સાચા સાધુ Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચા સાધુ

સાચા સાધુ

હાર્દિક કનેરિયા

સવારના છ વાગ્યા છે પણ આંખના ડોળા જેવો અંધકાર હજી શમ્યો નથી. અત્યારે ચેતનવંતી બની જતી ચહલ-પહલ રવિવાર હોવાથી હજી મૃતપ્રાય: છે. ડિસેમ્બરનો શિયાળો ફૂંફાડા મારતો જામ્યો છે. હાડ ગાળી નાખે એવી સુસવાતી ઠંડીમાં પૈસાદાર લોકો ગરમ ધાબળા અને સુંવાળા ગાદલાની વચ્ચે મીઠી નીંદરમાં પોઢ્યા છે. તો રસ્તાની ધાર પર, ઠંડા ફૂટપાથ પર લંબાયેલા ગરીબ અનંત આકાશની ચાદર ઓઢી અડધા-પડધા કપડામાં, એકબીજાની હૂંફ લેતા, ટૂંટિયું વાળીને સંકોચાયેલા પડ્યા છે. વહેલા ઉઠ્યા વગર જેને છૂટકો નથી એવાં પોતાના મુકામ તરફ જઈ રહેલા છાપાં ફેંકવાવાળા, સાઇકલને પેન્ડલ મારતા દૂધવાળા કે બે હથેળી ઘસી ગરમાવો મેળવવાનો પ્રયત્ન કરી રહેલાં એકલદોકલ રાહદારીઓ સિવાય કોઈ દ્રષ્ટિગોચર થતું નથી. માર્ગ પર વિચરી રહેલા એ દરેકે સ્વેટર, મફલર કે ટોપી વીંટ્યા છે. આખી રાતનો ઉજાગરો વેઠનારા કૂતરાં કોઈ અજાણ્યા કે અપરિચિત માણસને જોઈ ભસી પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ અનુભવે છે પણ કાતિલ ઠંડીમાં તેમનો અવાજ સંકોચાતી કિકિયારીની જેમ સમેટાઈ જાય છે. બહેરા બની ગયા હોય એમ સૌ એ અવાજને કાને ધર્યા વગર પોતપોતાની તંદ્રામાં મડદાની જેમ સ્થિર પડ્યા છે.

આવી કડકડતી ઠંડીમાં, એક જ ઉપવસ્ત્રથી શરીર ઢાંકતા એક સાધુ ઉઘાડા પગે ચાલી રહ્યા છે. તેના હાથમાં ન તો તુંબડું છે, ન ચીપિયો, ન તો કળશ છે, ન લાકડી. બુશકોટના ખિસ્સા જેવડી નાનકડી નારંગી થેલીમાં તેમનો જમણો હાથ પેસેલો છે અને ‘ઓમ નમ: શિવાય’ની માળા કરતા તેઓ તાજગી તથા સ્ફૂર્તિથી પદ માંડી રહ્યા છે. તેમની ઉંમરનો તકાજો કાઢવો મુશ્કેલ છે, તેમના ચહેરા પરની લાંબી સફેદ દાઢી વહેલી સવારના ઠંડા પવન સાથે લયબદ્ધ રીતે ફરકી રહી છે. આંખોમાં પ્રેમ અને ચહેરા પર શીતળતા ધરાવતા તેઓ કૃશ અને દુર્બળ શરીરમાં પણ તેજોમય લાગે છે. પોતાના પહોળા લલાટની ઘઉંવર્ણી ત્વચા પરથી રગડતા પ્રસ્વેદ બિંદુને તેમણે આંગળીના ટેરવે લઈ દૂર ફગાવ્યું અને રસ્તાની ધાર પર ઉભેલા ઝાડના ખરી પડેલા પાન પર જમેલા ઓસમાં તે ઓગળી ગયું.

રસ્તાના સામા છેડેથી મધ્યમ ઝડપે આવતી મોટરસાઇકલ પર બેઠેલા આધેડ દંપતીએ હેડલાઈટના પ્રકાશમાં તેમને જોયા. વૈરાગ ભાવથી ચાલ્યા આવતા એ પુણ્યાત્માને બંને એક નજરે નીરખી રહ્યા. મોટરસાઈકલ હંકારતા ભાઈએ ગૂંથેલા ઊનનું આખી બાંયનું સ્વેટર અને કાશ્મીરી ટોપો પહેર્યા છે. પગના પંજા અને હાથના તળિયા ઠરીને ઠીકરું ન થઇ જાય એ માટે ચામડાના જૂતા અને હાથમોજાનો ઉપયોગ કર્યો છે. આટઆટલું રક્ષણ છતાં ઠંડી લાગતી હોય તેમ તેમનું શરીર સંકોચાયેલું છે. દાઢી વગરનો સાફ ચહેરો જાડી મૂછોમાં ભરાવદાર લાગે છે. પાછળ બેસેલા તેમના પત્નીએ લીલા રંગની સાલ ઓઢી છે. સાલની કિનારમાં સોનેરી રંગનું ભરતકામ થયેલું છે. માથાથી ઉતરેલો અને ગરદન નીચે બંધાયેલો સ્કાર્ફ લીલી સાલના ઉપરી ભાગ સાથે ભળી ગયો છે. બહેનનો ચહેરો પુખ્ત પણ નિર્દોષ છે. તેમના હોઠ કોઈ ભગવાનનું નામ રટતા બબડી રહ્યા છે.

“ગાડી થોભાવજો, આપણા ઘરે બાપુની પધરામણી કરાવીએ...” પત્નીએ આદેશાત્મક રીતે કહ્યું.

સાધુ પાસે આવતા જ મોટરસાઈકલ ઊભી રહી. ‘પીર’ તેમને જોયા- ન જોયા કરી નિજાનંદ મસ્તીમાં આગળ વધ્યા.

“મહાત્મા...!” સ્ત્રીએ નમ્રતાથી સાદ દીધો. સાધુ અટક્યા અને તેમની સામે પ્રશ્નાર્થ ભાવથી જોયું.

“અમે અહીંયા પાસે જ રહીએ છીએ, આપ પધારો અને અમારા ઘરને પાવન કરો. થોડો અલ્પાહાર કરી પછી પ્રસ્થાન કરજો.”

આથમી રહેલા શશી અને અસ્ત થઇ ગયેલા શનિવાર પર રવિ અને રવિવારનું વર્ચસ્વ સ્થપાવાનું હતું. ફિક્કા પડી રહેલા ચંદ્રની ચાંદનીમાં ચમકતી દંપતીની આંખોમાં ભગવાધારીએ દ્રષ્ટિપાત કર્યો. તેઓ નફિકરું હસ્યા અને બોલ્યા, “ઠીક હૈ...” ગાડી પરથી ઉતરી પડેલા બહેને ચાલવાનું શરૂ કર્યું અને પેલા મહાત્મા તેમની પાછળ દોરાયા. પત્ની અને સાધુની ચહલકદમી પ્રમાણે ધીમી ગતિએ મોટર સાઇકલ ચલાવતા પતિ તેમની સાથે જ રહ્યા. મૌન રહી ચાલતા બેન પચાસ કદમ આગળ જઈ ‘અનંત વિહાર’ના પાટિયાવાળા ખાંચામાં પ્રવેશ્યા. મહિલાએ ત્રીજી શેરીમાં પાંચમાં મકાનનું તાળું ઉઘાડ્યુ અને સૌએ ગૃહપ્રવેશ કર્યો. આછા થઈ રહેલા અંધકારમાં પુરુષનો હાથ જાણીતી ચાંપ પર પડ્યો અને ઓરડાની બત્તી શરૂ થતા જ પ્રકાશ રેલાયો.

મધ્યમવર્ગના પરિવારનું હોય એવું તે મકાન હતું. મુખ્ય કમરામાં કાટખૂણે ગોઠવાયેલા બેમાંના એક પલંગ પર સાધુમહાત્મા બિરાજ્યા. નારી એક આદર્શ ગૃહિણીની જેમ અંદર સરી અને તાંબાના પ્યાલામાં પાણી લઈ આવી. પ્યાલો અધ્ધર રાખી સાધુએ તે નમાવ્યો, પાણી ગળા નીચે ઉતરતા ઉપર નીચે થઈ રહેલા તેમના કંઠને નર-નારી જોઈ રહ્યા. નારી ખાલી પ્યાલો મૂકવા અંદર ગઈ અને બાજુના પલંગ પર બેસેલા પુરુષે કાશ્મીરી ટોપો ઉતાર્યો. તેના કપાળમાં થયેલ ચંદનતિલકને સાધુએ જોયું. થોડીવારમાં આકર્ષક તાટમાં મોંઘા રસાળ ફળો કાપી સ્ત્રી ભક્તિભાવથી હાજર થઇ. નારીએ ધરેલા ફળ પર નજર પણ નાખ્યા વગર સાધુએ કહ્યું, “મૈ તુજે દેખકર હી સમજ ગયા થા, શેર માટી કી ખોટ હૈ!”

પતિ-પત્નીએ એકબીજા સામે આશ્ચર્યથી જોયું. વાતનો તંતુ સાધતા પત્ની બોલી, “બાપુ, લગ્નને પંદર વર્ષ થઇ ગયા. આ તો ધંધાના કામથી અડધો મહિનો મુંબઈ રહે છે, હું જ ઘરે એકલી હોઉં છું. એકાદ બાળક થઇ જાય તો મારો ખાલીપો ભાંગે. એ માટે ઘણી દવા-દારૂ કરી પણ કંઈ પરિણામ ન મળ્યું. મારી મનોકામના પૂરી થાય એ માટે દરરોજ મંદિરે જાઉ છે, માળા કરું છું. વ્રત-ઉપવાસ, દાન-ધર્માદો બધું જ કરું છું, પણ... અત્યારે પણ મંદિરેથી જ આવતા’તા અને તમારા દર્શન થયા.”

“તું કીતના ભી કર લે પર તેરે નસીબમેં માં બનને કા સુખ હૈ હી નહીં...” સાધુએ અટક્યા વગર સ્વસ્થ અવાજે કહ્યું અને ઉમેર્યું, “પર ગભરા મત, તુજે બેટે કા પ્યાર જરૂર મિલેગા!”

“મતલબ?” સંતની વિરોધાભાસી વાત સ્ત્રીને સમજાઈ નહીં. સ્ત્રીને જવાબ આપ્યા વિના સાધુએ પુરુષની આંખોમાં તુચ્છ દ્રષ્ટિએ જોયું. તેઓ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને બોલ્યા, “સમય આને પર પતા ચલ જાયેગા.” કાપેલ ફળનો એક ટુકડો પણ મ્હોંમાં મૂક્યા સિવાય તેઓ દરવાજા ભણી ચાલ્યા.

“બાબા, થોડો ફળાહાર તો કરો!”

“નહીં બેટી, મૈ ફિર સે આઉંગા..”

“ક્યારે?”

સાધુ જવાબ આપ્યા વગર રવાના થઇ ગયા.

“મને તો કોઈ ઢોંગી લાગ્યા...” પતિએ ફિક્કા પડી ગયેલા ચહેરા સાથે કહ્યું.

“કંઈ ખાધું નહીં, લીધું નહીં, માંગ્યું નહીં, પછી ઢોંગી શાના? હા, તેમની વાત ન સમજાઈ પણ મહાપુરુષોની વાત સમજવા મહાપુરુષ બનવું પડે! એમાં તમારો ચહેરો શાનો કાળો પડી ગયો?” પત્નીએ ભોળાભાવથી પૂછ્યું.

“તું ઉદાસ થઇ જાય એવી અદ્ધરતાલ વાત કરીને ચાલ્યા ગયા, કંઈ સ્પષ્ટ ન કહ્યું... આમેય હું તો સાધુ-બાવાઓમાં વિશ્વાસ નથી કરતો. આ તો તારા મનના સમાધાન માટે પૂજા-પાઠમાં જોડાઉં છું.”

“પણ એમની વાતનો કંઇક મર્મ તો હતો!”

“પાછા આવે ત્યારે પૂછી લેજે... જો આવે તો!” કહીને પતિ જોરથી હસ્યો. પત્ની કંઈપણ પ્રતિભાવ આપ્યા વગર રસોડામાં ચાલી ગઈ.

વાત અને પ્રસંગ પર સમયના પડળ ચડતા ગયા અને બાર મહિનામાં જ પતિ-પત્ની આખો પ્રસંગ ભૂલી ગયા.

દસ વર્ષ પછી...

“આટલું વહેલું કોણ હશે?” નારી બબડીને પથારીમાંથી ઊઠી અને દરવાજો ઉઘાડવા મુખ્ય ઓરડામાં પ્રવેશી. તેણે ઓરડાની બત્તી જલાવવા કળ દબાવી અને આગળિયો ઉઘાડ્યો. સામે ઉભેલો આગંતુક જાણીતો ભાસ્યો. કેસરી કપડા, સફેદ દાઢી, કૃશ શરીર, પ્રેમસભર આંખો અને સૌમ્ય ચહેરો!

“ભૂલ ગઈ?” સાધુએ હસીને પૂછ્યું.

“અરે મહાત્મા, આપ?” નારી આશ્ચર્ય સાથે તેમને પગે લાગી. કોરું કપાળ, શણગાર વગરનો દેહ અને રંગહીન વસ્ત્રો સ્ત્રીના વિધવા હોવાની ચાડી ખાતા હતા.

“ભૂખ લગી હૈ... ફલ લે કે આ...” નારી અવાચક બનીને જડવત્ ઉભી રહી. વર્તમાનમાં રહેલા દેહની ભીતરનું અંતરમન ભૂતકાળમાં, આઠ વર્ષ પાછળ સરી પડ્યું. તેની નજર સામે એ આખું દ્રશ્ય તાજું થયું....

ફોનની ઘંટડી વાગતા જ તેણે રિસીવર ઊંચક્યું. “હલ્લો, કોણ મધુબેન બોલો છો?” સામે છેડેથી પૂછાયું.

“હા, કેમ?”

“જી હું મુંબઈ પોલીસસ્ટેશનથી બોલું છું. આ નંબર હીરાલાલની ડાયરીના પ્રથમ પાને લખેલો હતો. આપ એમના શું થાવ?”

“કેમ?”

“એમનો અહીં અકસ્માત થયો છે અને તેઓ તથા તેમના પત્ની ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે. સદ્નસીબે તેમનો સાત વર્ષનો દીકરો બચી ગયો છે....”

“શું? તમારી કંઈક ભૂલ થઈ છે કારણ કે હું જ હીરાલાલની પત્ની છું અને હું જીવિત છું. અને હા, અમારે કોઈ સંતાન નથી.” ગુંગળાતા અવાજે મધુબેન બોલ્યા.

“સાંભળો, અમને તેમના ખિસ્સામાંથી લાયસન્સ મળ્યું છે જેમાં તેમનું ગુજરાતનું સરનામું લખેલું છે. બી-૫, અનંત વિહાર,...”

“સરનામું તો આ જ છે.” મધુબેન ગભરાઈ ઉઠ્યા.

“તમારે અહીં આવવું પડશે, લાશની ઓળખ કરવા...”

મુંબઈના કયા પરાંમાંથી ફોન આવ્યો હતો તે જણાવી ફોન કાપી નાખવામાં આવ્યો. મધુબેન તાબડતોબ મુંબઈ પહોંચ્યા... હા, અકસ્માતમાં મરનાર હીરાલાલ તેમના જ પતિ હતા. બચી ગયેલા પેલા સાત વર્ષના છોકરાંએ જણાવ્યું કે હીરાલાલ તેના પપ્પા થતા અને મહિનામાં અમુક દિવસો મુંબઈમાં રહેતા...

ધંધાના કામથી હીરાલાલ મુંબઈ-અમદાવાદ આવ-જા કરતા રહેતાં. મધુબેન વાત ન સમજી શકે એટલા મૂર્ખ ન હતા. તેમને સમજાઈ ગયું કે હીરાલાલે બે લગ્ન કર્યા હતા, એક મુંબઈમાં અને એક પોતાની સાથે... તેમણે બંને સ્ત્રીઓને અંધારામાં રાખી હતી.

“યહીં ખડી રહેગી ક્યા?” સાધુએ ઊંચા અવાજે કહ્યું અને ખુલ્લી આંખે એ ભયાનક દ્રશ્યો જોઈ રહેલા મધુબેનનું વર્તમાનમાં અવતરણ થયું. તે અંદર દોડી ગયા અને થોડીવારમાં પંદરેક વર્ષના કિશોર તથા કાપેલા ફળોની થાળી લઇ બહાર આવ્યા. “બેટા, બાપુને પગે લાગ...” સ્ત્રીએ કિશોરને કહ્યું. કિશોર ખચકાટ સાથે ઝૂક્યો અને આગંતુકના ચરણસ્પર્શ કર્યા.

અકસ્માતના દિવસ પછી મધુબેને ઘણો વિચાર-વિમર્શ કર્યો હતો. છેવટે તેઓ હીરાલાલના મુંબઈવાળી પત્નીથી જન્મેલા દીકરાને પોતાની સાથે અમદાવાદ લઈ આવેલા. તેઓ તેને માતાનો પ્રેમ આપી ઉછેરવા લાગ્યા હતા જે આજે સગીર થઇ ગયો હતો.

“અબ યહી તેરા શ્રવણ બનેગા... ભલે તું માં નહીં બન પાઈ, લેકીન બેટે કા સુખ ખૂબ પાયેગી...” દ્રાક્ષનો એક દાણો મ્હોંમાં મૂકી મા-દીકરાને આશીર્વાદ આપતા હોય એમ હાથ લંબાવી સાધુ રવાના થયા, થોડી જ વારમાં તેઓ અંધકારમાં ઓગળી ગયા.

***