જવાબદાર કોણ... Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જવાબદાર કોણ...

જવાબદાર કોણ…

હાર્દિક કનેરીયા

“આત્મહત્યા તો કરાતી હશે? અમૂલ્ય જીવન એમ જ વેડફી નાખવાનું? મરતા પહેલા પોતાના સંતાનોનો વિચાર તો કરવો જોઈએ ને!” ભારવી આ વાત કાયમ કહેતી.

પહેલેથી જ હેપ્પી ગો લકી સ્વભાવની ભારવીને તેના મિત્રો પૂછતાં, “તું આટલી બધી ખુશ કેવી રીતે રહી શકે છે?”

“જયારે પણ મને કોઈ તકલીફ પડે છે ત્યારે હું દુનિયામાં રહેલા દુખી લોકો વિશે વિચાર કરું છું અને મને મારું દુઃખ તણખલા જેવું લાગવા લાગે છે, હું દુનિયાની સૌથી સુખી વ્યક્તિ હોઉં એવું મહેસૂસ થવા લાગે છે!” વાળની લટને કાનની પાછળ લઇ જતા ભારવી કહેતી.

એમ.ટેક. કરતી ભારવી કોઈ પણ બહાને રચિતની નજીક જવા પ્રયત્ન કરતી. રચિત એકદમ સીધો ને સરળ છોકરો હતો. ‘નિશાળથી છૂટી સીધા જવું પાંસરે ઘેર,’ એ પ્રકારનું તેનું વર્તન ભારવીને ખૂબ ગમતું. દુનિયા જેને અંતર્મુખી કહેતી તે રચિત ખૂબ લાગણીશીલ માણસ હતો. તેણે નાની ઉંમરે જ પોતાના પિતા ગુમાવી દીધેલા... સંસાર રથને આગળ ધપાવવા તેની મા લોકોના ઘરે કચરા-પોતા કરવા જતી. જો કે સમજણો થયો ત્યારથી રચિત પોતે પણ કંઈ ને કંઈ કામ કરતો, બે પૈસા કમાતો અને ઘરમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતો.

એથી ઊલટું ભારવી અતિ ધનાઢ્ય કુટુંબમાં ઉછરેલી છોકરી હતી. તેણે ક્યારેય ગરીબી કે આર્થિક તંગી જોયા જ ન હતા. જો કે તે સંસ્કારી હતી અને તેના વર્તનમાં સહેજ પણ અહં કે તોછડાઈ ન દેખાતા. જેમ જેમ તે રચિત વિશે, તેની પરિસ્થિતિ વિશે જાણતી ગઈ તેમ તેમ તેની રચિત પ્રત્યેની અનુકંપા વધતી ગઈ. એ અનુકંપા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ અને તેણે રચિત સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો!

“મારા મમ્મી હજુય લોકોના ઘરે કચરા પોતા કરે છે અને તારા ઘરમાં ત્રણ ત્રણ નોકરો છે! હું પ્રોફેસર બનીશ ત્યારે મારો જેટલો પગાર હશે એટલો તારો હાથખર્ચો છે! તારા જેવી છોકરી નસીબવાળાને મળે એ વાત સાચી, પણ મારી સાથે લગ્ન કરીને તારે જ વેઠવું પડશે.” સ્વપ્નમાં નહીં રાચતા રચિતના પગ જમીન પર હતા.

“વાંધો નહીં, મારી બધી તૈયારી છે. આપણે બંને નોકરી કરીશું અને કરકસરથી રહીશું. તું ખાલી હા કહી દે!” ભારવીએ મક્કમતાથી કહ્યું.

રચિત તો સહમત થઇ ગયો પણ આ એટલું સહેલું ન હતું, બંનેને પોતપોતાના પરિવાર સામે લડવું પડ્યું. પોતાની દીકરી એક ગરીબ પરિવારમાં જાય એ ધનાઢ્ય માતા-પિતાને કેવી રીતે રુચે? તો પૈસાદાર ઘરની છોકરી વહુ બનીને આવે અને પોતાના પર રોફ જમાવે તો! જો કે યુવા જોડું મક્કમ રહ્યું અને બધાને ઝૂકવું પડ્યું.

લગ્ન પછી થોડો સમય બધું ઠીકઠાક ચાલ્યું, પણ એ તોફાન પહેલાની શાંતિ હતી! પૃથ્વીના સર્જનથી ચાલી આવતી સાસુ-વહુની વૈશ્વિક સમસ્યાનો ઉકેલ આજ સુધી કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યો નથી! રચિતની મા અને ભારવી પણ તેમાં સપડાયા. શરૂઆતમાં તો તેમની આંખો લડતી પણ ધીમે ધીમે બંનેની જીભે પ્રવેશ કર્યો અને વાત વણસવા લાગી. એવું ન્હોતું કે તે બંને એકબીજા સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન ન્હોતા કરતા પણ સોમાંથી નેવું બાબતમાં તેમનો મત અલગ પડતો...

હા, સાસુ-વહુ વચ્ચે જંગ છેડાતી ત્યારે રચિત મધ્યસ્થી કરવા, શાંતિ સ્થાપવા પ્રયાસ કરતો પણ તે બાપડો સેન્ડવિચ થઇ જતો! એ ય આખરે શું કરે? પોતાના ઉછેર માટે આખી જિંદગી ઢસરડા કરી ચૂકેલી માનો પક્ષ લે કે પોતાને અનહદ પ્રેમ કરતી ભારવીનો? જિંદગીના ગઈકાલના હિસ્સામાં મા હતી તો આવતીકાલના હિસ્સામાં ભારવી હશે! પણ, વર્તમાનનું શું? અત્યારે તો રચિત નામની કંપનીના તે બંનેય શેરહોલ્ડર હતા અને તેમાનું એક પણ પોતાનો હક જતો કરવા તૈયાર ન્હોતું!

વરસ ઉપર વરસ વીતવા લાગ્યા... ભારવી અને રચિતની વાર્ષિક આવકનો સરવાળો સાત આંકડાએ પહોંચ્યો. લગ્નના બે વર્ષ પછી જન્મેલી દીકરી ‘પરી’ પાંચ વર્ષની થઇ ગઈ. પણ, સાસુ-વહુની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો. ઊલટું, તેમની વચ્ચેની ખીણ ઊંડી થતી ચાલી.

આ સમસ્યાનું એક નિરાકરણ હતું : જુદા થઇ જવું. ભારવી પણ એવું જ ઈચ્છતી હતી પણ પોતાની માને છોડી દેવાના વિચાર માત્રથી રચિતને પરસેવો છૂટી જતો. જો કે ભારવીની વાત પણ સાવ ખોટી ન્હોતી. તે કહેતી, “ખબર નહીં કેમ પણ હું ને મમ્મી સામસામે આવીએ ને ચકમક થઇ જ જાય છે. મને લાગે છે કે જુદા રહી આપણે સૌ વધારે ખુશ રહીશું. મમ્મીને આપણે દુખી નહીં થવા દઈએ. તેમને જરૂરિયાત છે એથીય વધારે પૈસા આપતા રહીશું અને તેઓ બીમાર પડે તો સેવાચાકરી પણ કરીશું...”

રચિત આ અંગે કોઈ નિર્ણય લઇ શકતો ન્હોતો અથવા નિર્ણય લેવા માંગતો ન્હોતો! કંટાળેલી ભારવી પોતાની દીકરીને લઈ રિસામણે ચાલી ગઈ. આવકનો તો કોઈ પ્રશ્ન જ ન્હોતો. એકાદ મહિના પછી રચિત ભારવી પાસે ગયો અને જલદી જુદા થઇ જવાનું વચન આપી તેમને પાછા લઇ આવ્યો.

રિસામણેથી આવ્યા પછી પણ એ જ ઘટનાક્રમ શરૂ રહ્યો, દિવસ ઉગતા જ ‘કલેશ’ના નાસ્તા થતાં...

“છ મહિના થઇ ગયા, તારે મમ્મીથી જુદા થવું જ ન્હોતું તો મને તેડવા શું કામ આવેલો?” ભારવી તાડૂકી.

“મમ્મી અને તું બેય મારા જિગરના ટુકડા છો. તમારા બેમાંથી એક પણ વગર હું નહીં જીવી શકું.” આટલું બોલતા તો રચિત ભાંગી પડ્યો. પર્વત જેવી મુશ્કેલીઓમાં પણ ઢીલો નહીં પડનારો મરદ રચિત નાના બાળકની જેમ રડવા લાગ્યો. તેને શાંત રાખી રહેલા સાસુ-વહુને પોતાના વર્તન પર શરમ આવી.

બંને રોજ વિચારતા કે હવે ઝઘડો નહીં કરીએ પણ એ આચરણમાં આવતું નહીં. ઘરે ન મળતી એટલી શાંતિ ભારવીને કોલેજ પર મળતી પણ ક્યાં સુધી આવું ચાલે?

“ચલ યાર, ભારવી મેડમનું કામ છે.” કોલેજમાં એક વિદ્યાર્થી બીજાને કહી રહ્યો હતો.

બંને વિદ્યાર્થીઓ ભારવી મેડમને મળવા ચાલ્યા. કોલેજના સાવ છેવાડાના બિલ્ડિંગમાં સાવ જ છેલ્લે તેમની કેબિન હતી. કેબિનની નજીક પહોંચતા બંને મિત્રોને કંઇક ધુમાડા જેવું દેખાયું. કંઇક અજુગતું બન્યાની શંકા સાથે તેમણે કેબિનના દરવાજાને ધક્કો માર્યો, તેમની રાડ ફાટી ગઈ, ખૂબ ખરાબ રીતે બળી ગયેલી લાશ ખૂણામાં ટૂંટિયું વાળીને પડી હતી.

આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા, પોલીસ આવી... તપાસ કરતા કેબિનમાંથી એક ચિઠ્ઠી મળી જેમાં લખાયું હતું,

“રચિત, તું અમારા વગર નહીં જીવી શકે ને હું મમ્મી સાથે...! મને કોઈ ઉપાય દેખાતો નથી... દરરોજ થોડું થોડું મરવા કરતા એક જ ધડાકે મરવું બહેતર ઉપાય રહેશે. મારા અંતરને બાળનારી દુખની બળતરા સામે દેહને બાળનારી અગનજ્વાળાઓ કોઈ વિસાતમાં નહીં આવે! કાશ, તું મને તેડવા જ ન આવ્યો હોત! તું તારી જાતને ગુનેગાર ન માનતો, હું જે કંઈ પણ કરી રહી છું તેના માટે હું અને ફક્ત હું જ જવાબદાર છું. આપણી દીકરીનું ધ્યાન રાખજે, ખુશ રહેજે....”

સ્મશાનેથી પાછા ફરેલા રચિતના દિમાગમાં પ્રશ્નોનું ઘમસાણ મચ્યું : “આ ઘટના માટે કોણ જવાબદાર હતું? બે પેઢી વચ્ચેની સમજણનું અંતર? યોગ્ય નિર્ણય નહીં લઇ શકેલો લાગણીશીલ હું? પરિવર્તન ન સ્વીકારી શકતી જૂની પેઢીની કચકચ? કે કોઈપણ જાતના બંધનમાં ન રહેવા ઇચ્છતી નવી પેઢીની સહનશક્તિનો અભાવ?”

“મારે મમ્મી પાસે જવું છે!!!” પોતાની મમ્મી ક્યાં ગઈ છે એ વાતને નહીં સમજી શકતી લાડલી દીકરી પરીના શબ્દો રચિતના કાને અફળાયા.

***