Emergency Call 108 [ નવલિકા ] Hemant Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emergency Call 108 [ નવલિકા ]

- હેમંત ગોહિલ

[નવલિકા }

ડૉ.શિવાંગીએ મસ્ટરરોલમાં પ્રેઝન્ટ સિગ્નેચર હજી પૂરી કરી પણ નહોતી ત્યાં એલર્ટ રીંગ વાગી.

“ડૉ.શિવાંગી .રેડી ફોર ઇમર્જન્સી.” એનાઉન્સ થયું.

સાઈરન ગૂંજી. સ્ટેથોસ્કોપ ઊંચકાયું. ફર્સ્ટ એડબોક્ષ્ તપાસાયું. ડૉ.શિવાંગીએ ઇમર્જન્સીવાનમાં સ્થાન લીધું. વેનના દરવાજા ફટાફટ બંધ થયા.શહેરના દક્ષિણ છેડા પર આવેલા સપ્તર્ષિ એપાર્ટમેન્ટ સુધી પહોંચવાનું હતું.ત્યાં એક બર્ન્સ કેસ બન્યો હતો.

ઇમર્જન્સી વેન જેમ જેમ શહેરના દક્ષિણ છેડા તરફ પહોંચવા આવી તેમ તેમ ડૉ.શિવાંગીના મનમાં કંઇક અંદેશો આકાર લઇ રહ્યો હતો. હૃદયના ઊંડાણમાં કોઈક ફડક એને અંદરથી ધ્રુજાવતી હતી. બિહામણા વિચારોથી ગ્રસ્ત માણસ પોતાના શ્વાસોશ્વાસથી પણ ફફડી ઊઠે તેવી પરિસ્થિતિ ડૉ.શિવાંગી અનુભવી રહ્યા હતાં.

“ ક્યાંક ,વિનાયકના ઘરે તો .....” ડૉ. શિવાંગી આગળ ન વિચારી શક્યાં. આગળ એક ડગલું મુકતા જ ઊંડી ખીણ આવી જતા અટકી જવું પડે તેમ ડૉ.શિવાંગી આગળ વિચારતા અટકી ગયાં. ઇમર્જન્સીવાનની સાઈરન આજે પહેલી વાર બિહામણી લાગી.

વિનાયક એક સમયે સહાધ્યાયી હતો. ટ્વેલ્થમાં બરોડાની એમ.એસ.સાયન્સ સ્કૂલમાં બંને સાથે જ ફિઝીક્સના કોયડા ઉકેલતાં. જો કે વિનાયકને એ ગ્રુપ હતું અને શિવાંગીને બી ગ્રુપ હતું. પરંતુ કોમન સબ્જેક્ટના લેક્ચર તો બંને સાથે બેસીને જ ભરતાં. બંને સાથે બેસીને જ કેમિસ્ટ્રીના બંધારણને અણુસૂત્રમાં બાંધતાં હતા.આણ્વિક બંધારણને અભ્યાસક્રમની ઓથ નીચે ગોઠવતા ગોઠવતા બંનેના હૃદયની ધડકનમાં તીરછી નજરનું ઉદ્દીપક ઉમેરાતા બંનેની લાગણીનું સૂત્ર ક્યારે સંતુલિત થઇ ગયું તેની પણ ખબર નાં રહી.

સમયની આંગળી પકડીને શિવાંગી ઉચ્ચ ગુણાંકનના સહારે મેડીકલ કોલેજમાં ચાલી ગઈ.. વિનાયક પ્રવર્તમાન સમયમાં જેની માંગ વધારે હતી એવી એમ.બી.એ. ફેકલ્ટીમાં જોડાઈ ગયો.ઉચ્ચ કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની મથામણે અને બંને વચ્ચેના જુદાપણાએ બંને વચ્ચેના લાગણીના આવરણને પાતળું બનાવી દીધું. સમય બંને વચ્ચે પડદો બની રહી ગયો.

એમ બી એ પૂર્ણ થતા શહેરની પ્રતિષ્ઠિત કંપનીમાં વિનાયકને જોબ મળી ગઈ.કંપની તરફથી બંગલો અને ગાડી મળી ગયાં. શ્રીમંત કહી શકાય એવા કુટુંબની સંધ્યા સાથે સપ્તપદીના ફેરા પણ ફરી લીધા. સંધ્યાના પિતાની આર્થિક મદદ અને કંપનીની લોન સહાયથી હવે તો છેલ્લા આઠેક માસથી શહેરના દક્ષિણ છેડે આવેલા સપ્તર્ષિ એપાર્ટમેન્ટમાં એક લક્ઝુરીયસ ફ્લેટ પણ લઇ લીધો. સંધ્યા સાથેના દાંપત્યજીવનનું ગાડું કોઈ પણ પ્રકારના કિચૂડાટ વગર ચાલ્યે જતું હતું.,પરંતુ એક દિવસ અચાનક એને હડદોલો લાગ્યો !!

એક જુના મિત્રનો ફોન આવ્યો.:” વિનાયક,શિવાંગી આપણા જ શહેરમાં છે .” શિવાંગી નામ સાંભળતા જ સમયના વર્ષોનો થથેડો એક ઝાટકે ખરી પડ્યો. દબાયેલી સ્પ્રિંગ હટતા બમણા વેગથી ઊછળે તેમ વર્ષોથી સુષુપ્ત થઇ ગયેલો લાગણીનો ધોધ પ્રચંડ વેગથી ધસી આવ્યો.વિનાયક પોતાની જાતને એ વેગમાં તણાતી અનુભવી રહ્યો.

“મજાક તો નથી કરતો ને ?” વિનાયકને વાત ભરોસો બેસતો ન હોઈ ભારપૂર્વક પૂછી લીધું.

“ હંડ્રેડ પર્સેન્ટ સચ. મૈ ફોન પર મુંહ રખકર કેહ રહા હું . જો કહુંગા સચ કહુંગા. સચ કે સિવા કુછ નહીં કહુંગા. શિવાંગી યહાઁ હૈ ,ઇસ શહરમેં હૈ .” મિત્રનો હસવાનો અવાજ કર્ણપ્રિય રીંગટોન જેવો લાગ્યો.

“ ક્યા છે ? કેવી છે ?” પોતાની ચેમ્બરમાં વર્કફાઈલ સાથે ઊભેલી ટાઈપીસ્ટને જોઈ જતા વિનાયકે સુધારીને કહ્યું:”મતલબ, કેવી કન્ડીશનમાં છે?”

“ નેઈલ તું પોની ફાઈન. વેરી વેરી બ્યુટી. ઉજ્જવળ કારકિર્દીએ પહેલા કરતા પણ વધારે બ્યુટી બનાવી છે.સરકારશ્રીની ઇમર્જન્સી કોલ:૧૦૮ સેવા યોજનામાં ડોક્ટર્સની ટીમમાં ટીમ મેમ્બર તરીકે સર્વિસ જોઈન કરીને આ શહેરમાં આવી છે .”

“થેન્ક્સ ફોર ધિસ મેસેજ.” કહી વિનાયકે મોબાઈલ બંધ કર્યો. ચહેરા ઉપર નવું તેજ ઝળહળી રહ્યું.

“ સર, શું કોઈ નવો પ્રોજેક્ટ મળ્યો છે ?” સ્મિતાએ બીતા બીતા પૂછ્યું.

“ યુ આર રાઈટ ,સ્મિતા. પરંતુ નવો નથી. વર્ષો જુનો છે. વર્ષો પહેલા મેં એક પ્રોજેક્ટ ફાઈલ કર્યો હતો . જે મારો પ્રથમ પ્રોજેક્ટ હતો. કામની વ્યસ્તતામાં ખબર ન રહી અને ક્યાંક મુકાઈ ગયો હતો. આજે એ પ્રોજેક્ટફાઈલ પછી મળી આવી છે. હમણાં જ એક મિત્રે ફોન કરીને જણાવ્યું અને સારી કન્ડીશનમાં છે એ પણ જણાવ્યું તેથી વિશેષ આનંદ થયો.”

“ જી,સર! ઓલ્ડ ઇઝ ગોલ્ડ . અને એમાંય આપનો પ્રથમ પ્રોજેક્ટ એટલે તો એ ફર્સ્ટ લવ જેટલો સ્વીટી અને વેરી વેરી વેલ્યુએબલ ગણાય .જીવનમાં ફર્સ્ટ ટાઈમ કરવામાં આવતું દરેક કાર્ય એક અનોખી ભાત પાડી જતું હોય છે અને તેથીસ્તો તે ચિરકાળ સુધી યાદ રહેતું હોય છે .”

વિનાયકને સ્મિતા જાણભેદુ જેવી લાગી.

વિનાયકે જે દિવસે શિવાંગીને એના હેડક્વાર્ટરમાં ડોક્ટરના એપ્રન ડ્રેસમાં જોઈ ત્યારે દંગ રહી ગયો .

શિવાંગી ખરેખર પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રમા જેવી લાગતી હતી. સફળતા અને આત્મવિશ્વાસે શિવાંગીને વધારે ગૌરવર્ણી બનાવી હતી.

સિદ્ધહસ્ત ચિત્રકારના લયબદ્ધ રેખાંકન જેવી આઈબ્રોની નીચે ભૂરી ભૂરી આંખો,માં કંઇક ચુંબકીય આકર્ષણ ઉમેરાયું હતું. તેના હોઠ વહેલી પરોઢના ઝાકળબિંદુથી તરબતર ગુલાબની પાંખડી જેવા તરોતાજા લાગતા હતા. ઉષાના કિરણો જેવી લાલાશ તેના ગાલના ખંજનમાં છલકાતી હતી. મિત્રના કહેવા પ્રમાણે શીવાન્ગીમાં એની ઉમરના સરવાળા સાથે સૌન્દર્યનો પણ ઉમેરો થયો હતો. વિનાયકને જોતા જ આંખો પહોળી કરીને બોલી ઉઠેલી:” ઓહ,વિનાયક, ધેટ્સ ગ્રેટ સરપ્રાઈઝ !” ને પતંગિયાની જેમ ઊડતી આવીને વિનાયકને બાઝી પડી. વિનાયકના રોમ રોમ પુલકિત થઇ ઊઠ્યા. વાતોની આપ-લે થઇ ત્યાં સુધી વિનાયક બહુ ઓછું બોલેલો અને કશુક વિચારતો વધારે સમય શિવાંગીના સૌંદર્યને જોતો રહેલો. પોતાનાથી ઉતાવળમાં કંઇક ભૂલ થઇ ગયાની l લાગણી aagnાં કંઇક ભૂલ થઇ ગયાની અલાગનીઅનુભવતો રહ્યો.

“ શું વિચારે છે ?”

“ કહી દઉં ?”

“વ્હાય,નોટ?”

“ શિવાંગી, બીજગણિતના કોયડા ઉકેલતી વખતે તું જ કહેતી હતી કે એક પદ પણ જો ઉતાવળથી ખોટું લખાઈ જાય તો આખો જવાબ ખોટો આવે .”

“તો.?”

“ મને લાગે છે કે મારાથી .......”

“બસ,હવે ચૂપ થા. સંધ્યાને ખબર પડશે તો પદ તો શું આખું પાનું જ ફાડી નાખશે.” શિવાંગી હસી પડી.

વિનાયકને એનું હસવું અસ્થાને લાગ્યું.

“ શિવાંગી, મને લાગે છે કે મેં કંઇક ઉતાવળ કરી નાખી છે....” વિનાયક દર મુલાકાત વખતે તમામ વાતોના સારને આ વાક્ય સાથે વણી લઈને મુલાકાત આટોપી લેતો.

અચાનક વળાંક આવ્યો.

એમ્બ્યુલન્સ વેને એલ આકારનો ટર્ન લઇ દિશા બદલી. એમ્બ્યુલન્સના એ વળાંક વખતે એક હળવા ધક્કા સાથે શિવાંગીનું શરીર વળાંકની વિરુદ્ધ દિશામાં ફંગોળાયું.તે ઝબકીને વિચારસમાધિમાંથી બહાર આવી ગઈ.સભાન થઇ જતા તેણે જાતને બરાબર સંભાળી લીધી. જાતને બેઠક ઉપર પૂર્વવત્ત કરી લીધી.

સપ્તર્ષિ એપાર્ટમેન્ટના દરવાજા આગળ લોકોનું ટોળું જમા થયેલું હતું. એમ્બ્યુલન્સ વેણ ઊભી રહેતા જ શિવાંગી નીચે ઉતરી. વિનાયક દરવાજા પાસે જ ઊભો હતો.તેના ચહેરા ઉપર ગ્લાનિભાવ નહોતા તેથી શિવાંગીને મામલો અન્યના ઘરનો લાગ્યો .વિનાયકે ટોળાને દાદર તરફ જવા ઈશારો કર્યો અને પોતે શિવાંગીને લીફ્ટ તરફ દોરી ગયો.અને ક્લી સાંભળે તેમ હળવેકથી બોલ્યો:” તેં પણ ઉતાવળ કરી ?”

“શાની “ વિનાયક સામે આંખો મેળવતા શિવાંગીએ પૂછ્યું.

“ અહી આવવામાં “ વિનાયક હસ્યો. એના હાસ્યમાં એના મનની મલિનતાસ્પષ્ટ દેખાઈ આવી. શિવાંગીને વિનાયકની વાત્નોઅર્થ સમજતા વાર ન લાગી. ગ્લાનિભાવવિહીન ચહેરાનું રહસ્ય શિવાંગીની રોગપારખું આંખોએ પારખી લીધું. શિવાંગીએ એક જબરદસ્ત આંચકો અનુભવ્યો.

“ વિનાયક, તેં આ શું કર્યું ? આ બરાબર નથી કર્યું.” વિનાયક સાથે લીફ્ટ દાખલ થતા શિવાંગીએ સંભળાવી દીધું.

“ મેં નથી કર્યું ,પણ થયું તે .....” કહેતા વિનાયકે વાક્ય અધૂરું છોડ્યું અને લીફ્ટનો દરવાજો બંધ કર્યો.

“ વિનાયક,તું આવું વિચારી જ કેમ શક્યો?”

“ શિવાંગી, હું ઈચ્છું છું કે તું મને સહયોગ આપીશ.” કહેતા વિનાયકે સેવન્થ ફ્લોરની સ્વીચ દાબી.

“ વિનાયક,તું શું બોલે છે એનું તને ભાન છે ? “ શિવાંગીને વિનાયકનું વૈચારિક વિશ્વ આ લીફ્ટ જેવું સાંકડું લાગ્યું.

“ તને પામવા હું બધું જ કરી શકું છું.” કહેતા વિનાયકે સ્ટાર્ટ બટન દાબ્યું .એક ધક્કા સાથે લીફ્ટ ઉપર તરફ જવા રવાના થઇ ચૂકી હતી.

“ વિનાયક,આ એક પાગલપન છે.સાચો પ્રેમ કરનાર માણસનું દિલ આટલું છીછરું ન હોઈ શકે. મને લાગે છે કે ઉતાવળમાં તેં નહીં પરંતુ મેં ભૂલ કરી છે......તને ઓળખવામાં. જીન્દગી કોઈ વેપાર નથી કે જેમાં આયાત-નિકાસ જેવી સોદાબાજીની રમત કરી પ્રોફિટ-લોસ નક્કી કરી શકાય. તું મેનેજમેન્ટ ફિલ્ડમાં છે એટલે કદાચ એવું માની બેઠો હોઈશ કે જિંદગીમાં પણ આયાત-નિકાસ જેવી સોદાબાજીની રમત રમીને પોતાના પક્ષે પ્રોફિટ બૂક કરી શકાશે.પરંતુ એ તારી સૌથી મોટી ભૂલ છે.મારા ફિલ્ડમાં જિંદગીની વ્યાખ્યા ધડકતું દિલ છે.અને એની માવજત કરી ધબકતું રાખવું એ મારી ડ્યુટી છે અને માય ડ્યુટી ઇઝ ધ ફર્સ્ટ – એ મારો જીવનમંત્ર છે.અને હા, હું તારી આવી ક્રુઅલ ગેમમાં એગ્રી થઈશ એવું તેં માની જ કેમ લીધું? .વિનાયક, આઈ હેટ યુ,નાઉ....”

“ શિવાંગી ,,...” વિનાયક બરાડી ઊઠ્યો.

“ શિવાંગી નહીં,આજે હું ડૉ.શિવાંગી છું ,અન્ડરસ્ટેન્ડ ?”

શિવાંગીના ગૌર ચહેરા પર ગુસ્સાથી લાલાશ તરી આવી.

વિનાયક ઘા ખાઈ ગયો. શીવાન્ગીનું આ સ્વરૂપ તો પહેલી વાર જોયું. વાર્તાનો આવો અણધાર્યો વળાંક આવશે એવું તો એણે સપનામાં પણ વિચાર્યું નહોતું. બાયર સર્કિટની આશાએ ખરીદેલા શેર્સની જાણે કે સેન્સેક્સમાં કડાકો બોલતા લોઅર સર્કિટ લાગી ગઈ ! વિનાયક હબક ખાઈ ગયો. લીફ્ટની સંકડાશ તેણે ગૂંગળાવા લાગી. સાતમાં માળે લીફ્ટ અટકતા શિવાંગી પવનની જેમ તેમાંથી બહાર નીકળી.લોબીમાં જામેલું ટોળું વીંધીને એક ક્ષણમાં તો તે છેક સંધ્યા

પાસે પહોંચી ગઈ. આખા ઓરડામાં પાણી ઢોળાયેલું હતું. સળગેલા કપડાં અને સળગેલા વાળની તીવ્ર ગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી.ગેસ સીલીન્ડર લીક થતા થયેલા ફાયર એક્સીડેન્ટમાં સંધ્યાનું ૩૫ % શરીર સળગી ચૂક્યું હતું. શિવાંગીની દોડતી નજરે બધું જ ઝડપથી માપી લીધું. દાહની પીડામાં સંધ્યા ચિત્કારતી હતી.

“ડોન્ટ વરિ,તમને કશું જ નહીં થાય. તમે સંપૂર્ણ સલામત છો.તમે એટલા સદનસીબ છો કે તમારા હાર્ટ અને લંગ્ઝને કોઈ જ નુકશાન નથી થયું. જે થયું છે એને હું સંભાળી લઈશ. વિશ્વાસ રાખો.” કહી શિવાંગીએ સંધ્યાના બળી ગયેલા વાળવાળા માથામાં હાથ ફેરવ્યો. શિવાંગીના શબ્દોથી જાને કે શાતા મળી હોય તેમ સંધ્યા થોડી શાંત થઇ.

સંધ્યાની નાડી અને ધબકારા તપાસ્યા.ચોંટી ગયેલા કપડાંને કાતરથી કાપી શરીરથી અલગ કર્યા. દાઝેલા ભાગ ઉપર બર્નોલ લગાડી એન્ટીપેઈન ઇન્જેક્શન આપ્યું.

“ ડોક્ટર, હું બચી શકીશ?”સંધ્યાએ નીતરતી આંખે પૂછ્યું.

“ કેમ નહીં ? હંડ્રેડ પર્સેન્ટ.” અને વિનાયકની સામે જોતા ઉમેર્યું:” મેં આવવામાં થોડોક વિલંબ કર્યો હોત તો કદાચ કંઇક ન ગમતું બની જાત.,પરંતુ હું સમયસર આવી ગઈ છું ,હવે બધું જ સારું થઇ રહેશે.હું તમને સલામત રાખવા બધા જ પ્રયત્નો કરીશ.” છેલ્લું વાક્ય શિવાંગીએ સંધ્યાની સાથે નજર મેળવીને એવી રીતે ઉચ્ચાર્યું કે સંધ્યા ,ડો.શિવાંગીના હાથને વળગી જ પડી.

ઈજા ન થાય તેમ સંધ્યાને સ્ટ્રેચરમાં સૂવડાવીને એમ્બુલન્સ વેનમાં લઇ આવવાની સુચના વિનાયકને આપી શિવાંગી, લીફ્ટના બારણાની પાછળ અદ્રશ્ય થઇ ગઈ.

સંધ્યાને લઇ એમ્બ્યુલન્સ વેન મુખ્ય હોસ્પિટલ તરફ ગતિ કરી રહી હતી.વિનાયક પોતે જાણે કે સળગી ઊઠ્યો હોય તેમ અંદરખાને દાહ અનુભવી રહ્યો હતો. તેનાં પાસા અવળાં પડ્યા હતા.,પરંતુ પાછી ફરી રહેલી એમ્બ્યુલન્સ વેનની જેમ તેનાં વિચારો પણ જાણે કે ક્યાંક અથડાઈને પાછા ફરી રહ્યા હતા.તેનાં વિચારોમાં પરિવર્તન આવી ચૂક્યું હતું. શિવાંગીની વાત તેને હવે કંઇક અંશે વાજબી લાગવા માંડી હતી.

મુખ્ય હોસ્પિટલે જઈ ડો.શિવાંગીએ ડો.કુલકર્ણીને સંપૂર્ણ રીપોર્ટ આપ્યો.બર્ન્સ વોર્ડમાં એડમીટ કરાવીને ડો.કુલકર્ણીને ખાસ ભલામણ પણ કરી. સારવાર શરુ થઇ ચૂકી ત્યાં સુધી શિવાંગી ત્યાં જ રોકાઈ.

બીજે દિવસે બર્ન્સ વોર્ડમાં શિવાંગી ગઈ ત્યારે સંધ્યાને ઘણું સારું હતું. તેને બળતરામાં હવે ઘણી રાહત જેવું લાગતું હતું. શિવાંગીને જોતા સંધ્યામાં જાણે કે નવું ચેતન આવ્યું. શિવાંગીએ ડોક્ટરના વિઝીટરિપોર્ટ્સ જોયા. વિનાયક તરફ ફરતા બોલી:” યુ આર લકી,સંધ્યાબેનના રિપોર્ટ્સ ફાઈન છે .ફાસ્ટ રિકવરી થઇ રહી છે.” જતા જતા વિનાયકને જ કહેતી હોય તેમ ઉમેર્યું:” બર્ન્સ કેસ છે. બની શકે સંપૂર્ણ રિકવર થતા થોડો સમય લાગે ને સંપૂર્ણ રિકવરી બાદ પણ પણ કદાચ ડાઘ રહી જવા પામે .આ એક્સીડેન્ટ જ એવા પ્રકારનો છે ને ! વોટ ડુ યુ બીલીવ ?”

આમ, દરરોજ શિવાંગી બેવાર તો અવશ્ય સંધ્યાના ખબરઅંતર પૂછી જતી. દવા કરતા શીવાન્ગીનું આશ્વાસન જાણે કે સંધ્યાને ઝડપથી રિકવર કરી રહ્યું હતું. બારમાં દિવસે તો સંધ્યા બિલકુલ સ્વસ્થ દેખાવા લાગી. વિનાયક પણ કંઇક વિશેષ સંભાળ લઇ રહ્યો હોય તેવું સંધ્યાને લાગતું હતું.

આજે હોસ્પિટલમાંથી રજા મળવાની છે.

કાનના પાછળના અને પીઠ ઉપર રહી ગયેલા સફેદ ચાઠા સિવાય કોઈ જ સમસ્યા નહોતી રહી. ડો.શિવાંગીએ એ સમસ્યાના આશ્વાસનમાં કહેલું:” તાજો અકસ્માત છે એટલે ડાઘ જેવું લાગશે. સમય જતા એ ઝાંખા પડી જશે.”

સંધ્યાને થયું કે ડો.શિવાંગી આજે જતા જતા મળી જાય તો કેવું સારું? છેલ્લા ચાર-પાંચ દિવસથી એકેયવાર દેખાયા નથી.

લીવરિપોર્ટ લઇ વિનાયકના સહારે સંધ્યા , હોસ્પિટલના પગથિયા ઊતરી રહી હતી ત્યાં જ ડો.શિવાંગી સામેથી આવતા દેખાઈ.,પરંતુ આજે તે એકલી ન હતી.

એક હેન્ડસમ યુવાન તેની સાથે ચાલતો હતો.

“ હલ્લો, હાઉ આર યુ ?”

“ ફાઈન ,” સંધ્યાએ હસીને કહ્યું.અને સાથે આવેલા યુવક તરફ નજર માંડી.

“ હું એની ઓળખ કરાવું ,એમ જ ને ?”

“યસ .”

“ એ છે મિ. દિવાકર . “ ને વિનાયકની સામે જોતા ઉમેર્યું:” હી ઇઝ માય હસબંડ “ શિવાંગીએ જાણે કે ધડાકો કર્યો અને એનો અવાજ કેવળ જાણે કે વિનાયકે જ સાંભળ્યો !!

“ પણ,...થોડા દિવસ પહેલા તો .....” સંધ્યાએ વિસ્મય પ્રગટ કર્યું.

“હા, થોડા દિવસ પહેલા હું મિસ હતી હવે મીસીસ બની ચૂકી છું.આ બધું ચાર-પાંચ દિવસમાં જ એરેન્જ થઇ ગયું. અમારી સર્વિસમાં વિલંબ ન પાલવે.રજાના પણ પ્રોબ્લેમ્સ હોય.ચાર જ દિવસમાં બધું સમેટી લીધું.”

“ મેરેજ પણ ઇમર્જન્સી, એમને?”

“ ચોક્કસ, અમારે દરેક કાર્ય ઇમર્જન્સીમાં જ કરવું પડે .હવે તો ઇમર્જન્સી જ લાઈફસ્ટાઈલ બની ગઈ છે.” ને વિનાયક તરફ ફરીને શિવાંગીએ ઉમેર્યું:” ને તો જ કોઈકનો જીવ બચાવી શકીએ ને ? એમ આઈ કરેક્ટ ?”

“ યુ આર હંડ્રેડ પર્સેન્ટ કરેક્ટ ,” વિનાયકને બોલવું હતું. ,પરંતુ તેનાં હોઠમાંથી શબ્દો જ ન નીકળી શક્યા.

સંધ્યા ખરેખર ખુશ જણાતી હતી. તેની આંખો ડો.શિવાંગીનો ભારોભાર આભાર માનતી હતી. એક નવું જીવન મળ્યાનો હર્ષ તેનાં ચહેરા ઉપર છલકાતો હતો. સંધ્યાને વળાવવા ડો.શિવાંગી અને દિવાકર છેક હોસ્પિટલના મેઈન ગેઈટ સુધી આવ્યાં. સંધ્યાની ગાડી દૂરના વળાંક સુધી પહોંચી ત્યાં સુધી શિવાંગીનો ઊંચો થયેલો હાથ દેખાતો રહ્યો.

સપ્તર્ષિ એપાર્ટમેન્ટ તરફના વળાંકે ગાડી પહોંચી ત્યાં જ પાછળથી એમ્બ્યુલન્સની સાઈરન ગૂંજી ઊઠી. વિનાયકે ગાડી સાઈડમાં લીધી. પવનના સુસવાટાની જેમ સાઈડમાંથી એમ્બ્યુલન્સ વેન પસાર થઇ.

વિનાયકે જોયું તો એમ્બ્યુલન્સની અર્ધપારદર્શક વિન્ડોમાંથી એક હાથ વીંઝાઈ રહ્યો હતો...................

[ સમાપ્ત ]