Ghani Zindagi books and stories free download online pdf in Gujarati

ઘણી જિંદગી...

ઘણી જીંદગી...

Ravi Dharamshibhai Yadav

શહેરની બાજુમાં આવેલા હિલસ્ટેશન પર બનાવેલા બગીચા પાસે વિહાન પોતાના પાળીતા કુતરાને લઈને આવ્યો હતો. કૂતરો આસપાસ સૂંઘી સૂંઘીને આમ તેમ ચક્કર લગાવી રહ્યો હતો અને વિહાન બગીચાના ખૂણે રહેલી બેન્ચ પર બેસીને શહેરની ઝલક નિહાળી રહ્યો હતો. સંધ્યા સમય હોવાના કારણે એકદમ ઠંડો પવન આવી રહ્યો હતો જે વિહાનની આંખના ખૂણા પાસે આવેલા આંસુઓને ઉડાડીને લઇ જઈ રહ્યો રહ્યો હતો. વિચારોના વંટોળમાં આજે વિહાન આમથી તેમ ફંગોળાઈ રહ્યો હતો. હૃદય હૈયાફાટ રુદન કરી રહ્યું હતું પરંતુ એ રુદન આજે અંદર જાણે કોઈ પથ્થરની માફક ધરબાઈ ગયું હતું. શું કરવું કશી જ ખબર નહોતી પડતી.

એટલામાં જ વિહાનના ખભા પર કોઈએ હાથ મુક્યો અને વિહાન ચોંક્યો અને બાજુમાં જોયું તો વ્રીન્દા ઉભી હતી. એની રોજની આદત મુજબ આજે પણ એકદમ મેચિંગના બ્લુ-યેલો કોમ્બિનેશનવાળા ચૂડીદાર ડ્રેસમાં જ હતી. કાનમાં રહેલા લાંબા રજવાડી ઝુમખા, કપાળ પર નાની બિંદી, એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં બાંધેલો લાલ કલરનો દોરો, એની આંગળીમાં વિહાનની પહેરાવેલી સગાઇની રિંગ અને મીડીયમ હિલના સેન્ડલ, મીડીયમ શરીરનો બાંધો અને નમણો નાક-નકશો જોઈને જ વિહાન તેના પ્રેમમાં પડી ચુક્યો હતો. ઘણા બધા ફેમિલી પ્રોબ્લેમ ના અંતે બંનેની સગાઇ નક્કી થઇ હતી અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બીજા જ દિવસે એ બંનેના લગ્ન થવાના હતા અને આગળના દિવસે વિહાન અને વ્રીન્દા અને તેનો પાળીતો કૂતરો ત્રણેય અહીંયા હિલ સ્ટેશન પર સંધ્યાસમય પસાર કરી રહયા હતા.

વ્રીન્દાએ બાજુમાં બેસીને વિહાનનું બાવડું પકડ્યું અને ખભા પર માથું ઢાળીને બેસી ગઈ. વિહાનની હથેળીમાં વ્રીન્દા પોતાનો હાથ મૂકીને એ આંગળીઓ વચ્ચે પોતાની આંગળીઓ ફિટ કરી રહી હતી.
વિહાન નખરા કરતો બોલ્યો, “મેં તો તને જોઈ છે ત્યારથી તું મારી જિંદગીમાં ફિટ થઇ ગઈ છે હજુ તારે આંગળી ફિટ કરવાની બાકી રહી ગઈ છે ?”
વ્રીન્દા વિહાનની કમરમાં ચીટીયો ભરતા બોલી, “કેમ ? તને કઈ વાંધો છે ?”
વિહાન એમ જ બિન્દાસ્ત ખભા ઉછાળીને ડચકા બોલાવતો બોલી ઉઠ્યો, “હા વાંધો છે. પુરેપુરો વાંધો છે.”
વ્રીન્દા ટટ્ટાર બેસીને પૂછવા લાગી, “અચ્છા જી !! હવે તમારો હાથ પકડીએ એમાં પણ તમને વાંધો ?”
વિહાન ઘણું વિચારીને પછી બોલ્યો, “જો તું મારો હાથ પકડી રાખીશ તો હું તારા માટે ગિફ્ટ લેવા કેવી રીતે જઈ શકીશ ?
જો તું મારો હાથ પકડીને રોકી રાખીશ તો ભગવાન પાસે તારી મુસ્કાન કઈ રીતે માંગી શકીશ ?
જો તું મારો હાથ પકડીને રાખીશ તો તારા જોયેલા સપનાઓ પુરા કરવા માટે મહેનત કઈ રીતે કરી શકીશ ?
જો તું આમ ને આમ જ હાથ પકડીને બેઠી રહીશ તો તને મારા હાથની ભાવતી મસાલા ખીચડી અને ખીર કઈ રીતે બનાવીશ ?
જો તું મારો હાથ પકડી રાખીશ તો તારા ગાલ પર અને માથા પર વ્હાલથી હાથ કેવી રીતે ફેરવી શકીશ ?
“બસ બસ બસ સાહેબ, તમારું લિસ્ટ ઘણુંય લાંબુ છે. એ પહેલા હું જ તમારો હાથ મૂકી દઉં છું” , વ્રીન્દા છણકો કરતા બોલી.

“અને હા ! બાય ઘી વે મસાલા ખીચડી અને ખીર કરતા તો વધુ હું તને ખાવાનું પસંદ કરીશ.”, પોતાના હોઠ પર જીભ ફેરવતા ફેરવતા વ્રીન્દા વિહાન સામે આંખ મારતા બોલી.
“અચ્છા જી !! તો અબ બાત હમે ખાને તક કી આ ગઈ હે ?”
“હાંજી ! મેને તો તય કર લિયા હે કી કલ શાદી હોને દો ઉતની હી દેર હે, ફિર તો પુરી ખીર મેં હી ખાનેવાલી હું”, વ્રીન્દા તોફાની અંદાજમાં બોલી રહી હતી અને વિહાન એની સામે હસતો હસતો શાંતિથી ઉભો રહીને એની અદાઓ જોઈ રહ્યો હતો અને અચાનક પાછો ગમગીન થઇ ગયો.

“અરે અરે !! શું થયું મારી મસાલા ખીચડીને ?”, વ્રીન્દા હજુય પોતાની મસ્તીમાં જ બોલી રહી હતી.
વિહાન આખરે વ્રીન્દાની સામે નીચે બેઠો અને વ્રીન્દાના ખોળામાં માથું રાખીને થોડીવાર શાંત થઇ ગયો અને વ્રીન્દા પણ જાણે બધું જ સમજી ગઈ હોય એમ એના માથા પર હાથ ફેરવતી ચુપચાપ બેઠી રહી.

“વિન્દુ… તને ખબર છે હું તને કેટલો ચાહું છું એ ? તારી લાઈફની એક એક મોમેન્ટ મારે તને જીવાડવી છે, તારા હરેક સપના પુરા કરવા છે અને ખાસ કરીને આખી દુનિયા ફરવાનું એ સપનું, રાત્રે ખુલ્લા આકાશમાં અગાશી પર બેસીને તારાઓ જોવાની ખ્વાહિશ, ધોધમાર વરસતા વરસાદમાં પલળતા પલળતા લોન્ગ ડ્ર્રાઇવ પર જવાની ખ્વાઈશ અને તારું એર હોસ્ટેસ બનવાનું સપનું અને બીજું તો ઘણુંય લાંબુ લિસ્ટ છે તારા સપનાઓનું મારી પાસે. તારી સાથે ગાળેલો એ સમય ફરીવાર વિતાવવો છે મારે પરંતુ એ પરિસ્થિતિ હવે ફરીવાર ઉભી થશે કે નહિ એ તો હવે કેમ ખબર ? તારી દરેક ખુશીમાં અને દરેક દુઃખમાં તારી સાથે રહેવું છે. પણ મારી એક ભૂલના કારણે એ બધું જ જાણે એક સપનું જ રહી ગયું. હું તારા પ્રેમને લાયક નથી વિન્દુ, નથી હું તારા પ્રેમને લાયક.”, આટલું બોલતા જ વિહાન વ્રીન્દાના ખોળામાં માથું રાખીને રડવા લાગ્યો.

વ્રીન્દા કશુંય બોલ્યા વગર ચુપચાપ નીચે નમી અને વિહાનનો ચેહરો ઊંચો કરીને કપાળ ચૂમીને વિહાનની આંખો લુછવા લાગી. વિહાનની આંખોમાં જોઈને બોલી, “તારી એ ભૂલમાં હું પણ સામેલ જ હતી ને વિહાન, તારા એકના કારણે નહિ પણ બંનેના કારણે જ આ થયું છે. પણ તું એવું ના વિચારીશ કે તારો પ્રેમ ખોટો સાબિત થયો, જો હજુ પણ હું તો તારી સાથે જ છું ને ? અહીંયા પણ… હું તને મૂકીને કશેય નહિ જાવ, તું ચિંતા ના કરીશ, આપણે તો હજુ ઘણું બધું જોડે જીવવાનું છે.”

વિહાન આ છેલ્લું વાક્ય સાંભળીને થોડો ખચકાયો, “હા હજુ તો આપણે ઘણું બધું જોડે જીવવાનું છે.”

વ્રીન્દા અચાનક ઉભી થઇ અને કહ્યું, “ચાલ હવે બાઈક સ્ટાર્ટ કર અને મને ઘરે મૂકી જા. આવતી કાલે તારે જાન લઈને મને પરણવા આવવાનું છે. મુજસે બચ કે જાઓગે કહા મેરે બંદર.”
“હા મારી માં, કાલથી તો તું જ મારી અંબેમાં ને તું જ મારી મહાકાળી, જય હો મૈયા કી.” , વિહાન ફ્રેશ થતા બોલ્યો.
અને બંને બાઈક સ્ટાર્ટ કરીને નીકળી ગયા.

ઘર પાસે પહોંચીને બાઈક ઉભી રાખી અને બંને સાઈડમાં ઉભા રહી ગયા અને પોતાના સગા વ્હાલાઓને રડતા જોઈ રહયા હતા, ઘરમાં જાણે આભ તૂટી પડ્યું હતું અને એ બધા રડતા લોકોની વચ્ચે ઠાઠડીમાં હતા ૨ નિષ્પ્રાણ શરીર.
આખરે ઠાઠડી ઊંચકાણી અને નીકળી સ્મશાન તરફ અને આખા પરિવારનો એ કકળાટ જોઈને વ્રીન્દા પણ આખરે વિહાનને વળગીને રડી પડી.

એક ભૂલ વિહાન એક ભૂલ.. કાશ !! મેં તને આજે સવારે સ્પીડમાં બાઈક ચાલવાની ના કહી હોત, અને તું પણ મારી એ ઈચ્છા પુરી કરવાની હઠને બાજુમાં મૂકી દીધી હોત તો આજે આ આપણા નિષ્પ્રાણ શરીર આમ સ્મશાન તરફ ના જઈ રહયા હોત.

વિહાન વ્રીન્દાના માથે હાથ ફેરવતા બોલ્યો, “આમ જો તું તો કાલનું કહેતી હતી, આ તો આજે જ જાન નીકળી આપણી, ચાલ આપણે જોડે રહેવાનો સમય આવી ગયો. તારા સપનાઓને જીવવાનો સમય આવી ગયો.”

પરિવારનો એ પાળીતો કૂતરો બંનેની બાજુમાં રહીને બધું જોઈ રહ્યો હતો.

હા ! વિહાન અને વ્રીન્દા પોતાની બાકી રહી ગયેલી “ઘણી જિંદગી” જીવવા જઈ રહયા હતા.

સમાપ્તિ…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED