અજ્ઞાત સંબંધ - ૭ Shabda Sangath Group દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અજ્ઞાત સંબંધ - ૭

પ્રકરણ-૭

લિફ્ટ નંબર ચાર

(કવિતા રિયાને જી.પી.એસ. સિસ્ટમ વડે શોધી કાઢે છે અને એને ફ્લેટ પર લઈ જાય છે. સ્નાન કરતી વખતે રિયાનું ધ્યાન પોતાનાં શરીર પર પડે છે અને એની નવાઈ વચ્ચે શરીર પર એક પણ ઘાવનું નિશાન નથી હોતું ! વનરાજ પણ તેને છોડીને ગુસ્સામાં ચાલ્યો ગયો છે એટલે રિયાને એના પ્રત્યે ખૂબ જ ખીજ ચડે છે. બીજી તરફ વનરાજના ઘરે જ રહી ગયેલું રિયાનું લોકેટ વનરાજ એક બિઝનેસ મિટિંગમાં જતી વખતે પોતાની સાથે રાખી લે છે અને મોતને આમંત્રણ આપી દે છે. હવે આગળ...)

વનરાજ ત્રણ દિવસમાં તો કંટાળી ગયો. તેણે નાની ઉંમરે જ અનેક બિઝનેસ સમિતિનું નેતૃત્વ કરેલું હતું. પણ આટલી બોરિંગ બિઝનેસ મિટીંગ તેણે આજ સુધી ક્યારેય એટેન્ડ નહોતી કરી.

કોહિનૂર બિઝનેસ હબ’નું આલિશાન, અત્યાધુનિક અને બે ભાગમાં વહેંચાયેલું બિલ્ડીંગ તેની ભવ્યતા માટે પ્રખ્યાત હતું. રહેવા-કરવા સહિત એમાં દરેક જાતની સગવડો હતી. રાત ઘેરાઇ રહી હતી અને તેમાં આ બિલ્ડીંગની રોશની કંઈક અલગ જ અંદાજમાં માદકતા ફેલાવી રહી હતી. બિઝનેસમેન્સ અને વિદેશીઓ વચ્ચેની પાર્ટીની તૈયારીઓ પુરજોશમાં થઈ રહી હતી. જો કે એ કોઈ ખાસ કાર્યક્રમની તૈયારી રૂપે નહોતું, પણ એ જ નિત્યક્રમ થઈ ચૂક્યો હતો.

આટલા કમ્ફર્ટેબલ ઝોનમાં પણ વનરાજ મુંઝાતો હતો. ખબર નહીં કેમ ત્યારે તેને અચાનક રિયા સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. પણ વાત કરે તો કરે કેવી રીતે ? મોબાઈલ તો ઘરે જ ભૂલી ગયો હતો. તેને નંબર યાદ રાખવાની તો આદત હતી જ નહીં. સામાન્ય કિસ્સાઓમાં છોકરાઓ તેની ગર્લફ્રેન્ડનાં નંબર કંઠસ્થ કરી લેતા હોય છે કોન્ટેક્ટ નંબર અને બજા ઘણાં બધા નંબર - પણ આ તો વનરાજ હતો. અત્યાર સુધી તે કોઈ છોકરીઓને ભાવ જ નહોતો આપતો. પણ રિયાના કિસ્સામાં અલગ જ વાત હતી.

તેને એક પળ માટે તો વિચાર આવ્યો કે - મમ્મીને કૉલ કરી, મારા મોબાઈલમાંથી રિયાનો નંબર મેળવીને એસ.ટી.ડી. બુથ પરથી વાત કરી લઉં. - પણ તેનો શરમાળ સ્વભાવ આડે આવ્યો. તેને મમ્મી સામે રિયા માટેનો પ્રેમ જતાવવો યોગ્ય ના લાગ્યું.

તેણે પોકેટમાંથી લોકેટ કાઢ્યું. પ્રેમથી હાથમાં સહેલાવ્યું. લોકેટ ધ્યાનથી જોતાં ખબર પડી કે એ કોઈ ખાસ ધાતુમાંથી બનેલું હતું. તેના પર કંઈક વિચિત્ર ડિઝાઈન કે એવું કંઈક હતું, અને તેનું વજન પણ કદની સાપેક્ષે વધારે જણાતું હતું. તે હજુ રિયાની યાદોમાં જ હતો. તેણે લોકેટને ગળામાં પહેરી લીધું, એમ વિચારીને કે રિયા મારી સાથે જ છે.

એ દિવસે તેણે કોઈપણ સાથે વાત કર્યા વિના જ સુવા જતો રહ્યો. બેડ પર પડતાની સાથે જ તે ગહેરી ઊંઘમાં સરી ગયો.

***

તેને ઊંઘમાં કંઈક વિક્ષેપ પડ્યો. એ શેનું ડિસ્ટર્બન્સ હતું એ જાણવા માટે તે બેઠો થયો, બાજુના ટેબલ પર પડેલી પાણીની બોટલમાંથી પાણી પીને તેણે અડધી બંધ થઈ ગયેલી વિન્ડો ખોલવા માટે હાથ લંબાવ્યા અને સહજતાથી જ બહાર તરફ નજર ફેરવવા થોડો આગળ તરફ ઝૂક્યો.

અચાનક જ બારીમાંથી એક વિશાળ કદનો રાક્ષસી પંજો સીધો તેના મોં પર લાગ્યો. સામેની તરફ રાખેલાં રીડીંગ ટેબલ પર તે જોસથી અથડાયો. કંઈ સમજે-વિચારે એ પહેલાં તો બારીમાંથી એક માનવ કંકાલ અંદર કૂદી આવ્યું. વનરાજે ટેબલ પર રહેલા પેપરવેઈટને તેનાં પર પૂરી તાકાતથી ફેંક્યું, પણ તેને કંઈ ખાસ અસર ના થઈ.તે કંકાલ આસિતો કોપાણ લાતુકે... આસિતો કોપાણ લાતુકે... વી બૂમો પાડતું ઝડપથી વનરાજ તરફ આગળ વધ્યું. તેણે વનરાજનું ગળું દબાવી, તેને હવામાં ઊંચો કરી દીધો.

ગળાનો દુઃખવો અસહ્ય થઈ જતાં વનરાજે હતું એટલું જોર એકઠું કરીને કંકાલના સ્કંધમેખલા પર પગ વડે વાર કર્યો. વનરાજ જમીન પર પટકાયો અને કંકાલના હાડકાંનો ત્યાં જ ઢેર થઈ ગયો. વનરાજ હજુ માંડ ઊભો થયો હતો ત્યાં જ એ હાડકાનો ઢગલો એકસાથે તેના પર તૂટી પડ્યો અને બીજી જ ક્ષણે વનરાજ બારી બહાર ફેંકાઈ ગયો.

***

વનરાજ ચીસ પાડી પથારીમાં બેઠો થઈ ગયો. તેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. ઘડિયાળમાં બે વાગ્યા હતા. તેણે ટેબલ પર નજર નાંખી, પાણીની બોટલ આખી ભરેલી પડી હતી. રીડીંગ ટેબલ પણ તેની યોગ્ય જગ્યાએ જ હતું.

તેને વાતનો તાગ મેળવવામાં વાર ના લાગી. તેણે રિયા પાસેથી જે સાંભળ્યું હતું, લગભગ એવું જ તેની સાથે બન્યું હતું. એ રાક્ષસની ન સમજી શકાય તેવી ભાષા પણ તેને થોડીઘણી સમજા ગઈ. વારંવાર ગળા પર જ હુમલો થવો એ કાંઈ કો-ઈન્સિડન્સ ના હોય શકે.

તેણે ગળામાંથી લોકેટ કાઢી દીધું. મનમાં કંઈક યોજના બનાવી ઝડપથી બિલ્ડીંગના સૌથી ઉપરના ફ્લોર પર પહોંચી ગયો. આ પહેલાં તે ક્યારેય આ ફ્લોર પર આવ્યો નહોતો, છતાં એ જાણતો હતો કે અહીં સેન્ટ્રલ લાઈબ્રેરી છે. વનરાજના સ્વભાવમાં એન્જીનિયરીંગ હતું. એ જ્યાં પણ જવાનો હોય, અગાઉથી તેની કુંડળી જાણી લેતો.

તે લાઈબ્રેરીના કાઉન્ટર પર ગયો અને લાઈબ્રેરીયન પાસે સૌથી ઓછી વાર વંચાયેલ પુસ્તક આપવા જણાવ્યું.

સર... ધેર ઇઝ ઓન્લી વન બુક... એચ.બી. વન-ઝીરો-થ્રી-સેવેન” તેણે કમ્પ્યુટરમાં ડેટા તપાસીને કહ્યું.

થેંક્યુ કહી વનરાજ બુક શોધવા આગળ વધ્યો. તેણે બુક જોઈ. ઘણી જુની હતી. તેનું ટાઈટલ હતું ‘દિવાનગઢનો ઈતિહાસ.’ એ હસ્યો.

આવા ઝડપી જમાનામાં કોણ ઈતિહાસ વાંચવા બેસવાનું ?” એમ બોલી બુકના ડબલ-કવરમાં લોકેટ સરકાવી દીધું. આટલી મોડી રાતે ત્યાં બે-ત્રણ વ્યક્તિ સિવાય કોઈ નહોતું, એટલે કોઈ જોઈ જશે એવી બીક પણ નહોતી. બુકને તેના સ્થાને ગોઠવી એ ઝડપથી બહાર નીકળી ગયો. જતાં-જતાં તે કાઉન્ટર પાસે રહેલાં મંદિરમાં શીશ ઝુકાવવાનું ના ભૂલ્યો.

હવે તેને થોડી હળવાશ લાગતી હતી. તે મોઢું ધોવા માટે વોશ રુમ તરફ આગળ વધ્યો. તે જાણતો નહોતો કે હવેથી જ તેની હળવાશ હંમેશા માટે ડી જવાની હતી. હાથ-મોં ધોઈને તેણે વિચાર્યું કે પપ્પાના રુમમાં જ સુવા જતો રહું.

એ ઝડપથી ત્યાંથી પહેલી જ લિફ્ટમાં બેસી ગયો. તે અંદર ઘુસી ગયો ત્યારે તેને ખબર પડી કે આ લિફ્ટ નંબર ચાર’ છે. તેણે ગભરાઈને ઈમરજન્સી બટન દબાવી દીધું. કેમકે એ સારી રીતે જાણતો હતો કે 'કોહિનૂર બિઝનેસ હબ'ના બંને ભાગમાં ફક્ત ત્રણ-ત્રણ જ લિફ્ટ છે ! વધારામાં આ લિફ્ટ બેઝમેન્ટમાં જઈ રહી હતી, જ્યારે હકીકત એ છે કે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે એક પણ અંડરગ્રાઉન્ડ વિભાગ નથી.

તેણે બધાં બટન દબાવી દિધાં, પરંતુ એક પણ બટન કામ નહોતું કરતું. આખરે લિફ્ટ બેઝમેન્ટમાં જ ખુલી.

ત્યાંનું દ્રશ્ય જોઈ વનરાજના મોતિયા મરી ગયાં. એ લાઈબ્રેરી હતી. ઉપર હતી તેવી જ આબેહૂબ. પણ બુક શેલ્ફમાં બુકની જગ્યાએ માનવ ખોપરીઓ અને શરીરના કપાયેલા વિવિધ અંગો સાંકળથી બાંધી રાખ્યાં હતાં. દિવાલના ઉપરના ભાગમાં મહાન લેખકોનાં ફોટોની જગ્યાએ લોહીથી ડરામણા ચહેરાઓ ચીતરેલાં હતાં.

વનરાજ કાઉન્ટર તરફ આગળ વધ્યો. લાઈબ્રેરીનું આખું ફર્શ જંગલ જેવી હાલતમાં હતું. કાઉન્ટર પર ટોઈલેટ ક્લિનર, દોરડાઓ, ધારદાર ખીલાઓ, કાંટાવાળા ચિપીયાઓ અને બીજા હથિયારો પડ્યા હતા. એ પણ લોહીથી ખરડાયેલા. બસ એક મંદિરમાં કોઈ જ ફેરફાર નહોતો.

અંધકારને ચીરીને આવતો ઘુવડનો બિહામણો અવાજ અને પંખીઓની હવામાં વિંઝાતી પાંખોના ડરામણાં અવાજથી વનરાજ ધ્રૂજી ગયો.

ત્યાં જ પાછળના રેકમાંથી એક મડદું ભું થઈને વનરાજની સામે ઉભું રહી ગયું. વિખરાયેલા આછા વાળ તેનાં બળીને કોહવાઇ ગયેલા, પરું નીકળતા ચહેરાને થોડા અંશે ઢાંકતા હતાં.

વનરાજે તેનાં ચહેરાને જોઈને જ તેની સામે લડવાનું માંડી વાળ્યું. અચાનક એ વૃધ્ધ રાક્ષસ ભભૂકી ઉઠ્યો. તે જોર જોરથી ચિલ્લાતો હતો....

માદડીયો કેડા આય ?”

માદડીયો મુકે ડે”

ચળકતો માદડીયો મુકે ડે”

માદડીયો કેડા આય ?”

તેણે વનરાજની છાતી પર લાત મારી તેને ઉછાળી દીધો. વનરાજ મંદિરની આગળ મોંભેર પટકાયો. તેનું ધ્યાન મંદિરના શંખ પર ગયું. તેણે પાછળ ફરીને અચાનક જ રાક્ષસના સડેલા મોં પર શંખ મારી દીધો.

શંખનો ઘા એ વૃધ્ધ સહન ના કરી શક્યો. ડાબી બાજુના ખુણામાં જઈ થોડી વાર એ તરફડ્યો. પણ ફરીથી એ બમણી શક્તિ સાથે બેઠો થયો. એ ગુસ્સામાં ધૂંઆપૂંઆ થતો વનરાજ તરફ આગળ વધ્યો.

તેણે બુક-શેલ્ફમાંથી એક ખોપરીઓવાળી સાંકળ ખેંચી વનરાજને મારી દીધી. વનરાજ અધમૂઓ થઈ ગયો.

હવે એ વૃધ્ધે વનરાજને લાકડાની ખુરશી પર બેસાડી તેનાં બધાં જ કપડાં ફાડીને નિર્વસ્ત્ર કરી દીધો. કાઉન્ટર પરથી મજબૂત દોરડું ઉઠાવી તેને ખુરશી સાથે બાંધી દીધો. એકદમ ક્રૂરતાથી તેની આંગળીઓના બધા જ નખ પકડ વડે ખેંચી કાઢ્યાં. વનરાજ ચિલ્લાતો રહ્યો, તેની ચીસો એટલી તીક્ષ્ણ હતી કે શેલ્ફમાં રહેલી ખોપરીઓ પણ ધ્રૂજતી હતી.

વનરાજના નગ્ન શરીર પર કાંટાવાળા ચિપીયા ફરી વળ્યા. તેનાં શરીરની ચામડી ઠેકઠેકાણેથી કાગળની જેમ ચીરી નાંખી. રાક્ષસનો ગુસ્સો એ હદે વધી ગયો હતો કે તેણે વનરાજ પર ટોઈલેટ ક્લિનર (મંદ એસીડ)ની આખી બોટલ ઠાલવી દીધી.

વનરાજ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાતો હતો. તેણે વિચાર્યું કે આ પણ એક ડરામણું સ્વપ્ન હોય તો સારું. ખેર !! આ સત્ય હતું. ક્યારેય ન મિટાવી શકાય તેવું સત્ય.

રાક્ષસે વનરાજના બંને હાથ પકડ્યા અને ફરીથી બુમ પાડી...

આસિતો કોપાણ લાતુકે...

તેણે વનરાજને કમ્મરેથી પકડીને ખુરશી સહિત હવામાં ઊંચો ઉછાળ્યો અને ઉપરની છત સાથે અથડાવી દીધો. ખુરશીના ટુકડે-ટુકડા થઈ ગયા. હવે વનરાજ બસ શ્વાસ બંધ થવાની જ રાહ જોતો હતો.

સવારે વનરાજ ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટમાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.

***

બીજી તરફ રિયા અને કવિતા સ્વપ્નનું રહસ્ય ઉઘાડું પાડવા કોઈ મહાત્માની શરણાગતિ સ્વિકારી.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: ભાવિક રાદડિયા ‘પ્રિયભ’