Aandhado Prem - 7 books and stories free download online pdf in Gujarati

આંધળો પ્રેમ 7

આંધળો પ્રેમ

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

ચંદાને થયું કે તે કુંવારી મા બનવાની પળોજળમાંથી છૂટવાનું વિચારી રહી હતી ત્યારે માયાએ તેને જે સમાચાર આપ્યા એ હેરાન કરનારા હતા. તે મા બનવા માગતી હતી પણ ચોરીછૂપીથી નહીં. એક પરિણીત સ્ત્રીના સમ્માન સાથે માતૃત્વ ધારણ કરવા માગતી હતી. પોતાની એક ભૂલને કારણે તે ક્યાં અને કેવા સંજોગોમાં આવીને ઊભી હતી. તેને નિલાંગ પર એ વાતનો ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે પોતાની પત્ની પાસે તેને મોકલી હતી. પોતે પણ કેવી ગાંડી કે પછી ભોળી હતી કે પ્રેમીની પત્નીની મદદ લેવા તૈયાર થઇ ગઇ. ચંદાને સમજાતું ન હતું કે તે શું કરશે.

ચંદાને હિબકે હિબકે રડતાં જોઇ માયા તેની ખુરશી પરથી ઊભી થઇ અને ચંદા પાસે ગઇ. તેને પોતાની બાથમાં લઇ માથા પર હાથ ફેરવતાં લાગણીથી આશ્વાસન આપતા બોલી:"ચંદા, તારા બાળકને જન્મ અપાવવાની બધી જવાબદારી મારી. તું કોઇ વાતની ચિંતા ના કરીશ. મને આજથી તારી મોટી બહેન માની લે. તું એમ ના માનતી કે હું તારા પર કોઇ અહેસાન કરી રહી છું. આફતમાં આવી પડેલી સ્ત્રીને મદદ કરવાનો મારો ધર્મ બજાવી રહી છું. તારા બાળકને જન્મ આપવા સુધી તું મારા ક્લીનીક પર જ રહેશે. તને કોઇ વાતની તકલીફ પડશે નહીં."

માયાની વાત સાંભળી ચંદાનું રુદન અટકી ગયું. તે અહોભાવથી માયાને આભારવશ નજરે જોઇ રહી. તેને માયામાં કોઇ દેવીના દર્શન થયા. કોઇ અપરિચિત સ્ત્રી પોતાને આટલી બધી માનસિક શાંતિ આપશે એની ચંદાએ કલ્પના જ કરી ન હતી. હવે તે મનોમન નિલાંગનો આભાર માનવા લાગી. આજે તે તેની પત્નીની દર્દી ના હોત તો કેવી રીતે બાળકને જન્મ આપી શકત એ વિચારતાં જ કમકમા આવી જાય એમ હતું. ચંદાએ આંસુ લૂછી નાખ્યા. તેના ચહેરા પર ચિંતા અને ડરને બદલે હળવાશ અને શાંતિના ભાવ હતા. તે બે હાથ જોડી માયાનો આભાર માનતા બોલી:"બહેન, તમે તો મને નચિંત કરી દીધી. તમારું આ ઋણ હું કયારે ચૂકવી શકીશ?"

"જો આમ અહેસાન ને ઋણની વાત નહીં કરવાની. બહેન માનતી હોય તો આવું કંઇ વિચારતી નહીં...ચાલ હવે ઘરે જઇને તારો બધો સામાન ક્લીનીક પર લાવવાની તૈયારી કરવા માંડ. અહીં નર્સના ક્વાર્ટરમાં તને રહેવાની સગવડ કરી આપું છું. ક્લીનીકમાં નાનું – મોટું કામ પણ કરજે અને તારું પીએચડીનું વાંચન-લેખન કરતી રહેજે એટલે સમય ક્યાં પસાર થઇ જશે તેનો તને ખ્યાલ પણ નહીં રહે...."

ચંદા આંખોથી આભાર માની માયાની ક્લીનીક પરથી નીકળી કાકાના ઘરે જવા નીકળી. માયાએ તેના માટે બધી વ્યવસ્થા ગોઠવી આપવાનું કહ્યું એટલે તે હળવીફુલ જેવી થઇ ગઇ હતી. પણ માયાએ તેના પર આટલું મોટું અહેસાન કેમ કર્યું એવો પ્રશ્ન પણ ચમકી ગયો. તેણે એ વાતને બાજુ પર મૂકી કાકાને ત્યાં જઇ કેવી રીતે વાત કરવી તેનું મનમાં ગોઠવી પણ કાઢ્યું.

ઘરે પહોંચીને ચંદાએ રોજીંદું કામકાજ કર્યું અને રાત્રે ઘરના બધા સભ્યો ભેગા થયા ત્યારે પીએચડી માટે એક ક્લીનીક પર રહીને સંશોધન કરવાની જરૂર પડી હોવાથી થોડો સમય ત્યાં રહેવા જવાની વાત કરી. ચંદાએ ચાલાકીથી કોઇ ચોક્કસ સમયનો ઉલ્લેખ ના કર્યો. સંશોધન પૂર્ણ થાય પછી પાછા આવવાની વાત કરી. કમલકાંત કાકાએ તેને અભ્યાસ માટે સરળતાથી પરવાનગી આપી દીધી એટલે એક મોટો કોઠો પાર થઇ ગયાનો તેને આનંદ થયો. હવે નિલાંગ સાથે પણ આ વાતની ચર્ચા કરવાની હતી.

રાત્રે તેને એક તરફ મા બનવાની ખુશી હતી. તો બીજી તરફ નિલાંગને કેવી રીતે સમજાવવો તેની ચિંતા હતી. નિલાંગને મનાવ્યા પછી પણ કુંવારી માતા બનવાનું સરળ ન હતું. તે ઘણી વખત અખબારોમાં વાંચતી હતી કે કુંવારી માતા બનનાર યુવતીએ બાળકને કચરાપેટીમાં નાખી દીધું. પોતાનું બાળક અખબારમાં "ધૂલ કા ફૂલ"ની હેડલાઇન નહીં બને એ તો એણે નક્કી કરી લીધું હતું. સમાજમાં આ વાત બહાર ના આવે એ માટે સાવધ રહેવાનું હતું. બાળકના જન્મ પછી પોતે ક્યાં જશે? એ તો હજુ વિચારવાનું જ બાકી હતું. અત્યારે તો બાળકને જન્મ આપવા બાબતે જ વિચારવાનું હતું.

બીજા દિવસે સવારે તે વહેલી ઊઠી ગઇ. અને પોતાનો બિસ્તરો તૈયાર કરવા લાગી. કાકીએ તેને ઘણી મદદ કરી. જીવન જરૂરી કેટલીક વસ્તુઓ ઘરમાંથી આપી. કાકાએ તેને થોડી રોકડ રકમ આપી. તે વધુ નમી શકે એમ ન હતી એટલે અડધી વાંકી વળીને કાકા-કાકીના આશીર્વાદ લીધા. ચંદા વિચારી રહી કે તે હવે પાછી આ ઘરમાં આવી શકશે? આજે તેનો આ ઘરમાં છેલ્લો દિવસ છે. નિયતિ તેને ક્યાં લઇ જશે એની કોઇને ખબર ક્યાં હોય છે. તેની આંખમાંથી ટપટપ બે આંસુ સરી પડ્યા. કાકીએ તેને બાથમાં લઇ માથા પર હેતથી હાથ મૂકી આશીર્વાદ આપ્યા. એમને પણ એવું લાગી રહ્યું કે આજે તેઓ જાણે દીકરીને વળાવી રહ્યા છે. ભલે તેની સાથે ખાસ લાગણીથી જોડાયેલા ન હતા પણ છોકરીને એકલી મોકલતા તેમનો જીવ ચાલતો ન હતો. કાકીએ તેને અનુકૂળતાએ બે-ચાર દિવસે મળવા આવી જવાનું કહ્યું. પણ ચંદા કહી ના શકી કે તે બેજીવી હોવાથી હવે આવી શકશે નહીં. ચંદાને ખબર હતી કે તે થોડા દિવસ સુધી તેમને મળવા નહીં આવે એટલે તેઓ જ તેને શોધતા આવી જશે. અને બધી વાત બહાર આવી જશે. એટલે ચંદાએ ઘરમાં ક્લીનીકનું સરનામું જ ખોટું આપ્યું હતું. શહેરમાં તેનો પત્તો મળવાનો ન હતો એનો એમને અત્યારે અણસાર પણ આવે એમ ન હતો. એટલે તેણે વાતવાતમાં એમ પણ કહી દીધું કે અભ્યાસ માટે બીજા શહેરમાં કે વિદેશમાં પણ જવાનું થઇ શકે છે. એટલે તે આવી ના શકે તો ચિંતા ના કરતા.

તે ઘરમાંથી નીકળી અને રીક્ષામાં બેઠી પછી એમ લાગ્યું કે તેની આસપાસ એક હૂંફનું અદ્રશ્ય કવચ હતું એ હવે ઓગળી રહ્યું છે. મનથી તે ઘર છોડવાનું દુ:ખ અનુભવવા લાગી. આજથી તેની જિંદગીની એક નવી જ સફર શરૂ થતી હતી. માનસિક રીતે તે પોતાને સજ્જ કરી રહી હતી. હવે પછીનો સમય તેની ઘણી કસોટી કરવાનો હતો.

ચંદા ક્લીનીક પર પહોંચી ત્યારે માયા આવી ગઇ હતી. ચંદાને થોડી નવાઇ લાગી. અને માયા તેના માટે રૂમ તૈયાર કરાવી રહી હતી એ જોઇને વધારે આશ્ચર્ય થયું. ચંદાને લાગ્યું કે નિલાંગે તેની ઘણી ભલામણ કરી હશે. એ સિવાય માયા આટલી બધી વ્યવસ્થા કરે એવી લાગતી નથી. જે હોય તે પણ પોતાની બધી જ સમસ્યાઓ હળવી થઇ ગઇ હતી. હવે તે નિરાંતે બાળકને જન્મ આપી શકશે.

માયાએ ચંદાને હેતથી આવકાર આપ્યો. માયાએ તેને તેની રૂમ બતાવી. નાનકડી રૂમમાં એક વ્યક્તિ માટે રહેવાની બધી જ વ્યવસ્થા હતી. ભલે તેને એક નાની દુનિયામાં જીવવાનું હતું પણ દુનિયાથી છુપાઇને બાળકને જન્મ આપવા માટે આ જગ્યા યોગ્ય હતી. માયા બોલી:"ચંદા, તારે અહીં જ રહેવાનું છે. તારી ડોક્ટરી સારવારની તો તારે ચિંતા કરવાની જ નથી. એ બધું હું સંભાળી લઇશ. એ સિવાયની કંઇપણ જરૂરિયાત હોય તો શરમ કે સંકોચ વગર જણાવજે. તું તારા ઘરે જ ડીલીવરી માટે આવી છે એવું માનજે..."

ચંદાને સમજાતું ન હતું કે તે કયા શબ્દોમાં માયાનો આભાર માને. ચંદાની વ્યવસ્થા જોઇ લીધા પછી માયા પોતાના ક્લીનીકમાં જતી રહી.

ચંદાને થયું કે હવે નિલાંગને મળીને બધું જણાવી દેવું જોઇએ. માયાએ ગઇકાલે તેને વાત કરી દીધી હશે કે ચંદા પોતાની નિગરાનીમાં બાળકને જન્મ આપવાની છે. આમ પણ નિલાંગને કોલેજમાં મળવાનું શક્ય ન હતું. એટલે બહાર જ મળવાનું વિચારવા લાગી. ચંદાએ કપડા બદલવા દરવાજો બંધ કર્યો હતો. અને વિચારમાં જ ખોવાયેલી બેઠી હતી. ત્યાં દરવાજે ટકોરા પડ્યા. ચંદા મનથી સ્વસ્થ થઇ અને દરવાજો ખોલ્યો. જોયું તો માયા સાથે નિલાંગ ઊભો હતો. તેને પોતાની આંખ પર વિશ્વાસ ના આવ્યો. માયા પોતાના પતિને લઇ તેને મળવા આવી હતી.

માયા બોલી:"ચંદા, તારી ખબર પૂછવા તારા સાહેબ આવ્યા છે! તારા અભ્યાસનું જે પૂછવું હોય એ પૂછી લેજે. મેં એમને વાત કરી છે કે એનાથી હવે બહાર બહુ જઇ શકાશે નહીં એટલે અહીં આવીને માર્ગદર્શન આપજો... તમે બેસો હું પેશન્ટ જોવા જઉં છું...." માયા સડસડાટ નીકળી ગઇ.

માયા ગઇ એટલે નિલાંગે સવાલોની ઝડી વરસાવી દીધી. "ચંદા, આ બધું શું છે? તું બાળકને જન્મ આપવા તૈયાર કેમ થઇ ગઇ? કોને પૂછીને તેં નિર્ણય કર્યો? અને માયાએ કેમ બધી જવાબદારી ઉપાડી લીધી?"

ચંદા કહે:"નિલાંગ, માયાએ તને કહ્યું જ હશે કે બીજો કોઇ રસ્તો નથી..."

નિલાંગ ઉકળી ઉઠ્યો.:"ચંદા, માયાએ તને કહ્યું અને તેં માની લીધું. અરે! ઘણા ડોક્ટરો છે જે ગર્ભપાત કરી આપે છે. આપણે આ બાળકને જન્મ નથી આપવાનો. ચાલ તું મારી સાથે. આપણે બીજા ડોક્ટરને મળીને બાળકને પડાવી નાખીએ."

"પણ..." ચંદા બોલવા ગઇ.

"પણ-બણ કંઇ નહીં. આ બાળકને કોઇપણ સંજોગોમાં આવવા દેવાનું નથી...." નિલાંગે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો.

ચંદા નવાઇથી નિલાંગને જોઇ રહી. તે બાળકના જન્મથી કેમ ગભરાતો હતો?

વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED