ગઝલ હું શીખવું તમને Hemant Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ હું શીખવું તમને

ગઝલ; હું શીખવું તમને...

[ ભાગ -૧ ]

  • હેમંત ગોહિલ ‘મર્મર’
  • ભારેખમ શબ્દોને અવગણીને આપણે સાવ સરળ રીતે ગઝલ-કાવ્યના બંધારણને સમજીશું.

    અક્ષરનું વજન :

    સૌ પ્રથમ આપણે કક્કાના અક્ષરના વજનને ઓળખીએ.

    જેનો સ્વરભાર વધુ તે ગુરુ .

    જેનો સ્વરભાર ઓછો તે લઘુ .

    લઘુ સ્વરભારવાળા અક્ષર માટે “ લ” અને ગુરુ સ્વરભાર વાળા અક્ષર માટે “ગા “ વપરાય છે.

    અ .ઇ,ઉ ,ક,ખ ,ગ .....વગેરે લઘુ સ્વરભારવાળા અક્ષર છે.જેમની માત્રા ૧ ગણાય છે.

    આ,ઈ,ઊ ,કા,કૂ ,કી ,કો ,કૌ ,કં...વગેરે ગુરુ સ્વરભારવાળા અક્ષર છે.જેમની માત્રા ૨ ગણાય છે.

    થોડાક અક્ષર અને એનું વજન :

    ર –લ [૧]

    રા – ગા [૨]

    રામ – ગાલ [૨-૧]

    રામજી – ગાલગા [૨-૧-૨]

    માતા –ગાગા [૨-૨]

    ચોપડી – ગાલગા [૨-૧-૨]

    તપેલી – લગાગા [૧-૨-૨]

    આભાર –ગાગાલ [૨-૨-૧]

    તમે- લગા [૧-૨]

    કદાચ – લગાલ [૧-૨-૧]

    અંધાપો – ગાગાગા [૨-૨-૨]

    અમે આવ્યા – લગા ગાગા [ ૧-૨-/૨-૨]

    ડાયરીમાં – ગાલ ગાગા [૨-૧-૨-૨]

    આવી રીતે અક્ષરના વજનને ઓળખી લઈએ .

    યાદ રાખીએ :

    [૧] જોડાક્ષરોમાં આગળના અક્ષરને ધક્કો લાગતો હોય તો આગળનો અક્ષર લઘુ હોય તો પણ એને ગુરુ ગણવો. જેમકે.... સત્ય

    ‘સત્ય’ માં ‘સ’ લઘુ છે પરંતુ એનું લગાત્મક રૂપ ‘ગાલ’ બને છે અને માત્રા [૨-૧] ગણાય .કારણ કે ‘ત્’ નો થડકો અનુભવાય છે.જેથી ‘સ’ ગુરુ ગણાય છે.

    [૨] કેટલાક શબ્દમાં આવેલા લઘુ અક્ષરો મળીને એક ગુરુ બનાવે છે.પણ કયા અક્ષરો મળી શકે તે જે તે શબ્દના ઉચ્ચારણ મહાવરાથી જાણી શકાય.

    જેમ કે....

    સમય --- જેનું લગાત્મક રૂપ લગા બને.કારણ આપણે ‘સ મય’ એમ બોલીએ છીએ.’ સમ ય’ નથી બોલતા.પહેલો અક્ષર છુટ્ટો રહે છે અમે પાછળના બંને અક્ષરો ભેગા બોલાય છે. જેથી છેલ્લા બંને અક્ષર મળીને ગુરુ બનાવે છે.

    આમ, શબ્દ ઉચ્ચારણના આધારે શબ્દમાં આવતા કયા લઘુ અક્ષરોને ભેગા કરી ગુરુ ગણી શકાય તે સમજી શકાય.

    શબ્દોના અલગ –અલગ લગાત્મક રૂપ :

    લઘુ અને ગુરુ અક્ષરોના વિવિધ જોડાણો થઇ શબ્દનું લગાત્મક રૂપ બને છે.

    જેમ કે....

    લ’

    લગા ,

    લગાગા ,

    લગાગાગા ,

    ગાલ ,

    ગાલગા ,

    ગાલ ગાગા ,

    ગાગા,

    ગાગાગા

    ગાગાલ ,

    ગાગા લગા ,......

    આમ, આવા જુદા જુદા પ્રકારના લગાત્મક રૂપ સર્જાય છે.

    આમ,આવા લગાત્મક રૂપોને લઈને પંક્તિની રચના થાય છે. આવા રૂપના ઝૂમખાના આવર્તન પ્રમાણે છંદનું યોગ્ય નામ નક્કી થાય છે.[ હમણાં આપણે છંદના નામમાં નહિ પડીએ .]

    લગાત્મક રૂપનું આવર્તન :

    આપણે સૌપ્રથમ એક લગાત્મક રૂપ લઈએ.

    લગા

    “ લગા ‘ ના લગાત્મક રૂપનું આપણે ક્રમશઃ આવર્તન વધારતા જઈશું.

    [૧] લગા

    [૨] લગા લગા

    [૩] લગા લગા લગા

    [૪] લગા લગા લગા લગા

    હવે આપણે એ લગાત્મક રૂપ પ્રમાણે શબ્દ મૂકીએ.

    [૧] તમે [ લગા]

    [૨] તમે બધાં [લગા લગા ]

    [૩] તમે બધાં મને [ લગા લગા લગા ]

    [૪] તમે બધા મને ગમો [લગા લગા લગા લગા ]

    બીજા કેટલીક પંક્તિ રચીએ ..

    [૧] હવે નથી સમય જરા .

    [૨] લખો ,જરા હવા લખો.

    [૩] હજી મને વતન ગમે .

    આ બધી પંક્તિઓ ‘લગા ‘ના ચાર આવર્તનવાળા મીટરમાં લખાઈ છે. સર્જક પોતાની ઈચ્છા અનુસાર લગાત્મક રૂપના આવર્તન પસંદ કરીને મીટર પસંદ કરી શકે છે. અને આખી રચનામાં એ મીટર જળવાવું જોઈએ. જેને ‘તકતી ‘પણ કહેવામાં આવે છે

    હવે ,બીજું એક લગાત્મક રૂપ [ઝૂમખું ] પસંદ કરીએ.

    લગાગા

    જેના આપણે ત્રણ આવર્તન લઈએ.

    લગાગા લગાગા લગાગા

    એ તક્તી પ્રમાણે શબ્દો ગોઠવીએ ....

    [૧] હજી ત્યાં હવા પણ બળે છે.

    લગાગા લગાગા લગાગા

    [૨] મને સૂર્ય દીવો ધરે છે .[ મનેસૂ ર્ય દીવો ધરે છે ]

    [૩] નથી ફૂલ એક્કે બગીચે . [ નથી ફૂ લ એક્કે બગીચે ]

    હવે ,બીજું એક ઝૂમખું લઈએ ...

    ગાલગા

    આ લગાત્મક ઝૂમખાના બે આવર્તન લઈએ..

    ગાલગા ગાલગા

    શબ્દ નિરૂપણ કરીએ..

    [૧] વાદળાં થાય છે.

    ગાલગા ગાલગા

    [૨] પાંદડા આવશે,

    ગાલગા ગાલગા

    હવે, આ જ આવર્તનમાં એક સાથે બે પંક્તિઓ રચીએ ..

    [૩] ક્યાં કશી ભૂલ છે

    હાથમાં ફૂલ છે.

    હવે, આજ લગાત્મક રૂપના ત્રણ આવર્તન લઇ પંક્તિઓ રચીએ.

    ગાલગા ગાલગા ગાલગા

    [૧] વાદળાં થાય છે આભમાં

    ગાલગા ગાલગા ગાલગા

    [૨] આંખના ગોખલે સ્વપ્ન છે.

    ગાલગા ગાલગા ગાલગા

    [૩] ઝાડવા છાંયડા વેચતા .

    ગાલગા ગાલગા ગાલગા

    હવે ,આજ આવર્તનમાં બે પંક્તિ રચીએ...

    [૪] મોરલો ગૂંથતા રાત થઇ [મોરલો ગૂંથતા રાત થઇ ]

    ગાલગા ગાલગા ગાલગા

    તારલાની પછી ભાત થઇ . [તારલા ની પછી ભાત થઇ .]

    ગાલગા ગાલગા ગાલગા

    આમ, એક જ પ્રકારના લગાત્મક [ઝૂમખાં] આ આવર્તન કરીને તકતી રચીએ તો એ શુદ્ધ આવર્તનતકતી ગણાય.

    અલગ અલગ લગાત્મક રૂપને એક સાથે લઈને પણ એના આવર્તન કરી શકાય .અને એનું મીટર બનાવી શકાય .

    અલગ અલગ લગાત્મક રૂપના આવર્તન:

    અલગ અલગ લગાત્મક રૂપને એક સાથે લઈને પણ એના આવર્તન કરી શકાય .અને એનું મીટર બનાવી શકાય .

    જેને મિશ્ર લગાત્મક આવર્તન કહી શકાય.

    જેમ કે..

    ‘ગાલગા’ અને ‘ ગાગાગા ‘ એ બે જુદા જુદા લગાત્મક રૂપના આવર્તન રચીએ..

    [૧] ગાલગા ગાગાગા ગાલગા ગાગાગા

    [૨] ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    [ આપણે પસંદ કરેલું મીટર/તક્તી/લગાત્મક આવર્તન આખી રચનામાં જળવાવું જોઈએ.]

    હવે,

    પ્રથમ લગાત્મક આવર્તન પ્રમાણે શબ્દ પસંદગી કરી પંક્તિ નિરૂપણ કરીએ...

    ગાલગા ગાગાગા ગાલગા ગાગાગા

    [૧] બાગમાં ફૂલોએ હાટડી ખોલી છે

    [૨] સ્વપ્ન પણ ડોકાશે બારણાં વચ્ચેથી.

    હવે,

    બીજા લગાત્મક આવર્તન પ્રમાણે શબ્દ પસંદગી કરી પંક્તિ નિરૂપણ કરીએ

    ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    [૧] અંધારે ચૂપ થઇ અજવાળે બોલશે.

    માણસ છે આખરે સરવાળે બોલશે.

    એને તક્તી પ્રમાણે જોઈએ...

    અંધારે ચૂપ થઇ અજવાળે બોલશે.

    ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    માણસ છે આખરે સરવાળે બોલશે.

    ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    હજી વધુ એક ઉદાહરણ જોઈએ.....

    [૨] બોલે છે કાગડો સામેના ખોરડે

    ભણકારા તોય છે અંદરના ઓરડે .

    એને તક્તી પ્રમાણે જોઈએ...

    બોલે છે કાગડો સામેના ખોરડે

    ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    ભણકારા તોય છે અંદરના ઓરડે

    ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા

    ઘણીવાર આવા પ્રકારના લગાત્મક આવર્તનમાં અલગ પ્રકારનું આવર્તન પણ જોવા મળે .જેમાં એકાદ લગાત્મક રૂપને બેવડવામાં આવે [બે વાર લેવામાં આવે ] અને એકાદને એક જ વાર લેવામાં આવ્યું હોય.

    આપણે પણ એવી એકાદ તક્તી બનાવીએ ,,,

    જેમકે ,

    [૧] ગાગાગા ગાલગા ગાલગા

    [૨] ગાલગા ગાગાગા ગાલગા

    હવે એ મીટર મુજબ શબ્દ પસંદગી કરી પંક્તિ નિરૂપણ કરીએ ..

    [૧] ભૂલ્યો છું એટલે ક્યાં હજી

    પડઘાતી હોય છે બા હજી ,

    હવે એને તક્તી મુજબ સમજીએ .....

    ભૂલ્યો છું એટલે ક્યાં હજી

    ગાગાગા ગાલગા ગાલગા

    પડઘાતી હોય છે બા હજી ,

    ગાગાગા ગાલગા ગાલગા

    [૨] બાંધજે શ્રધ્ધાના તોરણો

    આવશે અવસર પણ ઉંબરે

    હવે એને તક્તી મુજબ સમજીએ.....

    બાંધજે શ્રધ્ધાના તોરણો

    ગાલગા ગાગાગા ગાલગા

    આવશે અવસર પણ ઉંબરે

    ગાલગા ગાગાગા ગાલગા

    તો ,આ હતા મિશ્ર પરંતુ અનિયમિત રીતે આવર્તન પામતા લગાત્મક રૂપ દ્વારા રચાતી તક્તીના ઉદાહરણ ...

    હવે કેટલીક તકતીઓ જોઈએ ....

    જે તક્તી પ્રમાણે તમે શબ્દ પસંદગી કરી પંક્તિ રચી શકો ..

    [૧] ગાગાલગા લગાગા ગાગાલગા લગાગા

    [૨] લગાગા ગાલગા લગાગા ગાલગા

    [૩] ગાલગાલ ગાગાગા ગાલગાલ ગાગાગા

    [૪] ગાલગા ગાલગા ગાલગા

    [૫] ગાલગાગા ગાલગાગા ગાલગા

    હવે પછીના ભાગમાં ગઝલના અંગો વિષે અને ભાવ નિરૂપણ વિષે સમજીશું.

    ........ ભાગ-૨ [હવે પછી ]