વિન્ડો સીટ Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિન્ડો સીટ

વિન્ડો સીટ

પૂજન જાની

કૃત્તિ એ મારો હાથ પકડી લીધો. થોડી ક્ષણ માટે. મારા પગ અટકી ગયા. મેં કૃતિની સામે જોયું. એનું ધ્યાન મારી તરફ ન હતું. એની આંખમાં રોડની અવરજવરનું પ્રતિબિંબ મેં જોયું. મેં ફરી રોડ સામે જોયું. નિર્જીવ કાળા ડામર પર શહેર ધબકતું હતું. સતત વાગતા હોર્નથી શહેરનો થડકાર અનુભવાવતો હતો. ગરમ ધુમાડા સતત ભૂતકાળને ખોતર્યા કરતા હતાં. વર્તમાન એક ક્ષણમાં ભૂતકાળ થઈ જાય એમ વાહનો એકબીજાને ઓવરટેક કરતા હતા.

હાથમાં હાથ પકડી મેં અને કૃત્તિએ રોડ ક્રોસ કર્યો.એની આંગળીઓ તરફડી. મેં હાથ છોડી દીધો. એ આગળ ચાલી ગઈ. કદાચ શરમાઈ ગઈ. એ ધીમેથી ચાલતી હતી,હું પાસે પહોચું એટલે કદાચ.

હું અને કૃત્તિ ઘણા સમયથી મિત્રો છીએ. છેલ્લા છ મહિનામાં અમે એકબીજાને સારી રીતે ઓળખતા થયા છીએ. એકબીજા સાથે સમય પસાર કરવા માટે હવે અમને બહાના શોધવાની જરૂર પડતી ન હતી.

મારા ઉન્માદો કૃત્તિની હાજરીમાં શાંત થઈ જતા. મારો ઉતાવળીઓ સ્વભાવ એ બરોબર ઓળખી ગઈ હતી. મારી બકબક સાંભળી,સહન કરી પોતાની સમજણથી મારી બોલાતી બંધ કરી દેતી. સમજાવતી વખતે એના ઉપર નીચે થતા હોઠ જોઇને મને એને ચૂમી લેવાનું મન થતું. પણ હું અટકી જતો. મને મારુ અભિમાન અટકાવતું. સીનીયર એક્ટર હોવાનું.

“આ વખતે તને સારી એવી કોમ્પિટિશન છે હો ધ્યાન રાખજે.” પ્રોફેસરે યુથ ફેસ્ટીવલના એક અઠવાડિયા પહેલા મને કહેલું.

“કેમ?” મેં અવગણના કરી.

“કોણ છે ત્રણ વખતના નેશનલ રર્નર અપની સામે?” હું હસ્યો.

“કૃત્તિ. ફસ્ટ યરની સ્ટુડન્ટ છે.”

“જોઈ લઈશું અઠવાડિયા પછી.” મેં અભિમાનથી કહ્યું.

“યસ માય બોય.” સર નીકળી ગયા.

મારી સામે મારી જ પ્રતિસ્પર્ધી પાંગરી રહી હતી. અઘરામાં અઘરું એક્ટ પરફોર્મ કરવાનું મેં નક્કી કર્યું. મનમાં આવી ઈર્ષાની લાગણીઓ પહેલા કોઈ વખત થઈ ન હતી. સ્વબચાવ માટે આ કુદરતનો નિયમ હશે કે માનવીય વિકૃતિ. મારા ભૂતકાળનું વજન મારા પર હતું. નેશનલ લેવલ જીતવા માટે શરૂઆતથી જ આવી ટક્કર મળશે એની મને કલ્પનાય ન હતી.

પર્ફોર્મન્સ થઇ ગયા.

પ્રોફેસરે એ રાત્રે મને એમના ઘરે બોલાવ્યો. મનમાં અસ્તવ્યસ્ત વિચારો આકાર લેતા હતાં.કદાચ પહેલેથી જ હું સિલેક્ટ નથી થયો એવું કહેવા મને બોલવ્યો હશે? મારુ એકચક્રી શાસન તૂટતું જણાતું હતું. મારી અંદર રહેલો મર્દ હારતો હતો. નવી પેઢી જૂની પેઢીનું સ્થાન લે તો જ દૂનિયા ચાલે એવો નિયમ હશે.પણ હું ત્રણ વર્ષમાં જૂનો થઈ ગયો?

“અરે! બહુ મોડું કર્યું તે.” સર બહાર મારી રાહ જોતા જોતા સિગારેટ પીતા હતાં.

એમણે સિગારેટ હોલવી. સાઈડ પર મૂકી. મારા ખભ પર હાથ મૂક્યો.

હું યંત્રવત ઊભો હતો.

“બેસ.”

હું બેઠો.

“જો દોસ્ત ખોટું ન લગાડતો.” મારા ખભા પર હાથ મૂકતા એમણે કહ્યું.

મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે આ ક્ષણ પૂરતા કાન બંધ થઈ જાય તો સારું.

“કૃત્તિએ બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું હતું.” જ પર ભાર મુકાયો એ હું અનુભવી શક્યો.

“તો હું રીજેક્ટને.” માંડ માંડ હું શબ્દો ભેગા કરી શક્યો.

“એવું કોણે કીધું?”

હું સરની સામે જોઈ રહ્યો.

“આજ સુધી આપણે મોનો એક્ટ કર્યા હતાં. હવે આપણે ડબલ એક્ટ કેટેગરીમાં એન્ટ્રી મુકીશું.”

“પણ બંનેની એન્ટ્રી અલગ અલગ મોનો એક્ટ માટે જ મૂકોને.” મેં વિરોધ કર્યો.

“તમે બંને એકબીજા વગર અધૂરા છો.” સર ખૂબ ધીમેથી બોલ્યા.

“શું?” હું સમજી ન શક્યો.

“કાલ સાંજ સુધી સ્ક્રિપ્ટ મળી જશે. સવારે તમારા નામ નોટીસ બોર્ડ પર ડિસ્પ્લે કરી દેશું ઓકે.”

મેં માથું ધુણાવ્યું. હું ઉભો થઈને હોસ્ટેલ તરફ રવાનો થયો. આવતીકાલનો સૂર્ય કેવો હશે એની કલ્પના કરવા લાગ્યો. રાત્રે બહુ ઊંધ ન આવી. પડખું ફેરવતા નીચે પડી જઈએ અને એકાએક સ્વસ્થતા આવે એમ મારી આંખ ખુલી જતી.

બીજે દિવસે અમે બંને કેન્ટીનમાં મળ્યા. એ ગોરી ન હતી. આકર્ષક હતી. જો કે આ ઉમરમાં બધી છોકરીઓ આકર્ષક જ લાગતી હોય છે. આ પહેલા મેં એને કેમ્પસમાં ક્યાંય જોઈ ન હતી. એની છાતી પર સુડોળ વજન હતું. આછી લિપસ્ટિકમાં ઉપર નીચે થતા હોઠને હું જોઈ રહ્યો. મારી આંખ એના શરીરની હલનચલનથી દોરવાતી હતી.

“આપણે બંનેને સાથે એક્ટ કરવાનો છે.” મેં વાત શરૂ કરી.

એ જોઈ રહી. ચહેરા પર કોઈ જાતનો ભાવ ન હતો.

“હજુ રીઝલ્ટ ક્યા આવ્યું છે?” કૃત્તિએ પૂછ્યું.

“આવી જશે, કદાચ નોટીસ બોર્ડ પર લાગી ગયું હશે.” હું હસ્યો.

એ પણ હસી. એની મુઠ્ઠી બંધ થઈ ગઈ. હોઠ પણ.

ગ્લાસ પડ્યો. કૃત્તિ ઝબકી ગઈ.

“સોરી.” એ પોતાના હાથ તરફ જોઈ રહી.

“અરે ઇટ્સ ઓકે.”

“તમને કોઈ પ્રોબ્લેમ નથીને મારી સાથે એક્ટ કરવામાં.”

“કેમ?”

“આ....ઇ... મીન તમારા એક્ટના વખાણ મેં સાંભળ્યા છે.”

“ઓહ.” હું એટલું જ બોલ્યો. હસ્યો,બનાવટી.

સાંજે વોટ્સએપ પર મને સ્ક્રીપ્ટ મળી ગઈ. કૃતિને પણ મળી ગઈ હશે. ફોન કરું? ના ના. એ કરશે પોતે. હું સ્ક્રીપ્ટ વાંચી ગયો. મારે શેઠના પાત્રમાં પ્રવેશવાનું હતું. કૃત્તિને મારી આંધળી દીકરી બનવાનું હતું. ફરી મેં મારા ડાયલોગ વાંચવાનું શરૂ કર્યું.

ફોન ન આવ્યો.

સવારે અમે બંને મળ્યા. પોત પોતાનો રોલ ફિટમાં કરવા સર અમને મળ્યા. ભાંગ્યા તૂટ્યા ડાયલોગ સાથે અમે સાંજે પહેલું રિહર્સલ કરવાનું નક્કી કર્યું.

“કૃત્તિ તારો ફેન થઈ ગયો.” રિહર્સલ પૂરું થઈ ગયા બાદ મારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા.

એ હસી.પોતાની પર્સ શોધવા લાગી.

“તે મને કહ્યું હતું કે એક્ટ કરવો ફાવશે?”

“હા.” એણે ધીમેથી કહ્યું.

“ડેફીનેટલી.”

એ મને ભેટી પડી. હું સ્થિર થઈ ગયો. મારા હાથ એની પીઠ પર ન રહી શક્યા.

આંધળી દીકરીનો એક્ટ જોઈ મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા. મારી આટલી સારી એક્ટિંગ આજે મને જ ફિક્કી લાગતી હતી. હું નબળો પડતો હતો. ના એ સબળી પુરવાર થઈ રહી છે. ઈર્ષા થતી ન હતી. કૃત્તિની એક્ટિંગ,એનું ડેડીકેશન જબરજસ્ત હતું.

વિચારો અટક્યા.ચાર રસ્તા પરનો ટ્રાફિક ભયંકર હતો. મારુ ધ્યાન ટ્રાફિક લાઈટ્સ નીચે ઊભીને ભીખ માંગતા વૃદ્ધ પર ગયું. એ લાકડીથી સ્પર્શ અનુભવતો. કોઈ વાર હાથ વાહન ચાલક ન હોય ત્યાં જઈને ભીખની અપેક્ષા કરતા હતા. એક બાઈક સવારે એને ફેરવી દીધો. એ અલગ દિશામાં માંગણી કરવા નીકળી ગયો. ત્યાંનું સિગ્નલ ઓન થતા જ વાહનોના હોર્ન, ગાળો અને લોકોની ફીટકાર એને ભીખમાં મળ્યા.

મને કૃત્તિ યાદ આવી ગઈ.

મેં રોડ ક્રોસ કર્યો. રૂમ પર પહોચ્યો. દરવાજો ખોલ્યો. ભયને બહાર મૂકી આવ્યો હતો. હું બેઠો.

“ભય? શેનો ભય?” અંદરથી એક અવાજ આવ્યો.

“કૃત્તિની જીતનો.” અંદરથી જ જવાબ આવ્યો.

“ના-ના”

“તો ગભરાટ? શેનો ગભરાટ?”

“મારી નિષ્ફળતાનો.”

મેં માથું ધુણાવી દીધું.

“ઈર્ષા?શેની ઈર્ષા?”

“એ તો ક્યારની જતી રહી હતી.”

“સ્નેહ? શેનો સ્નેહ?”

“કૃત્તિ સાથેની દોસ્તીનો.”

“હા-હા.”

“આકર્ષણ? શેનું આકર્ષણ?”

“કૃત્તિનું કે એની એક્ટિંગનું?”

“બંનેનું.”

“પ્રેમ?” હું હસી પડયો.

“ખબર નહી.”

બારીમાંથી આવતો કાળો રંગ હું જોઈ રહ્યો. એની સાથે તાજી જન્મેલી ચાંદની પણ દાખલ થઈ. મેં ત્યાં પગ મૂક્યા. આંખો બંધ થઈ. મેં કૃત્તિની ખુશ્બુ અનુભવી, માણવા લાગ્યો.સજ્જડ બની ગયેલા હાથ પર ગુસ્સો આવ્યો.

***

અમે મારી ઘર આગળના સર્કલ આગળ મળવાનું નક્કી કર્યું હતું. હજુ પહેલા આંધળાની ડ્યુટી ચાલુ થઈ ન હતી. સડકને પીળિયો થઈ ગયો હતો. પવન નાના નાના પાંદડાને શાંતિથી સુવા દે તો ન હતો. ક્ષીણ લોકોને વળવું પડે એ કુદરતનો નિયમ મેં અનુભવ્યો.

હોર્નનો અવાજ કાને અનુભવ્યો. સામાન ડીકીમાં મૂકી હું કારમાં બેઠો.

“હાઈ, મોર્નિગ.” મૌન તોડ્યું.

“હાઈ બેટા.” કૃત્તિના પપ્પાએ જવાબ આપ્યો.

કૃત્તિએ મારી સામું જોયું. એ હસી.ફરી મોઢું ફેરવી લીધું. એફ. એમ પર રેકોર્ડ કરેલા પ્રોગામ વાગતા હતા.

સાત મહિના જેટલું પેટ લઈને દોડતું આધેડ કપલ પાછળ રહી ગયું. રાત્રે ચૂલો સળગશે એ આશામાં બેઠેલા મજૂરો પાછળ રહી ગયા. ભવિષ્ય સજાવવા માટે રડતી આંખો ચોળતા બાળકો પાછળ રહી ગયા. પડખું ફેરવી, આળસ ખંખેરતું શહેર બારીમાંથી પાછળ મુકાઈ ગયું.

“કૃત્તિની પહેલી એર જર્ની છે. ધ્યાન રાખજે એની.” અંકલે કહ્યું.

“વોટ? ધ્યાન આઈ એમ કેપેબલ હં.”હું કઈ બોલું એના પહેલા જ કૃત્તિ તાડૂકી.

“હા અંકલ.” હું હસ્યો.

“તું પણ હુહહ.” કૃત્તિ મોઢું ફૂલાવી બેસી ગઈ.

અમે ઉતર્યા. ઝાકઝમાળની દૂનિયામાં, શિસ્તની દૂનિયામાં, સ્વચ્છતાની દૂનિયામાં, ફોર્માલીટીની દૂનિયામાં, અંગ્રેજીની દૂનિયામાં, સુંદર ચહેરાઓની દૂનિયામાં અમે પ્રવેશ્યા.

સુડોળ કમર વાળી એરહોસ્ટેસ અને યુનિફોર્મમાં સજ્જ પાયલટ આ દૂનિયાના માલિક છે.

કૃત્તિએ પોતાનો સામન ચેક કર્યો.કાનની બુટ્ટી પર હાથ મૂક્યો. સલવાર ઉચી કરી ઝાંઝર ચેક કરી લીધા. હું એની સામે જ જોતો હતો એ હસી. એને મોબાઈલ કાઢ્યો. સેલ્ફી લીધી. પોસ્ટ કરવા માટે મોબાઈલ એકદમ મોઢાની નજીક લઈ ગઈ.

“કોઈ નહી જુએ તારા મેસેજ હો.” હું ખડખડાટ હસી પડયો.

“જસ્ટ સટ અપ.” કૃત્તિએ કૃત્રિમ ગુસ્સો કર્યો.

“દિલ્હી આપણા શહેર જેવું જ હશે?” કૃત્તિએ ઓચિંતી બોલી.

“ના આપણાથી મોટું.” મેં જવાબ વાળ્યો.

“મોટું? કઈ રીતે?”

“વસ્તી,વિસ્તાર અને એરપોર્ટની રીતે પણ.”

“આપણા જેવું જ હશે. રિટર્ન થતી વખતે તું જ કહીશ જો જે. આઈ ચેલેન્જ.” એ ચીડવતા બોલી.

“લે કઈ રીતે?”

એ પહેલા જ એ આગળ નીકળી ગઈ. કદાચ એને મારો પ્રશ્ન ન સાંભળ્યો. હસવાનો અવાજ એના કાનમાં અથડાયો. હું સામાન ઠીક કરવા પાછળ વળ્યો.

“એ હીરો મારો સામન આપી દે ચાલ. આઈ એમ કેપેબલ. પપ્પાની વાતને બહુ સીરીયસલી નહી લેવાનું.”

“તું પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ.”

“ક્યો પ્રશ્ન?” કૃત્તિએ પ્રશ્ન કર્યો.

“કઈ રીતે આપણા જેમ એ કે.” મેં ફરી કહ્યું.

કૃત્તિએ એક ટપલી મારી. એ ફરી આગળ ચાલી ગઈ. થોડા થોડા અંતરે આગળ જોતી હતી.

“આપણા જેવા જ માણસો હશે, આપણી જેમ જ ઝઘડતા હશે, આપણી જેમ જ પ્રેમ કરતા હશે, વાતો કરતા હશે.”

“અલગ ભાષામાં અને તું આગળ જોઈને ચાલ.” મેં વાત કાપતા કહ્યું.

“ઓહ હો લિંક તોડી નાખી.” એ આગળ ફરી ગઈ.

મારા કાન હજુ પ્રશ્નનો જવાબ સાંભળવાની સ્થિતિમાં હતા.

“ઓ રૂઠી લડકી. આગે ભી બોલ.” મેં પ્રેમથી કહ્યું.

“ભલે ચાલ તું કહે છે તો.”

હું કઈ ન બોલ્યો.

“આપણી જેમ જ મહેનત કરતા હશે,આપણી જેમ જ સમયમાં બંધાયેલા હશે,આપણી જેમ જ ગાળો બોલતા હશે,આપણી જેમ જ ચુંબન કરતા હશે, આપણી જેમ જ બેદરકારીથી વાહનોમાં ભટકાતા હશે.....”

કાર બ્રેક થવાનો અવાજ આવ્યો. સમય અટકી ગયો. કૃત્તિ અટકી ગઈ,કાર અટકી-માંડ માંડ.

“દેખાતું નથી કે શું?” કારનો કાચ ઉતર્યો. અવાજ આવ્યો.

“હવે તો સવારના પ્રહોરમાં પ્રેમલા પ્રેમલી ભટકાય છે.” અંદરથી ઘરડો અવાજ આવ્યો.

“સોરી.” મેં કહ્યું.

કાચ ઉપર ચડ્યા.

“આ શું હતું?” હું તાડૂક્યો.

“બેદરકારી.” એ હસી.

મને ભેટી પડી. મારો ગુસ્સો પીગાળી દીધો. મારા હાથ એની પીઠ પર ભેગા થયા.

અમે ચેકઈન પ્રક્રિયા પૂરી કરી. એલીવેટરથી ૧૧૨ નંબરના ગેટમાં જવાનું હતું. કૃત્તિ મારી નજીક આવી. એની નજર એની હેન્ડ પર હતી. આંગળીઓ ચેન પર રાખેલી ઢીંગલીથી રમતી હતી. મારો હાથ પકડી લીધો. અમે નીચે ઉતરતા હતાં.

ફરી સમય અટકી જાય તો? મને વિચાર આવ્યો.

કૃત્તિ પોતાનો હાથ છોડી દે કે નહી?

અમે ખુરશી પર બેઠા.અકળ મૌનથી હું મૂંઝાતો હતો. એરપોર્ટની ભવ્યતામાં કૃત્તિ ખોવાઈ ગઈ હતી.

“કેટલી વાર બેસવાનું છે?”

“એનાઉન્સમેન્ટ થશે.”

મેં ઘડિયાળમાં જોયું.

“બસ હમણા જ થશે.”

“સારું” કૃત્તિએ કહ્યું.

અમે પ્લેનમાં દાખલ થયા.એરહોસ્ટેસના હસતા ચહેરા, મેકઅપ વાળા ચહેરા, ખીલને પ્રયત્નપૂર્વક ઢાંકેલા ચહેરા અમને તાકી હતાં.

અડધા પગ ઢાંકેલા ડ્રેસ-યુનિફોર્મ, સ્કીન કલરની સ્લેક્સથી ઢાંકેલા પગ, ચુસ્ત કપડામાં છાતીનું વજન. મર્દો એમને તાકી રહ્યા હતા.

મેં સીટ શોધી.

કૃત્તિ ઝઘડીને વિન્ડો સીટ પર બેઠી.જો કે હું ચાહીને ઝઘડયો હતો.

કૃત્તિએ ઝીણો ચિટિયો ભર્યો.

એ જીતી ગઈ એ કહેવા માટે. એ શરમાઈ,કદાચ.

“મને બીક લાગે છે.” કૃત્તિ ધીમેથી બોલી.

“કેમ?”

“યુ નો ફર્સ્ટ જર્ની.”

અમે બંને હસી પડ્યા.

મેં એનો હાથ પકડી લીધો. કૃત્તિએ વિરોધ ન કર્યો. મારી આંગળીઓ વાળી લીધી. કાર્ડિયોગ્રામના રિપોર્ટની જેમ કૃત્તિનો સ્પર્શ મને થતો હતો. મેં બંનેના સીટ બેલ્ટ ચેક કર્યા.

પ્લેને ગતિ પકડી. કૃત્તિએ મારી સામે જોયું. મારાથી હસાઈ જવાયું. બારીમાંથી છૂટતી ધરતી હું જોવા લાગ્યો. શહેર, વૃક્ષો, જમીન અને પાણી નાના બની ગયા. ધરતી અને અમારી વચ્ચે વાદળો આવી ગયા.

કૃત્તિએ હાથ હલાવ્યો. મારી આંખો બંધ હતી. મેં પકડ ન ખોલી. બે-ત્રણ આંગળીઓ તરફડી. મારો વિરોધ કાયમ હતો. આંગળીઓ શાંત થઈ ગઈ.

મને ગમ્યું. મને થયું આંખ ખોલીને દિલની લાગણીને નક્કર સ્વરૂપ આપું. આંખો ન ખુલી.

એરપોર્ટ પર ઉતરીને વાત મૂકું?

ના. કદાચ કોમ્પિટિશનમાં બંને ડીસ્ટર્બ થઈ જઈએ તો.?

કોમ્પિટિશન જીતીને?

હારી ગયા તો? એનો મૂડ નહી હોય તો?

મગજ ચકરાવે ચડ્યું. વિચારો બંધ કરવાની ગોળી સાથે હોત તો એ જ લઈ લેત.

એન્જિનના અવાજ સવાય તદ્દન શાંતિ હતી. પ્લેન સ્થિર થતા જ એરહોસ્ટેસની અવરજવર મેં અનુભવી.હું સુઇ ગયો. પકડ ઢીલી ન થાય એટલું જાગતો હતો.

પોપચા પર ગરમી અનુભવાઈ. મેં જરા માથું ખસકાવ્યુ. ફરી એ ગરમી. આંખો ખોલી. તીવ્ર પ્રકાશ મારી આંખમાં ગયો. આંખો ફરી બંધ થઈ ગઈ.શરીરને આગળ તરફ ધકેલી મેં આંખો ખોલી.

આગલી બે-ત્રણ સીટ પર શટર બંધ હતું. પ્લેનની પાંખ પરથી સૂર્યપ્રકાશ રીફ્લેટ થઈ વિન્ડોના કાચમાંથી અંદર આવતું હતું.પ્લેન ઝગારા મારતું હતું.

કૃત્તિ બારીમાંથી બહાર જોતી હતી.એના મોઢા પર પ્રકાશ ફેલાઈ ગયો હતો. એ બારીમાંથી સ્થિર,ફેલાયેલું આકાશ જોતી હતી.

મેં કૃત્તિને ઢંઢોળી “બારી બંધ કર.”

“કેમ?” પોતાનો હાથ મારા હાથમાંથી કાઢ્યો.

“રીફ્લેક્શનથી આંખ અંજાય છે. ચહેરો બળે છે.”

“ઓહ.સોરી” એ શટર બંધ કરવા જતી હતી.

મેં કૃત્તિનો હાથ પકડ્યો.

“તને કાઈ નથી થતું? આમ બેસીસ તો આંખ બગડી જશે અને ચામડી દાઝી જશે.”

“જેની એંશી ટકા આંખ જન્મજાત બગડેલી હોય એ આંખ હવે શું બગડવાની. દસ દસ વખત ચહેરાની ચામડી પર ઓપરેશન થીયેટરની લાઈટ પડી એ ચામડી આટલા પ્રકાશમાં શું દાઝવાની.”

કૃત્તિએ શટર બંધ કર્યું.

મેં આંખો બંધ કરી. હું જાગ્યો.

***