Maanavtanu meghdhanush books and stories free download online pdf in Gujarati

માનવતાનું મેઘધનુષ

ક્રાંતિકારીઓના સાહેબ:

નોકરીમાંથી નિવૃત્ત થયેલા માસ્તર પોતાની પત્ની સાથે મુંબઈ ફરવા ગયા. તેમણે દસ દિવસનો કાર્યક્રમ બનાવેલો. ‘ક્રાંતિકારીઓના સાહેબ’નું મુળ નામ ‘અલ્પેશ સર...’ શિસ્તબદ્ધ જીવન જીવવાની ટેવને કારણે તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત હતા. તેમના વાણી વર્તનમાં યુવાનોને પણ શરમાવે એવી તાજગી વર્તાતી... ફાંદના નામે ઝીરો ને હેલ્થ-ફિટનેસમાં હીરો, અવાજ જરા કર્કશ પણ શબ્દો ખુબ મીઠાં! આટલા વર્ષો પછી પણ સાહેબનો અણસાર એવો ને એવો જ હતો, ખાલી ચહેરા પર થોડી કરચલીઓ પડી ગયેલી... “સ્માર્ટફોન અને સોશ્યલ મીડિયા આજના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે” એવું તેઓ દ્રઢતાથી કહેતા અને તેમનાથી દૂર રહેતા.

પોતાની એકની એક દીકરીના હાથ પીળા કર્યાને તો પાંચ વર્ષ થઇ ગયેલા. પોતાના જ એક વિદ્યાર્થીની તે જીવનસંગિની બની હતી. આખી જિંદગી શિક્ષક રહેલો માણસ કંઈ માલેતુજાર તો ન જ હોય પણ હુંતો-હુંતી બેય જણ આરામથી રહી શકે એટલી બચત જરૂર કરેલી, જો કોઈ મોટી બીમારી ન આવી પડે તો જીવન આરામથી કપાઈ જાય એટલી....

‘ક્રાંતિકારીઓના સાહેબ’ નામ પડવા પાછળ એક ન લખાયેલો ઈતિહાસ હતો. વિદ્યાનગર સ્કૂલના ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ આ ગુરુનું જ કહેલું માનતા! આગિયાર સાયન્સમાં ભણતા દિલીપ, વિરલ અને રાજન એ ત્રણેય સ્કૂલના ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ હતા... આ ત્રણેય એમને ન છોડતા જે એમને છંછેડતા. એમનો વાંક હોય ને કંઈ કહો તોય એમને છંછેડ્યા જ ગણવાના... વર્ગખંડમાં અશાંતિ ફેલાવતા દિલીપને ઓઝા સાહેબ ખીજાયા તો ઓઝા સાહેબની ફેંટ પકડી લેવામાં આવી હતી! માંડવીપાકની ઋતુમાં ત્રણેયે એક સાહેબને મેથીપાક ચખાડેલો! એકવાર તો પોતાનો વિરોધ વ્યક્ત કરવા ચાલુ કલાસે ટેટા પણ ફોડેલા!!! આ પરાક્રમથી જ તેમનું નામ ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ પડ્યું હતું.

ટેટાબોંબ ફોડવાના ક્રાંતિકારી પગલા હેઠળ ત્રણેયને સ્કૂલમાંથી કાઢી મુકવાના હતા. બસ એજ સમયે એન્ટ્રી થઇ ‘તારે ઝમીં પર’ ના ‘રામ શંકર નીકુંભ’ની... શિક્ષકોની નવી ભરતીમાં અલ્પેશ સર ફિઝિક્સના સાહેબ તરીકે આવ્યા હતા, વાતની જાણ થતા જ તેઓ પ્રિન્સિપાલ પાસે ગયા.

“સાહેબ, વિદ્યાર્થીઓને દલીલ કે દાબથી નહીં પણ પ્રેમથી જ બદલી શકાય.” અલ્પેશ સરે રજૂઆત કરી.

“શિક્ષકના નામમાં જ શિક્ષા આવે છે....”

“મને એક મોકો આપો, લીમડામાંથી આંબો તો નહીં, પણ કડવા લીમડાને મીઠો જરૂર બનાવી દઈશ!”

“ત્રણેયની ટણી નહીં નીકળે તો હું તમારી અણી કાઢી નાખીશ.” બોલાઈ ગયેલા ટપોરી વાક્ય પર પ્રિન્સિપાલને સંકોચ થયો હોય એવું લાગ્યું. પછી તો અલ્પેશ સરે પેલા ત્રણેયને પોતાના મિત્ર બનાવી લીધા, દરરોજ તેમને મળવાનું, અઠવાડિયે એકાદ વાર જોડે રમવા કે મૂવી જોવા જવાનું... ત્રણેયની સાથે રેંકડી કે હોટલ પર ખાવાનું. અલબત્ત પૈસા સાહેબ જ ચૂકવતા! અલ્પેશ સરે ક્યારેય એમને રોક્યા કે ટોક્યા નહીં હોય, બસ એક જ કામ કર્યું હતું, સ્ટીયરિંગ ફેરવવાનું... ખર્ચાતી શક્તિઓની દિશા બદલાઈ ગઈ. સંહાર માટે વપરાતા હથિયાર રક્ષણ માટે વપરાવા લાગ્યા. ત્રણેય માટેની ફરિયાદો ઓછી થતા થતા બંધ થઇ ગઈ. જે ત્રિપુટી નાપાસ થવાની હતી તે પહેલાવર્ગે ઉત્તીર્ણ થઈ. આ પથદર્શક સાહેબ સાથે ત્રિપુટીએ ફોટો પણ ખેંચાવેલો. પછી તો સ્કૂલના દરેક તોફાની તત્ત્વો અલ્પેશ સરને જ સોંપવામાં આવતા, તેઓ ‘ક્રાંતિકારીઓના સાહેબ’ બની ગયા! બાદમાં સારી ઓફર મળતા સાહેબે સ્કૂલ અને શહેર બંનેય બદલી નાખ્યા.

મુંબઈમાં તેમનું કોઈ જાણીતું નહોતું. ન તો તેઓ કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ફરવા ગયેલા. પોતાના બજેટ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયામાં ફરી લેવાનું તેમણે આયોજન કરેલું. પાંચ દિવસ તો સુખરૂપ ચાલ્યા ગયા, આજે પુનામાં ફરવાનું હતું. ટેક્ષીમાંથી ઉતરીને રોડ ક્રોસ કરવા જતા સાહેબ ફોર્ચ્યુનરની અડફેટમાં આવી ગયા. ગાડીમાં ‘ઢીંકચીકા ઢીંકચીકા ઢીંકચીકા ઢીંકચીકા હે હે હે હે હે હે હે હે...’ વાગી રહ્યું હતું. ફોર્ચ્યુનર ઉભી ન રહી. ‘ઢીંકચીકા’ના કલાકારનો ચાહક હિટ એન્ડ રન કરીને નાસી ગયો! સાહેબનું માથું ને ચહેરો સલામત હતા, તેમ છતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા... અજાણ્યા મુલકમાં બેભાન થઇ ગયેલા પતિને જોઈ પત્ની ઢીલા પડી ગયા. આજ સુધી ગૃહિણી તરીકે જ ફરજ બજાવેલ હોવાથી તેઓ મૂંઝાઈ ગયા. તેમની પાસે ખાસ પૈસા પણ ન્હોતા. થોડીવારમાં ટોળું જમા થવા લાગ્યું,

એવામાં ૩૦૦૦ સી.સી.ની એક બેન્ટલી બેન્ટેગા આવીને ઉભી રહી. ચાર કરોડની એસ.યુ.વી. કારમાંથી એક સુંદર સ્ત્રી નીચે ઉતરી, મેબેક કંપનીના ગોગલ્સ તેના ચહેરાને વધુ આકર્ષક બનવતા હતા. માર્ક જેકબના ડાર્ક બ્લ્યુ ફલોરલ ડ્રેસમાં તે હીરોઈન જેવી દેખાતી હતી. તેના નાજુક નમણા કાંડા પર શોભતી કાર્ટિયેરની રિસ્ટવોચ પચાસ લાખથી વધુ કિંમતની હશે. એ જ બેન્ટલીમાં સાહેબને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. મોંઘી ગાડીમાં લોહોલુહાણ માણસને બેસાડતા દિલાવર ઓરત ખચકાઈ નહીં, લોહીના ડાઘ પડશે એવી હીન માનસિકતા તેની નહોતી. સારવાર માટે લોહી ચડાવવાની જરૂર હતી, જાજરમાન સ્ત્રીએ કેટલાક ફોન કર્યા, લોહી આપવા ઘણા લોકો આવી પહોંચ્યા. તે જેટલી સુંદર અને ધનવાન હતી એનાથીય વધારે હોંશિયાર અને પહોંચેલી હતી. ‘બ્યુટી વિથ બ્રેઈન’નું ખૂબ ઓછું જોવા મળતું એ સેમ્પલ હતું!!!

સાહેબને એક નંબરની સારવાર અને સુવિધાઓઓ મળવા લાગી. છ કલાક પછી સાહેબ ભાનમાં આવ્યા... ચાર દિવસની સારવાર પછી સાહેબને રજા આપવામાં આવી. બીલ ખૂબ મોટું આવ્યું હશે, સાહેબ જાણતા હતા. પૈસા તો યુવતીએ જ ચૂકવી દીધેલા પણ એ પરત કરવામાં પોતાની બચતનો મોટો હિસ્સો ખર્ચાઈ જવાનો હતો! મદદ કરનારી યુવતીને તેમણે ક્યારેય જોઈ ન્હોતી, છતાંય અજાણી યુવતી અજાણી ન્હોતી લાગતી. યુવતીની સાથે આવેલી પંદર વર્ષની છોકરી તેને મમ્મી કહીને સંબોધી રહી હતી. સાહેબ અને તેમના પત્નીને યુવતીએ પોતાની સાથે લઇ જવાનો આગ્રહ કર્યો, વડીલ દંપત્તિના આશ્ચર્યનો પાર ન રહ્યો, ‘આવી સુંદર સ્ત્રીને આવડી મોટી દીકરી પણ છે?!! એ અમને સાથે લઇ જવાનું કેમ કહેતી હશે?’

“બેન, તમે મને મદદ કરી એ જ બહુ મોટી વાત છે, હોસ્પીટલનું બીલ કેટલું આવ્યું છે? રકમ કહો તો હું વ્યવસ્થા કરાવી આપું...” સાહેબે કહ્યું.

“એનું તમારે શું કામ છે? રકમ ચૂકવાઈ ગઈ છે...” યુવતીએ જવાબ આપ્યો.

આજે તેની સાથે બેન્ટલી બેન્ટેગા કે ડ્રાઇવર ન્હોતો, ઉત્તર પશ્ચિમ પુણેમાં આવેલા ઔંધ વિસ્તારના રોહનનીલયમાં ‘પોર્શ કાયેન’ પહોંચી. ફાઈવ બી.એચ.કે.ના અનેક આલીશાન એપાર્ટમેન્ટ્સમાંથી એકમાં સૌ પ્રવેશ્યા.

એક અજાણી સ્ત્રી આટલી બધી લાગણી કેમ બતાવે છે? વાત સમજાતી ન્હોતી. આલીશાન મકાનમાં પ્રવેશતા જ ડ્રોઈંગરૂમમાંમાં એક મોટી સાઈઝનો ફોટો ટીંગાડેલો હતો. સાહેબ અવાચક બની ગયા, અનેક પ્રશ્નોના જવાબ ત્યારે જ મળી ગયા. સ્કૂલના ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ તેમની સાથે પડાવેલો એ ફોટો હતો!

“તમારા માટે સરપ્રાઈઝ છે! હું દિલીપની પત્ની છું, બિઝનસના કામથી તેઓ ચાર દિવસ માટે અમેરિકા ગયા હતા, અત્યાર સુધીમાં તો આવી જવા જોઈતા’તા... આ ફોટો તેમનો સૌથી પ્રિય ફોટો છે, અને તમે સૌથી પ્રિય વ્યક્તિ, મારા કરતા પણ વધારે! (બોલતા બોલતા તે હસી પડી...) તેઓ કહે છે, “આજે હું જે કંઈ પણ છું એ આ સાહેબને લીધે છું, નહીંતર ક્યાંય ખોવાઈ ગયો હોત.” તમને મળવાની એમણે ઘણી કોશિશ પણ કરી પણ તમારો સંપર્ક થઇ શક્યો નહીં. એક્સિડેન્ટના દિવસે તમારો ચહેરો સલામત હતો, તમને જોઇને મને લાગ્યું કે આ એ જ વ્યક્તિ છે જે દિલીપના દિલમાં વસે છે.. પછી તો હોસ્પીટલ પર આંટી સાથે વાત કરતા એ કન્ફર્મ થઇ ગયું...”

યુવતી વાત પૂરી કરે એ પહેલા તો ડ્રાઇવર બેન્ટલી લઈને આવી પહોંચ્યો... દિલીપ, વિરલ અને રાજનને લેવા તે એરપોર્ટ ગયો હતો. ચરણ સ્પર્શ માટે નમેલા ત્રણેય મહાનુભાવોને સાહેબ ભેટી પડ્યા.

“સાહેબ તમારો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે, ત્યારે જે ન્હોતું સમજાતું એ હવે સમજાય છે. તમે ન હોત તો અમે આ મુકામે પહોંચ્યા જ ન હોત...” બિઝનેસ પાર્ટનર બની ગયેલા ત્રણેય મિત્રો ક્યારના પુને શિફ્ટ થઇ ગયા હતા.

“આભાર દીકરાઓ... તમે ન હોત તો કદાચ આ સાહેબ ક્રાંતિકારીઓના સાહેબ ન બન્યા હોત!! અને કદાચ ચાર દિવસ પહેલા તો....” સાહેબ વાક્ય પૂરું કરી શક્યા નહીં. ક્રાંતિકારીઓના સાહેબની આંખો ભીની બની, અલબત્ત એ આંસુમાં ત્રણેયની સફળતાની ખુશી સમાયેલી હતી.

(દવાની કંપનીઓએ ઘણી બધી કડવી દવાઓ સુગરકોટેડ કરી નાખી, પીનારને મીઠી લાગે ને? બિમારી જાય, એ પણ મીઠાશથી! શિક્ષકોએ પણ આ શીખવા જેવું ખરું!!!)

(મારા ટૂંકીવાર્તાસંગ્રહ – માનવતાના મેઘધનુષ પુસ્તકમાંથી...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED