Johar kesariya books and stories free download online pdf in Gujarati

જૌહર કેસરિયા

જૌહર કેસરિયા

જોહર અને કેસરિયા કરવા એટલે શું? ગઢને આક્રમણકારીઓએ ઘેરો ઘાલ્યો હોય અંદર લડનારા રાજપૂતોની સંખ્યા ઓછી હોય કે બીજી કોઈ કોમ લડવાની હોય નહિ. અનાજ અને પાણી પુરવઠો પણ ખતમ થઈ જવા આવ્યો હોય એટલે સ્વમાની રાજપૂતો હાર માની શરણે થઈ ગુલામ બનવાને બદલે મરવાનું પસંદ કરતા, એટલે રજપૂતો કેસરિયા કરતા અને સ્ત્રીઓ જોહર. કેસરિયા એટલે ગઢના દરવાજા ખોલી મરવાના જ છીએ એવી ખબર સાથે તૂટી પડતા. અને બધા મરાય એટલા દુશ્મનોને મારીને પછી મરી જતા કોઈ બચતું નહિ.

બહુ હિંમત જોઈએ એને માટે, અથવા ગાંડી હિંમત જોઈએ.”

હવે પછી શું થાય? લડનારા, રક્ષણ કરનારા તો બધા ગયા. ગઢની અંદરની સ્ત્રીઓનું શું થાય? આક્રમણ કરનારા પકડી જાય. ગુલામ બનાવે, દાસી બનાવે, સેકસુઅલ શોષણ કરે, ભયાનક માનસિક અને શારીરિક ત્રાસ આપે. તો કરો જોહર.

પીંક મુવીનો છેલ્લે અમિતાભ બચ્ચને બોલેલો ડાયલોગ યાદ આવે છે?

નો એટલે નો, નો એટલે નહિ, મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ. જોહર એટલે ભલે એને માટે મારે મરવું જ કેમ ના પડે? કારણ સ્ત્રી અસહાય હોય એટલે તેની મરજી ના હોય છતાં તમે અડવાના જ છો. અને તે ના થવા દેવું હોય તો પછી જાતે જ મરી જવું. એમાંથી જોહરની ભયાનક પણ ખુદ્દાર ભાવનાનો જનમ થયો. એક મોટી ચિતા સળગાવી રજપૂતાણીઓ એમાં કુદી પડતી ને આ બાજુ ગઢના દરવાજા ખોલી રજપૂતો દુશ્મનો પર મરવા માટે તૂટી પડતા.

જે સ્ત્રીઓ જોહર ના કરી શકતી હોય તે પછી દુશ્મનોના પલ્લે પડી જતી અને ભયાનક ત્રાસ વેઠતી.

સોમનાથ પર ગઝનીએ હુમલો કર્યો ત્યારે હજારો સ્ત્રીઓ ગઝની ઉપાડી ગયેલો એમાં મુખ્યત્વે બ્રાહ્મણ સ્ત્રીઓ વધુ હતી અને બજારમાં કારેલા-કંકોડાને ભાવે વેચી મારેલી. તે વખતે કવિ કલાપીના પૂર્વજ હમીરજી ગોહિલે ૪૦૦ રાજપૂતો સાથે કેસરિયા કરેલા અને બધા કપાઈને વીરગતિ પામેલા, એકેય બચેલો નહિ. સોમનાથ જાઓ તો એમનું સ્ટેચ્યુ જોવા મળશે.

ચિતોડ પર ખીલજી એ હુમલો કર્યો ત્યારે મહારાણી પદ્માવતીએ ૧૬૦૦૦ રજપૂતાણીઓ સાથે જોહર કરેલું. એવા અનેક કિસ્સા ઈતિહાસમાં છે, પણ આ જોહર બહુ મોટું હતું એટલે વધારે પ્રખ્યાત છે. દરેક વખતે જોહર થતા એવું પણ નહોતું. મહારાણી પદ્મિનીના વારસ એવા મહારાણા પ્રતાપ હલાદીઘાટીનાં યુદ્ધ પછી ચિતોડ છોડી જંગલમાં જતા રહેલા અને ફરી ઉભા થઈને પાછું એમનું નવું રાજ્ય વસાવેલું. કારણ એમના પિતા ઉદયસિંહ દ્વારા વસાવેલું ઉદયપુર શહેર એમની પાસે હતું. પદ્માવતીના પતિદેવ રાવલ રતનસિંહને બે રાણીઓ હતી, ૧૬૦૦૦ નહિ.. તે સમયે ગઢમાં હશે તે અઢારે વર્ણની મહિલાઓએ જોહર કરેલું તેવી વાર્તા છે.

જોહર અને કેસરિયા ને આપણે અત્યારે ક્રીટીસાઈઝ કરીએ છીએ પણ હવે એનો અર્થ નથી. એ વખતે જરૂરી લાગ્યું હશે.

હવે એવા યુદ્ધ થતાં નથી તો જોહર પણ થવાના નથી. જોહરની સાથે સાથે જ કેસરિયા થતાં, એકલું જોહર નહિ. એક બાજુ પતિદેવો કેસરી સાફા બાંધી મરવા માટે ધસી જતાં તો બીજી બાજુ સ્ત્રીઓ અગ્નિને હવાલે થતી. બહુ તકલીફ દાયક હોય આ બધું. અત્યારે આ બધું ક્રિટીસાઈઝ કરવું સહેલું છે. મારી વહાલસોઈ કેન્સરને હવાલે મૃત્યુ તરફ ધસી રહી હતી ત્યારે મેં એ તકલીફ વેઠી છે. તો મારી આંખોમાં નજર પરોવી મને રોજ રોજ મરતો જોઈ એને પણ તકલીફ થતી હતી. સ્ત્રીઓ પોતાના વહાલસોયા પતિને કેસરી સાફા બંધી મૃત્યુ તરફ જતાં કઈ રીતે જોઈ શકતી હશે તો પતિઓ પણ એમની પત્નીઓને આગને હવાલે થતી કઈ રીતે જોઈ શકતા હશે? હવે અત્યારે આપણે બધા ડંફાશ મારવા બેસી ગયા છીએ કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. અરે હજુ કાઈ વીતી ગયું નથી. ખીલજીના વારસદારો ISISને હવાલે થોડા દિવસ રહી આવો તો ભાઈઓને પણ જોહર કરવાનું મન થશે.

જોહર પાછળ એક જ ઉદ્દાત ભાવના હતી કે મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ ભલે એને માટે મારે જાતે મરવું પડે.

* પહેલું જૌહર સિંધમાં ઈ.સ. ૭૧૨મા નોધાયેલું. મહંમદ બિન કાસીમે રાજા દાહિરને હરાવ્યા પછી એમની રાણીએ મહિનાઓ સુધી ઝીંક ઝીલી પણ ફૂડ સપ્લાય પૂરો થતા જૌહર કરેલું.

* અલ્લાઉદ્દીન ખીલજી સમયે જેસલમેરમાં પણ જૌહર થયેલું.

* ૧૩૦૩મા ચિતોડમાં મહારાણી પદ્માવતીએ કરેલું.

* ૧૩૨૭મા ઉત્તર કર્ણાટકનાં કામ્પીલી રાજમાં મહંમદ બિન તુઘલકના આક્રમણ સમયે નોધાયેલું.

* ૧૫૩૫માં ચિતોડમાં ફરી ગુજરાતના બહાદુરશાહનાં આક્રમણ સામે રાણી કર્ણાવતીએ જૌહર કરેલું.

* મધ્યપ્રદેશ રાઈસેનમાં ત્રણ જૌહર નોંધાયેલા છે. એમાં રાણી દુર્ગાવતીએ ૭૦૦ સ્ત્રીઓ સાથે કરેલું મુખ્ય છે.

આમ જોહરનો બહુ લાંબો પણ સાવ ઓછો ઈતિહાસ છે. દર યુદ્ધે જોહર નહોતા થતાં. હિંદુ રાજાઓ અંદર અંદર લડતાં ત્યારે જોહર નહોતા થતાં. કારણ હિંદુ રાજાઓ એવા જુલમી નહોતા. હિંદુ રાજાઓના જુદા એથિક્સ હતા. તેઓ બ્રાહ્મણ, ગાય, ઘાયલ, બીમાર, મહેમાન, હથિયાર વગરના, વૃદ્ધ, સ્ત્રીઓ, બાળકો પર હુમલા કરતા નહિ. વિદેશી આક્રન્તાઓ પાસે જુદા એથિક્સ હતા કે કોઈ પણ ભોગે શત્રુને મારી જ નાખવો મતલબ કોઈ એથિક્સ જ નહોતા. એથિક્સ વગરના સામે એથિક્સ લઈને લડવા નીકળેલા રાજપૂત રાજાઓ એટલે જ હારતા હતા. બાકી બહાદુરીમાં કોઈ કમી નહોતી. હવે આજે આપણે શિખામણો આપીએ એનો કોઈ અર્થ નથી.

***

મારા પિતા મને નાનો હતો ત્યારે મારા દાદાની એટલે કે એમના પિતાની વાતો કરતા. દાદા આમ હતા, દાદા તેમ હતા, દાદા દીવાન હતા એટલે સાંજે ચેરમાં બેઠા હોય ને નોકરો પગ દાબતા હોય. એમના દબદબા વિષે બહુ વાતો કરતા. એમાં બે થોડી વાતો વધારે પણ હોઈ શકે. અમે ચારે ભાઈઓએ દાદાને જોએલા જ નહિ. પણ પિતા જે કહે તે પરથી એમની એક છબી બનાવતા. એવી જ રીતે મારા પિતાશ્રી ગુજરી ગયા ત્યારે બે દીકરાઓ બહુ નાના હોવાથી એમને કશું યાદ નથી. મારા પિતા વિષે હું મારા દીકરાઓને વાતો કરતો હોઉં છું. હવે મારા દીકરાઓએ મારા પિતા જોયા નથી કે યાદ નથી એનો મતલબ એ ના થાય કે એમના દાદા હતા જ નહિ. મેં મારા દાદા જોયા નથી એનો મતલબ એ નો થાય કે મારા દાદા હતા જ નહિ. તમને છૂટ છે જે વિષય પર લખવું હોય તે વિષય પર લખો, લેખ લખો કવિતા લખો, ફિલમ બનાવો સ્વતંત્ર ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પણ મારા પિતા કે દાદા વિષે લખો તો મને પૂછ્યા વગર નો લખતા, સારું લખ્યું હશે તો ઠીક છે બાકી કશું ખોટું લખ્યું હશે તો ? અભિવ્યક્તિની સ્વતંત્રતા એકલી જ જોઈએ છે? એની સાથે સાથે કોઈ બીજાને હર્ટ નહિ કરવાની જવાબદારી નથી જોઈતી?

૩૫મી પેઢીએ પદ્માવતીના વારસદારો હજુ જીવે છે. આ કોઈ પૌરાણિક પાત્ર નથી. સામાન્ય લોકોના પૂર્વજોના નામ નોંધાતા નહિ હોય પણ રજવાડાઓમાં બારોટો, વહીવન્ચાઓ આવી નોંધણી રાખે છે. જોધપુર-જયપુર જેવા રજવાડાઓમાં તો સેંકડો વર્ષ પહેલા રસોડામાં શું બનાવેલું, શું મસાલા નાખેલા અને કોણ જમવા પધારેલું તેની પણ પાકી નોંધો છે. એટલે કહેતા નહિ કે પદ્માવતી કાલ્પનિક છે. હશે એમની વાર્તામાં કલ્પના તત્વ ઉમેરાયેલું ચોક્કસ છે.

હવે જાયસી નામના સુફી સંતે પદ્માવત નામની સરસ કવિતા લખી. હવે કવિતામાં એણે ઈતિહાસ સાથે એની ભવ્ય કલ્પનાઓ પણ ઉમેરી છે. પૃથ્વીરાજ રાસોમાં કવિ ચંદ બારોટ અને એમના મૃત્યુ પછી એમના દીકરાએ પૃથ્વીરાજના ઈતિહાસ સાથે એમની કલ્પનાઓ પણ ઉમેરી છે. એટલે એમાંથી ઈતિહાસ જુદો તારવવો પડે ભલે કઠીન હોય. બંનેમાં વધારી વધારીને વાતો લખેલી જ છે. જેવી રીતે મારા દાદાની વાતો જાણે અજાણે વધારીને મારા દીકરાઓને કહેતો હોઉં છું. પદ્માવત કવિતામાં મહમદ જાયસીએ ઇતિહાસમાં કલ્પના ઉમેરી છે, સિંહલ નામના નાના રજવાડાને સિંહલ દ્વીપની ભવ્ય કલ્પના પણ આપી હોઈ શકે.

કોઈ સરસ ચિત્રકાર હોય અમારાં મિત્ર નલીન સૂચક જેવા હવે તેઓ એક સુંદર પરીનું ચિત્ર બનાવે પછી એમની ગેરહાજરીમાં સર્જનાત્મકતાને બહાને એ પરીને હું સરસ મજાની મૂછો બનાવી નાખું, દાઢી બનાવી નાખું તો સૂચક સાહેબ શું કરે? મને ધોકો લઈને મારવા દોડે કે નહિ?

હાલ જોહરને બહુ ખોટી રીતે મૂલવવામાં આવી રહ્યું છે. જોહર સામૂહિક ઘટના હતી. સતી વ્યક્તિગત ઘટના છે. સતી પરાણે કરાવે એ મર્ડર જ કહેવાય. બંગાળમાં બ્રાહ્મણોમાં સતી કરવાનું બહુ જોરમાં હતું, સ્ત્રીઓને બળજબરીથી પતિની ચિતામાં ધકેલી દેવાતી. એમાં એણે પાલાવવાની જવાબદારીમાંથી મુક્ત થવાય અને મિલકતમાં ભાગ માંગે નહિ. રાજારામમોહન રાયના ભાભીને પરાણે સતી કરી નાખેલા તે જોઈ એ હચમચી ગયેલાં. અને એમાં એમણે સતી પ્રથા વિરુધ ઝંડો ઉઠાવ્યો અને અંગ્રેજોની મદદ લઇ એ પ્રથા બંધ કરાવી. થેન્ક્સ ટુ બ્રિટીશ.. જોહર કોઈ બળજબરીથી કરાવતું નહિ કે આવી કોઈ ફરજીયાત પ્રથા પણ નહોતી.

કોઈ સેનાએ કાયદો હાથમાં લેવાનો ના હોય. એક હિન્દ કી સેના સિવાય કોઈ સેના હોવી ના જોઈએ. વિરોધ કરવાનો હક છે તો એના બહાને તોફાનો ના થવા જોઈએ તે જવાબદારી પણ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો કોઈને હર્ટ નહિ કરવાની જવાબદારી પણ છે. વિરોધ કરવાના સાચા તરીકા નેતાઓએ કોઈને શીખવ્યા જ નથી. જય હિન્દ જય હિન્દ કી સેના !!

Bhupendrasinh Raol

Scranton PA USA

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED