A story ... chap-17 books and stories free download online pdf in Gujarati

અ સ્ટોરી... [chap-17]

(17)

રાતના દશ વાગી ચુક્યા હતા. ન ઈચ્છવા છતાં મારી આંખો ઘડિયાળના કાંટા તરફ મંડાતી જઈ રહી હતી. આજ ફરી મને સ્વરાના એ શબ્દો યાદ આવ્યા. ‘તમે તો ભૂલી પણ જવાના.’ એનો ચહેરો મારી આંખો સામે ક્ષણિક આવ્યો અને અદ્રશ્ય પણ થઇ ગયો. આંખો, હોઠ અને ગાલોમાં પડતા ખંજન હુબહુ એ જીનલ જેવી લાગતી. સ્વરૂપમાં કે આકર્ષણમાં એ પ્રશ્ન લગભગ કોઈના અસ્તિત્વમાં ખોવાયા પછી નથી જ સમજાતું. પણ, હું વધુ કઈ વિચારી જ ન શક્યો.મારા મનમાં એ દિવસે મોડા પડ્યાની સ્થિતિ આજે પણ નજર સમક્ષ પ્રત્યક્ષ થઇ. આજે પણ કદાચ હું એ જ કરવા જઈ રહ્યો હતો, અથવા કરી ચુક્યો હતો. જીનલ મારી પાસે જે કાઈ પણ કહીને ગઈ હતી એ દરેક વાતો એક સ્પષ્ટ નિર્દેશ આકર્ષણનો હતો, એ હું સંપૂર્ણ પણે જાણતો હતો. છતાં એની મારી સાથેની અસમાનતા મને ખૂંચતી હતી.

લગભગ દશ પછીના સમયમાં મારી આંખે જોયેલી એની વાટ મારા અંતરમનની એના તરફના ઝુકાવની સાબિતી હતી. છતાં મારુ મન જરાય આ સબંધોને સ્વીકારવા માટે તૈયાર ન હતું. છેલ્લે આ બધું વિચારતા વિચારતા મેં ઉપરનો દરવાજો બંધ કરીને સુઈ જવાનું નક્કી કરી લીધું હતું. પણ કોણ જાણે કેમ મારું મન તો વારંવાર એના આવવાની જ રાહ જોતું હતું. કદાચ હું જાણતો હોઈશ કે જે એ કહેવા ઈચ્છતી હતી એ જ મારું મન પણ એની પાસેથી મેળવવા માંગતું હતું. જીવનમાં ઘણા એવા ભાવાવેશો હોય છે જે આપણી સમજ, ચેતના અને ન્યાય શક્તિને સંપૂર્ણપણે સ્થિર કરી દે છે. મારા અને જીનલ વચ્ચેનો એ દિવસ પણ કદાચ એ અવસ્થામાં ઉદભવેલો એક પ્રસંગ માત્ર જ હતો.

‘તું અહી...’ છેક દરવાજા સુધી પહોચીને હું દરવાજો બંધ કરવા જતો હતો ત્યાજ એનો અવાજ સંભળાયો. કદાચ એ એના ધાબાની દીવાલ પરથી મારી છત તરફ આવતા મને જોઈ ગઈ હતી.

‘મને લાગ્યું...’

‘અરે યાર ઘરમાં કામ હતું. એ બધું જ પતાવીને આવી છું, કોઈ જ ઘરે નથી દાદા પણ હાલ જ સુઈ ગયા છે.’ એણે ધીમા અવાજે મારા એકદમ નજીક સરી આવતા કહ્યું.

‘કેમ આટલા ધીમે ધીમે...’

‘અરે કોઈ જાગી જશે કે જોઈ જશે તો...?’

‘તો...?’

‘કઈ નહી ચલ અંદર હું કહું.’

‘પણ આમ રાતના આ સમયે...?’

‘જો વિમલ માંડ માંડ હું બહુ સમજી વિચારીને અહી સુધી આવી છું. મહેરબાની કરીને પેલા દિવસના જેમ મને ઘરે ભગાડવાની વાત તો ન જ કરતો.’ મને અંદર ખેંચી ગયા પછી ધીરેથી એણે દરવાજો બંધ કર્યો.

‘પણ...’

‘કઈ નથી સાંભળવું મારે, આજે મારે કહેવાનું અને તારે જ સાંભળવાનું છે. સમજ્યો...’

‘જી મેડમ...’ હું જરાક હાસ્યના લહેજે બોલ્યો. ‘તમારી ઈચ્છા સર આંખો પર...’

‘એ મને ખેંચીને સીડીઓમાંથી છેક અંદરના રૂમ સુધી લઇ આવી હતી.’

‘મિત્રા કે માસી તો સુવા નથી આવાના ને...?’

‘ના તો, કેમ...?’

‘મને અહી જોશે તો કેવું લાગશે...?’

‘હા, તો આપણે સવારે મળીયે ને મિત્રા આવે પછી...?’

‘તું આવું વર્તન કેમ કરે છે. જ્યારે જોવું ત્યારે હું તને મળવા માટે ઉતાવળી હોઉં છું, અને તું મારાથી છૂટવા.’

‘એવું તો કાઈ જ નથી.’

‘તો...?’

‘તો શું... જીનલ.’

‘કઈ નહી, આરામ કરવા દે થોડીક વાર.’ આટલું કહીને જીનલ મારા પલંગ પર આડી પડીને સુઈ ગઈ. એની આંખો પણ તરત જ બંધ થઇ ગઈ.

‘ઓહ... હેલ્લો આ કઈ તારા ઊંઘવા માટે નથી.’

‘તો...?’ એની આંખો બંધ જ હતી.

‘મારા ઊંઘવા માટે છે.’

‘તો મેં ક્યાં તને ના પાડી છે. તું પણ સુઈ જા ને...’

‘તારું મગજ તો ઠેકાણે છે ને જીનલ.’

‘કેમ તને નથી લાગતું.’

‘તું ઉઠ અહીંથી પહેલા...’ મેં એને બંને ખભાથી પકડીને ઉભી કરી દીધી. પણ એણે એમજ મીંચેલી આંખે મારી સામે જોયું પણ નહિ.

‘આ બધું શું છે જીનલ...?’ મેં ફરીથી કહ્યું.

‘બસ આમ મારી પાસે બેસી રહે તો કેટલું સારું છે. તને કોઈ વાંધો છે, મારા અહિયાં હોવાથી...?’

‘મને તો નથી પણ તારા ઘરના લોકોને તો જરૂર હશે.’

‘મને પરવા નથી.’

‘તું પાગલ છે કે શું...?’

‘મને નથી ખબર.’

‘એય જીનલ, પ્લીઝ યાર સરખા જવાબો આપ. શું થયું છે તને...?’ મેં ફરી એકવાર મારી વાતને દોહરાવી.

‘મને નથી ખબર, મેં પહેલા પણ તને એ જ કહ્યું હતું ને કે જે કઈ પણ થઇ રહ્યું છે. એ વિશે મને કાઈ નથી સમજાતું.’

‘એટલે...?’

‘તેજ તો કીધું હતું ન કે કલાક શાંતિથી બેસીને તારા મનનું જ સાંભળજે. પણ, હાચું કહું વિમલ મને આખાય કલાકમાં મારા મનમાં બસ એજ વિચાર હતો કે દશ ક્યારે વાગે અને હું તને મળવા આવું. આ તો દાદા જાગતા હતા તે મોડી પડી બાકી ક્યારની આવી ગઈ હોત.’

‘તો હવે...?’

‘હવે મારા મનમાં કાંઈજ નથી.’

‘એટલે...?’

‘જ્યાં સુધી તારી સાથે હોઉં છું મારુ મગજ બહુ શાંત રહે છે. પણ, જ્યારે દુર...’

‘તું આ બધું કહી ચુકી છે.’

‘તું પણ આ બધું સાંભળી ચુક્યો છે. તો વારંવાર...’

‘પણ મને એ નથી સમજાતું કે તું આ બધું કેમ કરે છે.’

‘એ પ્રશ્ન તો મારો પણ છે.’

‘ઓકે... ઓકે... મને એક વાત સાફ સાફ કહીશ...?’

‘શું...?’

‘જીવનમાં આપણે જે કઈ પણ કરીએ છીએ એનું કારણ હોય એમ તું અહી આવી એનું પણ કારણ હશે. શું કરવું છે તારે...?’

‘જો વિમલ સાચે મને નથી ખબર કે હું કેમ આવી. પણ હા તારી સાથે રહેવું મને ગમે છે. કેમ...? એનો કોઈ જવાબ મારી પાસે નથી. એને હું શા માટે આ બધું અનુભવું છું એનો પણ...’

‘તો તને શું કરવું છે એ તો કહે...? તું રાત્રે ઘરે તો જવાની જ છે ને...?’

‘તું આવું જ વર્તન કરીશ તો જવું જ પડશે ને...?’

‘એટલે...?’

‘તું મારી પાસે બેસ, વાત કર તો કઈક આગળ કહું ને...’

‘અચ્છા તો બોલ હું બેઠો જ છું બસ.’

‘જો વિમલ...’ એણે મારો હાથ એના હાથમાં લઈને મારી સામે જોઈ રહી. ‘તારો આ હાથ જ્યારે મારા હાથમાં હોય ત્યારે મને ગમે છે. પણ તું તો કાઈ સમજતો જ નથી. મારુ એક કામ કરીશ...?’

‘બોલ...’

‘આજ રાત મને અહી જ રોકાવા દે...’

‘કેમ...?’

‘બસ મારું મન એટલું જ ઈચ્છે છે. તે જ કીધું હતુંને કે એક કલાક વિચારીને મને મળજે. મારુ માન અત્યારે પણ મને તારા હાથને પકડીને બેસી રહેવાનું જ કહે છે.’

‘તું પાગલ છે. તું જે કાઈ બોલી રહી છે એની સમજ તને નથી. આ બધી રમત નથી જે તું કહી રહી છે. તે કોઈના મોઢે સાંભળ્યું પણ નથી કે રાત્રે કોઈના ઘેર ન રહેવાય એ પણ છોકરીએ તો એકલા કોઈ છોકરા સાથે ફરાય પણ નહિ. અને તું રાત અહી રોકાઈ જવાની વાત કરે છે.’

‘મને ફરક નથી પડતો. મારું મન એ જ કહે છે. અને આમ પણ તારા ઘરે રહું કે મારા ઘરે શું ફર્ક પાડવાનો...? શું કોઈના ઘરે રહેવું ગુન્હો છે...?’

‘આ વિષે આપણે કાલે વાત કરી શકીએ છીએ.’

‘ના, મારે તો આજે જ તારી સાથે વાત કરવી છે. તું અહી સુઈ જા હું તારી પાસે જ બેસું છું.’

‘તું ઘરે જા જીનલ, આપણે કાલે વાત કરીશું.’

‘પણ, આજે કેમ નહિ. પેલા દિવસે રાત્રે જ્યારે તે મને કમરમાંથી પકડીને જેમ તારા તરફ ખેંચીને જે કર્યું. એ પછી મને બસ એ જ દેખાય છે. તું એ દિવસે તો આમ દુર દુર નો’તો ભાગતો, પણ કોણ જાણે કેમ હવે તારામાં એ ભાવ શૂન્ય થતો જાય છે.’

‘મેં એ દિવસ માટે...’

‘મારે માફી નથી જોઈતી કે આપવી. મારે મારા મનની વાત કરવી છે. સાચું કહું વિમલ તે એ દિવસે જે કર્યું એમાં મને કોઈ વાંધો જ નથી. તો પછી તું એ બાબતે માફી માંગે જ છે શા માટે...?’

‘એટલે...?’

‘તું મારી તો કોઈ વાત સમજતો જ નથી.’

‘તું કઈ કહે તો ને...?’

‘અરે શું બધી વસ્તુ કહેવાની હોય...? તને નથી સમજાતું કે જ્યારે કોઈ છોકરી સામેથી તારી સાથે સમય વિતાવવા તૈયાર હોય ત્યારે એનો અર્થ શું હોય...?’

‘શું હોય...? જરા કહીશ મને...?’

‘એ જ કે મને તારો સાથ ગમે છે. તું મને અડે છે ત્યારે મને કોણ જાણે કેમ આનંદ થાય છે. અન્ય વ્યક્તિના અડકવાથી જે ગુસ્સો કે અણગમો થવો જોઈએ એના સ્થાને તારા અડવાથી એક વિચિત્ર આનંદ થાય છે. એ દિવસે જેના માટે તું માફી માંગે છે, એજ પ્રસંગે મને તારી નજીક રહેવા માટે વારંવાર મજબુર કરી છે. અને તું છે કે સતત દુર રહેવાના બહાના શોધ્યા કરે છે. શું તને એ બધું નો’તું ગમ્યું જે તે સ્વયં મારી સાથે મારી ઈચ્છા જાણ્યા વગર જ કર્યું હતું...?’

‘મારી પાસે એનો કોઈ જવાબ નથી.’

‘પણ, મારે એ જવાબ જોઈએ છે.’

‘તું સમજવાની કોશિશ કર જીનલ, આ સમય ચર્ચાઓ કરવાનો નથી. તારે ઘરે જઈને સુઈ જવું જોઈએ. ખરેખર તો આ બધી વાતો આપણે કરવી જ ન જોઈએ.’

‘કેમ...?’

‘એનો કોઈ અર્થ જ નથી.’

‘તો એ દિવસ...’

‘અરે હું સ્વરા સમજીને...’

‘તો આજે પણ સ્વરા સમજવામાં તને શું વાંધો છે...?’

‘પણ હું જાણું છું કે તું સ્વરાં નથી.’

‘તો એ દરેક વખતે તું ભૂલીજા કે હું સ્વરાં નથી. જ્યારે આપણે મળીએ છીએ અથવા એમ જ વિચાર કે હું સ્વરા જ છું.’ એણે મારા ચહેરાને પોતાના તરફ ફેરવતા મને કહ્યું.

એ આંખોમાં એ જ વિચિત્રતા અને ચંચળતા હતી જે કદાચ લીમડાના મીઠડા છાયડામાં મને સ્વરાની આંખોમાં પળવાર માટે દેખાયો હતો.

‘પણ તું...’ હું વધુ બોલું એ પહેલા એ મારી વધુ નજીક આવી ચુકી હતી. એનો સ્પર્શ મારા તર્કની બધી જ લાગણીઓ અને વિરોધી નીતિને સ્થિર કરી રહ્યો હતો. હું એ સ્થિતિમાં પણ ન હતો કે મારી વિચારસરણીને એના ઈરાદાઓ સામે મક્કમપણે મૂકી શકું.

***

ત્યાર બાદનો સુરજ આખી આભાસી સ્થિતિને વાસ્તવિકતાના એ સત્ય સુધી પહોચાડી ચુક્યો હતો, જ્યાંથી એ વાસ્તવિકતાને અસ્વીકારી શકવી પણ મુશ્કેલ જ નહિ પણ અશક્ય હતી અથવા અન્યાય પણ હતો. જો એને લાગણીઓની દ્રષ્ટીએ મુલવવામાં આવે, સામાજીકતાની દ્રષ્ટીએ તો એ સંપૂર્ણ પણે અક્ષમ્ય અપરાધ જ હતો. પણ મને એની પરવા નથી હું ન્યાયને કોઈ પૂર્વનિર્ધારિત માન્યતાઓના બંધનમાં નથી મુલવતો. હું સંબંધોને ન્યાય ક્ષેત્રમાં નથી રાખી શકતો. કારણ કે જ્યારે બે જીવ પરસ્પર સહમતી દ્વારા કોઈ સબંધોનું સર્જન કરે છે, ત્યારે એ સબંધનું અસ્તિત્વ સ્વયં ઈશ્વરીય નૈસર્ગિક ક્રિયા અને પ્રતિક્રિયાનું પ્રાકૃતિક સ્વરૂપ બનીને રહી જાય છે. આ સ્થિતિમાં કરેલ દરેક કર્મ પંચ તત્વોથી લિપ્ત હોવા છતાં એ બંધનોથી સંપૂર્ણ મુક્ત અવસ્થા ધારણ કરે છે અને એ કર્મની સીમાક્ષેત્રમાં રહીને પણ અકર્મની પરિભાષામાં વ્યાખ્યાયિત થાય છે.

અકર્મ ક્યારેય ન્યાયના ક્ષેત્રમાં સમાવી શકાતું જ નથી. જેમ સૂરજનું ઊગવું અને આથમવું, પવનનું ધીમું અથવા ઝડપી ફૂકાવું, આગનું ઉગ્ર અથવા શાંત સ્વરૂપે ફેલાવું, વર્ષાનું અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિનું સ્વરૂપ ધારણ કરવું ન્યાય ક્ષેત્રથી બહાર રહે છે. એજ પ્રકારે કોઈ પ્રકારની લાલસા અથવા મેળવવાની કામનાથી મુક્ત રહીને કરવામાં આવતું કર્મ પણ ન્યાયની સીમાઓથી બહાર જ રહે છે.

જ્યારે બે પુરુષનું સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, બે સ્ત્રીનું એક સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, સબંધોના ઓળા ઓઢ્યા હોય તો સ્ત્રી-પુરુષનું સાથે સુઈ જવું પણ સ્વીકાર્ય હોય તો પછી કામનાહીન ભાવ સાથે સબંધોના કોઈ બંધન વગર સ્ત્રી પુરુષના સબંધો કેવી રીતે અસ્વીકાર્ય અથવા અપરાધ કે અન્યાય બની શકે...?

‘તમારી વાતો સમજ બહારની છે, છતાં વાસ્તવિક સત્યને રજુ કરે છે.’ મેં કહ્યું. વાસ્તવમાં બીજા દિવસે પણ હજુ અમેં કાલની વાતના ઉગામબિંદુ પર આવવાનો પ્રયત્ન જ કરતા હતા. એ યાદ આવતા મેં ફરીથી કહ્યું. ‘આપણે એ પ્રસંગથી જ શરુ કરીએ જ્યાં કાલે હતા...?’

‘હું પણ એજ વાત પર આવવાનો હતો.’ વિમલે કહ્યું. આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે હું એના આ સ્વરૂપને પણ જોઈ રહ્યો હતો. આજે પ્રથમ વખત એના સામે બીયર કે સિગાર જેવી કોઈ વ્યસની વસ્તુ ન હતી.

‘હા... મને ગમશે.’ મેં કહ્યું.

‘એ રાત પછી જીવનમાં ઘણા એવા બદલાવ અને પરિવર્તનો આવ્યા જે કદાચ અમાન્ય સબંધોમાં ખપાવી શકાય.’ એણે કહેવાનું ચાલુ રાખ્યું.

એ આખી રાત મારા જીવનના પ્રવાહને સંપૂર્ણ પણે પ્રવાહિત કરનારી રાત્રી હતી. મારા જીવન અને વિચારોના પ્રવાહ સંપૂર્ણ પણે વિચિત્ર દિશામાં વહેતા થયા હતા.

સપનાઓ અને મનની અપ્રકાશિત ભાવનાઓ જ્યારે એકમેકમાં ભળે છે, ત્યારે એ વાસના અને એકાંતની લાગણીઓને જન્મ આપે છે. એ આખી રાત હું કયા વિશ્વમાં આજાણ પણે ખોવાયો એ ભાન મને ન રહ્યું. હું જે અવસ્થામાં હતો એ કદાચ જ જાગ્રત અવસ્થા કહી શકાય. કારણ કે એ રાત્રે જે કાઈ પણ થયું એ મારા વિચાર, લાગણી અને તર્કશક્તિના સંપૂર્ણ વિરોધાભાષી દ્રશ્યનું સર્જક હતું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED