Ek Sapnu books and stories free download online pdf in Gujarati

એક સપનું

“એક સપનું"

હાર્દિક રાવલ

ઉજાગરા થી આંખો સુઝી ગઈ હતી એની, મોટા મોટા કુંડાળા થઈ ગયા હતા એની આંખો ની નીચે. રાત દિવસ જાગી ને એણે એ નવલકથા લખી હતી. એ નવલકથા લખી ને પ્રકાશિત કરવી બુક સ્વરૂપે એ એનું સપનું હતું. એ સપનું કોઈપણ ભોગે પુરુ કરશે એવો એને વિશ્વાસ હતો. એને એવો વિશ્વાસ હતો કે એની આ બુક માર્કેટ માં આવશે ત્યારે તહેલકો મચાવી દેશે, ગુજરાતી સાહિત્ય જગત માં આ બુક એની એક અલગ ઓળખાણ બનાવી દેશે. એના આવા વિશ્વાસ માટે નું કારણ પણ હતું, અને એ એ હતું કે જ્યારે તેણે તેની આ નવલકથા નો પ્લોટ ફેસબૂક પર મુક્યો ત્યારે તેની નવલકથા ના પ્લોટ ની ખુબ ચર્ચા થયેલી. ફેસબુક પર એક અઠવાડિયા સુધી આ જ વાત ખુબ શેર થયેલી અને ચર્ચાયેલી પણ !

અઠવાડિયા સુધી ચાલેલી ચર્ચા અને એના ફેસબુક મિત્રોએ એને લખવા માટે પ્રોત્સાહન આપેલું. તેથી જ તો તેણે એક વરસ પહેલા મળેલી જોબ પણ મૂકી દીધી હતી, જો તે નોકરી કરત તો તે આ નવલકથા બે મહિના માં પુરી નહી કરી શકે એવો તેને ભય હતો. ખુબ મહેનત કરેલી એણે આ બે મહિના માં ! તે લખવા માં એટલો બધો વ્યસ્ત રહેતો કે આખો આખો દિવસ એ પોતાની જાત ને પોતાના રૂમ માં પુરી રાખતો, બે ટાઈમ જમવાનું ભાન પણ ના રહેતું એને.

ઘર થી એ દૂર રહેતો એ આ અજાણ્યા શહેર માં અને જોબ કરતો. મહિને એકાદવાર પોતાના શહેર જતો એ પોતાના માતા પિતા ને મળવા. પરંતુ આ વખતે તો એ બે મહિના થયા તો પણ ઘરે ગયો ન હતો. આ બુક દ્વારા સફળતા મેળવવી એ એનું સપનું મટી હવે જરૂરિયાત બની ચૂક્યું હતું. એટલે જ તો એણે આ હદે પોતાને તકલીફ આપીને આ બુક પુરી કરી હતી. ઘણી વખત એની તબિયત લથડી હતી આ બે મહિના દરમિયાન.

આ સાઈઠ થી પાંસઠ હજાર શબ્દો એટલે એનું સપનું અને એની બે મહિના ની તનતોડ મહેનત. હવે એણે આટલા સમય ના સન્યાસ પછી ફરી ફેસબુક ખોલ્યું અને સ્ટેટ્સ અપડેટ કર્યું.

“આઈ એમ બેક વિથ માય નોવેલ”

એના સ્ટેટ્સ અપડેટ ના થોડા સમયગાળા માં એના પર શુભેચ્છાઓનો મારો ચાલુ થઈ ગયો અને દરેકની વિશ નો તે આભાર વ્યક્ત કરતો પ્રત્યુત્તર આપતો પરંતુ તેની આંખો એ વ્યક્તિઓ ની કૉમેન્ટ શોધતી હતી જે કહેતા કે "એકવાર તું બુક લખી લે પબ્લિશ અમે કરશું".

બે દિવસ થઈ ગયા પોસ્ટ મૂકે પરંતુ તે લોકો તો દેખાયા જ નહી, તેણે ફરી પોસ્ટ મૂકી પણ આ વખતે તેની પોસ્ટ પર પહેલા કરતા પણ ઓછા લોકો દેખાયા. હવે તેનો વિશ્વાસ ડગી ચુક્યો હતો. પરંતુ તે સાવ આવી રીતે હિમ્મત હારવા માંગતો ન હતો. તેણે ન્યૂઝપેપર માં આર્ટિકલ લખતા લોકો ને પોતાની બુક મેઈલ કરી અને વાંચી રિવ્યૂ આપવાનું કહ્યું, પણ કહેવાતા મોટા લેખકો તરફ થી કોઈજ જવાબ સુધ્ધા ન આવ્યો. ત્યારબાદ તેણે પ્રયાશો વધારી દીધા અને પબ્લીશર્સ ની ઓફિસે જવાનું ચાલુ કરી દીધું. ત્યાંથી પણ તેને નિરાશા જ સાંપડી. કોઈએ તેનું લખાણ મુકીને જવાનું કહ્યું તો કોઈએ પહેલા ઓનલાઇન પ્લેટફોર્મ પર લખી થોડું નામ કમાવવાની સૂચના આપી તો ઘણાં લોકોએ તો રીતસર નું તેનું અપમાન કરી નાખ્યું. હવે તે હિમ્મત હારી ચુક્યો હતો. તેની તબિયત લથડી જઈ રહી હતી. તે એક પબ્લિશર ની ઓફિસે થી બહાર નીકળતા જ ત્યાંજ ઢળી પડ્યો.

તેની આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતો. તેની સામે એક સુંદર કહી શકાય એવી પરંતુ ઉંમર માં ચાલીશ વરસ ની આસપાસ ની મહિલા બેઠેલી દેખાઈ. તે ઉભો થવા ગયો પરંતુ તે મહિલા એ તેને સુઈ રહેવા જણાવ્યું. તે એકીટશે તે મહિલા ને જોઈ રહ્યો, ગ્રીન સાડી માં એ મહિલા એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. એમાં પણ એના નીચલા હોઠ નીચેનો નાનકડો તલ એની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતો હતો. તે મહિલાએ આખો દિવસ તેની સાથે રહી ને સેવા કરી અને બીજા દિવસે જયારે તેને રજા આપી ત્યારે તે મહિલા તેને પોતાના ઘરે લઈ ગઈ.

એ મહિલા નું ઘર જોતાં તે કોઈ શ્રીમંત પરીવાર ની હોય તેવું લાગી રહ્યું હતું, ઘરે પહોંચતા જ ડ્રાઈવરે તેને ટેકો આપી ને એક રૂમ સુધી પહોંચાડ્યો. ત્યાં થોડા સમય ના આરામ પછી એ રૂમમાંથી બહાર નીકળ્યો, બહાર તે મહિલા સોફા પર બેઠી તેની બેગ માં રહેલું તેની નવલકથા નું લખાણ વાંચી રહી હતી. તેણે બાજુમાં આવી ને કહ્યું

“બે મહિના ની દિવસ રાત ની મહેનત છે"

પેલી મહિલા હસી અને બોલી ઉઠી "સરસ છે".

મહિલાના વખાણ કરવા છતાં તેના ચહેરા પર હાસ્ય આવવાના બદલે ઉદાસી છવાઈ ગઈ, મહિલા એ આની પાછળ નું કારણ પૂછ્યું. તે પણ આજે બધું કઈ દેવાના મુડ માં હતો તેણે તેની મહેનત અને કરેલી મહેનત પછીની તકલીફ ની વાત દિલ ખોલી ને કહી દીધી, આ વાત કરતા કરતા ક્યારે તેની આંખો માંથી આંસુ આવવા લાગ્યા એનો એને ખ્યાલ જ ના રહ્યો. મહિલા એ તેને સાંત્વના આપી અને હિમ્મત ન હારવા જણાવ્યું. ત્યારબાદ તે પોતાના ઘરે જવા નીકળી ગયો.

ઘરે આવ્યા બાદ પણ તે પેલી મહિલા સાથે ફોનમાં અને મેસેજ થી વાતો કરતો. તે મહિલા તેના કરતા પંદર વરસ મોટી હોવા છતાં તેને તેની સાથે પ્રેમ થઈ ગયા ની અનુભૂતિ થઈ ચુકી હતી. ઘણી વખત તે લોકો બહાર મળતા પણ, તે જયારે તે મહિલા સાથે હોય ત્યારે તેને એક અલગ પ્રકારની લાગણી થતી, તેનું હાસ્ય, તેનો ચહેરો તેની ગેરહાજરીમાં આંખો સમક્ષ આવ્યા રહેતા. તે મહિલા ના રૂપ માં પાગલ થઈ ચુક્યો હતો. તેને પ્રેમ થઈ ગયો હતો પણ તે તેને જણાવી પણ શકતો ન હતો.

બીજો એક મહિનો વિતી ચુક્યો હતો, નોકરી છોડી ચુક્યો હોવાથી હવે તેની પાસે રહેલી બચત પણ વપરાઈ ગઈ હતી. બીજી કોઈ નોકરી મળી રહી ન હતી પરંતુ તેને ક્યાંક હૃદય ના ખૂણા માં હજી પણ એવો વિશ્વાસ હતો કે એ તેની નવલકથા પ્રકાશિત કરશે.

એક દિવસ એ મહિલાનો તેના પર ફોન આવ્યો અને તેને કોઈ પ્રસંગ પર આમંત્રિત કર્યો. તેણે પ્રસંગ નું કારણ પૂછ્યું તો તે મહિલા એ જણાવ્યું નહી પણ તૈયાર થઈ ને આવવા કહ્યું. તે નિયત સમયે અને નિયત સ્થળે પહોંચી ગયો. શહેર ની સૌથી મોટી હોટેલ માં હતો એ અત્યારે અને ત્યાં મોટીમોટી ગાડીઓ આવી રહી હતી અને તેમાંથી મહેમાનો ઉતરી રહ્યા હતા. તે હોલ માં પહોંચ્યો તે મહિલા ત્યાં મહેમાનો સાથે વાત કરતી હતી, તેણે જોયું હોલ માં એક વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, સ્ટેજ ના પાછળ ના ભાગ માં પ્રોજેક્ટર લગાવવા માં આવ્યું હતું.

તે મહિલા ની નજર તેની સાથે મળતા જ તેનો હાથ પકડી સ્ટેજ પર લઈ ગઈ અને તે મહિલા એ માઈક સંભાળ્યું. તે મહિલા બોલી ઉઠી કે "તમે લોકો પૂછી રહ્યા હતા ને કે આ કોની બુક નું લોન્ચિંગ નો કાર્યક્રમ છે તો આ છે લેખક સાહેબ"

આટલું સાંભળતા જ તેની આંખો ભરાઈ આવી. તે અચરજ ભરી આંખે મહિલા ને નિહાળતો રહ્યો. હવે સ્ટેજ એનું હતું તે મહિલા તેને સ્ટેજ સોંપી ને નીચે ઉતરી ગઈ . તે સ્ટેજ પર થોડીવાર ચૂપ ઉભો રહ્યો પ્રોજેક્ટર માં તેની બુક નું કવર પિક્ચર આવ્યું તે જોઈને તો તેને આ એક સપના સમાન લાગ્યું પરંતુ તે સપનું ના હતું. એક હકીકત હતી. હવે તેણે તેની બુકમાં રહેલી વાર્તા લખવા પાછળ નું કારણ અને તેની પાછળ કરેલી મહેનત લોકોને જણાવી. લોકોએ તેની આ મહેનત ને તાળીઓ થી વધાવી લીધી. પરંતુ તેને હવે તાળીઓ અને આ કાર્યક્રમ પૂરો થવાની રાહ હતી, તેને મળવું હતું એ મહિલાને, ગળે લગાવી છાતી સરસી ચાંપી દેવી હતી, પ્રેમથી કપાળ પર ચુંબન કરવું હતું. પોતાનો પ્રેમનો ઇઝહાર કરવો હતો.

પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ધીમે ધીમે માણસો ઓછા થવા લાગ્યા. તેને એકાંત મળ્યો અને તેની આંખો એ મહિલા ને ગોતવા મંડી પણ તે મહિલા ક્યાંય પણ દેખાઈ નહી. તેણે થોડો સમય રાહ જોઈ એ અપેક્ષા એ કે તે હોટેલ ના હોલ નું પયમેન્ટ કરવા ગઈ હશે અને આવી જશે પણ કલાક વીતી ગયો તે ના આવી. તેણે હોટલ ના રિસેપનિષ્ટ કાઉન્ટર પર તપાસ કરતા માલુમ થયું કે તે હોલ નો તેના નામે બુક હતો અને તેનું ભાડું ચુકવાઈ ગયુ હતું. તેણે તે મહિલા નો ફોન ટ્રાય કર્યો પણ તે નંબર પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તે દોડી ને હોટેલ ની બહાર નીકળી રીક્ષા પકડી તે મહિલા ના ઘરે પહોંચ્યો ત્યાં પહોંચતા તેને માલુમ પડ્યું કે તે મહિલા એ તે ઘર થોડા સમય માટે ભાડે રાખ્યું હતું અને તે ઘર ખાલી કરી જઈ ચુકી હતી. તે નિરાશ થઇ રોડ ની સામેના બાજુ પર આવેલા બાંકડા પર બેસી ગયો. તેણે પછી તેના ઘરે જઈ ને તપાસ કરતા માલુમ થયું કે તે મહિલા પાસે ખુબ સંપતિ છે, તેનો પતિ પાંચ વરસ ના લગ્નજીવન બાદ અકસ્માત માં મૃત્યુ પામ્યો હતો અને ત્યાર થી તે એકલી રહેતી હતી. તે મહિલા ને પણ જયારે લગ્ન થયા ન હતા એ પહેલા લખવાનો શોખ હતો પણ તેને યોગ્ય તક ના મળતા લખવાનું છોડી દીધું હતું અને તે ઈચ્છતી ન હતી કે તેની જેમ આવડત હોવા છતા કોઈ લેખન નો ત્યાગ કરે તેથી એણેજયારે તેને ફેસબુક પર થી આની સ્ટ્રગલ ની ખબર પડી તે મદદ કરવા માટે આ શહેર માં આવી પહોંચી. આના સિવાય તે મહિલા વિશે બીજી કોઈ ઇન્ફોર્મેશન ના મળી.

આજે તેનું એક સપનું સાકાર થયું હતું, તેની બુક પબ્લિશ થઈ હતી, વિશાળ પાયે તેની જાહેરાત થઈ હતી, ન્યૂઝ ચેનલ માં પહેલી વખત કોઈ બુક આવી રીતે લાઈવ પબ્લિશ થઈ હતી અને એ પણ ગુજરાતી. હજારો કોપીઓ છપાઈ ચુકી હતી. ચારેબાજુ આ બુક ની ચર્ચા હતી. ઓનલાઈન બુકિંગ પણ ચાલુ થઈ ગયું હતું અને આટલા મોટા પાયે પબ્લિશ થયેલી બુક ની કલાકો માં હજારો કોપીઓ પણ વહેંચાઈ ગઈ પણ જે વ્યક્તિ ના કારણે આ શક્ય બન્યું તે તેને મૂકી ને ફરી અપરિચિત બની ચુકી હતી. તેની સાથે લગ્ન કરવાનું તેનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. તે મહિલા તેના જીવનમાં એક ફરિસ્તા ની જેમ આવી ને મદદ કરી ને ખોવાઈ ગઈ.

હવે આ વાત ને પણ છ મહિના વિતી ગયા છે તે સફળ લેખક બની ગયો છે, આજ સુધી ગુજરાતી માં કોઈ લેખક ની આટલી બુક વહેંચાઈ પણ ના હતી તેટલી બુક તેની વેંચાઈ ચુકી છે તે બેસ્ટ સેલર બની ચુક્યો છે. તેની પાસે પોતાનું ઘર છે, ગાડી છે અને વારંવાર થતો તે મહિલા ને ગોતવાનો નિષ્ફળ પ્રયાસ છે. તેને હજી પણ ક્યાંક આશા છે કે તે મહિલા આવશે તેના જીવન માં અને તેનું જીવન ફરી જીવંત બની જશે.

~સમાપ્ત~

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED