આફત - 9 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આફત - 9

આફત

કનુ ભગદેવ

9. કરિયાવરની લાલચ

સુનિતાના મૃતદેહને ગુમ થઈ ગયેલો જોઈને બધાના હોંશ ઊડી ગયા હતા.

હિરાલાલ ભયનાં અતિરેકથી બે ભાન થઈ ગયો હતો.

જાણે કોઈક અર્દશ્ય શક્તિએ જકડી રાખ્યા હોય તેમ એમના પગ ધરતી સાથે જડાઈ ગયા હતા. તેઓ બધાં જડવત બનીને પથ્થરની મૂર્તિની જેમ ઊભા હતા. માત્ર તેમની આંખો જ ચકળ-વકળ થતી હતી.

પછી સૌથી પહેલાં અમર ભાનમાં આવ્યો.

એ હિરાલાલના બેભાન દેહને ઊંચકવા માટે નીચો નમ્યો કે સહસા તેની નજર વાડીની દીવાલ તરફ લંગડાતી ચાલે દોડતી એક આકૃતિ પર પડી. એ આકૃતિએ પોતાનાં ખભા પર કંઈક ઉંચકી રાખ્યું હતું.

‘ત્યાં જુઓ...’ એ ચીસ જેવાં અવાજે બોલ્યો, ‘પેલો લંગડો દીવાલ તરફ દોડે છે... એણે પોતાના ખભા પર કંઈક ઉંચક્યું છે. જરૂર એ સુનિતાની લાશ જ હશે. એને પકડ રાજેશ...!’

રાજેશે તરત જ પીઠ ફેરવીને દીવાલ તરફ જોયું અમરની વાત સાચી હતી. ત્યાં ખરેખર જ ખભા પર કોઈક વસ્તુ ઉંચકીને દોડતી એક આકૃતિ તેને દેખાઈ. દોડતી વખતે તેનો એક પગ લંગડાતો હતો. એ પગથી માથાં સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ હતો.

પછી રાજેશ એની તરફ દોડીને તેને પકડવામાં સફળ થાય એ પહેલાં જ એ આકૃતિ દીવાલ પર ચડીને બીજી તરફ કુદી પડી. રાજેશ દીવાલ પર પહોંચ્યો ત્યારે દૂર દૂર સુધી તેનો ક્યાંય પત્તો નહોતો.

છેવટે થાકી, હારી, નિરાશ થઈને તે પાછો ફર્યો.

ત્યારબાદ તેઓ હિરાલાલનાં બેભાન દેહને ઊંચકીને મકાનમાં લઈ ગયા.

આમને આમ એક કલાક વીતી ગયો. અને આ એક કલાક દરમિયાન હિરાલાલ બે વખત ભાનમાં આવ્યો હતો. પરંતુ દરેક વખતે તે ‘નહીં....નહીં... આવું થાય જ નહીં....! સુનિતા મરી ગઈ છે એટલે તો પોતાનાં હાથેથી આવો પત્ર લખી શકે જ નહીં....! એ....એ....’ ચીસો નાંખીને બેભાન થઈ જતો હતો.

‘અમર....’ એનાં વારંવાર બેભાન થઈ જતો જોઈને કમલા ચિંતા અને પરિશાનીભર્યા અવાજે બોલી, ‘હવે શું કરવું? તારા પિતાની તબિયત તો વધુ ને વધુ બગડતી જ જાય છે.!’

‘આપણે શું કરીએ મમ્મી....?’ અમરે ધ્રુજતાં અવાજે જવાબ આપ્યો, ‘આપણે તેમને કોઈ ડોક્ટર પાસે પણ લઈ જઈ શકીએ તેમ નથી. ડૉક્ટર જો તેમના વારંવાર બેભાન થઈ જવાનું કારણ પૂછશે તો આપણે શું જવાબ આપીશું.?’

‘તેનો આપણી પાસે કોઈ જ જવાબ નથી મોટાભાઈ!’ રાજેશ ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ સળગાવતાં બોલ્યો, ‘ ડૉક્ટર પાસે લઈ જવાથી ઊલટું આપણે બધાં મુશ્કેલીમાં મૂકાઈ જઈશું. પિતાજીનાં બેભાન થવાનું સાચું કારણ ડૉક્ટરને જણાવી દઈએ તો તે તરત જ પોલીસને બોલાવશે અને ત્યારબાદ આપણે નહીં બચી શકીએ!’

‘ તો શું હું મારા પતિને, મારી આંખો સામે જ મરી જવા દઉં એમ તમે ઈચ્છો ચો?’ કમલાએ રડમસ અવાજે કહ્યું, ‘તમે દિકરાં નહીં પણ દિપડા છો.... તમારો બાપ તમારી નજર સામે મોતના આરે ઊભો છે અને તમે...!’

‘મમ્મી...’ સહસા મધુ રૂંધાયેલા અવાજે બોલી, ‘અત્યારે પિતાજી મોતના આરે ઉભા છે તો આપણને તેમની કેટલી ચિંતા થાય છે? પંરતુ જ્યારે આપણે સુનિતા ભાભીને ઝેરનુ ઇંજેક્શન આપીન મારી નંખાવ્યા ત્યારે આપણને એક પળ માટે પણ તેની ચિંતા નહોતી થઈ. આપણને તેનાં પર જરા પણ દયા નહોતી આવી કે છેવટે તે પણ માણસ છે. અને કદાચ ઈશ્વર આપણને આપણાં એ ગુનાની જ સજા આપી છે.’

‘શટઅપ....’ અમરે, મધુ પર વીફરી પડતાં કહ્યું, ‘સુનિતા તને કેટલી વ્હાલી હતી ને મને ખબર છે. જો આપણે તેને ન મારી નાંખત તો મારા બીજા લગ્ન કઈ રીતે થાત? એને મારી નાંખ્યા વગર આપણે લાખો રૂપિયાનું કરિયાવર મેળવવનાનો વિચાર કઈ રીતે કરત?’

‘અત્યારે તો તમે કરિયાવરને પડતું મૂકીને માત્ર એટલું જ વિચારો મોટાભાઈ....!’ રાજેશ સિગારેટનો કસ ખેંચીને, હવામાં ધુમાડાના ગોટા છોડતો બોલ્યો, ‘કે હવે શું કરવું છે?’

‘મે બધું જ વિચારી લીધું છે ‘અમરે ગંભીર અવાજે કહ્યું, ‘જો સવાર સુધીમાં પિતાજી સંપૂર્ણ રીતે ભાનમાં નહીં આવે તો આપણા વિશાળગઢ જઈને ડૉક્ટર આનંદને તેડી લાવીશું ત્યારબાદ ચાર-પાંચ દિવસ અહીં રોકાઈને પછી વિશાળગઢ પાછા ચાલ્યા જઈશું. અને ત્યાં પહોંચ્યા પછી આપણે આપણી અગાઉથી નક્કી થયેલી યોજના મુજબ જ બધાંને કહી દેશું કે સુનિતા હવા ફેર માટે ગયાં હતાંત્યાં જ મૃત્યુ પામી છે અને અમે તેના અગ્નિ સંસ્કાર પણ કરી નાંખ્યા છે!’

‘ હાં, એ જ બરાબર રહેશે.’ રાજેશ બોલ્યો. પછી એણે સિગારેટનાં ઠૂંઠાને બૂટનાં તળીયાથી મસળી નાંખ્યું, ‘એમ તો આનંદે મને પોતાનો ફોન....ઓહ...એ તો એણે પાડોશીઓને સંભળાવવા માટે કહ્યું હતું કે કંઈ તકલીફ પડે તો મને ફોન કરજો...! બાકી એને ત્યાં ક્યા ફોન હતો? પરંતુ એક વાત મને સમજાતી નથી.

‘કઈ વાત...?’ અમરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું

‘પેલો લંગડો કોણ હતો ક્યાંક તે આપણો મેનેજર જમનાદાસ તો નહોતો ને?’

‘આ તું શું બકે છે એનું તને ભાન છે?’ કમલા જોરથી તડુકી.. ‘જમનાદાસ જેવો નેક, શરીફ અને ઈમાનદાર માણસ દિવો લઈને શોધવા ગયે પણ મળે તેમ નથી. એ વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે. અને આજ સુધીમાં એણે હિસાબ-કિતાબમાં એક પૈસાનો પણ ગોટાળો નથી કર્યો. ઉલ્ટું તેનું માર્ગદર્શન આપણને ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. આપણે આજે કંઈ છીએ એમાં તેનો ફાળો પણ કંઈ ઓછો નથી. તારા પિતાજી પણ તેને સગાં ભાઈ જેવો જ માને છે...! તે આપણને સંપૂર્ણ રીતે વફાદાર રહ્યો છે. ના, એ માણસ જમનાદાસ હોય, તે વાત મારે ગળે નથી ઊતરતી!’

‘અને વળી જમનાદાસે વળી સુનિતાનું લાશનું શું કામ હોય?’ અમર સ્વગત બબડયો, ‘ના, સુનિતાની લાશને અહીંથી લઈ જનાર લંગડો માણસ જરૂર કોઈક બીજો જ હોવો જોઈએ.

‘પરંતુ તે એનાં મૃતદેહને લઈ શા માટે ગયો?’ રાજેશે ધૂંધવાતા અવાજે કહ્યું, ‘એના મૃતદેહનું શું તેને અથાણ કરવું છે?’

‘એ તો હવે તે જ જાણે...!’ અમર થાકેલા અવાજે બોલી. પછી તે આળસ મરડીને પલંગ પર આડો પડ્યો. થોડી પળોમાં જ તેના નસકોરાં ગાજવા લાગ્યા.

રાજેશ તથા મધુ પણ સૂઈ ગયા.

કમલા ઇચ્છા હોવા છતાં પણ સૂઈ નહીં. તે એકીટશે હિરાલાલના બેભાન દેહને તાકી રહી હતી રહી રહીને મધુના શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા-ઈશ્વર આપણને આપણા ગુનાની સજા કરી રહ્યો છે.

સવારે છ વાગ્યે હિરાલાલ ભાનમાં આવ્યો. પરંતુ આ વખતે ભાનમાં આવ્યા પછી તે ફરીથી બેભાન થયો નહી.

ત્યારબાદ અમર, પોતે પેલા લંગડાને જોયો હતો એ વાત તેને જણાવી દીધી.

એની વાત સાંભળીને હિરાલાલ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

ચોકીદાર હજુ આવ્યો નહોતો એટલે મધુએ બધા માટે ચા-પાણી બનાવી નાંખ્યા.

પછી અમર ફરીથી બહાર ખાડા પાસે તપાસ કરી આવ્યો. પરંતુ હિરાલાલ ઘડિયાળ મળી નહીં.એણે તથા રાજેશે ખાડો ફરીથી બૂમો દીધો. પછી ઓજારો તેના ઠેકાણે મૂકી દીધા.

સવારે નવ વાગ્યે ચોકીદાર આવ્યો.

ત્યારબાદ ત્રણ-ચાર દિવસ સુધી એ લોકો ત્યાં જ રોકાઈને પછી વિશાળગઢ જવા માટે રવાના થઈ ગયા. સુનિતાના મૃતદેહનો તેમને ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો.

વિશાળગઢ પહોંચીને તેમણે પાડોશીઓને પોતાની યોજના મુજબ જણાવી દીધું. તેમની વાત પર કોઈનેય શંકા આવી નહી.

હિરાલાલ ભાનુશંકરને મળવા ગયો હતો પરંતુ એ મળ્યો નહોતો.

સુનિતાના મોત પર શોક વ્યક્ત કરવા માટે આનંદ પણ આવ્યો હતો.

***

ઉપરોક્ત બનાવતાં પંદર દિવસ પછી

હિરાલાલ, ભાનુશંકરના બંગલાના વિશાળ, ભવ્ય અને ખૂબસૂરત ડ્રોઇંગરૂમમાં તેની સામે બેઠો હતો.

‘સુનિતાનાં મૃત્યુ વિશે જાણીને મને ખૂબ જ દુ:ખ થયું છે હિરાલાલ...!’ ભાનુશંકર બોલ્યો.

‘ઈશ્વરની મરજી આગળ આપણું નથી ચાલતું શેઠ...! સુનિતાને બચાવવાનાં અમારાથી બનતાં બધા જ પ્રયાસો અમે કરી છૂટ્યાં હતા પરંતુ એના નસીબમાં વધુ જીવવાનું નહોતું લખ્યું. અમારા લાખ પ્રયાસો કરવા છતાં પણ તે બચી શકી નહીં. એ જલ્દી સાજી થઈ જાય એટલા માટે અમે હવન પણ કરાવ્યો હતો. પરંતુ એનું ફળ પણ કદાચ અમારા નસીબમાં નહોતું લખ્યું. હિરાલાલે રડમસ અવાજે કહ્યુ. એનો અભિનય ખરેખર જોવા જેવો હતો, ‘પછી ડોક્ટરની સલાહથી અમે તેને હવાફેર કરાવવા માટે બહાર લઈ ગયા. પરંતુ ત્યાં તેની તબીયત વધુ લથડી ગઈ એને તે મૃત્યુ પામી. અમારે તેનાં અંતિમ સંસ્કાર કરીને જ પાછું. આવવું પડ્યુ. જો અમને આવી ખબર હોત તો અમે તેને ક્યાંય લઈ જ ન જાત. અમે તો ડોક્ટરનાં કહેવાથી જ લઈ ગયા હતા. સુનિતાના ગયા પછી હવે આખું ઘર અમને જંગલ જેવું ભાસે છે. ઘરની એક એક દીવાલો કરડવા દોડે છે. અમને ક્યાંય ચેન પડતું નથી.’ કહીને તે રડી પડ્યો.

‘આમ રડો નહીં હિરાલાલ...!’ ભાનુશંકર તેને આશ્વાસન આપતાં કહ્યું. ‘મારાથી તમારા આંસુ જોવાતા નથી. તમે આમ હિંમત ન હારો! છેવટે ધાર્યુ ધણીનું જ થાય છે. જિંદગી અને મોત માણસનાં નહીં પણ ઈશ્વરના હાથમાં છે. આ દુનિયામાં ક્યારે ય પાંચમની છઠ કે છઠની પાંચમાં નથી થતી!’ પછી એ હિરાલાલ તરફ સ્હેજ નમીને ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલ્યો, ‘આપસે વર્ષોથી એક બીજાના મિત્રો છીએ. એટલે આપણી વચ્ચે સંકોચ કે શરમની દીવાલ ન હોવી જોઈએ એમ હું માનું છું જો તમને યોગ્ય લાગતું હોય તો હજુ પણ...’ એ પળભર અટકયો.

‘હજુ પણ શું...?’ હિરાલાલનાં ધબકારા એકદમ વધી ગયા. સુનિતાને તો તે સાવ ભૂલી જ ગયો હતો. અત્યારે તે ભાનુશંકર પાસે કિરણનાં લગ્નની વાતચીત કરવા માટે જ આવ્યો હતો.

‘હું હજુ પણ મારી દિકરી કિરણનાં લગ્ન તમારા દિકરા અમરની સાથે કરાવવા માટે તૈયાર છું. ભાનુશંકરનો અવાજ ભાવહિન હતો.

‘શું....?’ હિરાલાલને પોતે જ કંઈ સાંભળ્યું, તેનાં પર ભરોસો નહોતો બેસતો. એ મનોમન ખૂબ જ ખુશ થયો. પોતે છેવટે ઓછું કરિયાવર લાવનાર વહુ ને ઠેકાણે પાડીને વધુ કરિયાવર મેળવવાની યોજનામાં સફળ થઈ ગયો હતો. સોફા પરથી ઊભાં થઈને તેને નાચવાનું મન થઈ આવ્યું. પોતાની ફુલ પ્રુફ યોજનાનો અમલ કરીને પોતે એક ગરીબની દિકરીને માત્ર ઠેકાણે જ નહોતી પાડી દીધી. બલ્કે હવે પૈસાદાર કુટુંબની દિકરી સાથે સંબંધ બાંધવામાં પણ સફળ થઈ ગયો હતો. હવે પોતાની ખાલી ખમ પડેલી તિજોરી લાખો રૂપિયાની નોટોથી છલકાઈ જશે. બંગલો પણ કરિયાવરનાં કિંમતી સામાનથી ભરાઈ જશે. અને...અને...’

હિરાલાલ મનોમન આવાં સુખ-સમૃદ્ધિ કલ્પના કરતો હતો.

‘મારી દિકરી કિરણ તમારા કુટુંબમાં વહુ બનીને જાય એવી મારી શરૂઆતથી જ ઇચ્છા હતી. પરંતુ ખેર...ઈશ્વરે મને મારી ઇચ્છા પૂરી કરવાની ફરીથી તક આપી છે. તો શું તમે એ બંનેનાં લગ્ન માટે કબૂલ છો...?’ ભાનુશંકર પૂછ્યું.

એક વાર નહીં, હજાર વાર કબુલ છે. એમ બૂમો પાડી પાડીને કહેવાનું હિરાલાલને મન થયું

પરંતુ પોતાની ખુશી અને મનનાં ભાવોને એણે ચહેરાં પર કળાવા દીધા નહીં. ભાનુશંકરનો તાગ મેળવવાની હજુ પણ તક છે. એમ તે વિચારતો હતો. પોતાને કરિયાવરની વાત સ્પષ્ટ રીતે કહી દેવાની તક છે. એક વખત નક્કી થઈ ગયા પછી બરાબર લગ્નને ટાઈમે જ ભાનુશંકર સાવિત્રીની જેમ પોતાને અંગૂઠો દેખાડી દે તો પોતે તેનું શું બગાડી લેવાનો હતો? જો હું ઉતાવળથી કામ લઈને આ લગ્ન માટે તુરત જ હા પાડી દઈશ તો ભાનુશંકર વિચારશે-કે મારે ગરજ છે. મારે મારા વિધુર દિકરા માટે પત્નિની જરૂર છે. અને આવો વિચાર કરીને તે પૂરતું કરિયાવર નહીં આપે. અને જો પૂરતું કરિયાવર ન મળે તો તો પછી સુનિતાના ખૂનનો કોઈ જ અર્થ રહેશે નહીં. અમરના બીજા લગ્ન કરીને વધુ કરિયાવર મળી શકે એટલા માટે જ સુનિતાનેઆ દુનિયામાંથી વિદાય કરી દેવામાં આવી છે ને?

‘શું વિચારમાં પડી ગયા છો હિરાલાલ.....?’

‘ હેં.....? ભાનુશંકરના અવાજથી એની વિચાર ધારા તૂટી,

‘તમારી વાત મને કબૂલ છે. પરંતુ એ પહેલાં હું કરિયાવર બાબતમાં થોડી ચોખવટ કરી લેવા માગું છું. શેઠજી....! જેથી ભવિષ્યમાં આપણા બંને વચ્ચે કોઈ મનદુ:ખ ન ઊભું થાય!’

‘જરૂર....જરૂર....’ ભાનુશંકર તટસ્થ અવાજે બોલ્યો, ‘બોલો, તમારે કરિયાવરમાં શું શું જોઈએ છેં? તમે તમારે બેધડક જે જોઈતું હોય તે કહી દેજો. એકે ય વાતે મૂંઝાશો નહી.

‘તો સાંભળો....’ હિરાલાલે ખોંખારો ખાઈને ગળુ સાફ કરતાં કહ્યું. ‘લગ્નનાં ફેરાં શરૂ થતાં પહેલાં હું વીસ રૂપિયા રોકડા લઈશ. તથા કરિયાવરની બાકીની વસ્તુઓ તમારે જુદી આપવી પડશે.’ વાત પૂરી કર્યા પછી એના ધબકારા એકદમ વધી ગયા હતા.

‘વીસ લાખ...?’ ભાનુશંકર બોલ્યો, પછી અચાનક તે ખડખડાટ હસી પડ્યો.

એને હસતો જોઈને હિરાલાલ મનોમન ગભરાઈ ગયો. પોતે એક વિધુર છોકરા માટે કદાચ વધારે પડતી રકમ માગી બેઠો છે એવું તેને લાગ્યું. મનોમન તેને પસ્તાવો થતો હતો પણ હવે શું થાય? એના મનમાં અનેક શંકા-કુશંકાઓ આવતી હતી.

‘તમે....તમે હસો છો શા માટે શેઠજી....?’ એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, ‘શ...શું મે વધુ પડતી રકમ માગી છે....?’

‘વધુ પડતી....?’ ભાનુશંકર અટ્ટહાસ્ય કરતાં કહ્યું, ‘ અરે, તમે વધુ નહીં પણ ખૂબ જ ઓછી રકમ માંગી છે, એટલે જ મને હસવું આવ્યું હતુ. તમારી માંગણીઁ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે.’

‘કેમ....? શા માટે....?’ હિરાલાલે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘ભલા માણસ, માગણી કરતા પહેલાં તમે મારી હેસિયતનો, મારી આબરૂનો પણ વિચાર ન કર્યો? કિરણ મારી એકની એક દિકરી છે. અને મારું નામ ભાનુશંકર છે! અને આજે આ શહેરમાં ભાનુશંકરની ગણના ગણ્યા-ગાંઠ્યા કરોડપતિઓમાં થાય છે. માત્ર વીસ લાખની માંગણી કરતાં પહેલાં, હું મારી એકની એક દિકરીને કરિયાવરમાં ઓછામાં ઓછા પચાસ લાખ રૂપિયા તો આપીશ જ એવો વિચાર તમને નહોતો આવ્યો?’

‘પચાસ લાખ રૂપિયા.....?’ હિરાલાલનું માથું ભમી ગયુ. એની આંખો સામે પચાસ લાખની નોટોના બંડલો તરવરવા લાગ્યા.

પછી તે અચાનક ઉભો થઈને ભાનુશંકરને વળગી પડ્યો પછી તે બોલ્યો ત્યારે એનો અવાજ આનંદના અતિરેકથી ધ્રુજતા હતો, ‘તમે...તમે ખરેખર મહાન છો શેઠજી...! પચાસ લાખ રૂપિયા...! તો શું હું પણ લાખોપતિ બની જઈશ.....?’

‘જરૂર...પણ તેમાં મારી એક શરત છે...’

‘શરત....?’ હિરાલાલે તેનાથી જુદો પડતા પૂછ્યું તેનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકતું હતું, કેવી શરત...?’

‘અરે, એમાં તમે ગભરાઓ છો શા માટે....?’ ભાનુશંકરે સ્મિત ફરકાવતાં કહ્યું, મારી શરતતો ખૂબ જ નાનકડી છે. સાંભળો, હું પચાસ લાખ રૂપિયા મારી દિકરી કિરણના નામથી બેંકમાં જમા કરાવી દઈશ પછી જે દિવસે પોતાનો પતિ એટલે કે અમર પોતાને સાચા હૃદયથી પ્રેમ કરે છે. એવી ખાતરી કિરણને થઈ જશે ત્યારે તે એ પચાસ લાખ રૂપિયા તમારા નામ પર અથવા તો તમે કહેશો તો અમરના નામ પર ટ્રાન્સફર કરાવી નાંખશે. એટલે કે જેટલી ઝડપથી તમારો દિકરો એટલે કે અમર કિરણનું મન જીતી લેશે, એટલી જ ઝડપથી તમને પચાસ લાખ રૂપિયા મળી જશે, પછી અમર એનું મન જીતવા માટે બે દિવસ બગાડે છે, બે મહિના બગાડે છે. કે પછી બે વરસ...!એનો બધો આધાર તમારા દિકરા પર છે.’ કહીને ભાનુશંકરે ફરીથી અટ્ટહાસ્ય કર્યું.

‘ શેઠજી...’ હિરાલાલ આનંદના અતિરેકથી ધ્રુજતા અવાજે બોલ્યો, ‘મને...મને... તમારી આ શરત કબૂલ, મંજુર છે તમે જોઈ લેજો... કિરણ દિકરી, ચોથા દિવસે જ સામેથી ચાલીને જ પચાસ લાખ મારા નામ પર ટ્રાન્સફર કરાવી નાખે એટલો પ્રેમ તેને અમર પાસેથી મળશે.

ત્યારબાદ મીઠું મોં કરીને એ ત્યાંથી વિદાય થઈ ગયો.

***

એક શુભ મુહૂર્તમાં અમર અને ભાનુશંકરની દિકરી કિરણનં લગ્ન થઈ ગયા.

કિરણ એક કરોડપતિની દિકરી હતી.

ભાનુશંકરે ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કર્યા હતા.

અને આજે....?

જે રૂમમાં, ભૂતકાળમાં અમર તથા સુનિતાએ સુહાગ રાત મનાવી હતી, એ જ રૂમમાં અત્યારે પલંગ પર બેઠી હતી. પરંતુ તે કોઈ નવવધુની જેમ લજ્જાથી નહીં ફણ પગ પહોળા કરીને બેઠી હતી. એના ચ્હેરા પર નવવધુ જેવા લાજ કે શરમનાં એક પણ હાવભાવ નહોતાં ફરકતાં. જાણે પોતે નવવધુ ન હોય પણ કોઈક નવવધુને મૂકવા આવી હોય એમ તેના ચ્હેરા પર રમતિયાળ સ્મિત ફરકતુ હતુ.

થોડી વાર પછી બારણું ઉઘડ્યુ. ત્યારબાદ એકાદ પળ પછી પડદો ખસેડીને અમર લથડતી ચાલે અંદર દાખલ થઈને સીધો જ પલગ તરફ આગળ વધ્યો.

પતિને જોયા પછી પણ કિરણનો સુંદર ચ્હેરો શરમની રેખાઓ પથરાવીને બદલે કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો કઠોર થઈ ગયો.

‘યુ બ્લડી....રાસ્કલ...!’ તે ક્રોધિત અવાજે બરાડી, ‘જે રૂમમાં સ્ત્રી હોય, એ રૂમમાં દાખલ થતાં પહેલા તેનું બારણું ખખડાવવુ જોઈએ એનું પણ તને ભાન નથી...?’

અમરનો નશો એક આંચકા સાથે કપૂરની જેમ ઊડી ગયો.

‘બ્લડી...રાસ્કલ’નામનો શબ્દ હથોડાની માફક તેના દિમાગમાં ઝીકાંયો એનું દિમાગ ચકરાવે ચડી ગયું. પોતાની નવવધુ પોતાને આવા શબ્દોથી નવાજીને બોલાવશે એની તો તેણે કલ્પના પણ નહોતી કરી. પોતે અંદર દાખલ થશે કે તરત જ કિરણ પલંગ પરથી નીચે ઊતરીને પેતાના ચરણસ્પર્શ કરશે એવી એણે તો કલ્પના કરી હતી. સુનિતા એ પણ એમ જ કર્યુ હતુ. પરંતુ અહીં તો એણે ધાર્યુ હતુ તેનાથી જ ઊલટુ જ બન્યું હતુ.!’

અમર કિંકર્તવ્ય વિમૂઢની જેમ તોડી પળો સુધી તેની સામે એકીટશે તાકી રહ્યો. કાં તો પોતાની સાંભળવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે અથવા તો પછી કિરણ મને પોતાનાં પતિ તરીકે ઓળખી શકી નથી એવું તેને લાગતુ હતુ.

‘તું આમ ધૂરકીને મારી સામે શા માટે જુએ છે? અમરને એકીટશે પોતાની સામે તાકી રહેલો જોઈને કિરણ ઊંચા અવાજે બરાડી, ચાલ, તું તારાંબંને કાન પકડીને તારી અવળચંડાઈની માફી માંગ!’

‘ અવળચંડાઈ....!’ અમરે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું. ‘કેવી અવળચંડાઈ?’

‘તું એક અભણ અને ગમારની જેમ, દરવાજા પર ટંકોરા માર્યા વગર સીધો જ માતેલાં આખલાની જેમ મારા રૂમમાં દોડી આવ્યો છો. એ તારી અવળચંડાઈ નથી તો બીજુ શું છે.?’

‘પણ....પણ હું કોઈ પારકો નથી! હું તારો પતિ છું.’ અમર પોતાની જાતને સંભાળતા બોલ્યો. નવવધૂના મોંએથી પોતાને માટે અભણ અને ગમાર જેવાં સંબધોમાં સાંભળીને તે મનોમન ધાક ખાઈ ગયો હતો.

‘અરે....આ તે કેવો હલકટ માણસ છે...!’ કિરણે ધૂરકીને તેની સામે જોતાં કહ્યું. ‘કહે છે હું તારો પતિ છું. અરે, પતિ છો તો શું હું તારી આરતી ઉતારું.? પૂજા કરું તારી....? તને પાટલે બેસાડીને તારું પૂજન કરું?’

‘કિરણ....’ અમર ક્રોધથી બરાડ્યો. કિરણના એક એક શબ્દો પીગળેલાં સીસાની જમે તેના કાનમાં ઊતરી ગયા.

‘શટઅપ...’ સામે કિરણ પણ એટલા જ જોરથી બરાડી, ‘અને આજ પછી ભવિષ્યમાં ક્યારેય મારી સામેં ઊંચા અવાજે બોલતો નહીં, નહીં તો હું તારી જીભ કાપીને તારા હાથમાં પકડાવી દઈશ સમજયો? તું મારો પતિ છે એટલે મારી સામે ઊંચા અવાજે બોલવાનો તને હક છે એવું તું માનતો નહી. સાંભળ હું જ્યારે મારાં બાપને ઘેર રહેતી ત્યારે મારા બાપે મારા માટે સ્પેશિયલ આફ્રિકાથી ઊંચી જાતનાં ત્રણ કૂતરાંઓ મંગાવ્યા હતા. તેંમાંથી એક એખ વખત મારી સામે ઘૂરકવાનો પ્રયાસ કર્યો હતો. અને તને કદાચ ખબર નહીં હોય કે મેં એજ મિનિટે તેને ગોળી ઝીંકી દીધી હતી. માટે ભવિષ્યમાં ધ્યાન રાખજે. આજે તો આ તારી પહેલી જ ભૂલ છે. એટલે જવા દઉં છું પણ ભવિષ્યમાં જો તું આવી ભૂલ કરીશ તો નહીં છોડું સમજ્યો?’

બાપ રે...અમર મનોમન વિચારવા લાગ્યો. આ છોકરી તો એકદમ પાગલ લાગે છે એ પોતાના પતિને ગોળી ઝીંકવાની વાત કરે છે.

‘સાંભળ...તુમ તારી જાતે પતિ તરીકે ઓળખાવે છે?’ જાણે એના મનની વાત સાંભળી લીધા હોય એમ કિરણે ધૃણા ભર્યા અવાજે કહ્યું, ‘અરે પતિ તો રામ જેવા માણસોને કહેવાય કે જે સીતાને સ્વયંવરમાં જીતી લાવ્યો હતો. ચાલ, આજે હવે આવો સ્વંયવરનો જમાનો નથી રહ્યો એ વાત હું કબૂલ કરી લઉં છું પરંતુ પુરૂષ ભરબજારમાં પોતાની લીલામી કરાવે, ભિખારીની જેમ હાથ લંબાવીને, મોં ફાડીને કરિયાવર માંગે અને સાથે સાથે પોતાની જાતને પતિ પણ કહેવડાવે. એવો જમાનો પણ ક્યા છે?સાંભળ, એક વાત તું હંમેશા યાદ રાખજે. મારી નજરમાં તારી હેસિયત ક્યારેય પતિ તરીકેની નહી હોય. કારણ કે મારા બાપે, તારા બાપને પૂરા પચાસ લાખ રૂપિયા આપીને તને મારે માટે ખરીદ્યો છે. સાંભળ મારા જર ખરીદ ગુલામ સાંભળ...’ એનાં અવાજમાંથી નફરતની આંધી ફૂંકાતી હતી, ‘મારી સાથે સુહાગ રાત મનાવવાની વાતને તારા દિમાગમાંથી કાઢી નાખજે. એ વાત તું સાવ ભૂલી જ જજે. ચાલ, અહીં આવીને મારાં પગ દાબ! તું મારો ગુલામ છે અને ગુલામ આવી રીતે જ કામ કરે છે!’

અમર કંઈ જ બોલી શક્યો નહીં. કિરણની એક એક વાત તેના માટે વિજળીના કરંટ જેવી પુરવાર થઈ હતી. એના શરીર પર જાણે કે પક્ષધાતનો હુમલો થયો હોય એમ તે શિથિલ પડી ગયુ હતુ. જમીન જાણે લોહચુંબક અને પોતે પહેરેલા બૂટ લોખંડના હોય એમ તેના પગ જમીન સાથે ચોંટી ગયા હતા.

‘તું બહેરો છે કે શું...? મેં કહ્યું. એ તે સાંભળ્યું નહીં?’ કિરણ ફરીથી ચીસ જેવા અવાજે બોલી, ‘ચાલ, અહીં આવીને મારા પગ દાબ! પતિ જેને રમકડું માનીને તેની સાથે મન ફાવે તેમ રમે, એ સ્ત્રી કોઈક બીજી જ હશે. અને યાદ રાખ, સ્ત્રી કયારેય કોઈની ગુલામ નથી હોતી. ગુલામ તો એ હોય છે કે જે સ્ત્રી સાથે લગ્ન કરતી વખતે કરિયાવર રૂપી રકમ લઈને વેંચાઈ જાય છે. અને મારા બાપે તારા બાપ પાસેથી એક રૂપિયા પણ લીધો નથી. ઊલટું એણે તો સામા રૂપિયા આપ્યા છે. મારી નજરમાં તું એક રમકડું જ છો! પચાસ લાખમાં ખરીદેલુ રમકડું! અથવા તો બીજાં અર્થમાં કહું તો ગુલામ, નોકર, દાસ...! મારા બાપે તારા બાપને એણે માગ્યા હતા તેનાથી પણ વધારે રકમ આપી છે તારે મારી સેવા-ચાકરી કરવી જ પડશે! મારા એક એક હુકમનું પાલન કરવું જ પડશે! ચાલ,જલ્દી મારા પગ દાબવા માંડી જા... નહીં તો મારા નામે બેંકમાં જે પચાસ લાખ રૂપિયા પડ્યા છે એ મેળવવાનું તારું સપનું જ રહી જશે. તું મારી ચાકરી કરીને મારું મન જીતી લઈશ ત્યાર પછી જ એ રકમ તારા હાથમાં આવશે સમજયો?’

અમરથી વધુ વખત સુધી તેની વાત સાંભળી શકાય નહી.

જાણે સેંકડો ભૂત પાછળ પડ્યાં હોય એંમ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયો.

પોતાના બેડરૂમમાંથી બહાર નીકળીને સીધો જ હિરાલાલના રૂમમાં ગયો.

રૂમમાં ચારે તરફ કરિયાવરમાં મળેલો સામાન પડ્યો હતો.

હિરાલાલ અને કમલા પાગલોની જેમ ક્યારેક એક વસ્તુને તો ક્યારેક બીજી વસ્તુને ઊંચકીને જામે કોઈમાં પોતાના દિકરાના માથા પર વ્હાલથી હાથ ફેરવતી હોય એ રીતે તેનાં પર હાથ ફેરવીને તેને ચુંબન કરતા હતા.

‘પિતાજી...’ હિરાલાલના રૂમમાં દાખલ થતાં જ અમર રડમસ પરંતુ ચીસ જેવા અવાજે બોલ્યા, ‘આ તમે કઈ જગ્યાએ મારાં લગ્ન કરાવ્યા? મને ક્યાં સુધી ફસાવી દીધો છે?’

‘કેમ, શુ થયું....?’ હિરાલાલે એની સામે જોયા વગર જ પૂછ્યું. એની આંખો હજુ પણ કરિયાવરમાં મળેલી વસ્તુઓનું જ નિરીક્ષણ કરવામાં રોકાયેલી હતી.

‘એ....એ છોકરી...’ અમર જાણે બોંબ ફાટ્યો હોય એવા અવાજે બોલ્યા, ‘એ છોકરી...મારી પત્ની....મને પોતાનો પતિ જ નથી માનતી...!’

‘તો શું માન છે?’ આ વખતે કમલાએ પૂછ્યું અલબત્ત, તેનું ધ્યાન પણ કરિયાવરના સમાન તરફ જ હતું.

‘એ...એ મને પોતાનો ગુલામ માને છે... ખરીદેલું રમકડું જ માને છે...!

જવાબમાં હિરાલાલે પીઠ ફેરવી, ઘૂરકીને તેની સામે જોયું.

‘એ શું માને છે અને શું નહી, એ તારે નથી જોવાનું!’

એણે ભાવહિન અવાજે કહ્યું, ‘હું જે કહું છું તે ધ્યાનથી સાંભળી... એના નામે બેંકમા પચાસ લાખ રૂપિયા જમા પડ્યા છે. આપણને પૈસાની સખત જરૂર છે. અને રૂપિયા તું એનું મન જીતી લે. પછી જ આપણાં હાથમાં આવશે. એ પહેલાં તો એક રૂપિયો પણ તેની પાસેથી મળી શકે તેમ નથી. સમજયો?

‘પણ...પણ એ મને પોતાના પગ દાબાવાનું કહે છે! અમર ધ્રુજતા અવાજે બોલ્યો.

‘તો દાબ....’ હિરાલાલે પૂર્વવત અવાજે કહ્યું, ‘એમાં કંઈ તું દૂબલો નહીં પડી જાય. અરે, એ કહે તો એના પગ ધોઈને પી લેજે. જરાય આનાકાની કરીશ નહીં. નહીં તો આપણે પચાસ લાખ રૂપિયાથી હાથ ધોઈ નાખવા પડશે. એ તને જેમ કરવાનું કહે તેમ તું કર!’

‘શું...?’ અમરે આશ્ચર્યથી પૂછ્યું પછી તે એકીટશે હિરાલાલ સામે તાકી રહ્યો. પરંતુ હિરાલાલની આંખો પૂર્વવત રીતે કરિયાવરના સામાન પર જ ફરતી હતી.

કમલા કંઈક વિચારીને તેની પાસે આવી.

‘અમર...’ એણે તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘તારા પિતાજી સાચુ કહે છે. તું તારા રૂમમાં પાછો ચાલ્યો જા અને જઈને કિરણને ખુશ કરવાનો પ્રયાસ કરે. જોતો નથી, કિરણના બાપે, કિરણને કરિયાવરમા કેટલોબધો સામાન આપ્યો છે?’

‘તો કરિયાવર ખાતર મારે મારી પત્નિના પગ દાબવા એમ ને? અને એ પણ સુહાગરાતે? અમરે તેનો વિદાય કરતાં બોલ્યો.

‘જરૂર...!’ હિરાલાલે પીઠ ફેરવીને વેધક નજરે તેની સામે જોતાં કહ્યું, ‘પગ દબાવીને વાત તો એક તરફ રહી. પણ મેં તને હમણાં જ કહ્યું તેમ એ જો તને પોતાના પગ ધોઈને પીવાનું કહે તો પણ તું જરાયે આનાકાની કે વિરોધ કર્યા વગર પી લેજે. આ કરિયાવર મેળવવા માટે આપણે શું શું નથી કર્યું? અરે, સુનિતાનું ખૂન પણ કર્યું છે. એના નામથી બેંકમાં પડેલા પચાસ લાખ રૂપિયા મેળવવા માટે એ જેમ કહે તેમ તારે કરવું પડશે. જેમ નચાવે તેમ નાચવું પડશે સમજયો?’

‘હું આવા કરિયાવરને ધિક્કારું છું, હું...હું...’ અમર આગળ બોલી શક્યો નહી.

એ ઝડપથી બહાર નીકળીને પોતાના બેડરૂમ તરફ આગળ વધી ગયો.

એ જ વખતે કોઈક સ્ત્રીનું ભયંકર અટ્ટહાસ્ય શાંત વાતા વરણમાં ગુંજી ઉઠ્યુ.

અમર એકદમ ચમકી ગયો.

અટ્ટહાસ્યને અવાજ બહારની લોન તરફથી આવ્યો હતો. એની નજરે અનાયાસે જ ત્યા પહોંચી ગઈ. પછી એના પગ આપોઆપ જ એ તરફ આગળ વધ્યા.

‘નહીં ...’ લોન પાસે પહોંચતા જ એના મોંમાંથી ભયની ચીસ સરી પડી ભયનું એક ઠંડુ લખલખું તેના પગથી માથા સુધી વિજળીના કરંટની માફક ફરી વળ્યું.

એણે જે દશ્ય જોયું હતું, એની તો તેણે સ્વપ્ને ય કલ્પના પણ નહોતી કરી.

લોનમાં સુનિતા ઊભી હતી! જી હાં, એ જ સુનિતા કે જેને મારી નાંખીને એ લોકોએ તેની લાશને ભૂપગઢમાં દાટી દીધી હતી અને પાછળથી તેની લાશ ગુમ થઈ ગઈ હતી. મરતી વખતે એણે જે વસ્ત્રો પહેર્યાં હતા, એ જ વસ્ત્રો અત્યારે તેના દેહ પર હતા. અલબત્ત, તે માટીથી ખરડાયેલાં હતા. જાણે હમણાં જ કબરમાંથી બહાર નીકળીને આવી હોય એવું લાગતું હતુ. એના ચ્હેરા પર ચુડેલ જેવું સ્મિત ફરકતું હતુ. સ્મિત ફરકાવતી વખતે તેના સફેદ દૂધ જેવાં દાંત ચમકતાં હતા.

તે હાથ હલાવીને અમરને પોતાની પાસે આવવાનો સંકેત કરતી હતી.

અને અમર....?

એ જાણે સંમોહનની અસર નીચે આવી ગયો હોય એમ તેના પગ આપોઆપ જ સુનિતા તરફ આગળ વધતા હતા.

***