આફત - 11 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આફત - 11

આફત

કનુ ભગદેવ

11: નાગપાલનું આગમન...!

બીજી તરફ-કિરણ ફોન કરવા માટે અંદર ગઈ કે તરત જ હિરાલાલ ધ્રુજતાં અવાજે બોલ્યો, ‘કિરણને ફોન કરતા અટકાવ રાજેશ...! જો પોલીસ અહીં આવે તો...તો...’

‘હું તો કહું છું કે આવવા દો પોલીસને...!’ કમલાએ તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા કહ્યું, ‘પોલીસનાં આગમનથી આપણાં દિકરાનું ખૂન કોણે કર્યું છે એની આપણને ખબર પડી જશે.’

‘તારી બોબડી બંધ રાખ નાલાયક...!’ હિરાલાલ કમલા પર વીફરી પડતાં બોલ્યો, ‘પોલીસ અહીં આવશે તો આપણો ભાંડો ફૂડી જશે. અને જો એવું થશે તો પછી કિરણ આ ઘરમાં એખ મિનિટ પણ નહીં રોકાય. એ જો ચાલી જશે તો આ કરિયાવરનો સામાન તથા એનાં નામે બેંકમાં પડ્યા છે તો પચાસ લાખ રૂપિયા પણ આપણા હાથમાંથી નીકળી જશે એનું તને કંઈ ભાન છે?’

‘તમને કરિયાવરનાં સામાનની ચિંતા થાય છે. પચાસ લાખ રૂપિયા હાથમાંથી નીકળી જશે એની ચિંતા થાય છે...!’ કમલાએ રૂંધાતા અવાજે કહ્યું, ‘પરંતુ આ તમારી સામે તમારા દિકરાનો મૃતદેહ પડ્યો છે, એની તમને જરા પણ ચિંતા કે ફિકર નથી થતી? તમારાં દિકરાનો ખૂની ફાંસીનાં માંચડે લટકે એમ તમે નથી ઈચ્છતા? તમને માત્ર આ કરિયાવર અને પચાસ લાખ રૂપિયા પ્રત્યે જ પ્રેમ છે?’

‘અરે...પોલીસ અહીં આવશે તો પછી અમરનો ખૂની તો જ્યારે ફાંસીના માંચડે લટકવાનો હશે ત્યારે લટકશે, પણ એ પહેલાં આપણે બધાં જરૂર લટકી જઈશું. હવે રહી વાત કરિયાવર તથા પેસાને પ્રેમ કરવાની. તો એ લાલચ તને પણ ક્યાં નહોતી. તું તારા મનમાં વિચાર કરે. એ લાલચને કારણે જ તો તે આવી કડકડતી ઠંડીમાં સુનિતા પાસે ઘરનું બધું કામ કરાવીને તેને બિમાર પાડી દીધી. એને બિમાર પાડવાની યોજના કોણે બનાવી હતી, તેં કે મેં...?’

‘ એ તો... એ તો...કમલા કોઈ જ જવાબ આપી શકી નહી.

‘ખેર... મને પૈસાની, કરિયાવરની લાલચ છે એ હું કબૂલ કરું છું. અને જો આ લાલચ મને ન હોત તો હું સુનિતાને શા માટે ઠેકાણે પાડત? અને હવે એ ઠેકાણે પડી ગઈ છે, કરિયાવરથી આપણું ઘર ભરાઈ ગયું છે તો પછી હું એ બધું ગુમાવવા નથી માંગતો સમજી? અને જો કિરણ આ ઘર છોડીને ચાલી જશે તો આ બધું કરિયાવર તથા પચાસ લાખ રૂપિયા આપણે ગુમાવવા પડશે માટે તમે જેમ બંને તેમ કિરણને ખુશ રાખવાનો પ્રયાસ કરો...!’

‘પરંતુ કિરણ નામની આ છોકરી તો મને ખાવા દોડે છે. એ મને પોતાની સાસુ નહીં, પણ જરખરીદ ગુલામ માને છે,’કમલા રડમસ અવાજે બોલી.

‘ તો શું થયું? પચાસ લાખ રૂપિયા માટે ગમે તે સહન કરી શકાય છે. અને તારે પણ કરવું પડશે. અરે, તે ભરબજારમાં મારું અપમાન કરશે તો પણ હું હસતા મોંએ તેનું અપમાન સહન કરી લઈશ. બલકે સહન કરવું જ પડશે. દૂઝણી ગાયનું દૂધ મેળવવું હોય ક્યારેક તેની લાત પણ સહન કરવી પડે છે. અને કિરણ આપણે માટે માત્ર આવી દૂઝણી ગાય જ નથી, સાથે-સાથે સેનાના ઇંડા આપતી મરઘી જેવી છે. એટલે એ જેમ નચાવે તેમ આપણે નાચવું પડશે સમજી?’

‘તમારી વાત સાચી છે...’ કમલા પૂર્વવત્ અવાજે બોલી, ‘પરંતુ મારે આવાં પૈસા નથી જોઈતા. મને આવી મરઘી જરા પણ પસંદ નથી. આ પૈસાદારની દિકરી કરતાં તો ગરીબ કુટુંબની સુનિતા સત્તર દરજ્જે સારી હતી. એણે ક્યારેય મારી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી. બિચારી સુનિતા...!’ એના અવાજમાં પ્રશ્ચાત્તાપનો સૂર હતો.

‘શટઅપ...!’ હિરાલાલ જોરથી તાડક્યો, ‘આજ પછી ક્યારેય આ ઘરમાં સુનિતાનું નામ લઈશ નહીં. સાલ્લી...મૂરખ...! પહેલાં કરિયાવરની લાલચમાં સુનિતાને મારી નાંખી અને હવે જ્યારે કરિયાવરથી ઘર ભરાઈ ગયું છે ત્યારે સુનિતા...સુનિતા કરે છે. તું તો મરીશ પણ સાથે સાથે અમને પણ મારતી જઈશ.’

કમલા ચૂપ રહી

‘રાજેશ...’ હિરાલાલ રાજેશ પાસે જોતાં બોલ્યો, ‘તું મારી સાથે રૂમમાં ચાલ! હવે શું કરવું એનો આપણે વિચાર કરી લઈએ!’ કહીને તે પોતાના રૂમ તરફ આગળ વધ્યો.

રાજેશ પણ માથું ધુણાવતાં તેની પાછળ જ હતો.

કમલા અને મધુ અમરના મૃતદેહને વળગીને રૂદન કરવા લાગ્યા.

  • ***
  • હિરાલાલના બેડરૂમમાં એ બંને બેઠા હતા.

    બંને બાપ-દિકરા વચ્ચે વિચારોની આપ-લે થતી હતી.

    ‘રાજેશ...’ રાજેશે ધૂંધવાયેલા અવાજે કહ્યું, ‘સુનિતાના મૃતદેહને આપણે બધાએ, આપણી સગી આંખે જોયો હતો. આપણે આપણાં સગા હાથેથી એના મૃતદેહને ખાડામાં દાટ્યો હતો. પરંતુ તેમ છતાંયે તે આજે ઘરમાં, જે રૂમમાં કરિયાવરનો સામાન પડ્યો હતો, ત્યાં કેવી રીતે જીવતી-જાગતી પહોંચી ગઈ? તમે એના પર ગોળીઓ કઈ રીતે છોડી? હું તો એમ જ માનતો હતો કે તમે એ ગોળીઓ પેલા લંગડા પર છોડી હતી. ગોળીઓના અવાજ બાદ તરત જ મેં તેને કંપાઉન્ડની દીવાલ કૂદીને બીજી તરફ જતો જોયો હતો. આ બધું કેવી રીતે બંને?’

    ‘હવે હું તને કઈ રીતે ખાતરી કરાવું કે...’ હિરાલાલ પોતાના વાળ પીંખતા બોલ્યો, ‘મેં સુનિતા પર જ ગોળીઓ છોડી હતી. તું જે લંગડાની વાત કરે છે એનો તો આજ સુધીમાં મેં ક્યારેય જોયો પણ નથી.’

    ‘તો સુનિતા હજી જીવતી છે એમ તમે કહેવા માંગો છો?’

    ‘હા...પણ એ જીવતી કઈ રીતે હોય એ મને નથી સમજાતું. આપણે તેના મૃતદેહને દાટી દીધો હતો. ભલં પછી પાછળથી કોઈક તેના મૃતદેહને ખાડો ખોદીને લઈ ગયુ. એ વાત જુદી છે. પરંતુ સુનિતાની લાશ ચાલીને કરિયાવરવાળા રૂમમાં કઈ રીતે પહોંચી ગઈ? લાશો ક્યારે ય ચાલતી નથી.’

    ‘તમે ય ગજબ કરો છો પિતાજી...!’ રાજેશ મૂંઝવણ ભર્યા અવાજે બોલ્યો, ‘એક તરફ તમે ખાતરીથી એમ કહો છો કે, તમે એ ગોળીઓ સુનિતા પર જ છોડી હતી અને બીજી તરફ એમ કહો છો કે લાશ ક્યારેય ચાલતી નથી. તમારી બંને વાતનો પરસ્પર ક્યાંય મેળ નથી ખાતો. પણ એક વાત મને સૂઝે છે.’

    ‘શું...?’

    ‘પેલો લંગડો કોઈક તાંત્રિક હોય એ બનાવાજોગ છે. જરૂર એણે જ સુનિતાના મૃતદેહને ખાડામાંથી કાઢીને પોતાની તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરીને તેને ફરીથી જીવતી કરી દીધી હોય અથવા તો પછી જો તમે જેના પર ગોળીઓ છોડી હતી, તે સુનિતા નહીં પણ તેનું ભૂત હોય! ભૂત બનીને તે આપણી સાથે બદલો લેવા માટે આવી હોય!’

    ‘બકવાસ બંધ કર તારો...! મને ભૂત-પ્રેત તાંત્રિક માંત્રિક વિગેરે પર જરા પણ વિશ્વાસ નથી એ તું જાણે છે. આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઈ છે જ નહીં. ભૂત-પ્રેતનું વાતો માત્ર નબળા મનના માણસો જ માને છે. હું એવો અંધશ્રદ્ધાળુ નથી. મર્યા પછી પછી ભૂત બનીને સુનિતા આપણી સાથે બદલો લેવા માંગતી હોય એ વાત માનવા માટે હું હરગીઝ તૈયાર નથી.’

    ‘તો પછી સુનિતાની છાતી પર લાગેલી છ-છ ગોળીની તેના પર શા માટે કંઈ અસર થઈ નહીં એ મને કહો! તમારા કહેવા મુજબ તમે છ એ છ ગોળી તેની છાતી પર જ છોડી હતી.

    ખરુંને...?’

    ‘હા....અને મેં જે કાંઈ કહ્યું છે તે સાચું જ કહ્યું છે. અલબત્ત, એ ગોળીઓની એના પર કંઈ અસર થઈ નહીં તે જોઈને મને પણ આશ્ચર્ય થાય છે.’ હિરાલાલે જવાબ આપ્યો,

    ‘એક પણ ગોળી તેનો જીવ લઈ શકી નહી!’

    ‘જે પહેલાંથી જ મરી ગયું હોય, એનો જીવ બીજી વાર કોઈ કઈ રીતે લઈ શકે? મારી વાત માનો... સુનિતા ખરેખર જ મરી ગઈ છે. અને મર્યા પછી તે ચુડેલ કે ડાકણ કે બની ગઈ છે. એનાં ભૂતને શ્રાપિત પડછાયો આ ઘર પર પડી ચૂક્યો છે. હવે તે આપણને બધાંને એક એક કરીને મારી...’

    ‘ચાલતો થા...!’ હિરાલાલે ચીસ જેવા અવાજે કહ્યું, ‘મારે તારી આવી મૂર્ખાઈ ભરેલી વાંતો નથી સાંભળવી. મે એટલા માટે તને અહીં નથી બોલાવ્યો.’

    ‘ઠીક છે....તમે કહો છો તો ચાલતો થઊં છું....’ રાજેશ ઊભો થઈને બારણા તરફ આગળ વધ્યો. પછી કંઈક વિચારી, પીઠ ફેરવી, હિરાલાલ સામે જોઈને એ બોલ્યો, ‘પરંતુ એક વાતનો મને વિચાર આવે છે. કિરણ ફોન કરી ચૂકી હશે અને હવે પોલીસ અહીં આવતી જ હશે. પોલીસ સામે તમે કોના પર ગોળીઓ છોડી હતી એનો શું ખુલાસો કરશો? જો તમે સુનિતા પર નહીં, પણ બીજા કોઈક પર ગોળીઓ છોડી હતી એમ કહેશો તો આપણે બધાં ફસાઈ જશું અને જો સુનિતા પર છોડી હતી એમ કહેશો તો...’

    ‘તો તો પછી ઊલટું વધારે મુશ્કેલીમાં મૂકાઈ જશું.’ હિરાલાલે પરેશાની ભર્યા અવાજે કહ્યું, ‘પોલીસ સુનિતા વિશે જાતજાતના સવાલો પૂછશે અને પછી આપણે બધાં ફાંસીના માંચડે પહોંચી જશું. પોલીસ ગુનેગાર પાસે તેનો ગુનો કબૂલ કરાવવા માટે એને ટોર્ચર કરે છે અને એ ટોર્ચરીંગ સામે ભલ ભલા ગુનેગારો પોતાનો ગુનો કબૂલી લે છે અને પોપટની જેમ બોલતો થઈ જાય છે એવું મેં સાંભળ્યુ છે.’

    ‘તમારી વાત સાચી છે. પરંતુ જો તમે પોલીસ પાસે જીભ ઉઘાડવાનો પ્રયાસ કરશો તો હું તમારી જીવ કાપી નાંખીશ.’ રાજેશ હિંસક અવાજે બોલ્યો.

    ‘શું...?’ હિરાલાલ નર્યા-નિતર્યા અચરજથી રાજેશ સામે તાકી રહ્યો. એના મોંએથી આવી વાત સાંભળવાનો વખત આવશે તેની તો એણે કલ્પના પણ નહોતી કરી. તે આશ્ચર્યથી બોલ્યો, ‘તું...તું તારા સગાં બાપની જીભ કાપી નાંખીશ?’

    ‘જો એ જરૂર કરતાં વધુ બોલશે તો ન છૂટકે કાપવી જ પડશે?’ જાણે જીંદગીમાં પહેલી જ વાર હિરાલાલે મળ્યો હોય એ રીતે રાજેશે તેની સામે ઘૂરકીને જોયું. પછી કઠોર અવાજે એણે કહ્યું, ‘સુનિતાનાં ખૂનમાં આપણા આખા કુટુંબનો હાથ હતો. તેમાં મારો પણ સમાવેશ થઈ જાય છે. જો તમે પોલીસને એના ખૂનની સાચી હકીકત જણાવી દેશો તો તમારી સાથે સાથે હું પણ પકડાઈ જઈશ. તમે તો હવે ઉંમરલાયક થઈ ગયા છો એટલે મરી જશો કે ફાંસીના માંચડે લટકી જશો તો એનાથી તમને કે બીજા કોઈને ય કંઈ ફર્ક નથી પડવાનો! પરંતુ હું હજુ યુવાન છું. મેં આ જિંદગીમાં જોયું પણ શું છે? અને હું કોઈ જ કિંમતે સુનિતાના, ખૂનના આરોપમાં ફાંસીના માંચડે લટકવા નથી માંગતો સમજ્યા તમે?’

    હિરાલાલ થોડી પળો સુધી કિંકર્તવ્ય વિમૂઢની જેમ તાકી રહ્યો. પછી અચાનક તે ક્રોધથી કાળઝાળ અવાજે બરાડ્યો, ‘તો હું ઘરડો થઈ ગયો છું. અને એટલા માટે જ હું સુનિતાના ખૂનના આરોપસર ફાંસીના માંચડે લટકી જઉં એનાથી કોઈને ય કંઈ જ ફર્ક નથી પડવાનો ખરું ને? પણ એક વાત કાન ખોલીને સાંભળી લે નાલાયક કે જો આવો વખત આવશે તો તમને કોઈને ય નહીં છોડું. મારી સાથે સાથે તમારે પણ ફાંસીના માંચડે લટકવું પડશે? હું પોલીસને જણાવી દઈશ કે સુનિતાનાં ખૂનમાં તમે બધાંએ પણ મને સાથ આપ્યો હતો. કારણ કે મારી જેમ તમને બધાંને પણ કરિયાવરની લાલચ હતી અને...’

    ‘તો તમે અમારા બધાનાં નામ પોલીસને જણાવી દેશો એમ ને?’ કહેતાં કહેતાં અચાનક જ રાજેશનો દેખાવ અને દિદાર બંને બદલાઈ ગયા. એની આંખોમાં શયતાનીયતભરી ચમક પથરાઈ ગઈ. તે ક્રોધથી બરાડ્યો, ‘તો તો પછી હું તમને જીવતાં નહી છોડું.! પોલીસ આવશે એ પહેલાં જ હું તમને યમલોકનાં દરવાજે પહોંચાડી દઈશ. તમે જીવતા હશો તો પોલીસ સામે જીભ ઉઘાડશો ને? હું તમને જીવતાં જ નહીં રાખું.’ કહીને રાજેશે હિરાલાલનું ગળું પકડી લીધુ.

    વાહ રે પૈસાની લાલચ વાહ....!

    એક માત્ર પૈસાની લાલચ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે તેનો આ જીવતો-જાગતો પૂરાવો હતો. દિકરો, બાપ સાથેનાં સંબંધોને ભૂલી ગયો હતો અને જ્યારે હરામનો પૈસો ઘરમાં આવે ત્યારે આવું જ થાય છે.

    અને કરિયાવરનો પૈસો પણ હરામનો જ આવેલો હોય છે. ને? એને માટે ક્યાંય, કોઈ જ જાતનો પરસેવો પાડવો પડતો નથી.

    બિચારા ગરીબ મા-બાપો પોતાની જાત વેચીને દિકરીને કરિયાવર આપે છે. એ કરિયાવરની વ્યવસ્થા તેમણે ક્યાંથી કરી. એ તો તેમનાં મન જ જાણતા હોય છે. કરિયાવર આપવા માટે તેઓ પગથી માથાં સુધી કરજમાં ડૂબી જાયછે. ઘરમાં ખાવાનાં પણ ઠેકાણા નથી રહેતાં. કોઈકનું પર કરિયાવરથી ભરવા માટે તેમને પોતાનું ઘર ખાલી કરી નાંખવુ પડે છે. આવા ગરીબ, દુ:ખી માબાપો શું કોઈને દુઆ આપી શકે છે? ઘેર દિકરી જન્મી હોય એટલે તેના લગ્ન વખતે દિકરીના સાસરીયા પક્ષને કરિયાવર આપ્યા વગર પણ તેમનો છૂટકો નથી હોતો. પરંતુ કરિયાવરની સાથે સાથે, દિકરીના સાસરીયા પક્ષ પ્રત્યે તેમનાં દુ:ખી હૃદયમાંથી આશીર્વાદને બદલે શાપ નીકળે છે. અને એ શાપ જ હિરાલાલ જેવા કરિયાવરના લાલચુ માણસોનું ધનોત-પનોત કાઢી નાખે છે. કેમકે તેમણે એ કરિયાવર કોઈક ગરીબની આંતરડી કકડાવીને મેળવ્યું હોય છે. એટલે આવું હરામનું કરિયાવર તેમને કઈ રીતે ફળે?’

    આજે કરિયાવરના એ હરાંમના પૈસાથી જ હિરાલાલના ઘરમાં અશાંતિ ઊભી કરી દીધી હતી. અંદર બાપ-દિકરો એક-બીજા સાથે ઝઘડતા હતા અને બહાર લોનમાં બીજા દિકરાની લાશ પડી હતી.

    અચાનક કમલા અને મધુ હિરાલાલના રૂમમાં દાખલ થયા.

    અંદરનુ ર્દશ્ય જોઈને બંને ઘડીભર હેબતાઈ ગયા.

    પછી કમલાએ આગળ વધીને રાજેશના હાથમાંથી હિરાલાલની ગરદન છોડાવી.

    ‘આ...આ બધું શું છે રાજેશ...?’ કમલા, રાજેશને ધમકાવતાં બોલી, ‘દિકરો થઈને બાપનું ગળું પકડતા તને શરમ નથી આવતી?’

    ‘બાપ....?’ રાજેશે ઘૂરકતા અવાજે કહ્યું, ‘જે માણસ કરિયાવરની લાલચમાં આપણને બધાને ફસાવી દેવાની વાત કરે છે એને તું મારો બાપ કહે છે?’

    ‘ હા...હા...હું જરૂર તમને બધાને ફસાવી દઈશ...!’ હિરાલાલ જોરથી બરાડયો, ‘સુનિતાનાં ખૂનની યોજના આપણે બધાંએ ભેગાં થઈને બનાવી હતી. મેં એકલાયે નહી સમજ્યો?’

    ‘સુનિતાને ડૉક્ટર આનંદ પાસે ઝેરનું ઇંજેક્શન આપવાની સલાહ તો તમે જ આપી હતી ને? રાજેશે વળતો પ્રહાર કરતાં કહ્યુ.

    ‘તારી વાત સાચી છે...?’ હિરાલાલ પણ ક્યાં પાછળ રહે તેમ હતો. એ બોલ્યો. ‘પરંતુ એ ડૉક્ટર તારો મિત્ર હતો, મારો નહીં. તે જ એની સાથે મારી મુલાકાત કરાવી હતી.’

    ‘ઓહ...’ કમલાએ ધૂંધવાઈને કહ્યું, ‘તમને બંનેને શું થઈ ગયું છે? અત્યારે અંદરોઅંદર ઝઘડવાનો વખત છે? હમણાં થોડી વારમાં જ પોલીસ આવી પહોંચશે. એટલે તેના આવ્યા પહેલાં શું કરવું તેનો વિચાર કરવાને બદલે તમે બંને અંદરો-અંદર ઝઘડો છો.’ કહીને તે રાજેશ તરફ ફરીને બોલી, ‘રાજેશ ભૂલા તારી છે. તારે આમ તારા પિતાજીનું ગળું ન પકડવું જોઈએ.

    ‘મા, તું મારો વાંક કાઢે છે પણ તું જોજે એક દિવસ મારો આ જ બાપ તારા ગળા પર પણ છૂટી મૂકતાં નહીં અચકાય! અને એ દિવસ હવે બહુ દૂર નથી. અને જ્યારે આવું બનશે ત્યારે, ભૂલ કોની હતી, મારી કે તેમની એ હું તને પૂછીશ. આ...આ માણસ...’ એણે ખંજરની જેમ હિરાલાલ સામે આંગળી ચીધી, ‘પૈસા માટે ગમે તે કરી શકે તેમ છે.એનું સર્વસ્વ પૈસો જ છે!’

    ‘હાં...પૈસા જ મારું સર્વસ્વ છે...!’ હિરાલાલ કડવા અવાજે બોલ્યો, ‘પૈસા માટે હું ગમે તે કરી શકું તેમ છે. એક નાની સરખી દુકાનમાંથી આજે હું કેવી રીતે બે મીલોનો માલિક બન્યો છું. એ તો હું જ જાણું છું. એની પાછળ મેં કેટલો ભોગ આપ્યો છે એની તમે તને શું ખબર પડે? તમે બધાં તો તૈયાર થાળીએ બેસી ગયા છો એટલે મેં તેની પાછળ કેટલો પરસેવો રેડ્યો છે, કાળી મજૂરી કરી છે એનો તમને ક્યાંથી ખ્યાલ આવે? લાખોપતિ બનવાનું મેં ઘણાં સમયથી સપનું જોયું છે. અને આજે જ તક મને મળે છે. કિરણના નામે બેંકમાં પડેલાં પચાસ લાખ રૂપિયા અને એ આ લાખો રૂપિયાનું જે કરિયાવર લાગી છે, એને હું કોઈ પણ ભોગે ગુમાવવા માટે તૈયાર નથી. પછી ભલે એનાં માટે માન ગમે તે કરવું પડે.’ કહેતા કહેતાં એના હોઠના ખૂણામાંથી ફીણ નીકળી આવ્યું હતુ.

    કમલાએ રૂમાલથી એન. હોઠ પરથી ફીણ લૂંછી નાંખ્યુ. પછી કહ્યું, ‘સાંચુ પૂછો તો કરિવરનાં આ પૈસાથી હવે મારું મન ભરાઈ ગયુ છે. મારે કંઈ જ નથી જોઈતું. કરિયાવર રૂપી પાપની આ દોલતનું પરિણામ હું મારા દિકરા અમરની લાશ રૂપે જોઈ ચુકી છું છતાં પણ હું તમારી પત્નિ છું. તમારાં દરેક સુખ-દુ:ખ અને મુશ્કેલીઓમાં હું તમારી સાથે જ છું. પરંતુ હવે તેમ શાંત થાઓ. આ રીતે ઉત્તેજીત થવાથી શું લાભ થવાનો છે? ઊલટું નુકશાન જ થશે. તમે બંને મગજ ઠંડા રાખીને શાંતિથી વિચારો કે હવે આપણે શું કરવાનું છે? પેલી કમજાત કિરણે પોતાના ઓળખીતા જાસૂસને ફોન તો કરી જ દીધો છે. અને અત્યારે તે લોનમાં અમરની લાશ પાસે બેઠી છે.

    ‘હવે એમાં વિચારવાનું શું છે?’ હિરાલાલ હવામાં હાથ નચાવીને બેદરકારી ભર્યા અવાજે બોલ્યો, ‘પોલીસને કહી દઈશ કે મેં સુનિતા પર ગોળીઓ નહોતી છોડી.’ કમલાથી વાત સાંભળીને હવે તે સ્હેજ શાંત પડ્યો હતો.

    ‘તમે સુનિતા પર ગોળીઓ નહોતી છોડી તો શું શોખને ખાતર હવામાં છોડી હતી?’ રાજેશનાં અવાજમાં મજાકનો સૂર હતો, ‘તમે કિરણની સામે જ કહ્યું હતું કે એ ગોળીઓ, તમે સુનિતા પર છોડી હતી. હવે આ વાત જો એ પોલીસને જણાવી દેશે તો?’

    ‘એને જે કહેવું હોય તે કહે! એનાંથી શું ફર્ક પડવાનો હતો?’ જાણે કોઈક ગઢ જીતી લાવ્યો હોય એવા અવાજે હિરાલાલે જવાબ આપ્યો, ‘સુનિતા મરી ગઈ છે એ વાત બધાં જ જાણે છે. અને મરેલાં માણસ પર કોઈ ગોળી ન જ છોડે એટલું સમજવાની અક્કલ તો તેમનામાં હોય જ!’

    ‘પરંતુ પિતાજી...’ રાજેશ બોલ્યો, ‘સુનિતા વિશાળગઢની બહાર મરી ગઈ છે અને ત્યાં જ આપણે તેનાં અંતિમ સંસ્કાર કરી નાંખ્યા છે એવું માત્ર આપણે જ કહીએ છીએ! બાકી બીજાઓએ તો આપણાં મોંએથી આ વાત સાંભળીને તેને સાચી માની લીધી છે. સુનિતાની લાશનું આપણે ખરેખર શું કર્યું છે એની તો કોઈને ય ખબર નથી. બધા આપણી વાતને અથવા તો પછી ડૉક્ટર આનંદે આપેલાં સુનિતા મૃત્યુના સર્ડીફીકેટને જ સાચું માની બેઠા છે.’

    ‘એટલે...? તું કહેવા શું માંગે છે? કંઈક ખુલાસાથી કહે તો સમજ પડે.’

    ‘હું એમ કહેવા માગું છું કે, સુનિતાના મૃતદેહના આપણે ક્યા ગામના, ક્યા સમ્શાનમાં અગ્નિસંસ્કાર કર્યા હતા, એવું જો પોલીસ તમને પૂછશે તો? દરેક સ્મશાનમાં એક રજીસ્ટર હોય છે અને એમાં મરનારનું નામ તથા તેનાં કુટુંબની વિગતો નોંધેલી હોય છે, એ તો તમે જાણતા જ કહેશો. અગ્નિસંસ્કાર માટે આવતાં મૃતદેહની તેમાં ફરજીયાત નોંધ કરાવવી પડે છે એની તો તમને ખબર જ હશે. ઘડીભર માની લો કે તમે, પોલીસને આપણે સુનિતાના મૃતદેહને ભૂપગઢના સ્મશાનમાં અગ્નિસંસ્કાર સુનિતાના મૃત્યુની નોંધ છે કે નહીં, એની તપાસ કરવા માટે જશે તો?’

    રાજેશની વાત સાંભળીને હિરાલાલનું દિમાગ બહેર મારી ગયું. પોતે નામનાં નાની વાત પ્રત્યે ધ્યાન આપ્યું હતુ. પરંતુ આ વાત પર પોતાનું ધ્યાન શા માટે ન ગયું. એનું તેને આશ્ચર્ય થતું હતું.

    ‘ઓહ...’ એ ધ્રુજતાં અવાજે બોલ્યો, ‘આ વા વાત પ્રત્યે તો મારું ધ્યાન જ નહોતું ગયું.’

    ‘તો હવે ધ્યાન આપો પિતાજી...!’ રાજેશે તેની મજાક ઉડાવતો હોય એવાં અવાજે કહ્યું, ‘આપણે સુનિતાને કરિયાવરની લાલચે મારી નાંખી છે એવી શંકા જો પોલીસને આવી જશે તો પછી બેંકમાં પડેલા કિરણના પચાસ લાખ રૂપિયા તથા આ બધો કરિયાવરનો સામાન તો તમારા હાથમાંથી નીકળી જશે અને સામાનની જગ્યાએ ઊલટું તમારા હાથમાં હાથકડી પડી જશે.’

    ‘નહી....’ હિરાલાલ પગથી માથા સુધી ધ્રુજી ઊઠ્યો, પછી જાણે અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એમ તેની આંખોમાં આનંદની ચમક પથરાઈ ગઈ. એ ચપટી વગાડતાં બોલ્યો, ‘રાજેશ મને ઉપાય સૂઝી ગયો છે. તું હજુ આ હિરાલાલને નથી ઓળખતો.’ કહીને તે ટેલિફોન તરફ આગળ વધ્યો, ‘મારાં હાથમાં પોલીસ હાથકડી તો શું, દોરો પણ પહેરાવી શકશે નહીં. અને પચાસ લાખ તથા આ કરિયાવર પણ અહીંથી ક્યાંય નહીં જાય. હું હમણાં જ સ્મશાનમાં રજીસ્ટરમાં સુનિતાના મૃત્યુની વાત નોંધાવી દઉં છું. પોલીસ કંઈ પૂછે તો તમારે માત્ર એટલું જ કહેવાનું છે કે આપણે સુનિતાના અગ્નિસંસ્કારમાં દેવગઢના સ્મશાનમાં કર્યા હતા. દેવગઢ, ભૂપગઢની બાજુમાં જ છે. દેવગઢના પોલીસ સ્ટેશનનો ઈન્ચાર્જ મારો લંગોટીયો મિત્ર છે. અલબત્ત, એ થોડો લાલચું છે. પણ દસ-વીસ હજાર લઈને તે દેવગઢના સ્મશાનમાં સુનિતાના મૃત્યુની નોંધ કરાવી દેશે. સ્મશાનમાં કામ કરતાં માણસને કંઈ આપવું પડશે. તો એ પણ તે આપી દેશે. હું તને ફોન કરીને સુનિતાના મૃત્યુની વિગત, તારીખ, વિગેરે બધું જ જણાવી દઉં છું, એ આ કામ કરી નાંખશે એની મને ખાતરી છે. ’

    ‘તો પછી હવે તમે કોની રાહ જુઓ છો?’ રાજેશે ઉતાવળા અવાજે કહ્યું, ‘પોલીસ આવે એ પહેલાં જ આ કામ પતાવી દો.’

    હિરાલાલે પહેલાં ઈન્કવાયરી પર દેવગઢના પોલીસ સ્ટેશનનો નંબર મેળવી લીધો. પછી દેવગઢ ફોન જોડ્યો. વિશાળગઢની સીધી વાત કરવાની વ્યવસ્થા હતી.

    જોગાયુજોગ એ વખતે હિરાલાલનો એ ઈન્ચાર્જ મિત્ર ડ્યૂટિ પર હાજર હતો. એણે તેને બધી વિગતો જણાવી દીધી.

    પછી રીસિવર મૂકીને, એણે પીઠ ફેરવીને બધાં સામે ગર્વભેર જોયું.

    ‘ચાલો, આપણું કામ પતી જશે. અલબત્ત, પચીસ હજારનો ખર્ચ થશે.’ એ બોલ્યો.

    એની વાત સાંભળીને બધાનાં જીવમાં જીવ આવ્યો.

    ‘હવે પોલીસ ભલે દેવગઢ તપાસ કરવા માટે જાય!’ હિરાલાલે કહ્યું.

    એ જ વખતે દૂરથી પોલીસ સાયરનનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. એ અવાજ તેનાં બંગલાની નજીક આવીને અટકી ગયો.

    હિરાલાલ વિગેરે બહાર નીકળીને કંપાઉન્ડમાં આવ્યા.

    એ જ વખતે હિરાલાલના બેડરૂમની બહાર ઊભેલો એક માણસ ઝડપથી કંપાઉન્ડમાં પાછલા ભાગની દીવાલ તરફ આગળ વધી થયો એ પગથી માથાં સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ હતો અને ચાલતી વખતે તેનો એક પગ લંગડાતો હતો.

    રાજેશે આગળ વધીને બંગલાનું ફાટક ઉઘાડ્યું.

    જીપ અંદર દાખલ થઈ કંપાઉન્ડમાં પહોંચીને ઊભી રહી ગઈ.

    પછી સહસા હિરાલાલની નજર એક ઈન્સપેક્ટર તથા, બે-ત્રણ સિપાહીઓ સાથે, આશરે પીસ્તાળીસ-પચાસની વચ ધરાવતાં, જીપમાંથી ઊતરી રહેલાં માણશ પર પડી. એનાં વાળ કાન પાસેથી સ્હેજ સોનેરી થઈ ગયા હતા. એની પાણીદાર આંખોમા એક વિશેષ ચમક પથરાયેલી હતી. તેનો દેખાવ એકદમ પ્રભાવશાળી લાગતો હતો. એનાં બંને હોઠ વચ્ચે પાઈપ સળગતી હતી. એનાં હાથમાં ચાંદીની મૂઠવાળી, નકશીકામ કરેલી સીસમની લાકડી હતી.

    તેમની પાછળ આવેલી એમ્બુલન્સમાંથી પોલીસ ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટ એકસ્પર્ટ એક ડૉક્ટર વિગેરે નીચે ઊતર્યા.

    નાગપાલે લોનમાં જઈને ધ્યાનથી અમરના મૃતદેહનું નિરીક્ષણ કર્યું. પછી ફોટોગ્રાફરને જુદી જુદી પોઝીશનમાં તેનાં ફોટાઓ પાડી લેવાનો આદેશ આપ્યો. પછી લાશનું પંચનામું કરવામાં આવ્યું.

    ત્યારબાદ તેણે લાશને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવી દીધી.

    પછી ફીંગર પ્રિન્ટ એકસ્પર્ટને બોલાવીને તેને શરાબની બોટલો પરથી તથા બંગલામાં સુનિતાનો જે રૂમ હતો, ત્યાંથી આંગળાની છાપો લઈ લેવાની સૂચના આપી.

    ફીંગર પ્રિન્ટ એકસ્પર્ટ તરત જ પોતાના કામે વળગી ગયો.

    ‘મિસ્ટર હિરાલાલ...’ નાગપાલ તેની પાસે જઈને બોલ્યો, ‘આપના દિકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવે છે. એના મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ મનો રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. હાલ તુરત તો પોલીસ ડૉક્ટરના પ્રાથમિક રિપોર્ટ મુજબ અમરનું મૃત્યું વધારે પડતો શરાબ પીવાથી થયું છે.’

    ‘મિસ્ટર હિરાલાલ...’ નાગપાલ તેની પાસે જઈને બોલ્યો, ‘આપના દિકરાના મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવે છે. એના મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્ચા પછી જ જાણવા મળશે. હાલ તુરત તો પોલીસ ડૉક્ટરના પ્રાથમિક રિપોર્ટ મુજબ અમરનું મૃત્યુ વધારે પડતો શરાબ પીવાથી થયું છે.’

    ‘ હું...’ હિરાલાલના ગળામાંથી હુંકાર નીકળ્યો. અમરના મૃત્યુ સાથે પોતાને કંઈ જ સંબંધ ન હોય એવું તેના અવાજ પરથી લાગતું હતું. અત્યારે તેનું સમગ્ર ધ્યાન પોલીસની ચુંગલામાંથી પોતાની જાતને કઈ રીતે બચાવવી એ તરફ જ કેન્દ્રિત થયેલું હતું. વિદ્યાર્થી પરિક્ષા આપવા જાય ત્યારે જે રીતે જરૂરી પ્રશ્નોના જવાબ ગોખી રાખે એ રીતે હિરાલાલે પણ પોલીસના અમુક સંભવિત પ્રશ્નોના જવાબ ગોખી રાખ્યા હતા.

    એને ગુમસુમ જોઈને નાગપાલે ફરીથી કહ્યું, ‘મિસ્ટર હિરાલાલ જુવાન દિકરાના મોતથી તમારી આવી હાલત થઈ જાય એ સ્વાભાવિક જ છે. અને હાલ તુરત હું તમારા પર પ્રશ્નોની ઝડી વરસાવીને તમને વધુ પરેશાન કરવા નથી માંગતો. છતાં પણ આ કેસ આપઘાતનો છે કે ખૂન એ હું જાણવા માગું છું. અને એ જાણવા માટે મારે તમને થોડી પૂછપરછ કરવી જરૂરી છે.’

    ‘પ...પૂછી...!’ હિરાલાલ ધ્રુજતાં અવાજે બોલ્યો. એ પોતે પણ નાગપાલ જલ્દીથી પોતાને જે કંઈ પૂછવું હોય તે પૂછીને વિદાય થાય એમ ઈચ્છતો હતો. પોતાના માથા પર પ્રશ્નો રૂપી લટકતી તલવારની એ જેમ બને તેમ જલ્દીથી છૂટકારો મેળવવા માંગતો હતો.

    ‘તમારો દિકરો અમર દરરોજ વધારે પડતો શરાબ પીતો હતો?’ નાગપાલે પૂછ્યું.

    ‘હાં...’ કહીને જાણે દિકરાના મોતથી પોતાને ખૂબ જ આઘાત લાગ્યો હોય એમ હિરાલાલે ઊંડો નિ:સાસો નાંખ્યો.

    ‘એક સાથે સાત સાત બોટલ ખાલી કરી નાંખે એટલો બધો શરાબ એ પીતો હતો?’

    ‘એટલે....? હું સમજ્યો નહીં....!’

    ‘જુઓ...’ નાગપાલે કહ્યું. ‘શરાબ તો કદાચ તમે પણ પીતા હશો. અને એક સાથે સાત સાત બોટલ ખાલી કરી નાખે એવો કોઈ જ શરાબી આજ સુધીમાં મેં નથી જોયો.’

    ‘હું...તો...હું તો....’ હિરાલાલ થોથવાયો, ‘માત્ર દૂધ જ પીઉ છું. અને એ પણ ગાય માતાનું! એટલે શરાબ કે શરાબ પીવાવાળાઓ વિશે ખાઈ કંઈ હું નથી જોણતો.’

    ‘ખેર, કંઈ વાંધો નહીં....હું તમને સમજાવું છું.’ નાગપાલે ધ્યાનથી તેની સામે જોતાં કહ્યું, ‘હું ક્યારેક પ્રસગોપાત શરાબ પીઉં છું. મારો ધંધો એવો છે કે મારે અવારનવાર શરાબીઓ સાથે પનારો પડે જ છે. પરંતુ પોતાની સુહાગ રાતે, પત્નિને રૂમમાં એકલી મૂકીને કોઈ શરાબની એક સાથે સાત સાત બોટલ લઈને લોનમાં પીવા માટે બેસી જાય એવો શરાબી તો મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયો.’

    ‘એ...એ બાતમાં હું શું કહી શકું નાગપાલ સાહેબ? મને તો એની કંઈ જ ખબર નથી.’ હિરાલાલે અવાજ હજુ પણ ધ્રુજતો હતો.

    ‘ છતાં પણ તમે કંઈક અનુમાન તો કરી જ શકો તેમ છો ને? અમર પોતાની સુહાગરાતે ગ્લાસ કે પાણી લીધા વગર માત્ર શરાબની બોટલો જ લઈને શા માટે લોનમાં આવ્યો હશે?’

    ‘ના, હું કોઈ જ અનુમાન કરી શકું તેમ નથી.’

    ‘કંઈ વાંધો નહીં. હું કરી શકું તેમ છું.’ નાગપાલ બોલ્યો,

    ‘અમરે પોતાની મરજીથી આ સાત બોટલો ખાલી નથી કરી પણ કોઈકે પરાણે એક પછી એક બોટલો તેને પાઈ દીધી હોય એવું મને લાગે છે. એટલે આ આપઘાતનો નહીં પણ ખૂનનો કેસ છે.?’

    ‘એ વાતનો પત્તો મેળવવાનું કામ તો આપનું છે સાહેબ!’ હિરાલાલનો ચ્હેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. અમરને સુનિતાએ જ મારી નાંખ્યો છે, એ વાત તે જાણતો હતો. પરંતુ જો પોલીસ સુનિતા સુધી પહોંચી જશે અને એ પોલીસનું બધું જ જણાવી દેશે તો પોતાનું આવી બનશે એવો ભય તેને લાગતો હતો. એના ધબકારા એકદમ વધી ગયા હતા. જોકે પોલીસના સુનિતા સુધી પહોંચી જવાની શક્યતાઓ ઓછી હતી એ તે જાણતો હતો કેમ કે સુનિતાને તો એ ઠેકાણે પાડી ચૂક્યો હતો. પરંતુ જો સુનિતાનું લફરૂં એક વખત શરૂ થશે, પોલીસ તેના મોતની તપાસ કરશે તો પોતે મુશ્કેલીમાં મૂકાઈ જશે એ વાત હિરાલાલ જાણતો હતો.

    ‘હા...’ નાગપાલે કહ્યું, ‘તમારી વાત સાચી છે. એ કામ અમારું જ છે. અને અમરના પેટમાં કોણે એ સાત બોટલો પરાણે ઠાલવી દીધી છે. એનો પત્તો પણ હું ઝડપથી મેળવી લઈશ. જેણે ઠાલવી હશે, તેના આંગળાની છાપો જરૂર એ બોટલ પર હશે જ. ખેર, એ વાતને પ઼ડતી મૂકો, શું અમર પોતાની પહેલી પત્નિ સુનિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો?શું એના વિયોગમાં તો તે આમ આટલો બધો શરાબ નહોતો ઢીંચતો ને?’

    હિરાલાલ આ સવાલ માટે અગાઉથી તૈયાર જ હતો.

    ‘સ...સુનિતા તો સાક્ષાત દેવી સમાન હતી નાગપાલ સાહેબ!’ એણે તરત જ જવાબ આપ્યો, ‘અને માત્ર અમર જ નહીં, ઘરનાં દરેક સભ્યો તેને ચાહતાં હતા. એ સાક્ષાત લક્ષ્મીનો અવાતર હતી. રાજેશ અને મધુ તેને પોતાની ભાભી નહીં, પણ મા સમાન જ માનતા હતા. અને હું તથા કમલા તો તેને વહુ નહીં પણ દિકરી જ ગણતાં હતા. કેમ, કમલા...’ એણે કમલા સામે જોયું, મારી વાત સાચી છે ને?’

    ‘હા...!’ કમલાએ સહમતીસૂચક ઢબે માથું હલાવતા કહ્યું, સુનિતા ખરેખર જ દેવી સમાન હતી. અમે તેને બચાવવાના ઘણાં પ્રયાસો કર્યા પણ...’

    ‘તો સુનિતા મરી ગઈ છે એમ ને...?’ નાગપાલે વેધક નજરે હિરાલાલ સામે જોતાં પૂછ્યું.

    એની નજરે તાપ જોઈને હિરાલાલ મનોમન ધ્રુજી ઉઠ્યો.

    પરંતુ આ સવાલનો જવાબ પણ એની પાસે તૈયાર જ હતો, ‘હા...અમારા લાખ પ્રયાસો છતાં પણ તે બચી શકી નહીં. ડૉક્ટરની સલાહથી અમે તેને હવાફેર માટે દેવગઢ લઈ ગયા હતા. પરંતુ એ ત્યાં જ મરી ગઈ અને અગ્નિસંસ્કાર પણ ત્યાં જ કર્યા હતા.

    ‘પરંતુ મેં તમને એવું ક્યાં પૂછ્યું છે કે સુનિતા ક્યાં મરી હતી અને તમે તેના અગ્નિસંસ્કાર ક્યાં કર્યા હતા?’ નાગપાલે પૂર્વવત તેની સામે જોયું.

    હિરાલાલ એની નજરનો તાપ સહન કરી શકયો નહીં, એ નીચું જોઈને થોથવાતા અવાજે બોલ્યો, ‘મને એમ કે આપનો હવે પછીનો પ્રશ્ન એ જ હશે. એટલે આપ પૂછો એ પહેલાં જ જવાબ આપી દેવાનું મને યોગ્ય લાગ્યું હતું.

    ‘કમાલ કહેવાય! મારો હવે પછીનો પ્રશ્ન એ જ હશે એવું તમે કઈ રીતે માની લીધું?’ નાગપાલે ભાવહીન અવાજે પૂછ્યુ.

    ‘વાત એમ છે કે...’ હિરાલાલ બોલ્યો, ‘અત્યારના જમનામાં કોઈ વહુ અકાળે મૃત્યુ પામે તો બધા એમ જ વિચારે કે જરૂર કરિયાવરનું કંઈક લફરૂં હશે. સાસરીયાવાળાઓએ વહુને કરિયાવર માટે જ મારી નાંખી છે. તે એનાં કુદરતી મોત નથી મરી. પરંતુ હું આપને સ્પષ્ટ શબ્દોમાં કહું તો હું પોતે પણ એક દિકરીનો બાપ છું અને વહુને દિકરી સમાન જ માનું છું. કદાચ જો આપને સુનિતાના મૃત્યુ વિશે કંઈક શંકા હોય તો હું તમને જે ડોક્ટરે સુનિતાથી સારવાર કરી હતી, એ જ ડૉક્ટરનું સર્ટીફિકેટ પણ દેખાડી શકું. તેમ છું અને આપ ઈચ્છો તો અમે જ્યાં સુનિતાનાં અગ્નિસંસ્કાર કર્યા હતા, એ ગામના, એ સ્મશાનમાં રજીસ્ટરમાં પણ તેની નોંધ જોઈ શકશો.’

    ‘અરે...તમે તો ખરેખર જ કમાલ કરો છો. મિસ્ટર હિરાલાલ...!’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું, મેં સુનિતા વિશે આ બધું ક્યા પૂછ્યું છે કે તમે જવાબ આપ્યે જ જાઓ છો? તમે તો જાણે હું કોઈ શિક્ષક હોઉં અને તમને પ્રશ્ન પૂછ્યા વગર જ વિદ્યાર્થીને જેમ ઘેરથી ગોખી લાવેલા જવાબ આપતા હો એવું લાગે છે.’

    એની વાત સાંભળીને હિરાલાલ ભોંઠપ અનુભવતા લાગ્યો.

    હિરાલાલની બાજુમાં ઉભેલી કમલા તરત જ સમજી ગઈ કે પોતાનો પતિ મુંઝાઈ ગયો છે એટલે તે તરત જ વાતનો દોર પોતાના હાથમાં લેતી બોલી, ‘જુઓ નાગપાલ સાહેબ, ન તો આપ કોઈ શિક્ષક છો કે ન તો મારા પતિ કોઈ વિદ્યાર્થી! અમે અમારો જુવાન દિકરો ગુમાવ્યો છે એ તો આપ જાણે જ છો! એટલે એના આઘાતથી અમે નર્વસ થઈ જઈએ તે સ્વાભાવિક જ છે! આશ્ચર્યની વાત તો એ છે કે મૃત્યુ અમરનું થયું છે અને આપ દરેક સવાલ સુનિતા વિશે પૂછો છો! સુનિતાના મૃત્યુના ઝખમ હજુ માંડ ભરાયા છે ત્યાં આપ ફરીથી તને યાદ કરાવીને એ ઝખમને પાછાં ઉખેડો છે!’

    ‘તમારી વાત સાચી છે’નાગપાલનો અવાજ ગરીબ હતો. પછી એણે પોતાની પાઈપ સળગાવી.

    વળતી જ પળે વાતાવરણમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી ગંધ ફેલાઈ ગઈ.

    નાગપાલની સાથે આવેલો ઈન્સપેક્ટર પોતાની ડાયરીમાં હિરાલાલ તથા કમલાના જવાબો લખતો જતો હતો.

    ‘કમલાદેવી...’ નાગપાલે કહ્યું. ‘તમારી વાત સાચી છે. મૃત્યુ અરમનું થયું છે એટલે મારે તેના વિશે જ સવાલો પૂછવા જોઈએ. બસ, હવે સુનિતા વિશે હું એક છેલ્લો જ પ્રશ્ન પૂછવા માગું છું. પછી એને વિશે કંઈક જ નહીં પૂછું.’ કહીને એણે વેધક નજરે હિરાલાલ સામે જોયું.

    એની નજરથી હિરાલાલના પગથી માથા સુધી ભયનું એક ઠંડુ લખલખું વિજળીના કરંટની જેમ ફરી વળ્યું. એના ધબકારા એકદમ વધી ગયા. પરંતુ એણે પોતાના મનના ભાવ ચ્હેરા પર કળાવા દીધા નહીં. નાગપાલ નામનો આ ચબરાક જાસુસ સુનિતા વિશે કોણે જાણે ક્યો સવાલ પૂછશે એનો તે વિચા કરતો હતો. નાગપાલના સાહસો વિશે, તેની સૂઝ-બૂઝ વિશે અવારનવાર એણે અખબારમાં વાંચ્યુ હતું. આજ સુધીમાં એણે હાથમાં લીધેલા એકેય કેસમાં તે નિષ્ફળ નથી ગયો, એ વાત પણ જાણતો હતો. એટલે મનોમન તે નાગપાલથી ધાક ખાઈ ગયો હતો.

    ‘પ...પૂછો સાહેબ...!’ એણે પોતાના અવાજને સ્થિર રાખવાનો પ્રયાસ કરતાં કહ્યું.

    ‘મિસ્ટર હિરાલાલ, હવે હું જે સવાલ પૂછું છું એનો તમારે સાચેસાચો જવાબ આપવાનો છું’ગોફણમાંથી પથ્થર છૂટે એ રીતે નાગપાલના મોંમાંથી સવાલ નીકળ્યો ‘બોલો, સુનિતા ખરેખર જ મરી ગઈ છે કે પછી જીવતી છે?’

    નાગપાલનો સવાલ સાંભળીને હિરાલાલને ચક્કર આવવા લાગ્યા. એને દરેક વસ્તુ ગોળ ગોળ ફરતી લાગી. આંખો સામે થોડી પળો સામે અંધકાર છવાઈ ગયો. એનું મનોબળ તૂટલા લાગ્યું. નાગપાલ નામના આ ભેજાબાજ જાસુસે જાણે આંખો વડે જ પોતાના હૃદયનો એકસરે ખેંચીને પોતાના મનની વાત જાણી લીધી હોય એવું તેને લાગતું હતુ.

    ‘તમે મારી વાતનો જવાબ આપ્યો નહીં મિસ્ટર હિરાલાલ?’ હિરાલાલનો ચ્હેરા પર એક પછી એક બદલાતા જતા હાવભાવનું નિરીક્ષણ કરતા ફરીથી પૂછ્યું.

    એનો અવાજ સાંભળીને હિરાલાલ જાણે કે ભાનમાં આવ્યો.

    એણે પોતાની જાતને સંભાળી, મનોભાવ પર કાબૂ મેળવી, ગળું ખંખારીને જવાબ આપ્યો :

    ‘હવે આપ કમલા કરો છો સાહેબ! હું આપને અગાઉ પણ કહી ચૂક્યો છું કે સુનિતા ટાઈફોઈડથી મરી હતી. એના મૃત્યુનું, એક ડીગ્રોધારી ડોક્ટરના હાથેથી લખાયેલું પ્રમાણપત્ર પણ મારી પાસે છે. અને એમ તેનાં અગ્નિસંસ્કાર દેવગઢના સ્મશાનમાં કર્યા હતા એ વિશે પણ મેં આપને જણાવી દીધું છે. આપ ઈચ્છો તો ખુશીથી ત્યાં તપાસ કરી શકો તેમ છો. છતાં સુનિતા જીવતી છે કે મરી ગઈ છે એવું આપ શા માટે પૂછો છો?’

    ‘એટલા માટે મિસ્ટર હિરાલાલ કે...’ નાગપાલ પોતાના એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘આજે રાત્રે તમે કોઈક પર તમારી રિવોલ્વરમાંથી છ ગોળીઓ છોડી હતી. એટલે કે તમે આખી રિવોલ્વર ખાલી કરી નાંખી હતી. ત્યારબાદ તમારા સ્વર્ગીય દિકરા અમરની બીજી પત્નિ એટલે કે કિરણની હાજરીમાં એવું કહ્યું હતુ કે એ ગોળીઓ તમે સુનિતા પર છોડી હતી.’ કહીને નાગપાલે કિરણ સામે જોયું.

    એની વાત સાંભળીને હિરાલાલની મતિ મૂંઝાઈ ગઈ. કિરણ એ વખતે તેની બાજુમાં જ ઊભી હતી. કિકણનું ગળુ દબાવી દેવાની તીવ્ર ઇચ્છા એની નસોમાં જોર જોરથી ઉછળવા લાગી. કિરણે જ આ વાત નાગપાલને જણાવી હતી એ તે સમજી ગયો. પરંતુ એ પોતાની ઇચ્છા પૂરી કરી શકે તેમ નહોતો. જો પોતે તેને નારાજ કરવાની ભૂલ કરી બેસશે તો પચાસ લાખ અને કરિયાવર હાથમાંથી નીકળી જશે એ વાત તે જાણતો હતો. અને એ બધું ગુમાવવા માટે તે તૈયાર નહોતો.

    ‘એ તો મારા મોંમાંથી અમસ્તુ જ નીકળી ગયું હશે’એણે કહ્યું, ‘અથવા તો પછી કિરણની સાંભળવાના કંઈક ભૂલ થઈ હશે. આપ પોતે જ વિચાર કરી લો સાહેબ કે, શું મરેલા માણસ પર કોઈ, ક્યારેય ગોળી છોડે ખરો?’

    ‘હું પણ એનો જ વિચાર કરતો હતો. ખેર હવે હું જઉં છું સવાર પડવાની તૈયારી જ છે. છતાં પણ તમે લોકો થોડી વાર આરામ કરી લો તો તમારા પરેશાન દિમાગને થોડી રાહત મળી જશે. હું પછી ફરીથી આવીશ.’ કહીને નાગપાલ જીપ તરફ આગળ વધી ગયો.

    એની પાછળ ઈન્સપેક્ટર, સિપાહીઓ તથા ફીંગર પ્રિન્ટ એકસ્પર્ટ પણ હતા.

    થોડી પળો બાદ તેમની જીપ ધૂળની ડમરી ઉઘાંડતાં કંપાઉન્ડમાંથી બહાર નીકળી ગઈ.

    અમરની લાશ તો થોડી વાર પહેલાં જ પોસ્ટમોર્ટમ માટે રવાના થઈ ચૂકી હતી.

    ***