આફત - 5 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આફત - 5

આફત

કનુ ભગદેવ

5: કમલાનું નાટક...?

અને કમલાની યોજના પ્રણાણે જ બધું થતું ગયું. સખત કામ કરી કરીને સુનિતા સાચેસાચ જ બિમાર પડી ગઈ. અત્યારે હિરાલાલના રૂમમાં ફરીથી તેમની મીટિંગ ભરાઈ હતી.

બધાં આતુરતાથી તેના બોલવાની રાહ જોતા હતા.

‘હવે આપણે ડૉક્ટર આનંદને બોલાવીને આપણી યોજનાનો અમલ શરૂ કરી દેવો જોઈએ.’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એવું આપણું વડવાઓ કહી ગયા છે!’

‘હું પણ તમારી વાત સાથે સહમત છું. પિતાજી!’ અમરે કહ્યુ.

‘તમે સાચું કહો છો.’ રાજેશ ભાવહીન અવાજે બોલ્યો, ડૉક્ટર આનંદને બોલાવીને હવે આપણે સુનિતા ભાભીની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ એમ હું માનું છું ભાભી છેલ્લાં બે દિવસથી સખત રીતે બિમાર છે, અને આડોશી-પાડોશીઓ પણ તેની તબિયતના સમાચાર પૂછવા માટે આવવા માંડ્યા છે. ખરેખર, મારાથી હવે ભાભીની વેદના જોઈ શકાતી નથી એટલે જેમ બને તેમ જલ્દીથી તેનો ઈલાજ થઈ જાય એમ હું ઈચ્છુ છું.’ પરંતુ એના અવાજમાં સુનિતા પ્રત્યે લાગણી ઓછી અને કટાક્ષ વધારે હતો. તે ખૂબ જ ધીમા અવાજે બોલતો હતો.

‘આ તે શું... ભાભી...નુ રટણ માંડ્યું છે?’ કમલાએ રાજેશ સામે જોઈને તેનું વડકું ભરતાં કહ્યું, ‘સાંભળ, સુનિતા હવે નથી અમરની પત્નિ કે નથી તારી ભાભી સમજયો? છતાં ય જો તને ભાભી કહેવાનો બહુ શોખ હોય તો એ શબ્દનો ઉપયોગ હવે તું ભાનુશંકરની દિકરી કિરણ માટે કરજે. કિરણ નજીકનાં ભવિષ્યમાં જ અમરની પત્નિ બનીને આ ઘરમાં આવશે અને કરિયાવરથી આપણું ઘર ભરી દેશે. કમજાત સુનિતા તો કરિયાવરમાં માંડ સીત્તર-એંસી હજારનાં દાગીના લાવી હતી. અને કિરણ શું શું લાવે છે એ પણ તું જોઈ લેજે!’

‘તારી વાત સાચી છે...’ હિરાલાલ,કમલાની વાતમાં ટાપસી પૂરાવતાં ધૂંધવાયેલાં અવાજે બોલ્યો, ‘અને કમજાતે તે દાગીનાઓ પણ જાણ બાપની મિલકત હોય તેમ કબાટમાં રાખીને તાળું મારી દીધું છે. તારાથી એ કબાટની ચાવી તેની પાસેથી લેવાનું મામુલી કામ પણ થઈ શક્યું નથી. એ પોતાના દાગીના પર સાપની જેમ ફેણ ચડાવીને બેસી ગઈ છે.’

‘તમે થોડી ધીરજ રાખો...’ કમલાએ આરામથી ભાવહીન અવાજે કહ્યું, ‘ન તો એ દાગીનાઓ ક્યાંય જવાના કે ન તો સુનિતા કયાંય નાસી જવાની! હજુ તો એ કમજાત તથા તેનાં દાગીનાઓ આપણાં ઘરમાં જ છે ને? એ કબાટની ચાવી ચોવીસે ય કલાક પોતાની સાડીનાં છેડે બાંધી રાખે છે. એની મને ખબર છે. પરંતુ કંઈ વાંધો નહીં. એનાથી આપણને શું ફર્ક પડવાનો છે? એના મરી ગયા પછી તેની સાડીના છેડાની ગાંઠ ખોલીને ચાવી મેળવતા આપણને કેટલી વાર લાગવાની છે? અને આમેય હવે આપણે તેનાં પર વધુ જુલમ કરી શકીએ તેમ નથી. આડોશી-પાડોશીઓ તેની તબીયત જોવા માટે આવતાં જ રહે છે. એટલે જો આપણે હવે તેના પર જુલમ કરીશું તો એ પાડોશીઓને જણાવી દેશે કે આપણે તેનાં પર જુલમ કરીએ છીએ. અને કબાટની ચાવી માગીએ છીએ. અને જો આવું થાય તો એના મર્યા. પછી પડોશીઓ મારફત આ વાત પોલીસનાં કાન સુધી પણ પહોંચશે. અને જો પોલીસ પાસે આ વાત પહોંચશે તો આપણે જ દાગીનાની લાલચમાં તેને મારી નાંખી છે એવી શંકા તેને આવીં જશે. એટલે હાલ તુરત આપણે આવું જોખમ ન ઉઠાવીએ એમાં જ આપણું ભલું છે.’

‘વાહ..તારી વાત તો દિવા જેવી સ્પષ્ટ છે. ક્યારેક તો તું ખરેખર જ બુદ્ધિ ભરી વાત કરે છે. તારી આ વાત મને ખૂબ જ ગમી છે. આપણે દાગીના મેળવાવા માટે સુનિતા પર જરા પણ દબાણ કે જુલમ નથી કરવાનો! દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ એમ આપણે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ભરવાનું છે’એના અવાજમાં પ્રશંસાનો સૂર હતો.

પોતાનાં વખાણ સાંભળીને કમલાની છાતી ગજ ગજ ફૂલવા લાગી. એણે ગર્વભેર બધાં સામે જોયું. પછી ખોંખારો ખાઈ, ગળું સાફ કરીને એ બોલી, ‘એટલા માટે જ હું કહું છું કે ડૉક્ટર આનંદને બોલાવવમાં આપણે ઉતાવળ ન કરવી જોઈએ. હજુ તો બે દિવસ પહેલાં જ મારાં જુલમ અને વધુ પડતાં કામનાં બોજાને કારણે સુનિતા બિમાર પડી છે. હવે એક-બે દિવસ મારે, એક સાસુ તરીકે મારી વહુની એટલે કે સુનિતાની સેવા-ચાકરી કરવી જોઈએ.’

‘કેમ? શા માટે...? રાજેશે પૂછ્યું.

‘અરે મૂરખ, એટલું યે સમજ્યો નહીં? સુનિતાની તબીયત જોવા માટે આડોશી-પાડોશીઓ આવે છે. એટલે મારે તેમની નજરમાં આપણું ઊંચુ સ્થાન જાળવી રાખવા માટે આવું નાટક કરવું જરૂરી છે. કાલે ઊઠીને સુનિતાનાં મરી ગયા પછી પાડોશીઓ આપણી જ તરફેણ કરશે કે સાસરાંવાળાઓએ તો તેની સારવારમાં ને સેવા ચાકરીમાં કોઈ જ કસર બાકી નહોતી રાખી. પરંતુ સુનિતાનાં નસીબમાં કદાચ વધુ જીવવાનું નહોતું લખ્યું એટલે આવી સરસ અને સેવા ચાકરી કરવા છતાં પણ તે મરી ગઈ. આમ કરવાથી સુનિતાને આપણે જ મારી નાંખી છે એવી તો કોઈને સ્વપ્ન ય કલ્પના નહીં આવે. મારી વાત સમજ્યોને તું.?’

‘શાબાશ...’ હિરાલાલ આનંદથી તાળી વગાડતાં બોલ્યો, ‘આનું નામ દિમાગ કહેવાય! કમલા, તારી બુદ્ધિ ખરેખર દાદ માગી લે તેવી છે. આજે તો તે ખરેખર કમાલ કરી નાંખી છે. સુનિતાને ઠેકાણે પાડી દેવાની તારી યોજના તો સાંપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે તેવી છે!’

‘શીઈ...!’ કમલાએ પોતાનાં હોઠ પર પહેલી આંગળી મૂકતાં કહ્યું, ‘ધીમે બોલો...’ દીવાલોને પણ કાન હોય છે.’

‘અરે, રાતના એક વાગી ગયો છે. અત્યારે કોણ આપણી વાત સાંભળવાનું છે?’ હિરાલાલ બેદરકારી પૂર્વક ખભા ઉછાળતાં બોલ્યો, ‘અત્યારે તો દીવાલો પણ ઉંઘી ગઈ હશે.’

પરંતુ એક વાતની એ લોકોને ખબર નહોતી.

એક માણસ કયારનો યે એ રૂમની પાછળના કંપાઉન્ડમાં ઉઘડતી બારી પાસે ઊભો ઊભો સરવા કાને તેમની વાતો સાંભળતો હતો. એના ચ્હેરા પર કુટિલ અને રહસ્યમય સ્મિત ફરકતું હતું.

‘હવે આપણે સૂઈ જવું જોઈએ...’ કહીને હિરાલાલ ઊભો થયો.

હિરાલાલની અંતિમ વાત સાંભળીને બારી પાસે ઊભેલો માણસ ઝડપથી બંગલાની પાછલી દિવાલ તરફ આગળ વધી ગયો. એનો એક પગ લંગડાતો હતો અને એણે પોતાનાં પહોળા ખભા પર કાળી શાલ ઓઢી રાખી હતી. એની આંખોમાં ચમક પથરાઈ ગઈ હતી.

***

કમલા સાચે સાચ જ સુનિતાથી સારવારમાં લાગી ગઈ. જો કે એ તેનું માત્ર નાટક જ હતું.

‘થોડું દૂધ પી લે સુનિતા...!’ કહીને એણે દૂધનો ગ્લાસ એં મોંએ માંડ્યો.

‘નાં, માં જી. .. હવે વધારે પીવાય તેમ નથી?’ સુનિતા બોલી. પછી એણે ધ્રુજતા હાથે મોં પરથી ગ્લાસને ખસેડી લીધો.

કમલાએ ગ્લાસ સ્ટૂલ પર મૂકી દીધો. પછી ટેબલ પર પડેલી પ્લેટમાંથી એક સફરજન ચાસણી જેવી મીઠાશ હતી, ‘ દૂધ ન પીવું હોય તો કંઈ નહીં થોડું સફરજન તો ખાઈ લે. ચાલ હું મારા હાથેથી તને ખવડાવું છું બસ?’

‘ના, માંજી...! સફરજન પણ નથી ખાવું. મને કંઈજ ખાવની ઇચ્છા નથી.’ કહીને સુનિતાએ હોઠ કરડીને બીજી તરફ મોં ફેરવી લીધું.

મા પોતાની સગી દિકરીના માથા પર જે લાગણી અને મમતાથી હાથ ફેરવતી હોય એ રીતે કમલા સુનિતાનાં માથાં પર હાથ ફેરવવા લાગી.

‘ અરે...તારું દિમાગ ફરી ગયું છે?’ એ મીઠો ઠપકો આપતાં બોલી, ‘કંઈ ખાઈશ-પીશ નહીં તો પછી પલંગ પરથી ઉભી કઈ રીતે થઈશ? કંઈ ખાઈશ નહીં તો નાહક જ દવાની ગરમીથી નબળાઈ આવી જશે.’

અત્યારે રાધા નામની એક પાડોશી સુનિતાનાં ખબર અંતર પૂછવા આવી હતી. એ કમલાની બાજુમાં જ બેઠી હતી.

‘ખાઈ લે દિકરી...’ એણે સુનિતાની સામે જોતાં કહ્યું, ‘થોડું સફરજન ખાઈ લે! જો તારી સાસુ પોતાનાં સગાં હાથે તને ખવડાવે છે. તું નહીં ખા તો નાહક જ નબળાઈ આવી જશે. એ તો તારા નસીબ એટલાં સારા છે કે તને કમલા જેવી સાસુ મળી છે! આટલી સેવા-ચાકરી તો કોઈમાં પણ પોતાની સગી દિકરીની નહીં રાખતી હોય!’

એની વાત સાંભળીને સુનિતાની આંખોમાં આસું ઘસી આવ્યા. ઇચ્છા હોવા છતાં પણ એ કહી શકી નહીં કે-કાકી, હાથીનાં દાંત દેખાડવાના યે જુદાં હોય છે અને ચાવવાનાં પણ જુદાં! મારી સાસુનું પણ એવું જ છે. એ કેવી છે અની તમને શું ખબર પડે? અત્યારે એ જે કંઈ કરે છે. તે માત્ર દેખાવ ખાતર જ કરે છે. બાકી અંદર ખાનેથી એને મારા પર જરા પણ દયા કે લાગણી નથી. એની મહેરબાનીથી જ આજે હું આવી ગંભીર બિમારીમાં પટકાઈ પડી છું. એને કારણે જ મારે બિમાર થઈને પલંગમાં જકડાઈ જવું પડયું છે. આવી ઠંડીની ઋતુમાં, કપડાં ધોવાથી, વાસણો સાફ કરવાથી, રૂમો સાફ કરવાથી અને ઘરનાં બીજાં કામો કરવાથી હું બિમાર ન પડી જઉં તો બીજું શું થાય?

પરંતુ લાખ ઇચ્છા હોવા છતાં પણ એ પોતાનાં મનની વાત કહી શકતી નહીં એ પોતાના હોઠ કરડીને રહી ગઈ. અને કહે પણ કઈ રીતે? કહેવાથી નાહક જ પોતાનાં સાસરીયાનું અપમાન થાય થતા નીચું જોવું પડે તેમ હતું. લગ્ન પછી સ્ત્રીનું સાચું ઘર તો પોતાનું સાસરિયું જ ગણાય છે. સુનિતા પણ આ સિદ્ધાતમાં જ માનતી હતી. એ પોતાનો જીવ આપી દે તેમ હતી પરંતુ પોતાનાં ઘરનું અપમાન થાય એમ નહોતી ઈચ્છતી.

અને રાધાનાં મોંએથી પોતાનાં વખાણ સાંભળીને કમલા મનોમન આનંદ પામતી હતી. એનાં પર પ્રભાવ પાડવા માટે જ તે આ બધું નાટક કરતી હતી.નહીંતર તો કોણ વહુ અને કોની વહુ?સુનિતા કદાચ આ દુનિયામાં છેલ્લી છોકરી હતી કે જેને તે પોતાની વહુ માનીને પ્રેમ કરતી હતી! એ તો તેનાં જીવની લેણીયાત હતી. પરંતુ રાધા ખૂબ જ વાતોડીયા સ્વભાવની છે અને અહીંની વાત બીજે અને બીજાની વાત અહીં ફેલાવી દેવાંમાં તેને કોઈ જ પહોંચી શકે તેમ નહોતું. કહેતો, તો કહેતી’તી કરવાની તેને ભયંકર ટેવ કે પછી કુટેવ હતી. એટલે જો રાધાને ખાતરી થઈ જાય, એનાં ગળે ઉતરી જાય કે સાસરીયા પક્ષનાં માણસો સુનિતાનાં દુશ્મન નહીં પરંતુ હિતેચ્છુ હતા તો આ વાત તે આખા યે વિસ્તારમાં ફેલાવી દેશે એ કમલા જાણતી હતી. એટલા માટે જ તે એને પ્રભાવિત કરી નાંખવા માંગતી હતી. એકવાર જો એને ગળે પોતાની વાત ઉતરી જશે તો એ આખા વિસ્તારમાં પોતાનાં ગુણગાન ગાવામાં કઈ જ કમી નહીં રાખે એની પણ કમલાને ખબર હતી. એટલે રાધાને એ ગમે તેમ કરીને પોતાનાં પ્રભાવ હેઠળ લેવા માંગતી હતી.

‘રાધા બેહન...!’ એ પોતાનાં નાટકને વાસ્તવિકતાનું રૂપ આપવાનો શાનદાર અભિનય કરતાં બોલી. ‘હું તો વહુ અને દિકરીમાં કંઈ જ ફર્ક નથી જોતી. છેવટે વહુ પણ કોઈકની દિકરી હોય છે ને? અને હું ફર્ક જોઉં પણ ક્યાંથી?મારે ત્યાં પણ સુનિતા જેવડી જ દિકરી છે. કાલે સવારે એ પણ ક્યાંક વહુ બનીને જવાની છે.’

એની વાતની તરત જ અસર થઈ. રાધા એના પ્રભાવમાં આવી ગઈ.

‘તમારા વિચારો ખરેખર ઉત્તમ અને મહાન છે કમલા બહેન!’ રાધા એની વાફપટુતાથી પ્રભાવિત થઈને ભીના અવાજે બોલી, ‘તમારી વાત સાવ સાચી છે. વહુ અને દિકરીમાં ફર્ક પણ શું છે? પરંતુ આ દુનિયા આવું નથી માનતી એનું શું કરવું? કાશ... તમારા જેવી સાસુ જો દરેક ઘરમાં હોય તો ક્યારેય કોઈ વહુને કરિયાવર રૂપી બલીનો ભોગ ન બનવું પડે!’

‘કરિયાવર...? હું....!’ જાણે પોતે સાચે મહાન દેવી હોય એમ કમલાએ કહ્યું. ‘કરિયાવરને શું કરવું છે? મને તો કરિયાવર લેવા પ્રત્યે સખત નફરત છે! વહુ જ કરિયાવર હોય છે એમ હું તો માનું છું. અને સાચું પૂછો તો કદાચ કોઈનું કરિયાવર લઈએ તો પણ એ ક્યાં સુધી બેઠું રહેવાનું છે? છોકરીનાં મા-બાપ પોતાની સગી દીકરી આપણને સોંપી દે છે. પછી આપણે કરિયાવરનું શું કામ...? એ તો દિકરી સોંપીને પોતાનું બધું જ કુરબાન કરી દે છે!’

‘વાહ....સાસુ હોય તો તમારા જેવી!’ રાધા ગદ્દમદ્દ અવાજે એની પ્રસંશા કરતાં બોલી, ‘તમે...તમે ખરેખર મહાન છો કમલા બહેન! તમારી તો પૂજા કરવાનું મને મન થાય છે.

એનો ગદ્દગદ્દ અવાજ સાંભળીને સુનિતાનું હૃદય પીડાથી ચિત્કાર કરી ઊઠ્યું. એણે પીડા દબાવવા માટે જોરથી હોઠ કરડ્યો. પરિણામે એના હોઠમાંથી લોહીની પાતળી ધાર નીકળી આવી.

‘પૂજા....?’ અચાનક કમલાએ પલંગ પરથી નીચે ઊતરતાં ઉતાવળા અવાજે કહ્યું, ‘પૂજાનાં નામથી મને અત્યારે યાદ આવ્યું કે મારે દસ વાગ્યા સુધીમાં મંદિરે પહોંચવાનું છે. સુનિતા સાજી સારી થઈ જાય એટલે માટે મેં કાલી માં ના મંદિર હવનનું આયોજન કરેલ છે. પોતે દસ વાગ્યે હવન શરૂ કરી દેશે એવું મને પૂજારીએ કહ્યું હતુ. ભગવાન જલ્દીથી મારી વહુ સુનિતાને એકદમ સાજી-સારી કરી દે અને મારી ચિંતા દૂર થઈ જાય એટલા માટે હજારો રૂપિયાનો ધૂમાડો એ હવનમાં થશે! સુનિતાની, બિમારીની ચિંતામાં ને ચિંતામા મને ખાવાનું પણ ગળે નથી ઉતરતું. એની આંખોમાં હવે મગરનાં આંસુ ઘસી આવ્યાં હતા. પછી સાડીનાં પાલવથી આંખો લૂછવાનો અભિનય કરતાં એ બોલી, ‘તમે પણ મારી સાથે ચાલો રાધા બહેન! આ વિસ્તારની ઘણી સ્ત્રીઓ હવનમાં આવવાની છે. મેં કાલે સાંજે જ હવનમાં આવવાનું આમંત્રણ કાર્ડ તમારે ઘેર મોકલ્યું હતું એ તેમને મળ્યું છે. કે નહીં.?’

‘જરૂર મળી ગયું હતું.’ રાધાએ ઊભા થતાં કહ્યું. ‘ચાલો, હું પણ તમારી સાથે આવું છું.’

ત્યારબાદ કમલા લાગણીભરી નજર સુનિતા પર ફેંકીને રાધા સાથે બહાર નીકળી ગઈ. પરંતુ એ લાગણીભરી નજર પાછળ ઘૃણા અને તિરસ્કારના હાવભાવ હતા. એ તે જાણતી હતી.

એ બંનેના ગયા પછી તે ક્યાંય સુધી પલંગ પર પડી પડી વિચારતી રહી કે-આ દુનિયામાં જરૂર પડયે લોકો કેવાં કાંચીડાની જેમ રંગ બદલી નાંખે છે. અને શયતાનિયતભર્યા ચ્હેરા પર શરાફતનો નકાબ ચડાવી લે છે.! અનાયાસે જ એને પોતાની સાસુની વાફપટુકતા યાદ આવી ગઈ. વળતી જ પળે એનું હૃદય સાસુ પ્રત્યે નફરત અને ઘૃણાથી ભરાઈ ગયુ.

અચાનક એને તરસ લાગતાં એણે ક્ષીણ અને નંખાઈ ગયેલા પોતાની નણંદ મધુને બે-ત્રણ વખત બૂમ પાડી. દીવાલ પર લટકતી ઘડિયાળમાં સવા દસ વાગ્યા હતા. મધુ પોતાના રૂમમાં, પોતાનાં શિક્ષક પાસે ભણતી હશે એ તે જાણતી હતી.

આજે રવિવાર હતો. એટલે કોલેજ બંધ હોવાથી મધુનો શિક્ષક કે જેનું નામ રાકેશ હતું તે સવારે જ મધુને ભણાવવા માટે આવતો હતો.

એણે ફરીથી બે-ત્રણ બૂમો પાડી.

પરંતુ મધુ તરફથી કોઈ જ જવાબ મળ્યો નહીં.

છેવટે એ જેમ તેમ કરી, પલંગ પરથી ઊતરીને કીચન તરફ આગળ વધી. નબળાઈને કારણે એના પગ ધ્રુજતા હતા.

એ મધુના રૂમ પાસેથી પસાર થઈ ત્યારે અંદરનું ર્દશ્ય જોઈને હેબતાઈ ગઈ.

એણે જોયું –મધુનો શિક્ષક રાકેશ મધુને પોતાની નજીક ખેંચીને ચુંબન કરતો હતો.

સુનિતા ક્રોધથી કાળઝાળ બની ગઈ. રોષથી એનો ચહેરો કમાનની જેમ ખેંચાઈને ત્રાંબા જેવો થઈ ગયો. આંખોમાંથી જાળ કે અંગારા વરસવા લાગી. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. આવેશમાં ને આવેશમાં પોતે બિમાર છે એ વાત પણ તે ભૂલી ગઈ હતી.

‘મધુ...’ એ ચીસ પાડીને તેનાં રૂમમાં દાખલ થઈ ગઈ. પછી આગળ વધીને એણે રાકેશનું ગળું પકડી લીધું અને વિફરેલી વાઘણની જેમ ગર્જી ઉઠી. ‘હરામખોર... આ ઘરની આબરૂ પર હાથ નાંખવાથી તારી હિંમત કેવી રીતે ચાલી? આજે હું તને નહીં છોડું.!’

તેના આ અણધાર્યા હુમલાથી રાકેશના હોશકોશ ઊડી ગયા. એ પોતે પણ કોલેજનો વિદ્યાર્થી હતો અને ટયુશન કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

મધુના તો જે હાલ થવાના હતા. તે થયા. પંરતુ રાકેશ એને અણધાર્યા આવી ચડેલી જોઈને ડધાઈ ગયો. એની બધી મસ્તી કોણ જાણે ક્યાં ગુમ થઈ ગઈ હતી. એનાં ચ્હેરાનો રંગ ઉડી ગયો હતો. આંખોમાં ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા. ભયથી તેના બંને પગ એકીબેકી રમતા હતા. એણે જેમતેમ કીરને સુનિતાના હાથમાંથી પોતાનું ગળું છોડાવ્યું.

‘મ....મને....મ....માફ કરી દો....હું...હું...’ એ દયામણી નજેર સુનિતા સામે જોઈ, બંને હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો.

‘રાકેશ...’ એટલે સુનિતા સામે ભિખારીની જેમ કરગરતો જોઈને મધુએ તીવ્ર અવાજે કહ્યું, ‘તું આનાથી ગભરાય છે.? સાંભળ, તારે એનાથી જરા પણ ગભરાવવાની જરૂર નથી સમજયો? તારે એનો જરા પણ ભય રાખવાની જરૂર નથી.’

‘આ...આ...તારી ભાભી છે મધુ...!’ મોં મચકોડતાં બેદરકારીભર્યા અવાજે કહ્યું, ‘તું આને ભાભી કહે છે.? અરે...એની હેસિયત તો આ ઘરમાં એક નોકરાણી કરતાં જરા પણ વધુ નથી સમજ્યો? એને ફરિયાદ કરવી હોય તો ભલે કરે. આપણે એને જરા પણ અટકાવવી નથી. પરંતુ એ ફરિયાદ કરશે તો પણ એની વાત પર કોણ વિશ્વાસ કરશે? ઊલ્ટું જો એ મારા પર આવો કોઈ આરોપ મૂકશે તો મારો ભાઈ અને પિતાજી તેની ખબર લઈ નાખશે. આ ઘરમાં હું બધાની લાડકી છું અને આ કમજાત...’ એણે ખંજરની જેમ સુનિતા સામે આંગળી ચીંધી, ‘આ કમજાત તો ઘરમાં બધાંની આંખમાં કણાંની જેમ ખુંચે છે. અને વળી એણે તને, ચુંબન કરતા જોય હોય એવો એકેય પૂરા નિશાનને આ કમજાત ભૂંસી શકે તેમ નથી. એટલે તારે જરા પણ ચિંતા કે ફિકર કરવાની નથી. હું પણ જોઉં છું કે એ કઈ રીતે ફરિયાદ કરે છે?’

મધુ ક્રોધના આવેશમાં કોણ જાણે શું શું બોલી ગઈ અને એનાં મોંમાંથી નીકળેલા એક એક શબ્દો સુનિતાના હૃદયના લોખંડી ખીલાની જેમ જડાઈ ગયા. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. એની નણંદ મધુ કે જેને નંણંદ નહી. પણ નાની બહેન જ માનતી હતી, તેના તરફથી આવાં કઠોર વર્તનની એણે જરા પણ આશા નહોતી રાખી.

મધુની એક એક વાત તેના દિમાગમાં હથોડાની જેમ ઝીંકાતી હતી.

છેવટે જ્યારે એની સહન શક્તિની હદ આવી ગઈ ત્યારે તે પોતાના હાથની મુઠ્ઠીને બંને દંતપંક્તિઓ વચ્ચે દબાવીને ત્યાંથી બહાર નીકળી ગઈ.

એની આંખોમાંથી જાણે કે શ્રાવણ-ભાદરવો વરસતો હતો.

આજે મધુએ અને તેની હેસિયત શું છે એ સ્પષ્ટ રીતે કહી દીધું હતું. આ ઘરમાં તેની હેસિયત એક નોકરાણી કરતાં પણ ઓછી હતી. નોકરાણીનું પણ કોઈ આટલી હદે અપમાન કરે જેટલું મધુએ તેનું કર્યું હતું. અને કરે પણ શા માટે નહીં? ગમે તેમ તોયે એ પોતાની સાથે ઢગલો એક કરિયાવાર નહોતી લાવીને?’

એ પાણી પીધા વગર જ પોતાના રૂમમાં પહોંચી, પલંગ પર પડીને રડવા લાગી.

એને એક જ વાતનો વિચાર આવતો હતો.

શું જે કમનસીબ વહુ કરિયાવર નથી લાવતી અથવા તો ઓછું લાવે છે, એની હેસિયત સાસરિયામાં એક નોકરાણીથી પણ ઓછી હોય છે.?

***

અત્યારે રાત્રિનો એક વાગ્યો હતો.

સુનિતા પોતાના બેડરૂમમાં સૂતી હતી પણ એની આંખોમાં ઊંઘનું નામો-નિશાન નહોતું. એનો પતિ અમર હિરાલાલના રૂમમાં કમલા, રાજેશ અને મધુ પણ ત્યાં જ હતા.

રાજની જેમ આજે પણ એ લોકોની મીટિંગ ચાલુ હતી.

કમલાએ લોકોને દેખાડવા ખાતર હવન પાછળ હજારો રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો. પરંતુ સુનિતાની સારવાર કરાવવા માટે હજુ સુધી કોઈ ડોક્ટરને નહોતો બોલાવ્યો અને બોલાવે પણ શા માટે? સુનિતા વધુ ને વધુ પીડા ભોગવે અને પછી તેને એ પીડામાંથી હંમેશને માટે છૂટકારો અપાવવા માટે ડોક્ટર આનંદને બોલાવી લેવાય એમ તે ઈચ્છતી હતી.

આમેય હવે એ લોકોને, કદાચ સુનિતાની મા ત્રણ લાખ રૂપિયા આપી દે તો તેમાં રસ નહોતો રહ્યો. તેમને તો સુનિતાને મારી નાંખી, ભાનુશંકરની એકની એક દિકરી કિરણ સાથે અમરનાં બીજા લગ્ન કરીને વધુ રકમ કરિયાવરમાં મેળવવી હતી.

ડૉક્ટર આનંદ સાથે હિરાલાલની વાતચીત થઈ ગઈ હતી. એ હિરાલાલને તેની યોજનામાં મદદ કરવા માટે તરત જ તૈયાર થઈ ગયો હતો. હિરાલાલે એની સાથે વાત કરી ત્યારે તેની આંખોંમાં એક વિશેષ, હિંસાત્મક ચમક પથરાયેલી હતી. અલબત્ત, સુનિતાને ઝેરનું ઈજેક્શન આપવા માટે એણે પચાસને બદલે સાંઠ હજાર માંગ્યા હતા. અને હિરાલાલે પણ તેની એ માંગણી સ્વીકારી લીધી હતી. એણે તેને સાંઠ હજાર આપી દીધા હતા. હવે તો ક્યારે એને સુનિતાની સારવારનાં બહાને બોલાવીને ઝેરનું ઇંજેક્શન અપાવવું એ જ નક્કી કરવાનું બાકી હતુ.

અત્યારે પણ આ વાત નક્કી કરવા માટે જ બધા હિરાલાલના રૂમમાં ભેગા થયા હતા.

માણસ પૈસા ખાતક કેટલો હલકી કોટિનો બની જાય છે. તેનો આ જીવતોજાગતો પૂરાવો હતો. પૈસાની લાલચ માણસને માણસમાંથી શયતાન બનાવી દે છે. પોતાને મન સુનિતાની કંઈ જ કિંમત ન હોય અને માત્ર કરિયાવર જ પોતાનું સર્વસ્વ હોય એ રીતે તેઓ તે કમનસીબને મારી નાખવાની યોજના બનાવતા હતા.

જેમ જેમ રાત પસાર થતી જતી હતી તેમ તેમ સુનિતા વિચારતી જતી હતી. આજે એની તબીયત એકદમ ખરાબ હતી. એને ખૂબ જ તાવ આવતો હતો અને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી.

છેવટે ઘણી વાર સુધી એ પડખાં ફેરવી ફેરવીને થાકી, કંટાળીને ઊંડો શ્વાસ લેતી પલંગ પરથી નીચે ઊતરી. એ બાથરૂમ જવા માંગતી હતી. એણે પલંગ પરથી શાલ ઊંચકીને ખભા પર ઓઢી લીધી.

અચાનક તે એકદમ ચમકી ગઈ.

એને પોતાના રૂમની બહાર કોઈકનાં પગલાંનો અવાજ સાંભળ્યો હતો. પહેલાં તો તેને થયું કે અમર આવ્યો હશે. પરંતુ એ પગલાનો અવાજ એનાં રૂમ પાસેથી પસાર થઈને ક્રમશ:દૂર થતો ગયો હતો. એને ખૂબ જ નવાઈ લાગી.

અત્યારે અડધી રાતે કોણ ક્યાં જતું હશે.....? એણે વિચાર્યું.

પછી સ્લીપર પહેરી રૂમમાંથી બહાર નીકળીને તે બાથરૂમ તરફ આગળ વધી. બાથરૂમ વરંડાની બાજુમાં હતું.

વરંડામાં પહોંચ્યા પછી સહસા તેની નજર ગેરેજ પાસે સ્થિર થઈ ગઈ.

ગેરેજમાં સળગતા જીરો વોલ્ટના આછા પ્રકાશમાં ત્યાં બે આકૃતિઓ ઊભી હતી.

સુનિતા તરત જ એ બંનેને ઓળખી ગઈ.

એ મધુ તથા તેનો શિક્ષક રાજેશ હતા. બંને એકબીજાને વળગીને ઊભા હતા.

સવારે પોતાને પોતાની પાસે શું પૂરાવો છે એવું કહેનાર મધુને રેડહેન્ડ પકડાવી દેવાનો સુનિતાને વિચાર આવ્યો. પણ પછી તરત જ એનાં અંતર મને કહ્યું-ના, સુનિતા... જો તું તેને રેડ હેન્ડ પકડાવીશ તો નાહક જ ભાઈઓ અને મા-બાપની સામે મધુને નીચું જોવું પડશે? એને રેડ હેન્ડ પકડાવવાથી તારું શું વળશે? મધુ ગમે તેમ તોયે તારી નણંદ છે....દુશ્મન નથી. અને તારી આ નણંદને તું તારી બહેન સમાન માને છે. સવારે એણે તારું અપમાન કર્યું તો શું થયું? તું એની વાતો પર ધ્યાન ન આપ! એ હજી નાની છે. એને એના શિક્ષકે ફોસલાવી છે. બહેકાવી છે. એ તેના શિક્ષકની વાતોમાં ભોળવાઈ ગઈ છે. તું એનાં શિક્ષક પાસે જઈને તેને ધમકાવ કે એ પોતાની ગંદી હરકતો છોડી દે અને માસૂમ મધુને ન ફોસલાવે. સાથે જ મધુને પણ શિખામણ આપજે.

વિચારતાં વિચારતાં તે બાથરૂમ જવાને બદલે ગેરેજ તરફ આગળ વધી.

તાવને કારણે સખત ઠંડી હોવા છતાં પણ તેનું શરીર ધગધગતું હતું. એના પગ ધ્રુજતા હતા. હમણાં પોતે જમીન પર ગબડી પડશે એવું તેને લાગતું હતું.

પરંતુ તે પોતાની ફરજ બજાવવા માટે..... મધુને ફોસલાતી અટકાવવા માટે આગળ વધતી જ રહી.

બીજી તરફ અમર નશાથી લથડીયાં ખાતો પોતાના બેડરૂમમાં પહોંચ્યો. પરંતુ ત્યાં સુનિતાને ન જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. હમણાં જ એ લોકોની મીટીંગ પૂરી થઈ હતી. અને તે સીધો જ પોતાના રૂમમાં આવ્યો હતો.

અત્યારે અડધી રાત્રે સુનિતા ક્યાં ગઈ હશે? ક્યાંક પેલા લંગડાને મળવા તો નથી ગઈને? એણે વિચાર્યું પછી એ તરત જ રૂમમાંથી બહાર નીકળીને વરંડામાં આવ્યો.

એણે ગેરેજ પાસે ત્રણ જણને ઉભેલાં જોયા. એ ત્રણેયને સુનિતા,મધુ અને રાકેશને ઓળખી ગયો હતો.

‘કમાલ કહેવાય....!’ એ સ્વગત બબડયો, ‘આ ત્રણેય અત્યારે અડધી રાત્રે ગેરેજ પાસે શું કરે છે.? મારે પિતાજી અને મમ્મીને આ વાતની જાણ કરવી જોઈએ. જરૂર દાળમાં કંઈક કાળું છે.’

ત્યારબાદ તે ઝડપથી હિરાલાલના રૂમ તરફ આગળ વધી ગયે.

ત્રીજા તરફ સુનિતાને ગેરેજ તરફ જ આવતી જોઈને રાકેશ ઝડપથી મધુથી અલગ થઈ ગયો.

‘મ...મધુ....તારી ભાભી આ તરફ જ આવે છે....’ એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘હવે મારી ખેર નથી. સવારે તેં એને કહ્યું હતું ને કે તારી પાસે શું પૂરાવો છે? તો અત્યારે એ પૂરાવો મેળવવાની તેને તક મળી ગઈ છે અને આ તકનો લાભ તે જરૂર ઉઠાવીને મને રેડહેન્ડ પકડાવી દેશે. તારા પિતાજી મારું ટયુશન પણ છોડાવી દેશે અને ઉપરથી માર પડશે એ જુદું! મેં તને પહેલાંથી જ કહ્યું હતું કે આ રીતે અડધી રાતે મારું, તારા બંગલામાં આવવું યોગ્ય નથી. પણ તું માની નહીં તેં મને તારા સમ આપીને અત્યારે અહીં બોલાવ્યો. હવે...? હવે શું કરીશું?’

જવાબમાં મધુએ પીઠ ફેરવીને પોતાની તરફ આવતી સુનિતા સામે જોયું.

પછી પોતાનાં કપડાં અને વીખરાયેલા વાળને વ્યવસ્થિત કરી, રાકેશનો હાથ પકડીને એણે કહ્યું.:

‘રાકેશ... તારે જરા પણ ચિંતા કે ફિકર કરવાની જરૂર નથી. એ આપણું કશું યે બગાડી શકે તેમ નથી. પહેલાં તો એ કમજાત ઘરના લોકોને અહીં બોલાવવાની ભૂલ નહીં જ કરે... અને છતાં પણ જો કદાચ કરશે તો હું તેને પહોંચી વળીશ. તું મારા સંકેતો જોઈને તથા સમજી-વિચારીને એ લોકો સાથે વાત કરજે. આ કમજાત ઘરના લોકોને અહીં બે- ત્રણ દિવસ ની જ મહેમાન છે બે – ત્રણ દિવસ પછી આમે ય તે ઈશ્વરના દરબારમા પહોચી જવાની છે. હવે સાંભળ, મારા ઘરવાળાઓ તને કંઈ પૂછે તો તો તેના જવાબમાં તું માત્ર એટલું જ કહેજે કે અત્યારે અડધી રાત્રે સુનિતાએ જ તને અહીં બોલાવ્યો હતો મેં નહી સમજ્યો?’

‘શ...શું...? આ તું શું કહે છે?’ રાકેશનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાઈ ગયો. એના ચ્હેરા પર નર્યા-નિતર્યા અચરજના હાવભાવ છવાઈ ગયા હતા.

‘હા...હું બરાબર જ કહું છું તે હજુ આ મધુને પૂરેપૂરી ઓળખી નથી.’ મધુએ કઠોર અવાજે કહ્યું, ‘આ કમજાતને પણ આજે ખબર પડી જશે કે એનો પનારો કોની સાથે પડ્યા છે! તું બસ, મારા કહેવા મુજબ જ મારા ઘરવાળાઓ સાથે વાત. કરજે. તારી વાતથી બધાને તેના પર જ શંકા જશે. મેં જ તને બોલાવ્યો હતો એની તો તેમને ગંધ સુધ્ધાં નહીં આવે. અને બે-ત્રણ દિવસમાં જ આ કમજાતનો કાંટો આપણા માર્ગમાંથી દૂર થઈ જશે. આપણા બંને વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થીની જેટલા જ સંબંધો છે, એની ખાતરી આજે તારે મારા ઘરવાળાઓને કરાવી દેવાની છે. એ લોકોને એક વખત ખાતરી થઈ ગયા પછી આપણને કોઈ રોકટોક નહીં કરે. અને...’

‘અરે...ત્યાં જો....’ રાકેશ એની વાતને વચ્ચેથી કાંપી નાખીને ધ્રુજતા અવાજે બોલ્યો, ‘તારા મમ્મી, પપ્પા અને બંને ભાઈઓ વરંડાના પગથિયા ઊતરીને આ તરફ જ આવે છે. હે ઈશ્વર...! હવે શું થશે?’

‘રાકેશ...’ સુનિતા તેમની નજીક પહોંચીને ક્રોધથી બરાડી, ‘જો તું હવે તારી આ હરામખોરી નહીં છોડે તો પછી તારી ખેર નથી...! અરે, જરા તો શરમ રાખ હરામખોર! તું જે થાળીમાં ખાય છે, એમાં જ છેદ કરે છે.? યાદ કર તારો એ દિવસ તે જ્યારે તું ભિખારીની જેમ આ બંગલામાં ટયુશન માંગવા આવ્યો હતો. અને આજે એ જ ઘરની આબરૂ પર હાથ નાખે છે કમજાત? સવારે મેં તારું નાક કાપ્યું હતું તો પણ તારી અક્કલ ઠેકાણે ન આવી? મારી ભોલી અને માસૂમ નણંદને ફોસલાવીને તારે તારો જીવ ગુમાવવો લાગે છે. તું હમણાં જ મારી નજરસામેથી દૂર થઈ જા.... નહીં તો આજે હું તને જીવતો નહીં છોડું! અને ભવિષ્યમાં ભૂલેચૂકે ય આ ઘરમાં પગ મૂકતો નહીં સમજ્યો? તો તારૂં એકેય હાડકું સલામત નહીં રહે એ યાદ રાખજે.’

એની વાત સાંભળીને રાકેશ નીચું જોઈ ગયો.

‘ખબરદાર....’ મધુ, સુનિતાની આંખોમાં પોતાની આંખો પરોવતાં આવેશભર્યા અવાજે બોલી, ‘મારા રાકેશને તારે કંઈજ કહેવાનું નથી. બહુ આવી નણંદનું હિત જોવા વાળી? અને....જો તને મારા હિતનો ખ્યાલ હોય તો તું ક્યારેય આ રીતે મારા પ્રેમનો રસો રોક્ત નહી અને...’

‘મધુ.....તું જેને પ્રેમ માને છે, હકીકતમાં તે પ્રેમ નહીં પણ વાસના...! તું શું કરે છે, એનું તને ભાન નથી બહેન...તું આ નાલાયકની વાતમાં ભોળવાઈ ગઈ છો. તું ભાનમાં આવ... તારી બુદ્ધિના બારણા ઉઘાડ! નહીં તો તારા કપાળ પર કલંકનો એવો ડાઘ લાગી જશે કે જેને તું જીંદગીભર આંસુ સારીને પણ નહીં ધોઈ શકે. ના....હું તને આ રીતે મારી નજરે સામે વાસનાની અંધારી ખીણમાં નહીં ધકેલવા દઉં. તું તારા રૂમમાં ચાલી જા. ક્યાંક ધરવાળા અત્યારે અડધી રાતે તને રાકેશ સાથે જોઈ જશે નાહક જ તારે માથે ઉપાધિ આવી પડશે અને તું કયાંયની નહીં રહે, કહીને સુનિતાએ તેનું કાંડુ પકડયું.

‘તું મારી કેટલી હિતેચ્છું છો એની મને ખબર છે!’ મધુએ તેના હાથમાંથી પોતાનું કાંડુ છોડાવતાં કહ્યુ, ‘પહેલા ઘરવાળાઓ પાસે ચાડી ફૂંકીને તેમને અહીં બોલાવ્યા અને હવે મને કહે છે કે નાહક જ એ લોકો જોઈ જશે તો ઉપાધિ આવી પડશે.’

‘આ....આ તું શું કહે છે? સુનિતા આશ્ચર્ય અને મુંઝવણ –ભર્યા અવાજે બોલી, ‘મેં તેમને અહીં બોલાવ્યા છે? ક્યારે....? હું તો તેમને જોઈને સીધી જ અહીં આવી છું.’

‘તો પછી ત્યાં જો હરામખોર...! તેઓ આ તરફ જ આવે છે. આજે હું તને દેખાડીશ કે આ ઘરમાં તારી કેટલી હેસિયત છે અને મારી કેટલી....! આજે....આજે...’

પરંતુ એની વાત પૂરી થાય એ પહેલાં જ હિરાલાલ, કમલા, કમલા, અમરે અને રાજેશ ત્યાં આવી પહોંચ્યા. સૌથી આગળ હિરાલાલ હતો.

એણે ક્રોધ અને આશ્ચર્યથી વારાફરતી એ ત્રણેય સામે જોયું.

‘અત્યારે અડધી રાતે આ બધું શું ચાલે છે....?’ એણે સળગતી નજરે સુનિતા સામે જોઈને પૂછ્યું પછી તે મધુ તરફ ફર્યો, ‘અને તું અહીં શું કરે છે?તું તો થોડી વાર પહેલાં મારા રૂમમાંથી બાથરૂમ જવાનું કહીને નીકળી હતી તો પછી અહીં કઈ રીતે પહોંચી ગઈ?’

જવાબમાં મધુની આંખોમાં મગરના આંસુ ઘસી આવ્યા. એણે પહેલા બંને ભાઈ તથા પોતાની મા સામે જોયું. પછી હિરાલાલ તરફ જોઈને રડમસ અવાજે બોલી, એનો અભિનય સાચે જ જોવા જેવો હતો, ‘હું...હું... તો બાથરૂમ જ ગઈ હતી પિતાજી...! પરંતુ વરંડામાં પરોંચતા જ મે ગેરેજ પાસે બે આકૃતિઓ ઉભેલી જોઈ મેં અહીં આવીને જોયું તો રાકેશ અને ભાભી...’

‘શું....’ એની વાતને વચ્ચેથી કાપી નાખીને કમલાએ પૂછ્યું એણે પહેલા સુનિતા અને પછી રાકેશ સામે સળગતી નજરે જોયું. ત્યારબાદ ક્રોધિત અવાજે એ ગર્જી ઊઠી, ‘તો આ કમજાત....’ એણે રાકેશ સામે આંગળી ચીંધી, ‘અત્યારે અડધી રાતે સુનિતાને મળવા આવ્યો હતો એમ જ કહે છે ને તું?’

‘હા....’ મધુએ હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો.

‘કેમ....? શા માટે.....?

‘તું પણ કમાલ કરે છે મમ્મી....! અમર ધૃણાભરી નજરે સુનિતા સામે જોતાં બોલ્યો, ‘તું એ ‘શા માટે’નો અર્થ પણ નથી જાણતી? એક કુલ્ટા અડધી રાતે કોઈ યુવાનને શા માટે બોલાવે છે એની પણ તને ખબર નથી?’

‘ન....ન.....નહીં......!’ સુનિતાને જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવો ભાસ થયો. એની આંખો સામે અંધકાર ફરી વળ્યો. દિમાગ ક્રિયાશૂન્ય થઈ ગયું. એણે માંડ પોતાની જાત પર કાબૂ મેળવીને ચીસ જેવા અવાજે કહ્યું, ‘મ....મધુ...ખોટું બોલે છે! રાકેશ મને નહી પણ મધુને મળવા આવ્યો.....’

‘શટઅપ...’ એની વાત પૂરી થાય એ પહેલાં જ અમર તેના ગાલ પર તમાચો ઝીંકીને ગળુ ફાટી જાય એવા ઊંચા અવાજે બરાડયો, ‘સાલ્લી કમજાત...વેશ્યા....જો તું મારી લાડકી બહેન પર તારા કુકમોનો આરોપ મૂકીશ તો હું તારી જીભ કાપી નાખીશ.... હું તને જીવતી નહીં છોડું!’

‘મને....મને મારી નાખી.... મારો જીવ લઈ લો...!’ સુનિતા અમરના પગમાં પડીને કરગરતા અવાજે બોલી, ‘પરંતુ મારી નાખતા પહેલાં આ કમનસીબની પણ વાત સાંભળી લો....! તમે સાત ફેરા ફરીને મને અહીં લાવ્યા છો...તમે મારા સુખ-દુ:ખના સાથી છો ...! હું તમારી અર્ધાગિની છું....તમારૂં અડધું અંગ છું. મારા પર થોડી તો દયા રાખો....! હું સાચું જ કહું છું કે રાકેશ...!

‘એક મિનિટ...’ હિરાલાલે તેને વચ્ચેથી જ અટકાવીને જ કહ્યું, ‘સાચું શું છે એ રાકેશ કહેશે.’ કહી, આગળ વધીને એણે રાકેશનું ગળુ પકડી લીધું, ‘બોલ હરામખોર... જવાબ આપ.... સાચેસાચું બોલ કે તું કોને મળવા આવ્યો હતો? જો તું સાચું નહીં બોલે તો હું તેને મારીને તારી લાશને અહીં જ દાટી દઈશ સમજ્યો?’

રાકેશ ભયથી ધ્રુજતો હતો. ઠંડી હોવા છતાં પણ એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. એની આંખોમાં ખોફ, દહેશત અને ગભરાટના હાવભાવ છવાયેલા હતા. એણે પ્રશ્નાર્થે નજરે મધુ સામે જોયું.

જવાબમાં મધુએ સંકેતથી જ તેને કંઈક કહ્યું.

રાકેશ તેનાં સંકેતનો અર્થ સમજી ગયો હતો.

‘હું...હું... ખોટું નહીં બોલું શેઠજી...!’ એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘મને....મને અત્યારે સુનિતાએ અહીં બોલાવ્યો હતો.’

‘કેમ...? શા માટે...? હિરાલાલે એનું ગળું છોડીને કઠોર અવાજે પૂછ્યું.

જવાબમાં રાકેશ ચૂપચાપ નીચું જોઈ ગયો. એણે કંઈજ જવાબ આપ્યો નહીં. અને તેની આ ચુપકીદી જ ઘણું બધું કહી જતી હતી.

એની નફટાઈ જોઈને સુનિતા તડપી ઊઠી. એનાં રોમેરોમ આગ લાગી ગઈ હતી. આવું થશે એની તો તેણે કલ્પના પણ નહોતી કરી. જાણે ભર બજારમાં રાકેશે તેનું લીલામ કરી નાખ્યું હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા.

‘રાકેશ... રાકેશ ખોટું બોલે છે...’ તે ચીસ જેવા અવાજે બોલી. પછી સહસા કોઈ કંઈ સમજે એ પહેલાં જ તે રાકેશ પાસે ધસી ગઈ. એણે તેનું ગળુ પકડીને હિંસક અવાજે કહ્યું, ‘બોલ હરામખોર, સાચું બોલ કે તને અહીં કોણે બોલાવ્યો હતો? મેં કે મધુએ....? આજે સવારે તું સુનિતાને ભણાવવાના બહાને શું કરતો હતો? સાચું બોલ કમજાત.... નહીં તો આજે હું તને જીવતો નહીં છોડું.!’

‘જીવતી તો હું તને નહીં છોડુ કમીની....! રાકેશે સાચું જ કહ્યું છે. ખોટું તો તું બોલે છે. મને તેના પર પૂરેપૂરો ભરોસો છે. તારા બૂમો પાડવાથી જે હકીકત છે. એ બદલાઈ નથી જવાની સમજી? નીચ, કુલ્ટા....તું કેટલી હલકી કોટિની છે? કોણ જાણે કોનું પાપ તું તારી કોખમાં ઉછરે છે. અને ઉપરથી કહે છે કે મારી કોખમાં ઉછરી રહેલું બાળક અમરનું છે. તારી વાસનાની આગ બૂઝાવવા માટે તું કેટલી હલકી કોટિની બની શકે છે. તેની મને આજે ખબર પડી છે. વેશ્યા.... હું તારી ચામડી ઉતરડી નાખીશ. તે તારી ચરિત્ર-હિનતાનો આરોપ મારી ફૂલ જેવી માસૂમ દિકરી પર મૂકવાનો પ્રયાસ કર્યો છે, એ હજુ નાના બાળક જેવી છે. તે...તે...

‘મધુ બાળક જેવી નથી....! કમલાની વાતોથી સુનિતાનું હૃદય ચીરાઈ ગયું હતું એ તીવ્ર અવાજે તેનો વિરોધ કરતાં કાળઝાળ અવાજે બોલી, ‘મધુ યુવાન બની ગઈ છે. અને એનાથી પોતાનું યૌવન જીરવાતું નથી. તમારી આ લાડકી દિકરીની નસે-નસમાં વાસના જોરશોરથી ઉછાળા મારે છે. વાસનાના કીડાઓ તેના પગથી માથા સુધી ખદબદે છે. અને એ કોડાઓની કામપિપાસા શાંત કરવા માટે જ તમારો દિકરીએ અત્યારે અડધી રાતે પોતાના પ્રેમી રાકેશને અહીં બોલાવ્યો હતો.પરંતુ તમે એની વાત જ સાચી માનો છો. એના પર તમને જરા પણ શંકા નથી આવતી. અને આવે પણ શા માટે? ગમે તેમ તો યે એ તમારી દિકરી છે ને? અને હું....? હું તમારી કમનસીબ વહુ છું. મેં કરિયાવરથી તમારું ઘર નથી ભર્યું. એટલે તમને મારી વાત સાચી નહીં લાગે પણ હું સાચુ જ...’

વળતી જ પળે તડાક... અવાજ સાથે કમલાનો હાથ તમાચાના રૂપમાં તેના ગાલ પર પડ્યો.

‘મારો.... તમારે મને જેટલી મારવી હોય તેટલી મારો...’ સુનિતાએ આક્રોશ વ્યક્ત કરતાં પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું, ‘હું તો આ ઘરમાં તમારા બધાનો માર ખાવા, અપમાનો અને ગાળો સાંભળવા જ આવી છું ને? જો હું મારી સાથે તમારું ઘર ભરાઈ જાય તેટલું કરિયાવર લાવો હોત તો તમે ક્યારે ય આ રીતે મારા પર હાથ ઉપાડવાની હિંમત ન કરત પણ મારા પગ ધોઈને પીત! મારી પૂજા કરત આદર કરત...! પરંતુ હું કરિયાવર નથી લાવો એટલે જ તમે મારા પર જુલમ કરો છો. તમારે માત્ર કરિયાવર જ જોઈએ છે, સારી કુળની ઈજ્જત સાચવે તેવી બહુ નથી જોઈતી. તમારે મન માત્ર કરિયાવરની જ કિંમત છે માત્ર કરિયાવર જ....! પરંતુ એટલું યાદ રાખજો કે વહુ પણ કોઈકની દિકરી હોય છે. એક દિવસ તમારી દિકરીને પણ વહુ બનીને પારકે ઘેર જવાનું છે . હું....હું.. તમને બધાને શ્રાપ આપું છું. કે તમે લોકો મારા પર જેવો જુલમ કરો છો, એવો જ બલ્કે તેનાથી પણ વધારે જુલમ તમારી એકની એક દિકરીને સહન કરવો પડશે...તમને ઈશ્વર ક્યારેય માફ નહીં કરે.હું...હું...

‘ભગવાન તો અમને જ્યારે માફ કરવાનો હશે, ત્યારે કરશે, એ માફ કરે કે ન કરે, તેની અમને કંઈ નથી પડી. પણ અત્યારે હું તને માફ નહીં કરું કમજાત...!’ કમલા ક્રોધથી સળગતી નજરે સુનિતા સામે જોતાંબોલી, ‘તારી જીભ તો દરજીની કાતરની જેમ ચાલે છે. હું તારી જીભ કાપીને તારા હાથમાં ન પકડાવી દઉં તો મારું નામ કમલા નહિ...! તારો પનારો કેવલી જાલિમ સાસુ સાથે પડ્યો છે. એની હજી તને ખબર નથી. કહીને એણે સુનિતાના વાળ પકડીને જોરથી ખેંચ્યા, ત્યારબાદ તેને ગાળો ભાંડતી મારવા લાગી.

સુનિતા ચીસો પાડતી હતી પરંતુ અત્યારે અડધી રાત્રે તેની ચીસો કોણ સાંભળે? આમેય હિરાલાલનો બંગલો છૂટ-છવાયા વિસ્તારમાં હતો. થોડે દૂર મકાનો હતા. પણ તેમાં વસતા માણસો ઠંડીને કારણે બારી-બારણાં બંધ કરીને, પગથી માથા સુધી ઓઢીને સૂઈ ગયા હતા.

‘તું અહીંથી ચાલ્યો જા નાલાયક...!’ હિરાલાલ, રાકેશ સામે જોઈને ક્રોધથી બરાડ્યો, ‘અને ભવિષ્યમાં ક્યારે ય આ ઘરમાં પગ મૂકતો નહીં સમજ્યો?’

‘આ...તમે શું કહો છો પિતાજી...?’ મધુ, રાકેશની તરફેણ કરતાં બોલી, ‘એમાં રાકેશનો શું વાંક છે? બધો વાંક સુનિતાના જ છે. એ રાકેશને ન બોલાવત તો તે ક્યારેય અહીં આમ અડધી રાતે ન આવત! સુનિતાના ગુનાની સજા એને શા માટે કરો છો? તમારે સજા કરવી હોય તો સુનિતાને જ કરોને...? તમે ટયુશન કેન્સલ કરીને મારું ભણવાનું શા માટે બગાડો છો?’

‘હું....’ હિરાલાલના ગળામાંથી હુંકાર નીકળ્યો. પછી રાકેશને ઉદ્દેશીને કઠોર અવાજે એણે કહ્યું. ‘રાકેસે....?’

‘જી...’ એણે માથું ઉચું કરીને જવાબ આપ્યો.

‘તારે ટયુશન ચાલુ રાખવાનું છે પણ...’ કહીને એણે વેધક નજરે તેની સામે જોયું. ‘પણ તારે તારી હેસિયત ભૂલવાની નથી સમજયો? નહીં તો... એણે પોતાનું વાક્ય અધૂરૂં મૂકી દીધું.

‘ જી...સમજી ગયો...’ રાકેશે માથું ધુણાવતા કહ્યું.

પછી જાણે જગંલી હાથીઓનું ટોળુ પાછળ પડ્યું હોય એ રીતે તે મોટી મોટી ભરતો ત્યાંથી નાસી છૂટ્યો

ત્યારબાદ સુનિતાને મારકુટ કરવામાં બંને બાપ-દિકરી પણ સામેલ થઈ ગયા.

અચાનક અમરની નજર કંપાઉન્ડની દીવાલ કુદીને બીજી તરફ ઉતરતી એક આકૃતિ પર પડી. એ આકૃતિએ પગથી માથા સુધી કાળા વસ્ત્રો પહેર્યા હતા. દીવાલ તરફ દોડતી વખતે એનો એક પગ લંગડાતો હતો. આ વખતે તે શાલ ઓઢીને નહીં પણ નકાબપોશના રૂપમાં આવ્યો હતો.

‘ત્યાં જુઓ...’ અમર ધ્રુજતા અવાજે બોલ્યો, પેલો લંગડો નકાબપોશ... હમણાં જ દીવાલ કૂદીને બહાર ગોય છે.’

એના અવાજથી બધાં એકદમ ચમકી ગયા.

રાજેશ બહાર નીકળીને બધે ફરી વળ્યો.

પરંતુ પેલા નકાબપોશનો ક્યાંય પત્તો નહોતો.

સડક દૂર દૂર સુધી ઉજ્જડ પડી હતી.

છેવટે થાકીહારીને તે પાછો ફર્યો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

Upendra

Upendra 1 વર્ષ પહેલા

શિતલ માલાણી

શિતલ માલાણી માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

superb

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Himpal Purohit

Himpal Purohit 3 વર્ષ પહેલા