રવિ યાદવ
Contact No. :- +91 88 66 53 62 88 (WhatsApp)
+971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com
નીરજા
“બેટા ! હવે ૧૨ ધોરણ ભણી લીધું છે હવે આટલું ઘણુય. તારે ક્યા સાસરે જઈને કમાવા જવું છે, ઘર જ સંભાળવાનું છે ને. આપણા ગામથી કોલેજ ઘણી દુર છે, રોજે અપ-ડાઉન કરીશ તો મને રોજ ચિંતા રહેશે અને ડર પણ લાગે છે કે તને બહાર કોલેજમાં ભણવા માટે મોકલીશ અને કદાચ મારે બીજી દીકરી પણ ગુમાવવાનો વારો આવશે તો ?” આટલું બોલતા જ ધીરુભાઈની આંખોમાં પાણી આવી ગયું.
નીરજા પણ સમજી ગઈ કે પાપાની બીક વ્યાજબી હતી અને મનના કોઈક ખૂણે એને પણ થોડીક બીક તો હતી જ. આમ વાત યાદ કરતા જ નીરજાને તેની મોટીબેન અનન્યા યાદ આવી ગઈ અને એની આંખમાં પણ પાણી આવી ગયા. યાદ કરતા કરતા જ નીરજા ભૂતકાળમાં સરી પડી જ્યાં તેની કડવી યાદો દટાયેલી હતી.
૨ વર્ષ પેલાની વાત છે.
અનન્યા, ધીરુભાઈની મોટી દીકરી. રૂપ રૂપનો અંબાર અને ઉછાળા મારતું યૌવન જે ભલ-ભલાનું મન ડગાવી નાખે. ધીરુભાઈને સતત એની દીકરીની ચિંતા રહેતી કે ક્યાંક એની દીકરી કોઈકની લપેટમાં નાં આવી જાય. ગામમાં રહેતા યુવાન તો શું મોટા ગઢીયા લોકો પણ અનન્યાને જોઇને થોડી વાર માટે ઉભા રહી જતા અને પછી નિસાસા નાખતા કે શું રૂપ છે આ છોડીનું. ગામમાં રહેતા ભૂખ્યા વરુઓ આ હરણ જેવી કોમળ અનન્યાને કોળીયો કરી જવાની પેતરી જ ગોઠવતા રહેતા, પણ એમ અનન્યા કોઈને ગણકારે એવી નહોતી, સામે આવેલી પરિસ્થિતિનો સામનો નીડર બનીને કરી લેતી.
એક દિવસ સંધ્યા સમયે અનન્યા ખેતર જવા નીકળી, એ તો રસ્તે એકલી ધીમે-ધીમે ગીતો ગાતી ગાતી ચાલી જતી હતી, એવામાં જ ક્યાંકથી પેલા ત્રણ ભૂખ્યા વરુઓ ત્રાટક્યા. પાછળથી અનન્યાને દબોચી લીધી. મોઢા પર ડૂચો દઈને એને બાજુના ખેતરમાં ખેંચી ગયા. અનન્યાએ થોડી વાર માટે ધમપછાડા કર્યા, પણ પેલા ત્રણેયની એકસાથે રહેલી મજબુત પકડના કારણે એનું જોર ઝાઝું ચાલ્યું નહિ. ખેતરના એક ખૂણામાં તેને સુવડાવી દીધી અને ત્રણેય જણાએ ભેગા મળીને એક કુમળું ફૂલ પીંખી નાખ્યું. જેના સાક્ષી ફક્ત ઉપર રહેલું આકાશ અને નીચે રહેલી ધરતી હતા. ત્રણેય નરાધમો તરત જ ત્યાંથી ભાગી ગયા.
અનન્યા હજુ ખુલ્લા ખેતરમાં એમ ને એમ સુતી હતી, કપડા ફાટી ગયા હતા, પગની વચ્ચેનો ભાગ લોહીથી ખરડાયેલો હતો. અનન્યા જાણે મરવા પડી હોય એવી હાલત થઇ ગઈ હતી. થોડીવાર ઉભા થવા માટે બળ કર્યું પણ એનામાં હિંમત જ નહોતી રહી કે કંઈ કરી શકે. કલાક સુધી એમ ને એમ મગજથી સુન્ન થઈને એકની એક જગ્યાએ એ જ હાલતમાં પડી રહી, ધીરુભાઈને ચિંતા થઇ એટલે એને શોધવા નીકળ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા જોયું તો એક ખેતરમાં પડેલી એની દીકરી સામે એની નજર પડી. નજીક જઈને જોતા જ એ અજાણ નહોતા રહ્યા કે શું થયું છે પણ હવે તો એ પણ શું કરે ? જે થવાનું હતું એ થઇ ગયું. કોઈને ખબર નાં પડે એમ અંધારે પોતાની દીકરીને લઈને ઘરે આવી ગયા.
આખો દિવસ અનન્યા કંઈ જ બોલતી નહિ અને ચુપચાપ બેસી રહેતી. ક્યાય બહાર પણ જવાનું એણે બંધ કરી દીધું હતું અને બસ શૂન્યાવકાશમાં ચાલી ગઈ હોય એમ શાંતિથી મૂઢ અવસ્થામાં બેસી રહેતી. દિવસો નીકળતા જતા હતા પણ બાપને ચિંતા વધતી જતી હતી. એણે ગામમાં બદનામીના ડરથી આ વાત દાટી દીધી હતી પણ અનન્યાની નજર સામે એ ત્રણેય નરાધમોના ચેહરા જાણે પથ્થરની લકીરની જેમ છપાઈ ગયા હતા. એને હવે આ જિંદગી બેકાર લાગતી હતી, સતત આપઘાતોના વિચારો આવ્યા કરતા.
એક દિવસ સામેથી ધીરુભાઈને કહ્યું કે “પાપા હું ખેતર જાઉં છું, માં માટે ભાણું લઈને, તમે આવજો પાછળથી, માં ભૂખી થઇ હશે.” એમ કરીને નીકળી પણ રસ્તામાં એ જગ્યાએ પહોચતા જ જાણે એનું મગજ ફર્યું કે દોડીને એ જ ખેતરમાં રહેલા કુવા પાસે આવી અને ટીફીન અને તેમાં ભરાવેલી એક ચિઠ્ઠી ત્યાં મુકીને કુવામાં પડી ગઈ. બસ એણે શું કામ આપઘાત કર્યો હતો એ ફક્ત ધીરુભાઈના ઘરના લોકો જ જાણતા હતા અને બાકીના બધાય માટે તો આ વાત એક કોયડો જ બની ગયી હતી. લોકો ભાતેભાતની વાતો કરતા હતા પણ ધીરુભાઈએ દરેકના કડવા ઘૂંટ ચુપચાપ પી લીધા હતા.
નીરજાના મગજમાં રહેલી એ જ ભભૂકતી જ્વાળા હજુ શમી નહોતી. અનન્યાની આખરી ચિઠ્ઠીમાં એ ત્રણેય નરાધમોના નામ લખ્યા હતા જે ગામના જ હતા. ધીરુભાઈએ એને કંઈ કરવાની કે બોલવાની છૂટ આપી નહોતી એટલે નીરજા બને ત્યાં સુધી એ ઘટના ભૂલવાનો પ્રયત્ન કરતી પરંતુ અવારનવાર એ ઘટના આંખો સામે આવીને ઉભરાઈ જતી. નીરજાની જીદ આગળ ધીરુભાઈ જુક્યા અને નીરજાને શહેરમાં કોલેજ કરવા માટે જવાની મંજુરી મળી ગઈ. કોલેજ પૂરી કરીને એણે વકીલાતમાં એડમીશન લીધું અને વકીલ બની ગઈ. એના ગામની પહેલી વકીલ. પેલા નરાધમના ઘરે જઈને એને ધમકાવ્યો કે વર્ષો પહેલા તે મારી મોટીબેન જોડે જે કરતુત કર્યું છે એની માટે ભગવાન તને સજા જરૂર આપશે. ત્યારે તે કાળું બોલ્યો કે “જા જા ! તારી પાસે શું સબૂત છે કે મેં કંઈ કર્યું હતું ?”
નીરજા થોડા ગુસ્સામાં બોલી “કાળું તારા ઘરે પણ હવે તો દીકરી છે જ ને, જયારે પોતાના ઘરે રેલો આવશે ને ત્યારે ખબર પડશે કે એક સ્ત્રીની આબરૂ શું હોય છે.”
ધીરુભાઈએ શહેરમાં સારો છોકરો જોઇને એની સાથે નીરજાના લગ્ન કરાવી આપ્યા અને સુખેથી સંસાર ચાલતો હતો.
થોડા વર્ષો બાદ અચાનક કાળું નીરજાની ઓફીસમાં જઈ ચડ્યો, એના ચેહરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે કંઈક અમંગળ બનેલું છે, પણ મહેમાન તરીકે નીરજાએ ક-મને કાળુંને અંદર બેસાડ્યો અને કારણ પૂછ્યું.
“નીરજા, મારી દીકરી, મારી…… મારી… હેતલ….” એમ કરતા જ કાળું પોક મુકીને રડી પડ્યો.
“શું થયું તમારી હેતલ ને ? એ ઠીક તો છે ને ?” નીરજાએ ઉતાવળી થઈને પૂછ્યું.
“મારી હેતલને આપણા ગામનો જ પેલો લાખો ભરખી ગયો. ગઈકાલે બપોરે જ્યારે મારી દીકરી ઘરે એકલી હતી ત્યારે કોણ જાણે ક્યાંથી એ ઘુસી આવ્યો અને મારી દીકરી પર બ…… બલાત્કાર કર્યો.” કાળું રડતા રડતા જ બોલ્યો.
ઓહ માય ગોડ. પણ લાખો નામ સાંભળતા જ નીરજાના મન પર કંઈક બોજ લાગ્યો. એ એજ લાખો હતો જેણે થોડા વર્ષો પહેલા એની બેન અનન્યાની જિંદગી બરબાદ કરી હતી. આજે ૪૦ વર્ષનો થઈને હજુ પણ સુધર્યો નહોતો અને એના જ ભાઈબંધની દીકરીની જિંદગી બગાડી હતી.
નીરજાને હેતલ માટે ખુબ દુખ થયું, ભલે એ કાળુંની દીકરી હતી પણ હતી તો એક સ્ત્રી જ ને.. પણ કાળું માટે એને મનમાં વિચાર આવ્યો કે ભગવાન પણ લોકોના પાપનો ઘડો અહિયાં જ ફોડે છે. આજે કાળું બરાબરનો ફસાયો હતો.
નીરજા એ કહ્યું “તું સાક્ષી બની જા આપણે લાખાને જેલની સજા કરાવીશું, પણ મારું એક કામ કરી આપવું પડશે.”
કાળું બાપડો થઈને બોલ્યો, “તમે જે કહેશો તે કરીશ હું પણ મારી દીકરીની જિંદગી બરબાદ કરનાર એ નરાધમને તમે કાયદામાં ફસાવી દો.”
નીરજા એ હવે લાગ જોઇને કહી દીધું કે “વર્ષો પહેલા મારી બહેન પર કરેલા એ અત્યાચારને પણ તારે જગજાહેર સ્વીકારવો પડશે અને તેમાં તારી સાથે લાખો અને જીગો પણ શામેલ હતા એ કોર્ટમાં બોલવું પડશે, અને સાથે લાખાએ તારી દીકરી સાથે કરેલા કુકર્મો પણ બોલવા પડશે જેનાથી લાખાને કદાચ ફાંસી પણ થઇ શકે છે અને તને અને જીગાને આજીવન કેદ.” બોલ મંજુર છે ? મેં તને કહ્યું હતું કાળું કે ભગવાન સજા આપે જ છે પણ દરેકનો એક સમય હોય છે.
કાળું તો હવે પોતાની દીકરી સાથે થયેલા આવા હલકટ કામથી અનુભવી શક્યો હતો કે એક સ્ત્રીની આબરૂ શું હોય છે એટલે એણે હવે મનોમન નક્કી કરી નાખ્યું કે હું પણ મારા કરેલા પાપનું પ્રાયશ્ચિત કરીશ, કોર્ટમાં કેસ થયો, લાખાની અને જીગાની ધરપકડ થઇ, કાળુંએ પોતાની સાક્ષી આપી અને ગુનો કબુલ કર્યો, કોર્ટે લાખાને ફાંસીની સજા આપી અને કાળુંને અને જીગાને આજીવન કેદ.
આ જોઇને ધીરુભાઈની આંખોમાં આજે પાણી આવી ગયા હતા કે ભગવાને એને ન્યાય આપ્યો છે. ગુનેગારોને એની સજા આપી છે. પરંતુ, નીરજા હજુ ચિંતામાં હતી કે કાળું એના કરેલા પર પસ્તાય છે અને પોતાના કરેલા પાપની સજા તો ભોગવી જ રહ્યો છે, પરંતુ હવે એની પત્ની અને દીકરીને કોણ સાચવશે ? હેતલની પરિસ્થિતિ પણ હવે અનન્યા જેવી જ થઇ ગયી હતી પણ નીરજાએ એને શહેર બોલાવી લીધી સતત એનું કાઉન્સેલિંગ કર્યું અને એને એ ઘટનામાંથી બહાર કાઢી અને શહેરમાં જ એને ભણાવી, ગણાવી અને ડોક્ટર બનાવી અને સારું ઠેકાણું જોઇને પરણાવી દીધી.
કાળુની પત્નીને રહેવા, ખાવાનો ખર્ચો નીરજા જ પૂરો પાડતી અને એ પણ હવે ઘરડી થઇ ગઈ હતી અને પોતાના મૃત્યુની રાહ જોતી હતી અને ગામલોકો એને થતી એવી બધી જ મદદ કરી આપતા. કાળું પણ હવે ઘરડો થઇ ગયો હતો અને મૃત્યુની પ્રતીક્ષા કરતો હતો.
આમ, નીરજાએ પોતાની બહેનના ગુનેગારોને પકડીને સજા પણ અપાવી, માનવતાના ધર્મે પોતાના જ દુશ્મનની પત્ની અને દીકરીને સાચવીને એક દાખલો પણ બેસાડ્યો.