આફત - 7 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આફત - 7

આફત

કનુ ભગદેવ

7: યોજનાનો અમલ......!

પોતાના બેડરૂમની બહાર કોઈકના પગલાંઓનો અવાજ સાંભળીને સુનિતાના ધબકારા એકદમ વધી ગયા. ડૂબતા સૂરજની સાથે સાથે એનું હૃદય પણ ડૂબવા લાગ્યું.

આવનાર એક કરતાં વધારે હતાં એ તેમનાં પગલાંના અવાજ પરથી સ્પષ્ટ થતું હતું.

આજે જરૂર કંઈક નવા –જૂની થશે. એના અંતરમનમાંથી અવાજ નીકળ્યો.

એ બીજુ કશું યે વિચારે પહેલાં જ હિરાલાલ, અમર અને રાજેશ સાથે એક ત્રીસેક વર્ષનો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો માણસ અંદર આવ્યો.

સુનિતા તરત જ તેને ઓળખી ગઈ.

એ તેનો ભૂતકાળનો પ્રેમી આનંદ જ હતો.

આજે ઘણા સમય પછી ફરીથી તેને પોતાની સામે જોઈને જાણે હમણાં પોતાનું કલેજું મોંમાથી બહાર નીકળી જશે એવું સુનિતાને લાગ્યુ.

પછી તેને, પોતે જ્યારે છેલ્લી વાર પબ્લિક ગાર્ડનમાં આનંદને મળી હતી ત્યારે એણે કહેલી વાત યાદ આવી તારું ગળું દબાવી દેવાનું મન થાય છે. ઝેરીલી નાગણ, તારી ફેણ કચડી નાંખવાની ઇચ્છા થાય છે જેથી મારા પછી ભવિષ્યમાં બીજા કોઈને બેવફાઈ રૂપી ડંખ ન મારી શકે!

અને આજે એ જ આનંદ તેની સારવાર કરવા માટે આવ્યો હતો.

એ મનોમન ઈશ્વરનું રટણ કરવા લાગી.

‘બેસો...ડૉક્ટર સાહેબ....! અહી ખુરશી પર બેસો...!’ હિરાલાલે સુનિતાના પલંગ પાસે પડેલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું.

‘હું...’ આનંદના ગળામાંથી હુંકાર નીકળ્યો.

પછી પોતાની વિઝિટ બેગ નીચે મૂકીને તે ખુરશી પર બેસી ગયો.

એ પહેલાં કરતાં વધુ દેખાવડો બની ગયો છે એ સુનિતા જોઈ શકી. ભૂતકાળમાં આ જ આનંદ તેનો સાચો મિત્ર... સૌથી સારો સાથીદાર અને સાચો હમદર્દ હતો.

પરંતુ આજે...?

આજે એ જ આનંદ પોતાનાં જીવનો દુશ્મન બની ગયો છે. આ વિચાર આવતાં જ એનું હૃદય ચીરાઈ ગયું. આંખોમાંથી બહાર ઘસી આવવા મથતાં આંશુઓને એણે હોઠ કરડીને રોકી રાખ્યા હતા. હવે આનંદ સાથે પોતને શું સંબંધ છે? એ વિચારતી હતી. એની સાથે જીવન પસાર કરવા ન મળે તો કંઈ નહીં કમ સે કમ એના હાથેથી મોત તો મળશે ને? અને એનાં હાથેથી હું હંસાત મોંએ મોત સ્વીકારી લઈશ.

આનંદે પહેલાં ભાવહીન નજરે સુનિતા સામે અને પછી હિરાલાલે સામે જોયું.

એની આંખોમાં રહેલી હિંસાત્મક ચમક જોઈને હિરાલાલના મોતિયા મરી ગયા. એના કપાળ પરથી પરસેવાની ધાર વહેતી હતી.

આ દરમિયાનમાં આનંદે જાણે ઔપચારિકતા પૂરતું સ્ટેથોસ્કોપ પોતાનાં ગળામાં ભરાવી દીધું હતું

‘આપ....આપ સુનિતાને તપાસી લો ડૉક્ટર સાહેબ....! હિરાલાલ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘ત્યાં સુધીમાં અમે ચા-પાણીની વ્યવસ્થા કરાવીએ છીએ. કહીને એણે અમર તથા રાજેશ સામે જોઈને તેમને બહાર જવાનો સંકેત કર્યો.

એ બંને તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા.

‘એક મિનિટ અમર...’ કહીને હિરાલાલ પણ તેમની સાથે થઈ ગયો.

ત્રણેય બહાર ચાલ્યા ગયા હતા.

તેમના ગયા પછી આનંદ સ્ટેથોસ્કોપ કાન પર મૂકીને સુનિતાનાં ધબકારા તપાસ્વા લાગ્યો.

તપાસતી વખતે એક પળ માટે પણ તેની નજર સુનિતાનાં પીળા પડી ગયેલાં ચ્હેરાં પરથી ખસી નહોતી.

સુનિતાંના ધબકારા એકદમ વધી ગયા હતા. આનંદ સાથે નજર મેળવવાની હિંમત તેનામાં નહોતી રહી.

આનંદે ધબકારા તપાસ્યા પછી કાન પરથી સ્ટેથોસ્કોપ કાઢીને પોતાની બેગમાં મૂકી દીધું અને તેમાંથી ઇંન્જેકશન આપવા માટેની એક સીરિંજ કાઢી.

પોતાનો અંત હવે નજીકમાં જ છે એ વાત સુનિતા સમજી ગઈ.

પોતાની સારવાર માટે માત્ર આનંદને શા માટે બોલાવવામાં આવ્યો છે એ તો તે અગાઉથી જ જાણતી હતી. એક રાત્રે એણે પોતે જ હિરાલાલનાં મોંએથી સાંભળ્યુ હતું કે –આપણે આનંદને એની જરૂરીયાત મુજબ સાઠ હજાર રૂપિયા આપી, સુનિતાને ભયંકર રીતે બિમાર પાડીને આનંદને તેની સારવાર કરવાના બહાને બોલાવીને તેને ઝેરનું ઇંન્જેકશન આપીને મારી નાંખીશું.

પહેલાં તો સુનિતાને થયું કે પોતે બૂમો પાડી પાડોશીઓને બોલાવીને તેમને જણાવી દે એક ઓછું કરિયાવર લાવેલી કમનસીબ વહુ સાથે સાસરાવાળાઓ કેટલી બધી ભયંકર હદ સુધી જુલમ કરે છે. પરંતુ પછી એણે પોતાનો વિચાર માંડી વાળ્યો.

આમેય હવે જિંદગીમાં શું રહ્યું છે? આનંદે પોતે ભૂતકાળમાં ખરા હૃદયથી પ્રેમ કર્યો હતો.એને તો હું કંઈ મદદ કરી શકી નથી. અત્યારે એને પોતાનાં બાપની સારવાર માટે પૈસાની જરૂર છે એટલે જો પોતે એનાં હાથેથી ઇંન્જેકશન લઈને મરી જાય તો પોતાનાં સાસરીયા પક્ષ તરફથી મળેલાં પૈસામાંથી એ પોતાનાં બાપની સારવાર કરાવી શકશે. એક રીતે પોતે એનાં બાપને બચાવવા માટે બલિદાન આપ્યું જ ગણાશે. પોતાનો જીવ જતો હોય તો ભલે જાય. પણ તેનાં બાપનો જીવ જરૂર બચવો જોઈએ. જો હું બૂમો પાડીને બધાંને ભેગા કરીશ તો હિરાલાલની યોજના પર પાણી ફરી વળશે અને આનંદના હાથમાં એક રૂપિયા પણ નહીં આવે. અને પૈસા વગર એ પોતાના બાપની સારવાર કઈ રીતે કરી શકશે.? ના, એને ખાતર પોતે જીવ આપી દેશે.

એનાં ચ્હેરા પર એક પછી એક ભાવો આવતાં-જતાં હતા.

આનંદ સીરીંજમાં દવા ભરતો હતો.

‘કેટલા દિવસથી તાવ આવે છે?’ એણે સુનિતાના સામે જોયા વગર જ પૂછ્યું.

‘યાદ નથી...’ સુનિતાએ શૂન્યમાં તાકી રહેતાં જવાબ આપ્યો. આનંદે ઔપચારિકતા ખાતર જ આ સવાલ પૂછ્યો છે એ તે જાણતી હતી.

‘કેટલાંક લોકો કેટલાં સદ્દનસીબ હોય છે કે તે બધું જ ભૂલી જાય છે. કંઈ જ યાદ નથી રાખતા.’ આનંદે પૂર્વવત ભાવહિન અવાજે કહ્યું.

‘તમે અહીં સારવાર કરવા આવ્યો છો કે ફરિયાદ કરવા?’ સુનિતાએ પૂછ્યું.

‘મેં તને અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહું છું. કે ફરિયાદ માત્ર જે પોતાનાં હોય તેને જ કરી શકાય છે. પારકાને નહીં.!’

સુનિતાએ પહેલી વાર ધ્યાનથી આનંદ સામે જોયું.

‘ડૉક્ટર દર્દીના ઝખમોનો ઈલાજ કરે છે. તેમનાં ઝખમ પર મીઠું નથી છાંટતા....!’ એણે ભાવહિન અવાજે કહ્યું.

‘હું તારા ઝકમોનો ઈલાજ જ કરું છું. તું મારા હાથમાં આ ઇંજેક્શન જુએ છે ને? આનંદે પોતાનો ઇંજેક્શનવાળો હાથ તેની સામે હવામાં આમતેમ ફેરવતાં કહ્યું, ‘ આ ઇંજક્શન લીધા પછી તારી બધી પીડાઓ દૂર થઈ જશે. પરંતુ તે મારા પ્રેમને ઠુકરાવીને, મારા હૃદયમાં જે ઝખમો કર્યા છે એનો ક્યારેય ભૂલથી પણ વિચાર કર્યો છે ખરો....? મારા એ ઝખમો હજુ પણ નથી ભરાયા. આજે પણ એવા ને એવા જ તાજા છે.’

‘વળી પાછી ફરિયાદ કરી....?’ સુનિતાના ચ્હેરા પર સ્મિત ફરક્યું. પરંતુ એ સ્મિત પાછળ કેટલી પીડા હતી , વેદના હતી, કરૂણતા હતી એ તો એક માત્ર તેનું મન જ જાણતું હતું.

આનંદે તેની સામે જોયું પછી તે એકીટશે એના વેદના-ભર્યા કરૂણ ચ્હેરા સામે તાકી રહ્યો.

સુનિતાની આંખોમા દયા માગતી હોય એવો એક પણ ભાવ ન જોઈએ તેને થોડું આશ્ચર્ય પણ થયું હતું.

‘તારું બાવડું નજીક કર...હું તને હંમેશને માટે છૂટકારો મળી જાય એવું ઇંજેક્શન આપી દઉં! આનંદ એની સામે સિરી જવાળો હાથ લંબાવતો બોલ્યો. પરંતુ તેનો અવાજ ધ્રુજતો હતો. આખોંમાં એક વિશેષ ચમક પથરાયેલી હતી.

‘ક્યાંક આ સિરીંજમાં ઝેર તો નથી ભર્યું ને? સુનિતાએ સ્મિત ફરકાવતાં પૂછ્યું.!

‘અ....એટલે....?’ સુનિતાની વાત સાંભળીને આનંદના હાથમાંથી સિંરીજ છટકતાં છટકતાં રહી ગઈ. એના ચ્હેરા પર ભય, ગભરાટ અને વ્યાકુળતાના મિશ્રિત હાવભાવ છવાઈ ગયા. એના ધબકારા એકદમ વધી ગયા હતા. જો સુનિતાને ખબર પડી જાય કે તેમાં ખરેખર જ ઝેર ભરેલું છે તો? એનો તે વિચાર કરતો હતો.

સુનિતા એના ચ્હેરાના હાવભાવ જોઈને ખડખડાટ હસી પડી.

‘ અરે....તમારા ચ્હેરા પરથી તો જાણે તેમાં સાચેસાચ જ ઝેર ભર્યું હોય એ રીતે નૂર ઊડી ગયું છે. ‘એણે હસતાં હસતા જ કહ્યું, ‘પણ તમે તો મારી સારવાર કરવા આવ્યો છો. મને ઝેરનું ઇંજેક્શન આપવાની તમને વળી શું જરૂર હોય? હું તો માત્ર મજાક કરતી હતી. હું તમારો પ્રેમ સ્વીકારી શકી નહી. એ વાત સાચી કારણ કે હું લાચાર હતી! તો શુઁ એનો બદલો લેવા માટે તમે કંઈ થોડું જ ઝેરનું ઇંજેક્શન આપી દેશો? આ ઘરમાં વહુ બનીને આવતી વખતે હું તેમને જોઈતું કરિયાવર નહોતી લાવી શકી. અને એટલે જ આ લોકો મને વહુ તો શું એક સ્ત્રી પણ નથી માનતા. તેઓ માત્ર મને રમકડું જ ગણે છે. પરંતુ શું કોઈ વહુથી છૂટકારો મેળવવા માટે તેને સળગાવી નાંખવાનો બદલે ઝેરનું ઇંજેક્શન અપાવી દે? ના ને....? તો પછી લો... મારું બાવડુ હાજર જ છે. ઇંજેક્શન મારી દો.’ કહીને સુનિતાએ પોતાનું બાવડું તેની સામે લંબાવ્યુ.

એની વાત સાંભળીને આનંદ થીજી ગયો. ખૂબ જ વિચિત્ર ર્દશ્ય હતું. એ! એક ડૉક્ટરનાં હાથમાં સિરીંજ જ હતી અને દર્દીએ તેની સામે પોતાનું બાવડું લંબાવ્યુ હતું અને છતાંય ડૉક્ટર તેને ઇંજેક્શન નહોતો આપી શકતો. ઊલટું તેના ચ્હેરા પર પરસેવો વળી ગયો હતો.

‘અરે...તમે તો કેવાં ડૉક્ટર છો...?’

‘જી...તેં મને કંઈ કહ્યું? સુનિતાના અવાજથી આનંદ જાણે કે ભાનમાં આવ્યો.

‘હું એમ કહું છું કે તમે કેવા ડૉક્ટર છો? મેં ક્યારનું ય તમારી સામે બાવડું લંબાવી રાખ્યું છે અને છતાં ય તમે ઇંજેક્શન શા માટે નથી આપી દેતા?’ કહીને તે ખડખડાટ હસી પડી.

પરંતુ એ ડૉક્ટર પર નહીં પણ જાણે પોતાના મોત પર હસતી હોય એવું લાગતું હતુ.

મૃત્યુને જાણે કે હસતા મોંએ આવકારતી હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાયેલા હતા. એની નજરમાં આનંદ પ્રત્યે ફરિયાદના નહી પણ પહેલાં જેવી જ લાગણી અને પ્રેમના હાવભાવ ફરકતા હતા. ચ્હેરા પર આત્મિક સંતોષની રેખાઓ છલકાતી હતી.

સુનિતાની વાત સાંભળીને વળતી જ પળે આનંદનો દેખાવ અને દિદાર, બંને એકદમ બદલાઈ ગયો એ આંખો ક્રોધથી સળગવાં લાગી. ડાબા હાથની મુઠ્ઠી વળી ગઈ. ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો સખત બની ગયો. એનો ખૂબસૂરત ચ્હેરો હવે દૂર અને ઘાતકી બની ગયો હતો. આંખોમાં શયતાનિયત ભરી ચમક પથરાઈ ગઈ.

‘તું...તું એક ઝેરીલા નાગણ છો...’ એના અવાજમાંથી નફરતની આંધી ફૂંકાતી હતી, ‘તારી નસેનસમાં લોહી નહં પણ ઝેર ભરેલું છે. એટલા માટે જ તું વાત-વાતમાં ઝેરનો ઉલ્લેખ કરે છે. મારી જિંદગી પણ તેં ઝેર જેવી બનાવી નાખી છે. મારો પ્રેમ ઠુકરાવીને તેં મને ન તો જીવવાને લાયક રાખ્યો છે કે ન તો મરવાને લાયક રાખ્યો છે! તું પોતે જ ઝેરીલો છો એટલે તને બધી વસ્તુમાં ઝેર જ દેખાય છે. તારી ઝેરીલી આંખો મા ઇંજેક્શનમાં પણ માત્ર ઝેર જ જુએ છે. કહીને એણે ઝડપથી સુનિતાના બાવડામાં ઇંજેક્શન આપી દીધું.

ત્યારબાદ તે એક પળ માટે પણ ત્યાં ઊભો રહ્યો નહિં.સિરીંજને બેગમાં મૂકીને એ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયો.

જતાં જતાં સુનિતાનો અસ્પષ્ટ અવાજ તેના કાને અથડાયો.

‘ભ.… ભગવાન.. તને.… હંમેશા… સુખી.… રાખે.… અ… આનંદ....!’

એ બહાર નીકળ્યો ત્યારે તરત જ એણે એક પહોળા ખભાવાળા માણસને હિરાલાલના રૂમ તરફ જતો જોયો. એ માણસે ખભા પર કાળી શાલ વીંટાળેલી હતી અને હિરાલાલના રૂમ તરફ જતી વખતે તેનો એક પગ લંગડાતો હતો.

અને એ માણસ બીજુ કોઈ નહીં પણ હિરાલાલની બંને મીલોનો મેનેજર જમનાદાસ હતો.

બીજુ તરફ હિરાલાલના રૂમમાં મિટીંગ ચાલતી હતી.

રૂમના શાંત વાતાવરણમાં હિરાલાલનો ધૂંધવાયેલો અવાજ ગુંજતો હતો.

‘મારી યોજના એકદમ ફૂલપ્રૂફ છે એમ હું માનતો હતો પણ છેવટની ઘડીએ એક ગરબડ ઉભી થઈ ગઈ.’

‘ક...કેવી ગરબડ....?’ કમલાએ મુંઝવણથી પૂછ્યું એના ચ્હેરા પર ભય અને ગભરાટના હાવભાવ છવાયેલા હતા.

‘આપણી પાડોશમાં પેલો વકીલ રહે છે ને?’

‘કોણ વકીલ....?’

‘અરે, હું પેલા હરામખોર જોશીની વાત કરું છું.’ હિરાલાલ ધૂંધવાયેલા અવાજે બોલ્યો.

‘તો એનું શું છે?’

‘સાંભળ, એ થોડીવાર પહેલા મને મળ્યો હતો. કહેતો હતો: શેઠજી, તમારા દિકરાની વહુ આટલા દિવસથી બિમાર હતી છતાં તમે ડૉક્ટરને બોલાવ્યો નહીં અને આજે જ્યારે તે મૃત્યુને આરે ઊભી છે. ત્યારે બોલાવ્યો? ક્યાંક કરિયાવર-બરિયાવરનું તો કંઈ લફરૂં નથીને? તમે હોશિયારીથી ચાલાકીથી એને ઠેકાણે પાડી દેવા તો નથી માંગતાને?’ કહીને હિરાલાલે જાણે કાચી ને કાચી ફાંડી ખાવી હોય એ રીતે કમલા સામે જોયું,’’અને આ બધું તારા કારણે થયું છે.’

‘મારાં કારણે...?’

‘હા...’

‘કઈ રીતે?’

‘મેં તને પહેલા જ કહ્યું હતું કે આનંદને બોલાવતા પહેલા આપણે કોઈક બીજા ડૉક્ટર પાસે સુનિતાની સારવાર કરીએ. પણ તું માની નહી. હવે જોઈ લેજે. જોશી સુનિતાના અંતિમ સંસ્કાર નહીં થવા દે. એ ખૂબ જ હરામખોર માણસ છે.

‘આ.... આ તમે કેવી નાંખી દેવા જેવી વાત કરો છો?’ કમલા તેનો વિરોધ કરતાં બોલી, ‘આપણે બીજાં ડૉક્ટર પાસે તેની સારવાર કરાવવા તો એ સાજી ન થઈ જાત? અને જો એ સાજી થઈ જાત તો તો પછી આપણને આનંદની જરૂર શા માટે પડત? મેં મારી બુદ્ધિ પ્રમાણે જે કહ્યું હતુ તે બરાબર જ કર્યું હતુ મેં સુનિતાને ભયંકર રીતે બિમાર પાડીને પાડોશીઓને, આપણને સુનિતા પ્રત્યે ખૂબ જ લાગણી અને પ્રેમ છે એ વાત પુરવાર પણ કરી આપી છે.’

‘હે ઈશ્વર...’ હિરાલાલનો અવાજ ભયથી કાંપતો હતો, ‘એ હરામખોર જોશી સુનિતાનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર નહીં જંપે! પોસ્ટ મોર્ટમ કરાવ્યા પછી જ તે અંતિમ સંસ્કાર માટે સુનિતાનો મૃતદેહ આપણને સોંપશે. પરંતુ ત્યાં સુધીમાં તો આપણાં બધાનાં હાથમાં હાથકડીઓ પડી ગઈ હશે.’

‘પિતાજી....મને એક ઉપાય સૂઝે છે! સહસા અમરે ચપટી વગાડતાં કહ્યું.

‘જલ્દી બોલ મારા બાપ...!’ હિરાલાલ બોલ્યો.

‘સુનિતા મરી ગઈ છે એની હજુ કોઈનેય ખબર નથી પડી. અમરે એક સિગારેટ સળગાવતા કહ્યું, ‘આપણે આનંદ મારફત રાધાની સામે અથવા તો બીજાં બે-ત્રણ પાડોશીઓની હાજરીમાં કહેવડાવીએ કે –સુનિતાને પોતાની માના મૃત્યુથી સખત આપઘાત લાગ્યો છે એટલો થોડાં દિવસ, તેને હવાફેર માટે વિશાળગઢથી બહાર લઈ જવાની ખૂબ જ જરૂર છે. રાધા કેવી વાતોડીયા સ્વભાવની છે, એ તો તમે જાણે જ છો. એ આજુબાજુમાં બધે જ આ વાત ફેલાવી દેશે. પછી આપણે આનંદની નકલી સૂચના મુજબ સુનિતાના મૃતદેહને અહીંથી હવા ફેર કરવાનાં બહાને બીજે લઈ જઈને ઠેકાણે પાડી દેશું. અને જ્યારે એને ઠેકાણે પાડીને આપણે અહીં પાછાં ફરીશું ત્યારે બધાંને કહેશું કે અમે લોકો જ્યાં હવાફેર કરવા માટે ગયા હતા ત્યાં અચાનક સુનિતાની તબીયત એકદમ બગડી ગઈ હતી અને છેવટે તે મૃત્યુ પામી હતી.અમે ત્યાં જ તેનાં અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. સુનિતાનાં મૃતદેહને તો આપણે ઠેકાણે પાડી દીધો હશે પછી જોશી કઈ રીતે તેનું પોસ્ટ મોર્ટમ કરાવશે? કહીને અમર ગર્વભેર બધાં સામે જોયું.

‘વાહ.... તારી યોજના તો ખરેખર ઉત્તમ છે....’ હિરાલાલ આનંદભર્યા અવાજે બોલ્યો. તેનાં નિરાશ ચ્હેરાં પર ફરીથી રોનક પથરાઈ ગઈ હતી, ‘આપણે કમજાત સુનિતાનાં મૃતદેહને આપણી ભૂપગઢની વાડીએ લઈ જઈશું. અને તેનાં મૃતદેહનાં અગ્નિ સંસ્કાર કરવાની પણ શું જરૂર છે? આપણે વાડીમાં જ ખાડો ખોદીને તેને દાટી દઈશું. અગ્નિ સંસ્કાર માટે લાંકડા વિગેરેની જરૂર પડશે અને ત્યાં લાકડાની વ્યવસ્થા નહીં હોય જ્યારે ખાડો ખોડવાનાં તમામ ઓજારો ત્યા હશે જ! આપણે તેને ત્યાં જ દાટી દેશું. પછી અહીં આવીને બધાંને કહીં દેશું કે અમે તેનાં અગ્નિ સંસ્કાર કરી નાંખ્યા છે ઉપરાંત આપણી પાસે ડૉક્ટર આનંદે આપેલું સુનિતાનાં મૃત્યુનું સર્ટિફિકેટ હશે જ. પછી એ નાલાયક જોશી આપણું શું બગાડી લેવાનો છે? આપણે.... આપણે....’ સહસા તે આગળ બોલતો અટકી ગયો.

પોતાના રૂમની બહાર એણે કોઈકનાં પગલાંનો અવાજ સાંભળ્યો હતો.

આગં તુક જમનાદાસ હતો.

તે લંગડાતી ચાલે રૂમમાં દાખલ થયો.

‘તમારા સમ...’ એણે પોતાના પેટન્ટ વાક્યનો ઉપયોગ કરતા કહ્યું., ‘હું હજુ હમણાં જ આવ્યો છું .મેં તમારી એકે ય વાત સાંભળી નથી. આમેય કોઈની વાત ચોરી –છૂપેથી સાંભળવાની જરા પણ ટેવ નથી હું તો જે કહું છું. ને સાંભળું છું તે સામ-સામે બેસીને ખુલ્લાં દિલે, સ્પષ્ટ શબ્દોમાં કહું છું.

હિરાલાલને અત્યારે ક-સમયે તેનું આગમન ખૂંચ્યું હતું. પહેલાં તો તેને ગેટ –આઉટ કહી દેવાનું મન થયું. એને જમના-દાસ પર ખૂબ જ ક્રોધ ચડ્યો હતો. પરંતુ પછી કંઈક વિચારીને એ પોતાનો ગુસ્સો મનોમન પી ગયો.

‘આવો જમનાદાસ...’ એ સ્વસ્થ અવાજે, ચ્હેરા પર હળવું સ્મિત ફરકાવતા બોલ્યો, ‘બેસો... બોલો, અત્યારે શા માટે આવવું પડ્યું?’

જમનાદાસ ચ્હેરા પર હજુ પણ ખંધુ સ્મિત ફરકતુ હતું. એણે બેસવાનો જરા પણ પ્રયાસ કર્યો નહી. પછી ઠાવકા અવાજે કહ્યું, ‘લે, કર વાત! માળું, આ તો ભારે અચરજની વાત કહેવાય! કોઈ દિવસ નહીં ને આજે મને પૂછવામાં આવે છે કે અત્યારે હું શા માટે આવ્યો છું.? તમારા સમ ખાઈને કહું છું. હો?’ એણે નાક પર સરકી આવેલી ચશ્માની દાંડીને વ્યવસ્થિત કરીને ડોળા ચમકાવ્યા, ‘અરે ભાઈ, આજે હું પહેલી વાર થોડો જ અત્યારના સમયે આવ્યો છું. કેટલા વાગ્યા છે એ તો જુઓ, આઠ વાગી ગયા છે આઠ! અને હું દરરોજ દુકાન વધાવ્યા પછી આઠ વાગ્યે, દુકાનની ચાવી આપવા માટે નથી આવતો?’ કહી, ગજવમાંથી ચાવીનો એક ઝુમખો કાઢીને એણે હિરાલાલ સામે લંબાવ્યો.

‘ઓહ....’ હિરાલાલ ભોંઠપ અનુભવતો બોલ્યો. જમનાદાસની વાત સાચી પડી હતી. એ દરરોજ આઠ વાગ્યે જ ચાવી આપવા માટે આવતો હતો.

‘પણ તમારા સમ...’ જમનાદાસે પોતાની ચર્ચા લાઈટ જેવી નજરે વારાફરતી બધાના ચ્હેરાનું નિરીક્ષણ કરતાં કહ્યું એના ચ્હેરા પર પૂર્વવ્રત સ્મિત ફરકતું હતું. ‘આજે જરૂર કંઈક ખાસ વાત છે. બોલો, શું થયું છે? તમારા બધાંના ચ્હેરા આમ હળદર જેવા કેમ થઈ ગયા છે? જાણે સાક્ષાત યમરાજના દર્શન કર્યા હોય એ રીતે તમારા બધાના ચ્હેરાનો રંગ શા માટે ઉડી ગયો છે? રોજ તો હું ચાવી આપવા માંગું છુ ત્યારે તમે મારું હસતા મોંએ સ્વાગત કરો છો.... ચા-પાણીનું પૂછું છો....જમીને જવાનો આગ્રહ કરો છો.... પણ આજે આવું કશું જ કર્યું નથી.

‘ના.... જમનાદાસ....એવું કંઈ નથી...’ હિરાલાલનો ચ્હેરો, શિયાળો હોવાછતાં પણ પરસેવે રેબઝેબ બની ગયો. એનો અવાજ ધ્રુજતો હતો. આંખો ભય અને ગભરાટથી ચકળવકળ થતી હતી.

જમનાદાસે શું જવાબ આપવો એ તેને સૂઝતું નહોતું.

‘અરે....અરે...’ અચાનક જમનાદાસ ચમકી ગયો હોય તેવા અવાજે બોલ્યો, ‘આવી કડકડતી, હાડ ધ્રુજાવતી ઠંડીમાં પણ તમને પરસેવો વળ્યો છે? ખેર, કંઈ વાંધો નહીં, હવે મને રજા આપો. મારે હજુ આખા મહિનાના ચોપડાઓ ચેક કરવાના છે. એ કામમાં જ સવાર પડી જશે. એટલે સવારે કદાચ મને દુકાને પહોંચતા મોડું થાય તો નારાજ થશો નહી. આમ તો હું સમયસર પહોંચવાના પૂરેપૂરો પ્રયાસો કરીશ અને આ વાત હુંતમારા....ભૂલ્યો....

મારા સમ ખાઈને કહું છું!’ કહી, ઊભો થઈને તે બહાર નીકળી ગયો.

એના ગયા પછી થોડી પળે માટે ત્યાં ભેંકાર ચુપકીદી છવાઈ ગઈ.

છેવટે હિરાલાલે જ એ ચુપકીદીનો ભંગ કર્યો.

‘ કયાંક આ જમનાદાસે તો છુપાઈને આપણી વાત નથી સાંભળી લીધી ને કે આપણે સુનિતાના મૃતદેહને ભૂષગઢની વાડીમાં લઈ જઈને દાટી દેશું અને...’

‘ના..એણે કંઈ જ નહીં સાંભળ્યું હોય!’ કમલા બેદરકારી પૂર્વક બોલી, ‘હવે તમે આનંદને બોલાવીને તેને બધું સમજાવી દો...’

પરંતુ તેને બોલાવવાની જરૂર ન પડી.

એ જ વખતે તે અંદર દાખલ થયો.

‘મારું કામ પતી ગયું છે સાહેબ...!’ એણે પોતાના હાથમાં રહેલી વિઝીટ બેગને નીચે મૂકતાં કહ્યું, ‘આજે મારા જીવને નિરાંત થઈ છે. મારા કલેજાને ઠંડક વળી છે. સુનિતા પાસેથી મેં મારો બદલો લઈ લીધો છે. બદલો લેવાની સાથે સાથે મને પૈસા પણ મળ્યા છે. હવે તમે મને રજા આપો.’

‘ આનંદ....’ રાજેશ બોલ્યો, ‘તારે હજુ એક કામ કરવું પડશે.’

‘બોલ....આજે હું ખૂબ જ ખુશ છું એટલે તારા એકેય કામની ના નહીં પાડું!’ આનંદના અવાજમાં પ્રસન્નતાનો સૂર હતો.

‘ સુનિતાને પોતાની માના મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો છે એટલે તેને થોડા દિવસ માટે હવાફેરની જરૂર છે એવું તારે અમારા બે-ત્રણ પાડોશીઓ સામે કહેવાનું છે ‘

‘જરૂર....એમાં શું હતું? આનંદે ચપટી વગાડતાં કહ્યું, ‘પણ સુનિતા તો મરી ગઈ છે. એટલે હવે તેને હવાફેરની શું જરૂર છે.એમ તારા પાડોશીઓ નહીં પૂછે?’

‘એ મરી ગઈ છે એવું જાહેર કરીને તેના અંતિમ સંસ્કાર કરી નાખો, બસ, વાત પૂરી.

‘ના...’ અમે એમ કરી શકીએ, તેમ નથી.’

‘ કેમ....? શા માટે....?’

‘અમારી પાડોશમાં રહેતા વકીલને અમારા પર શંકા આવી ગઈ છે. એટલે જો અમે અત્યારે સુનિતા મરી ગઈ છે એવું જાહેર કરીશું તો તરત જ પોલીસને બોલાવીને સુનિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવશે. અને એક વખત તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ જાય તો પછી તેનું શું પરિણામ આવશે એનો વિચાર તું કરી લે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ સુનિતાનું મૃત્યુ આકસ્મિક રીતે નહીં, પણ રીતસર ઝેરનું ઇંજેક્શન આપવાથી થયું છે એ વાત સ્પષ્ટ થઈ જશે. તે આપેલું સર્ટિફિકેટ પણ ખોટું પુરવાર થઈ જશે. આ સંજોગોમાં સુનિતાના ખૂનમાં તારો હાથ છે એ પણ પુરવાર થઈ જશે. તું પણ આ મામલામાં સંડોવાઈ જઈશ. આપણી ધરપકડ કરવા માટે પોલીસને માટે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જ પૂરતો થઈ પડશે. એટલે જ હું તને કહું છું. કે તું બે-ત્રણ પાડોશીઓની હાજરીમાં સુનિતાને હવાફેર માટે લઈ જવી પડશે એવું જણાવી દે.’

‘પ....પછી....?’ આનંદનો અવાજ ભયના અતિરેકથી ધ્રુજતો હતો. પોલીસના નામ માત્રથી જ તેના મોતિયો મરી ગયા હતા, ‘હું તમે જેમ કહો તેમ કરવા તૈયાર છું. પણ પછી તમે શું કરશો?’

‘તું એક વખત પાડોશીઓ સામે સુનિતાને હવાફેરની જરૂર છે એટલું જ કહી દે. ત્યારબાદ બાકીનું બધું અમે સંભાળી લેશું. અને સાંભળ, તું સુનિતાના મૃત્યુનું જે સર્ટિફિકેટ આપે તેમાં મૃત્યુનો સમય આવતી કાલે સવારના પાંચ વાગ્યાનો લખજે. પાંચ વાગ્યા સુધીમાં તો અમે તેના મૃતદેહને ભૂપગઢ ખાતે આવેલી અમારી વાડીમાં લઈ જઈને ઠેકાણે પાડી દેશું.’

‘ઠીક છે....’ આનંદે સ્વસ્થ થાં કહ્યું.

‘તો ચાલ....’ કહીને રાજેશ ઊભો થયો, ‘આપણે પાડોશીને વાત કરી દઈએ,’

આનંદ પણ ઊભો થયો.

બંને ત્યાંતી બહાર નીકળી ગયા.

જોગાનુજોગ રાધા અને બીજા બે-ત્રણ પાડોશીઓ સુનિતાની તબીયતના સમાચાર પૂછવા આવ્યા હતા.

ડૉક્ટર સાહેબ....’ રાધાએ વ્યાકુળ અવાજે પૂછ્યું, ‘ સુનિતાને હવે કેમ છે?’

‘અત્યારે તો તો ઠીક છે. હાલ તુરત તો મેં તેને ઘેનનું ઇંજેક્શન આપી દીધું છે, પરંતુ તેને પોતાની માન મૃત્યુનો જબરો આઘાત લાગ્યો છે. એટલે તેને થોડા દિવસ હવાફેર કરવાની ખૂબ જ જરૂર છે,’કહીને તે રાજેશ તરફ ફર્યો, ‘ઓ.કે... મિસ્ટર રાજેશ, તમે જેમ બને તેમ જલ્દીથી સુનિતાને હવાફેર માટે લઈ જાઓ. અને મેં લખી આપી છે એ દવાઓ સમયસર તેને આપતા રહેજો, શક્યા હોય તો આજે રાત્રે જ તેને લઈને તેને હવાફેર માટે નીકળી જાઓ...! કેમ માજી, હું બરોબર જ કહું છું ને?’ અંતિમ વાક્ય એણે રાધાને ઉદ્દેશીને કહ્યું હતું.

‘હા... દિકરા...’ રાધાએ જવાબ આપ્યો. પછી એણે રાજેશ સામે જોયું, ‘તમે સુનિતાને લઈને અત્યારે જ નીકળી જાઓ. અહીંનું બધું કામકાજ હું સંભાળી લઈશ.’

‘ઠીક છે....અમે અત્યારે જ નીકળી જઈશું.’ રાજેશ બોલ્યો.

આ દરમિયાનમાં આનંદે સર્ટિફિકેટ બનાવીને તેને આપી દીધું હતું.

‘ચાલો... મિસ્ટર રાજેશ, તો હવે હું રજા લઉં....’ આનંદે તેની સામે પોતાનો હાથ લંબાવતાં કહ્યું, છતાં પણ કોઈ તકલીફ પડે તો મને ફોન કરજો. આમ તો કંઈ જ નથી થવાનું પણ કદાચ કંઈ થાય તો તમે તમારે જરા પણ સંકોચ રાખ્યા વગર મને બોલાવી લેજો.’

‘જરૂર..’ કહીને રાજેશે તેની સાથે હાથ મીલાવ્યા.

ત્યારબાદ પોતાની બેગ ઊંચકીને આનંદ ત્યાંથી ચાલ્યો ગયો.

દસેક મિનિટ પછી રાધા તેમજ અન્ય પાડોશીઓ પણ વિદાય થઈ ગયા.

રાજેશ મનોમન ખુશ થતો હિરાલાલના રૂમમાં પહોંચ્યો.

‘શું થયું.....?’ હિરાલાલે ધબકતા અવાજે પૂછ્યું.

‘થાય શું....? આનંદે આપણી યોજના મુજબ જ રાધા અને બીજાં પાડોશીઓને સુનિતાને હવાફેરની જરૂર છે એવું કહી દીધું છે. પાડોશીઓની હાજરીમાં, બની શકે તો અત્યારે જ તેને લઈને હવાફેર માટે નીકળી જવું એવી તાકી પણ કરી છે. એટલે આપણે અત્યારે જ નીકળીજઈએ. કદાચ સવારે કોઈ પૂછપરછ કરશે તો રાધા તેમને જવાબ આપી દેશે કે ડૉક્ટર જેમ બને તેમ જલ્દીથી હવાફેર કરવા માટે લઈ જવાનું કહ્યું હોવાથી આપણે તેને રાત્રે જ લઈ ગયા છીએ. હવે જોશી કે પોલીસ આપણું કશું યે બગાડી શકે તેમ નથી.’

‘તે આનંદ પાસેથી સર્ટિફિકેટ લઈ લીધું છે ને?’

‘હા...પરંતુ તેમાં સુનિતાનાં મૃત્યુના સમયમાં મેં ફેરફાર કરાવ્યો છે.’

‘કેમ....?’

‘જો આપણે તેમાં અત્યારનો લખાવીએ તો પાડોશીઓ આપણને પૂછી શકે તેમ છે કે એ મરી ગઈ હતી તો પછી અમે તબીયત જોવાં આવ્યા ત્યારે શા માટે કહ્યું નહોતું.

‘તે સર્ટિફિકેટમાં એના મૃત્યુનો ક્યો સમય લખાવ્યો છે?’

‘સવારનાં પાંચ વાગ્યાનો....!’

‘ઠીક છે...ત્યાં સુધીમાં તો આપણે ભૂપગઢ પહોંચી જઈશું ‘

ત્યારબાદ બે કલાક પછી એ લોકો ભૂપગઢ જવા નીકળ્યા ત્યારે રાત્રિના સાડા બાર વાગ્યા હતા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Ronak Patel

Ronak Patel 8 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 11 માસ પહેલા

jinal parekh

jinal parekh 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા