આફત - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આફત - 3

આફત

કનુ ભગદેવ

3: ભયંકર સપનું

પલંગ પર બેઠેલી, ભૂતકાળને વાગોળતી સુનિતાના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તે વર્તમાનમાં પાછી ફરી હતી. એ ખૂબ જ થાકી ગઈ હતી. નિરાશ થઈ ગઈ હતી.

પછી પલંગ પરથી ઉતરીને તે પોતાના બાથરૂમમાં આમથી તેમ આંટા મારવા લાગી. રહી રહીને ઘાયલ હૃદયમાંથી પીડા ભર્યો એક જ અવાજ આવતો હતો. હે ભગવાન! મારો શું વાંક છે? મેં શું ગુનો કર્યો છે. મને પતિના પ્રેમને બદલે તિરસ્કાર અને સાસુ-સરરાના આશીર્વાદને બદલે અપમાન જ મળે છે? તું મને મારા કયા જન્મનાં પાપની સજા આપી રહ્યો છે? શું મારો માત્ર એટલો જ ગુનો છે કે હું ઓછું કરિયાવર લાવીશું?

સુનિતાનું હૃદય પીડાથી ભરાઈ આવ્યુ.

એ વિચારવા લાગી. એ જ્યારથી સમજણી થઈ ત્યારથી જ પોતાના સ્ત્રી ધર્મ પર અડગ રહી હતી. એણે આનંદને પ્રેમ જરૂર કર્યો હતો પરંતુ એ પ્રેમને પણ એણે વાસનારૂપી અગન જવાળાથી દૂર જ રાખ્યો હતો. કારણ કે વાસનાની બરબાદીના પરિણામની તેને પૂરેપૂરી ખબર હતી. એણે આનંદને માત્ર પ્રેમ જ કર્યો હતો. બાકી વાસનાની કોઈ જ લાગણી તેના મનમાં નહોતી એ જ રીતે આનંદે પણ ક્યારેય પોતાના પ્રેમની હદ વટાવવાનો પ્રયાસ નહોતો કર્યો. બંને એકબીજાને સાચા હૃદયથી પ્રેમ કરતાં હતા. અને પોતાના સેંથામાં અમરના નામનું સિંદુર પૂર્યા પછી એટલે કે અમર સાથે લગ્ન થઈ ગયા પછી એણે આનંદના નામને, તેનાં પ્રેમને, તેની યાદોને ખૂબ જ મક્કમતાથી પોતાના હૃદય અને મગજમાંથી કાઢી નાખ્યાં. હતા. એણે અંત:કરણપૂર્વક પતિને પરમેશ્વર માનીને તેની પૂજા કરી હતી. પોતાનું ચંદન જેવું પવિત્ર શરીર તેની પૂજામાં હોમી દીધું હતું. છતાં પણ... છતાં પણ એને પતિ પાસેથી નફરત અને ઘણાં જ કેમ મળ્યા હતા? પ્રેમ શા માટે નહોતો મળ્યો? ઈશ્વરે ક્યાં ગુનાની સજા આપી છે? શા માટે આપી છે એ તેને સમજાતું નહોતું. શું પોતે એક ગરીબ માની દિકરી છે અને આ કરિયાવરના લોભી, માણસના રૂપમાં રહેલા શયતાનોની તરસ કરિયાવરથી છીપાવી શકી નથી એટલા માટે?

‘ઓ મા...!’ બેડરૂમમાં તરસ્યા આત્માની જેમ આમથી તેમ આંટા મારતી સુનિતા સહસા પોતાના વાળ પીંખીને ધ્રુંસકા ભરતાં સ્વગત બબડી, તે...તેમન જન્મ શા માટે આપ્યો હતો? અને જન્મ આપ્યો જ તો પછી જન્મતાવેંત જ શા માટે ન મારી નાંખી? શા માટે આ કમનસીબ સુનિતાનું ગળુ ન દબાવી દીધું? મેં તને પહેલાં જ ના પાડી હતી ને કે તારી આ કમનસીબ દિકરીનાં લગ્ન પૈસાદાર કુટુંબમાં ન કરે? અને કરીશ તો હું બરબાદ થઈ જઈશ. મારે તેનું માઠું ફળ ભોગવવું પડશે. હું ક્યાંની નહીં રહું. હું સુખેથી નહીં રહી શકું. તારે આનંદ સાથે મારા લગ્ન નહોતા કરાવવા તો કંઈ નહી. કમ સે કમ કોઈક ગરીબ કુટુંબમાં મારાં લગ્ન કરાવ્યા હોત તો મારે માથે આટલી મુશ્કેલીઓ તો ન આવત! મારે આ દુ:ખના દિવસો તો ન જોવા પડત! પણ તું છેવટે મારા લગ્ન કોઈક પૈસાદાર કુટુંબમાં જ થવા જોઈએ એવી તારી જીદ પૂરી કરીને જ રહી. હવે જોઈ લો તારી જીદનું પરિણામ! મારી હેસિયત આ વિશાળ, ભપકાદાર બંગલામાં વહુ તરીકેની નહીં પણ એક નોકરાણી જેવી બની ગઈ છેં. મારી હાલત કઠપૂતળી જેવી થઈ ગઈ છેં કે જેનાથી પતિ મન ફાવે ત્યારે ત્યારે રમી શકે છે. અને જેને સાસુ-સસરા મન ફાવે તેમ નચાવી શકે છેં. પરંતુ...પરંતુ હવે તો આ કઠપૂતળીની વાત પણ પૂરી થઈ જવાની છે. તેનું નામો – નિશાન ભૂંસાઈ જવાનું છેં. બધાં ભેગાં મળીને મને મારી નાખવાની યોજના બનાવે છે. અને એ મારે માટે સારૂ જ છેં મરીને આ નરક જેવી જીંદગીથી તો મને છૂટકારો મળી જશે! આહ...આજે આવડી મોટી દુનિયામાં હું કેટલી લાચાર છું. અનાથ છું....! મારી સગી માં કે જેણે મને નવ મહિના સુધી પોતાની કોખમાં રાખી હતી એ માએ પણ મારાથી અમુક વાતો છૂપાવી. મારો વ્યાપ કોણ છેં? હું કોની દિકરી છું એ પણ કહ્યું નહિ....’

તેની આંખોમાંથી અવિરત આંસુઓ વહેતાં હતા.

તે પોતાની બંને હથેળી વચ્ચે મોં છૂપાવીને પોતાના નસીબ પર રડતી હતી.

સ્વગત બબડીને જાણે કે તે પોતાના હૃદયનો ભાર હળવો કરી નાંખવા માગતી હતી કારણ કે એની દુ:ખ ભરી ફરિયાદ સાંભળવાવાળું અહીં કોઈ જ હાજર નહોતું.

‘અને આનંદ... કે જેને મેં ખરા હૃદયથી પ્રેમ કર્યો હતો, જેને હું મારું જીવન માનતી હતી, આજે એ જ આનંદ મારી જીદગીનો લેણીયાત બની ગયો છેં. કહે છે – મારું ચાલે તો સુનિતાને ગોળી ઝીંકી દઉં. મારી દે આનંદ...! મને ગોળી ઝીંકી દે...! અથવા તો પછી મારા સાસરા પક્ષ તરફથી પચાસ હજાર રૂપિયા લઈને મને ઝેરનું ઈન્જેકશન આપી દે. મારા મોતથી તને આર્થિક લાભ પણ થશે અને તારા હાથેથી મૃત્યુ પામ્યાનો મને થોડી સંતોષ પણ મળશે. હું હવે આ નરક ભરી જીદગીથી કંટાળી ગઈ છું. હું મરી જવા માંગુ છું... હું હવે વધુ જીવવા નથી માંગતી.’

એ ફરીથી પોતાના વાળ પીંખવા લાગી.

પછી એણે પોતાના નીચલાં હોઠને બંને દાંત વચ્ચે પકડીને જોરથી તેને દબાવ્યો. પરિણામે તેનો નીચલો હોઠ ચીરાઈ ગયો અને તેમાંથી લોહીની પાતળી ધાર વહેવા લાગી. એના ચ્હેરા પર પીડાની રેખાઓ ફરકવા લાગી.

આંટા મારતા મારતાં અચાનક તે એકદમ ચમકી ગઈ.

એણે જોયું તો તેનો પતિ અમર નશાથી લથડીયાં ખાતો ખાતો રૂમમાં દખલ થતો હતો.

એને આવતો જોઈને સુનિતાએ ઝડપથી પોતાની હથેળીની પીઠથી આંસુ લૂંછી નાંખ્યા અને કમ્મર પર ભરાવેલા રૂમાલ વડે હોઠ પરથી નીકળતું લોહી સાફ કરી નાખ્યું.

અમર રૂમમાં દાખલ થઈ, સુનિતા પર માત્ર ઉડતી નજર ફેંકીને સીધો જ શરાબની બોટલો પડી હતી, એ કબાટ તરફ લથડીયાં ખાતો આગળ વધી ગયો.

પરંતુ તેની એ ઉડતી નજર પણ સુનિતા હૃદય સોંસરવી ઊતરી ગઈ હતી. તેનું કાળજું થર થર ધ્રુજવા લાગ્યું. કારણ કે એ નજરમાં લાગણી અને પ્રેમના નહીં પણ ધૃણા અને તિરસ્કારનાં હાવભાવ હતા.

અમરે કબાટ ઉઘાડીને તેમાંથી શરાબની બોટલ કાઢી.

‘અડધી રાત વીતી ગઈ છે અને છતાં પણ તું હજુ સુધી જાગે છે?’ એણે ફરીથી સુનિતા સામે ઘુરકીને જોતાં નફરત ભર્યા અવાજે પૂછયું.

‘મને ઊંઘ નહોતી આવતી એટલે...’ સુનિતાનો અવાજ ધ્રુજતો હતો.

‘કેમ...? તને તારા યારની યાદ સતાવે છે કે શું? એની વાતને વચ્ચેથી કાપી નાખીને અમરે કટાક્ષથી પૂછ્યું.

‘ય...યાર...?’ જાણે અમરે લોખંડનો ધગધગતો સળીયો પોતાના હૃદયમાં ચાંપી દીધો હોય એમ સુનિતા તડપી ઊઠી. અમરના શબ્દો એના કાનમાં પીગળેલા સીસાની જેમ ઉતરી ગયા હતા. યાર નામનો એ શબ્દ કમનસીબ સુનિતા જેવી પતિવ્રતા સ્ત્રીના આત્માને સળગતાં કોલસાની જેમ દઝાડી ગયો હતો.

અમર શરાબની બોટલને સ્ટૂલ પર મૂકીને પલંગ પર બેલી ગયો હતો. પાણીથી ભરેલોં જગ અને કાચનો એક ગ્લાસ અગાઉથી જ સ્ટુલ પર પડ્યા હતા.

એણે ગરમ ધાબળો પોતાના શરીર પર વીંટાળી લીધો પછી તે એટીકશે સુનિતા સામે ધૃણાથી તાકી રહીને તિરસ્કાર ભર્યા અવાજે બોલ્યો, ‘સાલ્લી વેશ્યા...! મારી સાથે લગ્ન પહેલાં તું શુ કરતી હતી એની મને બધી જ ખબર છે સમજી?’

‘શ...શુ...?’ વેશ્યા નામનો આ શબ્દ સુનિતાના શરીર અને આત્મા પર જાણે કે ચાબુકના ફટકાની જેમ વિંઝાયો. તેનું મન આંતરિક પીડાથી ભરાઈ આવ્યુ. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. તેને આખો યે રૂમ ગોળ ગોળ ફરતો લાગ્યો.

‘મારી સાથે લગ્ન કર્યા પહેલા, તારે કોની કોની સાથે સબંધો હતા, અને તું શું ગોરખધંધા કરતી હતી એ પણ હવે મારે જ કહેવું પડશે?’ અમરના અવાજમાં સુનિતા પ્રત્યે જાણે કે નફરતનો દાવાનળ ભભુકતો હતો, ‘સાલ્લી હરામખોર... તું તારે ઘેરથી મારે માટે કરિયાવરનાં નામ પર એક પૈસા પણ નથી લાવી શકી. કમ સે કમ તારું શરીર તો પવિત્ર લાવવું હતું! તેં તારી પવિત્રતા અને પતિની અમાનત પણ મારી સાથે લગ્ન પહેલાં ગુમાવી દીધી સાલ્લી કુલ્ટા...!’

‘ન...નહીં.... ભગવાનને ખાતર આવું ન કહો...! તમે જોઈએ તો મને તમાચો ઝીંકી દો, પણ મહેરબાની કરીને આવા ગંદા આક્ષેપો મારા પર ન કરો.’ સુનિતા પોતાના બંને કાન પર હથેળી દબાવીને ચીસ જેવા અવાજે બોલી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમરના મોંમાંથી નીકળેલાં એક એક શબ્દો હથોડાના તોતિંગ ફટકાની જેમ તેના હૃદય પર પડ્યા હતા. મનોમન તે સાવ ભાંગી પડી.

અમર સુનિતા પરથી નજર ખસેડીને રૂમની છત પર સળગતાં દુધીયા બલ્બ સામે તાકી રહ્યો હતો. ડૉક્ટર આનંદ વિશે સુનિતાને જણાવવું કે નહીં એનોં તે વિચાર કરતો હતો. છેવટે જો નક્કી થયા મુજબ ડૉક્ટર આનંદના હાથે જ સુનિતાનું ખૂન કરાવવું હોય તો અત્યારે તેની બાબતમાં સુનિતાને જણાવવું યોગ્ય નથી એવા નિર્ણય પર તે આવ્યો. લગ્ન પહેલાં સુનિતા અને આનંદ વચ્ચેના પ્રેમસંબંધો વિશે પોતે જાણે છે એ વાત સુનિતાને નહીં કહેવાનું તેણે નક્કી કરી નાખ્યું હતુ.

મનોમન નિર્ણય કર્યા પછી ફરીથી તેની નજર બલ્બ પરથી પસીને પોતાની પત્ની એટલે કે સુનિતા પર સ્થિર થઈ ગઈ. એની નજરમાં હજુ પણ નફરતના હાવભાવ છવાયેલાં હતા. તે પોતાની નશાથી લાલઘુમ થઈ ગયેલી, અડધી બીડાયેલી આંખે સુનિતા સામે તાકી રહ્યો હતો.

સુનિતા રૂમની વચ્ચે થર થર ધ્રુજતી ઊભી હતી.

અમરની ધૃણાભરી નજર ઝેરીલી સોયની જેમ તેના હૃદયમાં ખૂંચતી હતી.

અમરના દિમાગમાં પોતે થોડી વાર પહેલા બંગલાની દીવાલ તરફ નાશી જતો જોયેલો શાલવાળો લંગડો અટવાયેલો હતો. રહી રહીને એની આંખો સામે એ વખતનું ર્દશ્ય ચલચિત્રની જેમ ઊપસી આવતું હતું.

પરંતુ અત્યારે અડધી રાત્રે સુનિતાને જાગતી જોઈને અચાનક તેનાં ખટપટિયા અને શંકાશિલ દિમાગમાં વિજળીની જેમ એક વિચાર ઝબૂક્યો. અને એ વિચાર આવાતાં જ એણે પોતાની લાલઘુમ આંખો પૂરેપૂરી ઉઘાડી નાખી. પછી સુનિતા સામે વેધક નજરે જોઈને, બંદૂકમાંથી ગોળી છૂટે એ રીતે સહસા પૂછ્યું, ‘પેલો લંગડો કોણ હતો?’

પરંતુ સુનિતા તેને ઓળખતી હોય તો જવાબ આપેને? પરિણામે પળભર માટે ખમચાઈને એણે જવાબ આપ્યો, કે.. કોણ લંગડો...?’

‘એ જ કે જે થોડીવાર પહેલાં તને મળવા આવ્યો હતો અને જેને માટે તું અત્યારે અડધી રાત્રે પણ જાગે છેં!’

પોતાના પર ઓઢાડવામા આવેલો આ નવો આરાપ સાંભળીને સુનિતા પર જાણે કે વિજળી ત્રાટકી, તે થોડી પળો માટે તો કિંકર્તવ્ય વિમૂઢ જેવી બની ગઈ. પછી સાહસ એના ચ્હેરા પર ક્રોધના હાવભાવ છવાઈ ગયા. ક્રોધથી એની આંખો સળગવા લાગી. પરંતુ એ પોતાનો ક્રોધ કોના પર ઉતારે? જે વાતો, અને આરોપોથી તેને ક્રોધ ચડ્યો હતો. એ વાતો બીજાં કોઈએ નહીં પણ એના પોતાના પતિએ જ કરી હતી. એના સુહાગે જ તેના પર આરોપો મૂક્યા હતા. અને એ પોતાની સાથે કરિયાવર નહોતી લાવી એટલે તેને એનાં આરોપો, કડવી વાતો સહન કર્યા વગર પણ છૂટકો નહોતો.

એણે તરત જ ગુસ્સો થૂંકી નાખ્યો. હોઠ સખ્તાઈથી બંને દાંત વચ્ચે દવાબી દીધાં. પછી તે દોડીને અમરના પગમાં પડી ગઈ અને તેના પત્ર સાથે પોતાનું માથું અથડાવતાં, રડતાં રડતાં બોલી:

‘શા...શા માટે મારા પર એક પછી એક ખોટા આરોપો મૂકો છો? કોઈ લંગડાની મને ક્યાંથી ખબર હોય? હું તો એવા કોઈ જ માણસને ઓળખતી પણ નથી. હું... હું તો અત્યાર સુધી તમારી જ રાહ જોતી જાગતી હતી, કે ક્યારે તમે માજીનાં રૂમમાંથી આવો અને હું રોજની જેમ થોડીવાર તમારા પગ દાબીને તમને સૂવડાવી દઉં! હું તો... હું તો...’ એના બાકીના શબ્દો ધ્રુંસકા વચ્ચે ગળામાં જ દબાઈ ગયા. એની આંખોમાંથી નિરંતર રીતે આંસુઓ વહેતા હતા. ઇચ્છા હોવા છતાં ય કંઠ રૂંધાઈ જવાને કારણે તે કંઈ બોલી શકતી નહોતી.

અમરે ચૂપચાપ સ્ટ્રલ પર પડેલા ગ્લાસ તરફ હાથ લંબાવ્યો. અચાનક તેની નજર સુનિતાનાં સાડી ખસી ગયેલા બ્લાઉઝ પર પડી. વાસનાનું એક તીવ્ર લખલખું. વિજળીનાં કરંટની જેમ તેના પગથી માથા સુધી ફરી વળ્યું. એની નશાથી લાલઘુમ બની ગયેલી આંખોમાં વાસનાની ચમક પથરાઈ ગઈ. ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો સખત બની ગયો.

એણે બંને હથેળી વચ્ચે સુનિતાનો ચ્હેરો પકડીને ઊંચો કરતાં લથડતાં અવાજે કહ્યું, ‘તો તને પતિની એટલે કે મારી સેવા કરવાનો મોકો મળે એટલા માટે જ અત્યારે સુધી જાગતી હતી ખરુ ને? તું ખરેખર જ એક પતિવ્રતા સ્ત્રી છોં. ચાલ, તો પછી હવે મારી સેવા કરવાનો તને મોકો આપું છું. સૌથી પહેલાં તો મારે માટે એક પેગ બનાવ. ત્યારબાદ મારા પગ દાબી દેજે. આજે ઘણાં દિવસ પછી મેં તને ધ્યાનથી જોઈ છે એટલે મને થયું કે તને મારી સેવા કરવાની તક આપવી જોઈએ.’

‘તમે...તમે મને તમારી સેવા કરવાની તક આપો એ તો મારું સદ્દભાગ્ય જ કહેવાય!’ અમરની સ્વાર્થ વૃત્તિથી અજાણ સુનિતા પ્રસન્ન અવાજે બોલી, ‘તમે જે કહેશો તે હું હસતા મોંએ કરીશ. પણ આ પેગ તૈયાર કરવાનું કામ... બસ, આ એક જ કામ હું કરી શકું તેમ નથી. મને શરાબથી ખૂબ જ નફરત છે એ તો તમે જાણો જ છો અને...અને...’

‘અને પતિથી પણ નફરત છે ખરું ને? કારણ કે પતિ શરાબી છે!’ એની વાતને વચ્ચેથી કાપી નાખીને અમરે કહ્યું. પછી એવું સુનિતાને પોતાની તરફ ખેંચી તેના ગાલ પર પોતાના બંને દાંત ભરાવીને બોલ્યો, ‘હું પણ તને પ્રેમ નથી કરતો વેશ્યા! હું તને માત્ર નફરત જ કરું છું! પરંતુ લગ્ન પહેલાં પણ જો તું બીજાઓ સાથે સંબંધો રાખતી હતી તો થોડી વાર માટે સાથે પણ મજા કરી લઉં તો એમાં શું મને શું વાંધો હોય? પછી ભલેને મારે મન તારી કિંમત એક વેશ્યાથી વધારે ન હોય? એનાંથી મને શું ફર્ક પડવાનો છે? કહીને અમરે સ્ટ્રલ પર પડેલી બોટલ ઊંચકી, દાંતથી તેનું સીલ ઉઘાડી અને એકી સાથે કેટલા યે ઘૂંટડાઓ ગળે ઉતારી નાખ્યા. પછી બોટલ સ્ટ્રલ પર મૂકીને એણે સુનિતાને જોરથી પોતાની સાથે દબાવી દીધી.

અને સુનિતા...?

જાણે પોતે કોઈ સ્ત્રી નહીં પણ ખરેખર જ વેશ્યા હોય અને અત્યારે ભૂખ્યા વરૂની જેમ પોતાનાં દેહને પોતાની ઇચ્છા વિરૂદ્ધ ચૂંથતો માણસ પોતાનો પતિ નહીં પણ કોઈક ગ્રાહક હોય એવો સુનિતાને ભાસ થતો હતો.

આ વિચાર આવતાં જ એણે પોતાનું શરીર જાણે તેના પર પોતાનો કોઈ જ હક ન હોય એ રીતે ઢીલું મૂકી દીધું.

સમય એની રીતે પસાર થતો જતો હતો.

અને સુનિતા મૂંગો મોંએ પતિનો જુલમ સહન કરતી જતી હતી.

જુલમ સહન કરતાં કરતાં જ તેને ઊંઘ આવી ગઈ. અમર નામનો નરાધમ ક્યારે પોતાની હવસની આગ બૂઝાવીને ચાલ્યો ગયો એની પણ એને ખબર નહોતી. ઊંઘમાં પણ તે માનસિક પરિતાપથી કણસરતી હતી. આંતરિક વેદનાની, પીડાની રેખાઓ અત્યારે તેના નિંદ્રાધિન ચ્હેરા પર છવાયેલાં હતી.

‘સુનિતા... એ સુનિતા...’

પોતાની સાસુ કમલાનો કઠોર, નઠોર અને કટાક્ષભર્યા અવાજને બદલે એણે એકદમ કોમળ અવાજ સાંભળ્યો. અવાજમાંથી આ વખતે રાબેતા મુજબ ધગધગતાં અંગારા નહીં પણ જાણે ફૂલ ઝરતા હતાં.

અવાજ સાંભળી, ઝબકી, પલંગ પર બેઠી થઈને એણે વિસ્ફારિત નજરે કમલા સામે જોયું અને પછી બીજી જ પળે તે એકદમ ડઘાઈ ગઈ.

કમલા જાણે તેની સાસુ નહીં પણ સગી જનેતા હોય એવા હાવભાવ ભર્યા ચ્હેરે સ્મિત ફરકાવતી અપાર વાત્સલ્યથી હસતી નજરે તેની સામે તાકી રહી હતી.

સાસુનું બદલાયેલું રૂપ અને વર્તન જોઈને જ તે હેબતાઈ ગઈ હતી.

‘સુનિતા...આખી રાતનો ઉજાગરો કર્યો લાગે છે તે...?’ એ મુલાયમ અવાજે બોલી, ‘જરા જાગીને જો તો ખરી... અત્યારે સવાર નહીં પણ બપોરના ચાર વાગ્યા છે. ઉઠ, હવે... જલ્દી કર...આજે આપણે બધાએ નવી આપેલી મોટરમાં આબુ ફરવા માટે જવાનું છેં રાત્રે નવ નીકળવાનું છે. અમર, રાજેશ, મધુ, હું તું અને તારા પપ્પા (સસરા) આપણે બધા જઈએ છીએ. સવારે પાંચેક વાગ્યે પહોંચી જઈશું.’

સાસુનું માયાળું વર્તન જોઈને એણે મનોમન ભગવાનનો ઉપકાર માન્યો. જરૂર પરમાત્માનો બધાને સારી બુદ્ધિ આપી છે એમ તે માનવા લાગી.

***

બંને તરફ ઊંચી ઊંચી ભેખડો, વૃક્ષો અને ગીચ જંગલની વચ્ચેથી નીકળતી એ સાંકડી, સર્પાકાર સડક પર હિરાલાલની મોટર આગળ ધપતી હતી. બિયાંબાન જંગલમાં ભયાનક સન્નાટો છવાયેલો હતો. આ વિસ્તાર અત્યંત ખતરનાક અને જોખમી વળાંક હોવાથી ભાગ્યે જ કોઈ વાહનવાળાઓ રાતના સમયે નીકળતા હતા. થોડી વાર પછી રસ્તાની બંને તરફ ઊંડી ખીણ શરૂ થઈ ગઈ. સડક હવે ધીમે ધીમે ઊંચે ચડતી જતી હતી.

આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલાં હતા. તેમ છતાં ચંદ્રમાં ક્યારેક ક્યારેક વાદળાની ઓટમાંથી ડોકીયું કરી લેતો હતો.

આગલી સીટ પર રાજેશ, હિરાલાલ અને કમલા બેઠાં હતાં પાછલી સીટ પર અમર, મધુ અને સુનિતા બેઠાં હતાં. રાજેશ કાર ચલાવતો હતો.

એ બધાનું વર્તન અચાનક જ ફરી ગયું હતું. જાણે સુનિતા એ કુટુંબમાં સાક્ષાત લક્ષ્મીના રૂપમાં આવી હોય એ રીતે સૌ કોઈ તેને માન અને આદરથી બોલાવતા થઈ ગયા હતા.

સડક હવે પૂરી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. આગળ-પાછળ ક્યાંયથી કોઈજ અન્ય વાહનોની આવતી નહોતી. વાતાવરણમાં એન્જિનના અવાજને બાદ કરતાં ભેંકાર સન્નાટો છવાયો હતો.

અચાનક રાજેશે સડક પરથી કારને ડાબી તરફ કિનારા પાસે લઈને ઊભી રાખી દીધી.

કારની હેડ લાઈટ ચાલુ જ હતી.

‘એન્જિનમાં કંઈક ખોટકો થયો લાગે છેં. રાજેશ બખડ્યો. અને પછી નીચે ઉતરી, બોનેટ ઉઘાડીને ટોર્ચના અજવાળામાં અંદરના તાર તપાસવા લાગ્યો. થોડી પળો બાદ પાછલી સીટ તરફ જોઈને અંધકારમાં જ એ બોલ્યો, ‘તમે બધા નીચે ઉતરી જાઓ. મોટરને ધક્કા મારીને ચાલુ કરવી પડશે.’

તેઓ બધા ટપોટપ કરતા બારણા ઉઘાડીને અંધારી સડક પર ઊતરી આવ્યા.

‘રાજેશ, મોટરને ધક્કા મારીને ચાલુ કરતા પહેલાં આપણે એક બીજું જરૂરી કામ પૂરું કરી નાખીએ તો? કહીને કમલાએ વક્ર નજરે સુનિતા સામે જોયું. તેઓ બધા આગલા બારણાં પાસે હેડ લાઈટના તીચ્છા પ્રકાશમાં ઊભા હતા.

કંઈ ન સમજાવાથી સુનિતાએ કમલાના ચ્હેરા સામે નજર કરી અને બીજી જ પળે તે એકદમ હેબતાઈ ગઈ. ભય અને દહેશતથી એની નજર ફાટી પડી.

કારણ-કમલા તેની સામે ચુડેલની નજરે તાકી રહી હતી. એ નજરમાં સુનિતા પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર અને ધૃષ્ણાના હિંસાત્મક હાવભાવ છવાયેલા હતા.

‘તમે...તમે મારી સામે આમ શા માટે જુઓ છો?’ કહેતાં કહેતાં વારાફરતી તેની નજર પોતાના પતિ અમર, સસરા હિરાલાલ, નણંદ મધુ, અને દિયર રાજેશ પર ફરીવળી. આ બધાના ચ્હેરા તો કમલા કરતાં પણ ચાર ચંદરવા વધુ ચડે એવા ભયાનક બની ગયા હતા.

આંખના પલકારમાં તે સમજી ગઈ કે આબુ ફરવા જવાને બદલે આ લોકોએ પોતાને મારી નાખવા માટેનો નક્કર પ્લાન બનાવ્યો હતો અને પોતે એ લોકોના માયાળુ વર્તનથી છેતરાઈ ગઈ હતી.

કાગડો ક્યારેય રામ ન બોલે એ કહેવત પોતાને યાદ રાખવાની જરૂર હતી.

મોતના ભયથી તે કમકમી ઊઠી. એના માનસ ચક્ષુઓ સામે જાણે કે સાક્ષાત યમરાજ પોતાના અલમસ્ત પાડા પર અસ્વાર થઈને ભયાનક દાંતો ચમકાવતો, ખીખીયારા કરતો, ચીચીયારી બોલાવતો, વિકરાળ રૂપ ધારણ કરીને હવાની સપાટી ચીરતો પોતાની સામે ઘસી આવતો દેખાતો હતો. મોતના ભયથી તે બેબાકળી બની ગઈ.

એ પાંચે જણ હવે તેને ઘેરી વળ્યા હતા. દિપડાના ટોળા વચ્ચે ઘેરાયેલી માસૂમ બકરી જેવી દયનિય સ્થિતિ એની બની ગઈ હતી.

‘નહીં...નહીં...’ તે કરગરીને હાથ જોડતી બોલી, ‘તમે લોકો મને મારી નાખવા માટે અહીં લઈ આવ્યા છો એ હવે મને સમજાય છે. મોટર બગડવાનું તો રાજેશે માત્ર બહાનું જ કાઢ્યું છેં મારા પર દયા કરો. ભગવાન તમારું ભલું કરશે. હવે અવાજની સાથે સાથે તેનો દેહ પણ થરથર ધ્રુજતો હતો.

‘તું મરી જા એટલે અમારું ભલું થઈ ગયું છે એમ જ માની લે ને! જે કામ તારાથી થઈ શકે તેમ છે. એ તું ભગવાનને શા માટે સોંપે છેં.? આમાં વળી તું ભગવાનને ક્યાંથી વચ્ચે લઈ આવી? કહેતાં કહેતાં હિરાલાલના હોઠ પર પૈશાચિક હાસ્ય છવાયું.

અને પછી એની કાકલુદી, વિનંતી લાચારી બધી જ વ્યર્થ ગઈ. એને લાગ્યું કે આ સંસારમાં ભગવાન જેવી કોઈ ચીજ છે જ નહિ અને કદાચ ખરેખર હોય તો પણ અત્યારે તે પોતાની તરફ આંખો મીંચી ગયો છે.

એની આજીજીની કશી યે અસર થઈ નહિં. જીવવા માટેના એના તમામ ધમપછાડાઓ વ્યર્થ ગયા.

મોટરની બત્તીના ધોધમાર અજવાળાથી ઉજાગર થયેલા એ બધાના ચ્હેરા પર ખૂની ચમક પથરાયેલી હતી.

એની કમજાત નણંદ મધુના ડાકણ જેવા ખડખડાટ હાસ્યથી સૂમસામ સન્નાટો તૂટી જતો હતો.

પછી તેના અનહદ વિરોધ વચ્ચે ચારેયે એક એક હાથ અને એક પગ ઊંચકી, ટીંગા ટોળી કરીને તેની ખીણની ધાર પાસે લઈ ગયા. એ ચારેય એક એક હાથ અને એક એખ પગ ઊંચકી ટીંગા ટોળી કરીને તેને ખીણની ધાર પાસે લઈ ગયા. એ ચારેય ના હાથમાં તેનો દેહ તડપતો હતો, ઉછળતો હતો, આ નરાધમોના હાથમાંથી છૂટવા માટે તે હજુ વલખા મારતી હતી અને બચાવો... બચાવોની ચીસો પાડતી હતી.

પણ વિધાતાએ તેનું લખેલું આયુષ્ય કદાચ પૂરું થવાની અણી પર હતું. ભગવાન પોતાની ઉંઘમાંથી જાગ્યો નહીં કે સળવળ્યો નહીં કોઈ જ તેને બચાવવા માટે આવ્યું નહી.

ઊંડે ઊંડે તેને આશા હતી કે જરૂર કોઈકને કોઈક ફિલ્મના હીરોની જેમ અજાણ્યો મદદગાર અંધારામાંથી ભૂતના ઓળાની જેમ ફૂટી નીકળશે અને પોતાને બચાવી લેશે.

પણ જગતમાં કલ્પનાને છેડે હંમેશા અસત્ય જ નીકળે છે.

કોઈ હીરો આવ્યો નહીં કોઈ હાતિમતાઈ આવ્યો નહીં.

ઘટાટોપ કાળા વાદળાઓથી ઘેરાયેલું આકાશ જાણે તેની અસહાય સ્થિતિ જોઈને ચૂપચાપ મૂક આંસુ સારતું હોય તેમ નીચે ધરતી પર એકદમ ધીમા વરસાદના ફેરા પડવા શરૂ થયા. પોતે તેને કશીયે મદદ નથી કરી શકતો એવા વિચારે ચંદ્રમાં પણ જાણે કે શરમનો માયો કાળા ડીબાંગ વાદળો પાછળ ક્યાંક અલોપ થઈ ગયો હતો.

મોટરની બત્તીના પ્રકાશ સિવાય અંધકારનું સામ્રાજ્ય પથરાયેલું હતું. એના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

એ ચારેયના હાથમાં જકડાયેલા એના દેહે હીંચકા ખાવા શરૂ કર્યા.

એના કંઠમાંથી કાળ જગરી ચીસો નીકળીને હવાની સપાટી થરથરાવતી શૂન્યમાં વિલીન થવા લાગી.

પછી એનો દેહ એ ચારેય ના હાથમાંથી છટકીને નીચે સેંકડો ફીટ ઊંડી, અંધારી અને મોતના જડબા જેવી વિકરાળ ખીણમાં ઝંપાટાબંધ નીચે ઉતરવા લાગ્યો. એના કાનમાં એકદમ ઊંચે એ સૌનું ભયંકર અટ્ટહાસ્ય સંભળાયું.

અનેત્યારબાદ કરી એક વાર એના ગળામાંથી બચાવાની છેલ્લી ચીસ નીકળી હતી.

અટ્ટહાસ્યોનો અવાજ શમી ગયો હતો.

એજ વખતે સુનિતાની આંખો ઉઘડી ગઈ. એનું આખું શરીર પરસેવે રેબઝેબ બની ગયું હતું. હૃદયનાં ધબકારા એકદમ વધી ગયાહતા.રહી રહીને તેનાં દેહને આંચકા લાગતા હતા. તે હિસ્ટીરીયાનાં દર્દીની જેમ ધ્રુજતી હતી. એના ચ્હેરા પર ભય અને ગભરાટના હાવ ભાવ છવાયેલા હતા.

પછી પોતે જે કંઈ જોયુ અને અનુભવ્યું તે હકીકત નહીં પણ પોતાને આવેલું સ્વપ્ન હતું એનું તેને ભાન થયું.

એની ચીસ સાંભળીને તેની બાજુમાં જ સૂતેલા અમરની ઊંઘ ઊડી ગઈ. એણે નશાથી લાલઘુમ નજરે પહેલાં દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. પછી સુનિતાના ખભા પકડે તેને હચમચાવતાં એ કઠોર અવાજે બોલ્યો, ‘શું છે...? તું પાગલની જેમ ચીસો શા માટે નાખે છે? હજુ તો માત્ર પાંચ જ વાગ્યા છે. શું કામ મારી ઊંઘ બગાડે છેં.? તેને ઊંઘ ન આવતી હોય તો કબાટમાં ઊંઘની ગોળી પડી છે એ ખાઈ લે.’

સુનિતા હજુ પણ પોતે થોડી વાર પહેલાં જોયેલા ભયંકર સપનાના પ્રભાવ હેઠળ હતી. એની આંખો સામે પોતે જોયેલા સપનાંના એક એક ર્દશ્યો ચલચિત્રની જેમ ઊપસી આવતાં હતા.

‘મ...મને...’ એણે ધ્રુજતા અવાજે કહ્યું,’મને એક ખૂબ જ ભયંકર સપનું આવ્યું હતું અને એ કારણસર જ ભયથી મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી. અને...

‘જહાન્નમમાં ગયું તારું સપનું... અને સાથે તારે જવું હોય તો તું પણ જા...! એમાં મારી ઊંઘ શા માટે બગાડે છે? મને નિરાંતે સૂવા દે!’ અમર રૂક્ષ અવાજે બોલ્યો.

પછી તે પડખું ફેરવીને સૂઈ ગયો.

થોડી પળોમાં જ રૂમના શાંત વાતાવરણમાં તેના નસકોરાનો અવાજ ગુંજવા લાગ્યો.

અને સુનિતાને ઘણા પ્રયાસો કરવા છતાં પણ ઊંઘ આવી નહીં. એ આંખ બંધ કરતી કે તરત જ તેનાં કલ્પના ચક્ષુઓ સમક્ષ થોડી વાર પહેલાં સપનામાં જોયેલાં ર્દશ્યો અટ્ટહાસ્ય કરતાં આવીને ઊભાં રહી જતાં હતા. એના દિમાગની નસેનસ ફાટી પડતી હતી.

પછી ધ્રુજતા હાથે એણે પોતાનાં વસ્ત્રો પહેર્યાં. ત્યારબાદ નફરતથી પોતાના પતિ સામે જોયું. એ પતિ કે જે એને સ્ત્રી નહીં પણ શારિરિક વાસના સંતોષવાનું સાધન માત્ર જ સમજતો હતો.

પછી એક ઊંડો નિ:સાસો નાંખી, પલંગ પરથી નીચે ઉતરીને તે બાથરૂમ તરફ આગળ વધી. એના દિમાગમાંથી હજુ પણ પેલું સપનું ખસતું નહોતું. એનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકતું હતું. વહેલી સવારે જોયેલાં સપનાં આ સાચાં પડે છેં. એવું તેણે સાંભળ્યું હતું તો શું પોતે જોયેલું સપનું પણ સાચું પડશે...? એનો તે વિચાર કરતી હતી.

હાડ થીજાવી નાંખે તેવી ઠંડી પડતી હોવા છતાં પણ એ કેટલી યે વાર સુધી બાથરૂમમાં ઠંડા પાણીએ નહાતી રહી. જાણે શરીર પરથી બધી જ ગંદકી દૂર કરી નાંખવી હોય એમ તે ઘસી ઘસીને સાબુ લગાડતી હતી. આજ પહેલાં અનેક વાર પોતાનું શરીર અમરને સોંપ્યુ હતું. પરંતુ ગંદકીનો આભાસ તેને માત્ર આજે જ થયો હતો.

એનાં કાનમાં અમરે કહેલાં શબ્દો હજુ પણ નગારાની જેમ ગુંજતા હતા- ‘પ્રેમ તો હું પણ તને નથી કરતો...! હું તને માત્ર નફરત કરું છું...! પરંતુ લગ્ન પહેલાં પણ જો તું બીજાઓ સાથે સંબંધો રાખતી હતી તો થોડી વાર માટે તારી સાથે હું પણ મજા કરી લઉં એમાં મને શું વાંધો હોય? પછી ભલેને મારે મન તારી કિંમત એક વેશ્યાથી વધારે ન હોય! એનાંથી મને શું ફર્ક પડવાનો છે.?’

સાબુ ઘસતાં ઘસતાં અનાયાસે જ એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. એ વિચારતી હતી-હાં મારામાં અને, મારો શરાબી પતિ જેમની પાસે અડધી અડધી રાત સુધી પડ્યો-પડ્યો રહે છે, એ વેશ્યાઓમાં શુ ફર્ક છે? શું અંતર છે?

એની વિચારધારા આગળ વધતી હતી.

અમારા બંને વચ્ચે જો કંઈ ફર્ક હોય તો તે એટલો જ છેં. કે બીજી વેશ્યા પાસે પોતાની વાસના સંતોષ્યા બાદ મારો પતિ તેના હાથમાં પૈસા મૂકે છેં. અને મારા હાથમાં નહીં! એ પૈસા મેળવવા માટે પોતાનું શરીર સોંપે છેં. અને હું લાગણી અને લાચારીને કારણે મારૂં શરીર સોપું છું. શું એક ધંધાદારી વેશ્યામાં અને પત્નીમાં આટલો જ ફર્ક છે? મારો પતિ કે જેને હું માત્ર પતિ જ નહીં પરંતુ મારો પરમેશ્વર પણ માનું છું, એની નજરમાં મારી આટલી જ હેસિયત છે? શું હું માત્ર જીવતી જાગતી કઠપૂતળી જ છું કે જેને મારો પતિ મને ફાવે તેમ નચાવે છેં અને ઇચ્છા પડે ત્યારે મને પોતાની પાસે ખેંચીને વાસના સંતોષી લે છેં? શું એને મન મારી આટલી જ કિંમત છેં?

એની આંખો રડી રડીને, લાલઘુમ બનીને સૂઝી ગઈ હતી.

એના હૃદયના ટૂકડેટૂકડા થઈ ગયા. એના હૃદયમાંથી પીડા-ભર્યા ચિત્કારો નીકળતા હતા-કાશ... આનાં કરતાં તો એ દિવસે પબ્લિક ગાર્ડનમાં હું આનંદની સલાહ માનીને તેની સાથે આ પૈસા અને કરિયાવરની ભૂખી, સ્વાર્થી દુનિયાને ઠોકર મારીને નાસી છૂટી હોત તો આજે મારે મારા પતિના અને સાસુ-સસરાના મ્હેણાં ન સાંભળવા પડત! કરિયાવર માટે મારો જીવ જોખમમાં ન આવી પડત!

પણ...પણ આજે તો આનંદ પણ એ લોકોની તરફ થઈ ગયો છેં.એ પણ મારા જીવનો દુશ્મન બની ગયો છે. તે મારી સાથે બદલો લેવા માંગે છેં. સુનિતા ચોધાર આંસુએ રડતી રડતી પાગલની જેમ બાથરૂમની દીવાલ સાથે માથાં પછાડતી હતી – આજે... આજે બધાં જ મને મારી નાંખવા માટે તૈયાર થયા છેં. પણ...પણ હું મરવા નથી માંગતી. મારી કોંખમાં અમરનું બાળક ઉછરી રહ્યું છેં. જો હું મરી જઈશ તો મારી સાથે સાથે તે પણ આ દુનિયામાં આવ્યા પહેલાં જ ખતમ થઈ જશે. ના, મારે કમસે કમ તેને ખાતર તો જીવવું જ જોઈએ. હું મારો નાશ કરી શકું તેમ છું પણ તેના નહી! હે ઈશ્વર... તે આજે મને કેવા લાચાર સંજોગોમાં ધકેલી દીધી છે.? હું નથી જીવી શકતી કે નથી મરી શકતી! હું શું કરૂં...? શું કરૂં?

કેટલીયે વાર સુધી એ કમનસીબ, માસૂમ સુનિતા બાથરૂમની દીવાલ સાથે માથાં પછાડતી રહી. ધ્રુંસકા ભરતા રહી પછી અચાનક પોતાની સાસુ કમલાનો રોષ ભર્યો અવાજ સાંભળીને તે એકદમ ચમકી ગઈ. વિચારમાં ને વિચારમાં કેટલો સમય પસાર થઈ ગયો છે એની પણ તેને ખબર નહોતી. કમલા કહેતી હતી.

‘ઓ મહારાણીની દિકરી...! હજુ કેટલી વાર સુધી તારે નહાવું છે? તને બાથરૂમમાં ગયા ને એક કલાક થઈ ગયો છે. જલ્દી બહાર નીકળીને બધાં માટે ચા બનાવી નાંખ!’

એનો કઠોર અવાજ સાંભળીને સુનિતા કંપી ઊઠી જેમ તેમ સાહસ એકઠું કરીને એણે અંદરથી જ જવાબ આપ્યો, ‘ પણ... પણ માજી, સવારની ચા તો દરરોજ બંસીકાકા જ બનાવે છે. તો પછી આજે... શું તેમની તબીયત સારી નથી?’

‘ઓહ...’ કમલાએ હિંસક અવાજે કહ્યું, ‘તો હવે માંકડને પણ આંખો આવી એમ ને? તું મારી સાથે જીભાજોડી કરે છે? હું બહાર નીકળ બંસીની બચ્ચી...! હું તારી ચામડી ઉતરડી નાંખીશ. એક દિવસ ચા બનાવવાનું કહ્યું એમાં તો બિચારીને કંઈ ને કંઈ થઈ ગયું! રોજ સવારે ચા-નાસ્તો કોણ બનાવે છેં. એની મને ખબર નથી? પણ સાંભળ, બંસીને મેં આજથી છૂટો કરી દીધો છેં. અને તેની સાથે સાથે ઘરડી કામવાળીને પણ રજા આપી દીધી છેં. આપણું કામ કરવાની હવે તેમનામાં તાકાત રહી નહોતી. આજથી ઘરનું બધું કામ તારે જ કરવાનું છે. સાંભળ્યુ તે? કહીને તે બાથરૂમથી દૂર જતાં જતાં બબડી, ‘હરામખોર મારી સાથે જીભાજોડી કરે છે, સાલ્લી મને સમજાવે છેં. કે ચા-નાસ્તો તો બંસી બનાવે છેં. એમી માનાં ઘરમાં તો જાણે ચોવીસે ય કલાક નોકરો તેની પાછળ આંટા મારતા હતા ને? કામ કરતાં તો સાલ્લીના હાથ ઘસાઈ જાય છેં. અને જાણે લાખો રૂપિયા કરિયાવરમાં લાવી હોય તેમ હુકમ કરે છેં. પણ તું જો તો ખરો...! હું તને નેતર જેવી સીધી ન કરી દઉં તો મારું નામ કમલા નહીં...! તું મને શું સમજે છેં?’

કમલા બબડતી બબડતી ચાલી ગઈ.

એના ગયા પછી સુનિતા બંને હથેળી વચ્ચે ચહેરો છૂપાવીને ધ્રુસકા ભરતી ભરતી સ્વગત બબડી, ‘ઓ મા... તેં શા માટે તારી હેસિયત કરતાં મોટા-પૈસાદાર કુંટુંબમાં મારાં લગ્ન કર્યાં? શા માટે ? શા માટે...?’

પરંતુ એની વાત સાંભળવા માટે ત્યાં કોઈ જ હાજર નહોતું.

પછી તે વસ્ત્રો બદલાવીને બાથરૂમમાંથી બહાર નીકળી.

બહાર દિવસ ઊગી ગયો હતો. પરંતુ ઝાકળ હોવાતી હજુ અંધકાર પૂરેપૂરો દૂર નહોતો થયો. ઠંડી સખત પડતી હતી.

સુનિતાએ ટુવાલથી પોતાના ભીનાં વાળ લૂંછી નાંખ્યા. પછી ખભા પર શાલ ઓઢી, નશામાં ચકચુર બનીને ગાઢ ઉંઘમાં સૂતેલાં અમર પર ઉડતી નજર ફેંકીને તે ચા બનાવવા માટે રસોડા તરફ આગળ વધી.

એનું મન ખૂબ જ ભારે થઈ ગયું હતુ. પરંતુ એનું મન કામ કરવું પડે એટલા માટે નહીં પણ જે રીતે મ્હેણાં મારીને, ગાળો દઈને કામ કરવાનું કહેવામાં આવ્યું હતું એ અપમાન-જનક ભાષાથી થઈ ગયું હતુ.

રસોડામાં પહોંચતા જ તે એકદમ ચમકીને ઊભી રહી ગઈ. આટલી સખત ઠંડી હોવા છતાં પણ કમલા ત્યાં મોઝુદ હતી અને સૌંથી આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ હતી કે તે અભેરાઈ પરથી સાફ અને સ્વચ્છ દેખાતા વાસણો પણ ઉતારીને એકઠાં વાસણોનાં ઢગલા પર મૂકતી જતી હતી. એની આંખોમા એક વિશેષ ચમક પથરાયેલી હતી.

‘આ... આ તમે શું કરો છો ગાજી...?’ સુનિતાએ અચરજથી પૂછ્યું. ‘તમે આ સ્વચ્છ વાસણો, એઠાં વાસણો સાથે શા માટે મૂકો છો?’

જવાબમાં, જાણે તેને કાચી ફાડી ખાવી હોય એ રીતે કમલાએ તેની સામે જોયું. પછી ગોફણમાંથી પથ્થર છૂટે એવા અવાજે તે બોલી, ‘આ વાસણો તને સાફ કરેલાં દેખાય છે? તું આંધળી છો કે શું? એટલું યે દેખાતું નથી? જો તો ખરો, તેનાં પર કેટલી ધૂળ ચડી ગઈ છેં? અને આ કારણસર જ મેં માયાને રજા આપી દીધી છેં. એ મન દઈને કામ નહોતી કરતી. એની આળસના કારણે જ આ વાસણો પર ધૂળ ચડી ગઈ છેં. સાલ્લી, મફતનાં પગાર લઈ જતી હતી. અને કામ કંઈ જ નહોતી કરતી. હવે આ બધાં વાસણો તારે જ સાફ કરવાના છેં. અને જો તે બરાબર સાફ નહીં થાય તો પછી તું છે ને હું છું તાર ચામડી ઉતરડી નાંખીશ સમજી? માયાને તો મે માનપૂર્વક, ફોસલાવી-પટાવીને કાઢી મૂકી છેં. પરંતુ જો સરખું કામ નહીં થાય તો હું તને ઘક્કા મારીને અહીંથી કાઢીશ એટલું યાદ રાખજે.’

સવારના પહોરમાં જ સાસુના મોંએથી આવાં કઠોર વચનો સાંભળીને સુનિતાની આંખોમાં આંસુ ઘસી આવ્યા. પરંતુ તે બંને દાંત વચ્ચે હોઠ દબાવી, આંસુને મનમાં જ ધોળીને પી ગઈ.

‘હ...હું સમજી ગઈ માજી...!’ એણે વ્યથા ભર્યા અવાજે જવાબ આપ્યો.

‘સમજી ગઈ હો તો ઠીક છે. અને હાં...’ કમલા કઠોર અવાજે બોલી, ‘આજથી ઘરનું બધું કામ તારે જ કરવાનું છે. બહાર પાછલાં ફળીયામાં ડંકી પાસે થોડા પડ્યા છેં. એ પણ સરખી રીતે ધોઈ નાંખજે. પહેલાં ચા બનાવી નાંખ. પછી નાસ્તો તૈયાર કર્યા બાદ કપડાં ધોવા બેસી જજે. અને જો તું કપડાં સરખી રીતે નહીં ધોવે તો પછી હું તેને ધોઈ નાંખીશ! એટલું યાદ રાખજે.’

‘શા માચે સવારનાં પહોરમાં આવી વાતો કરો છો માંજી...’

‘વાતો ન કરૂં તો શું તને પાટલે બેસાડીને તારી પૂજા કરૂં?’ કમલાએ બને હાથ હવામા નચાવીને છણકો કરતા કહ્યું.

‘અત્યારનો સમય તો ઈશ્વરનું રટણ કરવાનો છેં. સુનિતાં રૂંધાયેલાં અવાજે બોલી, ‘અને તમે નાહક જ આવું બોલીને તમારા અને મારા, આપણાં બંનેનાં મનને દુ:ખ પહોંચાડો છો. તમે જરા પણ ચિંતા કરશો નહીં. હું બધું જ કામ કરી નાંખીશ અને તમે કહ્યું છે તે પ્રમાણે જ કરીશ. ઠંડી સખત પડે છે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. નહીં તો નાહક જ બિમાર પડી જશો. હું હમણાં જ ચા બનાવીને તમારા રૂમમાં આપી જઉં છું.’

‘હું...’ કમલા ક્રોધથી પગ પછાડીને, રસોડામાંથી બહાર નીકળીને પોતાનાં રૂમ તરફ આગળ વધી ગઈ. એનો ક્રોધ હજુ પણ ઉતર્યો નહોતો. તે સુનિતાને ઘણું બધું કહેવા માંગતી હતી. પરંતુ સામે સુનિતાના નરમ વ્યવહારે તેને આગળ ખોલતી અટકાવી દીધી હતી.

એનાં ગયા પછી સુનિતાએ પોતાનાં આંસુ લૂછી નાંખ્યા. ત્યાર બાદ એ ચા બનાવવા લાગી.

ઘરનાં બંને નોકરોને શા માટે રજા આપી દેવામાં આવી અને બધું જ કામ પોતાનાં માથાં પર શા માટે ઝીંકી દેવામાં આવ્યું એની તેને ખબર હતી.

એનું કારણ એક જ હતું કે તે પોતાની સાથે ઓછું કરિયાવર લાવી હતી.

પરંતુ સાથે જ, કામ કરવાથી માણસ ઘસાઈ જતો નથી એ વાત પણ તે જાણતી હતી. પોતે પોતાની માને ઘેર પણ કામ કરતી જ હતી ને? અલબત્ત, મા તેની પાસે ઓછું કામ કરાવતી હતી અને ભણવામાં વધુ ધ્યાન આપવાનું કહેતી હતી. પરંતુ તે મા હતી. અને હમણાં જ જે પોતાને મ્હેણાં ટોણાં સંભળાવીને ગોળી આપી ગઈ હતી એ સાસુ હતી.

મા અને સાસુમાં આ જ તો ફર્ક હોય છે.

ગેસ સળગાવીને ચાનું પાણી મૂકતાં એનું ઘાયલ મન આ જ વિચારતું હતું.

કોણ જાણે કેમ આજે તેને પોતાની મા ખૂબ જ યાદ આવતી હતી.

તે પોતાની માને પૂછવા માંગતી હતી કે પોતાનાં લગ્નમાં કરિયાવરના રૂપમાં આપવાના હતા. એ ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ હોવા છતાં ય એણે તે રૂપિયા પોતાના સાસરા હિરાલાલને શા માટે નહોતા આપ્યા.

પોતે પોતાની સગી આંખે એ રૂપિયા જોયા હતા. અને માએ પણ એ રૂપિયા કરિયાવરમાં આપવાના છે એવું કહ્યું હતું તો પછી તે શા માટે ફરી ગઈ? એણે હિરાલાલને શા માટે એ રૂપિયા આપ્યા નહીં?

***

રેટ કરો અને રિવ્યુ આપો

Ronak Patel

Ronak Patel 8 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

Milan

Milan 11 માસ પહેલા

dilip patel

dilip patel 1 વર્ષ પહેલા

jinal parekh

jinal parekh 2 વર્ષ પહેલા