આફત - 4 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આફત - 4

આફત

કનુ ભગદેવ

4: કમનસીબ સુનિતા ...!

ચાની ટ્રે ઊંચકીને સુનિતા સૌથી પહેલાં પોતાના બેડરૂમમાં ગઈ.

અમર હજી પણ ગાઢ ઊંઘમાં સૂતો હતો.

એ થોડી પળો માટે પલંગ પાસે કિંકર્તવ્ય વિમૂઢની જેમ ઊભી રહી ગઈ. ગાઢ ઊંઘમાં, સૂતેલા અમરને ઉઠાડવો કે નહીં એનો તે વિચાર કરતી હતી. પછી એણે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. સાડા સાત વાગી ગયા હતા.

છેવટે મનોમન કંઈક નક્કી કરી, ટ્રેને સ્ટુલ પર મૂકી, એણે અમરના ખભા પકડીને તેને ઢંઢોળ્યો.

અમરે આંખો ચોળતાં ચોળતાં પડખું ફેરવ્યું.

‘ઊઠો... હું તમારે માટે ચા લાવી છું.’ એણે લાગણીભર્યા અવાજે કહ્યુ.

જવાબમાં અમરે ક્રોધથી સળગતી નજરે તેની સામે જોયું. પછી બોલ્યો, ‘હું ઊઠું...’ શા માટે? શું ઘરમાં આગ લાગી ગઈ છે અને હું જ તેને બૂઝાવી શકું તેમ છું...?’

‘શા માટે સવારના પહોરમાં આવી અપશુકનિયાળ વાતો કરો છો?’

‘અપશુકનિયાળ તો તું છો હરામજાદી...!’ અમર જોરથી તેનું વડકું ભરતાં તડુક્યો, ‘સવારના પહોરમાં તારું અપશુકનિયાળ મોં જોયું છે. હવે કોણ જાણ મારો આખો દિવસ કેવો જશે!’

એની વાત સુનિતાના હૃદયમાં ભાલાની જેમ ખૂંચી ગઈ. અમર તરફથી એણે આવા વર્તનની આશા નહોતી રાખી. એના પગ જાણે કે જમીના સાથે જડાઈ ગયા. એના હૃદયમાં પીડાનું તોફાન આવીને પસાર થઈ ગયું. એનું દિમાગ ક્રિયાશૂન્ય થઈ ગયુ. એની આંખો સામે અંધારૂ છવાઈ ગયું. પછી માંડ માંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. એ રૂંધાયેલા અવાજે પૂછવા માંગતી હતી-જે ઓછું કરિયાવર લાવે છે તે કમનસીબ વહુ અપશુકનિયાળ હોય છે? અને પોતાની સગી પત્નીનું મોં સવારનાં પહોરમાં જોવાથી કોઈ પતિનો દિવસ બગડી જાય છે? બનવાજોગ છે કે આવું થતું હોય. પરંતુ કરિયાવર ઓછું લાવવાને કારણે કમનસીબ વહુનું, સાસરીયામાં તો આખું જીવન જ બગડી જાય છે. એ...એ કમનસીબ વહુ કોને ફરિયાદ કરે...?

પરંતુ પોતાના મનમાં જે વાતો ગુંગળાવી હતી એ સુનિતા કહી શકી નહીં, બલ્કે એણે કહી જ નહી એમ કહેવું યોગ્ય ગણાશે. તે બધી વાતોને મનમાં જ ધોળીને પી ગઈ. એણે પોતાના ચ્હેરા પર મધુર અને રમતિયાળ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘શા માટે સવારના પહોરમાં તમારો મૂડ બગાડો છો? તમે ચા પી પછી, તમારી આ દાસી પોતાનું અપશુકનિયાળ મોં લઈને અહીંથી ચાલી જશે બસ ને?’

‘હે ઈશ્વર... આ તે કેવી સ્ત્રી સાથે મારો પનારો પાડ્યો છે! કમબખ્ત, નિરાંતે સૂવા પણ નથી દેતી. ક્યારેક પોતાનાં યારનાં સપનાંઓ જોઈ, બૂમો પાડીને મને ઉઠાડે છેં. તો ક્યારેક સવારના પહોરમાં!’ કહેતાં કહેતાં અમર પલંગ પર બેઠો થયો. એણે ઘૂરકીને સુનિતા સામે જોયું. પછી બોલ્યો, ‘આજે તું શા માટે ચા લાવી છેં? શું બંસી મરી ગયો છે.?’

‘ના બંસીકાકા મરી તો નથી ગયા પણ...’ એ બંસીને બંસીકાકા કહીને જ બોલાવતી હતી, ‘પણ માજીએ તેમને રજા આપી દીધી છે...’ કહેતાં કહેતાં એની આંખોમાં આંસુ ઘસી આવ્યાં, ઇચ્છા ન હોવા છતાં પણ એનાં મોંમાથી ફરિયાદ નીકળી જ ગઈ, ‘માજીએ માયાને પણ કાઢી મૂકી છે એટલે ઘરનું બધું જ કામ મારે કરવાનું છું એમ તેમણે કહ્યું છે.’

‘તો એમાં શું થયું...? કામ કરવાથી તું કંઈ દૂબળી નહીં પડી જાય સમજી...?’ અમરે કાળઝાળ અવાજે કહ્યું. પછી અચાનક જ રાત્રે પોતાની માએ કહેલી વાત તેને યાદ આવી-કે હું સુનિતા-પાસે એટલું બધું કામ કરાવીશ કે તે બે દિવસમાં જ બિમાર પડી જશે. બેસી અને માયાને રજા આપી દેવાનું કારણ પણ તેને સમજાઈ ગયુ હતું. સુનિતાને ઠેકાણે પાડી દેવાની યોજનાના જ એક ભાગ રૂપે એ બંનેને કાઢી મૂકવામાં આવ્યા છે એ વાત તરત જ તેના દિમાગમાં આવી ગઈ. પોતાની મા જે કરે છે, તે બરાબર જ કરે છે. તેવો તેણે વિચાર કર્યો.

અમરની વાત સાંભળીને સુનિતાનું કાળજી મોંમાં આવી ગયું. તમે તેમ તોયે એ પોતાનો પતિ છે એટલે હમણાં એ પોતાની માનો વિરોધ કરશે એમ તેણે માન્યું હતું પરંતુ બન્યું એનાથી વિપરિત જ! એનો બચાવ કરવાને બદલે અમરે સામે તેના પર જ પ્રહાર કર્યો હતો.

‘હું કામ કરવાથી દુબળી થઈ જઈશ એવું મેં ક્યાં કહ્યું છે?’ એ રૂંધાયેલા અવાજે બોલી, ‘પરંતુ હું ગઈ કાલે જ મેટરનીટી હોસ્પિટલમાં મારું ચેકઅપ કરાવવા ગઈ હતી. અને લેડી ડૉક્ટરના કહેવા પ્રમાણે હવે મારે વધારે પડતું કામ કરવાનું નથી કારણ કે હું મા બનવાની છું.’

સુનિતાની વાત સાંભળીને અમરનો ચાના કપવાળા હાથ ધ્રુજી ઊઠ્યો અને તેમાંથી થોડી ચા છલકાઈને પલંગ પર ઢોળાઈ ગઈ. પછી જાણે સુનિતા નામની છોકરીને જિંદગીમાં પહેલી જ વાર જોતો હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા. તે એકીટશે સુનિતા સામે તાકી રહ્યો હતો.

‘તો તું મા બનવાની છો એમ ને...?’ એના અવાજમાં ઘૃણા અને કટાક્ષ હતો. પરંતુ સુનિતા તેને પારખી શકી નહીં.

‘હા...હા...’ સુનિતાના ગાલ પર નારી સુલભ શરમની લાલીમાં છવાઈ ગઈ. એ નીચું જોઈ જતાં શરમાળ અવાજે બોલી, ‘હું મા બનવાની છું એ જાણીને તમને આનંદ થયો ને...? હું જાણતી જ હતી કે તમે ખૂબ જ પ્રસન્ન થશો અને...’

‘શટ અપ...!’ અમર જોરથી તડક્યો, ‘તારા પેટમાં ઊછરી રહેલું બાળક મારું જ છે એની મને પૂરેપૂરી ખાતરી હોય તો જ મને આનંદ થાય ને? આપણાં લગ્ન પણ તારે ઘણાં પુરૂષો સાથે સંબંધો હતા એટલે તારા પેટમાં ઊછરી રહેલું બાળક કોનું છે એની મને શું ખબર પડે? બનવાજોગ છે કે તારા એ પુરૂષ મિત્રો સાથે તે લગ્ન પછી પણ સંબંધો રાખ્યા હોય અને એ બાળક તેંમનું હોય!’

‘નહીં...’ સુનિતા બંને કાન પર હાથ દબાવીને ચીસ જેવા અવાજે બોલી. અમરના એક એક શબ્દો ધગધગતાં અંગારાની જેમ તેના ઘાયલ હૃદયને દઝાડી ગયા હતા. આના કરતાં તો પોતે તેને ન ઉઠાડયો હોત તો સારૂં હતું, એમ તેને લાગતું હતું. એણે બેરહેમીથી પોતાનો નીચલો હોઠ કરડ્યો. પછી ધ્રુજતા હાથે ટ્રે ઊંચકી, સાડીનો છેડો મોંમાં ખોસીને તે ઝડપથી ત્યાંથી બહાર નીકળી ગઈ.

અમરના મોંએથી આવી અપમાનજનક વાત સાંભળી પડશે એની તો તેણે કલ્પના પણ નહોતી કરી. અને અમરની વાત સાંભળ્યા પછી એની નજરમાં પોતાની કિંમત, પોતાની હેસિયત ખરેખર જ એક વેશ્યાથી વધારે નથી એવું તેને લાગ્યું હતું. અમર પોતાને વાસના સંતોષવાનું એક સાધન માત્ર જ સમજતો હતો એ વાતની તેને ખાતરી થઈ ગઈ હતી.

‘હે ઈશ્વર...’ તે સ્વગત બબડી, ‘મારા પતિએ, મારા પરમેશ્વરે મને આ શું શું કહી નાખ્યું.?’

પછી તે પોતાની સાસુ કમલાનાં રૂમ તરફ આગળ વધી ગઈ,

એના રૂમમાં દાખલ થતાં પહેલાં સુનિતાએ પોતાનાં આંસુ લૂછી નાંખ્યા.

આ ઘરમાં પોતાના આંસુઓની કંઈ જ કિંમત નથી એ વાત તે જાણતી હતી. પોતાના આંસુઓથી સ્વાર્થમાં આંધળા બની ગયેલાં આ ઘરનાં લોકોના પાષાણ હૃદય નહીં જ પીગળે એની તેને ખાતરી થઈ ચૂકી હતી.

એ કમલાનાં રૂમમાં દાખલ થઈ ત્યારે તે પૂજા કરતી હતી. એને પૂજા કરતી જોઈને સુનિતાના ચ્હેરા પર વિષાદયુક્ત સ્મિત ફરકી ગયું. આ એ જ સાસુ હતી કે જેણે થોડી વાર પહેલાં તેને ગાળો ભાંડી હતી. પરંતુ અત્યારે જાણે જિંદગીમાં કોઈ દિવસ એક માખી પણ ન મારી હોય કે કોઈનું ય દિલ ન દુભાવ્યું હોય એમ તે પૂજા કરતી બેઠી હતી.

એ પૂજામાં ખલેલ ન પહોંચે એટલા માટે બહાર નીકળવા જતી હતી કે પગલાંને અવાજ સાંભળીને કમલાએ તેની તરફ જોયું.

‘હં...હું...’ તમારે માટે ચા લાવી છું...’ સુનિતાએ કહ્યું.

‘ચા લાવી હોય તો ઢોળી દે મારા માથા પર!’ કમલા ધૂંધવાઈને બોલી, ‘તું આંધળી છો કે શું? જોતી નથી હું પૂજામાં બેઠી છું. નાનપણમાં તારી માએ કોણુ જાણે શું શીખવાડયું છે!’

‘એની માએ નાનપણમાં તેને પારકા પુરૂષો સાથે સંબંધો રાખવાનું શીખવાડ્યું છે મમ્મી...?’ અચાનક બારણા તરફથી રાજેશનો અવાજ આવ્યો.

પહેલા કમલાનો અને પછી પોતાના દિયરનો આરોપભર્યા અવાજ સાંભળીને સુનિતા જડ જેવી બની ગઈ.

પીઠ ફેરવીને રાજેશને કોઈક સણસણતો જવાબ આપવાનું તેને મન થયું. પરંતુ તે પોતાના મનથી વાતનો અમલ કરી શકી નહીં. અને કરી શકે તેમ પણ નહોતી. કારણ કે જો પોતે રાજેશને કંઈ કહેશે તો પોતાની સાસુ એટલે કે કમલા હમણાં જ આખું ઘર માથે લેશે એ વાત જાણતી હતી. અને કદાચ પોતાને મારકુટ કરે તો પણ નવાઈ નહોતી.

અપમાનનો એ કડવો ઘૂંટડો સુનિતા જેમ તેમ કરીને પી ગઈ. પછી કમલા માટે લાવેલા ચાનો કપ એણે સ્ટ્રલ પર મૂકી દીધો. ત્યારબાદ રાજેશ સામે ક્રોધ અને ધૃણાભરી નજર ફેંકીને એ ત્યાંથી બહાર નીકળી ગઈ.

રાજેશ પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યો.

‘મને ચા નહીં પીવડાવે સુનિતા...?’ રાજેશનો વાસનાથી ઉત્તેજીત થઈ ગયેલો અવાજ સાંભળીને એણે પીઠ ફેરવી.

પછી રાજેશ સામે વેધક નજરે તાકી રહેતાં એ બોલી,

‘રાજેશ, સંબંધમાં અને ઉંમરમાં હું તારા કરતાં મોટી છું. અને આમેય ભાભી મા સમાન હોય છે. અને કોઈ દિકરો માને નામથી નથી, બોલાવતો એ તને કોઈએ નથી શીખડાવ્યું લાગતું. અને દિકરો પોતાની માને હંમેશા માનની નજરે જ જુએ છે.’

‘હું મારી માનું તો સન્માન કરું જ છું ડાર્લિંગ...! પરંતુ તને તો હું પ્રેમ કરૂં છું. અને આ પ્રેમ હું આજકાલનો નહીં પણ કોલેજના વખતથી કરૂં છું. એ પ્રેમનું મને કંઈક તો વળતર મળવું જોઈએને? તારા આ ગુલાબી ગાલનું ચુંબન ન મળે તો કંઈ નહીં કમ સે કમ તારા હાથો વડે બનેલી ચા પીવા મળશે તો પણ હું ન્યાલ થઈ જઈશ,’એના અવાજમાંથી નરી નફટાઈ તરવરતી હતી.

‘રાજેશ...’ સુનિતાએ ક્રોધથી કહ્યું, ‘તને પાછલી બધી વાતો ભૂલીને હું ભાભી જેવો પ્રેમ આપવા ઈચ્છતી હતી. પરંતુ તું, કોલેજમાં જે નફ્ફટ રાજેશ હતો, એ જ આજે પણ છો એ જાણીને મને ખૂબ જ દુ:ખ થાય છેં. વાંદરો ક્યારેય ગુલાંટ મારવાનું નથી ભૂલતો અને કૂતરાંની પૂંછડી સો વર્ષ સુધી જમીનમાં દાટી રાખો તો પણ એ વાંકી ને વાંકી જ રહે છે. તું આવો જ વાંદરો અને કૂતરો છે એ વાત હું ભૂલી ગઈ હતી. એક દિવસ કોલેજમાં તે મારો હાથ પકડયો હતો અને મેં બધાંની હાજરી વચ્ચે તારાં ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો હતો, એ તો તને યાદ હશે જ? પરંતુ હવે જો તું વધુ આગળ-ચંડાઈ કરીશ તો યાદ રાખજે. હું તને...’

‘હે ઈશ્વર...!’ રાજેશ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘દિયર-ભાભી વચ્ચે આવી મશ્કરીઓ તો થતી જ હોય છેં. હું તો માત્ર મજાક જ કરતો હતો. મારી મજાકથી તને ખોટું લાગી જશે એવું તો મેં ધાર્યું જ નહોતું. ખેર, તું મને ગરમાગરમ ચા આપી દે એટલે ગાય નાહ્યાં!’

સુનિતાનો ગુસ્સો હજુ પણ ઊતર્યો નહોતો.

એણે કીટલીમાંથી એક કપ ચા કાઢીને રાજેશ લંબાવ્યો.

પરંતુ રાજેશે કપ લેવાને બદલે તેનો બીજો હાથ પકડી લીધો.

સુનિતાનું રોમેરોમ ક્રોધથી સળગી ઉઠ્યું. પારાવાર રોષથી તે કાળઝાળ બની ગઈ. પરંતુ અત્યારે તેના બંને હાથ રોકાયેલા હતા નહીં તો કોણ જાણે એ શું કરી બેસત. એ લાચાર હતી. રાજેશના હાથમાંથી પોતાનું, કાંડુ છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી એ કાળઝાળ અવાજે બોલી:

‘મારી સાથેની આ અવળચંડાઈ તને ખૂબ જ ભારે પડી જશે રાજેશ! મારું કાંડુ છોડી દે નહીં તો...’

‘છોડી દઈશ... જરૂર છોડી દઈશ...’ રાજેશ કુટિલ હાસ્ય ફરકાવતાં બોલ્યો, ‘પહેલાં તું મારી રૂમમાં આવીને તારા હાથેથી મને ચા પીવડાવ. રાત્રે પણ મેં તને તારા હાથેથી દૂધ પીવડાવવાનું કહ્યું હતું, પણ તું માની નહીં અને મેં દૂધ પીધું નહોતું. જયાં સુધી તું તારા હાથેથી મને ચા નહીં પીવડાવે ત્યાં સુધી ચા પણ નહીં પીઉં અને હવે તો જમવાનું પણ બધું તારે જ બનાવવાનું છે એટલે જ્યાં સુધી તું મને તારા હાથેથી ખવડાવીશ નહીં, ત્યાં સુધી હું ખાઈશ પણ નહીં. ભલે પછી હું ભૂખ્યો જ મરી જઉં. ક્યારેક તો તારે તારી હઠ છોડાવી જ પડશે. હું પણ જોઉં છું કે તું ક્યાં સુધી તારી જીદ પર અટલ રહે છે.’

‘રાજેસ...’ સુનિતાએ ચીસ જેવા અવાજે કહ્યું.

પછી અચાનક એણે એક જોરદાર આંચકો મારીને તેના હાથમાંથી પોતાનું કાંડુ છોડાવી દીધું.

પરંતુ એમ કરવા જતાં તેના બીજાં હાથમાંથી ચાનો કપ છટકીને સીધો જ રાજેશના પગ પર જઈ પડ્યો. રાજેશે સ્લીપર પહેર્યા હતાં. એનાં પગ પર ગરમ ગરમ ચા ઢોળાઈ હોવાને કારણે તે દાઝી ગયો.

એના મોંમાંથી પીઠા અને વેદનાની ચીસો નીકળી પડી. એને સખત બળતરા થતી હતી.

એની ચીસનો અવાજ સાંભળીને અમરની ઊંઘ ઊડી ગઈ.

એ ઝડપથી પલંગ પરથી નીચે ઊતરીને સ્લીપર પહેર્યા વગર જ બહાર દોડ્યો.

અને આવું જ હિરાલાલ સાથે થયું. રાજેશની ચીસો સાંભળીને એની ઊંઘ પણ ઊડી ગઈ. એણે સ્લીપર શોધવા માટે આમતેમ નજર દોડાવી. પરંતુ એ મળ્યા નહીં એટલે પોતાના ચશ્મા સરખા કરતો તે પણ બહાર દોડ્યો.

બીજી તરફ રાજેશ હજુ પણ મરી ગયો...બળી ગયોની ચીસો નાંખતો હતો.

‘કોણ જાણે કોને બાળી નાખ્યો...!’ હિરાલાલ સ્વગત બબડતો હતો, ‘અમે સુનિતાને ઠેકાણે પાડીએ છીએ અને તે પોતાના બચાવ માટે ચીસો પાડે છેં એવું હું તો સપનામાં જોતો હતો પરંતુ સુનિતાને બદલે રાજેશ શા માટે હલાલ થતાં બકરાની જેમ ચીસો નાખે છે?’

એ જ રીતે કમલા પણ પોતાની રૂમમાંથી નીકળીને બબડતી હતી.

‘કોણ જાણે હરામજાદીએ મારા રાજેશને શું કરી નાખ્યું છે? એ શા માટે જોરથી ચીસો પાજે છેં. હજુ હમણાં મારા રૂમમાં આવ્યો ત્યારે તો તે એકદમ સાજો-સારો હતો.’

હિરાલાલ, અમર અને કમલા ત્રણેય સાથે જ ડ્રોઇંગરૂમનાં પ્રવેશદાર પાસે પહોંચ્યાં.

પછી અંદરનું ર્દશ્ય જોઈને ત્રણેય ત્યાં જ થીજી ગયા. તેમનાં ચ્હેરા પર નર્યા-નિતર્યા, ભય અને અચરજના હાવભાવ છવાઈ ગયા.

અંદર જમીન પર તૂટેલાં કપના ટૂકડાઓ અને ચા ઢોળાએલી હતી અને એ ટૂકડાઓની વચ્ચે સુનિતા અને રાજેશ ઊભાં હતા. રાજેશનું ગળું સુનિતાના બન્ને હાથ વચ્ચે જકડાએલું હતું. એનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને આંખોના ડોળા બહાર ઘસી આવવા મથતા હતા. એ સુનિતાના હાથમાંથી પોતાનું ગળું છોડાવવા માટે ફાંફાં મારતો હતો.

‘બોલ...’ સુનિતા ઝેરીલો નાગણના ફૂંફાડા જેવા ભયંકર અવાજે બોલી, ‘હવે ક્યારેય આવી અવળચંડાઈ કરીશ...?’

‘અરે...અરે...’ હિરાલાલ આગળ વધતાં બોલ્યો, ‘આ હરામજાદીએ તો, જાણે કોઈ શાહુકાર પોતાનાં લેણીયાતનું ગળું પકડતો હોય, એ રીતે રાજેશનું ગળું પકડયું છે.’ કહીને એણે સુનિતાના હાથમાંથી રાજેશનું ગળુ છોડાવ્યું, ‘રાજેશ, શું વાત છે? સુનિતાએ તારું ગળુ શા માટે પકડયું હતું?’

‘એ હું તમને કહું છું... સાચી હકીકત કહેવાની રાજેશમાં તાકાત નથી.’ સુનિતા ક્રોધ ભર્યા અવાજે બોલી, ‘તમારા આ લાડલા કપૂતે ચા નો કપ લેવાને બહાને મારું કાંડુ પકડી લીધું હતું અને...’

‘ઓહો...હે!...’ કમલાએ હવામાં હાથ નચાવીને છણકો કરતાં કહ્યું, ‘તું કેવી સતિ-સાવિત્રી છો એની મને ખબર છે. આજે દિયરે કાંડુ પકડયું તો એના પર ગરમ ગરમ ચા ઢોળી દીધી. અને તારા લગ્ન પહેલાનો જમાનો તું ભૂલી ગઈ? ત્યારે તો એ હરામખોર કોણ જાણે તારું શું યે પકડી લેતો હશે?’

‘કોણ હરામખોર..........?’ સુનિતાએ ચીસ જેવા અવાજે પૂછ્યું.

કમલા કદાચ આનંદનું નામ ઉચ્ચારવા જ જતી હતી.

પરંતુ હિરાલાલે તરત જ આગળ વધીને મોં પર હાથ મૂકી દીધો. પછી એ તીવ્ર અવાજે બોલ્યો, ‘તું તારી બોબડી બંધ રાખ. મને વાત કરવા દે!’

પરંતુ રાજેશ ચૂપ રહી શક્યો નહિ.

એણે, જાણે સુનિતાએ કોઈક ભયંકર ગુનો કરી નાખ્યો હોય અને ભરી કોર્ટમાં વકીલ જે રીતે આરોપી સામે આગળી ચીંધે, તે રીતે એની સામે આંગળી ચીંધતા ચીસ જેવા અવાજે કહ્યું, ‘પિતાજી ... આ હરામજાદી મારા પર ખોટો આરોપ મૂકે છેં. મેં તેનું કાંડુ તો ઠીક, આંગળી પણ નથી પકડી. એની વાતોમાં ભરમાશો નહીં, આજે જો તમે એની વાત માની લેશો તો એ કાલે ઊઠીને તમારા પર પણ આવો ઘૃણિત આરોપ મૂકતાં જરા પણ અચકાશે નહીં, એણે જાણી જોઈને જ મને બદનામ કરવા માટે મારા પર ચા ઢોળી છે’

‘તને...તને જરા પણ શરમ નથી આવતી આવું બોલતા...?’ બધાને પોતાની વિરૂદ્ધમાં બોલતા જોઈને સુનિતાની આંખોમાં આંસુ ઘસી આવ્યા. તે રૂંધાયેલા અવાજે બોલી, ‘હું...હું મારા સાસરા પર આવો આરોપ મૂકીશ? તેઓ મારા પિતા સમાન છે...હું...હું...’ ત્યારબાદ અના બાકીના શબ્દો ગળામાં જ રહી ગયા. એ ધ્રુસકા ભરવા લાગી.

હિરાલાલ ક્યારનો યે વાસનાભરી નજરે સુનિતા સામે તાકી રહેતાં વિચારતો હતો કે – આ છોકરીને ગમે તે રીતે અને ગમે ત્યારે ઠેકાણે તો પાડવાની જ છે. પરંતુ જો તક મળે તો એકવાર હું પણ તેના ચૌવનનો સ્વાદ ચાખીશ.

પરંતુ જ્યારે સુનિતાના મોંએથી પોતાને માટે એણે ‘પિતાજી’નું સંબોધન સાંભળ્યું ત્યારે જાણે મીઠાઈ ખાતાં ખાતાં અચાનક જ તેમાંથી કડવા લીમડાનું પાન ચવાઈ ગયું. હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા.

‘ના, સુનિતા ના...!’ એ નાકની દાંડી પર અર્ધે સુધી સરકી આવેલા ચશ્માને વ્યવસ્થિત કરતો ઝડપથી બોલ્યો, ‘પિતાજી સમાન તો તું કોઈક બીજાને જ માનજે! બાકી મને તો તું શેઠ હિરાલાલ જ રહેવા દે! મને પિતાજી કહીને બોલાવવા માટે ઈશ્વરની કૃપાથી મારે ત્યાં એક દિકરી અને બબ્બે દિકરી છે જ!’

હિરાલાલના શબ્દો પીગળેલા સીસાની જેમ સુનિતાના કાનમાં ઊતરી ગયા.

એ શા માટે પોતાના મોંએથી પિતાજીનું સંબોધન સાંભળવા નથી માગતો એની પણ તેને ખબર હતી. દરેક સ્ત્રીને ભગવાને એક ત્રીજી આંખ પણ આપી હોય છે. અને એ આંખ વડે જ સામો પુરૂષ પોતાને કઈ નજરે જુએ છે એની તેને તરત જ ખબર પડી જાય છે.

અને આ ઘરમાં આવ્યાને તો તેને છ મહિના વીતી ગયા હતા એટલે હિરાલાલની આંખોમાં છવાયેલા વાસનાના હાવભાવને તે બરાબર પારખતી હતી.

તેમનું આવું વર્તન જોઈને જો ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જવાનું સુનિતાને મન થઈ આવ્યું. પરંતુ ધરતી ક્યારેય આ રીતે માર્ગ નહીં આપે અને ક્યારેય પોતે તેમાં સમાઈ નહીં શકે એ હકીકત પણ તે જાણતી જ હતી.

પરંતુ એના સાસરીયામાંથી, તેના દર્દને, તેના દુ:ખને સમજી શકે તથા પોતાનું નિર્દોષપણું સ્વીકારીને, રાજેશને તેની અવળચંડાઈની સજા કરે એવું કોઈ જ નહોતું. બધાં તેને જ ગુનેગાર માનતા હતા.

એણે વારાફરતી બધા સામે જોયુ. પરંતુ પોતાના પ્રત્યે લાગણી અને હમદર્દી હોય એવો એક પણ ચ્હેરો તેને દેખાયો નહીં. પોતાના સગા પતિના ચ્હેરા પર પણ નહીં જ્યાં પતિ જ પોતાનો ન હોય ત્યાં એ બીજાનો શું વાંક કાઢી શકે? પોતે શું ગુનો કર્યો છે એ તેને સમજાતું નહોતું પછી વળતી જ પળે તેને પોતાનો એક ગુનો યાદ આવી ગયો. જોકે બીજાઓની નજરમાં એં ‘ગુનો’જ હોય કે કેમ એની તો તેને ખબર નહોતી પણ તેના સાસરીયા પક્ષના માણસો તો તેને ગુનો માનતા હતા.

અને એ ગુનો હતો-ઓછુ કરિયાવર લાવવાનો...! જી, હાં... તેનો માત્ર આ એક જ ગુનો હતો કે તે પોતાની સાથે ઓછું કરિયાવર લાગી હતી. અને માત્ર આ એક જ કારણસર આ ઘરમાં જ કોઈ તેની સામે જોતું. તેની નજરમાં પ્રેમ નહીં પણ ઘૃણા અને તિરસ્કાર હતા. તેમની આંખોમાં સમ્માન નહીં પણ વાસનાની ચમક પથરાયેલી રહેતી હતી.

આંસૂઓએ ફરીથી એક વખત તેની આંખોનો કબજો મેળવી લીધો હતો. પછી એણે આશાભરી નજરે પોતાના પતિ અમર સામે જોયું. પરંતુ અમર, જાણે તેને કાચી ને કાચી ફાડી ખાવી હોય એ રીતે તેની સામે તારી રહ્યો હતો. એની આંખોમા હિંસક વરૂ જેવી ચમક પથરાયેલી હતી. રહી રહીને એના મોંમાંથી રાની પશુ જેવો ઘૂરકાટ નીકળતો હતો. એની આંખોમાં જાણે સળગતા કોલસાના બે નાના નાના ટુકડાઓ મૂકી દેવામાં આવ્યા હોય એમ તે લાલઘુમ બની ગઈ હતી.

એનો દેખાવ જોઈને ભયનું એક ઠંડુ લખલખું સુનિતાના પગથી માથા સુધી ફરી વળ્યું પછી તે આગળ વધીને, અમરના પગમા પડીને રડમસ અવાજે બોલી, ‘હ...હું સાચું જ કહું છું. હું તમારા સોગંદ ખાઈને કહું છું કે હું નિર્દોષ છું સાચો ગુનેગાર તો રાજેશ જ છેં. તે મારી સામે ખરાબ નજરે જુએ છે. કાલે રાત્રે પણ જ્યારે હું તેના રૂમમાં ગઈ હતી ત્યારે તેણે...’

‘ફડાકૂ...’ એની વાત પૂરી થાય એ પહેલાં જ અમરના અવળા હાથથી ઝાપટ તમાચા રૂપે તેના ગાલ પર પડી, ‘ખબરદાર...! હવે જો મારા ભાઈ પર આરોપ મૂકતો હોય એવા એક પણ શબ્દ તું બોલીશ તો હું તારી જીભ ખેંચી કાઢીશ સમજી...’ તું નાહક જ શા માટે તેના પર ખોટો આરોપ મૂકવો માગે છે, એની મને ખબર છે. સાંભળ, કાલે ઊઠીને કંઈ થાય તો તારા પેટમાં ઉછરી રહેલું બાળક મારું નહીં તો રાજેશનું છે એમ કહી શકાય એટલા માટે જ તું તેના પર ખોટો આરોપ મૂકે છે ખરૂં ને!’

‘નહીં...’ અમરના શબ્દો અંગારાની જેમ સુનિતાના ઝખ્મી હૃદયને દઝાડી ગયા. એ તેના પગ સાથે પોતાનું માથું અફાળતા બોલી, ‘આવી... હલકી વાતો ન કરો ....તમને...તમને પાપ લાગશે... તમે...તમે...’ એના બાકીના શબ્દો ધ્રુસકામાં ફેરવાઈ ગયા.

બીજી તરફ એ મા બનવાની છે એ જાણ્યા પછી હિરાલાલ અને કમલાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‘કમલા...’ હિરાલાલ ધીમેથી તેના કાન પાસે પોતાનું મોં લઈ જતાં ગણગણ્યો, ‘આ કમીની તો મા બનવાની છે. આપણે હવે જેમ બને તેમ જલ્દીથી તેને ઠેકાણે પાડી દેવી પડશે. મોડું કરવામાં હવે સાર નથી. જો મોડું થઈ જશે તો આપણું કર્યું. કારવ્યું બધું જ નકામું જશે.’

‘હું...’ કમલાએ જાણે એની વાત સમજાઈ ગઈ હોય તે રીતે અર્થપૂર્ણ નજરે તેની સામે જોઈને હૂંકાર કર્યો.

પછી અચાનક આગળ વધી, એણે અમરના પગમાં પડેલી સુનિતાનો ચોટલો પકડીને જાણે તે માણસ નહીં પણ અનાજ ભરેલો કોથલો હોય એ રીતે તેને ઘસડવા લાગી. ત્યારબાદ મારકુટ શરૂ થઈ. સુનીતા ચીસો પાડતી હતી પણ આ રૂમ ચારે તરફથી બંધ હોવાને કારણે તેની ચીસોની અવાજ બહાર જઈ શકે તેમ નહોતો.

આ દરમિયાન મધુએ રાજેશના પગ પર ડ્રેસિંગ કરીને પાટો બાંધી દીધો હતો.

એને મારતાં કમલા વચ્ચેથી પૂછતી જતી હતી, ‘બોલ, તારી કોખમાં કોનું પાપ ઉછરે છે?’

‘માં...’ જાણે પોતાના પર કમલાએ શબ્દો રૂપી તેજાબ રેડી દીધો હોય એવી તીખી વેદના સુનિતાને થઈ આવી. એ હવે માત્ર શરીરથી જ નહીં મનથી પણ થાકી ગઈ હતી.

સાસુ મારતી રહી અને વહુ હલાલ થતાં બકરાંની જેમ ચીસો નાંખતી રહી. પરંતુ એ કમનસીબ વહુની ચીસો સાંભળવાનું ત્યાં કોણ હતું.?

છેવટે માર ખાઈ ખાઈને તે અધમૂઈ થઈ ગઈ.

કમલા પણ તેને મારી મારીને થાકી ગઈ હતી! આટલું આટલું માર્યા પછી પણ તેને સુનિતા પર જરા યે દસા નહોતી આવી.

એ તેને રસોડામાં લઈ ગઈ.

‘આ વાસણો સાફ કરી નાંખ...’ એ કઠોર અવાજે તડુકી,

‘અને બધાં જ વાસણો એકદમ સાફ થઈ જવા જોઈએ સમજી...?’

‘સ...સમજી ગઈ માંજી...!’ હોઠ પીસતી, ધ્રુસકા ભરતી કમનસીબ સુનિતા આટલું જ કહી શકી હતી. એના અંગે અંગમાં પીડા થતી હતી. એનાં મોંમાંથી વેદનાના ચિત્કારો નીકળતા હતા.

‘અને સાંભળ...’ કમલાએ પૂર્વવત અવાજે કહ્યું. ‘વાસણ સાફ કર્યા પછી, તારે નાસ્તો બનાવવાનો છે. ત્યારબાદ બધાં રૂમો સાફ કરવાના છે પછી કપડાં ધોવનાં છે અને...’

‘મારે શું શું કરવાનું છે એ મને સમજાઈ ગયું છે માજી... હું બધું જ કરી નાખીશ...! મને...મને તમે માત્ર ઘરના એક ખૂણામાં પડી રહેવા દેજો. હું તમારી સેવામાં મારું જીવન પૂરું કરી નાંખીશ. હું ગરીબ કુટુંબમાંથી આવો છું માંજી! અને ગરીબની દિકરી એક વખત લગ્ન કરીને સાસરે આવે ત્યારબાદ તેની નનામી જ ત્યાંથી બહાર નીકળે છે... અને મારા જેવી ગરીબ દિકરીનો માત્ર આ એક જ અધિકાર તમે મને આપજો. એ સિવાય મારે તમારી પાસેથી કંઈ જ જાઈતું નથી. બસ એક જ ઇચ્છા છે કે મારી નનામી પણ ઘરમાંથી જ નીકળે!’

‘તું ચિંતા કરીશ નહીં...!’ રસોડામાંથી બહાર નીકળીને હિરાલાલના રૂમ તરફ આગળ વધતી કમલા ધીમેથી સ્વગત બબડી, ‘આ ઘરમાંથી નનામી કાઢવાની તારી ઇચ્છા પણ નજીકના ભવિષ્યમાં જ પૂરી થઈ જશે. બલ્કે કરવી જ પડશે. જો તારી નનામી નહીં નીકળે તો પછી ભાનુશંકરની દિકરી અમરની વહુ બનીને આ ઘરમાં નહીં આવી શકે. અને જો વહુ બનીને નહીં આવે તો પછી લાખો રૂપિયાનું કરિયાવર અમારા હાથમાં કેવી રીતે આવશે? તું મરીશ તો જ અમે અમરના બીજા લગ્ન કરી શકીશું ને? તારા જીવતાં-જીવત કંઈ એના બીજાં લગ્ન થઈ શકે તેમ નથી. તારે મરવું જ પડશે. અને જો ચાર દિવસમાં જ હું તને ઉપર ન પહોંચાડી દઉં તો મારું નામ કમલા નહીં...!

ત્યારબાદ તે હિરાલાલના રૂમમાં ઘુસી ગઈ.

સુનિતા ચૂપચાપ વાસણ માંજવા લાગી.

વાસણ સાફ કર્યા પછી એણે કમલાના કહેવા મુજબ નાસ્તો બનાવી નાંખ્યો હતો.

પરંતુ તે ઇચ્છા હોવા છતાં પણ કંઈ ખાઈ શકી નહોતી. એના મોંમાંથી કોળીયો બહાર નીકળી જતો હતો. અને આમેય જ્યારે માણસનું હૈયું ભરાઈ આવે ત્યારે એની ભૂખ આપોઆપ જ મરી જાય છે. મન મર્યા પછી માત્ર જ જીવતો હોય છે. મન સાથે તેને કંઈજ સંબંધ રહેતો નથી.

નાસ્તાનું કામ પત્યા પછી તે રૂમોની સાફસુફીના કામમાં વળગી ગઈ. આ બંગલામાં કુલ વીસ રૂમો હતા. અને એ બધા રૂમોની તેને સાફસુફી કરવાની હતી.

એ રૂમો સાફ કરવામાં જ બે કલાક વીતી ગયા.

બીજી તરફ હિરાલાલના રૂમમાં મિટીંગ ચાલતી હતી. આ મિટીંગમાં સુનિતા સિવાય ઘરના બધા જ સભ્યો હાજર હતા.

અને આમેય સુનિતાને તેઓ ઘરની જ સભ્ય કયાં માનતા હતા? એ તો તેમને માટે ભારરૂપ બની ગઈ હતી. અને આ ભારથી તેઓ જેમ બને તેમ જલ્દીથી છૂટકારો મેળવી લેવા માંગતા હતા.

અને તેનાથી છૂટકારો કઈ રીતે મેળવવો એ બાબતની જ અત્યારે તેમની વચ્ચે ચર્ચા થતી હતી.

બપોરના બાર વાગવા આવ્યા હતા.

સુનિતા કઈ રીતે જલ્દીથી બિમાર પડી જાય અને પછી ડોક્ટર આનંદને બોલાવીને ક્યારે તેને ઝેરનું ઈજેક્શન અપાવવું એ બાબતમાં તેઓ અંદરો અંદર વિચારોની આપ-લે કરતાં હતા. સૌ પોત-પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં હતા.

અચાનક રૂમની બહાર કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો. બધાં એકદમ ચમકી ગયા.

પછી તેમની નજર, પહોળા ખભા ધરાવતા, લંગડાતી ચાલે અંદર આવતા તેમના મેનેજર પર પડી. એનું નામ જમનાદાસ હતું. તેની વય આશરે ચાલીસેક વર્ષની હતી. ચાલતી વખતે તેનો એક પગ લંગડાતો હતો. તે હિરાલાલની બંને મીલોનો મેનેજર હતો, બંને મીલોના હિસાબ-કિતાબની સંભાળ પણ તે જ રાખતો હતો. ઠંડીની ઋતુ હોવાને કારણે એણે પોતાના પહોળા ખભા પર કાળી શાલ વિંટાળેલી હતી.

‘અરે...જમનાદાસ....તમે....? તમે અહીં ક્યારે આવ્યા...?’ હિરાલાલે ધબકતા હૃદયે પૂછ્યું.

જવાબમાં હળવું સ્મિત ફરકાવીને અંદર દાખલ થતાં જમનાદાસ બોલ્યો, ‘હું તો હજુ ચાલ્યો જ આવું છું હિરાલાલ શેઠ! પરંતુ મને જોઈને તમે બધાં ચમકી શા માટે ગયાં છો? હું કંઈ આજે પહેલી વાર થોડો જ અહીં આવ્યો છું. અગાઉ પણ ઘણી વખત આવી ગયો છું. શું હું ખોટા સમયે આવી ગયો છું.? ખેર કંઈ વાંધો નહીં. હું પાછો ચાલ્યો જઉં છું બસ...?’

‘ના...ના... એવું કંઈ નથી જમનાદાસ...!’ હિરાલાલનો અવાજ ધ્રુજતો હતો.

જમનાદાસ ચૂપચાપ પોતાની શાલને વ્યવસ્થિત કરતો સોફા તરફ આગળ વધ્યો. પછી સ્મિત ફરકાવીને એણે કહ્યું. ‘જો એવું કંઈ ન હોય તો પછી મને બેસવાનું તો કહો! મારે માટે ચા-પાણી મંગાવો. ઓફિસેથી દોડ આવ્યો છું.’ એનાં અવાજમાં રમૂજની હળવી છાંટ હતી-એનાં રમૂજી સ્વભાવથી સૌ પરિચિત હતા.

પછી હિરાલાલ તેને બેસવાનું કહે એ પહેલાં તે પોતાની મેળે જ સોફા પર બેસી ગયો.

એના હોઠ પર હજી સ્મિત ફરકતું હતુ.

હિરાલાલે તેના માટે ચા મંગાવી.

‘વાહ... ચા ખૂબ જ સ્વાદિષ્ટ બની છે....!’ ચા નો ખાલી કપ સ્ટૂલ પર મૂકતાં જમાનાદાસ પોતાનાં જાડા કાચવાળા ચશ્મામાંથી આંખો નચાવતાં બોલ્યો.

‘ચાને હવે પડતી મૂકો જમનાદાસ, અને મુદ્દાની વાત પર આવો! તમે આમ અચાનક જ શા માટે ઓફિસેથી અહીં પધાર્યા છો? એવી તે કઈ ખાસ વાત છે કે તમારે અચાનક અહીં દોડી આવવું પડયું?’ હિરાલાલે ઘૂંઘવાઈને પૂછવું, જમનાદાસને આવ્યાને અડધો કલાક વીતી ગયો હતો. પરંતુ હજુ સુધી તેણે કામની કોઈ જ વાત નહોતી કરી. એ પોતાની જ હાંકયે જતો હતો. તે મુદ્દાની વાત પર આવવાનું નામ જ નહોતો લેતો.

હિરાલાલની સાથે સાથે ઘરનાં બીજાં સભ્યોને પણ તેનું આ અણધાર્યું આગમન ગમ્યું નહોતું. અને ગમે પણ શા માટે...? જમનાદાસના આવવાથી તેમની મિટિંગમાં અવરોધ ઊભો થયો હતો પરંતુ તેઓ તેને કંઈ જ કહી શકે તેમ નહોતા.કારણ કે એનાં જેવો વિશ્વાસુ માણસ બીજો મળવો મુશ્કેલ હતો. એ ઘણાં વર્ષોથી હિરાલાલને ત્યાં નોકરી કરતો હતો.તે એક રીતે હિરાલાલનાં કુટુંબીજાન જેવો જ બની ગયો હતો. રાજેશ સિવાય ઘરનાં દરેક સભ્યો તેને માનથી જોતાં હતા.અલબત્ત, તેની એક કૂટેવ હતી.તે વાત વાતમાં’ તમારા સમ’એવું બોલતો હતો.

જમનાદાસ તેને આંખનાં કણાંની જેમ ખૂંચતો હતો. એની વાત કરવાની રીતભાત, પહેરવેશ અને તેની ચાલ એને જરા પણ નહોતા.ગમતા.

અત્યારે પણ પોતાની સામે હિરાલાલની બાજુમાં સોફા પર પલાંઠી વાળીને બેઠેલાં જમનાદાસને જોઈને રાજેશે ધીમેથી પોતાની બાજુમાં બેઠેલાં અમરનાં કાન પાસે પોતાનું મોં લઈ જતાં કહ્યું. ‘અમર, કોણ જાણે કેમ મને આ જમનાદાસ નથી ગમતો. એનું ડાચું જોતાં મને કંઈનું કંઈ થઈ જાય છે. મેં પિતાજીને ઘણી વાર તેની રીતભાત મને નથી ગમતી એવી ફરિયાદ કરી છે પણ એમણે દરેક વખતે મારી વાતને હસીને ઉડાવી મૂકી છે. ખેર કાલે રાત્રે તમે પહોળા ખભાવાળા, શાલ ઓઢેલા જે લંગડાને બંગલાની દીવાલ તરફ નાસતો જોયો હતો, તે આ જમનાદાસ તો નહોતો ને...?’

‘આ તું શું બકે છે એનું તને ભાન છે?’ અમર ધીમા પણ સૂસવતાં અવાજે બોલ્યો, ‘જમનાદાસ કેટલાંય વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે. એની સૂઝબૂઝથી જ આપણે આટલી પ્રગતિ કરી શકયા છીએ. પિતાજી પણ તેને આપણો નોકર નહીં. પરંતુ ભાઈ સમાન માને છે. એના જેવો વિશ્વાસુ માણસ મેં આજ સુધીમાં કોઈ જોયો નથી. એણે ધાર્યું હોત તો હિમાલયમાં ગોટાળા કરીને અત્યારે સુધીમાં આપણા જેટલો જ પૈસાદાર બની ગયો હોત. પરંતુ એણે ક્યારેય આપણી સાથે દગો કર્યો નથી. તે આપણને બધી રીતે રીતે વફાદાર અને ઉપયોગી નીવડ્યો છે. એના જેવા માણસ વિશે આવી હલકી વાતો કરતાં તેને શરમ નથી આવતી?’

રાજેશ બેદરકારીથી ખભા ઉછાળીને ચૂપ થઈ ગયો.

પછી એણે ગજવામાંથી સિગારેટનુ પેકેટ કાઢી એક સિગારેટ સળગાવી.

અને સિગારેટ સળગાવતો જોઈને જમનાદાસ મોં બગાડી, નાકનું ટેરવું ફૂલાવીને ચીડાયેલા અવાજે બોલ્યો, ‘આજે તો તું ગમે તેના સમ આપીશ તો પણ ચાલશે. રાજેશ! પરંતુ આ સિગારેટનો ધૂમાડો મારાથી સહન નથી થતો. કોણ જાણે કઈ રીતે માણસો આ સિગારેટ, દારૂ, માંસ વિગેરે ખાઈ-પીને તેને પચાવી શકે છે! મને તો ભાઈ, શુદ્ધ-શાકાહારી ભોજન જ ભાવે છે. અને આ બીડી-સિગારેટ તો મને જરા પણ નથી ગમતા. કોણ જાણે ક્યાં કાળમુખાએ, કાળ ચોઘડીયામાં એની શોધ કરી છે.’ કહીને એણે મનોમન સિગારેટની શોધ કરનારની માંડીને તેનો ઉપયોગ કરવાની વચ્ચે આવતાં તમામ માણસોને ખાટી-મીઠી ચોપડાવી દીધી.

‘વાહ.... તમારો પણ જવાબ નથી જમનાદાસ...!’ હિરાલાલે કહ્યું, તમે શુદ્ધ શાકાહારી છો અને તમને સિગારેટ, શરાબ, માંસ વિગેરે પ્રત્યે નફરત છે એ હું વર્ષોથી જાણું છું મને પણ આ બધું નથી ગમતું. પરંતુ અત્યારની પેઢીનાં છોકરાંની તો બસ, વાત જ જવા દો. તમને તો આ બધા વગર ચાલે જ નહી. આધુનિક ફિલ્મો જોઈ જોઈને તેમનાં માથાં ભમી ગયાં છે. તેઓ પોતાની જાતને અમિતાભૂ બચ્ચનથી કે પછી મિથુન ચક્રવતીથી જરા પણ ઓછી ઉતરતી નથી માનતા.’

‘હા...તમારી વાત સાચી છે... તામારા સમ ખાઈને કહું છું હો...!’ જમનાદાસ ચશ્મામાંથી આંખો ચમકાવીને માથું ધુણાવતાં બોલ્યો, ‘આજકાલનાં છોકરાઓ તો સિગારેટ અને શરાબ પીવાને તો ફેશન માને છે!’

‘માત્ર છોકરાઓ જ નહીં મેનેજર સાહેબ સાથે સાથે છોકરીઓ પણ...!’ રાજેશનો અવાજ હળાહળ કટાક્ષથી ભરપુર હતો, ‘એમ તો મારી સાથે કોલેજમાં ભણતી તમારી દિકરી શાલિની પણ સિગારેટ પીએ છે. તમે જઈને એને જ ઉપદેશ આપોને કે તે સિગારેટ છોડી દે. પછી મને સલાહ આપવા આવજો. તમારા સમ... તમારી સલાહની, તમારા ઉપદેશની મને કંઈ જ અસર નથી થવાની.’ કહી, સોફા પરથી ઊભો થઈને તે બારણાં તરફ વધ્યો. એના ચ્હેરા પર હજુ પણ ચીડના હાવભાવ છવાયેલા હતા. એના હાથમાં હજુ પણ સિગારેટ સળગતી હતી.

એની છેલ્લી વાતમાં ‘તમારાં સમ’સાંભળીને ત્યાં બેઠેલી મધુ ખડખડાટ હસી પડી.

હિરાલાલે તેને ધમકાવી એટલે તે તરત જ ચૂપ થઈ ગઈ.

‘હા, તો બોલો જમનાદાસ...! તમારી પધરામણી શા માટે થઈ છે એ કહી નાખો!’ હિરાલાલે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘પહેલાં તો મને એ કહી...’ જમનાદાસે જાણે તે કોંઈક ગુનેગાર હોય એ રીતે પૂછ્યું, ‘કે તમે આજે ઓફિસે શા માટે નથી આવ્યા? અમરને પણ તમે નથી મોકલ્યો! ઉપરાંત રાજેશ પણ આજે કોલેજ નથી ગયો. અને મધુ પણ ઘેર જ છે. શું વાત છે?’

‘જ...જી...વ... વાત એમ છે કે...’ હિરાલાલ થોથવાઈ ગયો.

‘અને અહીં આવતી વખતે મેં સુનિતાને એટલે કે આ પૈસાદાર કુટુંબની વહુને નોકરાણીની જેમ વરંડામા પોતું મારતા જોઈ હતી. તમારા સમ... એને જોઈને મને ખૂબ જ દુ:ખ થયું ઘરનાં બધાં નોકરચાકર કયાં ગયાં?’ જમનાદાસે ઘૂરકીને હિરાલાલ સામે જોતા પૂછ્યું.

‘વાત એણ છે કે બૂઢ્ઢી માયાને તો મેં પોતે જ રજા આપી દીધી છે કારણ કે તે સરખું કામ નહોતી કરતી.’ કમલા વાતનો દોર પોતાના હાથમાં લેતાં બોલી, ‘અને બંસી, આઠ-દસ દિવસની રજા લઈને પોતાને ગામ ગયો છે. ત્યાં એની મા બિમાર છે. એટલે ન છૂટકે તેને રજા આપવી પડે.’

‘અને અમારે આજે બપોરે બહાર જમવા જવાનું હોવાથી અમે ઓફિસે નથી આવી શક્યા!’ કમલા ચૂપ થઈ કે તરત જ હિરાલાલે કહ્યું ‘અમારે મારા એક મિત્રને ત્યાં જમવા માટે જવાનું છે!’

‘ઓહ...!’ જમનાદાસ, હિરાલાલ તરફ સહેજ નમીને બોલ્યો, ‘હમણાં થોડી વાર પહેલાં ઓફિસે ઈન્કમટેક્સના માણસો આવ્યા હતા.’ એનો અવાજ અકદમ ધીમો હતો.

‘પ...પછી...?’ એની વાત સાંભળીને હિરાલાલના ચ્હેરાનો રંગ ઊડી ગયો.

‘અરે...તમે તો જાણે જંગલી સિંહોનુ ટોળું તમારી પાછળ પડયું હોય એ રીતે ગભરાઈ ગયા છો.તમે કશીયે ફિકર કરશો નહીં. મેં બધું જ હેમખેમ રીતે પાર પાડી દીધું છે... તમે હજુ આ જમનાદાસને પૂરો ઓળખ્યો નથી લાગતો!’ જમનાદાસ છાતી ફૂલાવીને ગર્વભર્યા અવાજે બોલ્યો, ‘મેં સાલ્લાઓના મોં પર પૈસા રૂપી જોડો ઝીંક્યો એટલે તરત જ તેઓ જાણે ત્યાં હતાં જ નહીં એ રીતે ઊભા થઈ, મને સલામ ભરીને ચાલ્યા ગયા. આપણા મીલનાં પાચં લાખના બે નંબરી કાપડનો ક્યાંય હિસાબ નહોતો એટલે પાંચ લાખનો એક ટેકો એટલે કે પૂરા પાંચ હજાર તેમને લાંચના રૂપમાં આપવા પડયા. સાલ્લું, સવારના પહોરમાં બોણીમાં જ આવી ચડ્યા અને નાહક જ આપણને પાંચ હજારના ખાડામાં ઉતારતા ગયા. કોણ જાણે કોણે તેમન એ ખુરશી પર બેસાડી દીધાં છે. પહેલાં તો મને થયું કે લાંચ રૂશ્વત વિરોધી ખાતાને છૂપી રીતે જાણ કરીને, તેમને લાંચ લેતાં રેડ હેન્ડ પકડાવીને જેલનાં સળીયાં ગણાવી દઉં. પણ પછી પાંચ લાખના બે નંબરી માલનો શું હિસાબ આપવો એવો વિચાર મને આવ્યો. એટલે મેં પરાણે પરાણે તેમને પકડાવી દેવાની મારી ઇચ્છાને મનમાં જ દાટી દીધી. તમે જ કહો, આ સંજોગોમાં હું શુ કરૂં? મને થયું કે પાંચ હજાર આપતાં પાંચ લાખનો માલ બચી જતો હોય તો તેમાં કંઈ ખોટું નથી. કહીને તે માંજરી આંખે હિરાલાલે સામે તાકી રહ્યો.

એની વાત સાંભળીને હિરાલાલે નિરાંતનો શ્વાસ લીધો.

‘તમારો ખૂબ ખૂબ આભાર જમનાદાસ...!’ એણે આભારવશ નજરે તેની સામે જોતા કહ્યું, ‘કંઈ વાંધો નહીં. પાંચ હજારનું નુકશાન થયું તો ભલે થયું. પણ એની સામે પાંચ લાખનો માલ તો બચી ગયો ને? તમારે કારણે જ એ માલ બચી છે. હું તમારો આ ઉપકાર જીદગીભર નહીં ભૂલું.

‘અરે...અરે...આ તમે શું બોલો છો. હિરાલાલ શેઠ!’ જમનાદાસ બોલ્યો, ‘તમારા સમ. તમારે મારો આભાર કે ઉપકાર માનવો પડે એવું મે કોઈ કામ નથી કર્યું મેં જે કંઈ કર્યું છે. તે મારી નૈતિક ફરજ સમજીને જ કર્યું છે. હું વર્ષોથી તમારું જ ખાતો આવ્યો છું. અને આજે પણ ખાઉં છું. મારા મોંમા તમારું અનાજ ગંધાય છે. એટલે ઉલ્ટુ મારે તમારો આભાર માનવો જોઈએ.

હિરાલાલે ફરીથી આભારવશ નજરે તેની સામે જોયું.

‘સારૂ... હવે મને રજા આપો...! મારે હજી બીજી મીલે પણ જવાનું છે!’ કહીને જમનાદાસ ઉભો થયો.

ત્યારબાદ કોઈને ખબર ન પડે એ રીતે એણે અમર સામે આંખનો ઈશારો કરીને, તેને બહાર આવવાની સંકેત કર્યો.

અમર તેના સંકેતનો આશય સમજી ગયો હતો એટલે તે પણ ઉભો થયો.

‘તું ક્યાં જાય છે અમર...?’ એને ઉભો થતો જોઈને હિરાલાલે પૂછ્યું.

‘હું જરા મેનેજર સાહેબને બહાર સુધી વળાવવા જાઉં છું.’ અમરે જવાબ આપ્યો.

‘જમનાદાસ...!’ કમલાએ ઔપચારિકતા નિભાવવા ખાતર ડહાપણ કરતાં કહ્યું, ‘અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. અને રસોઈ પણ તૈયાર થઈ ગઈ હશે. તમે જમીને જ જજો.’

જમનાદાસ આગળ વધતો અટકી ગયો. પછી પીઠ ફેરવીને એણે વિચિત્ર નજરે પહેલા કમલા અને ત્યારબાદ હિરાલાલ સામે જોયું.

‘કમાલ કહેવાય...!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘હમણાં તો હિરાલાલ શેઠ એમ કહેતા હતા કે તમારે બધાંએ જમવા માટે અત્યારે તેમના મિત્રો ત્યાં જવાનું છે. અને તમે મને કહો છો કે રસોઈ થઈ ગઈ હશે. અને હું જમીન જઉં!’

એના આ ધડાકાથી હિરાલાલ હેબતાઈ ગયો.

‘આ મૂરખને ક્યારે, કોની સાથે શું વાત કરવી તેનું ભાન જ નથી!’ એ, જાણે કમલાને કાચીને કાપી ફાડી ખાવી હોય એમ હિંસક અવાજે બોલ્યા, ‘એ ઘડી ભર ચૂપ રહી શકતી નથી. એની જીમ કાતરની જેમ ચાલે છે.

હવે કમલાને પણ પોતનાથી અવળું વેતરાઈ ગયું છું, બફાઈ ગયું છે એનું ભાન થયું પરંતુ હવે શું થાય? કમાનમાંથી છૂટેલું તીર અને મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી ફરતો એ તે જાણતી હતી. એ તરત જ ચૂપ થઈ ગઈ.

હિરાલાલની વાત સાંભળીને જમનાદાસના ચ્હેરા પર રહસ્યમય સ્મિત ફરકી ગયું.

‘કંઈ વાંધો નહીં... કંઈ વાંધો નહીં...’ એણે બહાર નીકળતાં કહ્યું, આજે જમવા માટે તમારે બહાર જવાનું છે એની કમલા દેવીને ખબર નહીં હોય અને કદાચ હશે તો તે ભૂલી ગયા લાગે છે. ખેર, હવે હું જઈશ.’ કહીને તે બહાર નીકળી ગયો.

અમર પણ તેની પાછળ જ હતો.

‘બેવકૂફ...’ એના ગયા પછી હિરાલાલ ક્રોધથી કાળઝાળ નજરે કમલા સામ જોતાં જોરથી ગર્જી ઊઠ્યો, ‘તારે એને જમીને જવાનું કહેવાની શું જરૂર હતી? આજે હું ઓફિસે શા માટે નથી આવ્યો એવા તેના સવાલના જવાબમાં મે તેની પાસે બહાનું કાઢ્યું હતું કે મારે-સ-પરિવાર મારા મિત્રને ત્યાં જમવા માટે જવાનું છે. અને તે બાફી નાંખ્યું. હવે હું ખોટું બોલ્યો છું એમ તે માનશે અને શા માટે બોલ્યો છું એનો તે વિચાર કરશે. તું ઘડી ભર પણ તારી બોબડી બંધ રાખી શકી નહીં?’

‘એને જે વિચારવું હોય તે વિચારે અને જેમ માનવું હોય તેમ માને!’ કમલાએ ધૂંધવતા અવાજે કહ્યું, ‘ગમે તેમ તો યે આપણે શેઠ છીએ અને તે આપણો નોકર! આપણે જેમ કહેવું હોય તેમ કહીએ અને તેને આપણી વાત સાચી માનવી જ પડે! આટલી નાની વાતમાં તમે આમ હકકાયાં શા માટે થાઓ છો? આપણે સવારથી જ સુનિતાને ઠેકાણે પાડવાની યોજના બનાવતા હતા અને એ કારણ સર જ તમે આજે ઓફિસે જઈ શક્યા નથી, એવું તો મેં તેને નહોતું કહ્યું ને?’

‘તું ચૂપ મરીશ...!’ હિરાલાલ જોરથી બરાડ્યો, ‘અને ચૂપ ન રહી શકે તેમ હો તો કંઈ નહીં. કમ સે કમ ધીમેથી તો બોલવાનું શીખ! દીવાલોને પણ કાન હોય છે. જો કોઈક સંભાળી જશે તો નાહક જ આપણું આવી બનશે.’

ત્યારબાદ છણકો કરીને કમલા ત્યાંથી બહાર નીકળી ગઈ. બીજી તરફ કંપાઉન્ડમાં પહોંચ્યા પછી અમરે, જમનાદાસને પૂછ્યું:

‘પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે?’

જવાબમાં જમનાદાસે સ્મિત ફરકાવ્યું પછી બંડીના અંદરના ગજવામાંથી પચાસની નોટોવાળું એક બંડલ કાઢ્યું. પછી કોઈ જોતું નથી એની ખાતરી કર્યા બાદ એણે તે બંડલ અમરના હાથમા મૂકીને કહ્યું, ‘તારા સમ...હું તને પૈસા આપવા માટે જ આવ્યો હતો. બાકી મારા વડવાઓ અહીં કંઈ જ દાટી નથી ગયા કે મારે તે ખોદવા આવવું પડે! તે પાચં હજાર માંગ્યા હતા ને? ગણી લે આ પૂરા પાંચ હજાર જ છે!’

‘ઓહ....મેનેજર સાહેબ... આ દુનિયામાં તમારા જેવો નેક, અને પરગજુ માણસ મળવો મુશ્કેલ છે!’ અમરે પ્રસન્ન અવાજે કહ્યું પછી બંડલને ચુંબન કરીને ગજવામાં મૂકતાં એ બોલ્યો, ‘પરંતુ પિતાજીને આ વાત તમે કહેશો નહી.’

‘અગાઉ ક્યારેય કહ્યું છે તે આ વખતે કહીશ?’ જમનાદાસના ચ્હેરા પર હજુ પણ હળવું સ્મિત ફરકતું હતુ. એની આંખોમાં એક વિશેષ ચમક પથરાયેલી હતી.

‘તમારો ખૂબ ખૂબ આભાર...!’ અમર ભાવાવેશથી બોલ્યો,

‘પરંતુ આ પૈસાની વ્યવસ્થા તમે કેવી રીતે કરી...?’

‘તારે રોટલાથી કામ છે કે ટપાકાથી?’

‘છતાં પણ...’

‘તો સાંભળ... તારા સમ ખાઈને કહું છું હો!’ જમનાદાસે જવાબ આપતાં કહ્યું, ‘આ તો તું પૂછે છે એટલે કહું છુ બાકી મારે કહેવાની શું જરૂર? સાંભળ, આજે ઓફિસે કોઈ ઈન્કમ ટેક્સ-બીન્કમટેક્સ વાળું નહોતું આવ્યું. એ તો તારા બાપ પાસેથી રૂપિયા કઢાવવાનું માત્ર એક બહાનું જ હતું. સીધી રીતે મેં તારે માટે એની પાસે પાંચ હજાર માંગ્યા હોત તો તે પાંચ પૈસા પણ ન આપત! અને નહીં જ આપે એની મને પૂરેપૂરી ખાતરી હતી. અને મેં ગમે તેમ કરીને તને પાંચ હજાર અપાવવાનું નક્કી કર્યું. હતુ. મારો નિર્ણય કોઈ દિવસ ફરતો નથી એ તો તું જાણે જ છે. મારી ના ની હા ન થાય અને હા ની ના ન થાય! એટલે તારા બાપ પાસેથી રૂપિયા કઢાવવા માટે જ મેં ઈન્કમ ટેક્સ વાળાઓ આવ્યા હોવાની જાળ પાથરી હતી. અને તારો એ ચમડી તુટે પણ દમડી ન છૂટે એવો બાપ મારી જાળમાં આબાદ રીતે ફસાઈ ગયો. અને ઉપરથી મારા આભાર અને ઉપકાર માન્યો તે જુદું! હું પરગજું માણસ છું અને મારાથી કોઈનું ય દુ:ખ નથી જોવાતું એ તો તું જાણે જ છે! અને એમાં ખાસ કરીને કોઈને આર્થિક રીતે સંકટમાં જોઈને તો મને કંઈનું કંઈ થઈ જાય છે.’ જમનાદાસના ચ્હેરા પર ફરકતું રહસ્યમય સ્મિત પ્રત્યેક પળે ગાઢ બનતું જતું હતું.

‘વાહ...તમે તો કમાલ કરી નાખી...!’ અમર તેને વળગી પડતાં બોલ્યો, ‘તમારા દિમાગને ખરેખર દાદ આપવી પડશે. બીજાઓને બેવકૂફ બનાવવામાં તમારો જોટો જડે તેમ નથી.’

જમનાદાસના ચ્હેરા પર ફરકતું રહસ્યમય સ્મિત હવે વધુ ઘેરૂં બની ગયું હતુ.

‘તારા સમ...’ તે અમરના કાન પાસે પોતાનું મોં લઈ જતાં ધીમેથી ગણગણ્યો, ‘ક્યારેક ક્યારેક તો તું સાવ નાના બાળક જેવો બની જાય છે. અરે, હવે તો મને છોડ! તું મને શા માટે વળગ્યો છે? અને હા...’ જાણે અચાનક કંઈક યાદ આવ્યું હોય એવા અવાજે એણે કહ્યું, ‘સાંભળ, તારું બીજું કામ પણ થઈ ગયું છે. મે કાનપુરની અમીનાબાઈને બોલાવી લાવવા માટે સવારે જ એક માણસને રવાના કરી દીધો છે. અને રાત સુધીમાં તે એની સાથ પાછો પણ આવી જશે. મેં તારે માટે હોટલ ડીલક્સમાં એક રૂમ પણ બુક કરાવી નાંખ્યો છે. એટલે રાત્રે તારે જેટલી મજા કરવી હોય તેટલી કરી લેજે!’

‘ઓહ...’ કહીને અમર ફરીથી આંદાવેશમાં આવી જઈને તેને વળગી પડ્યો, ‘તમે...તમે મારૂં કેટલું ધ્યાન રાખો છો...’ એનો અવાજ પ્રસન્નતાથી ભરપુર હતો. એની આંખોમાં એક ખાસ પ્રકારની ચમક પથરાયેલી હતી.

‘અરે...પણ મને છોડ તો ખરો...! જમનાદાસ તેનાથી દૂર ખસતાં બોલ્યો, ‘મને વળગાવથી શું વળશે? અમીનાબાઈ પાસે જે છે, એ મારી પાસે ક્યાં છે? અને જો તારી પત્ની સાફસૂફી કરતાં કરતાં આપણી તરફ જ જુએ છે. તું હિરાલાલ પાસે જા, હું મારી રીતે ચાલ્યા જઈશ.’

પછી હાથમાં પોતું લઈને એકીટશે તેમની સામે જ તાકી રહેલી સુનિતા પર ઉડતી નજર ફેંકીને અમર ઝડપથી હિરાલાલનાં રૂમ તરફ આગળ વધી ગયો.

જમનાદાસનાં ચહેરા પર રહસ્યમય સ્મિત હજુ પણ ફરકતું હતું. પાછો તે લંગડાતી ચાલે સુનિતા પાસે પહોંચ્યો.

‘કેમ છે દિકરી...?’ એણે પૂછ્યું.

‘બસ, જેમ તેમ કરીને દિવસો પસાર કરૂ છું...!’ સુનિતાએ ધ્રુસકા ભરતાં ભરતાં જવાબ આપ્યો.

જમનાદાસનાં ચ્હેરાં પરથી અર્દશ્ય થઈ ગયું. પછી એણે લાગણીથી તેંનાં માથાં પર હાથ ફેરવતાં કહ્યુ... ‘ના...ના...તું રડ નહિ...! તારા સમ... એક વાત હંમેશા યાદ રાખજે દિકરી, કે આ દુનિયામાં જેમનું કોઈ નથી હોતું, તેનો ભગવાન હોય છે. અને ભગવાન જેની સાથ હોય છે. તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી.’ કહીને તે એક પળ પણ ત્યાં થોભ્યા વગર સીધો જ બંગલાનાં ફાટક તરફ આગળ વધી ગયો.

‘હું...હું જાણું છું કાકા...!’ સુનિતા એની પીઠ સામે તાકી રહેતા રૂંધાયેલા અવાજે બબડી, ‘બસ, માત્ર તમે એકલા જ મારા દુ:ખને, મારા દર્દને જાણો છો અને અનુભવો છો. બાકી બીજા બધાં તો મને કઠપૂતળી જ માને છે. હું...હું...’

એ કયાંય સુધી રડતી રહી.

બીજી તરફ હિરાલાલનાં બંગલામાંથી બહાર નીકળતી વખતે જમનાદાસનાં ચહેરાં પર કુટિલ સ્મિત ફરકતું હતું તે સુનિતા વિશે જ વિચારતો વિચારતો સ્વગત બબડયો હતો-’તમારા સમ...સુનિતાને હવે મારા પર પૂરેપૂરો ભરોસા બેસી ગયો છે અને જો કોઈને લૂંટવો હોય તો સૌથી પહેલા તેને પોતાનાં વિશ્વાસમાં લેવો એકદમ જરૂરી છે. હવે...હવે હું સુનિતા...’

મનમાં અનેક વિચારો કરતો હવે તે ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધતો ગયો.

હિરાલાલનો આલિશાન બંગલો, મોટક, નોકર-ચાકર વિગેરે જોઈને એને પણ એ બધું મેળવવાનું મન થઈ આવ્યું હતું.

અને એ મેળવવા માટે એણે પોતાના ચક્રો ગતિમાન પણ કરી દીધા હતા.

પોતે એ બધું મેળવીને જ રહેશે. એવા મક્કમ નિર્ણય પર તે આવ્યો હતો.

જોઈએ હવે શું થાય છે?

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

jinal parekh

jinal parekh 2 વર્ષ પહેલા

Bindu Patel

Bindu Patel 2 વર્ષ પહેલા

શિતલ માલાણી

શિતલ માલાણી માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

wait for next

Urmila Patel

Urmila Patel 3 વર્ષ પહેલા