આંધળો પ્રેમ
રાકેશ ઠક્કર
પ્રકરણ-૧
પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો ખ્યાલ જ ના રહ્યો. પહેલા દિવસે પી.એચડી.ની એક વિદ્યાર્થીની તરીકે નિલાંગ સાથે મુલાકાત કરી અને પછી તો એ તેને જીવનમાં સર્વસ્વ માનવા લાગી હતી. તે એટલે સુધી પ્રેમમાં આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. ચંદા નિલાંગની પ્રતિભાથી અંજાઇ ગઇ હતી. અને તેને પોતાનું દિલ દઇ બેઠી હતી. પણ એ કારણે જીવનમાં કેવા ઉતાર- ચઢાવ આવવાના છે તેનો એને ખ્યાલ ન હતો.
૧૯૯૮ ની સાલનો એ સમય હતો. ગ્રામ્ય વિસ્તારની એક સામાન્ય છોકરી પી.એચડી. કરી શકશે એવું કોઇએ વિચાર્યું ન હતું. બારમા ધોરણમાં અવ્વલ આવ્યા પછી ચંદા વધુ ભણવા માટે અમદાવાદ પોતાના કાકાના ઘરે આવી હતી. નાનપણમાં એક અકસ્માતમાં માતા-પિતાને ગુમાવનારી ચંદાને ગામમાં પોતાના ફોઇનો સહારો મળ્યો હતો. વધુ અભ્યાસ માટે મહાનગરમાં જવાનું તેના ફોઇએ જ કહ્યું હતું. તેના કાકા કમલકાંતને ફોઇએ મુશ્કેલીથી મનાવ્યા હતા. ચંદા તેમના ઘરે રહીને ભણે એ માટે તેના કાકાનો પરિવાર જલદી તૈયાર થયો ન હતો. તેઓ અનાથ અને યુવાન છોકરીની જવાબદારી લેવા તૈયાર ન હતા. પરંતુ મોટાભાઇ પ્રત્યેની લાગણીને કારણે છેવટે રાજી થયા હતા. ચંદાને ખબર હતી કે કાકાના ઘરે રહીને ભણવાનું એટલે સામે પૂરે તરવાનું હતું. તેમના ઘરના કોઇને નારાજ કરવાનું પાલવે એમ ન હતું. તેણે ભણવાની સાથે તેમના ઘરના કામકાજની જવાબદારી પણ ઉઠાવી લીધી હતી. તે મોડી રાત સુધી જાગીને પોતાનો અભ્યાસ પૂરો કરતી હતી. ખૂબ મહેનતથી પી.એચડી.માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે તેને જાણવા મળ્યું કે પ્રોફેસર નિલાંગના માર્ગદર્શનમાં પી.એચડી કરવાનું છે ત્યારે તેને તેમના વિશે કોઇ જાણકારી ન હતી. પરંતુ સાંભળવા મળ્યું હતું કે તેઓ સરળ સ્વભાવના છે અને ખૂબ જ્ઞાની છે. તેમની સાથેની વારંવારની મુલાકાતોથી તે તેમને વધુ જાણવા લાગી. ઘણી વખત મોડે સુધી કોલેજમાં રોકાવાનું પણ થવા લાગ્યું. ક્યારેક એક જ વાત ઉપર કલાકો સુધી ચર્ચા થતી. નિલાંગ હવે પોતાનો વધુ સમય ચંદા સાથે ગાળવા લાગ્યો. ક્યારેક તો પત્ની માયાનો ફોન આવતો ત્યારે ખ્યાલ આવતો કે ઘણું મોડું થઇ ગયું છે.
નિલાંગને પણ ચંદામાં રસ પડવા લાગ્યો હતો. તેની જીવન કહાણી સાંભળ્યા પછી નિલાંગને તેના પર દયા આવી હતી. અને તેની ભણવાની લગનને દાદ આપી હતી. હવે બંને એકબીજાને નજીકથી ઓળખવા લાગ્યા હતા. છતાં નિલાંગે પોતાના લગ્નજીવનની બધી વાત ચંદાથી છુપાવી હતી. ફક્ત એટલું જ કહ્યું હતું કે તેમનું લગ્ન એક વિધિ હતી. નિલાંગના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. માયા ડોક્ટર હતી એટલે બંનેના પરિવારોએ એકબીજા માટે પાત્ર યોગ્ય હોવાની મહોર મારી હતી. નિલાંગે એક જ વખત માયા સાથે મુલાકાત કરી હતી. તે એકદમ સુંદર તો ન હતી પણ તે પોતાના સાહિત્ય રસને કારણે તેનામાં આંતરિક સુંદરતા ચાહતો હતો. થયું એવું કે નિલાંગ અને માયા લગ્નના બંધનમાં તો બંધાઇ ગયા પણ મનથી એકબીજા સાથે જોડાઇ શક્યા નહીં. બંનેનો સ્વભાવ અલગ હતો. બંનેના શોખ જુદા હતા. અભ્યાસના વિષય જુદા રહ્યા હતા. માયાને મેડીકલ ક્ષેત્રમાં રસ હતો જ્યારે નિલાંગ સાહિત્યનો જીવ હતો. બંનેના વિચારો કોઇ રીતે મળતા ન હતા. બંને સમજુ હતા એટલે એક ઉકેલ શોધી કાઢ્યો હતો. કોઇએ કોઇની વાતનો વિરોધ ના કરવો. અને લગ્નજીવનને આપમેળે ચાલવા દેવું. પણ જ્યારે સંતાન થાય એવી કોઇ શક્યતા ના દેખાઇ ત્યારે બંને વચ્ચેની દૂરી વધી. માયા પોતે ડોક્ટર હતી એટલે તે બહુ જલદી સમજી ગઇ હતી કે બાળક થવાની શક્યતા ઓછી છે. નિલાંગે પણ આ વાત સ્વીકારી લીધી હતી. પરિવારના સભ્યો બાળક માટે આધુનિક સારવાર લેવાનું દબાણ કરતા હતા પણ બંને શારિરીક સમસ્યા દૂર થવાનું ગાજર લટકાવી તેમને ટાળતા રહેતા હતા. માયાએ પોતાનું ક્લીનીક ખોલ્યું હતું એટલે તે ક્લીનીકમાં જ વ્યસ્ત રહેવા લાગી હતી. નિલાંગ પણ કોલેજ અને લાઇબ્રેરીમાં સમય ગાળતો હતો.
પ્રોફેસર નિલાંગ પ્રેમની બાબતે કોરો જ હતો. ચંદાના આગમન પછી તેના દિલમાં ધીમે ધીમે પ્રેમની કળીઓ ફૂટવા લાગી હતી. તેને લાગતું રણમાં જાણે લીલોતરી ઉગી રહી હતી. તે થોડો બદલાયો હતો. તેનામાં અનેકવિધ રંગ ભરાવા લાગ્યા હતા. તેનો સફેદ રંગ જેવો શાંત સ્વભાવ હવે રંગીન બની રહ્યો હતો. ક્યારેક ચંદા સાથે કોઇ બાબતે ચર્ચા કરતી વખતે તે ખીલી ઉઠતો હતો. તેની હાજરીથી તેના દિલમાં વસંત ખીલી ઉઠતી હતી. ક્યારેક ચંદાના હાથનો સ્પર્શ થઇ જાય તો રોમાંચ અનુભવાતો હતો. હવે તો તેની ગેરહાજરીમાં પણ તેના જ વિચાર આવતા હતા. બીજી તરફ ચંદાના દિલમાં પણ નિલાંગનું નામ ધડકન બનીને ગુંજવા લાગ્યું હતું. તે ઘરે મોડી જતી હતી. તેના કાકાના ઘરના સભ્યો જાણતા હતા કે પી.એચડી કરી રહી હોવાથી વિષય પર ઘણું સંશોધન કરવાનું રહેતું હોય છે. અને પોતાના પરિવારની છોકરી પી.એચડી કરી રહી હોવાનું ગૌરવ પણ તે અનુભવી રહ્યા હતા. ત્યારે તેમને ખબર ન હતી કે ચંદા પ્રેમમાં પણ સંશોધન કરી રહી છે. એક દિવસ ચંદાને પી.એચડીના સંશોધન માટે બે દિવસ એક ઐતિહાસિક શહેરમાં જવાનું થયું ત્યારે તેમણે થોડી આનાકાની સાથે કાળજી રાખવાની શરતે રજા પણ આપી. ચંદાએ નિલાંગ સાથે બે દિવસની ટૂર કરી એમાં તેની વધુ નજીક આવી ગઇ. હવે તે નિલાંગની અંતરંગ મિત્ર બની ગઇ હતી. બંને વધુને વધુ સાથે સમય ગાળવા લાગ્યા હતા. કોલેજમાં દબાતા સૂરે બંનેની મૈત્રી ચર્ચાવા લાગી હતી. અને વાતો થતી હતી કે પી.એચડી. તો સાથે રહેવાનું બહાનું છે. પરંતુ બંનેને એની કોઇ ફિકર ન હતી.
અચાનક એક દિવસ કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર ચંદા આવી નહીં. નિલાંગે બહુ રાહ જોઇ. આખો દિવસ બેચેનીમાં ગયો. પહેલી વખત નિલાંગને થયું કે તેને કોઇ અભાવ સાલી રહ્યો છે. માયાની ગેરહાજરીને કારણે તેને ક્યારેય આવી લાગણી થઇ ન હતી. તેનું મન જાતજાતના વિચારો કરવા લાગ્યું. પહેલાં તો તે માંદી હોવાનો વિચાર આવ્યો. પણ પછી તેને થયું કે ગઇકાલે તો સાજીસમી હતી. તેને એક વખત તેના કાકાના ઘરના નંબર પર ફોન કરવાની ઇચ્છા થઇ આવી. પણ યોગ્ય નહીં લાગે એમ વિચારીને તેની રાહ જોવા લાગ્યો. એમ કરતાં બે દિવસ વીતી ગયા. તેને એવી શંકા ગઇ કે લોકોની વાતોથી ડરીને અભ્યાસ અધૂરો તો છોડી નહીં દે ને? તે વધુ બેચેન બની ગયો. અને આજે સાંજ સુધીમાં તે ન આવે તો તેના ઘરે જઇ તપાસ કરવાનું નક્કી કરી લીધું. બપોરે કોલેજ છૂટી અને તે પોતાની રૂમમાં આવીને બેઠો ત્યાં જ ચંદા દેખાઇ. તેનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. કોઇ શાયરે પ્રિયતમા લાંબા સમય પછી મળે અને ઉત્સવ જેવું લાગે એવી શાયરી લખી હતી એ તેને યાદ આવી ગઇ. તેનો ચહેરો ખીલી ઉઠ્યો. ચંદાના આવતાની સાથે જ નારાજ નિલાંગે અધિકારપૂર્વક સવાલોની ઝડી વરસાવી દીધી. ચંદાએ અચાનક ફોઇની તબિયત બગડતા ગામ જવું પડ્યું તેની આખી વાત શાંતિથી કહી ત્યારે નિલાંગ તેને વધુ કંઇ કહી શક્યો નહીં. પણ એટલી તાકીદ કરી કે હવે પછી આ રીતે અચાનક જવાનું થાય તો કોઇપણ રીતે જાણ કરવાની રહેશે. તે દિવસે નિલાંગે ધરાઇને ચંદા સાથે વાતો કરી.
ચંદા ઘરે એકલી પડતી ત્યારે ક્યારેક વિચારતી હતી કે તે અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા જઇ રહી છે કે પ્રેમમાં પડીને જિંદગી બરબાદ કરી રહી છે? પણ પ્રેમમાં આંધળી બનેલી ચંદાનું દિલ તેને વધારે વિચાર કરવા દેતું જ ન હતું. અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા લાગી હતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી.
એક દિવસ કોઇ બાબતે ગહન વિચારવિમર્શ ચાલ્યો. તેનું લેખન કરવામાં સાંજ થઇ ગઇ તોય ખ્યાલ ના રહ્યો. આખી કોલેજ ખાલી થઇ ગઇ હતી. થોડીવાર પહેલાં પિયુન પણ સિક્યોરીટી ગાર્ડને જવાબદારી સોંપીને રવાના થઇ ગયો હતો. આખી કોલેજમાં નિરવ શાંતિ ફેલાયેલી હતી. ત્યાં નિલાંગને ચંપલનો ધીમો અવાજ સંભળાયો. તે સતત મોટો થતો ગયો. તેને યાદ આવ્યું કે માયાનો ફોન હતો. તે આજે ક્લીનીકથી મોડી નીકળવાની હતી. અને તેણે તેની સાથે એક સંબંધીને ત્યાં જમવા જવાનું હતું. માયા ચંદાને અત્યારે પોતાની સાથે જોઇ જશે તો શું પ્રત્યાઘાત આપશે એ વિચારને દાબી દઇ ચંદાને ક્યાંક સંતાડી દેવાનો વિચાર ઝબકી ગયો. પણ ચંપલનો ધ્વનિ એકદમ નજીક આવી ગયો હતો. એટલે કંઇક વિચારીને તેણે પોતાની રીવોલ્વીંગ ચેર પાછળની તરફ ફેરવી અને પાછળ મૂકેલા પુસ્તકોના રેકમાં નીચે ઝૂકીને પુસ્તક શોધવાનો ડોળ કરવા લાગ્યો.
માયાએ અધખૂલા દરવાજાને ધક્કો માર્યો. અને અંદર નજર કરી તો નિલાંગ દેખાયો નહીં. કોઇ છોકરી ટેબલ પર ઊંધું ઘાલીને લખી રહી હતી. તે દરવાજાના કિચૂડાટથી ચમકીને માથું ફેરવી તેની સામે જોવા લાગી. છોકરીના ચહેરા પર વાળની લટો આવી ગઇ. માયાની નજર નિલાંગને શોધી રહી હતી. ચંદાને ખ્યાલ આવી ગયો કે આ નિલાંગની પત્ની માયા જ હશે. શું બોલવું એ જ તને સમજાયું નહી. ખુરશી પર વળીને પુસ્તક શોધતો નિલાંગ પણ સ્થિર થઇ ગયો હતો. બોલવાની કોણ શરૂઆત કરે એ કોઇને સમજાતું ન હતું. રૂમની શાંતિ ભારેખમ બની રહી હતી ત્યારે....
વધુ હવે પછી....