માતૃહૃદય - National Story Competition-Jan Krushnasinh M Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃહૃદય - National Story Competition-Jan

માતૃહૃદય

કૃષ્ણસિંહ પરમાર

"પણ પપ્પા અત્યારે દરેક પાસે આવો મોબાઈલ હોય છે. મારા બધા મિત્રો આવા જ સ્માર્ટ ફોન યુઝ કરે છે." હિરેન રૂમમાં નીચે બેઠો બેઠો તેના પપ્પા પાસે એક નવો ફોન લઇ આપવા મનાવવા તર્કો આપે છે. રૂમમાં એક પલંગ છે 'ને એક જુનો પુરાણો કબાટ. બીજો સામાન અને જૂની ટંક એ બધું તે રૂમમાં જ ભરેલું છે. તે રૂમ એ રૂમ કરતા ગોડાઉન વધુ લાગતું હતું. પણ તે જ હિરેનનું ઘર હતું. ત્યાં જ મોટો થયો હતો. તેના પપ્પા પલંગ પર લાંબા થઇ આંખો મીંચી સુતા છે. હિરેન અને તેમની વચ્ચે નવો સ્માર્ટ ફોન લેવાની ચર્ચા થઇ રહી છે. હિરેન ને એક વખત તો ના પડી છતાં તે જીદ પકડીને બેઠો હતો. હવે તેના પપ્પા આંખો ખોલી સ્હેજ ઊંચા થઇ માથું દિવાલે ટેકવી હિરેનને સમજાવા પ્રયત્ન કરે છે.

"બેટા ! તારી પાસે એક તો ફોન છે જ ને. તો પછી બીજો કેમ લેવો છે? ફોન નું તો કામ છે વાત કરવાનું 'ને વળી તારી પાસે પણ ક્યાં સાદો ફોન છે. નોકિયા નો ફોન છે, નોકિયા નો."

"હવે એ ફોન જુનો થઇ ગયો. મારા મિત્રો પાસે તો આઈફોન-6 હોય છે. કોઈકની પાસે તો વળી સેમસંગ ની સ્માર્ટ વોચ પણ છે. તેમની સામે મને આ 'ડબલું' લઇ જતા શરમ આવે છે."

" બેટા હિરેન !" આ પિતાજીનો કર્કશ નહિ પણ માં નો મીઠાશ ભરેલો અવાજ હતો. પ્રેમ કંઈ પૈસામાં નથી હોતો. તે તો શબ્દોમાં જ પ્રગટે છે. રજનીકાંતભાઈ અને ઉમાબેન નો હિરેન એક નો એક દિકરો હતો. બાપ દાદાઓનો ધંધો સારો એવો ચાલતો હતો પણ સમયની થપાટે રજનીકાંતભાઈ ને કારમો ઘા વાગ્યો હતો. ધંધો બંધ થયો 'ને પૈસા કમાવા રજનીકાંતભાઈ શહેરમાં આવીને વસ્યા હતા. શહેરમાં ઘર નાનું હતું. આમ તો એક રૂમ 'ને રસોડું ભેગું 'ને બીજો એક અલાયદો રૂમ. બે રૂમ તો નામ માત્રના જ હતા બાકી એક જ રૂમના બે ભાગ કરીને બે બનાવ્યા હતા. જે હતું એ પણ રજનીકાંતભાઈનું ઘર બીજા કરતા મોટું હતું. મજુરી કરતા લોકોની તે વસ્તી હતી. પણ રજનીકાંતભાઈની મહેનતે તેમને ત્યાં માનભર્યું સ્થાન અપાવ્યું હતું. પોતે મશીનરીના કારખાનામાં કામ કરતા પણ છોકરાને યોગ્ય શિક્ષણ મળે તે માટે ઉંચી સ્કૂલમાં દાખલ કરાવ્યો. એક નો એક છોકરો હતો એટલે સહજ જ હિરેન ને થોડો લાડ-પ્યાર વધુ મળ્યો. નાનપણથી જ તે માંગે તે તેને મોટાભાગે લાવી આપતા. હિરેન પણ ભણવામાં હોશિયાર હતો, પણ વધુ પડતા લાડને કારણે થોડો જીદ્દી હતો. વળી શહેરની મોટી સ્કૂલમાં ભણતો તેથી મિત્રો પણ સુખી કુટુંબના હતા. તેથી હિરેનના શોખ પણ તેવા હતા. પણ એ શોખ રજનીકાંતભાઈ કોઈક વખતે પુરા કરી શકતા તો કોઈક વખતે ના પણ કહેવી પડતી. હકીકત એ હતી કે ના વધુ કહેવી પડતી. આજે હિરેન એવી જ જીદ કરી બેઠો'તો. માં ત્યાં ખુણામાં તેનું કૈક ભરત ભરી રહી છે. સોયમાં દોરો પોરવવાની કોશીશ કરી રહી છે પણ હવે દોરો એટલી સહજતાથી નથી પોરાવતો જેટલો પહેલા પોરાઈ જતો હતો.

"તારા પપ્પાએ તને સમયે-સમયે જે જરૂરી હતું તે આપ્યું જ છે ને! કારખાનામાં ઓવરટાઈમ કરીને તને સારામાં સારી શાળાએ ભણાવ્યો, તે પોતે ચાલીને જતા પણ તને સાઈકલ લઇ દીધી, કોલેજમાં આવ્યો એટલે તને ફોન પણ અપાવ્યો. પણ હવે તું બીજો મોબાઈલ લેવાની વાત કરે છે. "

"પણ મમ્મી....." હિરેન જીદે ચડ્યો પણ માં તેને વચ્ચે જ અટકાવે છે,"જો દિકરા આપણી આ શેરીમાં કોઈની પાસે ન હતી ત્યારે તને સાયકલ લઇ દીધેલી કેમકે એ જરૂરી સાધન હતું. જ્યારે તારી આ માંગ નકામી છે." માંની સોયમાં દોરો પોરવવાની કોશીશ શરુ જ છે.

"મમ્મી એની કિંમત માત્ર.."

"એક ની સો વાત" પિતાજીનો કર્કશ પણ મક્કમ અવાજ આવ્યો. "આ મોબાઈલની આશા મારા પાસેથી બિલકુલ ન રાખતો. તારે જોઈએ તો કમાતો થા ત્યારે લેજે."

"હા, હવે ચાલુ થઇ ગઈ તમારી એ કેસેટ. તને આ આપ્યું, તે આપ્યું. તમે મારા માટે કર્યું છે શું? પેlલા અમીતના પપ્પા જુઓ તેણે કીધું 'ને બીજે જ દિવસે તેને ટેબલેટ લાવી આપ્યું, બાઈક પણ લઇ આપ્યું છે તેને. તમે આટલા વર્ષો થયા સાયકલનું જ ઉદાહરણ આપો છો. પોતાના દિકરા માટે માં-બાપ ગમે તે કરે, પણ તમે તો બધી જ વાતમાં "ના"! પીકનીકમાં જવાનું હોય તો 'ના', બાઈક જોઈએ તો 'ના', સારો મોબાઈલ જોઈએ તો 'ના'. છોકરાને ભણાવવાનું 'ને એ બધું તો દરેક માં-બાપ પોતાના દિકરા માટે કરે જ, એમાં શું? પણ તમારા જેવું તો કોઈના માં-બાપ ના કરે."

હિરેન ત્યાંથી ઉઠીને ગુસ્સામાં ચાલ્યો જાય છે. પતિ-પત્ની પોતાના એક ના એક દિકરાની આ વર્તણુક જોઈ એકમેક સામું તાકી રહ્યા. પુત્રના શબ્દો બંનેને વીંધી ગયા હતા-"તમારા જેવું તો કોઈના માં-બાપ ના કરે."

થોડીવારમાં હિરેન તેનો ભૂલી ગયેલો મોબાઈલ લેવા પાછો આવે છે. તે રૂમના દરવાજા પાસે પહોચ્યો કે તેના કાને શબ્દો અથડાયા...

"અરે! આ સોનાની વીંટી! આ..આ...ક્યાંથી .." રજનીકાંતભાઈ હસતા મોઢે વીંટી તેમના પત્નીને દેખાડી રહ્યા છે. બહાર હિરેન મનમાં કચવાય છે-"મને મોબાઈલ લઇ દેવા પૈસા નથી 'ને સોનાની વીંટી લાવે છે." હિરેન કાન સરવા કરી સાંભળે છે....

"ઉમા, તને યાદ છે જયારે હિરેન નવામાં ધોરણમાં ભણતો'તો ત્યારે હું તારા માટે વીંટી બનાવી લાવ્યો હતો. હિરેન ને ફૂટબોલ નો શોખ હતો અને તેણે નવો ફૂટબોલ લેવાની જીદ પકડેલી. એ વખતે તે મને કીધેલું કે મારે વીંટીની શું જરૂર છે, હિરેનને ફૂટબોલનો શોખ છે તો તેને ફૂટબોલ લઇ દયો. આપણે એને વધુ તો ન આપી શકીએ પણ આપનાથી બને તેટલું તો તેને માટે કરીએ. વીંટી પછી ક્યારેક પહેરીશ."

"હા. મને તો ઠીક યાદ પણ નથી."

"પણ મને બરાબર યાદ છે ઉમા. એટલે પૈસા જમા કરીને આજે હું તારા માટે વીંટી લાવ્યો છું. લે આ પહેર, હવે મને ટાઢક વળશે."

"હું એક વાત કહું? માનશો?"

"બોલ ઉમા. એક નહિ બે કહે."

"હું એમ કહું છું કે હવે તો મારા વાળમાં પણ સફેદી દેખાય છે 'ને વળી હમણાંથી હું ભુલકણી થઇ ગઈ છું. વસ્તુ ક્યાં રાખું છું તે યાદ પણ નથી રહેતું. હવે જતી ઉંમરે હું વીંટી પહેરીને શું કરીશ? તમે.."

રજનીકાંતભાઈ વચ્ચે જ અટકાવતા બોલે છે "જો ઉમા આ વખતે હું કઈ નથી સાંભળવાનો. તું દર વખતે વાત બનાવી લે છે. જો તું આ વીંટી નહિ લે તો મને હંમેશ પસ્તાવો રહેશે કે હું તને કદી સુખ ન દઈ શક્યો."

"મારું સુખ તો તમે જ છો. તમે હજીયે મારું ધ્યાન રાખો છો એથી વિશેષ સુખ બીજું કયું હોય?"

"પણ તું આ વીંટી રાખી લે ને! પૈસા ની ચિંતા તું ના કર."

"તમે મને સુખ દેવા જ માગો છો ને? તો તમે આ વીંટી પાછી દઈને તેના પૈસામાંથી આપના હિરેનને જે મોબાઈલ જોઈએ છે લઇ દયો ને."

"તો પછી તું ક્યારે..."

" આપણે એને વધુ તો ન આપી શકીએ પણ આપનાથી બને તેટલું તો તેને માટે કરીએ. વીંટી પછી ક્યારેક પહેરીશ."

હિરેનના મનમાં એના પોતાના જ શબ્દો તાજા થયા પણ બીજા ભાવથી કે,

"તમારા જેવું તો કોઈના માં-બાપ ના કરે"

***