આંધળો પ્રેમ
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૮ (અંતિમ)
નિલાંગના નિર્ણયથી ચંદા હતપ્રભ થઇ ગઇ હતી. નિલાંગ પહેલાથી જ બાળકને આ દુનિયામાં લાવવાની ના પાડતો રહ્યો હતો. શું તે જવાબદારીમાંથી છટકી રહ્યો છે? એવો પ્રશ્ન ફરીથી ચંદાને થવા લાગ્યો. બાળકના જન્મ પછી તેને નામ આપવું પડશે. જો ચંદા સાચી હકીકત બહાર લાવી દેશે તો પોતે ક્યાંયનો નહીં રહે એવો ભય તેના ચહેરા પર ચંદા વાંચી શકતી હતી. પોતાની ભૂલ સામે આવશે એ ડરથી નિલાંગે હવે તેને કોઇપણ ભોગે બાળકનો નિકાલ લાવી દેવા દબાણ શરૂ કર્યું.
નિલાંગ ચંદાને એ સમજાવવાની કોશિષ કરી રહ્યો હતો કે બીજા ઘણા તબીબો આવા કામ થોડા વધુ રૂપિયા લઇને કરી આપે છે. પણ ચંદાનું માનવું હતું કે તેના જીવ પર જોખમ આવે તો કોણ જવાબદારી લેશે? નિલાંગ તેને ઉદાહરણ આપીને સમજાવી રહ્યો હતો કે નવરાત્રિમાં ઘણી છોકરીઓ ભાન ભૂલીને શારિરીક સંબંધ બાંધે છે ત્યારે ઘણી ક્લીનીકના ડોક્ટરો ખાનગીમાં ગર્ભપાત કરી આપતા હોય છે. એવા કોઇક ડોક્ટરને મળવાનો તે આગ્રહ કરી રહ્યો હતો. પરંતુ ચંદા હવે પોતાના નિર્ણય પર મક્કમ હતી. કદાચ પોતાના કરતાં તેને હવે માયા પર વધુ ભરોસો બેઠો હતો. ચંદાએ નિલાંગને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે તે બાળકને જન્મ આપશે. ચંદાને ખબર હતી કે તેના આ નિર્ણયથી નિલાંગ નારાજ થશે. કદાચ તેની સાથેનો સંબંધ પણ તોડી નાખશે. છતાં તે અફર રહી.
આખરે નિલાંગને ખ્યાલ આવી ગયો કે ચંદા હવે તેની વાત માનવાની નથી. એટલે તેને કહી દીધું:"જો ચંદા, તારી જીદ હોય તો તું પૂરી કર. પણ આ કારણે કોઇપણ પરિસ્થિતિ ઊભી થશે તો તેના માટે તું જવાબદાર રહેશે. તેનો સામનો તારે એકલાએ જ કરવો પડશે."
ચંદા બોલી:"નિલાંગ, તમે તમારો સ્વાર્થ પૂરો કરી લીધો એટલે હાથ ઊંચા કરી રહ્યા છો. પણ વિશ્વાસ રાખજો તમારા જીવન પર કે કારકિર્દીમાં મારા કારણે કોઇ ડાઘ નહીં લાગે. મેં તમને આંધળો પ્રેમ કર્યો હતો. એની સજા પણ હું જ ભોગવીશ."
નિલાંગે પછી કોઇ વાત કરી નહીં અને નીકળી ગયો.
નિલાંગ હવે ક્યારેક જ મળવા આવતો હતો. ચંદાએ પણ હવે પીએચડી કરવાનું મોકૂફ રાખ્યું હતું. તે એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માગતી હતી. માયા પણ હવે તેની સાથે વધુ સમય ગાળતી હતી. અને ધ્યાન રાખતી હતી. ક્યારેક મોડે સુધી ચંદા પાસે રોકાતી હતી. અને રામાયણ-મહાભારતના પુસ્તકો વાંચી સંભળાવતી હતી.
ચંદાને લાગતું હતું કે માયા જરૂર તેના પૂર્વ જન્મની બહેન હશે. તેની કોઇ દર્દી તરીકે નહીં પણ સ્વજન સમજીને કાળજી લઇ રહી હતી. ઘણી વખત તો એટલી લાગણીશીલ બની જતી હતી કે જાણે તેના જ બાળકને જન્મ આપી રહી હોય. માયા તેને સતત આશ્વાસન પણ આપતી હતી કે બાળકના જન્મ પછી પણ તેણે ગભરાવાનું નથી. તે તેને પૂરતી મદદ કરશે.
એક દિવસ માયાની ગેરહાજરીમાં નિલાંગ આવ્યો ત્યારે ચંદાએ બાળકના જન્મ પછીની વાત છેડી.
"નિલાંગ, બાળકના જન્મ પછી આપણે આગળ શું કરવાનું છે? હવે વધુ સમય નથી. તમારે કોઇ નિર્ણય લઇ લેવો પડશે. આપણે નવી જિંદગી શરૂ કરવાની છે. તમારા ભરોસે છું હું. તમારે જ મારો હાથ પકડવાનો છે. તમે પણ પ્રેમ કર્યો છે. મને અપનાવી લેશો ને?"
ચંદાની વાત સાંભળીને નિલાંગના ચહેરા પર ગભરાટ દેખાયો પણ તે બહુ જલદી સ્વસ્થ થઇ ગયો. "ચંદા, હમણાં તું ભવિષ્યની ચિંતા ના કર. વર્તમાન પર ધ્યાન આપ. હવે જ્યારે તેં બાળકને જન્મ આપવાનું નક્કી કરી લીધું છે ત્યારે બીજી ચિંતાઓ ના કરીશ. તારી તબિયત તારે સાચવવાની છે..." પછી કંઇક કામ યાદ આવ્યું હોવાનું કહી તે નીકળી ગયો.
ચંદાને ખ્યાલ આવી ગયો કે નિલાંગ પોતાના પત્તા ખોલવા માગતો નથી. અજીબ કશ્મકશ અનુભવી રહ્યો છે. તે માયાને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યો નથી કે પોતાને અપનાવવાની પણ વાત કરી રહ્યો નથી. તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી શકાતું ન હતું. પણ એક વાતનો ચંદાને ખ્યાલ આવી ગયો હતો કે તે તેના બાળકને જન્મ આપી રહી છે એ તેને ગમ્યું નથી. તેને પોતાની પ્રતિષ્ઠાની ચિંતા છે. શું પોતે પણ તેની વાત ન માનીને યોગ્ય કર્યું નથી? બીજા ડોક્ટરનો અભિપ્રાય લેવાની જરૂર ન હતી? શું પોતાને મા બનવાની લાલસા હતી? શા માટે તે માયાની વાતમાં આવી ગઇ? નિલાંગ તેની જગ્યાએ યોગ્ય હોઇ શકે? પ્રેમમાં અંધ બન્યા પછી થયેલી ભૂલ માટે તે પણ સરખી જ જવાબદાર હતી ને? તાળી એક હાથથી પડતી નથી.
ચંદા વિચારોના વમળમાં ફસાઇ રહી હતી ત્યારે માયાએ આવીને તેને ઉગારી લીધી. "અરે, બહેન તું કઇ દુનિયામાં ચાલી ગઇ છે? ચહેરા પર ચિંતાના વાદળો કેમ ઘેરાયેલા છે? હવે ખુશીનો વરસાદ થવાનો છે. એક બાળ આ ખોળામાં રમવાનું છે ત્યારે ખુશ રહેવાનું છે."
ચંદાએ હસીને માયાને આવકાર આપ્યો. માયા તેના માટે ફળ કાપીને લઇ આવી હતી. ચંદા આળસ ના કરે એટલે પોતાની સામે જ તેને ખાઇ લેવાનો હુકમ કર્યો.
છેલ્લા ઘણા મહિનાથી માયા જાણે તેની માતા બની ગઇ હતી.
માયાએ એક દિવસ તેને તપાસીને કહ્યું કે હવે ગમે ત્યારે તે બાળકને જન્મ આપશે. ત્યારે ચંદાના દિલમાં આનંદ ઉછળવા લાગ્યો.
અને એ ક્ષણ પણ આવી પહોંચી જ્યારે ચંદાએ એક તંદુરસ્ત બાળને જન્મ આપ્યો. ચંદાને જ્યારે ખબર પડી કે તેને છોકરો અવતર્યો છે ત્યારે તેની આંખમાંથી ખુશીના આંસુ છલકી રહ્યા. માયા પણ એટલી જ ખુશ હતી. ક્લીનીકમાં આનંદનો કોઇ અવસર હોય એવું વાતાવરણ હતું. માયાએ બધાને પેંડા ખવડાવી હેતની લાગણી વ્યક્ત કરી.
આ તરફ ચંદા વિચારોમાં ડૂબી ગઇ. તેની સામે સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. માયાએ ભલે તેની જવાબદારી ઊઠાવી લીધી અને તેને નચિંત કરી છે પણ તે ક્યાં સુધી કોઇને ત્યાં બોજ બનીને રહી શકશે? અને સમાજમાં પણ આ બાળકનો જવાબ આપવો પડશે. ક્યાં સુધી તે બાળકને છુપાવી શકશે?
બે દિવસ એમ જ વીતી ગયા. નિલાંગ પૂરા બે દિવસ પછી આવ્યો ત્યારે તેણે બાળક માટે ખુશી તો વ્યક્ત કરી પણ આગળની કોઇ વાત ના કરી. હમણાં અઠવાડિયું આરામ કરવાની સૂચના આપી નીકળી ગયો. ચંદા સમજી ગઇ કે તેને હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી. તે પ્રેમ કરીને ફસાઇ ગયો હોય એવું અનુભવી રહ્યો છે. ચંદાને થયું કે નિલાંગે તેને જબરદસ્તી પ્રેમ કર્યો ન હતો. સાથે રહેવાને કારણે અને સમરસિયા હોવાને કારણે એકબીજા સાથે દિલ હળીમળી ગયા હતા. અને એકાંતમાં જે ભૂલ થઇ એ માટે તે એકલો જવાબદાર ન હતો. યુવાનીમાં કોઇનો પણ પગ લપસી જાય છે. છતાં ચંદાને એક વાત ચચરતી હતી કે નિલાંગ તેનાથી ધીમે ધીમે દૂર ભાગી રહ્યો હતો. ચંદાએ નિલાંગ સાથેની પહેલી મુલાકાતથી લઇ આજે થયેલી મુલાકાત સુધીની આખી સફર યાદ કરી લીધી. એ દરમિયાનમાં માયા સાથેની મુલાકાત અને તેનો સ્નેહ-આદર પણ યાદ કરી લીધો. ચંદાએ લાંબું વિચારીને એક નિર્ણય લઇ લીધો.
***
માયા સવારે ઘરેથી આવી અને રોજની જેમ સીધી ચંદાની રૂમ પર ગઇ. માયાએ જોયું કે એક નર્સ ચંદાના બાળકને સાચવીને બેઠી હતી. બાળક મીઠી નીંદરમાં હતું. માયાને જોઇ નર્સ ઊભી થઇ ગઇ. માયાએ ચંદા વિશે પૂછ્યું એટલે નર્સ કહેવા લાગી કે સવારે કોઇને મળવા જઉં છું એમ કહીને થોડીવાર માટે બાળકને સાચવવા કહી ગઇ છે.
માયાએ તેને સૂચના આપી કે ચંદા આવે કે તરત જાણ કરજે.
એક પછી એક કલાક વીતતા રહ્યા પણ ચંદા આવી નહીં. બાળક ઊંઘતું હતું ત્યાં સુધી ખાસ વાંધો આવ્યો નહીં. પણ જાગ્યું એટલે રડવાનું શરૂ કરી દીધું. માયા દોડી આવી. તેણે બાળકને છાનું કર્યું. માયાને થયું કે ચંદા કોને મળવા ગઇ હશે? તેના કોઇ સગાને મળવા ગઇ હશે? તેના કાકાનો પરિવાર છે પણ તેણે ક્યારેય એમના વિશે વાત કરી ન હતી. ઘણા કલાકો થયા. બપોરની સાંજ થવા આવી પણ ચંદા પાછી ફરી નહીં. માયાને થયું કે પોલીસમાં તેના ગૂમ થવાની ખબર આપવી જોઇએ. એ પહેલાં તે ચંદાની રૂમ પર આવી. અને નર્સને બોલાવી. "લીના, ચંદા તને આ બાળક સાચવવાનું કહી ગઇ ત્યારે તે એકલી ગઇ કે કોઇ આવ્યું હતું?"
લીનાએ પોતાને માહિતિ હતી એ કહી દીધી."બેન, સવારે હું અહીં આવી ત્યારે ચંદા તૈયાર થઇને બેઠી હતી. મને જોઇને કહ્યું કે બાળકને સાચવજે. મારે થોડું કામ છે એ પતાવીને આવું છું. તે હાથમાં કપડાંની થેલીઓ લઇને નીકળી. મને એમ કે કપડાં ઇસ્ત્રી કરાવવાના હશે કે બીજું કંઇ કામ હશે એટલે મેં હા પાડી. તે બાળકના માથા પર હાથ ફેરવીને જવા માટે સડસડાટ નીકળી ગઇ.
માયાએ રૂમમાં નજર ફેરવી તો તેને ચંદાના કપડાં ના દેખાયા. તેનું પાકીટ પણ ન હતું. માયાને કંઇક ગંધ આવવા લાગી. તેણે ચંદાના ખાટલા પર નજર નાખી. બાળકના બધા કપડાં બાજુમાં ગોઠવીને મૂક્યા હતા. અને ઓશીકા નીચે નોટબુક હતી. તેણે નોટબુક લઇને પાનાં ફેરવ્યા. બીજા જ પાના પર તેને સંબોધીને થોડા વાક્યો લખેલા હતા.
"માયાબેન, મારે તમારો આભાર માનવા ઘણું લખવું હતું. પણ અત્યારે સમય નથી. મને માફ કરજો. હું મારું બાળક કાયમ માટે આપને સોંપીને જઇ રહી છું. હવે પછી આ બાળક તમારું ગણાશે. હું બાળક આપને દત્તક આપી જઉં છું. એને આપનું જ બાળક માનીને તેનો ઉછેર કરશો. આજથી આ બાળક આપની અનામત છે."
માયાએ બીજું પાનું ફેરવ્યું તો ચંદાએ સહી વગર લખ્યું હતું કે"હું પ્રેમમાં આંધળી બની હતી પણ અહીં આવીને મારી આંખો ખૂલી ગઇ એ બદલ તમારી આભારી છું. આશા છે કે મને માફ કરી દેશો."
માયાએ બાળકને પોતાના હાથમાં લઇ છાતીસરસું ચાંપી લીધું. માયાના દિલમાં માતૃત્વનું ઝરણું વહેવા લાગ્યું.
માયા બાળકને લઇ ઘરે પહોંચી ત્યારે નિલાંગ આવી ગયો હતો.
માયાના હાથમાં બાળક જોઇ નિલાંગ આશ્ચર્યથી બોલ્યો:"ચંદાનું બાળક રમાડવા લઇ આવી?"
માયા શાંત સ્વરે બોલી:"ના નિલાંગ, ઉછેરવા લાવી છું. આજથી ચંદાનો આ ચાંદ આપણા ઘરને અજવાળશે. ચંદા આ બાળક મને દત્તક આપીને આ શહેર છોડી ગઇ છે."
નિલાંગને આંચકો લાગ્યો. ચંદા એકસાથે બે કામ કરી ગઇ. માયાની ગોદ ભરી દીધી અને જે કારણે હું માયામાંનો રસ ગુમાવી બેઠો હતો એ કારણને મીટાવી ગઇ. નિલાંગ મનોમન ઓઝપાયો અને સ્વગત બોલ્યો. ચંદા, મને માફ કરી દેજે. મારા કારણે તારી જિંદગી.....
નિલાંગ વર્ષો પછી માયાને પ્રેમથી ભેટી પડ્યો અને પોતાના બાળકને નીરખી રહ્યો.
બાળકને હાથમાં ખુશીથી ઝૂલાવતી માયા પણ સ્વગત બોલતી હતી. ચંદા, મને માફ કરી દેજે, મારે મારા પતિના બાળકને આ દુનિયામાં લાવવું હતું એટલે તને જૂઠું કહ્યું હતું કે ગર્ભપાત થઇ શકે એમ નથી. નિલાંગની તારા માટેની ભલામણ અને તેની વાતોમાં તારા પ્રત્યેની લાગણી પછી અનેક સંકેત મળતા રહ્યા હતા. મને અંદાજ આવી ગયો હતો કે તારી કૂખમાં અમારા પરિવારનો વારસ ઉછરી રહ્યો છે. એટલે મેં તેની જવાબદારી લઇ લીધી હતી. અમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે હું તારી આભારી છું.
સમાપ્ત.