સંવેદનાની ભીડ માં હું એકલી...! Bhumi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદનાની ભીડ માં હું એકલી...!

સંવેદનાની ભીડ માં હું એકલી... !

અપર્ણા ખુબસુરત દેખાતી હતી… લાલ ચટ્ટક પાનેતરમાં… ચામડી સાવ સફેદ અને ફીક્કી પડી ગઇ હતી પણ તાજી જ લગાવેલી પીઠી મહેકી રહી હતી… અત્તર.., મોગરાનો ગજરો... , ગુલાબની પાંદડીઓ… પીળા ગલગોટાના હાર.… બધુજ સુગંધી-સુંગધી…

અપર્ણાને સુંગધ આવતી હશે..?

વાળ ગુંચવાયેલા હતા... માંડ-માંડ ઓળ્યા… હોઠની ચામડી સુકાઇ ગઇ હતી... કાળી પડી ગયેલી... જાણે હમણાજ અપર્ણા તતડેલા હોઠ પર જીભ ફેરવશે પછી ફટાફટ જીભ અંદર લઇ લેશે. આંખો ખોલીને ચકળ-વકળ જોશે કે આસપાસ આ બધી શાની ધમાલ છે..કંઇ વાતની રોકકળ ચાલે છે... પછી આંખો બંધ કરીને ફરી પાછી જેમ ની તેમ થઇ જશે... લાશ જેવી... !

એનો વર એને અગ્નિદાહ નહી આપે... એને બીજુ લગ્ન કરવાનું હશે ને..? !

કદાચ તન્મય મરી જાય તો મને આવી જ રીતે બધા તૈયાર કરે... ચાર રસ્તે એની નનામિના ફેરા ફરાવે પછી મારી બંગડીઓ તોડાવે અને પછી... હું વિધવા..? ! મારે આ તમાશો ના કરવો હોય તો? ના જ ચાલે... મારે આ જ સમાજમાં રહેવાનુ છે... અહીના નિયમો તો માનવા જ રહ્યા... સદીઓ થી આ જ પંરપરા ચાલી આવી છે...

અપર્ણાનો વર આર્મીમાં હતો અને એની પોસ્ટીંગ આસામમાં હતી... હજી તો છ: મહીના પહેલા જ અપર્ણા એની સાથે ગઇ હતી..પાડોશીઓ વાતો કરતા હતા કે એના વરની ઇચ્છા ન હતી એને ત્યાં લઇ જવાની પણ અપર્ણાની જીદ સામે નમતુ મુકીને લઇ જવી પડી હતી... અપર્ણાને આસામમાં એના પતિ સાથે રહેવુ હતું અને સાસરીમાં બધાજ લોકોનો વિરોધ... ! છતા પણ જીદ કરીને એ ગઇ અને અને સોનેરી કોફિનમાં પાછી આવી... ફોફિન પર સફેદ રેશમનું કાપડ વીટાંળેલુ અને એના પર ગુલાબી રીબીન બાંધી હતી..અને અંદર પ્લાસ્ટિકમાં વીંટાળેલી અપર્ણાની લાશ... !!

રડવાના અવાજો ઉંચા થયા..કોઇ સ્ત્રી રડતી-રડતી મરશિયા ગાતી હતી..કોઇ સ્ત્રી કહેતી હતી :“છોકરીનો આ છેલ્લો શ્રુંગાર છે... .” અને કાળા પડી ગયેલા નખ પર નેઇલ-પોલીશ લગાવતી જતી હતી... લાશને વળી શ્રુંગાર કેવા..? અપર્ણા ક્યાં ઉભી થઇ ને અરિસો માંગવાની છે..એનો વર એને જોઇને શું કરશે..?

પણ છત્તાય..,

એને આત્મહત્યા અચાનક નહીજ કરી હોય... ઘણા દિવસોથી વિચારતી હશે... પછી ઘણીબધી હિમ્મત ભેગી કરીને હિંચકો બાંધવાના કડા પર લટકી ગઇ હશે... જ્યારે એને સાચેજ કોઇના સાથની જરૂર હશે ત્યારે એ સાવ એકલી પડી ગઇ હશે..એકલી-એકલી મુંઝાતી હશે..રડી પણ હશે...

મરતા પહેલા શું વિચારતી હશે..? એના ધબકારા વધી ગયા હશે..મુઠ્ઠી ભીંસી ને..,દાંત કચકચાવ્યા હશે પછી બધુ જ પડતુ મુકી ને... ..,અને હવે, જ્યારે એને કોઇની જરૂર નથી એને કોઇ વેદના નહી હોય ત્યારે એનાથી લાગતુ-વળગતુ ના હોય એવાય લોકો ટોળે વળી ને ઉભા છે..જોર-જોર થી આક્રંદ કરે છે... એ ક્યાંક કોઇ ખુણે ઉભી-ઉભી હસતી હશે આ ટોળા પર...

એનો વર ખુણામાં ઉભો-ઉભો ધીરે-ધીરે રડે છે..એની સાસુ અને નંણદ તો જાણે અપર્ણા સાત ખોટની દીકરી હોય એમ ગામ ગજવતા હતા... અને એની માઁ અવાક હતી..કદાચ પોતાની જાતને દોષ દેતી હશે... હજી એ આંખો ફાડીને અપર્ણાની લાશને જોઇ રહી હતી...

મારે એમને પુછવુ હતું કે તમે કેમ ચીસો પાડીને રડતા નથી... ? આ બધા રડે છે એમ...

જાડી રસ્સીના આંકા એની ગરદન પર પડ્યા હતા..શરૂઆતમાં એટલા ભાગની ચામડી છોલાઇને લાલ લીસોટા પડ્યા હશે અને હવે,એ ચામડી કાળી પડી ગઇ છે... એને નવડાવવાની વિધી વખતે મેં ત્યાં આંગળીઓ ફરાવી હતી... હું એના ઝ્ખમ અડકીને એની પીડા મહેસુસ કરવા માંગતી હતી... એને મરતી વખતે કેવુ દર્દ થયુ હશે... ? જીવ પણ તરત થોડી જાય... .કેટલીય વાર સુધી તરફડી હશે પછી મૃત્યુને પામી હશે... લટકી ગયા પછી એ જીવ જવાની રાહ જોતી હશે કે એને જીવી જવાની ઇચ્છા થઇ હશે..? એને આત્મહત્યા કર્યાનો પસ્તાવો થયો હશે કે નહી..? મૃત ચહેરો વાંચતા મને નથી આવડતું... !

પણ આ રીતે માત્ર અડકી લેવાથી એનો અહેસાસ ના કરી શકાય... કદાચ, જાતે જ આત્મહત્યા કરીને જોવુ પડે પછી જ ચોક્ક્સ પીડાની ખબર પડે... !!

ગળા પર મલમલનું કાપડ વીંટાળી દીધું હતું... મેં મારો હાથ એના હાથ પર મુક્યો... મૃત ચામડી એકદમ ઠંડી હતી... તન્મય મારી સાથે ક્યારેક આવો જ વ્યવહાર કરે... એકદમ ઠંડો... એને જોઇને મારી પણ લાગણીઓ ઠરવા માંડી છે... એ સાવ નિરસ છે... એક જ પ્રકારનું જમવાનું એને ભાવે... એક જ રંગની ફ્રેમ દરવખતે પંસંદ કરે... નક્કી કરેલા થોડા રંગના જ શર્ટ પહેરે... જ્યારે હોય ત્યારે એક જ ટી.વી. ચેનલ જોયા કરે... ક્યારેક ચેનલ બદલવાનું શરૂ કરે પણ ખરો પણ પાછો ત્યાં નો ત્યાં જ આવીને અટકી જાય... !મારે એને પુછવુ હોય છે કે બીજી સ્ત્રીઓના શરિરને જોઇને એને ઉત્તેજના થાય કે નહે..? ક્યારેક પથારીમાં ઝુનુન પુર્વક મારી ઉપર આવી જાય... પણ છત્તાય મારી લાગણીઓ તો ઠરવા જ માંડી છે... તુટીને પ્રેમ કરતા એને નથી આવડ્યું... ટુકડે-ટુકડે પ્રેમ કરે..મારે એને ધક્કો મારીને...,ચીસ પાડીને કહેવુ હોય છે કે આ બધાનો કોઇ મતલબ નથી... પણ કહી શકતી નથી..માત્ર લખી શકુ છું અને મને ખબર છે એ વાંચશે નહી..લખાવાની આદત મને વર્ષોથી છે... વાત-વાતમાં કવિતા કર્યા કરું છું... જો એને મારી વાતો..મારી કવિતાઓ સમજ પડી હોત અને જરા જેટલો પ્રયત્ન કર્યો હોત તો અત્યારે હું એના પ્રેમમાં હોત...

“અમાન્ય છે મને વાતો તારી ! એનાથી મને પહેલા જેવા તંરગો નથી ઉઠતા... .

અંધારા ઓળંગીને આવી તો જાંઉ હુંપણ-તારી પાસે

તારી પોતાની સવાર છે કે નહીએ જાણી લે પહેલા... !”

તન્મય મને છોડશે પણ નહી..,હું છોડી શકુ નહી... મારે રહેવાનુ તો આ સમાજમાં જ છે ને... કારણ વગર છોડી દઉં તો મારી સાથે અને એની સાથે જોડાયેલા કોઇ લોકો વ્યવહાર નહી રાખે... પછી હું શું કરીશ..? એકલા પડી જવાનો ડર તો લાગે જ ને..? !

આત્મહત્યા કરવાનું કોઇ નક્કર કારણ નથી મારી પાસે... અપર્ણા પાસે મરવાનું કયું કારણ હશે..? કદાચ એને પોતાના જ અસ્તિત્વનો ભાર લાગતો હશે... અને એવો જ ભાર હું જ્યારે તન્મય સાથે હોંઉ છું ત્યારે લાગે છે એટલે જ હું તન્મયના મૃત્યુના વિચાર કરું છું..!

અને મારે સૌભાગ્યવતી થઇને નથી મરવું... તન્મય પછી શાંતિથી મરીશ... પછી હું એક માણસ વિશે વિચારુ છું..એ બાજુની સોસાયટીના છેલ્લા મકાનમાં થોડા સમય પહેલા જ રહેવા આવ્યો છે... હું એને પ્રેમ નથી કરતી અને એનું નામ નથી જાણતી પણ તોય એના વિચાર આવે છે... કોઇ ગમતા માણસ વિશે વિચારવું પાપ તો નથી જ... !

“તારા શરિરના સ્પર્શને મારું શરિર વાચા આપે છે... અને હું કવિતાના શબ્દોની જેમમારા હોઠ તારા હોઠ પર ગોઠવતી જાંઉ છું... અને તુ-મને મારા માંથી જ ઉલેચવા લાગે છે

અને હું ખાલી થતી જાંઉ છું”

હું ગોરી નથી..અને એની ચામડી ગુલાબી છે... બંન્નેના નિર્વસ્ત્ર શરિર એકજ પથારીમાં કેવા લાગશે? હું કલ્પનાઓ ગુંથવા માંડુ છુ... અને હું મારા ચરિત્ર વિશે વિચારુ છું...

પણ ક્યાંક કૃષ્ણ-દ્રૌપદીનો સંવાદ વાંચ્યો હતો.“એક આખ્યાનમાં દ્રૌપદી કૃષ્ણને કહે છે :“કર્ણ ને જોઇને કયારેક મારું મન વિચલિત થઇ જાય છે... મને વિચાર આવે છે કે જો હું પાંચ પાંડવોને એકસાથે બાંધી શકુ તો... ,એમા છઠ્ઠાનો સમાવેશ કેમ ન થઇ શકે ? આવું કહ્યા પછી પણ તે તદન્ નિર્ભિકપણે અને સ્વાભાવિકપણે કૃષ્ણને ફરી પુછે છે... “શું આવું વિચારવાથી મારું મન મલિન થયું છે કે નહી..? ”

કૃષ્ણ ઉત્તર આપે છે :“જરાય નહી... કારણકે સતત વહી જતી નદીમાં ક્યારેક થોડી માટી,ઝાંખરા પડે તો તેનાથી નદીનું પાણી મેલુ નથી થતું... .!એ તો આગળ વહી જાય છે... વહેતા રહેવાની પ્રક્રિયા જ સ્ત્રીને શુધ્ધ રાખે છે... .”

આમ વિચારીને મને થોડો સંતોષ થાય છે કે હું ચારિત્ર્યહીન નથી... ..

અપર્ણાના નખ પર મેં મારી આંગળી અડકાવી જોઇ... લાલ રંગ ની નેઇલ-પોલીશ મારી આંગળી પર લાગી... એના નખ પર થી લુછાઇ ગઇ... પેલી સ્ત્રીએ ફરી નેઇલ-પોલીશની શીશી ખોલી અને લુછાઇ ગયેલી જગ્યા પર લગાવી... કારણ વગર... !!

મને એની આંખોના પોપચા ઉઘાડીને જોવાનું મન થયું... આંખોના ખુણે થોડી ભીનાશ તો હશે જ !

હવે તો અપર્ણાએ ઉભા થઇ જવુ જોઇયેને..!?

બહાર વરસાદ શરૂ થઇ ગયો છે... સીમેન્ટના પથ્થર પર પડતા વરસાદના ફોરા નો અવાજ રોકકળના અવાજ માં દબાઇ ગયો છે... આંગણામાં પડેલ અગ્નિ થોડી વારમાં બુઝાઇ જશે... કોઇનું પણ ધ્યાન નથી... ! ધોધમાર પડતો વરસાદ મારા મનને ચુંથીને ચાલ્યો જાય છે... ક્યારેક એકધારી ચાલતી વાર્તામાં કોઇ એવુ પાત્ર આવી જાય છે જે બધુ જ તહસ-નહસ કરીને ચાલ્યું જાય છે... પણ બાકીના નું શું..? એ તો ભોગવ્યા કરે છે વર્ષો સુધી... !

વર્ષો પહેલા આવા જ એક ધોધમાર વરસાદે મને પલાળી હતી... નખશિખ... સુતરાઉ સાડી મારા શરિર પર ચોંટી ગઇ હતી... બધુ જ આરપાર દેખાતુ હતું... બધા જ ધારી-ધારીને જોતા હતા... જાણે મારી પારદર્શક નગ્નતા બધાને લલચાવતી હતી... બસની ભીડમાં કોઇના હાથ મારી કમર પર થઇને થોડા ઉપર સરક્યા..હું હબકી ગઇ... ગળામાં થી અવાજ પણ ન નીકળ્યો... હું આગલા સ્ટેન્ડ પર જ ઉતરી ગઇ..ઘર આવ્યુ ત્યાં સુધી ચાલતી જ આવી... બસ માં મારી પાછળ ઉભેલો માણસ પર મારી પાછળ-પાછળ જ ચાલતો હતો..ઘર આવ્યું ત્યાં સુધી મારી સાથે ને સાથે જ ચાલ્યો..કંઇ જ નહોતુ થયુ... હું ઘરે આવી ગઇ હતી અને બારી-બારણા સજ્જ્ડ વાસી દીધા... મારા પગ ધ્રુજતા હતા... હું આખી જ ધ્રુજતી હતી..ઠંડીથી નહી... .ડર થી..!હું આખી રાત કલ્પનાઓ કરતી રહી કે હું ભીડ વાળા રસ્તા પર ચાલતી જઇ રહી છું અને એક હાથ આવીને મારી ભીની થયેલી સાડી ખેંચી નાખે છે... હું નિર્વ્સ્ત્ર થઇ ગઇ છું અને મારું શરિર ઢાંકવાના નિરર્થક પ્રયાસ કર્યા કરું છું... બધીજ આંખો મારા તરફ તાકી રહી છે... હજી પણ ઝબકીને જાગી જવાય છે ક્યારેક, પણ હવે ધ્યાન રાખુ છું..વરસાદ વખતે ખાસ બહાર નથી નીકળતી... ડર લાગે છે મને... .

કોની સાથે મને ગમશે એ તો હું જ નક્કી કરીશ ને ? ! તન્મય સાથે હવે નથી ગમતુ... . એની સાથે મારા અસ્તિત્વનો લોપ થતો જાય છે મને એમ લાગે છે... અને મને મારું અસ્તિત્વ અકબંધ રાખવું છે..કોઇની સાથે મરજીથી જવું અને પરાણે જવું પડે એ બંન્ને અલગ-અલગ વસ્તુ છે.અને એક બીજી ઘટના મારી આંખ અને પાંપણ વચ્ચે આવી ગઇ.એક યુવતી પૌલોમી..કોલેજના બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી... એની સાથે જ ભણતા અને એની જ ઉંમરના છ:-સાત છોકરાઓએ એની પર ગેંગરેપ કર્યો હતો..એ જ બાથરૂમમાં અને ત્યાં જ તરફડતી છોડીને ભાગી ગયા. આખી રાત ત્યાં જ કણસતી રહી... !

અપર્ણાની નનામિ ઉઠવામાં હતી... થોડીવારમાં એક સ્ત્રી રાખ થઇ જશે... કાળી ધુમ્રસેરોમાં એની જાત વેરાઇ જશે..એને ઉપરથી ઓઢાવવામાં આવેલી સાડીઓ સ્મશાનના રખેવાળની સ્ત્રી લઇ લેશે..એને મરેલી સ્ત્રીની સાડી પહેરવામાં કોઇ સંકોચ નહી થાય... એનું ઘર કોઇ મરે અને સીધુ-સામાન આવે ત્યારેજ ચાલે છે..એને મડદાઓથી ડર નથી લાગતો..એ અને એનો વર રાહ જોતા હશે કોઇના મરવાની ? ઘરમાં અનાજ-કોરા કપડા અને પૈસા આવે તો કોને ન ગમે?

હું... .,અપર્ણા અને પૌલોમી... .ત્રણેયની તકલીફમાં કોઇ સામ્ય નથી... .હું સરખામણી કરતી પણ નથી બસ એક સાથે અચાનક જ આટલા બધા વિચારોનું યુધ્ધ છેડાઇ ગયું હતું...

હું વિચારો સંકેલવાનો પ્રયત્ન કરું છું પણ એક વિચાર અનાયાસે એક બીજી જ વાત સાથે સંકળાઇ જાય છે... હું મનને રોકી શકતી નથી... તન્મય ઘરે આવી ગયો હશે... મારે જવું જોઇયે... અને હું ધીરે થી ટોળા વચ્ચેથી જગ્યા કરતી અને મારા પગલા ગણતી ઘરના રસ્તે જઉં છું..

હંમેશની જેમ જ... એક કવિતા ગણગણતી... ... ,

“એક સ્ત્રી-જે ઘરે થી બહાર નીકળતી વખતે અરિસામાં હજાર વખત ચહેરો જુએ..!વાળ ઓળ્યા કરે વારે ઘડીએ

અરિસામાં ઉપરથી નીચે સુધી આગળ-પાછળ વળી-વળીનેધ્યાનથી જુએ કે કંઇ હાંસીપાત્ર-ખરાબ તો નથી લાગતુ ને ? સાડીનો પાલવ કે દુપટ્ટો થોડી-થોડી વારે સરખો કર્યા કરે!

‘બ્રા’ ની પટ્ટી ચેક કરે કે ક્યાંક એ ડોકીયું તો નથી કરતી ને? રખે ને એ કોઇ બીજા પુરૂષને જોઇ લે

કે કોઇ પુરૂષ એને જ જોઇ લે !

આટલુ બધુ કર્યા પછી પણ

ભીડ ભરેલા રસ્તા પર એ સંકોચાઇને ચાલેકે શાક-માર્કેટમાં કે પછી રેલ્વેસ્ટેશન પર એના ઢંકાયેલા અંગો પર કોઇનો હાથ ના અડી જાય... રખે ને એ અભડાઇ જાય!અને ભુલેચુકેય કોઇનો અણગમતો સ્પર્શ થઇ જાય ‘ક્યાંક’ તો... ગુસ્સાથી આંખો કાઢતી વિચારે કે જો હમણાએને ત્રીજુ નેત્ર હોત તો ક્યારનોય પેલાને ભસ્મ કરી દેત... .!પછી ભલેને ઘરમાં એનો ‘Official-Permitted’ પતિ દરરોજ રાત્રે એની મરજી વિરુધ્ધ એને અભડાવતો હોય..

અને

એની જાત ચુંથતો હોય !!”

***