લેટર ટુ વેલેન્ટાઇન - Velentine Letter Competitions jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લેટર ટુ વેલેન્ટાઇન - Velentine Letter Competitions

ડીયર પ્રતિક

જાદવ હેતલ

ડીયર પ્રતિક,

આ પત્ર લખવાની શરુઆતમાં કયા નામ થી તમારુ સંબોધન કરુ એ બાબતે મે ઘણો વિચાર કર્યો પરંતુ છેલ્લે આજ સંબોધન મને યોગ્ય લાગ્યુ કેમકે હવે ડિઅર કહીને સંબોધન કરું તો તમને યોગ્ય નહિ લાગે પણ પછી મનમાં વિચાર આવ્યો આજે તમેમને ભલે તમારા જીવન અને તમારી યાદો માંથી ભુંસી નાખી હોય પણ હું તો હજુ ય દરેક શ્વાસે તમને યાદ કરું છું એટલે જ તમારા નામની આગળ ડિઅર (વ્હાલા) પ્રતિક એવું સંબોધન કરવાની ગુસ્તાખી કરું છું અને જો તો ય તમને સારું ના લાગે તો મને એ સંબોધન બદલ મને માફ કરી દેજો.. કહી દઉં તમને કે જ્યારે પણ તમારી યાદ આવે ત્યારે દિલ ની પીડા વધી જાય છે ક્યારેક તો એવું લાગે છે કે એ મારા શ્વાસ ને ય મારા થી છુટા કરી દેશે. અને હ્રદય ધબકવાનુ બંદ કરી દેશે પરંતુ મારી બદનસીબી પણ છે ને કે દર પળે જીવ જાય છે તો ય જીવન તો ચાલ્યા કરે જ છે. તમને થશે કે હું શું નકામી વાતો લઇને બેસી ગઇ. પણ તમે કદાચ ભુલી ગયા એક દિવસ આ બધી મીઠી વાતો કરીને તમે મને તમારા પ્રેમ માં પાડી હતી. અને હવે એજ વાતો તમને નકામી લાગતી થઈ ગઇ.

૧૪ ફેબ્રુઆરી ,પ્રેમીઓ માટે જ નહિ પણ આપણી બંન્ને ની જીંદગીનો અને ખાસ કરીને મારી જીંદગીનો યાદગાર દિવસ. હું કેમ કરીને ભુલુ આ દિવસ. આ દિવસે જ તમે કોલેજ માં મારી ફ્રેન્ડ્સ વચ્ચે તમે મને પ્રપોઝ કર્યું હતુ. અને તમારી એ હરકત થી હું ગુસ્સે થઈ ને તમારી પ્રપોઝલ ઠુકરાવી. એવું નહોતું કે તમે મને પસંદ નહોતા પણ મે ત્યારે તમને હંમેશા એક ફ્રેન્ડ્ તરીકે જ જોયા હતા. અને તમારા મનમાં મારા માટે આવી લાગણી હશે મે સ્વપ્ને ય નહોતુ વિચાર્યું. અને તમે મને એકદમ પ્રપોઝ કરીને શોક કરી દીધી એટલે શું રિએક્ટ કરું એ સમજ માં ના આવતા તમારા પર ગુસ્સો કરી બેઠી.

પણ તમે એ પછી ય હાર ના માની અને સદા મારી આગળ પાછળ ફરીને, મીઠી મીઠી વાતો કરીને તું આખરે મને તારા પ્રેમ માં પાડીને જ જંપ્યા. તમને યાદ નહિ હોય પણ હું કેમ કરીને ભુલું કે આ જ દિવસે આપણે કોર્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. મારા માતાપિતા ની એકમાત્ર સંતાન હું હતી તે છતાં એમના વિશે ના વિચારતા માત્ર તમારા પ્રેમ ખાતર મે એમની સાથે દગો કર્યો જે વાતનો પસ્તાવો મને આજદિન સુધી છે.

જ્યારે બંન્ને ના ઘરમા આ વાતની ખબર પડી ત્યારે ખુબ હંગામો થયો હતો અને એ પછી હું મારું ઘર છોડી ને તમારા ઘરે આવી. એ દિવસ થી તમારી માને હું આંખમાં કણાની જેમ ખુંચવા લાગી હતી. એ મને હવે સમજાય છે. તમારું મન રાખવા ખુશી ખુશી એમણે મને સ્વીકારી લીધી એવો માત્ર દેખાવ કર્યો હતો પણ મનથી તો એમણે ક્યારેય મને સ્વીકારી જ નહોતી.

લગ્ન ના શરુઆતનું એ બે ત્રણ વર્ષો તો કેવા મીઠા સ્વપ્ન ની જેમ ગુજરી ગયા ખબર જ ના પડી. એવું નહોતુ કે ત્યારે તમારી મા એ પણ મને સરસ રીતે રાખી હતી. એમના મ્હેણા તો બીજા જ અઠવાડિયે શરુ થઇ ગયા હતા પરંતુ હું તમારા પ્રેમ ના ઘેનમાં હતી અને હું તમને દુખી કરવા નહોતી માગતી એટલે ક્યારેય તમારી સમક્ષ મા ની કોઇ ફરિયાદ ના કરી.

લેટર વાંચીને ગુસ્સો આવશે પણ પ્લીઝ ફાડીને ફેંકી ના દેતા કેમકે આમાં એ વાત છે જે હું તમને કહી ના શકી. અને જ્યાં સુધી હું તમને મારા મન ની વાત નહિ કહું ત્યાં સુધી મને શાંતિ નહિ મળે.

આપણા પ્રેમ અને સુમેળ ભર્યા જીવન માં વિખવાદ ત્યારથી ઉભો થયો જ્યારથી તમે મને નોકરી કરવા ની છુટ આપી અને હું એક સારી કંપની માં નોકરી કરવા લાગી. કેમ કે તમારી મા નો અસંતોષ અને મ્હેણા પણ વધી ગયા હતા. હું નોકરી પર જતા પહેલા બધું કામ કરીને જતી અને ઘરે આવ્યા પછી ય થાક્યા વગર ઘર નું કામ કરતી તો ય તમારી મા સમાજ માં બધાની વચ્ચે એવો દેખાડો કરતી કે એમણે જ ઘર નું બધું કામ કરવું પડતું હોય. તમે જરા વિચાર કરો કે સવાર ના પાંચ વાગ્યા થી લઇ રાતના અગિયાર વાગ્યાથી સુધી જેનું કામકાજ ચાલે જતુ હોય એને થાક નહિ લાગતો હોય. શું હું વહુ થઈ એટલે થાકવા નો મને હક જ નહિ? બિમાર થઇ હોંઉ કે માસિક ધર્મ ની પીડા થતી હોય મે ક્યારેય જવાબદારી માંથી હાથ પાછો નહોતો ખેંચ્યો. તોય તમારા મોંઢે કે તમારી મા ના મોંઢે ક્યારેય મારી પ્રશંસા ના બે બોલ પણ સાંભળવા ના મળ્યા.

એ બધા ની ય મને ફરિયાદ નહોતી પણ જ્યારે મારા મમ્મી પપ્પા એ મને પાછી સ્વીકારી ત્યારે તમને એની ખાસ ખુશી થઈ હોય એવું મને લાગ્યુ નહિ. અને અમુક મહિના પછી મને ખબર પડી કે મારી મમ્મી ને કિડની નું ઓપરેશન કરવાનુ છે અને એ માટે મારા પપ્પા ને રુપિયા ની જરુર છે. તો મે મારી તરફથી પચાસ હજાર ની મદદ કરી. એમણે ઘણી આનાકાની કરી હતી પણ એક દિકરી તરીકે ની મારી ફરજ માંથી હું કેમ ભાગી છુટું ?.

બસ આ જ વાતે તમારી મા એ કેટલો મોટો હોબાળો ઉભો કર્યો કે એ નોકરી પર જાય અને કામ કરીને હું ટુટી જઉં અને તારી મહારાણી એ બધી જ બચત એના મમ્મી પપ્પા ને આપી દીધી.. અને તમે ય એ બાબતે મારી સાથે ઝગડો કર્યો હતો અને કેટલાય દિવસો સુધી મારી સાથે વાત નહોતી કરી. અને એકદિવસ જ્યારે હું સ્પષ્ટતા કરવા ગઇ ત્યારે તમે ડિવોર્સ પેપર મારા હાથમાં પકડાવી દીધું અને મને કહી દીધું કે હું મારા માબાપ અને તમારા બંન્ને માંથી ગમે તે એક ની સાથે જ સંબંધ રાખી શકું. એ દિવસે તમે મારા દિલ ના કેટલા ટુકડા કર્યા કે હું આજ સુધી સમેટી નથી શકી.

પહેલા પણ મમ્મી પપ્પા અને તમે બંન્ને માં થી તમારી પસંદગી કરી જ હતી. અને એનું પરિણામ ય જોઇ લીધું. જેમા મે જીવનસાથી તરીકે ના બધા જ ગુણ જોઇ ને પસંદ કર્યો હોય એ માણસ જો એટલું ય સહન ના કરી શકતો હોય કે હું મારા માતાપિતા ને કપરા સમય માં મદદ કરું તો એ પોતે માણસ તરીકે ય નકામો જ છે. એટલે આખરે સમજી વિચારીને મે મારા મમ્મી પપ્પા ને પસંદ કર્યા. અને ચુપચાપ ડિવોર્સ પેપર પર સહી કરી દીધી.

મને હજુ ય સમજ માં નથી આવતુ કે મારી ભુલ શું હતી ? શું મારી દિકરી તરીકે ની ફરજ બજાવી એ કે પછી એક પત્ની પોતાના માબાપ ની દિકરી કેમ બની ગઇ એ ? શું માબાપ એકલા પુરુષો ના જ હોય છે ? પત્ની ના માબાપ હોય તો એ દીકરી તરીકે ની ફરજ ના બજાવી શકે? શું એમણે આખી જીંદગી સાસુ સસરા ની જ સેવા કરવા ની? ને પોતાના માબાપ નો વિચાર સુદ્ધાં નહિ કરવા નો ? તો હું ઠોકર મારું છું એવા સમાજ ને.

મને મારા માબાપ ને પસંદ કરવાનો બિલ્કુલ પસ્તાવો નથી. આ હજુ ય એ વાત નો અફસોસ છે કે લગ્ન સમયે મે ખોટી પસંદગી કરી હતી. પરંતુ તો ય હજું ય મારું મન તમને ભુલી શકતું નથી. અને હંમેશા તમને યાદ કર્યા કરે છે. હા હું હજુ ય તમને પ્રેમ કરું છું તો પણ હવે થી હું હંમેશા મારા માબાપ ની લાડકી દિકરી બનીને એમની સાથે જ રહીશ. અને જીવનભર એમની સેવા કરીશ. તમે ય જો કદાચ બીજા લગ્ન કરો તો ક્યારેય તમારા માબાપ ને છોડતા નહિ કેમ કે હવે મને અહેસાસ છે કે જીવનસાથી તો કદાચ બીજી વાર પણ મળી જાય પણ માબાપ બીજા નહિ મળે. હેપી વેલેન્ટાઇન. અને તમે જીવન ભર ખુશ રહો એવી જ દુઆ કરતી રહીશ.

છેલ્લે એટલું જ કહીશ કે કે હું જીંદગીના છેલ્લા શ્વાસ સુધી તમને ને અને માત્ર તમને જ પ્રેમ કરતી રહીશ.

તમારી ને માત્ર તમારી એવી

લિ. લાવણ્યા.