સેન્ડો [ નવલિકા ] Hemant Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેન્ડો [ નવલિકા ]

સેન્ડો

[વાર્તા ]

હેમંત ગોહિલ

Hemant161969@gmail.com

મથુર કહો તો કોઈ ન ઓળખે. ‘સેન્ડો’ કહો તો ગામ આખું ઓળખે. વર્ષો જતા વડવાઈઓ એવી તો ઝટાઝૂંડ થઇ જાય કે વડનું અસલ થડ કળવું મુશ્કેલ થઇ પડે એવું મથુરની બાબતમાં થયેલું. નવાઈની વાત તો એ હતી કે મથુરને એનો લેશમાત્ર રંજ નહોતો.’સેન્ડો’ સંબોધન એને કોઠે પડી ગયું હતું.

એક જમાનામાં સેન્ડો સર્કસ ધૂમ મચાવતું. કોણ જાણે મથુરને એ સર્કસના કેટલાક દાવ અંગેની સાચીખોટી માહિતી ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત થઇ ! એક દિવસ ભાઈબંધોની ટોળકીમાં એણે જ બાવડાનો ગોટલો કરતા જણાવ્યું: “ આપણે પણ કંઈ કમ નથી. એવા ખેલ તો આપણે ય કરી બતાવીએ.”

“જા,જા, મથુરિયા ઈ કાંઈ નાની માના ખેલ નથી.” દીપલાએ લાંબો હાથ કરી મથુરના સ્વભાવને વળ ચડાવ્યો.

“ બોલને કયો ખેલ કરી બતાવું ?” મથુરે શર્ટનું ઉપરનું બટન ખોલી ,કોલરને સહેજ પાછળ તરફ ખેંચતા કહ્યું.

“ ખાડાવાળો ખેલ .” વિક્લાએ અગાઉથી તૈયાર કરી રાખ્યું હોય એમ ફટાક દી બોલી નાખ્યું.

“ ઈ વળી કયો ખેલ ?” લખાએ અજ્ઞાન પ્રગટ કર્યું.

“અરે, ખાડો ખોદીને સેન્ડાને ખાડામાં કેડ્ય લગી દાટી દીધો હોય છે,છતાં સેન્ડો એકલો ખાડામાંથી બહાર નીકળી આવે છે ઈ .” વિકલાએ સ્પષ્ટતા કરી.

“ એવા ખેલ તો ચપટીમાં કરી બતાવું.” કહેતા મથુરે ચપટી વગાડી.

“ ચાલો, ત્યારે ઉતાવળીના વેકરામાં.” લખાને વગર પૈસે ખેલ જોવાની તાલાવેલી થઇ આવી હતી.

સૌ ભાઈબંધોની ટોળકી ગામની ઉત્તર દિશામાં થઈને વહેતી ઉતાવળી નદીના પટમાં પહોન્ચી ત્યારે સાંજ ઢળું ઢળું થઇ રહી હતી.

જોતજોતામાં નદીના વેકરામાં કેડ સમાણો ખાડો થઇ ગયો. મથુર છલાંગ મારીને તેમાં ઊભો રહ્યો. બોલ્યો:” તમતમારે હવે વેકરો દાબી દ્યો .”

ટોળકીએ મથુરની ફરતે ઠેકડા મારીને રેતી દાબી દીધી.મથુરની કેડ સુધીનો ભાગ બરાબર દાબી દીધા પછી ટોળકી એના કરતબને નિહાળવા બેઠી હતી ત્યાં જ નદીના કાંઠેથી મનસુખે સાદ દીધો :” ગામમાં હાથી આયો છે હાથી.”

હાથીનું નામ પડતા જ મથુરને ખાડામાં ખૂંપેલો છોડીને ટોળકી ફરર્ર કરીને ઉડી જતા પંખીની જેમ ભાગી.

મથુર શરૂઆતમાં તો શક્તિપ્રદર્શન કરતો રહ્યો, પણ જેમ જેમ ઢળતી સાંજનો અંધકાર ગાઢ બનતો ગયો તેમ તેમ તેની શક્તિમાં ઓટ આવતી ગઈ.તેનું શરીર હવે હાંફવા લાગ્યું હતું. કેડથી નીચેના ભાગમાં અસહ્ય પીડા ઉપડી ચૂકી હતી.

મહાપ્રયત્ને મથુર બહાર નીકળ્યો ત્યારે તેના પરાક્રમને નિહાળનાર ત્યાં કોઈ હાજર નહોતું, પરંતુ તેની કેડના ભાગમાં મચકોડ હાજર થઇ ચૂક્યો હતો ! બહાર નીકળવાના એના ઉધામાએ એની કેડને મચકોડી નાખી હતી. તે ખાડામાંથી નીકળતા જ ઢગલો થઈને ઢળી પડ્યો.ક્યાંય સુધી વેકરામાં પડ્યો પડ્યો આકાશને તાકી રહ્યો.

સવારે યાદ આવી જતા ટોળકી મથુરના ઘરે પહોંચી ત્યારે મથુરની મા મથુરને ઊંધો સુવડાવીને ગોળ અને હળદરનો લેપ કરતી હતી.

દિવસો સુધી મચકોડે મચક ન આપતા એક દિવસ વિકલાએ મથુરને કાનમાં કહ્યું :” મરદના રોગ આમ નો મટે. મરદના રોગ બધાથી નોખા હોય. અને ઈને મટાડવાના ઈલાજ પણ નોખા હોય, સમજ્યો ?”

“નો, સમજ્યો .” મથુરે નકારમાં માથું ધુણાવ્યું.

“તું માણહ રિયો મરદ. મારું લોઈ મર્દાનગીથી ભરેલું. તારું લોઈ ગંઠાઈ ગયું છે.ઈને ઓગાળવું પડે.તો તારો મચકોડ તને છોડે.”

“ કાંકરા કાઢીને વાત કરી નાખને .”દીપલાએ ઉમેરણ કર્યું.

“દર્દી હા ભણે તો દાક્તર ઓપરેશન કરે ને ?” વિકલાએ નાડને દબાવી.

“ભૈ,બતાવ્યને “ મથુરે બેઠા થતા જણાવ્યું.

‘ ઉપાય જરા અઘરો છે અને અટપટો પણ ખરો. બીકણ માણહનું કામ નૈ.” વિકલાએ વાટને સંકોરી.

“તું મને ફોશી માને છે ? એકવાર મોઢામાંથી ભસી તો નાંખ્ય .” મથુરે સ્વભાવને પ્રગટાવી નાખ્યો .

“તારે તારું જામી ગયેલું લોઈ ઓગાળવા એને ગરમી આલવી પડે. ગરમી આલવા તારે જુના ઉકૈડામાં કેડ્ય લગી દટાઈને ઊભા રે’વું પડે. બોલ,છે વેંત ?”

“મંજૂર છે .” મથુરે પડકારને ઝીલ્યો.

વડીલોની નજર ચૂકવીને ટોળકી એક દિવસ મથુરને લઈને પહોંચી ગામના જૂનામાં જુના ઉકરડા પાસે. ઘડીકમાં તો ઉકરડાનું સડી ગયેલું ખાતર ખોદીને ખાડો તૈયાર કરી નાખ્યો.સડી ગયેલા છાણની વાસ અને ગરમીની લેશમાત્ર પરવા કર્યા વગર મથુરે ખાડામાં ઝંપલાવ્યું. રોપાને રોપતા હોય ટોળકીએ ઝડપથી મથુરની ફરતે ખાતરને દાબીને ખાડાને સમથળ કર્યો.

કોઈ વૈજ્ઞાનિકનું જૂથ કોઈ પ્રાયોગિક પ્રક્રિયાનું અવલોકન કરતુ હોય તેમ આ ટોળકી થોડે દૂર ગાંડા બાવળના છાંયડે ઊભી રહી. પ્રત્યેક ક્ષણે મથુરના ચહેરા ઉપર થતા ફેરફારનું અવલોકન કરવા લાગી.

મથુરને ધીમે ધીમે દાહ જેવું લાગવા માંડ્યું હતું. પરંતુ સામે ઊભેલી ટોળકી સામે બીકણ પૂરવાર થવું પાલવે એમ નહોતું. તેથી મહાપ્રયત્ને ચહેરા ઉપર સ્મિત રાખીને પીડાને સહન કર્યે જતો હતો.એ જ વેળાએ છાણનો ટોપલો લઈને સુખલી આવી. સુખલીને આવતી જોઈને ટોળકી ક્યાં અને ક્યારે અલોપ થઇ ગઈ કોઈને ખબર ન પડી. ઉકરડામાં ખોડાઇને ઊભેલા મથુરને જોઈને સુખલી ખડખડાટ હસી પડી.મથુરના નાક ઉપર છાણનો લોંદો ચોટાડતા બોલી:” લે, આજ તો મારા ઉકૈડામાં આંબો ઊગ્યો છે .”

મથુરે સાચી વાત કરી, પરંતુ સુખલી તો એ વાતને માન્યા વગર જ ચાલી નીકળી બીજો સૂંડલો ભરવા. ફરી આવી ત્યારે પણ મથુર ત્યાં જ સ્થિર હતો. તેની આંખોમાં પીડા જેવું કશુંક જોયું હોય કે પછી ગમે તે હોય ,પણ આ વખતે સુખલી સીધી જ મથુર પાસે પહોંચી ગઈ. ઝડપથી આજુબાજુમાંથી ખાતરને હડસેલીને મથુરને બહાર કાઢ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. મથુરનો ઉકરડામાં દટાયેલો ભાગ દાઝીને લાલચોળ થઇ ગયો હતો.

ખોબા જેવડા ગામમાં સૂંડલો ભરાય એવી આ વાતને ફેલાતા વાર કેટલી ? જોતજોતામાં ગામના આ પાદરથી સામેના પાદર સુધી વાત ફેલાઈ ગઈ. આ ઘટના પછી ગામ આખું મથુરને “સેન્ડો “ના નામથી ઓળખવા માંડ્યું.

સેન્ડો શરીરે જુઓ તો હટ્ટોકટ્ટો. પણ બુધ્ધિના નામે મીંડું. જોવામાં જડભરત જેવો.સૌ કહેતા :” ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે ભાઈ’સાબ પેટની પૂજા કરવામાં રોકાયા હતા. એટલે બુદ્ધિને અને સેન્દાને બાર ગાઉનું છેટું છે .”

નિશાળમાં ય સેન્ડાને બહુ જામેલું નહીં. { શિક્ષકને સ્વપ્નમાંય ખ્યાલ નહોતો કે મથુરના નામે ભણતો આ માણસ એક દિવસ ‘સેન્ડો’ના નામથી પ્રખ્યાત થશે!!] પોતે મીંડામાંથી નીકળીને એકડા સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો સહપાઠી પાંચમાં ધોરણને આંબી ગયા હતા.શિક્ષણ પોતાની પ્રકૃતિને પ્રતિકુળ લાગ્યું.પોતાનાથી પાંચ વર્ષ નાની સુખલી ય પોતાની સાથે ભણતી થઇ ગઈ.પાંચ વર્ષમાં માસ્તર ન શીખવી શક્યા એ સુખલીએ એક વર્ષમાં કરી બતાવ્યું. સુખલીએ મથુરને મીંડામાંથી બહાર કાઢીને છેક ગુજરાતી શિક્ષણ પૂરું કર્યું ત્યાં સુધી સાથે રાખેલો.આગળ ભણવાનું સુખલીએ બંધ કર્યું તો મથુરનું શિક્ષણ પણ ત્યાં જ અદબપલાંઠી વાળીને બેસી ગયું !!

લાગણીની બાબતમાં પણ સેન્ડો સાવ કોરોધાક્કોડ. કોઈની પીડા કે દરદ જોઈને એની આંખમાં સહેજ પણ ભીનાશ જેવું ન ઊભરાય. અરે, કોઈના મરણ જેવા દુખદ પ્રસંગે પણ એની આંખ ભીની ન થાય. બીજાની શું વાત,ગામની ભાગોળે આખડી પડેલા આખલાને છૂટા પાડવા જતા એના બાપને આખલાએ માથું મારેલું.પાકા ચીભડામાં દાતરડાની અણી ઘૂસી જાય એમ એના બાપના પેટમાં શિંગડું ઘૂસી ગયેલું. આખલાએ માથું ઊંચક્યું ત્યારે આંતરડાનો લોચો પણ બહાર આવી ગયેલો.દવાખાને દાખલ કરેલા એના બાપે ચોથા દિવસે તો મહાપ્રયાણ કરી લીધેલું.ત્યારે પણ સેન્ડાનું રૂંવાડુંય નહીં ફરકેલું.ત્યારે જ ગામ આખાએ માની લીધેલું કે સેન્ડામાં બુદ્ધિ તો નહોતી જ ,પણ આજે જાણવા મળ્યું કે આનામાં તો કાળજું ય નથી. બળ્યું. એકલો કાળમીંઢ પથ્થરનો બનેલો છે સેન્ડો!

જાડી બુદ્ધિનો તો એવો કે ક્યાં ભયસ્થાન છે એનું ય એને ભાન નહીં. એકવાર એ ભયસ્થાનનો ભોગ બન્યા પછી ય એને અક્કલ જેવું આવે નહીં.તળાવના ઓતરાદા કાંઠે આવેલી ખાટીઆંબલી ઉપરથી એ ચારેક વાર ખાબકેલો. જાડી ડાળ ઉપરથી સરકીને પડવા છતાં એ છેક ટગલી ડાળ ઉપર કેમ લટકવા જાય છે ? એ કોઈને ન સમજાતું.કેવળ એટલું ઘણાની જાણમાં આવેલું કે લોહીઝાણ થયેલો સેન્ડો ,કાતરાથી ભરેલા ખિસ્સાને સંભાળતો સુખલીના ઘર ભણી દોટ મૂકી જતો.

એકવાર એના હાથમાં શાહૂડીનું અણીદાર પીંછું આવી ગયેલું. શી ખબર શું સૂઝ્યું કે એ પીંછું સેન્ડાએ સુલેમાનની બકરીની પીઠમાં જોરથી ભોંકી દીધું. દર્દથી કણસતી બકરીએ ગામની શેરીને ગજવી મૂકી. ત્યારે તો સુલેમાને સેન્ડાને મારવા લીધેલો. સુખલીએ માંડ માંડ સુલેમાને સમજાવીને મામલો થાળે પાડેલો.પછીના

દિવસે છાશનો ગાડવો લઈને જતી સુખલીને સેન્ડાએ કહ્યું:” એ બકરીએ તારા ફળિયામાં તેં પાથરેલા તારા બાજરામાં મોઢું ઘાલ્યું’તું.”

એક દિવસ વળી શું સૂઝ્યું કે જાડી બુધ્ધિના સેન્ડાએ એના જ ડાબા હાથની આંગળીને છૂંદી નાખી. ડાબા હાથને ઓસરીની ધાર પાસે ગોઠવેલા પથ્થર ઉપર રાખીને જમણા હાથે મસમોટા પથ્થરને પકડીને જોરદાર પ્રહાર કર્યો. ડૂંગળી છુંદાઈ એમ આંગળી છુંદાઈ ગઈ.બીજા દિવસે દીપલાની જાણમાં આવ્યું કે સુખલીએ રંગ કરી આપવા આપેલા પાંચીકા સરસ મજાના લાલચટ્ટક કરીને સેન્ડો એને આપવા ગયો હતો.

આંગળી રૂઝાઈને પૂર્વવત બની જાય એ પહેલા જ વાલમગઢનો શંકર લગ્નગાળાની સીઝનમાં બનીને આવ્યો.છેડાછેડી બાંધીને સુખલીને લઇ ગયો. પછીથી સેન્ડાના પરાક્રમમાં એકદમ ઘટાડો નોંધાયો.

ઘૂમટામાં ઓઝલ રહેલા સાચા કારણથી અજાણ ગામ એવું માની બેઠું કે સેન્ડો હવે સમજણો થઇ ગયો છે.એનામાં હવે બુધ્ધિના દ્વાર ખૂલ્યા છે .સુખલી ગઈ તે દિવસથી જ સેન્ડાએ આંગળીનો પાટો છોડી નાખેલો.

સુખલી આંટો આવતી ત્યારે સેન્ડાને તહેવાર જેવું લાગતું.

આજે વાવડ મળ્યા હતા કે સુખલી આંટો આવી છે . જીયાણું કર્યા પછી આજે પહેલી વાર આવી હતી.સાથે શંકરને પણ લાવી હતી.સેન્ડાને ખેતરના શેઢે પાળી નાખતા છેલ્લું તગારું ભર્યું અને નક્કી કર્યું કે આજે થોડા વહેલાસર ઘરે પૂગવું છે.

ઘરે આવીને ઘરના ખૂણામાં તગારું-પાવડાને મૂક્યા ન મૂક્યા ત્યાં ગોકીરો સંભળાયો. દેકારાની દિશામાં દોડીને જોયું તો સુખલીનું ઘર ભડભડ સળગી રહ્યું હતું.સુખલીનું ફળિયું માણસોથી ઊભરાઈ ગયું હતું. સેન્ડાએ જાણ્યું તો ઘટનાક્રમ એવો બનેલો કે શંકર, જમાઈના નાતે કુટુંબમાં ચા-પાણી કરવા નીકળી ગયેલો.

સુખલીની મા ડંડો લઈને ગવરીને ધણમા અઢાવવા ગયેલી. રોટલા ઢીબતી સુખલી છેલ્લો રોટલો તાવડીમાંથી ઉતારી ભાણિયો સૂતો છે ત્યાં એક બેડું પાણી ભરી લાવવાની લ્હાયમાં ચૂલો ઠાર્યા વગર જ નીકળી ગયેલી અને............

ચારેબાજુ બૂમરાણ મચી ગઈ હતી.સુખલી બ્હાવરી બની ગઈ હતી.ભાણીયાનું ઘોડિયું ઘરમાં જ રહી ગયું હતું.વધતી જતી આગની જ્વાળા સાથે સાથે સુખલીની વ્યાકુળતા પણ વધતી જતી હતી. ખબર મળતા શંકર પણ દોડી આવ્યો હતો.ધુમાડાના ગોટા વચ્ચે લપકતી આગની જ્વાળાએ શંકરને હતપ્રભ કરી નાખ્યો હતો.અહી સુધી આંબતી ગરમીએ જાણે કે એની શક્તિને ઓગાળી નાખી હતી.સુખલી બરાડા પાડીને શંકરનું

બાવડું ઝાલીને કશુંક કરી ભાણિયાને બચાવવા સમજાવતી હતી.શંકરના સ્લીપર પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા.

એજ વખતે સેન્ડાએ સુખલીના ફળિયામાં પ્રવેશ કર્યો.

સુખલીએ સેન્ડાની સામે જોયું. સુખલી કશું જ ન બોલી શકી. સુખલીની આંખમાંથી દડતાં આંસુની ધાર સેન્ડાને શી ખબર શું સમજાવી ગઈ કે સેન્ડો કાંઈ પણ વિચાર કર્યા વગર ચિત્તાની જેમ છલાંગ મારીને આગમાં કૂદી ગયો.નજરે જોનાર સૌની રાડ ફાટી ગઈ.સૌના શ્વાસ થંભી ગયા.પાણીનો મારો ચલાવતા સૌ લોકોના હાથમાં વાસણ સ્થિર થઇ ગયા. એજ વખતે મોભનું તોતિંગ લાકડું સળગીને ધડામ કરતુ પડ્યું.ધુમાડાના ગોટા વચ્ચેથી આગના તણખા ઊડ્યા.દેશી નળિયાની હાર ઢગલો થઈને આગમાં ઓરાઇ ગઈ. કોઈને કહી ન શકાય તેવો અંદેશો બધાંને અંદરખાનેથી થથરાવી ગયો.અંદેશો લાંબો સમય ટકે એ પહેલા જ અંદેશાના ચીંથરા ઉરાડતો સેન્ડો આગમાંથી બહાર નીકળ્યો.પરાકાષ્ઠાની ક્ષણોમાં ફિલ્મનો નાયક જેમ અકલ્પનીય પરાકમ કરી બતાવે એમ સેન્ડો સળગતા મોભને હડસેલો મારતો, ધગધગતા દેશી નળિયાને ઉરાડતો વંટોળની જેમ બહાર નીકળ્યો.

બહાર નીકળવા સુધી જ ભાનને કાબૂમાં રાખ્યું હોય તેમ બહાર નીકળતા જ સેન્ડો બેભાન થઈને ઢળી પડ્યો.

એના ખુલ્લા શરીર પર લાલચોળ ચકામા ઊપસી આવ્યા હતા. માથાના વાળ બળીને ગઠ્ઠો બની ગયા હતા.સેન્ડાએ એનું પહેરણ કાઢીને ભાણિયાને લપેટી દીધું હતું. બેભાન અવસ્થામાં પણ એણે ભાણિયાને કસકસાવીને પકડ્યો હતો.આગની જ્વાળા અને સળગતા ખોટાવરાથી ભાણિયાને બચાવવા ,બાથમાં લપેટીને ગોટો વળીને બેસી ગયેલા સેન્ડાની પીઠ પર દેશી નળીયાના ડામ સ્પષ્ટ દેખાતા હતા.સેન્ડાની પકડમાંથી ભાણિયાને અલગ કર્યો ત્યારે સેન્ડાના હાથ જાણે લાકડું બની ગયા હતા.

સુખલીએ જોયું હતું કે બહાર નીકળતા વેંત સેન્ડાની આંખ પોતાના તરફ મંડાઈ હતી. અને આંખ મળતા જ તૃપ્તિનો ઓડકાર ખાતો હોય તેમ સેન્ડો આંખ ઢાળીને ઢળી પડ્યો.

દીકરાને સાવ સાજો-નરવો જોવા છતાંય સુખલીને ચેન નહોતું પડતું. આગમાં બળીને ભડથું થઇ ગયાની વેદના પોતે અનુભવી રહી.સુખલી હવે બમણા જોરથી રડવા લાગી. લાખ સમજાવટ પછી પણ સુખલીની રડારોળ બંધ ન થઇ ત્યારે ગામલોકોને લાગ્યું કે સુખલીનું છટકી ગયું !!

સેન્ડાને તાબડતોબ શહેરના દવાખાને લઇ જવા વાહન આવીને ઊભું રહ્યું.અને લઈને ચાલી નીકળ્યું ત્યારે સુખલીએ સ્વજન ગુજરી ગયું હોય તેમ હૈયાફાટ આક્રંદ કર્યું . એ દ્રશ્ય જોઈને રહ્યાસહ્યા માણસોનેય લાગ્યું કે સુખલીની ડગળી હવે ખરેખર ચસકી ગઈ !

દિવસો સુધી ગામમાં સેન્ડાનો જ વિષય ચર્ચાતો રહ્યો. ‘સેન્ડો’ ખરેખર ગાંડો છે.’ ‘ સેન્ડાને ઘૂરી આવે છે ‘,’સેન્ડો અક્કલ ખોઈ બેઠો છે ‘,’સેન્ડાનું છટકી ગયું છે ,’ ‘અંતમાં સૌ એક જ તારણ પર આવીને ઊભા રહેતા: “ નહિતર કોઈ આમ જાણી જોઈને આગમાં કૂદે ?”

રોજ ચર્ચાતા આ પ્રશ્નના જવાબમાં સુખલીને તડનું ફડ કરી બોલી નાખવાનું મન થઇ આવતું કે..................

[ સમાપ્ત ]