શ્રદ્ધા કે અંધશ્રદ્ધા jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

આજે જમનાબહેન ને ઘણુ દુ:ખ થયુ હતુ. તેમને રહી -રહીને એ વાત યાદ આવ્યા કરતી હતી જે એમની પુત્રવધુ નિર્મલાએ એમને સંભળાવી હતી, કે “તમારા કારણે આજે આશિષ આ દુનિયામાં નથી.તમે અને તમારી શ્રદ્ધાએ મારા આશિષનો જીવ લીધો છે.”તેમને એ વાત પર ગુસ્સો આવતો હતો સાથે દુ:ખ પણ થતુ કે જેને આજ સુધી દિકરી ની જેમ રાખી છે એ જ ઊઠીને મારા પર આવુ આળ મુકે છે. મે તો હંમેશા મારા પુત્ર નુ ભલુ જ ઇચ્છ્યુ છે તો હું મારા પુત્ર ના મ્રૃત્યુ નુ કારણ કેવી રીતે બની શકું?

જમનાબહેન ને એમના જુના દિવસો યાદ આવ્યાં જ્યારે એમની દુનિયામાં હતાં માત્ર એ, એમના પતિ અશોકભાઈ અને એમનો પુત્ર આશિષ. અશોકભાઇ જે જમનાબહેન ને ખુબ જ પ્રેમ કરતા હતા અને આશિષ જે એમની દરેક વાત માનતો હતો. ઘણો કહ્યાગરો હતો એમનો આશિષ! કોઇ દિવસ એવો નહોતો જ્યારે આશિષ એ એમનુ કહયુ ના કર્યુ હોય.

અશોકભાઈ બધી રીતે એમનો ખ્યાલ રાખતા હતા. એમને પ્રેમ કરતા હતા, પરંતુ એક વાત એમને જમનાબેન ની બહુ ખટકતી હતી અને તે હતી જમનાબેન ની અતિશ્રદ્ધા. જમનાબહેનને માતાજીઓ ના દોરા, ગુરુદેવ ના માદળિયા, તેમજ તાવિજો ઉપર ખુબ જ વિશ્વાસ. અશોક ભાઇ લગભગ કંટાળી જતા. એમણે ઘણીવાર જમનાબહેન ને સમજાવ્યાં કે આમ દોરા બાંધવાથી માગેલુ ના મળે એના માટે તો મહેનત કરવી પડે. આમ દોરા બાંધવાથી રક્ષા થઇ જતી હોય તો ડોકટરો બધા બેકાર થઇ ગયા હોત. અને કોઇ દિવસ કોઇ મરત જ નહિ. જેનુ આયુષ્ય પુરુ થઇ ગયુ હોય એને કોઇ બચાવી ના શકે. ઘણીવાર મજાક પણ ઉડાવતા તો જમનાબેન એમના થી અબોલા લઇ લેતા. પછી અશોકભાઈ એમને પ્રેમ થી મનાવી લેતા.

બધુ બરાબર ચાલતુ હતુ તેમાજ એક દિવસ એમના સુખી સંસારને નજર લાગી હશે કે શું કે એક સવારે અશોકભાઇ ઊંઘમાંથી ઊઠ્યા જ નહિ. ઊંઘમાં જ એમને હાર્ટ એટેક આવ્યો હતો એતો રાતેજ મ્રુત્યુ પામ્યા હતા. હવે ઘરની બધી જવાબદારી આશિષ ના માથે આવી પડી. સદભાગ્યે આશિષને એક સારી ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુપરવાઇઝરની નોકરી મળી ગઇ. એનો પગાર પણ સારો પંદરેકહજાર જેવો હતો. જેથી જમનાબહેન માથેથી તો જાણે ભાર ઉતરી ગયો .

જમના બેને એક દિવસ આશિષ ને લગ્ન વિશે વાત કરી તો આશિષે કહયુ કે મને તારી પસંદ પર પુરો વિશ્વાસ છે. તું જેની સાથે કહેશે એની સાથે એ લગ્ન કરી લઇશ. આખરે ઘણી શોધખોળ પછી નિર્મલા પર પસંદગીનો કળશ ઢોળ્યો.

નિર્મલા એક સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી હતી.તેમજ તે નજીક ના શહેરમાં સરકારી શાળામાં નોકરી કરતી હતી. આશિષ ને પણ નિર્મલા ગમી ગઇ હતી. એથી એક દિવસ શુભ મુહુર્ત જોઇ એમણે આશિષ અને નિર્મલા ના લગ્ન કરાવી દીધા.

જમનાબેન નિર્મલાનુ ખુબ જ ધ્યાન રાખતા હતા. સાંજે નિર્મલા ઘરે આવે ત્યારે તેને કામ કરવા ને બદલે આરામ કરવાનુ કહેતા. પણ નિર્મલા એમની પાસે થી આગ્રહ પુર્વક કામ કરવા ‌લાગતી . આશિષ પણ નિર્મલા ને ખુબ જ પ્રેમ કરતો હતો. એ બંને ને જોઇને જમના બહેન ને પોતા ના દિવસો યાદ આવી જતા. એક વરસ બાદ નિર્મલા એ પુત્ર ને જન્મ આપ્યો. જમનાબહેને એ નુ નામ સુરજ રાખ્યુ.

એક દિવસ નિર્મલા જ્યારે સુરજને રમાડતી હતી ત્યારે બાજુના ઓરડામાં કંઇક સંભળાયુ, કે જમનાબહેન આશિષને કોઇક કસમ આપી રહ્યા હતા, પણ એણે ખાસ ધ્યાનમાં લીધું નહિ. એ પછી નિર્મલાએ આશિષના ગળામાં માતાજીની સોનાની ચેન જોઇ, એણે આશિષને પુછ્યુ તો આશિષે કહ્યુ કે મા એ પહેરાવી છે

બધુ સરસ ચાલી રહયુ હતુ કે એક દિવસ ના બનવાનુ બની ગયું. આશિષ ને એની કંપની ની ફેકટરી માં કામ કરતી વખતે એક્સિડન્ટ મા મ્રુત્યુ થઈ ગયુ. એની ફેક્ટરી ના મશીન માં આવી ગયો. બચવાની શક્યતા તો દુર બલ્કે લાશ પણ ઓળખાય એવી રહી નહી. જમનાબેન અને નિર્મલાને માથે તો આભ ટુટી પડ્યુ. બે ય સાસુ વહુ એ ભારે હૈયે બધી વિધી પુરી કરી.

આ વાત ને એક વરસ પુરુ થઈ ગયુ. આમતો નિર્મલા ના પગાર થી ઘર ચલાવવામાં સહારો થઈ રહેતો પણ બંને ને આશા હતી કે જો આશિષ ની કંપનીએ કરાવેલા મેડિકલેમ ની રકમ પાસ થઈ જાય તો સુરજ ને સારી રીતે મોટો કરી શકાય. પણ એ આશા એ ઠગારી નીવડી. એક દિવસ ઘરે રજિસ્ટર લેટર આવ્યો. નિર્મલા એ લેટર વાંચ્યો. જેમા લખ્યું હતુ કે આશિષ ના મેડિકલેમ ની રકમ નામંજુર કરવામા આવે છે. કેમકે એક્સિડન્ટ ની ઘટના મા આશિષની બેદરકારી હતી. તેમજ એ બેદરકારી કઇ હતી એ પણ દર્શાવ્યુ હતુ.

જમનાબેન ને ખુબ ક્રોધ ચડયો. એમને એમ કે કંપની પોતાના પૈસા બચાવવા છટકબારી ગોતી લીધી છે. પણ નિર્મલા નુ વર્તન એ દિવસ થી બદલાઇ ગયું. એ થોડી નારાજ રહેવા લાગી. પણ થોડા દિવસો પછી તો એણે હદ કરી નાખી. જમના બેન એમના પૌત્ર સુરજ ના ગળામા માદળિયુ પહેરાવતા હતા ત્યારે નિર્મલા એ ક્રોધપુર્વક ના પાડી ને સાથે ગુસ્સા માં એમ પણ બોલી ગઇ કે મારા પતિ નો જીવ લઇ ને શાંતિ ના થઈ તે હવે સુરજ ને પણ મારી નાખવો છે. તમારી અંધશ્રદ્ધા એ જ આશિષ ને મારી નાખ્યો છે. જમના બેન બિચારા કંઇ બોલ્યા નહિ પણ ઓરડામાં જઇ ખુબ રડયા. એ એમજ વિચારતા રહ્યા કે હું નિર્મલાને માફ નહિ કરું. ઘણા દિવસો સુધી બંને એકબીજા થી બોલ્યા નહિ. સરખુ જમ્યા પણ નહિ.

એક દિવસ જમનાબહેન શાક લેવા બજાર ગયા ત્યાં તેમને આશિષનો મિત્ર આશુતોષ કે જે આશિષની સાથ કામ કરતો હતો એ રસ્તામાં મળી ગયો. એણે જમનાબહેન ને પોતાની કારમાં લિફ્ટ આપી. વાતો કરતા કરતા એણે આશિષ ની સાથે જે કંઇ બન્યુ એનુ્ં દુ:ખ વ્યક્ત કર્યુ અને વાત વાતમાં એમ પણ કહી દીધું કે જો આશિષે એ સમયે એ ચેન ના પહેરી હોત તો આવુ કંઇ બન્યુ જ ના હોત.”

જમના બહેન કંઇ સમજ્યા નહી એટલે આશુતોષે કહ્યુ,”જે દિવસે એક્સિડન્ટ થયુ એ દિવસે આશિષના ગળામાં ચેન પહેરી હતી અને એ ચેન જ મશીન માં આવી ગઇ હતી. અમે ઘણો પ્રયત્ન કર્યો પણ અમે કંઇ કરી શકીએ એ પહેલા તો આ બધુ થઇ ગયું. કાશ ! આશિષે એ ચેન કંપનીના ના નિયમ મુજબ ચેન ઉતારી દીધી હોત!”

આ સાંભળીને જમનાબહેન વિચારવા લાગ્યા કે ,” આશિષ એ ચેન ના કાઢી કારણ કે મે જ એને વિચાર્યા વગર એ ચેન ના ઉતારવા માટે કસમ આપી હતી. અરેરે! નિર્મલા સાચું કહેતી હતી કે મારી અંધશ્રદ્ધા જ એના મ્રૄત્યુ નુ કારણ બની. જેને હું અત્યાર સુધી મારી શ્રદ્ધા ગણતી હતી એ તો અંધશ્રદ્ધા જ હતી” હું ઘરે જઇ નિર્મલાની માફી માગી લઇશ.”

જમનાબહેન ઘરે પહોંચ્યા ત્યાં નિર્મલા એ જમનાબહેન ના પગે લાગી માફી માગી કે ,“મે તમારું દિલ દુભાવ્યુ છે મને માફ કરી દો.તે દિવસે મે તમારી સાથે જે રીતે વાત કરી તે ઉપરાંત જે પણ કહ્યુ એ મારે નહોતું કહેવુ જોઇતુ પણ ગુસ્સામા મોઢા માથી નીકળી ગયુ.”

જમનાબહેને નિર્મલાને ઉભી કરી ને કહ્યુ, ”તારો ગુસ્સો બરાબર હતો અને તે જે કીધું એ પણ. આ સાંભળી નિર્મલાએ કહ્યું ,” મા આ શું બોલો છો ?”

જમનાબહેને કહ્યું કે ,”બરાબર જ કહું છું મને ખબર પડી ગઇ છે કે આશિષ ના વિમા ની રકમ કેમ નામંજુર થઇ છે.કેમકે એના મ્રૄત્યુનુ કારણ જ એ ચેન હતી.અને એ ચેન ના ઉતારવા માટે મે જ એને કસમ આપી હતી. મને તો એમકે એ ચેન પહેરી રાખશે તો એનુ અહિત નહિ થાય એટલે એ ચેન ના ઉતારવા માટે મે એને કસમ આપી હતી. પણ મને અભાગી ને ક્યાં ખબર હતી કે એ ચેન જ એના ….. “

આટલું બોલતા તો જમના બહેન રડી પડ્યાં. નિર્મલા એ એમને આશ્વાસન આપતાં કહ્યુ,”જે થયુ એ થયુ હવે એ બધી વાતો યાદ કરી દુખી ના થશો. પણ એક વાત કહું છું કે તમે માતાજી માં શ્રદ્ધા રાખો એમાં કંઇ ખોટું નથી પણ તમે તમારા એ વિશ્વાસ ને એ વિચારી મજબુત ના બનાવી શકો કે માતાજી ને પોતાના ભક્તોની રક્ષા કરવા માટે કોઇ વસ્તુ ની જરુર નથી. એની શક્તિઓ શું એટલી કમજોર છે કે એને આવી બધી વસ્તુઓ પર આધાર રાખવાની જરુર પડે?”

જમનાબહેને આંસુ લુછતાં કહ્યું , ”સાચી વાત છે તારી દિકરી સો ટકા સાચી વાત. આજ થી જ હવે માતા ની શક્તિ પર વિશ્વાસ કરીશ આ બધી વસ્તુ પર નહિ. આજ થી નવી શરુઆત કરીએ . આજથી હું પણ તારી જેમ કંઇક નાનુમોટુ કામ કરી તને મદદરૂપ થઇશ જેથી આપણે સુરજ ને સારી રીતે ભણાવી શકીએ.”

નિર્મલાએ કહ્યું ,”તમે એ ની ચિંતા ના કરો. એબધું હું જોઇ લઇશ. અત્યારે તો આપણે જમવાનું બનાવવાની ચિંતા કરી એ પેટમાં બિલાડા બોલી રહ્યાં છે. “

અને બંને ના હાસ્ય થી ઓરડો મલકી ઉઠ્યો.