Timirant books and stories free download online pdf in Gujarati

તિમિરાન્ત

રોબોટમાંથી માણસ :

“મારી પાસે બધું જ છે, પણ હું ખુશ નથી રહી શકતો... મને કોઈ રસ્તો બતાવો...” એક પાંત્રીસ વર્ષનો યુવાન તેના ગુરુ પાસે બળાપો કાઢી રહ્યો હતો.

“હું એક માણસને ઓળખું છું, પરિસ્થિતિ ઠીક છે, રો-હાઉસના મકાનમાં રહે છે પણ ખુશ રહેવાની કળા જાણે છે. એની સાથે સાત દિવસ રહી જો, હું કહીશ તો ના નહીં પાડે.” ગુરુએ સ્મિત ફરકાવતા કહ્યું.

“પણ એનો પરિવાર? કોઈને તકલીફ તો નહીં પડે ને?”

“ના, એ એકલો જ રહે છે.”

“ઠીક છે...”

બીજા દિવસે સવારે ચકચકતા વાદળી રંગની ‘પોલો’ કામેશ્વરપાર્કમાં પ્રવેશી. “રિશી ભાદાણીનું મકાન ક્યાં છે?” વિન્ડો ગ્લાસ નીચે કરી મનીષે સોસાયટીમાં રમતા એક છોકરાને પૂછ્યું. તેણે આંગળી ચીંધી અને મનીષ રિશીના ઘરે પહોંચ્યો. સાપ્તાહિક રોકાણ માટેના જરૂરી સામાનની બેગ મનીષે ગાડીની ડીક્કીમાંથી કાઢી. તે રિશીના ઘરમાં પ્રવેશ્યો.

“આવો, આવો, હું તમારી જ રાહ જોતો હતો.” નહીં દુબળો નહીં પડછંદ એવા સપ્રમાણ બાંધાવાળા અઠ્યાવીસ વર્ષના ફૂટડા યુવાને તેને હુંફાળો આવકાર આપ્યો. તે શ્યામ પણ નમણો હતો. તેના ચહેરા પર અવિચલ શાંતિ અને મનમોહક સ્મિત હતું. પ્રમાણસર દાઢી અને કાળા ભમ્મર વાળમાં તે સોહામણો લાગતો હતો. તેના પ્રભાવશાળી ઓરામાં મનીષને કંઇક અનેરી ઠંડક મહેસુસ થઇ.

ઘરમાં રાચરચીલાના નામે કંઈ જ ન હતું. એક ટી.વી., એક લેપટોપ, એક ઘોડામાં ઘણાબધા પુસ્તકો, એક પાટી ભરેલો ખાટલો અને એક ખૂણામાં ગાદલાનો ઢગલો પડ્યો હતો. શરૂ થતા જ ખતમ થઇ જતા ઓરડાની પાછળ નાનકડું રસોડું અને તેની પાછળ બંધ રવેશ હતી, જેમાં એક ટોઇલેટ અને બાથરૂમ હતા.

“શું કામ કરો છો તમે?” મનીષે રિશીને પૂછ્યું.

“કંઈ ખાસ નહીં... પ્રોગ્રામર છું, ઓટોમેટેડ મશીન્સમાં પ્રોગ્રામ ફીડ કરી આપું છું. મને ‘સોલીડવર્કસ’, ‘પ્રોઈ’ અને ‘ઓટોકેડ’ ત્રણેય સારી રીતે ફાવે છે.”

“ઓહ, ઈટ મીન્સ કે તમે ફ્રીલાન્સર છો. લકી ગાય! લેબર કે એવી તેવી કોઈ પીંજણ જ નહીં...”

“હમ્મ..” રિશીએ હસીને કહ્યું. “સારું તો આપણે નીકળીએ, મારે એક જગ્યાએ પ્રોગ્રામ ફીડ કરવા જવાનું છે.”

“ચાલો.” મનીષે પોતાની કારની ચાવી લીધી.

“એને અહીં જ રહેવા દો, આપણે મારું એક્સેસ લઇ જઈએ.”

થોડીવાર પછી બન્ને એક ફેકટરીમાં દાખલ થયા. રિશીએ પોતાનું કામ પતાવ્યું અને માલિક સામે જઈને બેઠો.

“મારા ભાણાએ નવું જ વી.એમ.સી. મશીન ઉતાર્યું છે, તમારો નંબર આપી દઉં છું. પ્રોગ્રામ ફીડીંગ માટે તમને ફોન કરશે.” માલિકે કહ્યું.

“ના સાહેબ, એવી ભૂલ ન કરતા. મારી પાસે પૂરતા ક્લાયેન્ટ છે, સમયનો અભાવ રહે છે. ખોટું ખેંચાઈ જાવ એના કરતા હું લીમીટેડ કામ કરવાનું જ પસંદ કરું છું.” રિશીએ સ્પષ્ટતા કરી.

“રિશીની જગ્યાએ પોતે હોત તો આમ ના ન પાડત...” સંતોષી સ્વભાવના રિશીને મનીષ નીરખી રહ્યો.

“તમારે બહુ કામ રહે છે?” બહાર નીકળતા જ મનીષે પૂછ્યું.

“ના... પણ મારે જેટલી જરૂરિયાત છે એનાથી અનેકગણું મળી જાય છે. પછી ખોટી દોડાદોડ કરવાની શી જરૂર છે? શાંતિના ભોગે મેળવેલી સમૃદ્ધિ શા કામની?”

ત્યાં તો તેમણે ફૂટપાથ પર બેસીને બુટપોલીશ કરતા એક વૃદ્ધને જોયા. રિશીએ એક્સેસ ત્યાં લીધી, “કાકા, બુટપોલીશ કરવાના છે...”

મનીષે જોયું કે ચમકતા બુટમાં પોલીશ કરવાની કોઈ જરૂર ન હતી પણ તે કંઈ ન બોલ્યો. બપોર થતા તો બન્ને ઘરે પાછા આવી ગયા. ટીફીન સર્વિસવાળો બે ટીફીન મૂકી ગયો હતો. રિશીએ પોતાનો ફોન સાયલેન્ટ કર્યો, ધીમા અવાજે ગીતો વગાડવા શરુ કર્યા અને શાંતિથી ભોજન આરોગ્યું. જમી લીધા પછી તેણે કોઈને ફોન લગાડ્યો, “હા બોલો રાજુભાઈ... અરે હું જમવા બેઠો હતો એટલે ફોન ન ઉપાડ્યો. પેટ ભરવા તો માણસ મહેનત કરે છે અને શાંતિથી જમી જ ન શકે તો શું કામનું?”

“હું તો કંઈ કેટલીય વાર જમતા જમતા ઉભો થઈને ભાગ્યો હોઈશ. પોતાની શાંતિ કે આનંદ કરતા કામને જ મહત્વ આપ્યું છે!” મનીષે વિચાર્યું.

તે બન્ને ફરી ઉપડ્યા અને અમુક ફેકટરીઓમાં ગયા. સાંજે પાછા ફરતી વેળાએ રસ્તા પર પાથરણું પાથરીને બેઠેલી એક સ્ત્રી પાસેથી રિશીએ રમકડું ખરીદ્યું...

“આ રમકડું કોના માટે ખરીદો છો?” મનીષે પૂછ્યું.

“કોઈના માટે નહીં... ખુમારીથી કામ કરતા લોકોને આવક મળે એ માટે ક્યારેક જરૂરિયાત ન હોય તો પણ ખરીદી કરવી જોઈએ.” રિશીએ કોઈપણ પ્રકારની છાપ પાડવા માટે આ ન્હોતું કહ્યું એ સ્પષ્ટ હતું. મનીષને યાદ આવ્યું કે આવી જ રીતે રિશીએ સવારે બુટપોલીશ પણ કરાવી હતી! રસ્તામાં એક ગરીબ બાળકને જોઈ રિશીએ તે રમકડું તેને આપી દીધું.

“પોતે તો ક્યારેય બીજાનો વિચાર જ નથી કર્યો.” મનીષે અંતર્દ્રષ્ટિ કરી.

એ સાત દિવસમાં મનીષે બીજી અનેક વાતો જાણી. રિશી અઠવાડિયામાં પાંચ જ દિવસ આઠ કલાક લેખે કામ કરતો. જો કે તે દરમિયાન એ કોઈપણ પ્રકારની આળસ કે કામચોરી ન કરતો. રજાઓમાં ફરવાની, વાંચવાની, મુવી જોવાની કે એવી મનગમતી પ્રવૃત્તિઓ કરતો. એ સિવાય તે નિયમિત રીતે અડધો કલાક મેડીટેશન, એક કલાક મનગમતા પુસ્તકોનું વાંચન અને અડધો કલાક યોગ કરતો. આમ તે રીચાર્જ થઇ જતો અને પછી કામને પણ એન્જોય કરતો.

તેનામાં સંગ્રહખોરીનો ગુણ ન હતો, પોતાના રોજીંદા જીવન માટે થતા ખર્ચ સિવાય પોતાની સેફ સાઈડ માટે તે મેડીક્લેમ અને એલ.આઈ.સી.માં રોકાણ કરતો અને બાકીના પૈસા જરૂરિયાતમંદ લોકો પાછળ ખર્ચી નાખતો. સારું કમાતો હોવા છતાં તે બિનજરૂરી વસ્તુઓ કે રાચરચીલું વસાવતો ન હતો. તેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે “લોકો પાસે જે હોય એ બધું નહીં, મારે જેની જરૂર હોય એ જ વસ્તુઓ હું વસાવું છું. બિનજરૂરી વસ્તુઓ જગ્યા પણ રોકે અને તેની સાચવણી માટે ઉપાધિ પણ કરવી પડે...”

રાત્રે “તારક મહેતા કા ઉલટા ચશ્મા” જોવે ત્યારે તે ખડખડાટ હસતો અને ઈચ્છા થાય ત્યારે રડી પણ લેતો! તે બન્ને એકસાથે મુવી જોવા ગયા ત્યારે રિશી ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. મુવી જોઇને બહાર નીકળતા મનીષે કહ્યું, “તમે રડતા હતા ત્યારે તમારી બાજુની સીટ પર બેસેલી મહિલા તમારી સામે જોતી હતી...”

“તો? અચ્છા, એટીકેટ? અરે ભલા માણસ, કોઈ આપણા વિશે શું વિચારે છે એવું આપણે શા માટે વિચારવું જોઈએ? ઈચ્છા થાય ત્યારે રડી લેવું ને ઈચ્છા થાય ત્યારે હસી લેવું... પોતાની લાગણીઓ વ્યક્ત નહીં કરીએ તો રોબોટ બની જઈશું! હું પહેલીવાર હોસ્ટેલમાં ભણવા ગયો ત્યારે સત્તર વર્ષનો હતો. ત્યારે મારી પાસે મોબાઈલ ફોન ન્હોતો, હું પેલા રૂપિયાવાળા ડોઘલામાંથી મમ્મીને ફોન કરીને ખૂબ રડતો અને કહેતો કે એમના જેવું ખાવાનું ત્યાં બનતું નથી. મારી પાછળ લાઈનમાં ઉભેલી છોકરીઓ મારી સામે જોઇને હસતી... પણ એનાથી શું ફરક પડે? જેવા છીએ એવા વર્તવામાં શરમ શાની? સહજ અને સરળ રહેવું સહેલું છે અને તે જ આપણને ખુશ રાખી શકે છે. દરેક પળને જીવી લેવાની, શું ખબર આપણે બીજી પળે હોઈશું કે નહીં?”

“અત્યારે તમારા મમ્મી-પપ્પા ક્યાં છે?” મનીષે પૂછ્યું.

“મમ્મી-પપ્પા તો એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા... હું ત્યારે કોલેજમાં હતો. પછી કાકાએ બધી મિલકત પચાવી પાડી...” રિશીએ તેના કાકા પ્રત્યે સહેજ પણ દ્વેષ કે ગુસ્સો ન દર્શાવ્યો. પોતાની સાથે આવું થયું હોય તો પોતાને ઝાળ લાગી ગઈ હોત એ મનીષ જાણતો હતો.

“સોરી... આ તો પોતાનો પરિવાર હોય તો થોડી હુંફ રહે.”

“દરેકનો હાથ અને સાથ છૂટતો જ હોય છે એટલે હું મારી પોતાની હુંફ લેતા શીખી ગયો છું અને મેં આખી દુનિયાને જ મારો પરિવાર બનાવી લીધો છે.”

મનીષને લાગ્યું કે પોતાની જ શાંતિના ભોગે પોતે પૈસા પાછળ દોડતો હતો, કુટુંબ પાસેથી રાખેલી અપેક્ષાઓ જ એને દુ:ખ આપતી હતી, દેખાદેખીથી આદરેલી સફળતાની દોડમાં તેણે પોતાની મનગમતી પ્રવૃત્તિઓને તિલાંજલિ આપી દીધી હતી, તે એટલો બધો સ્વાર્થી બની ગયો હતો કે બીજા વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હતું, એટીકેટ્સના ભૂતમાં પોતે ખડખડાટ હસવાનું કે રોવાનું પણ ભૂલી ગયો હતો!

એક મહિના પછી...

તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલ ચાલી રહી છે. એક વ્યક્તિનો ખડખડાટ હસવાનો અવાજ આવી રહ્યો છે. પડોશી પોતાની પત્નીને કહી રહ્યો છે, “હસવાનો અવાજ અહીં સુધી આવે છે, આ મનીષને શું થઇ ગયું છે?” તેની પત્નીએ કહ્યું, “તે રોબોટમાંથી પાછો માણસ બની ગયો છે!!!”

(અત્યારે બધે જ મોડર્નાઈઝેશન અને ઓટોમેશન થઇ રહ્યું છે, માણસનો માણસ કરતા મશીન સાથેનો વ્યવહાર વધ્યો છે. દિવસનો મોટાભાગનો સમય રોબોટ(મશીન) સાથે પસાર કરતા લોકો રોબોટ બનવા માંડે એમાં શી નવાઈ? ક્યાંક તો ભૂલ થઇ રહી છે, પણ ક્યાં? મનોમંથન માટે દરરોજ અડધી કલાક કાઢો, જવાબ મળી જશે...)

મારા ટૂંકીવાર્તાસંગ્રહ ‘તિમિરાન્ત’ નામના પુસ્તકમાંથી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED