Shwet Daag books and stories free download online pdf in Gujarati

શ્વેત ડાઘ

શ્વેત ડાઘ

[વાર્તા ]

____ હેમંત ગોહિલ

Hemant161969@gmail.com

નામ એનું શ્વેતા. ડૉ.શ્વેતા પારેખ.

ઉંમર વર્ષ: ૫૪. વ્યવસાયે વ્યાખાતા.ગુજરાતી વિષય. , શ્રી ન.ચ. મહિલા કોલેજ ,અમદાવાદ.

ડૉ.શ્વેતા પારેખ એટલે જીવતી જાગતી ભાષા ! ભાષાનો આકાર જોવો હોય તો ડૉ.શ્વેતા પારેખને નીરખી લેવા. ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ આખીયે કોલેજ ને ગૌરવ બક્ષતું હતું. ભાષાનું શુદ્ધ સ્વરૂપ ડૉ.શ્વેતા પારેખ સિવાય ક્યાય મળવું મુશ્કેલ હતું. ભાષા એટલે ડૉ.શ્વેતા પારેખ અને ડૉ.શ્વેતા પારેખ એટલે ભાષા !!

પરંતુ ,હમણાં હમણાંથી હોઠ ઉપર આવેલા શબ્દો લપસી જતા હોય એવું અનુભવાય છે. ભાષા ઉપરની પકડ થોડી ઢીલી થઇ ગઈ હોય એવું સ્ટાફના મિત્રોનું માનવું છે .અરે,ડૉ.શ્વેતા જ એ વાતને કબૂલે છે. સહપ્રોફેસર ડૉ.ઝરણા ત્રિવેદીએ તો પૂછી જ નાખ્યું :” ભાષા અભિવ્યક્તિને ઉમરની અસર આભડી ગઈ કે શું ? હોઠનું કહ્યું શબ્દો નથી માનતા કે શબ્દોનું કહ્યું હોઠ નથી માનતા ?”

“ બસ,કંઇક એવું જ સમજી લો.” ડૉ.શ્વેતાએ બારીમાંથી બહાર નજર નાખતા ઉત્તર વાળી દીધેલો.

ઇન્ટરકોલેજ પરિસંવાદમાંથી આવ્યા પછીથી ડૉ.શ્વેતાની વર્તુણકમાં ખાસ્સો ફરક આવી ગયો હતો. તેમના મુખેથી બોલાતી ભાષા ગડથોલિયા ખાતી હોય તેવું અનુભવાતું હતું. એ પરિસંવાદમાં યાત્રા મળેલી. યાત્રાને મળ્યા પછીથી જ ......

યાત્રાએ એવી તે શી વાત કરી કે આટલા વર્ષે ડૉ.શ્વેતા પારેખના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ ?

છત્રીસેક વર્ષ પહેલા વાત જાણે આમ બનેલી કે.............

સત્તરમું ઓળંગીને અઢારમાં વર્ષમાં પ્રવેશેલી શ્વેતા જ્યારે કોલેજના આંગણામાં પગ મૂકતી ત્યારે આખી કોલેજ સજીવન બની જતી ! એના સૌંદર્યની એક ઝલકને પામવા તમામ આંખો એના તરફ ડાયવર્ટ થઇ જતી. વાતાવરમાં એક અજીબ પ્રકારની ખૂશ્બૂ રેલાઈ જતી. એ ખૂશ્બૂ કૈંક યુવાન હૈયાની મનોસ્થિતિનું વિષયાંતર કરી નાખતી. હૃદયના ધબકારાને અનિયંત્રિત કરી નાખતી. એના ગૌરવર્ણમાં ભળેલી નમણાશ એના સૌંદર્યને વધારે ધારદાર બનાવતી હતી. ઉઘડતા પોયણા જેવી એની આંખો પરની પાંપણો જ્યારે ઉઘાડ-બંધ થતી ત્યારે જાણે જોનારનું અસ્તિત્વ ઊંચું-નીચું થઇ જતું. એના હોઠ ઉપરનું લાવણ્ય એના અવાજને અલંકૃત કરતુ હતું. સિતારની રણઝણ સમા એના અવાજથી ઝંકૃત થવા તમામની કર્નેદ્રિયો સતેજ થઇ જતી.ઉષાના પ્રાગટ્ય ટાણે રચાતી આભા જેવી રતાશ એના ખંજનયુક્ત ગાલને એવી તો શોભાવતી કે

જાણે ફૂલોને ઝાકળનો શણગાર !! નીરખનારનું મન પંખી બનીને ટહુકવા લાગે .

“સાંભળ્યું છે તમે કવિતા લખો છો ,સાચું ?” કાળઝાળ ઉનાળામાં સાવ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે તો કેવું અનુભવાય ? એવી કૈંક લાગણી આશુતોષ અનુભવી રહ્યો. સામે શ્વેતા ઊભી હતી. આશુતોષ નખશિખ ઓગળી ગયો. પોતાની જાત્ન્ર વહેણમાં તણાતી અનુભવી રહ્યો.

“હું તમને પૂછું છું ,આશુતોષ.” જાણે ફરી એક જોરદાર કડાકો થયો. એ કડાકાની ધ્રુજારી આશુતોષના રોમેરોમમાં પ્રસરી ગઈ.આશુતોષ માંડ માંડ જાતને સંભાળતા બોલ્યો :” બોલો.”

“તમે કવિતા લાખો છો ,સાચું ?”

આશુતોષને કહેવાનું મન થયું. કવિતા લખાતી થોડી હોય છે ?-અવતરતી હોય છે –તમારી જેમ .પણ એ એમ ન બોલતા નજરને માંડ મેળવી કેવળ એટલું બોલ્યો:” હા “

“ ખૂબ સુંદર .” સામેથી જાણે સિતાર રણઝણી !

એ તો છે જ –આશુતોષને એમ બોલવાનું મન થયું. પણ એ શબ્દને મનમાં જ રાખીને બોલ્યો:”થેંક્યુ.”

“લખતા રહેજો.”

લખાવતા રહેજો –એવું કૈંક આશુતોષના હોઠેથી સરી પડે એ પહેલા જ શ્વેતા સ્મિતની હળવી છાલક મારી ચાલી ગઈ .

આશુતોષ લથબથ નીતરી ગયો ! આશુતોષે પોતાની ડાયરીમાં એક વાક્ય ટાંક્યું : સૌન્દર્યનું પણ વાવાઝોડું હોઈ શકે છે !

********* ************ **************

હસ્તપ્રતોને આશુતોષના હાથમાં થમાવતા શ્વેતા બોલી :” ખૂબ ગમી .”

મને પણ _ આશુતોષને કહેવાનું મન થયું. પરંતુ તેણે સુધારીને કહ્યું :”મને પણ તમારી પ્રોત્સાહિત કરવાની રીત ગમી.”

“શ્યોર ?”

“શ્યોર ,પણ એ કહી શકશો કે કેટલી ગમી ?”

‘કવિતા જેટલી.”

શ્વેતાના ગયા પછી આશુતોષે ડાયરીમાં ટપકાવ્યું.:”કવિતાનો વ્યાપ વિસ્તરતા તરંગ જેવો હોય છે !”

**** ***** *****

“ આશુતોષ ,તારી કવિતા વાંચીને હર કોઈ પ્રેમમાં પડી જાય છે ,એનું કારણ શું ?”

“કારણ, હું પ્રેમમાં પાડીને કવિતા લખું છું .”

“સાચ્ચે જ ? કોના પ્રેમમાં છે તું ?”

“ તારું નામ તો નહીં આવે .”

શ્વેતા થરથરતા હોઠ પર આવી ગયેલા પ્રસ્વેદબિંદુને લૂછતી વંટોળની જેમ ચાલી ગઈ .આશુતોષે નોંધ્યું: “ શું ગુસ્સો એ પ્રેમનો પર્યાય ન હોઈ શકે ?”

****** ******** *******

આજે કોલેજનો વાર્ષિકોત્સવ હતો. સભાખંડ ખીચોખીચ હતો. દરેક સ્ટુડન્ટ્સ એની પર્સનલ આર્ટને પ્રદર્શિત કરતા હતા. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરચક હતું.

કાર્યક્રમના અંતમાં ‘ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર’ તરીકે આશુતોષનું નામ એનાઉન્સ થતા જ તાળીઓના ગડગડાટ ,કીકીયારી,સીટી ,અને હર્ષોલ્લાસનું જાણે કે પૂર ઊમટ્યું. ખિતાબ સ્વીકારતી વખતે આશુતોષને સ્પેશ્યલ આઇટમ તરીકે વધુ એક કાવ્ય રજુ કરવાની ફરમાઈશ થઇ.

અણધારી ફરમાઈશથી અસમંજસમાં પડી ગયેલ આશુતોષે માઈક્રોફોન પાસે જઈ સભાખંડમાં નજર નાખી તો ત્રીજી રો માં શ્વેતાને બેઠેલી જોઈ. તાળીઓ પાડવાથી એની હથેળીમાં આવી ગયેલી રતાશ એના ઊંચા થયેલા હાથમાં અહીંથી સ્પષ્ટ દેખાતી હતી. આશુતોષે લાગલું જ શરુ કર્યું :’ એક નીતરતી કવિતા ‘. કવિતાનું શીર્ષક સાંભળતા જ હર્ષોલ્લાસનો જાણે ગુબ્બારો છૂટ્યો! વાતાવરણે પુન: શાંતિનું સ્વરૂપ ધારણ કરતા આશુતોષે કાવ્યપઠન શરુ કર્યું :

“ તારા બાંધેલા વાળમાંથી છૂટેલી એક લટ

જ્યારે

ગાલના તલને સ્પર્શે છે

ત્યારે

જગતની તમામ કવિતાઓ શુષ્ક બની જાય છે !!”

કાવ્ય પૂરું થતા જ પ્રચંડ ધ્વનિપૂર રેલાયું.

સીટીઓની ફેંકાફેંક ચાલી. ‘અસ્તુ ‘ કહેતી વખતે આશુતોષે ત્રીજી હરોળમાં નજર નાખી તો એક ચહેરો શરમાઈને વધુ રતાશયુક્ત બની ચૂક્યો હતો. આશુતોષે એ પણ જોયું કે પોતાના સિવાય ઘણી નજરું પણ એ તરફ મંડાયેલી હતી. એ નજરુંમાં કવિતાનો પડઘો શોધવાનો યત્ન હતો. સાંજે સૂતા પહેલા ડાયરીમાં લખ્યું: “ કવિતાને પણ એક રંગ હોય છે .”

થર્ડ યરની શરૂઆત સુધીમાં તો દરેક સ્ટુડન્ટ્સના મતે જાહેર થઇ ચૂક્યું હતું કે શ્વેતા-આશુતોષ એટલે એક ને એક; એક. કોલેજ કેન્ટીન કે યુરીનલોમાં બંનેની જોડીના નામ લખાઈ ચૂક્યા હતા.દ્વિઅર્થી સંવાદ ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી પડતા. શ્વેતાના ચારિત્ર્ય વિશેની ન સાંભળી શકાય તેવી અફવાઓએ જોર પકડ્યું. ફ્રી પીરીયડ કે વિશ્રાંતિ ટાંણે સમગ્ર કોલેજમાં ચર્ચાનો મુખ્ય વિષય એક જ રહેતો.

ચારે તરફથી ફૂંકાતા પવન સામે ઝળહળતી એક પાતળી શી જ્યોત પોતાનું અસ્તિત્વ ટકાવવું કેટલું દુષ્કર હોય છે એ તો શ્વેતાને જ પૂછવું પડે. ચહેરા ઉપરનું સ્મિત ક્યારનુંય બાષ્પીભવન થઇ ઊડી ગયું હતું. શ્વેતાના રૂપને ડાઘ લાગી ચૂક્યો હતો. શ્વેત કેનવાસ જેવા ચારિત્ર્ય ઉપર ન ભૂંસી શકાય તેવો બદનામીનો ડાઘ.

હવે એ બહુ ઓછું બોલતી. દરેક પ્રવર્ત્તિમાં હંમેશ આગળ રહેતી શ્વેતા હવે કોઈ પણ કારણ આગળ ધરીને છટકી જતી. ઊડતા પતંગિયાની જાણે કે પાંખો કપાઈ ગઈ ! ચીમળાયેલા ફૂલ જેવો ચહેરો લઈને શ્વેતા જ્યારે કોલેજમાં આવતી ત્યારે એના કારણમાં આશુતોષ પોતાની જાતને ગણતો. શ્વેતાના ચારિત્ર્ય અંગેની ધડ-માથા વગરની વાતો સાંભળી એ અકળાઈ ઊઠતો. એ અંદર અંદર ચિરાઈ જતો.

‘છોકરી જ લફરાબાજ છે .”

“અરે, આવી રીતે તો એણે કેટલાયને પોતાની જાળમાં ફસાવ્યા હશે. આતો આપણે એકલા આશુતોષને જાણ્યો.”

“અરે,એનું રૂપ જ એનું હથિયાર છે .”

“ કોણ જાણે કેટલાનો એણે શિકાર કર્યો હશે ?”

“સો ટકાની વાત છે ,નહિતર આશુતોષ જેવો હોંશિયાર છોકરો એની જાળમાં ફસાય એ વાતમાં જ માલ નથી.”

કોલેજ કંપાઉન્ડમાં ઘૂમરાતા આવા સંવાદો આશુતોષના કાને અથડાતા ત્યારે આશુતોષ કોઈને ન કહી શકાય એવી વેદના અનુભવતો. ઘણીવાર મનોમન વિચારતો: પોતાની પ્રબળ પ્રતિષ્ઠા અને ઉજ્જવળ કારકિર્દીની આડમાં પોતે બચી ગયો અને દોષનો સમગ્ર ટોપલો શ્વેતા ઉપર ઢોળાયો.

કાન ફાડી નાખે તેવા દિવાળીના ફટાકડાના ધ્વનિ ધીમે ધીમે અંધકારને ઓઢી મંદ પડી રહ્યા હતા ત્યારે આશુતોષે એની ડાયરીમાં મક્કમતાપૂર્વક એક વાક્ય લખ્યું અને ઘડિયાળમાં સમય જોઈ વાક્યની નીચે લખ્યું :”નવું વરસ “

***** ***** *******

આખી કોલેજમાં હાહાકાર થઇ ગયો. આશુતોષને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો એ વાત આખી કોલેજમાં વિસ્ફોટની જેમ પ્રસરી ગઈ. બરતરફીનું કારણ ? કારણ, ઇશ્કબાજી. કોલેજની બે-ત્રણ છોકરીઓ સાથે તે ઇશ્કબાજી કરતા પકડાયો હતો. અન્ય છોકરીઓ સાથે ઘૂમતા આશુતોષને શ્વેતાની આંખોએ પણ જોયો હતો. આ પ્રસંગ બનતા તો શ્વેતાનો દુનિયા પરથી ભરોસો જ ઊઠી ગયો.

“ માળો, છૂપો રૂસ્તમ નીકળ્યો .”

“ આખી કોલેજ શ્વેતાને ભાંડતી હતી ણે લફરાબાજ નીકળ્યો ,આશુતોષ.”

“ ખરી વાત,વાત તો મોટા વિદ્વાનોને શરમાવે તેવી કરતો હતો અને નીકળ્યો લબાડ .”

“ માનવ કે વેશ મેં હવસ કા ભેડિયા .”

“બિચ્ચારી શ્વેતા ....કેવી બદનામ કરી .”

“શ્વેતા ખરેખર નિર્દોષ છે સ્વચ્છ ગંગાજળ જેવી .આશુતોષ જ ખાબોચિયાના ગંધાતા પાણી જેવો નીકળ્યો .”

શ્વેતાને ક્લીનચીટ મળી ગઈ.શ્વેતાને લાગેલો ડાઘ સાફ થઇ ગયો.એની છબી ફરી એકવાર બળવત્તર થઇ ચમકવા લાગી. આશુતોષને બરતરફીનો હુકમ આપવામાં આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર ગ્લાનિનો એક પણ

ભાવ જોવા ન મળ્યો. એ જોઈને પ્રોફેસરવૃંદ પણ નવાઈ પામ્યું. પ્રિન્સીપાલ શર્મા તો આશુતોષની પીઠ પાછળ બોલ્યાય ખરા :” આનું નામ નકટો.” આશુતોષ હબક ખાઈ ગયો.કડવાશના આ પ્રથમ ઘૂંટણે આશુતોષે ગળામાં જ રોકી લીધો.

કોલેજના પગથિયા ઉતરતી વેળાએ સ્ટુડન્ટનો હૂરિયો સંભળાયો. ક્યાંકથી કાગળના ડૂચા અને ચપ્પલ ફેંકાયા.ટોળાને વીંધતી શ્વેતા આગળ આવી. ત્યારે દેકારો શાંત થઇ ગયો. ક્લાઈમેક્સની ઘડી આવી ગઈ હોવાથી સૌ અંતને નિહાળવા સૌ એક કાન થઇ ગયાં. ટોળાને સંબોધતા શ્વેતાએ કહ્યું:” પ્લીઝ ,સાંભળો, બબ્બે વર્ષથી ‘બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ‘ થતા સ્ટુડન્ટણે શું આ વર્ષે આપણે કાંઈ નવાજેશ વગર જ વિદાય આપીશું? અરે, આપણી કોલેજની ગરીમા હણાય . તો સાંભળો, આ વર્ષનો “ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ‘ નો ખિતાબ પણ આપણે મી. આશુતોષને જ આપીશું. “કહી શ્વેતાએ ચપ્પલનો હાર આશુતોષના ગળામાં પહેરાવી દીધો. ફરીથી હૂરિયો બોલ્યો. ટોળાંથી ધકેલાતો આશુતોષ કોલેજના કંપાઉન્ડમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા ઉપર સ્વયં સિવાય કોઈ ન વાંચી શકે તેવો પરમ સંતોષનો ભાવ લહેરાતો હતો.

***** ******** ********

સમયની ગર્તામાં આશુતોષ ફંગોળાઈને ક્યાં અદ્રશ્ય થઇ ગયો એની કોઈનેય ખબર ન રહી અને ઉજ્જવળ કારકિર્દી બનાવી શ્વેતા,એક પછી એક પદવી ધારણ કરતી છેક ડોક્ટરેટને આંબી ગઈ. શ્વેતામાથી ડૉ.શ્વેતા બની ગઈ. અમદાવાદની ન.ચ. મહિલા કોલેજમાં ભાષાની વ્યાખ્યાતા તરીકે નોકરી પણ મળી ગઈ.ડૉ.રશ્મિકાંત સાથે સપ્તપદીના ફેરા ફરી લીધા. લય અને અલંકારને જન્મ આપી માતા તરીકેની પદવી પણ ધારણ કરી લીધી. બંને દીકરા આજે પોતપોતાની પત્ની સાથે ખુશખુશાલ જીન્દગી વિતાવતા પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે.

ડૉ.શ્વેતાને જિંદગીમાં સંતૃપ્ત થયાનો ઓડકાર અનુભવાતો હતો ત્યાં જ મોઢામાં કડવાશ જેવું લાગ્યું !!

ગયા શનિવારે ઇન્ટર કોલેજ પરિસંવાદ સંદર્ભે ગાંધીનગર જવાનું થયું. પરિસંવાદમાં કોલેજકાળની બહેનપણી યાત્રા મળી. વાત પરથી જાણ્યું કે તે પણ શહેરની શ્રી વી.કે. શાહ કોલેજમાં વ્યાખાતા તરીકે કામ કરી રહી હતી.

જૂની વ્યક્તિ મળતા જ ભૂતકાળ આપોઆપ ખડૉ થઇ જાય છે એ ન્યાયે બંને બહેનપણીઓ લગભા પાંત્રીસ –છત્રીસ વર્ષના થથેડાને ચીરતી છેક યુવાનીના દિવસોમાં પહોંચી ગઈ. એ દિવસોની વાતો હોય અને એમાં આશુતોષ ન આવે એ કેમ બની શકે ? આશુતોષ અનાયાસે જ વાતોમાં ટપકી પડ્યો. આશુતોષનું નામ

પડતા જ ડૉ.શ્વેતાએ મો બગાડ્યું.

“ તો હજીય તને સત્યની ખબર નથી પડી ,એમને ?”યાત્રાએ પર્સ ખોલતા શ્વેતાને પૂછ્યું.

“કયું સત્ય ?”શ્વેતાનું પ્રૌઢત્વ બોલ્યું.

“શ્વેતા, આશુતોષ જેવો માણસ મેં મારી જિંદગીમાં ફરી નથી જોયો. એણે પ્રેમને નિભાવી જાણ્યો છે. એ હારીને જીતી ગયો છે. “

“એટલે ?”

‘સાંભળ.’ કહી યાત્રાએ પર્સમાંથી એક શ્વેત રૂમાલ કાઢ્યો અને એને ઝાટકીને ખુલ્લો કરતા ઉમેર્યું:”શ્વેતા, પહેલી વાત તો એ કે આશુતોષ હવે આ દુનિયામાં નથી. એણે મને,માધવીને અને સંધ્યાને સોગંધ દઈને કહ્યું હતું કે આ વાત હું જીવતો હોઉં ત્યાં સુધી શ્વેતાના કાન સુધી ન પહોચવી જોઈએ. હવે કહેવામાં વાંધો નથી. અમે ત્રણેય એના ડ્રામાના સાક્ષી જ નહીં સહભાગી પણ છીએ.”

‘ડ્રામા ?...એટલે શું એ બધું .....”કહેતી શ્વેતા ખાલી પડેલા બાકડા પર બેસી પડી.

“હા,એ બધું કેવળ નાટક હતું.”કહી યાત્રાએ શ્વેતાની સામે નજર મેળવી અને પૂછ્યું.:” એણે શું કર્યું તને ખબર છે ?”

શ્વેતાના નાકાર્સૂચક મૌન વચ્ચે યાત્રાએ પોતાના હાથમાં રહેલા રૂમાલથી શ્વેતાના કપાળ પર બાઝેલા પરસેવાને લૂછ્યો અને પ્રસ્વેદમિશ્રિત ધૂળનો આછો ડાઘ બતાવતા કહ્યું: “એણે આ કર્યું. તારા ચારિત્ર્યને લાગેલા ડાઘને દૂર કરવા ,તને સ્વચ્છ બનાવવા એણે સ્વયં ડાઘને પોતાની ઉપર વહોરી લીધો.”

શ્વેતાને તમ્મર આવી ગયા જેવું થયું. મહાભૂલ થયાની લાગણી અનુભવાતા એનું હૃદય વધારે જોરથી ધડકવા લાગ્યું. ચપ્પલનો હાર પહેરાવતી વખતે જોયેલો આશુતોષનો ચહેરો યાદ આવતા જ ડૉ.શ્વેતાથી રીતસર રડી પડાયું. ડૉ.યાત્રાએ પરિસ્થિતિ પામી જઈને પોતાની પાસેના વોટરબેગમાંથી પાણી આપ્યું.

ક્ષણભરમાં જાણેકે એક વાવાઝોડું પસાર થઇ ગયું અને બધું જ ધ્વસ્ત કરતુ ગયું!!

માંડ માંડ સ્વસ્થ થયા પછી આશુતોષ વિશેની સઘળી જીવનકથા સાંભળી.બદનામ થઇ ગયેલા આશુતોષને તેની ટૂંકી જ્ઞાતિમાંથી કોઈ છોકરી આપવા તૈયાર ન થયું. અંતે સફેદ ડાઘવાળી એક છોકરી સાથે લગ્નગ્રંથીથી જોડાવું પડ્યું. એ વાત સાંભળતા તો ડૉ.શ્વેતાથી ડૂસકું મુકાઈ ગયું. આકાશ સામે નજર કરી બોલી પણ જવાયું.:” અરે,આશુ! તેં આ શું કર્યું ?”

છૂટા પડતી વખતે યાત્રાએ શ્વેતાને આશુતોષના ઘરનું એડ્રેસ આપ્યું.શ્વેતાએ સંભાળીને પોતાના પર્સમાં મુક્યું.

ઘરે આવતાની સાથે જ ડો.શ્વેતાથી સોફામાં પડી જવાયું.થાકનું કારણ દર્શાવી શ્વેતાએ રશ્મિકાંતને ચિંતામુક્ત કર્યા, છતાં પણ રશ્મિકાંતથી શિખામણના શબ્દો બોલાયા :” શ્વેતા, ઉંમરનો આ પડાવ હવે કરેલા કામનું અવલોકન કરવાનો છે.-કેવળ અવલોકન .” વાક્યના છેલ્લા પદસમૂહ ઉપર રશ્મિકાન્તે ખાસ વજન રાખીને ઉચ્ચારણ કર્યું હતું તે શ્વેતાથી અજાણ ન રહ્યું. રશ્મિકાંતની પાકટ આંખો અંદરના ખળભળાટને પામી ગઈ કે શું ?શ્વેતાએ બેઠા થઇ સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કર્યો.

“હવે તને સ્વેચ્છિક નિવૃત્તિ લેવડાવવાનો મારો આગ્રહ સમજમાં આવવો જોઈએ.”પાણીનો ગ્લાસ અંબાવતા રશ્મિકાંતે કહ્યું.

“ ખરેખર ,હવે મને ઘનું સમજાય છે.” કહી શ્વેતાએ ગ્લાસ હોઠે ધરી દીધો.

એડ્રેસ મુજબ ડો.શ્વેતાનું એક્ટીવા અમર સોસાયટીની શેરી નં.૪ના કોર્નર ઉપર આવી ઊભું રહ્યું. ત્યાં જ સામે “નીલકંઠ” બંગલો દ્રશ્યમાન થયો. ફળિયામાં રહેલો ઝૂલો હજીય હળવા ઝોલા લેતો હતો તેથી સમજી શકાય કે હમણાં જ કોઈ તેના ઉપરથી ઊઠીને ગયું છે.ડોરબેલ દબાવતાં જ બારણું ખૂલ્યું. બારણાના ખુલ્લા અવકાશમાં ફિક્કો પડી ગયેલો ,સફેદ સાડીમાં વીંટળાયેલો ,આખા શરીર પર સફેદ ડાઘાવાળો એક સ્ત્રીદેહ પ્રગટ થયો.

ડો.શ્વેતાએ બે હાથ જોડી નમસ્કાર કર્યાં.

“આવો,શ્વેતાબેન .”સાવ સહજતાથી બોલાયેલા એ શબ્દોએ ડો.શ્વેતાની આંખોને આશ્ચર્યથી પહોળી કરી નાખી.

“આપ મને ક્યાંથી ......”ડો.શ્વેતા વાક્ય પૂરું કરે એ પહેલા જ સામા છેડાથી સાંભળવા મળ્યું :”પહેલા બેસો.”

ડો.શ્વેતા સોફામાં બેઠાં પરંતુ એમનું આશ્ચર્ય હજીય ઊભું હતું!!

“એમની આંખો તમને કદીય ભૂલી શકે ?”

“એટલે?” ડો.શ્વેતાએ મૂંઝવણ દર્શાવી.

“એટલે કે આશુતોષ હજીય મારામાં જીવે છે મારી આંખો દ્વારા એ તમને જોઈ શકે છે.”

ડો.શ્વેતા સજ્જડ થઇ ગયાં. ચેતનાતંત્ર જાને કે બધિર થઇ ગયું!

“સાવ નિખાલસ હતો. જીવ્યો પણ એવું જ. તમાર વિષે ખૂબ જ વાતો કરતો. મારામાં હંમેશા એ તમને નિહાળતો. બરાબર સાંભળજો. શોધતો એમ નથી કહેતી. આમ તો નામ મારું નલીની છે ,પરંતુ તે મને હંમેશ શ્વેતા કહીને જ સંબોધતો. તેની આ ચેષ્ટા મેં કડી ઈર્ષાભાવથી પરમાણી નથી.કારણ ? કારણ કે એણે આ સફેદ ડાઘને ક્યારેય મારા દામ્પત્યજીવનમાં અંતરાયરૂપ થવા દીધા નથી. ખુદ તો જીવ્યો હસતા હસતા પણ મનેય જીવન જીવવાની સાચી રીત શીખવી. ને એમ જ જીવતા જીવતા એક દિવસ......”કહેતા નલીનીનું ગળું ભરાઈ આવ્યું.આંખમાં પાણી ભરાઈ આવ્યું. સામે પક્ષે પ્રતિબિંબ પડતું હોય તેમ ડો.શ્વેતાની પણ એજ પરિસ્થિતિ હતી !!

“એના ચારિત્ર્યને ડાઘ હતો છતાં તમે .....” ડો.શ્વેતાએ અર્ધું વાક્ય છોડી આખો પ્રશ્ન પૂછી લીધો.

“ડાઘ?” થોડું હસીને નલિનીએ ઉમેર્યું:” કેવો ડાઘ? શાનો ડાઘ ? સ્રીની આંખ પુરુષના લક્ષણો અને ઈરાદા પારખી જવામાં પારંગત હોય છે. આશુતોષના ચારિત્ર્યને લાગેલો ડાઘ એ તો એણે વહોરેલું બલિદાન હતું. વાસ્તવમાં એના ચારિત્ર્ય વિષે ક્યાય આંગળી ચીંધાય એમ હતું જ નહીં. મેં એનું પડખું સેવ્યું છે,શ્વેતાબેન, પુરુષને ઓળખવામાં જે સ્ત્રી થાપ ખાય છે એના સ્ત્રીત્વમાં જ કંઇક ઉણપ હોય છે એમ હું માનું છું “

ડો.શ્વેતાને ગળામાં શોષ જેવું લાગતા પાણીનો એક ઘૂંટ ભરવો પડ્યો.

ડો.શ્વેતાની સંતાન વિશેની પૃચ્છામાં નલિનીએ જણાવ્યું કે આશુતોષની ઈચ્છા સંતાન ન કરવાની હતી.કારણ એ જ કે આશુતોષ માનતો કે આવનાર બાળક આશુતોષ ન પણ હોય. વારસાગત ગણાતા આ વ્યાધિ સાથે બાળક જન્મે તો એ બાળકનું જીવવું દુષ્કર બની જાય. મને એની દલીલ યોગ્ય લાગી. અમે સંતાન ન થવા દીધું.”

ડો.શ્વેતાના હૃદય ઉપર ક્રમશઃ દબાણ વધી રહ્યું હતું.

જતી વખતે ડો.શ્વેતાને ઊભા રાખી ,નલિનીએ કબાટ ખોલી એક જૂની ડાયરી કાઢી. અને ડો.શ્વેતાના હાથમાં મૂકતા કહ્યું:” આ તમારી અમાનત છે સ્વીકારશો તો એના દિવંગત આત્માને શાંતિ થશે .”

ડો.શ્વેતાએ ડાયરી સ્વીકારી ત્યારે દીવાલ પર ટીંગાતા આશુતોષના ફોટા ઉપર અનાયાસે જ નજર નંખાઈ ગઈ.ફોટાના કાચમાં પોતાની છબીને પણ આછા સ્વરૂપે પ્રતિબિંબિત થતી જોઈ શકાઈ.

પગથીયું ઉતરતી વેળાએ અધીરાઈપૂર્વક ખોલીલી ડાયરીના કેટલાક પાનાં પવનની લહેરખીથી ઉલટાયા. અંતિમ નોંધ આવતા જ ડો.શ્વેતાએ પાનાને દાબી દીધું. અંતિમ નોંધ તરીકે વાક્ય ટાંક્યું હતું: “ત્યાગ એ પ્રેમની પરાકાષ્ઠા છે.’અને નીચે લખ્યું હતું:” નવું વરસ.”

ડો.શ્વેતા ડાયરીને બંધ કરે એ પહેલા જ ખુદના ઘણાં પાનાં ઊલટાઈ ચૂક્યા હતા!! એ પાનાનો ફરફરાટ રોમેં રોમ વ્યાપી ચૂક્યો હતો.

ઘરે આવતા જ ડો.શ્વેતાએ રશ્મિકાંત સામે ધડાકો કર્યો:” હું આવતી કાલથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી દેવા ઈચ્છું છું.”

“વેલડન ,આખરે માની ગઈ ખરી .” રશ્મીકાંતે હર્ષઉદગાર કાઢ્યો.

“સત્ય સમજાય ત્યારે માનવું જ પડે ને .” ડો.શ્વેતાના આ શબ્દો રશ્મીકાન્તને શબ્દકોશમાંથી નીકળતા શબ્દ જેવા સાવ સહજ લાગ્યા.

ડો.શ્વેતાએ જ્યારે કોલેજમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે જાને કે ભાષાનો એક અધ્યાય પૂરો થયો !

અચાનક નિવૃત્તિના આ નિર્ણય પાછળ નબળા સ્વાથ્યને કારણભૂત માની સૌ સ્ટાફમિત્રોએ આરોગ્યપ્રદ જીવન રહે તેવી શુભેચ્છાસહ વિદાયમાન પણ ગોઠવી નાખ્યો.

કોલેજને કાયમ માટે છોડીને ડો.શ્વેતા જ્યારે કંપાઉન્ડની બહાર નીકળ્યા ત્યારે વરસાદ વરસીને બંધ થઇ ચૂક્યો હતો.

વાતાવરણમાં ભીનાશ પ્રસરેલી હતી.ડો.શ્વેતાને યાદ આવ્યું કે આશુતોષને વરસાદ ખૂબ ગમતો હતો.પોતાને આજે વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં જ ઘરે જવાનું મન થયું.

અને ખરેખર ડો.શ્વેતાએ એક્ટીવા શરુ કરી બેઠક લીધી ત્યાં જ વરસાદનું વરસવું શરુ થયું.

ખૂબ ગમ્યું. અંદરની બળતરા કંઇક અંશે મંદ પડી રહી હોય તેવું અનુભવાયું.ઘર આવતા સુધીમાં તો સંપૂર્ણત: ભીંજાઈ જવાયું.

“અરે,અરે શ્વેતા આ શું ?” ડો.રશ્મિકાંત એકદમ બારણે દોડી આવ્યા.

“બસ, ન્હાવાનું મન થઇ આવ્યું. “ ડો.શ્વેતાએ અલ્લડ છોકરીની અદાથી જવાબ વાળ્યો.અને પગને બારણાં તરફ વાળવાને બદલે ફળિયા તરફ માંડ્યા.

“અરે,તારી સાડી તો જો ,કેવી બગાડી છે ?કેવો ડાઘ પાડ્યો છે કીચડનો ?” રશ્મીકાંતે ચિંતા વ્યક્ત કરી.

‘ એટલે તો ઊભી છું વરસતા વરસાદમાં .” ડો.શ્વેતાનું મર્માળું હાસ્ય રશ્મીકાન્તને ભીંજવી ન શક્યું.

‘લે,કર્ય વાત . ભાષાના માણસોનું આ જ દુઃખ. આ જ વાંધો. સમજાય એવું બોલે જ નહીં.”

“તમે જ ઝીણી નજરે જોઈને નક્કી કરોને કે ડાઘ પડી રહ્યો છે કે પડેલો ડાઘ વરસતા વરસાદમાં ધોવાઈ રહ્યો છે ?” કહી શ્વેતાએ સાડીના છેડાને સહેજ ખુલ્લો કરીને એવી રીતે ગોઠવ્યો કે જેથી પડતા વરસાદના મહત્તમ છાંટા તેની ઉપર પડે.આકાશ સામે નજર કરી તો અમૃત શા બિંદુ ચહેરાને સ્પર્શવા લાગ્યા.ડો.શ્વેતા ક્યાય સુધી આંખોને બંધ કરી એમ જ ઊભા રહ્યાં.........

રશ્મિકાંત નક્કી ન કરી શક્યા : કોણ કોને ભીંજવી રહ્યું છે ???

**** *************** *************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED