છે.

ઓછામાં ઓછા ૧૦૦ માનવોના જીવ ગયેલા અને હજારો ઘાયલ અને આઠેક હજાર ધરપકડનો આંકડો ધરાવતું ૧૯૭૪નુ નવનિર્માણનું રાજકીય મહત્વાકક્ષાઓથી ભરેલું આંદોલન પણ મેં જોયું છે. નવી પેઢીને ખબર નહિ હોય પુરા બે મહિના આ અંદોલન ચાલ્યું હતું. એમાંનો એક મહિનો હું વડોદરામાં હતો અને એક મહિનો વિજાપુરમાં. પુરા બે મહિના આખું ગુજરાત અરાજકતા વડે છવાયેલું. પોલીસ પણ માણસ છે એને પણ જીવ હોય કે નહિ? બબ્બે મહિના સુધી ડ્યુટી બજાવવી આવા તોફાનોમાં કોઈ સહેલી વાત નથી. પોલીસ પણ ઉશ્કેરાઈ જઈ શકે, તેવા સમયે ખુદ પોલીસ કમિશ્નરને મેં એની પોલીસ સામે લાઠી ઉગામતો જોયો છે, કે કંટ્રોલ કરો. મને લાગ્યું કે આ આંદોલન ક્યારે પૂરું થશે ખબર નહિ તો હું ટ્રેનમાં બેસી વિજાપુર પહોચી ગયો, કારણ બસો બંધ હતી.

હું પોતે અનુભવ મળે તે ખાતર વિજાપુરથી નીકળેલ રેલીમાં જોડાઈ ટોળાએ એક હાઈજેક કરેલી એસ.ટી ની બસમાં બેસી મહેસાણા કલેક્ટર ઑફિસમાં પહોચી ગયેલો. પોલીસવાન બંદુક ધરીને અમારું સ્વાગત કરવા તૈયાર હતી. તે જોઇને થોડી ગભરામણ પણ થઈ ગયેલી. હહાહાહાહાહા ઘેર આવ્યા પછી પિતાશ્રી તરફથી બહુ મોટી ડાટ પડેલી. આ નવનિર્માણનાં તોફાનમાં સળી કરીને ભાગેલો એક યુવાન ચારેબાજુથી પોલીસના હાથે ઘેરાઈ ગયેલો મેં જાતે મારી અગાસીમાંથી જોયો છે. અને તેની ઉપર જે લાઠીઓનો વરસાદ વરસતો મેં જોયો છે તે હજુ મને યાદ છે. વિજાપુરમાં તે વખતે જુલમ કરનાર પોલીસમાં એક પોલીસવાળાનું નામ સાચું કે ખોટું બહુ વગોવાઈ ગયેલું. બધું શાંત પડી ગયા પછી તેનું મર્ડર પણ થઈ ગયેલું તે મને હજુ યાદ છે.

૧૯૮૫માં અનામત અંદોલન થયેલું પણ તેને સિફતથી કોમી રમખાણમાં પલટાવી નાખવા નેતાઓ સફળ થયેલા. એમાં ૨૭૫ માર્યા ગયેલા અને હજારો ઘાયલ થયા હશે તે તો જુદા. તે વખતે માધવસિંહ સોલંકીની સરકાર હતી. તે વખતે અમદાવાદમાં લતીફનો ઉદય થઈ ચૂક્યો હતો. સરકારે રિઝર્વેશનમાં નવી પોલિસી દાખલ કરતા આ આંદોલન શરુ થયેલું જે કોમી રમખાણોમાં ફેરવાય ગયેલું. ૯, જૂન ૧૯૮૫ના રોજ રાત્રે એક વાગે ડબગરવાડમાં આવેલા મણીબેનનાં મકાનને બહારથી બંધ કરી આગ લગાવી દેવામાં આવેલી. ડબગર લોકો તબલા બનાવતા હોય અને રિપેર કરતા હોય વધારામાં છત્રીઓ રીપેરીંગ અને પતંગ બનાવવાનો ધંધો કરતા હોય છે. આ આગમાં મણીબેન, એમની બે દીકરીઓ, ચાર પૌત્રો અને એક પડોશીનો દીકરો એમ કૂલ આઠ જણ જીવતા શેકાઈ ગયેલા. આ પાંચ નાનકડા બાળકો માટે હિંદુ શું અને મુસ્લિમ શું? ૧૯૮૫ના આ કોમી તોફાનોમાં એક જાબાંજ પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પોતાનો જીવ આપીને એક આખી પોળને બચાવી હતી, નહિતો ડબગરવાડનાં મણીબેનના મકાનની જેમ આખી પોળ ભડકે બળી હોત. બહુ મોટો હત્યાકાંડ ગુંડાઓ દ્વારા રચાઈ ગયો હોત. એક વાત સમજી લો ગુંડાઓનો કોઈ ધર્મ હોતો નથી એમનો ધર્મ ગુંડાગીરી જ હોય છે પછી ભલે ગમેતે કોમનો હોય. એમને બસ એમનો છાકો સમાજ ઉપર અને સરકાર પર બેસાડવો હોય છે. લતીફ આવો જ એક ગુંડો હતો અને મુંબઈથી શાર્પશૂટર એણે અમદાવાદ બોલાવી લીધા હતા.

ગુજરાતના ગુંડાઓ મોટાભાગે મુંબઈના ગુંડાઓ આધારિત રહેતા. લતીફ પહેલા મુંબઈના કરીમલાલા એના ભત્રીજા સમદખાન અને આલમઝેબનાં હાથ નીચે અમદાવાદમાં કામ કરતો હતો. મુંબઈમાં કરીમલાલા આણી મંડળીનો સૌથી મોટો દુશ્મન દાઉદ ઇબ્રાહીમ હતો. બંને એક જ કોમના હતા. માટે કહું છું ગુંડાઓનો કોઈ ધર્મ હોતો નથી. બંને ગેંગ એકબીજાના લોહીની તરસી હતી. દાઉદ કરીમલાલાની ગેન્ગના એક પછી એક મહત્વના સભ્યોના ઢીમ ઢાળી રહ્યો હતો. લતીફને મારવા પણ તે ગુજરાત આવી ચૂક્યો હતો. તે સમયે ગુજરાતમાં આવતા રસ્તામાં એમ્બેસેડર કારમાં રિવૉલ્વરનું પરીક્ષણ કરતા એના સાગરીતને જ ગોળી વાગી ગયેલી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં એને દાખલ કરવો પડેલો ત્યારે વડોદરાના કમિશનર દત્તા સાહેબે એને પકડ્યો પણ હતો પણ બીજા દિવસે જામીન પર કોર્ટે છોડી મૂકેલો. ત્યાર પછી તે કદી પકડાયો જ નહિ. પણ આ બનાવ પછી લતીફની પાછલી ફાટી ગયેલી દાઉદના ડરથી.. પછી લતીફ ભાઈ સમાધાન કરી દાઉદના ખાસ માણસ બની ગયા. ઊગતા સૂરજને પૂજવો સારો, કરીમલાલા આથમતો સૂરજ હતો, અને એના આક્રમક ભત્રીજા સમદખાનને દાઉદના માણસો ધાણીફૂટ ગોળીબાર કરીને મારી ચૂક્યા હતા.

૧૯૮૫નાં મેં મહિનાની આઠમી તારીખ એક ઇતિહાસ બની જવાની હતી. કાલુપુર ચકલા પોલીસ ચોકીના પોલીસ સબઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ટેમુભા ઝાલા બપોરે થયેલા પથ્થરમારામાં ઘાયલ તો થયેલા જ હતા. એમના ધર્મપત્ની પ્રેગનન્ટ હોવાથી અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાનાં હોવાથી મહેન્દ્રસિંહ ૧૫ દિવસની રજા લઈ ઘેર જવાના હતા. પોલીસની કામગીરી ૨૪/૭ ખાલી ભારતમાં જ હોય છે તે અમુક મુરખોને ખબર હોતી નથી અને પોલીસને ગાળો દીધે રાખતા હોય છે. ઘેર જવા સમાન પેક કરતા મહેન્દ્રસિંહ ઉપર વાયરલેસ મૅસેજ ઉપરા ઉપરી આવવા લાગ્યા કે ભંડેરી પોળ જે હિન્દુઓની હતી તેને ગુંડાઓએ ઘેરી લીધી છે અને એને જલાવવાનો પ્લાન છે. લતીફના માણસો આખી પોળને સળગાવી મારવાની તૈયારીમાં છે. પ્રજા માટે પોતાના માથા આપી દેવાના બાપદાદાઓના DNA ધરાવતા રાણા સાહેબ તરત પહેલા તો કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજા રદ કરાવી હાજર થઈ ગયા. એસ.પી. જાડેજા સાહેબે હુકમ કર્યો ભંડેરી પોળ પહોચો. સ્ટાફ કોઈ હાજર નહોતો તો ફક્ત બે કૉન્સ્ટેબલ, એક ભરવાડ અને એક ગઢવીને લઈ રાણા સાહેબ ભંડેરી પોળ પહોચ્યા. ભારતના કોન્સ્ટેબલના હાથમાં શું હોય બે ડંડા.. પી.એસ.આઈનાં હાથમાં શું હોય એક બાવાઆદમના જમાનાની સર્વિસ રિવૉલ્વર. એ જમાનામાં પોળોમાં છાપરાવાળા મકાનો. કોઈ અગાસીમાંથી ખાનગી ગોળીબાર થતા હતા. મહેન્દ્રસિંહ પોતે એક છાપરા ઉપર ચડ્યા. લતીફના માણસોએ સામેથી લાઈટો બંધ કરી દીધી અને એકદમ શાંતિ પથરાઈ ગઈ. કૉન્સ્ટેબલ પાસેથી ટૉર્ચ લઈ મહેન્દ્રસિંહ હાથમાં સર્વિસ રિવૉલ્વર લઈ સામે પડ્યા તો સામેથી A.K.56 માંથી ધાણીફૂટ ગોળીબારમાં શાર્પશૂટરોએ મહેન્દ્રસિંહ ટેમુભા રાણાનું હૃદય જ વીંધી નાખ્યું સાત ગોળીઓ છોડીને. પોલીસ સબઇન્સ્પેક્ટરને માર્યા પછી લતીફના ગુંડાઓની હિંમત રહી નહિ આખી પોળને ભૂંજી મારવાની. કારણ હવે ગુજરાત પોલીસ ભુરાઈ થવાની જ હતી. અને થઈ પણ હતી. અને થઈ નાં હોત તો તોફાનો કાબુમાં પણ આવવાનાં નહોતા. ઘેલી પ્રજાના પોલીસવાળાને પણ ઘેલા થયા વગર ચાલે તેમ હોતું નથી.

કરુણતા જુઓ, તે દિવસે મહેન્દ્રસિંહનાં પિતરાઈ બહેનના લગ્ન હતા. અને બીજા કોઈ સંબંધીના લગ્નમાં હાજરી આપવી અનિવાર્ય હોવાથી એમના પિતા ટેમુભા રાજકોટ ગયેલા. પાણસી પોલીસ સ્ટેશનથી ખુદ ડી.એસ.પી. આવીને સુખદ પ્રસંગમાં દુઃખદ સમાચાર આપે છે. શું વીતી હશે એમના કુટુંબીઓ ઉપર? મહેન્દ્રસિંહનાં બારમાનાં દિવસે એમના પત્નીએ દીકરી અલ્પાબાને જન્મ આપ્યો, કે તે દીકરી કદી બાપનું મુખ જોવા પામવાની નહોતી. બાપ એના જન્મની સાક્ષી બનવા રજા મૂકી આવવાનો હતો પણ ફરજ કોને કીધી? પ્રજાના જાનમાલની રક્ષા માટે એ બાપ કાયમી વિદાય લઈ ચૂક્યો હતો. એક બાજુ દીકરીનો જન્મ હતો અને એક બાજુ તેના બાપનું બારમું હતું, ત્યારે જે ભંડેરી પોળને બચાવવા જીવ આપેલો તે પોળના આગેવાન વડીલો અને યુવાનો મહેન્દ્રસિંહનાં બારમામાં હાજર હતા. એટલે સુધી કે પોતાનો સગો બાપ મરી ગયો હોય તેમ બધાએ માથે મુંડન પણ કરાવેલું, અને શ્રાદ્ધ પણ કરેલું. આ લખતા મારી આંખોમાં પાણી આવે છે. કોઈના માનવામાં નહિ આવે પણ મહેન્દ્રસિંહના મોટા દીકરી વંદનાબાના લગ્નમાં વગર આમંત્રણ ભંડેરી પોળના રહીશો, એ જમાનામાં ૨૫૦૦૦ રૂપિયાનું મામેરું લઈને આવેલા. એમના બીજા દીકરીના લગ્નમાં પણ ભંડેરી પોળના રહીશો હાજર હતા. મહેન્દ્રસિંહનો દયાળુ જીવ જુઓ. એમના તાબાના એરિયામાં પાથરણાવાળા ગરીબ વેપારીઓની વસ્તુઓ લઈ પોલીસવાળા પૈસા આપે નહિ. પી.એસ.આઈ મહેન્દ્રસિન્હે પોતાના પોલીસવાળા વિરુદ્ધ જઈને પાથરણાવાળા વેપારીઓને કહી દીધેલું કે કોઈ પોલીસવાળો મફતમાં વસ્તુ લઈ જાય તો મને કહેજો, કે ખોટી રીતે હેરાન કરે તો મને કહેજો હું એને સીધો કરીશ. મહેન્દ્રસિંહની શહાદત અમર છે. ભંડેરીપોળમાં આવેલા હનુમાન મંદિરના મહંતનાં પ્રયાસો વડે એમની પ્રતિમા સ્મારક રૂપે ત્યાં ઊભી જ છે. આજે પણ ભંડેરીપોળના રહીશો એમના એમ.ટી.રાણા સાહેબ મહેન્દ્રસિંહ ટેમુભા રાણાને યાદ કરે છે. પોલીસ હંમેશાં ખરાબ હોતી નથી.. તેનો મજબૂત પુરાવો મહેન્દ્રસિંહ ટેમુભા રાણા છે.

વડોદરાએ પણ ૧૯૮૨મા ગોધરા અમદાવાદ જેવા હોરિબલ તોફાનો જોયા છે. ૧૯૯૦માં એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં ૧૪૦૦ બનાવો કોમી રમખાણોના બનેલા એમાં ૨૨૪ લોકો માર્યા ગયેલા અને ૭૭૫ ઈજાગ્રસ્ત. ૧૯૯૧માં ૧૨૦ કેસ કોમી રમખાણોનાં નોંધાયેલા, એમાં ૩૮ લોકો માર્યા ગયેલા. ઑક્ટોબર ૧૯૯૦મા અમદાવાદે અડવાણી કડવાણી નામના નેતાએ યોજેલી રથ યાત્રા દરમ્યાન ફરી તોફાનો જોયા એમાં ૪૧ લોકો માર્યા ગયા. સુરતે ૧૯૯૨માં તોફાનો જોયા જેમાં ૨૦૦ લોકો માર્યા ગયેલા.

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨, એક ટ્રેનમાં ૫૮ હિન્દુઓને જીવતા સળગાવી દીધા અને એના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા. ગોધરાકાંડ તરીકે આખી દુનિયામાં ગુજરાત ફેમસ થઈ ગયું. સત્તાવાર રીતે ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિંદુઓ માર્યા ગયા. ૨૨૩ મિસિંગ છે. હું તે વખતે વડોદરા રહેતો હતો. નરેન્દ્ર મોદી ઉપર માછલા ધોવાયા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લીન ચીટ મળેલી. ગોધરાકાંડ અને ત્યાર પછી થયેલા તોફાનો વિષે આખી દુનિયા જાણે જ છે. એટલે વધારે નથી લખતો.

૧૯૯૨મા બાબરી મસ્જિદના પતન પછી મુંબઈ સાથે ગુજરાતે પણ તોફાનો અનુભવ્યા જ છે. તો ૧૯૮૪મા ઇન્દિરાજીની હત્યા એમના જ બે શીખ બોડીગાર્ડ દ્વારા કરાતા ફાટી નીકળેલ શીખ વિરોધી તોફાનોમાં આશરે ૩૦૦૦ શીખો માર્યા ગયેલા એવું કહેવાય છે.

મારા મૂરખ મિત્રોને સાચું લખું તે ગમતું નથી. મારું કહેલું સમજવાની તે જાતિવાદી, કોમવાદી પૂર્વગ્રહથી ભરેલા મિત્રોની ત્રેવડ નથી. મારા પોઇન્ટ સીધાસાદા છે. તર્કયુક્ત છે. રાજાશાહીમાં જેવા રાજા તેવી પ્રજા તો લોકશાહીમાં જેવી પ્રજા તેવા રાજા મતલબ નેતા. અને વધુમાં કહું તો જેવી પ્રજા તેવી પોલીસ.

વર્ણ વ્યવસ્થા અને જાતિવાદના વિષ પીને ઉત્ક્રાંતિ પામેલા આપણે ભારતીયો કશું પણ વિચારીએ જાતિવાદ-કોમવાદના દાયરા બહાર વિચારી જ શકતા નથી. આપણે એક કોમનું હજારો વર્ષ શોષણ કર્યું જાતિવાદના આધારે અને આઝાદી પછી એમનો ઉદ્ધાર ઇચ્છ્યો તે પણ જાતિવાદના જ આધારે. તેઓ આર્થિક રીતે પછાત તો હતા જ. માણસ આર્થિક રીતે પછાત નાં હોય તો એની પ્રગતિ રોકાવાની નથી. પણ આપણે કોમવાદના દાયરા બહાર પણ દુનિયા ચાલી શકે તે વિચારી શકતા જ નથી. હવે શોષિત વર્ગ પણ બીજે તો ઉત્ક્રાંતિ પામેલો નથી? ભારતમાં જ ઇવોલ્વ થયેલો છે. તો તે પણ જાતિવાદ થી વિમુખ હોય તે માનવું ભૂલભરેલું છે. કહેવાતા શોષિત વર્ગમાં પણ પેટા જાતિઓ વચ્ચે કોમવાદ ઊંચ-નીચ ચાલતું જ હોય છે. અનામતના નામે એમાય અમુક વર્ગ જ મોટાભાગના લાભ લઈ ગયો છે. સમૃદ્ધ છે તે વધુને વધુ સમૃદ્ધ થયા લાભ લઈ લઈને અને જે પછાત રહ્યા તે પછાત જ રહ્યા. એમાંય પાછાં ફરી જાતિવાદનાં જ આધારે માંડલ-પાંચ અને ઓ.બી.સી. જેવું વિચાર્યું. કહેવાતા સવર્ણો પણ બધા પાછાં આ ગરીબ દેશમાં કોઈ આર્થિક સદ્ધર તો હતા નહિ. તેઓ આ વ્યવસ્થાને લીધે વધુ ને વધુ બેહાલ થતા ગયા. હવે જુઓ એના વિરુદ્ધ જે આંદોલન ચાલશે તે પણ જાતિવાદનાં આધારે જ ચાલશે. હહાહાહાહાહા ! ક્યાંક જય પરશુરામના નારા સાથે બ્રહ્મસેના આગળ આવશે, ક્યાંક જય રાજપુતાના કહી ક્ષત્રિય સમાજ કૂદી પડશે, તો હવે જય સરદારના નારા લગાવી પાટીદારો તૂટી પડ્યા તો સામે જય ભીમ તો છે જ. દેશ આખો હવે વર્ગ વિગ્રહ તરફ આગળ વધી રહ્યો છે.

ટૂંકમાં ગુજરાતમાં ૧૫ વર્ષથી શાંતિ હતી તે તોડી ગુજરાતને ભડકે બાળવાનું કાવતરું જેનું હોય તે સફળ થયું. દોષ આપણા સૌનો છે, આપણા સૌની માનસિકતાનો છે. આપણે અરાજકતા વાદી, શિસ્ત વગરની, નકામી લાગણીઓમાં તણાઈ જનારી ઇમોશનલ, ઇરેશનલ પ્રજા છીએ. બુદ્ધિ અને તર્ક સાથે આપણે લાખો માઈલનું છેટું છે જેથી અમદાવાદમાં છમકલું થાય ને સુરતમાં બસ બાળીએ છીએ. આપણે ટોટલ એનિમલ બ્રેન છીએ. આપણ આવી પ્રજામાંથી જ નેતાઓ પેદા થાય છે, અને પોલીસ સાથે તમામ વ્યવસ્થા તંત્રમાં આપણા જ ભાઈઓ ઊભરાય છે. આપણે પોતે જ વિના વાંકે બીજાને દંડ દેતા અને મૃત્યુને હવાલે કરતા ભૂતકાળમાં જરાય અચકાયા નથી. આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણે બસો બાળીએ એમાં બેઠેલા બેઠેલા નિર્દોષ મુસાફરોને મારીએ હાલાકી પહોચાડીએ, જાહેર મિલકતો બાળીએ જે આપણી પોતાની જ હોય છે છતાં એવું કરતા રોકવા આવનારે તો બે હાથ જોડી આપણને વિનંતી કરવી જોઈએ કે બાપલિયા હવે આવું નો કરશો. લોકશાહીમાં યથા પ્રજા તથા રાજા તેમ યથા પ્રજા તથા પોલીસ. આપણા ભાઈઓ તો આપણા જેવા જ હોય ને?

મીડિયા પણ જુઓ એમને પણ ટીઆરપીમાં જ રસ હોય, છો લોકો ભડકે, છો પોલીસ અને પ્રજા લડે. પ્રૉબ્લેમ એ છે કે લોભ ખરાબ પણ તે તમારો, મારો નહિ. ક્રોધ ખરાબ તો તે તમારો, મારો નહિ. લાંચ લેવી ખરાબ પણ તે તમે લો તે, હું લઉં તે નહિ. ભ્રષ્ટાચાર ખરાબ તે તમે આચારો તે, હું આચરું તે નહિ. પ્રજામાં બુદ્ધિ નથી, એનામાં બ્રેન ન્યુરોન્સ વાપરવાની ત્રેવડ નથી, સમજ નથી. મરો થાય છે નિર્દોષ લોકોનો. હાર્દિક નામનાં પ્યાદાંનું ફ્યુચરમાં જે થવાનું હશે તે થશે, રાજા બને કે ખોવાઈ જાય પણ ગુજરાતને નુકશાન થઈ ચૂક્યું છે, કારણ આપણે ઇરેશનલ છીએ, આપણે આપણી સ્વતંત્ર બુદ્ધિ વાપરતા નથી અને આપણા એનિમલ બ્રેનને અનુસરીએ છીએ.

બે શીખોએ ઇન્દિરાજીની હત્યા કરી સામે આપણે આશરે ૩૦૦૦ નિર્દોષ શીખોની હત્યા કરેલી કે નહિ? આમાં કોઈ તર્ક જણાય છે? આવા તો અસંખ્ય દાખલાઓ છે. તર્ક અને બુદ્ધિ વાપરો તો બહુ મોટા નુકશાનથી બચી જવાય. હવે નેટ બંધ કર્યું તો લોકોને લાગે છે કે ખોટું કર્યું. પણ શું કરે? નેટ ઉપર અફવાઓ ફેલાવે તેને ખોટી સમજવાની આપણી પાસે બુદ્ધિ છે? આપણે જેવા હોઈએ એવા જ પગલા સરકાર ભરે. આપણે નેટ થી વિચલિત થતા નાં હોઈએ તો સરકાર નેટ બંધ નો કરે. આપણે વિના વાંકે ૩૦૦૦ શીખોની હત્યા કરી શકીએ છીએ તો પોલીસમાં આપણા જ ભાઈઓ ભરતી થયેલા છે તેઓ વિના વાંકે આપણા બરડા તોડી નાખે એમાં શું નવાઈ? નિયમ તો સરખો જ લાગવાનો ને?

પ્રૉબ્લેમ એ છે કે મારે તોફાનો કરવા છે, સરકારી મિલકતને મારી પોતાની મિલકત છે તેવી સમજ મારામાં છે જ નહિ તે બાળવી છે. અને તે રોકવા ભારતીય પોલીસ આવે તો તે પોલીસ અમેરિકન પોલીસ જેવી હોવી જોઈએ એવી આશા રાખવી છે કે મને કહે સર પ્લીઝ તમારું લાઈસન્સ આપજો જરા? હહાહાહાહાહાહા. અરે બુદ્ધુઓ આ તમારા જ ભાઈ છે. તમારા જેવી જ બુદ્ધિ ધરાવે છે. તમારા જેવા જ બુદ્ધિહીન છે, તમારા જેવા જ ઇરેશનલ છે. કારણ તમારી સરકારે તમારામાંથી તમારા ભાઈઓમાંથી જ તેમને ભરતી કરેલા છે. તમે અમદાવાદમાં છમકલું થયે સુરતમાં, રાજકોટમાં બસો બાળવાની બુદ્ધિ હીનતા દર્શાવશો તો આ તમારામાંથી જ ભરતી થયેલા પોલીસવાળા તમારા બરડા જરૂર તોડી નાખશે.

મારો તર્ક સીધો જ છે જેવા તમે તેવા તમારામાંથી જ ભરતી થયેલા પોલીસવાળા. તમે શિસ્ત ધરાવતા હો તો તમારામાંથી ભરતી થયેલા પોલીસવાળા શિસ્તબદ્ધ હોય. તમે અરાજકતાવાદી હોવ તો તમારી પોલીસ તેવી જ હોય. તમે જાતિવાદી હો તો તમારી પોલીસ જાતિવાદી જ હોય. તમારે જાતિવાદી તરીકે વર્તન કરવું છે અને પોલીસ પાસે તટસ્થ વર્તનની આશા રાખો છો?

મેં પોતે ૧૯૬૯ના મહાભયાનક તોફાનોથી માંડીને ૨૦૦૨ સુધી થયેલા તમામ તોફાનો જોયા છે, અનુભવ્યા છે. તોફાનોનું સેન્ટર મોટાભાગે અમદાવાદ રહેતું અને પછી તરત વડોદરા. હું વડોદરા ભણ્યો અને પછી થોડા વર્ષ ગામમાં રહીને પાછો વડોદરા સ્થાયી થયેલો. વધારામાં વડોદરાના અતિશય સંવેદનશીલ વાડી વિસ્તારમાં જ રહેતો હતો એટલે મેં તોફાનો જાતે ખૂબ અનુભવ્યા છે. કરફ્યુમાં ઘરમાં પુરાઈ રહેવાની મજા માણી છે. કરફ્યું કલાક અડધો કલાક માટે ખૂલે એટલે દોડમદોડ દૂધ, શાકભાજી અને બીજી ખૂટતી વસ્તુઓ લઈ આવવાની. પોળના નાકે પોલીસ બેઠી હોય એટલે પોળમાં ફરવામાં વાંધો આવે નહિ. પોળના રહીશો કરફ્યુમાં કામધંધા વગર બેસી રહીને કંટાળ્યા હોય એટલે સામૂહિક ખીચડી પાર્ટી પણ ગોઠવે.

ઘણીવાર બહારગામ ગયો હોઉં અને વડોદરા બસ સ્ટેશને ઊતરીએ અને સમાચાર મળે કે શહેરમાં કરફ્યું છે. જ્યાં સુધી રિક્ષા જાય ત્યાં સુધી જવાનું પછી ગલીકૂંચીઓમાંથી ફરતા ફરતા કરફ્યુમાં ઘેર પહોચી જવાનું આવડી ગયું હતું. બધું પતી જાય પછી આવવા ટેવાયેલી પોલીસ પર વિશ્વાસ નાં હોય તે સ્વાભાવિક છે માટે વડોદરાના ઘરમાં એક લાંબો ભાલો અને તલવાર પણ સંતાડીને મૂકી રાખી હતી. હું મારા શ્રીમતીને લઈ સિટીમાં ક્યાંક ગયો હોઉં સાંજે અને બેત્રણ કલાક પછી પાછાં આવીએ તો ચોખંડી પછી વાડી ટાવર આવતા રસ્તામાં રોડ પર પથ્થરો પડ્યા હોય અને બધું સુમસામ જણાય એટલે સમજી જવાનું કે પથ્થરમારો થઈ ચૂક્યો છે. વડોદરામાં છાશવારે તોફાનો થતા. અમદાવાદમાં રથયાત્રા અને વડોદરામાં ગણેશ વિસર્જન દિવસે આખા ગુજરાતમાંથી પોલીસ ઠલવાઈ જાય. બંને દિવસે ઉચ્ચ પોલીસ અધિકારીઓના બ્લડ પ્રેશર લમણાની નસો ફાટી જાય તે હદે વધી જતા. બંને દિવસોમાં તોફાનો શરુ થઈ જવાની શક્યતાઓ વડોદરા અમદાવાદમાં વધી જતી. વડોદરામાં નરસિંહજીનો વરઘોડો આગળ રહીને કઢાવનાર પોલીસ કમિશનર જસપાલસિંઘ રાતોરાત મોટા ગજાંનો નેતા બની જતો જોયો છે. કમિશ્નર પછી ધારાસભ્ય અને મિનિસ્ટર સુધીની એમની સફરમાં નરસિંહજીનો વરઘોડો બહુ મોટો ભાગ ભજવી ગયેલો.

હું વાડી ટાવર પાસે આવેલા ભાટવાડામાં રહેતો. અમારા ઘર સામે વર્ષા એપાર્ટમેન્ટ હતું, આજે પણ છે જ. મેઇન રોડ પર તોફાન કરી પોલીસ આવતા ભાગેલા ટોળાના સભ્યો વર્ષા એપાર્ટમેન્ટમાં ચડી જતા અને છેક ઉપર અગાસીમાં સંતાઈ જતા હું મારી અગાસીમાંથી જોતો. આજુબાજુ જે ઘર ખુલ્લું હોય એમાં તોફાનીઓ ભરાઈ જતા. પછી પોલીસ આવે વર્ષા એપાર્ટમેન્ટમાં ચડીને તોફાનીઓને ડંડા મારતી પકડી લઈ જાય. અમે ઘર બંધ રાખતા આવા સમયે જેથી નાહક લોકો ભરાઈ જાય નહિ. આમાં કોઈવાર લીલા ભેગું સૂકું બળે તે ન્યાયે નિર્દોષ માણસ પણ ફસાઈ જતો હોય છે. પણ એ જમાનામાં સિક્યોરિટી કૅમેરા વગેરે નહિ અને વોટ્સએપ જેવું કશું નહિ એટલે બહાર આવે નહિ. અમુક મહોલ્લા અને પોળો તોફાનોમાં બહુ સક્રિય હોય એ પોલીસ જણાતી જ હોય. એટલે પછી ત્યાં જી પડેલા વાહનોના કાચ સજા રૂપે તોડવા જેવી બાલીશ અન્યાયી હરકતો પોલીસ કાયમ કરતી આવી છે. પણ એવા સમયે કોઈ ફરિયાદ કરે નહિ કે કૅમેરા વગેરે હતું નહિ એટલે બહાર આવતું નહિ. લોકો એના એજ છે અને પોલીસ પણ એની એજ છે, પણ નેટના લીધે બધું બહાર આવવા લાગ્યું છે.

૧૯૬૯ના તોફાનો વખતે અમે વિજાપુરમાં રહેતા. વિજાપુર તાલુકા મથક હતું. તો સંવેદનશીલ પણ ગણાતું. પિતાશ્રી વિજાપુરમાં વકીલ હતા અને એમની ઓફીસ બજારમાં ટાવર પાસે હતી. બેત્રણ મોટા થેલા લઈ એમની ઑફિસમાં રહેલા અગત્યના કાગળો લેવા હું અને મારા ફાધર બજારમાં એમની ઓફીસ જે ઉપલા માળે હતી એમાં આવ્યા. અમે બધું ભેગું કરી થેલામાં ભરતા હતા અને મારો કાપો ની બુમરાણ વચ્ચે હાથમાં હથિયારો લઈ એક મોટું ટોળું નીચે પાનની દુકાન તોડવા માંડેલું. ફાધર જોડે હોય પછી આપણે તો બીવાનું હોય જ નહિ, હું કુતૂહલ ભરી નજરે બધું જોઈ રહ્યો હતો. અમે ઝટપટ થેલા લઈ નીચે આવ્યા ઑફિસને તાળું મારતા હતા ને ઠક ઠક ઠક ભારેખમ બૂટના તાલબદ્ધ અવાજો આવવા લાગ્યા મને લાગ્યું નક્કી પોલીસ આવી રહી છે. ટાવરના વળાંક પાસેથી સૌથી આગળ મહેસાણાના તત્કાલીન ડી.એસ.પી. દત્તા સાહેબ ખાખી ચડ્ડી પહેરેલા માથે મોટો અંગ્રેજ ટાઈપ ટોપો અને મોટી મૂછો સાથે બુમો પાડતા પ્રગટ થયા પાછળ પોલીસની મોટી કુમક. અમે ત્યાં ઉભા રહી ગયેલા ઑફિસને પગથીયે. દત્તા સાહેબ એટલી મોટેથી બુમો પાડતા દોડતા હતા કે ટોળું ભાગ્યું. એમની બાજુમાં એક પોલીસવાળો દોડતો હતો. એના હાથમાં ટિયરગેસ છોડવાની ગન હતી. મને હજુ યાદ છે દત્તા સાહેબે એના હાથમાંથી તે ગન લઈ જાતે જ ટીયરગેસનાં શેલ છોડેલા. એમાંનો એક શેલ એક મારવાડી કાકાને વાગેલો પણ ખરો. જે અમે પાછળથી જોએલો. આવા સમયે પોલીસ પાગલ બનેલા ટોળા સામે બે હાથ જોડી વિનંતી કરે તેવી આશા આપણે રાખીએ છીએ. ટોળાની પાછળ પડેલા દત્તા સાહેબ અને એમની પોલીસ જતા અમે પણ ત્યાંથી ઘેર રવાના થઈ ગયેલા.

૧૯૬૯ થી માંડીને ૨૦૦૫મા અમેરિકા આવ્યો ત્યાં સુધી તોફાનો મારા જીવનનું અભિન્ન અંગ હોય તેવું જ લાગ્યું છે. હવા, પાણી, ખોરાક જેમ જરૂરિયાત છે. તેમ મહેનત, સ્ટ્રગલ, સુખ-દુખ પાર્ટ્સ ઑફ લાઇફ નથી કહેતા? બસ એમજ તોફાનો અને એમાં જીવવાનું પાર્ટ્સ ઑફ લાઇફ જેવું લાગતું હતું. વડોદરામાં તોફાનો ચાલતા હોય ત્યારે અમે અગાસીમાં ચડી જતા. મારા ત્રણ છોકરાઓ અને એની મોમ ઊંચા જીવે બધું આજુબાજુ જોયા કરતા અને હું આરામથી અગાસીમાં સૂઈ જતો. અમારી જેમ બીજી અગાસીઓ પણ ફૂલ જ હોય. મેઇન રોડ સામેની બધી અગાસીઓમાં મુસલમાન ભાઈઓ હોય અને પાછળની બધી અગાસીઓમાં હિંદુઓ. ક્યાંક આગ લાગેલી હોય, ક્યાંક ધુમાડા નીકળતા હોય, બુમો સંભળાતી હોય, પોલીસની ગાડીઓની સાયરનો વાગતી હોય. બધું જાણે નૉર્મલ જિંદગીના ભાગરૂપ હોય એવું લાગતું. કોઈ પૂછે ક્યાં રહો છો અને જવાબ આપીએ કે વાડીમાં રહું છું. તો તરત તોફાની એરીયામાં? શેને ફાવે છે? ડર નથી લાગતો? જેવા અનેક પેટા સવાલોનો મારો શરુ થઈ જતો. નાં રે ટેવાઈ ગયા છીએ એમ કહી હસી પડતો. તો સામેવાળાને આઘાત લાગી જતો.

આપણું પોલીસ તંત્ર જરૂર ભ્રષ્ટ હશે એમાં કોઈ શક નહિ. પણ આપણે ત્યાં પોલીસની જૉબ બહુ ટફ છે. એક તો ચોવીસ કલાકની જૉબ હતી હમણાં સુધર્યું હોય તો ખરું. તોફાનોમાં રાતદિવસ ઘેર ગયા વગર ડ્યુટી બજાવવી પડે. ગમે ત્યારે કોલ આવે તરત જવું પડે. મારા પિતરાઈ ભાઈ અમદાવાદમાં પી.આઈ. હતા, એક તોફાનોમાં ૧૪ દિવસે ઘેર આવેલા. અમેરિકામાં પોલીસ અઠવાડિયામાં ચાલીસ કલાક કામ કરે છે. દસ કલાકની જૉબ ફક્ત ચાર દિવસ કરવાની ત્રણ દિવસ રજા એટલે રજા. લોકો સ્વયંભુ શિસ્તબદ્ધ છે એટલે પોલીસ પણ તમને સર કહીને બોલાવે છે. પોલીસ નાં ઊભી હોય છતાં રાત્રે બે વાગે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોય એટલે લોકો ઉભા જ રહે છે. જરા પણ વાહન વ્યવહાર નાં હોય છતાં કોઈ આજુબાજુ જોઈ ભાગતું નથી, લીલી લાઈટ થાય પછી જ આગળ વધે છે. જેવી પ્રજા એવી પોલીસ. પોલીસ નઠારી છે તો તમે ક્યાં ઓછા નઠારાં છો?

ટોળામાં બુદ્ધિ નાં હોય એ વાત હવે નાનું છોકરું પણ સમજવા લાગ્યું છે. એમાંય ભારતમાં ભેગાં થતા ટોળા વિષે અવશ્ય કહી શકો કે બુદ્ધિ જરાય નહિ હોય. હજારો ધારાધોરણ અને હજારો વિચારસરણી ધરાવતી સંસ્કૃતિમાં ઉત્ક્રાંતિ પામેલા આપણે બહુ મોટું એક ટોળું જ છીએ. આપણી વિચારધારા પણ એક ટોળું જ છે. હજારો સંપ્રદાયો, હજારો માન્યતાઓ, અને હજારો બાબાઓ દ્વારા દોરવાયેલું એક મહાટોળું જ છીએ. આપણી પાસે આપણું પોતાનું કોઈ બ્રેન નથી. આપણો મુખ્ય મંત્ર છે હઈશો રે હઈશો...