"છેલ્લી ક્ષણે"
ભાવિક રાદડિયા "પ્રિયભ"
તને ખબર છે, હું અત્યારે સાયકોથેરાપી લઉં છું. કેમ? કેમકે મને બધાં ઉપર ગુસ્સો આવે છે એટલે અને તને ભૂલવા માટે. તારી સાથે ઝગડો કરીને હું ચાર દિવસ સુધી સતત રડ્યો હતો. આખી રાત રડ્યે રાખવાનું અને દિવસે સુતુ રહેવાનું. આવો થોડો લવ હોય રાબિયા. હું તારા માટે મરતો હોવ અને તું મને યાદ પણ ના કરે, હું બરાબર છું કે નહીં એ જાણવાની કોશિશ પણ ના કરે એવું થોડું ચાલે.
અત્યારે આ લખતી વખતે પણ રડું છું, પણ ફર્ક એટલો જ છે કે અત્યારે ખાલી આંખો માંથી આંસુ જ નીકળે છે. મોંઢા પર રુમાલ દબાવી રાખવો પડે કે પોતાના જ વાળ ખેંચવા પડે એટલું નથી રડતો. ધીમેધીમે આંસુ પણ બંધ થઈ જશે. એ પછી તો રડતો હોઈશ તો પણ કોઈને ખબર નહીં પડે કે હું રડું છું. હવે બધું જ ઠીક થઈ જશે.
ડૉક્ટર કેવી સલાહ આપે છે ખબર છે? એ કહે છે કે મારે એવું વિચારવાનું કે હું તને જેટલો લવ કરું છું, એટલો જ લવ તું પણ મને કરે છે. તું વાત ના કરે, તો તું વાંચતી હશે એવું વિચારવાનું. સ્વપ્નમાં એવું જોવાનું કે આપણા મેરેજ થઈ ગયા છે અને આપણે ખુશ છીએ. જ્યારે રીયાલીટી તો સાવ અલગ જ છે. છતાં ટ્રાય કરું છું. મારે તને ભૂલવી નથી, પણ મારે તારા વગર રહેતા શીખવું છે. એનો મતલબ એવો પણ નથી કે આપણે વાત જ ના કરવી જોઈએ. મારો ગુસ્સો કંન્ટ્રોલ થઈ જશે એટલે હું સામેથી તારી સાથે વાત કરીશ. મને ખબર છે તું ના નહીં પાડે. ના પાડીશ તો હું વિચારીશ કે તારે કામ હશે. બરાબર ને? પણ એવું નહીં થાય. યુ નો એ ડૉક્ટર સૌથી બેસ્ટ છે. તેણે મારી લાઇફ ચેન્જ કરી નાંખી. તેણે મને એક પુસ્તક આપ્યું વાંચવા માટે. "Who moved my cheese?" ઈન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે. આ બુક લાઈફમાં એકવાર તો બધાંએ ફરજીયાત વાંચવી જ જોઈએ. એ બુક વિશે પછી ક્યારેક વાત કરીશ. મેં ગઈ રાતે જ પૂરી કરી. મને હવે સમજાયું કે હું અત્યાર સુધી કઈ ભૂલ કરતો હતો. બસ હવે આ બધું લાસ્ટ ટાઇમ. આવતીકાલથી બધું જ બદલાઈ જશે.
અત્યારે હજું બ્લડ ડોનેટ કરીને ઘરે આવ્યો છું. એ પણ બે વખત. એકવાર સિવિલમાં અને એકવાર રેડ ક્રોસમાં. એક જ દિવસમાં અને એ પણ બે કલાકમાં બે વખત ડોનેશન. ઉપરથી આવતીકાલે મારે હિમાલય ટ્રેકિંગ માટે જવાનું છે. મેં જાણીજોઈને જ આમ કર્યું છે. રિસ્ક તો છે, પણ મને વિશ્વાસ છે કે હું કરી શકીશ. કોઈપણ સિરીયસ ઇન્જરી વગર ટ્રેકિંગ પુરુ થઈ જશે, તો હું તને કોલ કરીશ. એક્ચ્યુઅલી આ તું વાંચી રહી છે ત્યારે ટ્રેકિંગ ઓલરેડી પુરુથઈ ગયું હશે.
તું મને હવે પહેલાં કરતાં પણ વધારે ગમવા લાગી છે. પણ એ વાત સમજી ગયો છું કે વિશ્વની અજાયબીઓ ફક્ત જોવા માટે કે ગમાડવા માટે હોય છે, પોતાની બનાવી લેવા માટે નહીં. હવે હું ફક્ત મને પ્રેમ કરું છું. કેમકે મારે તારી સાથે લાઇફટાઇમ ફ્રેન્ડશીપ રાખવી છે.
તું મારી લાઈફનો એવો વળાંક છે, જ્યાંથી મને દરેક વસ્તુ સુંદર, પ્યારી અને પોતાની લાગે છે. તું એક એવો રસ્તો છે જેનાં પર ચાલતી વખતે મને કોઈ જાતનો ડર નથી લાગતો, પાછળ ફરીને જોવાની જરૂર જ નથી પડતી. મને એવું ફીલ થાય કે જાણે કુદરતે પુરી વસંત તારા પર જ પાથરી દીધી છે. તું એક એવો રસ્તો છે જેનાં પર મેં ચાલવાનું છોડી દીધું છે, પણ તને ચાહવાનું નહીં. મારાં દીલમાં હજું ક્યાંક એવી ઝંખના છે કે ફરીથી હું એ જ રસ્તા પર ચાલવાનું શરૂ કરું. પણ તારા સ્નેહ અને સથવારાને લીધે એ જ રસ્તા પર એક નવાં જ પ્રકારનાં સંબંધની કુંપળો ફુટી છે. હવે આ રસ્તો અનેકગણો વધારે સુંદર અને સોહામણો લાગે છે. મને ડર લાગે છે કે હવે જો આગળ ચાલીશ તો આ કુંપળો કચડાઈ જશે અને તેની વેદના મને તૂટેલા કાચની જેમ ખુંચશે. કદાચ તને પણ દર્દ થાય, જે મારાથી સહન ના થાય. એટલે મેં અહીં જ અટકી જવાનું નકકી કર્યું છે. અહીં ઉભાં રહીને દોસ્તીનો રંગ જોવાની કંઈક અલગ જ મઝા છે. જ્યાં કોઈ જાતના નિયમો નથી, બંધનો નથી કે ૠતુઓ બદલાઈ જવાનો ડર પણ નથી. ત્યાં બસ શાંતિ છે, પ્રેમનો અહેસાસ છે અને સૌથી ખાસ ત્યાં કોઈ જાતની વધારે અપેક્ષાઓ નથી, જેટલું છે એ જ સર્વસ્વ છે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે તું મારી લાઈફનો એક એવો છુટી ગયેલો છેડો છે, અધુરો છોડી દીધેલો રસ્તો અને તેનો એવો 'ટર્નિંગ પોઈન્ટ' છે જ્યાંથી હું મારી લાઈફની કોઈપણ નવી શરૂઆત વગર વિચાર્યે કરી શકું છું. તું મારું ડ્રાયવીંગ ફોર્સ છે, જે મને હંમેશા જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પુરુ પાડે છે. જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી દુનિયાની એવી કોઈ શક્તિ નથી જે મને ડિમોટીવેટ કરી શકે. તારો એક વિચાર માત્ર મારી નસેનસમાં એક નવું સાહસ, નવી શક્તિ અને નવી ઉર્જા ભરી દે છે.
થોડીક તારી યાદો, થોડીક ખુશીઓ અને થોડુંક દુ:ખ પણ છે મારી સાથે. તારી સાથે વિતાવેલી એક એક મોમેન્ટ, ક્લાસમાં સૌથી પહેલાં પહોંચીને તારાં આવવાની રાહ જોતો, મને ચિત્રકામ નથી આવડતું એ જાણવા છતાં તારાં ચિત્રો બનાવતો, બેસૂરા અવાજમાં રોમેન્ટિક ગીતો ગાતો, બેન્ચ પર માથું ઢાળીને તને જોતો રહેતો, તું ના હોય ત્યારે તારા માટે કવિતાઓ અને ગઝલો લખતો, ગુડ મોર્નિંગ કહીને તું હસતી ત્યારે હું મારી જાતને રોકી ના શકતો, છતાં જે કહી ના શકતો એ ડાયરીમાં લખતો રહેતો, તારી સાથે એક વાર આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાઈ હતી, મોડી રાત સુધી તારી સાથે કરેલી વાતો, તું મારા બકવાસ જોક્સ સાંભળીને પણ હસતી. એ દરેક વાતની યાદો અને ખુશીઓ હજું મારામાં અકબંધ છે. અને દુ:ખ એ વાતનું કે તું મારી સામે હોવા છતાં હું તને ક્યારેય સ્પર્શી ના શક્યો, તને ફીલ ના કરી શક્યો, તારો હાથ પકડીને રસ્તા પર ચાલી ના શક્યો, તારા ગાલ મારા હાથમાં લઇને -હું ફક્ત તારો છું- એવું કહી ના શક્યો, મેં મારા અસ્તિત્વને મિટાવીને તને પ્રેમ કર્યો, છતાં તારી આંખોમાં મારા માટે થોડો પણ પ્રેમ ના જોઈ શક્યો, તારા ગાલની ખુશ્બુ જાણી ના શક્યો, તને એક મોટું હગ કરીને રડી ના શક્યો, તારા માટે ક્યારેય ગુલાબ ના લાવી શક્યો, તારી સાથે બેસીને ક્યારેય જમી ના શક્યો, મારા હાથેથી પાણી ના પીવડાવી શક્યો, તારી સાથે મુવી જોવા ન જઈ શક્યો, તું મને મળવા આવવાની હોય એમ રાહ પણ ના જોઈ શક્યો. આટલી ચાહત પછી પણ તારા દિલમાં મારી જગ્યા ના બનાવી શક્યો એ વાતનો ભાર છે મારા પર.
પણ હા એ વાતની ખુશી પણ છે કે તું હજું મારી સાથે છે. તે મને ક્યારેય હર્ટ નથી કર્યો. હું ક્યારેક હર્ટ થયો છું તો એમાં મારો જ વાંક હતો. પણ હવે એવું નહીં થાય. આપણે દુનિયાના બેસ્ટ ફ્રેન્ડ બનીશું. અત્યારે થોડો ટાઇમ તો વાત નહીં થાય. કેમકે મારી ટ્રિટમેન્ટ હજું એક મન્થ ચાલશે. તો એ પછી વાતો કરીશું ઓકે.
આપણી દોસ્તી હંમેશા રહે અને આ વર્ષે આપણી વચ્ચે ક્યારેય બોલચાલ ના થાય એવી પ્રાર્થના. આઈ મીન હવે પછીથી ક્યારેય ના થાય એમ. અને હા એડવાન્સમાં હેપ્પી બર્થ ડે. લવ યુ સો મચ.... તું લાઈફમાં જે કંઈ ઈચ્છે છે એ બધું જ તને મળે અને હંમેશા ખુશ રહે, હસતી રહે અને બકબક કરતી રહે. તું મસ્ત બોલે છે હો. સાંભળવું ગમે એવું. અને મારો અવાજ તો કેટલો સુરીલો છે, એ તને ખબર જ છે…. મારા ફ્રેન્ડ્ઝ તો એવું પણ કહે છે, કે મારા અવાજમાં મેજીક છે. હું બોલવાનું શરું કરું એટલે બધાં સુવા લાગે....
બાય ધ વે, આ વખતે તારા બર્થ ડે પર કોલ નહીં કરું. એ માટે અગાઉથી સૉરી કહી દવ છું. અને હા ખાસ વાત એ કે મેં તને અત્યાર સુધી ક્યારેય બર્થ ડે પર કંઈ ગીફટ નથી આપી. તો આ વખતે તારે શું જોઇએ છે એ મને મેસેજમાં કહી દેજે. તું નહીં જ કહે એ ખબર છે, પણ આ વખતે ફરજીયાત કહેવાનું જ છે. ઘર પર હું આપી જઈશ. આઈ મીન કંપનીમાં કુરીયર કરી દઇશ. તું ઓફીસ માંથી લઇ લે જે. ઓકે. જો નહીં કહે તો હું ખાલી મેગી લઈને તારા ઘરે આવી જઈશ અંદર. મજાક કરું છું હો.... તો શું જોઇએ છે તારે એ કહી દેજે. અત્યારે બસ આટલું જ. ટેક કેર એન્ડ બી હેપ્પી…..
લિખિતંગ
જેમની તું બેસ્ટ ફ્રેન્ડ છે,
એ જ પ્રેમ ચોપડા.
(સમાપ્ત)
- ભાવિક રાદડિયા "પ્રિયભ"