વર્તમાન ની ક્ષણે jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વર્તમાન ની ક્ષણે

“આગે ભી જાને ના તુ, પીછે ભી જાને ના તુ

જો ભી હૈ બસ યહી એક પલ હૈ…. ”

બી. આર. ચોપરા. નિર્મિત ‘વક્ત’ પિક્ચર નું આશા ભોસલે ના સુરીલા કંઠે ગવાયેલું આ એક ગીત આપણ ને કેટલી સરસ વાત શીખવે છે. કે મનુષ્ય ભવિષ્ય માં શું થવાનું છે એ વાત જાણી નથી શકતો. ભુતકાળ જાણે છે પણ બદલી શકતો નથી. તેથી મનુષ્ય ના હાથમાં કંઇ છે તો છે વર્તમાન ની આ પળ જે અત્યારે ચાલી રહી છે. જો કંઇક કરવાની ઇચ્છા છે તો અત્યારે જ કર. ભવિષ્ય ની રાહ ના જો. કેમ કે આ જિંદગી એવો એક રહસ્યમય કોયડો છે કે જ્યારે આપણ ને લાગે કે એનો ઉકેલ હવે હાથ વેંતમાં જ છે ત્યારે જ બીજી જ ક્ષણે એવું કંઇક બની જાય છે કે નવેસર થી એકડો ઘુંટવો પડે છે.

આ જ પિક્ચર માં શરુઆત ના એક દ્રશ્ય માં બલરાજ સહાની પોતાની સફળતા ની બડાશો ફુંકી ફુંકી ને જ્યારે પત્ની ને કહેતો હોય છે કે જો જે ને હું ભવિષ્ય માં તારા માટે નોકરો, બંગલા અને ગાડીઓ ની લાઇન ઉભી કરી દઇશ એ જ સમયે એક ભયાનક ભુકંપ આવે છે. એનુ આલીશાન ઘર ભુકંપ માં પડીને નષ્ટ થઇ જાય છે. એના ત્રણ ય છોકરા ઓ અને એની વહાલસોયી પત્ની થી એ વિખુટો પડી જાય છે. ને છેવટે દર દર ભીખ માગતો થઈ જાય છે. પિક્ચર ના અંતમાં એને ફરી થી એની પત્ની સાથે અને એ ત્રણ પુત્રો સાથે મિલાપ થઈ જાય છે. પરંતુ જ્યારે બલરાજ સહાનીનો મોટો પુત્ર રાજકુમાર ફરી થી એ જ અદામાં એ જ વાત કહેવા જતો હોય છે ત્યારે બલરાજ સહાની એને ટોકે છે અને કહે છે આપણ ને ભલે એવુ લાગે કે આપણે બધું કરીએ છીએ પરંતુ સાચે તો સમય જ બધી બાજી ને બગાડે છે અને સમય જ એને સુધારે છે. સમય જ બધું કરાવનાર છે.

અને એ સમય એટલે ભુતકાળ કે ભવિષ્ય કાળ નહિ પરંતુ વર્તમાન. વર્તમાન જ છે જે રાજા છે. કેમ કે એ ભુતકાળ નું પ્રતિબિંબ પણ છે અને ભવિષ્યનો પાયો પણ છે. અને વર્તમાન કોઇ ગાળો નથી હોતો એ હોય છે માત્ર એક ક્ષણ. એ ક્ષણ જે અત્યારે ચાલી રહી છે. અને બીજી જ ક્ષણે એ ભુતકાળ બનીને હાથમાંથી રેત ની જેમ સરકી જવાની છે. અને હવે પછીની આવતી ક્ષણ એ વર્તમાન થઈ જશે. માત્ર આંખ ઝપકાવતા જેટલા સમય માં તો આવનારી ક્ષણ ય ભુતકાળ બની જાય છે. પછી આપણ ને પ્રશ્ન થશે કે એટલાઓછા સમય માં આપણે એનો સદઉપયોગ કે દુરુપયોગ કેવી રીતે કરી શકીએ?

પણ એટલા સમય માં જ મોટાભાગે દરેક મનુષ્ય એનો દુરુપયોગ કરતો હોય છે એને વેડફી નાખી ને. તમને ખબર છે જ્યારે મનુષ્ય બાળક તરીકે પ્રુથ્વી પર આવે છે ત્યારે એનાં મા વર્તમાન માં જીવવાની કળા ઇશ્વરે આપેલી જ હોય છે કેમ કે એના મન પ્રદેશ પર ના તો ભુતકાળ ની કોઇ યાદ ની છાપ હોય છે નાતો એને ભવિષ્ય ની ચિંતા. એનું હસવું અને રડવું બંન્ને વર્તમાન ની એ ક્ષણ આધારિત હોય છે.

જ્યારે મારા પુત્ર ના જન્મના અમુક સમય સુધી એ વાતાવરણમાં સાથે અનુકૂળતા સાધવા માં તકલીફ થતી હતી. એ સમય દરમ્યાન ક્યારેક એને ધાવણ ના લીધે પેટમાં દરદ થતું હતુ. જ્યાં સુધી એના પેટમાં પીડા નો અનુભવ થતો ત્યાં સુધી એના મોં પર પીડાના ભાવ સ્પષ્ટ જોઇ શકાતા હતા પરંતુ જેવી પીડા બંધ થતી કે તરત જ મારી સામે જોઇ હસી પડતો. એ પછી તો અમુક સમય પછી એની એ પીડા પણ બંદ થઇ ગઇ.

બીજી એક વાત જ્યારે મા બાપ બાળક ના ભલા માટે જ્યારે એનું રસીકરણ કરતા હોય છે એ રસીકરણઅમુક મહિનાના અંતરે થતું હોય છે. હવે બાળક છે જે સૌ પ્રથમ મા પર જ વિશ્વાસ કરતું હોય છે પરંતુ રસીકરણ ના સમયે મા પોતે જ એને ઇન્જેક્શન રુપી દરદ આપવા ડોક્ટર ના હાથમાં આપે છે. બાળક પીડા ના લીધે રડે પણ છે. પરંતુ પીડા શાંત થતા તરત જ એ જ વિશ્વાસ થી મા પાસે રમવા લાગી જાય છે? કેમ આવું થાય છે? શું બાળક માં એટલી સમજ હોય છે કે એની મા એ એના ભલા માટે જ આવું કર્યું હશે. ? ના ,એના માં એટલી સમજ નથી હોતી. પણ એટલા પણ એના માટે એવું કરવું સહજ જ હોય છે કેમકે એ વર્તમાન ની દરેક ક્ષણમાં જીવતું હોય છે.

પણ જેમ જેમ એ મોટું થતું જાય છે તેમ તેમ એ કળા એના થી વીસરાતી જાય છે. લગભગ દસેક વર્ષ ની ઉંમરે એ એના પપ્પા થી બીજા દિવસે ય નારાજ રહેશે કે એના પપ્પા એ એના માટે એની મનપસંદ રમકડું ના લઇ આવ્યા. અને જેમ જેમ એ બાળક માં થી કિશોર અને કિશોર માંથી યુવાન બનવા લાગશે તેમ તેમ વર્તમાન ની ક્ષણો ઓછી થતી જશે. ક્યાંક તો એના ખરાબ રિઝલ્ટ ના લીધે દિવસો સુધી ઉદાસ રહેશે અથવા એની આંખો માં ભવિષ્યના સપના હશે.

મનુષ્ય મોટાભાગે ભુતકાળમાં અથવા ભવિષ્ય માં જીવતો હશે પણ વર્તમાન ની એ ક્ષણમાં જીવનારા નહિવત્ હોય છે. અને એટલે જ એના થી ક્ષમા આપી શકાતી નથી. ના તો પોતાની જાતને ના બીજા ને. જે પણ મનુષ્ય વર્તમાન ની દરેક ક્ષણમાં જીવવાનું શીખી જાય તો ક્ષમા નો ગુણ આપોઆપ કેળવાઇ જાય છે. જેમ કે કોઇ મનુષ્ય ક્યારેક કોઇનું ખરાબ કરે છે અથવા ક્યારેક દગો કરે તો જેની સાથે દગો થયો હશે એ પેલા દગાખોર મનુષ્ય ને માફ નહિ કરી શકે કેમ કે એ તો પેલી દગાવાળી ક્ષણો માં જ જીવે રાખે છે. જો એ વર્તમાન ની દરેક ક્ષણમાં જીવતો થઈ જાય તો એના માટે પેલા મનુષ્ય ને દગા માટે માફી આપવા નો પ્રશ્ન જ ઉભો નથી થતો કેમ કે એ વર્તમાન માં જીવે છે. અને એ દગો કર્યા નો સમય એના માટે અસ્તિત્વમાં પણ નહિ હોય કેમ કે એ વીતી ગયો છે. પણ યાદ રહેવા ની કળા ક્યારેક મનુષ્ય માટે અભિશાપ બની જતી હોય છે. અને એના લીધે એને એ વાતો યાદ રહેતી હોય છે જે ભુલી જવી જોઇએ. એના લીધે એના જ અસ્તિત્વ નો એક ભાગ રોકાયેલો રહે છે. અને એ આગળ વધી શકતો નથી. એના અસ્તિત્વ નો રોકાયેલો એ હિસ્સો એના વ્યક્તિત્વ ના વિકાસ માં પણ બાધા બની જાય છે. નહિ તો એ વર્તમાન નો આનંદ માણવામાં બાધારુપ બને છે.

તમે રણવીર કપુર નું’ બચના એ હસીનો ‘પિક્ચર જોયું હશે એમાં રણવીર કપુર એક તરવરિયો પણ પ્લે બોય યુવક હોય છે. એની લાઇફ માં ત્રણ યુવતી ઓ આવે છે જેમાં એક યુવતી નું દિલ અને સપનાઓ એ રમત રમત માં તોડે છે જ્યારે બીજી યુવતી બિપાશા બાસુ સાથે તો એની સાથે એક વર્ષ લીવઈન માં રહેતો હોય છે પણ જ્યારે એ લગ્ન કરવા ની વાત કરે છે ત્યારે લગ્ન ના દિવસે જ એને છોડીને જતો રહે છે. અને બિપાશા હાથમાં મહેંદી લગાવી,પાનેતર માં એની રાહ જોતી રહી જાય છે. પણ વાર્તા માં વળાંક ત્યારે આવે છે જ્યારે ત્રીજી યુવતીના પ્રેમ માં એ પોતે પડે છે ને એ યુવતી જ એનું દિલ તોડી જતી રહે છે. ત્યારે એને અહેસાસ થાય છે કે જે બે યુવતીઓ નું દિલ એણે તોડ્યું ત્યારે ત્યારે એને કેટલું દુખ થયુ હશે. ને એ નીકળી પડે છે એ બંન્ને ને ગોતી એમની માફી માગવા માટે. એમાં જ્યારે પહેલી ને યુવતી ના પતિને મળે છે ત્યારે એને ખબર પડે છે કે એનો પતિ એની પત્ની ને અખુટ પ્રેમ કરતો હોય છે. પણ કેમ કે એની પત્ની હજુ ય એ દિલ તોડ્યા ની ક્ષણો માં જ જીવતી હોય છે એટલે એને એ વાત નો અહેસાસ માત્ર ય નથી કે એના એનો પતિ જ એના સપના નો રાજકુમાર છે. એ પેલી યુવતીને મળે છે. એ યુવતિ એને મળતી પણ નથી હોતી પણ એ એને મળીને એને સમજાવે છે કે તું ભલે મને માફ ના કરીશ પણ પણ ભુતકાળની એ ખરાબ ક્ષણોમાં થી બહાર આવ અને જો કે તારા સપના નારાજકુમાર તને મળી ગયો છે. એ તારો પતિ છે. પણ તું ભુતકાળમાં થી જ્યાં સુધી બહાર નહિ આવે ત્યાં સુધી તું એના પ્રેમ ને સમજી નહિ શકે. એની વાતો થી એને પણ અહેસાસ થાય છે કે ભુતકાળ ની એ ક્ષણો નો બોજ ઉઠાવતા ઉઠાવતા એ પોતા ના જ સપના નારાજકુમાર ને ઓળખી ના શકી. ને એના લીધે એણે કેટલુ ગુમાવી દીધું. એ પોતા ના પતિ ના પ્રેમ નો આનંદ લેવા માં થી ચુકી ગઇ. અને એ જ ક્ષણે એ ભુતકાળમાં થી બહાર નીકળીને પોતા ના પતિ ને પ્રેમ કરવા લાગે છે. અને એના માટે પછી રણવીર કપુર ને માફ કરવાનું પણ સહજ બની જાય છે. જે એને પહેલા બહુ મુશ્કેલ લાગતુ હોય છે..

એ જ રીતે બિપાશા પણ એ જ ભુતકાળમાં જીવતી હોય છે. એ રણવીર કપુર ને ખુબ મહેનત કરાવે છે એને દોડાવે છે પોતાની માફી માટે પણ તોય એને માફ કરવાની ના પાડીદે છે. અંતમાં એને એરપોર્ટ પર મળીને કહે છે કે તને માફી માટે તરસાવીને તને હેરાન થતો જોઇને મને એમ હતું કે મને ખુબ આનંદ મળશે પણ ના એવું ના થયું તું જ્યાર થી મને છોડી ને ગયો છે ત્યારથી તને હંમેશાં નફરત જ કરી છે. અને એ જ નફરત ને મે આજુબાજુ ના લોકો માં પણ વહેંચી. ત્યારથી લઇને આજ સુધીમારું મન એજ મેરેજ રજિસ્ટ્રેશન ની ઓફિસે જ રોકાઇ ગયું છે. પણ હું હવે ત્યાં થી આગળ વધવા માગું છું.. ભુતકાળ નો બોજ ઉઠાવીને થાકી ગઇ છું. તને એટલે માફ કરું છું કે હું હવે વર્તમાન માં જ જીવવા માગું છું. મારા માટે તને માફ કરું છું કે હું પુરેપુરું જીવી શકું.

એટલે જે વર્તમાન માં જીવે છે એ પોતા નો અહંકાર ,ઇર્ષ્યા ,વેરઝેર ,લોભ જેવા દરેક દુર્ગુણો ને ખંખેરી નાખિને જીવે છે. એવા લોકો ને આવી ભાવના ઓ વધારે અસર નથી કરતી કેમ કે દરેક ક્ષણે વર્તમાન માં જીવે છે. અને પ્રેમ ,દયા ,ક્ષમા જેવી લાગણીઓ આપોઆપ આત્મસાત થતી જાય છે. પણ એવું કરતાં બહુ જ નહિવત્ લોકો જ જીવી બતાવે છે જેમકે ભગવાન શ્રીકૃષ્ણ જેમ કે ગૌતમ બુદ્ધ.

***