કુસુમનાં કંટક..! - National Story Competition-Jan Bhumi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુસુમનાં કંટક..! - National Story Competition-Jan

કુસુમનાં કંટક..!

ભુમી

“એય કુસમી ખાવાનું આપ!!”

નાનકડી ઝુંપડીની બહાર એક તુટેલા ખાટલા પર રાજાશાહી ઠાઠથી લંબાવીને પડેલા મંગા એ તોછડાઇથી એની મોટી છોકરી કુસુમને બુમ પાડી...બે-ત્રણ વખત બુમ પાડી જોઇ પણ અંદર થી કોઇ જવાબ ન આવ્યો..મંગા એ દેશી દારૂ ની ખાલી બોટલ નો છુટ્ટો ઘા ઝુંપડીના બારણા તરફ કર્યો...સસ્તી બોટલ જમીન પર પછડાઇ ને ફુટી ગઇ..કદાચ બોટલ ભરેલી હોત તો મંગો એને આમ ન ફેંકત..!

“સાલીઓ ક્યાં મરી ગઇ ત્રણે જણીઓ...?!” આવો કંઇ બબડાટ કરતા ઉભો થવા ગયો પણ સમતોલન ન જળવાતા પાછો ખાટલા પર પડી ગયો..!તુટેલા ખાટલાના પાયા વધારે હલી ગયા...ચઢેલી હતી તો મંગો ઉભો ન થઇ શક્યો પણ જીભને ક્યાં તાકાતની જરૂર પડે છે..એતો અવિરત ચાલુ જ રહી...!

કાન માંથી કીડા ખરી પડે એવા શબ્દોમાં એ એની ત્રણે છોકરીઓને ભાંડતો રહ્યો..“સાલીઓ...તમારીતો..નીકળો બા’ર મારા ઘર માંથી...!બાપ ભુખ્યો-તરસ્યો ઠંડીમાં બહાર પડ્યો છે અને ત્રણેય કુંવરીઓ આરામ માં છે...”

આમ અડધી રાત સુધી ખાટલા પર થી લટકતા પગ જમીન સાથે પછાડતો રહ્યો પછી કકડતી ઠંડીમાં એનીયે આંખો મીંચાઇ ગઇ...કુસુમે ભવાની અને મંજરીને પારેવડીઓની જેમ ફફડતી જોઇ..એણે ઉભા થઇ ઝુંપડીનું બારણુ વાસ્યુ..આગળો લગાવ્યો..કોડીયાની વાટ પર થી સળેકડી વડે મેશ ખંખેરી...અજવાળુ સાફ થયુ...પછી પગની આંગળીઓ ભેર થોડી ઉંચી થઇ અને છાજલી પરથી ગાંઠો મારેલી કોથાળીઓ ઉતારી..એમાં પુરી-શાક, મિઠાઇ ના ટુકડા અને સાવ ભુકો થઇ ગયેલા પાપડ હતા.. શાકમાં લથબથ પુરી ખવાય એવી રહી જ ન’તી...છતાય ભવાની અને મંજરીની આંખો ચમકી ઉઠી...ત્રણેય બહેનોએ એમની નાનકડી મિજલસ પુરી કરી...પછી ભવાનીએ મેલી-ઘેલી ગોદડીઓની પથારી કરી અને સુવાની તૈયારી કરી...મંજરીએ સહેજ બારણુ ખોલીને ધડકતે હૈયે બહાર નજર કરી..મંગાના નસકોરાનો કર્કશ અવાજ એના કાને અથડાયો..એક ગોદડી ઉઠાવીને બહાર જવા માટે દરવાજો ખોલવા ગઇ..કદાચ એને ઠંડીમાં સુતેલા બાપની દયા આવી હશે..કુસુમે એનો હાથ પકડી લીધો અને આંખો વડે જ ‘ના’ નો હુકમ પણ આપ્યો..!ટમટમતો દીવો બુઝાવીને ત્રણેય બહેનોએ કાળુ ધબ્બ અંધારૂ ઓઢી લીધુ કે થાય સીધી સવાર...!

***

એક ગામ જાણે ધરતી માતાનું કોઇ અળખામણુ સંતાન..ઉપર આકાશ કોરુધાકોર અને ધરતીનો ખોળો સાવ સુકો ભઠ્ઠ અને વેરાન...! એના એક ખુણે થોડી છુટ્ટી છવાયી ઘાસ છાયેલી ઝુંપડીઓ હતી...ત્યાં આસપાસના ખેતરોમાં અને જમીનદારોને ત્યાં મજૂરી કરી ખાતી વસ્તી રહેતી હતી..એમાંથી એકમાં જ કુસુમ,ભવાની અને મંજરી રહેતા..એમનો નકામો અને દારૂ પી ને રખડ્યા કરતો એક બાપ પણ એમની સાથે જ રહેતો હતો...લગભગ સાત-આઠ વર્ષ પહેલા ત્રીજી સુવાવડ વખતે જ મા તો મરી ગઇ હતી જો કે એ હોત તો પણ કંઇ જાહોજલાલી ન હોત…

***

ઘાસ માંથી ચળાઇને આવતા સુર્ય ના કિરણો થી ઝુંપડીમાં સવાર પડ્યું.કુસુમે આંખો ખોલી અને બંન્ને નાની બહેનોના નિર્દોષ ચહેરા તરફ જોયુ ન જોયુ કરી ઉભી થઇ...ગઇકાલ આખા દિવસનો થાક હમણા એને વર્તાતો હતો..બહાર ડોકીયુ કર્યુ તો હજીયે મંગો ઘોરતો હતો...એની જીભ પર ગાળ આવી ગઇ અને જાણે બધી કડવાશ કાઢવી હોય એમ થુંકી..!પણ ખાલી થુંકી દેવા થી બધી નફરત અને ઘૃણા થુંક ભેગા નથી જવાના એ એને પણ ખબર જ હતી...પાણી નું બેડુ લઇ ને એતો ઉપડી પાણી ભરવા..ઝુંપડી ની થોડેક જ દુર એક નાનકડો વહેળો હતો ત્યાંથી જ આસપાસની વસ્તી પાણી ભરતી.કુસુમ ચાલતા ચાલતા જાણે કોઇ સાંભળનાર હોય એમ મોટે-મોટે થી જાત સાથે જ વાતો કરતી હતી..“બંન્ને ઉઠે એ પહેલા ફટાફટ બે બેડા ભરી લઉં પછે ઉઠે એટલે બીજા કામે લગાય...” પગ માં ઠોકર વાગવાથી લથડીયુ ખાઇ ગઇ..પડતા-પડતા બચી...!“એની જાતની આ ભુખ એવી વળગી છે કે છુટતી જ નથી...ખબર નથી પડતી કે શું ખાઇ લઉ અને પેલીઓ ને પણ શું ખવડાવી દઉં કે આખા જન્મારાની ભુખ ભાંગે..જનમ પણ એવા ભુખડી બારશના ઘરમાં થયો છે ત્યાં થાય શું..?!બાપેય એવો છે કે આખો દાડો ફર્યા કરે છે સાલ્લો હરામ હાડકાનો...!જરાક ટેકો કરે તો બે ટાઇમ સરખુ ખવાય તો ખરું...પણ એ તો નવરો નખ્ખોદ વાળે છે..”

આવુ બબડતી બબડતી પાણી ભરી લાવી..પ્રાઇમસ સળગાવીને ચા ચડાવી..ઉકાળો સ્તો..!! દુધ લાવે ક્યાંથી..?!પ્રાઇમસ ના અવાજ થી ભવાની અને મંજરી ઉઠી ગયા...

“ચાલો નહાઇ લો આજે પશા શેઠના ખેતરે મજુરીનું નક્કી કરીને આવી છું” કુસુમનો હુકમ છુટ્યો..

“પણ મને તો ભુખ લાગી છે” નાનકડી મંજરીએ મોટીમસ સમસ્યા જણાવી..“અને ત્યાં તો થાકી જવાય છે” ભવાની એ બીજી સમસ્યા જણાવી.“તો તમને કંઇ મહેનત કર્યા વગર તમારો બાપ પણ ખાવાનું નહી આપે..!” કુસુમ થોડુ જોર થી બોલી.એજ વખતે મંગો ઉભો થઇને બારણાની વચ્ચોવચ ઉભો રહી ને ત્રણેયની વાતો સાંભળતો હતો.ગુસ્સામાં હોય એમ મંગો કુસુમ તરફ ફરીને બોલવા લાગ્યો : “છોકરીઓને મજુરીએ નથી જવુ તો કેમ જબરદસ્તી કરે છે મોટી શેઠાણી થઇ ગઇ છે તો..!”

ત્રણેય બહેનોએ એકબીજા સામે જોયુ અને કોઇ જોડકણુ સાંભળ્યુ હોય એમ હસવા લાગી.હસવાનુ પુરુ થયુ અને કુસુમ બોલી : “ જા તું નીકળ સવાર સવારમાં મગજ ખરાબ ના કર નહી તો તારોય દા’ડો બગાડીશ !”

“ના મારે વાત કરવાની છે”“શું વાત ?”

“બે દા’ડા પહેલા મેં તને કીધુ ‘તુ કે પેલો રમણિક શેઠ તને યાદ કરે છે તે ગઇ કેમ નહી ?”

“મારે એનું કોઇ કામ નથી કરવું..!”

“સીધા કામ બતાવુ છુ તે કરવા નથી મારી બેટી ને નકામી બીજે-બીજે લાંબી થવા જાય છે..!”

કુસુમે હાથ લંબાવીને દીવાલને ટેકે ઉભેલી ડાંગ હાથ માં લીધી...“જા જતો હોય તો..સીધા કામ શીખવાડવા વાળો ના જોયો હોય તો...”

“પણ બેટા શેઠે આગોતરા પૈસાય આપી દીધા છે” મંગો થોડો નરમાશ થી બોલ્યો..હવે,કુસુમ ખરેખર ઉભી થઇ..જોર થી ડાંગ જમીન પર પછાડી...જમીન પરનુ થોડુ ખરબચડુ પ્લાસ્ટર ઉખડી ગયું.“જા નહી તો આજે જોવા જેવી થશે..” મંગો આકાશ સામે જોઇ ને બબડતો બબડતો નીકળી ગયો..“તું મરતા તો મરી ગઇ પણ આ જોગમાયા મારે માથે મારતી ગઇ..સહેજ વાર જઇ આવે તો એનુ શું ઘસાઇ જવાનુ છે..!?”

વાત એમ હતી કે મંગો હતો હરામ હાડકાનો..મહેનત કર્યા વગર પીવાનો બંદોબસ્ત થઇ જાય અને જેમ-તેમ કંઇ ખાવાનું મળી જાય તો એનો દિવસ સુધરી જાય..થોડા સમય પહેલા મંગાએ રમણિક શેઠ પાસે થી થોડા રૂપિયા ઉછીના લીધા હતા એની ઉઘરાણી કરવા રમણિક શેઠ જાતે આવ્યો અને કુસુમને જોઇને એની દાઢ સળકી..બસ ત્યારથી આ રમણિક શેઠે મંગાને પંપાળવાનું શરૂ કર્યું.

થોડા દિવસ પહેલાજ રમણિક શેઠે મંગા ને ધીરે થી કહ્યુ : ઘર ના કામકાજ માટે છોકરી જોઇયે છે પણ વિશ્વાસુ હોવી જોઇયે..”

“હા શેઠ તમારું આટલુય કામ ન કરી આપુ..!”

“હું રાહ જોઇશ પણ વધારે દીવસ ના લગાડીશ અને કંઇ જરૂર હોય તો કહેતો રહેજે..”

રમણિક શેઠ કુતરાની જેમ લાળ ટપકાવતો હતો અને મંગો ખંધાઇ થી હસતો હતો..મંગો જાણે જગ જીતી ગયો હોય એમ ડોલતો-ડોલતો ગયો..

રમણિક શેઠે બુમ પાડી : ઉર્મિ..ચાલ જમવાનું પીરશજે..આજે તો બરાબર ની ભુખ લાગી છે..ઉર્મિએ રમણિક શેઠ તરફ એક સુચક દ્રષ્ટિથી જોયું અને તટસ્થ ભાવ રાખીને ઉર્મિએ કહ્યું :

“યાદ રાખજો તમારે પણ એક છોકરી છે..થોડા વખત પછી એને કોઇ તમારા જેવું ભટકાય એવા કરમ ના કરતા..!”

“તું તારુ સંભાળવાનું રાખ અને મારી મા બનવાનુ છોડી દે અને તું પણ યાદ રાખ મારી છોકરીનો બાપ મંગો નથી..!”

“તો શું મંગાએ એની છોકરીને વેચવા કાઢી છે અને તમે ખરીદવા હાલી નીકળ્યા છો ??”

રમણિક ઉઠાવેલ કોળીયો ફેંકીને ગુસ્સામાં ઉભો થઇ ગયો..અને મંગાની ઝુંપડીએ જવા ઉપડ્યો. ખબર નહી કેવા રાક્ષસ સાથે ઘર માંડી બેઠી હું તો...મારો તો આખો જન્મારો લજવાઇ ગયો..ખબર નહી પેલી બિચારી છોકરીનું શુંય થશે...!!”

એ પણ રમણિકની પાછળ જવા તૈયાર થઇ.

***

“ક્યાં ગઇ મારા ગયા જનમની દુશ્મન..?!મારી વાત ગાંઠે બાંધી લે..કાલ સવારમાં ચુપચાપ રમણિક શેઠની ત્યાં કામે ચડી જજે વધારે નખરા કરીશ તો તું જ્યા પણ કામે જઇશ ત્યાં આવીને તમાશો કરીશ ને એવી ફજેતી કરીશ કે ફરી કોઇ મજુરીએ નહી રાખે..પછી પગે પડીશ તોંયે નહી માનુ..!”

મંગો આજે વધારે પીધેલો હતો અને ચાર ગણો જુસ્સામાં હતો અને બમણા જોર થી બુમો પાડી રહ્યો હતો..એને કોઇ પણ હિસાબે કુસુમને રમણિક શેઠ ને ત્યાં મોકલવી હતી..એ ગંદી ગાળો નો વરસાદ વરસાવી રહ્યો હતો..

આજુબાજુની વસ્તી ભેગી થઇ આ તમાશો માણી રહી હતી...

ત્રણેય બહેનો એકબીજાના ચહેરા તાકી રહી હતી...હંમેશાની જેમ જ..!પણ કુસુમની આંખો ભરેલી હતી..કોઇપણ સમયે છલકાઇ જાય એવી...આંસુ છલકાઇને બહાર આવે તો પણ જાતે જ લુછવા પડે એવી જીંદગી હતી એની...તો એ આંસુ ને બહાર આવવાજ ન દેતી ક્યારેય..!

કુસુમ હજી બહાર ન’તી આવીતો મંગાને વધારે જોર ચડ્યું..

કુસુમે હાથની મુઠ્ઠી ભીંસી અને ઉભી થઇ...અને ડાંગ લઇને બહાર આવી...મંગા કરતા પણ ઉંચા અવાજમા બોલી : “શું છે ક્યારનો કચકચ કરે છે...નવાઇનો પી ને આવ્યો છે??”

કુસુમના હાથમાં ડાંગ જોઇને મંગો થોડો ગભરાઇ ગયો છતા પણ એ જ ટણી રાખી ને બોલ્યો : “તારી કમાઇ નું નથી પીતો...સીધી થઇ જજે નહી તો કાઢી મુકીશ ઘર માંથી પછી ભટકતી રહેજે...”

કુસુમ મક્કમતાથી આગળ આવી અને જોરથી મંગાને બરડે ફટકારી...મંગાએ કલ્પના ન’તી કરી કે ક્યારેય કુસુમ એને આ ડાંગ મારશે..પણ એટલાથી કુસુમને સંતોષ ન થયો તો એક ફટકો માથા માં પણ માર્યો..લોહીનો ફુવારો ઉઠયો..ફરી મારવા હાથ ઉંચો કર્યો અને મંગો ડરીને ચીસાચીસ કરવા લાગ્યો..

રમણિક શેઠ અને એની પત્ની પણ ત્યાંજ હતા...એ બંન્ને એકબીજાના ચહેરા જોઇ રહ્યા.રમણિક શેઠે આગળ આવીને પછી જોઇ લઇશ નો ભાવ અવાજમાં લાવીને કુસુમને કહ્યુ: તારે કામે ના આવવુ હોયતો ભલે ના આવીશ પણ શાંત થઇ જા”

કુસુમ મંગાને છેલ્લી ચેતાવણી આપતા બોલી: “આજ થી તારો અવાજ ઉંચો થયો તો તારી જીભ કાપી ને કુતરા ને નાખી દઇશ.. અને કંઇક રહી ગયુ હોય એમ અવાજમાં મક્કમતા લાવીને રમણિક તરફ ફરીને જોરથી બોલી:

“નરક માં રહેવાનુ અને શેતાન થી ડરવાનુ મને ના પોષાય હું આવતી કાલથી આવી જઇશ તારે ઘેર.. હવે તું જરા સાચવીને રહેજે !!”

રમણિક શેઠ ને ખુશ થવુ કે કુસુમ થી ડરવુ એ સમજ ન પડી...ઉર્મિલાને સંતોષ થયો આ છોકરીની હિંમત જોઇ ને...!

***